ગુજરાતી નારીસંપદા : કવિતા/કિયા મલકનું તેડું?
Jump to navigation
Jump to search
કિયા મલકનું તેડું?
સોનલ પરીખ
⯐
લયની લહરાતી ભૂમિમાં હાલક-ડોલક નાવ લઈ
હું દરિયા-દરિયા ખેડું
મુજને કિયા મલકનું તેડું?
સાદ અજાણ્યો સૂર અજાણ્યા શબ્દ અજાણ્યા
ક્ષિતિજના ક્યા વળાંક પરથી ઊઠે?
અને ક્યાંકથી હળવે હળવે કંઈ કિનારા ક્યા આભમાં
આંખ માંડતા મને ઉઠાવી ઊડે?
ક્યાં રહસ્યો થઈ હું પોતે ખૂલતી-છૂપતી ક્યાં ને
ફરતું કોણ આ મારી ભેળું
મુજને કિયા મલકનું તેડું?
પંથોના પિંજરની છટકી વણખેડી કેડી પર વીંઝી પાંખ
હવામાં રસ્તાઓ કંડારે
સ્વપ્નોની ચકમકના તણખે કોણ મને આ મારગ ચીંધે
સૂતાં-જાગતાં, અજવાળે-અંધારે?
પાણીમાં હું ઊડું, તરું વાયુમાં, નક્ષત્રોનાં નીતર્યા તેજ
પીઉં ને તમસ યુગોનાં ફેડું
લયની લહરાતી ભૂમિમાં હાલકડોલક નાવ લઈ
હું દરિયા-દરિયા ખેડું
મુજને કિયા મલકનું તેડું?
***