ગુજરાતી નારીસંપદા : કવિતા/પૃથ્વી

From Ekatra Foundation
Revision as of 03:16, 22 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પૃથ્વી

રેણુકા દવે

કેમેય કરીને
પૃથ્વીની બહાર
એક નાનકડી ઓટલી મળેને બેસવા માટે,
તો,
પૃથ્વીને ખોળામાં લઈને
વ્હાલથી નવડાવી દેવી છે મારે ...

એની ઉઝરડાયેલી ત્વચા પર
સ્નેહભીનો હાથ ફેરવતાં ફેરવતાં,
એની બળતરાને થોડી ઠારવી છે મારે...
એના ગાલો પર
વર્ષોથી સૂકાયેલા આંસુઓના લિસોટાને લૂછી લઈ,
ત્યાં હેતભર્યા ચુંબનો ચોડવાં છે...
યુગો યુગોથી એના હૈયામાં ભરાયેલા,
એનાં લુપ્ત થયેલાં સંતાનોની યાદના ડૂમાની ગાંઠોને
હળવે હળવે સ્નેહપૂર્વક ખોલવી છે મારે...
સૈકાઓથી
એના શરીર પર ડંખ્યા કરતા
સિમેન્ટના ખીલ્લાઓને ખેંચી કાઢી,
ત્યાં લીલોછમ મલમ લગાડવો છે...
ફેન્સીંગ તારથી ટાંકા લઈને સાંધેલી
ને લોહીલુહાણ થયેલી એના શરીરની રેખાઓને,
શાંતિનાં સ્વસ્તિ વચનો વડે પંપાળવી છે...
એના ઘૂંટાતા જતા શ્વાસમાં
પંખીઓના ટહુકાઓથી પ્રાણ પૂરીને
એની જીવનરેખાને
થોડી લંબાવવી છે....

પૃથ્વીની બહાર એક નાનકડી ઓટલી મળે ને.. તો..!!

***