નારીસંપદાઃ વિવેચન/કૃતિ-પરિચય
અર્વાચીન ગુજરાતી વિવેચનપ્રવાહનું અવલોકન કરતાં ખ્યાલ આવે કે વિવેચનક્ષેત્રે લેખિકાઓનો પ્રવેશ બહુ મોડો થયો. ગાંધીજીએ સ્વાતંત્ર્યપ્રાપ્તિના સંગ્રામમાં બહેનોને પણ સાંકળી એટલું જ નહીં, સ્ત્રીશિક્ષણનો મહિમા કર્યો, પરિણામે સાહિત્ય અને કળા વિશેની અભિરૂચિ તેમ જ સમજ કેળવાઈ. જો કે સર્જનાત્મક સ્વરૂપોમાં બહેનોની સક્રિયતા જેટલી છે તેટલી સાહિત્યવિવેચનમાં નથી. આ સંપાદન લેખિકાઓ દ્વારા થયેલી વિવેચનપ્રવૃત્તિના આચમન માત્ર છે. દરેક વિવેચકનો એક જ લેખ લેવો એવું નક્કી કર્યું હોવાથી પસંદગી ચૂસ્ત રાખવી પડી છે. પરિણામે બીજા કેટલાક ઉત્તમ લેખો બહાર રાખવા પડ્યા છે. કયો લેખ લેવો એ વિશે પણ ખાસ્સી મથામણ ચાલી છે. પરંતુ વિવેચનના સર્વ બિંદુઓને સમાવી લે અને કોઈ પુનરાવર્તન ન થાય એ રીતે લેખોની પસંદગી કરેલી છે. શક્ય છે કે હજૂ કોઈ નામ રહી ગયા હોય. લગભગ બધાંની સંમતિ મળી છે એનો આનંદ છે. આ વર્ષોમાં લેખિકાઓ દ્વારા કેટલાક તો એવા વિવેચનગ્રંથો મળે છે જે કોઈ ને કોઈ રીતે નોંધ માગી લેનારા છે. વિવેચકની સજ્જતાનો એમાં સંતોષકારક હિસાબ મળ્યો છે. કેટલાક પુસ્તકો ઉપલબ્ધ કરાવી આપવા માટે શ્રી અનંત રાઠોડની આભારી છું. મને આ કામ સોંપવા માટે એકત્ર ફાઊન્ડેશનનો હ્રદયપૂર્વક આભાર.
– પારુલ કંદર્પ દેસાઈ