સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મેહુલા

From Ekatra Foundation
Revision as of 01:19, 5 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. મેહુલા!

ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ’

ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી!
તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા!
હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી, ઓ મેહુલા!
તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોક-સોડ તાણી, ઓ મેહુલા!
તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચુપ જોય,
ચાંચો ઉઘાડી ... બિડાણી ... ઓ મેહુલા!
જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ,
તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!