ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા-૩
વિધાનની સ્થાપના અને ઉત્થાપનાની રીતિ જે રીતે અનુષ્ટુપલયનો લાભ લે છે તે નોંધપાત્ર છે. એક પ્રકારની સંતુલા વિધાનની સ્થાપના કરતી ઉક્તિ અને તેની ઉત્થાપના કરતી ઉક્તિ વચ્ચે અનુભવાય છે. કવિનું આ છંદોવિધાનકૌશલ મહાકાવ્યના વિશાળ ફલક પર ઘણું કામ આપી શકે એવું છે. ‘આવ્યો છું મંદિરો જોવા’ કાવ્યમાં જે રીતે અનુષ્ટુપની પ્રથમ પંક્તિમાં જ ‘આવ્યો છું મંદિરો જોવા, જોવા દક્ષિણ મંદિરો’માં પદક્રમ યોજાય છે તે અનુષ્ટુપને લાક્ષણિક ગતિ-વળ સમર્પે છે. ઉમાશંકરે અનુષ્ટુપનો છંદોમિશ્રણમાં પણ અવારનવાર પ્રયોગ કર્યો છે. ‘ગંગોત્રી’માં ‘આશા’, ‘કલાનો શહીદ’ અને ‘સર્જકો સૃષ્ટિલીલાનાં’માં અનુષ્ટુપ મિશ્રોપજાતિ સાથે વપરાયો છે. તેમાં ‘કલાના શહીદ’માંના અનુષ્ટુપની વાત આગળ આવી ગઈ. અનુષ્ટુપછંદ ‘ગ્રીષ્મપૂર્ણિમા’માં લયની વૈવિધ્યરસયુક્ત ગતિચ્છટાને સંવાદ-બળ સમર્પે છે. સાતત્યપૂર્ણ એક પંક્તિરૂપે ને શ્લોકોરૂપે અનુષ્ટુપનો પ્રવેશ કાવ્યમાં દેખીતી અનિયતતાથી છતાં કલાગત સંવાદને અનુકૂળ એવો થવાથી તેની ઉપસ્થિતિ આસ્વાદ્ય બની રહે છે, જોકે ‘ગ્રીષ્મપૂર્ણિમા’માંનો અનુષ્ટુપ ન્હાનાલાલીય અનુષ્ટુપની યાદ આપે છે ખરો ! ‘વિરાટ પ્રણય’માં આદિ, મધ્ય ને અંતમાં અનુષ્ટુપ છે, છતાં મોટા ભાગે એમાં પૃથ્વી છંદ જ વપરાયો છે. શરૂઆતમાં અનુષ્ટુપમાંથી પૃથ્વીમાં સરવાની એમની રીત જોવા જેવી છે :
‘રમ્ય ને ભવ્ય એ પ્રેમ, પ્રેમી કિંતુ અજાણ હું.
હવે એકે રડું છું ને હયું છું બીજી આંખથી,
નિહાળી રહું બેયથી.
નિહાળી રહું બેયથી અજબ મૂર્તિ તારી સખી.
(નિશીથ, પૃ. ૫૩)
— અહીં ‘નિહાળી રહું બેયથી’ અનુષ્ટુપનું ચોથું ચરણ થઈને કુંડળિયાની પુનરાવર્તન પામતી – ઊથલો પામતી પંક્તિની જેમ ઊથલો પામી પૃથ્વીની પંક્તિના આરંભના લય-ખંડનો ભાગ બની રહે છે. આ પૃથ્વીછંદમાં લખાયેલા કંઈક દીર્ઘ એવા કાવ્યમાં અનુષ્ટુપની ઉપસ્થિતિ પૃથ્વીની એકધારી ગતિમાં કંઈક નવીનતા બક્ષનારી તથા કાવ્યના આદિ-અંતને પ્રસ્તાવના ને સમાપન રૂપે આગવું વ્યક્તિત્વ બક્ષનારી લાગે છે. ‘કેડી દૂરથી લલચાવતી’ એ કાવ્યરચનામાં પણ અનુષ્ટુપમાંથી પૃથ્વીમાં સરવાની ઉપર બતાવી છે તેવી યુક્તિ કવિએ અજમાવી છે – અલબત, સ્વલ્પ ફેરફાર સાધીને :
“ખેડવા પંથ એ નક્કી, બેસે યૌવન ક્યાં સુધી
દેખીને ભાવિની કેડી, દૂરથી લલચાવતી ?
દૂરેથી લલચાવતી કર-શી ગૌર કેડી ચડે.”
(આતિથ્ય, પૃ. ૧૬૭)
અહીં કવિને અનુષ્ટુપમાંના ‘દૂરથી’ પદનું પૃથ્વી છંદની સગવડ ખાતર ‘દૂરેથી’ એમ કરવું પડ્યું છે. ‘સદ્ગત મોટાભાઈ’માં પાંચ ખંડકો છે. આ દરેક ખંડકનો આરંભ અનુષ્ટુપની ચાર પંક્તિઓથી થાય છે ને પછી બાર પંક્તિઓ વસંતતિલકાની હોય છે. છેલ્લે પાંચ ખંડને અંતે બે પંક્તિઓ અનુષ્ટુપની આવે છે. આમ આ કાવ્યમાં અનુષ્ટુપ અને વસંતતિલકા સુયોજિત રૂપે કાવ્યના લયગત શિલ્પવિધાનમાં ઉપકારક થાય છે. સૉનેટના છંદોબંધારણની ચુસ્તતા આમાં આવી શકી છે તેમાં આ છંદોમિશ્રણની સુઘટિત આયોજના પણ કારણભૂત લાગે છે. ‘અન્નબ્રહ્મ’માં અનુષ્ટુપ વૈદિક-આર્ષ છંદોરચનાની હવા સાથે દેખા દે છે. અહીંનો અનુષ્ટુપ વાંચતાં રામાયણ-મહાભારત (ગીતા)ના અનુષ્ટુપનું પણ સ્મરણ થાય છે; દા. ત., નીચેનો શ્લોક જુઓ :
‘અન્ને નર વીર્યવંતો, અન્ને નારી રજસ્વલા,
અન્ને પ્રજનનેચ્છા ને વરદા સિદ્ધિ અન્નથી.’
(નિશીથ, પૃ. ૧૨૬)