અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બીડમાં સાંજવેળા

From Ekatra Wiki
Revision as of 13:12, 5 September 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


બીડમાં સાંજવેળા

ઉમાશંકર જોશી

વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યંુ ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.
હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી—અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન—વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!
બામણા, ૩૦-૧-૧૯૩૩


આસ્વાદ: આશાવાદની અભિનવ અભિવ્યક્તિ — નીતિન વડગામા