મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧
રમણ સોની
ગુરુપદપંકજને પ્રણમૂં, બ્રહ્મસુતાને ધ્યાઊં,
ગુજર ભાખાએ નલ રાજાના ગુણ મનોહર ગાઊં. ૧
નૈષધ ચંપૂ માહાભારતમાં કવિ કીરતિ અતિ લીધી,
કાલાંને પ્રીછવા ભાલણે ભાખાએ એ કીધી. ૨
સાચા હીરા હેમ જડિયા, વૈભવનો શણગાર;
દુર્બલને તો કાચ કથીરે ભૂખણ હોએ અપાર. ૩
ધનવંત ભૂપતિને ભોજન સરવ સંજોગે થાએ;
નિરધન તિવારાં અતિ આનંદે જાુવાર બાજરી ખાએ. ૪
સિદ્ધિવંતને સપ્ત ભોમનાં મંદિર, ઊંચા આવાસ;
પર્ણકુટિ રેહે સુખ પામે અત દુર્બલ પામી વાસ. ૫
તાલમયે સકલ અર્થપદબાંધે બાંધૂં નલ-આખ્યાન
મૂરખજન મોહો કરવાને ભાલણ કવે અભિમાને. ૬
પુણ્યશ્લોક-કથારસ પીતાં અમૃત ખાટૂં લાગે,
મહા કવિ શૃંગાર વરણવિયો પૂર્વે જે મહાભાગે, ૭
આર્ણિક પર્વ સકલરસબોલો, દૃષ્ટાંતે એ માંડી
ધર્મરાજાને ધીરજ દેવા દેખાડી શમદાંડી. ૮
સંક્ષેપે તે સકલ ગ્રંથનૂં લઈ કેટલૂં હેત
કહીશ કથા હૂં નલરાજાની થોડા માંહે સંકેત. ૯
રખે ચતુર કોએ મૂરખ માને ભાખાબંધ એ દેખી;
સિસુ લડાવતાં માહાકવિ કાલે બોલે મતિ ઉવેખી, ૧૦
તિમ મેં પામરને પ્રીછવા સુગમ કરીને ભાખી,
કથામાત્ર એ નૈષધ રાજાની અપભ્રંશ એ દાખી. ૧૧