દરિયાપારથી.../વિવિધ શેક્સપિયર

From Ekatra Foundation
Revision as of 01:48, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિવિધ શેક્સપિયર

એવી કોઈ પણ વ્યક્તિ હશે જેને મનોરંજન ગમતું ના હોય? લોકોનાં મન બહેલાવવા માટેનો ઉદ્યોગ દુનિયામાં કદાચ સૌથી મોટો હશે. પણ બુદ્ધિ વાપરવી પડે એવા, કે બુદ્ધિને સંતોષ થાય એવા પ્રયોગો થવાના પણ ઓછા, ને એ જોવા માટેનો ધસારો પણ ઓછો જ હોય. ન્યૂયોર્ક શહેરમાં આમેય વસ્તી વધારે, ને શહેર છે પણ એવું કે એમાં ઠેર ઠેર નૃત્ય, નાટ્ય, અને વિવિધ કળાના પ્રયોગ થતા જ રહેતા હોય; આથી ન્યૂયોર્કમાં લગભગ બધે ધસારો થઈ જ જાય. લગભગ હંમેશાં ગૃહો પણ ભરેલાં જ હોય. અહીં સર્જકોને કલ્પનાના ઉચ્ચ સ્તરે વિહરવાની તક મળતી રહે છે. ક્યારેક કોઈ એક અતિવિશિષ્ટ વ્યક્તિ પણ શહેરને આવી મળે, કે જે સર્જકો માટે આવી તકો ઊભી પણ કરતી રહે. એને આપણે ‘દૈવી મદદગાર’ અથવા ‘દૃષ્ટા’ કહી શકીએ. મારા મનમાં જોસેફ પાપ્પ (Papp) નામની વ્યક્તિ છે, જેમને માટે આ સંબોધનો વાપરવામાં જરા જેટલી પણ અતિશયોક્તિ થતી નથી. હવે તો એ દેવગત, કે “દેવદૂત” થઈ ગયા છે, પણ એમણે શરૂ કરેલા ‘પબ્લિક થિયેટર’ દ્વારા હજી પણ અનેકવિધ પ્રવૃત્તિઓ આ શહેરમાં યોજાતી રહે છે. મૃત્યુનાં થોડાં વર્ષો પહેલાં શ્રીમાન જોસેફે એક બીડું ઝડપ્યું, અને જાહેર કર્યું કે ‘પબ્લિક થિયેટર’ સંસ્થા શેક્સપિયરનાં બધાં જ નાટકો વારાફરતી નાટ્યમંચ પર રજૂ કરશે. આવો મહત્ત્વાકાંક્શી અને સમાજલક્શી નિર્ણય કોઈએ ઇંગ્લૅંડમાં પણ નહીં કર્યો હોય. કોઈ પણ એક થિયેટર પાસે આમ ૩૭-૩૮ નાટક રજૂ કરવાના પૈસા પણ મોજુદ ના હોય, પણ શ્રીમાન જોસેફ જેનું નામ. એમણે એક પછી એક નાટક તૈયાર કરવા માંડ્યાં. દરેકમાં જાણીતાં અમેરિકન કળાકારોને પાત્ર આપ્યાં, ને આ રીતે થોડી લોકભોગ્યતા તો આ નાટકોને આપોઆપ મળતી ગઈ. આ મેધાવી ભદ્રપુરુષના દેહાંત પછી પણ, એમણે શરૂ કરેલી કેટલીક પ્રથાઓ પબ્લિક થિયેટરનાં વહીવટીઓ યત્નપૂર્વક ચાલુ રાખી રહ્યાં છે. શેક્સપિયરનાં નાટકો રજૂ કરવાની એક પ્રથા. અને ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં દર ઉનાળે પ્રજાજનો માટે વિનામૂલ્યે નાટક રજૂ કરવાની તે બીજી પ્રથા. દર વર્ષે એક કે બે વાર આ બંને પ્રથાઓ ભેગી પણ થાય. એટલેકે, ન્યૂયોર્કનાં નાગરિકો, પ્રવાસીઓ, પ્રેમીઓને દર ઉનાળે શેક્સપિયરનું એક નાટક તો વિનામૂલ્યે જોવા જરૂર મળે જ. હા, પ્રવેશના પાસ મેળવવા માટેની લાઈન સવારથી શરૂ થઈ જાય. ફ્રી ખરાં, પણ જોવા મળે તે તો લાઈનમાં ઊભા રહો તો જ. જેમને ટિકિટના પૈસા પોસાતા હોય તેવાં પણ ઘણાં જણ કલાકો આ લાઈનમાં ગાળે. અજાણ્યાં સાથે વાતચીત થાય, કોઈ ઊંઘી જાય, કોઈ વાંચે. મોટા ભાગના લોકો ખાવા-પીવાનું લઈને આવે, ને પિકનિક કરે. જરા પણ ઘોંઘાટ કે ઘાંટાઘાંટ ના થાય. મોટેથી કોઈ રેડિયો પણ ચલાવે નહીં. જેમને મ્યુઝીક સાંભળવું હોય તે કાનમાં કનેક્શન નાખીને સાંભળે. ન્યૂયોર્કના ઉનાળાના દિવસો ખાસ્સા ગરમ હોઈ શકે છે, પણ રાત થતાંમાં સરસ ઠંડક થઈ ઝાય છે. હવામાનમાં ઘણો મોટો ઘટાડો થવો શક્ય છે. વળી, સૂર્યાસ્ત રાતે સાડા આઠ-નવ વાગ્યે થાય, એટલે સાંધ્ય-પ્રકાશ તો તે પછી પણ વધારે એક કલાક રહે. એ સમયે તેજ એવું મૃદુ હોય કે સરીર અને મન પર ફૂલ-ફૂલ જેવું લાગે. નાટકો ભજવાય સેન્ટ્રલ પાર્કમાં આવેલા ડેલાકોર્ટ થિયેટરના રંગમંચ પર. આ થિયેટર બાંધ્યું છે ગ્રીક પદ્ધતિમાં, ને એમાં પગથિયાં ખરાં, પણ બેસવા માટે હવે ખુરશીઓ અને બેન્ચો મૂકેલી છે. જોકે નહીં દીવાલો કે નહીં છાપરું. વરસાદ પડે ત્યારે ક્યારેક તકલીફ થાય. બહુ જ પડે ત્યારે ખેલ કૅન્સલ જ કરવો પડે. નહીં તો છાપાં અને છત્રીઓ ઓઢીને પણ નાટકો જોયાં છે આ ઓપન-ઍર થિયેટરમાં. દરેક રજુઆત અત્યંત મૌલિક રીતે થાય. કોઈ નાટકને યુરોપને બદલે અમેરિકામાં મૂકે, કોઈ નાટકનો સમય બદલીને તદ્દન આધુનિક કરી નાખે, ક્યારેક વેષભૂષા એકદમ મૉડર્ન હોય, ક્યારેક પાત્રવરણી આશ્ચર્ય પમાડે. ઉપરાંત, નાટકની પશ્ચાદભૂને અનુરૂપ ગીત-સંગીત, પોષાક, વર્તન, મંચસુશોભન વગેરે પણ નિયુક્ત થાય. દરેક દિગ્દર્શકની આગવી પ્રતિભા દરેક અનુષ્ઠાનમાંથી છતી થતી જણાય. પરિણામ હરહંમેશ ઉત્તમ જ હોય એમ ના પણ બને, છતાં કહેવું તો પડે કે મૌલિકતા અમેરિકન સર્જનાત્મકતાનું ખૂબ વિલક્શણ એવું એક અંગ છે. આજકાલ અમેરિકામાં દરેક ક્શેત્રમાં બ્લૅક તથા અન્ય લઘુમતીના લોકોને કામ આપવા અંગેની સભાનતા, તેમજ આવશ્યકતા, ખૂબ વધ્યાં છે. તેથી નાટકોમાં જાતજાતના અભિનયકર્તાઓની ભેળસેળ થતી હોય છે. જુદા જુદા રંગના લોકો જોવાની ટેવ તો પડી જ ગઈ છે, પણ અભિનય ઊતરતી કક્શાનો હોય, કે પાત્ર-વરણી બરાબર થયેલી ના હોય ત્યારે જરા નિરાશા પણ થાય, કારણકે કોઈ પણ ક્શતિ કે નબળાઈ ના હોય તેવા ઉત્કૃષ્ટ પ્રયોગો જોવાની ટેવ પણ ન્યૂયોર્ક શહેરમાં પડી ગઈ છે. મોટે ભાગે આકાશ ભૂરું અને સ્વચ્છ હોય, મંદ મંદ પવન વાતો હોય, નાટક ચાલતું હોય ને ઉપરથી વિમાન જતું દેખાય, સંભળાય; તો વળી પૂર્ણચંદ્ર પણ માથા ઉપર ઝગઝગી ઊઠે. સાડા સાતસો પ્રક્શકો ખૂબ ખુશ હોય. પ્રસંગ કેવળ નાટકની રજુઆતનો નહીં, પણ લોકોત્સવનો બનેલો હોય. ન્યૂયોર્ક શહેરમાં અગણ્ય નાટ્યગૃહો છે, ને રોજ રાતે સહેલાઈથી એકસો જેટલાં નાટકો શહેરના નાના-મોટા રંગમંચ પર પ્રસ્તુતિ પામતાં હોય છે. “બ્રૉડવે” તરીકે ઓળખાતા નાટ્ય-પરિસરની શાન અને શોભા તો જગજાહેર છે. ત્યાં ચાલતાં નાટકો મોટે ભાગે ગુણે પ્રશસ્ય હોય, પણ મૂલ્યે આઘાતપ્રદ હોય છે! ટિકિટના દર ખૂબ ઊંચા હોય છે અહીં. પણ અમુક અનુષ્ઠાન જોવાં જ હોય, એટલે ખર્ચાનો આઘાત ખમી લઈએ. આ રીતે, ન્યૂયોર્કમાં રહેતાં રહેતાં, મેં અનેક અસાધારણ નાટકો જોયાં, અને અનેક જાણીતાં અમેરિકન તેમજ યુરોપી અદાકારોનું કામ જોવાનો પણ મોકો મળ્યો. હું તો કહીશ કે આ એક પ્રક્રિયા બનતી ગયેલી, જેને કારણે મારી પોતાની ચેતનાનો આક્શિતિજ જેવો વિકાસ થયો. શેક્સપિયરને વિવિધ રીતે જોવાનું બન્યું ન્યૂયોર્કમાં વસતાં વસતાં. વર્ષો દરમ્યાન ઘણાં નાટકો, ઑપૅરા, ફિલ્મો અને બૅલૅ-નૃત્યના માધ્યમમાં અંગ્રેજ મહાકવિની અસંખ્ય કૃતિઓ જોઈ છે. ઉનાળા દરમ્યાન અહીં કોઈ વાર નદી-કિનારાના પાર્કમાં કોઈ ગ્રૂપ નવીન રીતે રજુઆત કરતું જોવા મળી જાય. એક વાર સેન્ટ્રલ પાર્કના એક ભાગમાં, ઘાસના ઢોળાવો પર નાટક થતું હતું. દરેક દૃશ્ય ઢોળાવ પર, કે કોઈ ઝાડ નીચે, કે ઘાસના ચોગાનમાં ભજવાતું હતું. જોવા ભેગા થયેલા લોકોએ અદાકારોની પાછળ પાછળ જવાનું હતું. ઘણા ઊભાં ઊભાં સંવાદો સાંભળે, ઘણાં ઘાસ પર બેસીને સાંભળે. જુદી જ આ રીત હતી નાટક જોવાની. બીજે-ત્રીજે દિવસે ન્યૂયોર્ક ટાઈમ્સમાં ખાસ ખાસ અનુષ્ઠાનો વિષે વિવેચકોની નોંધ અને અભિપ્રાયો વાંચવાની આતુરતા રહે. એ વાંચીને અનુષ્ઠાન મનમાં વધારે સ્પષ્ટ થતું લાગે. શેકસપિયરના એક નાટકની એક તદ્દન જ જુદી રીતે થયેલી રજુઆત વિષે એક વિવેચકે લખ્યું હતું, એમાં જુદું ઘણું હતું, પણ એવું કશું નહતું જેનાથી શેક્સપિયરને દુઃખ થાય, પણ એમાં એવું ઘણું હતું જેને કારણે એમને ખુશ થઈને નાચવાનું મન થાય!