અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/અલંગ (જહાજવાડો)

From Ekatra Wiki
Revision as of 08:53, 17 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


અલંગ (જહાજવાડો)

ચન્દ્રકાન્ત ટોપીવાળા

જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં
વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં
ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધળાશે
હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં,
પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!
જહાજો સંભારે સભર દરિયે પ્હેલવહેલા વહેલા
વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને,
નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ
ધજાઓ લહેરાતી અરુપરુ ઊભી કેબિનોની કતારો
પુલો ને રેસ્તુરાં ધમધમત થિયેટરો કૉફીબારો
સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને ઝૅઝનાદો.
જહાજો સ્વપ્નોની તૂટેલી નીરખે ભવ્ય જાહોજલાલી!
હથોડા ટિપાતા ધસમસ ધસી આવતો ક્રેઇનફાંસો
ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા
ઊંડું કાપે પાડે ધડધડૂસ કૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!
જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?
અહીં ભંગારોના ઢગ ઢગ ઊભા થાય ધીમેક ખાલી
ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે
નથી લાવા જેવો રસ ખદબદે ઊકળે લાલચોળ
નીકોમાં રેડાતા વહી વહી ઠરી બ્હાર ઠેલાઈ ત્યાં તો
નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો!
જહાજો! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની
હજારો યાત્રીને, નિત નિત નવાં બંદરો દાખવ્યાં છે!
અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય
તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!
(ગુજરાતી કવિતાચયન: ૧૯૯૪, ૧૯૯૬,
સંપા, હરિકૃષ્ણ પાઠક, પૃ. ૩૬-૩૭)



આસ્વાદ: જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં – રાધેશ્યામ શર્મા

તત્ત્વવિચાર-કેન્દ્રિતા કરતાં ધ્વનિકેન્દ્રતા પર સવિશેષ નિર્ભર છતાં સધ્ધર ચિત્રાત્મકતાથી સમૃદ્ધ ‘અલંગ (જહાજવાડો)’ રચના, ગુજરાતી ભાષા અને સાહિત્યની એક વિરલ વસ છે.

જહાજને અનુલક્ષી માનવભાવોનું પ્રારોપણ થયું છે તોપણ સર્જનાત્મક સંકુલતા, પદાવલિના ગતિશય સાથે વહી છે.

અલંગનો જહાજવાડો હોય કે અન્ય કોઈ જહાજવાડો હોય, વ્યાપક સાર્વત્રિકતાને આલેખતી કૃતિનું મુખ્ય પાત્ર તો જહાજ છે. ત્રીસ પંક્તિઓમાં પ્રવર્તતું કાવ્ય, ખાસ તો સર્વ સ્તબકની પહેલી કડીમાં ‘જહાજો’ને જ ઉલ્લેખે છે.

એક અદના ભાવક લેખે રચનાની વિ–નિર્મિતિ, ‘જહાજો’વાળી બધી પંક્તિને અનુક્રમથી અલગ કરી; અહીં એકસાથે ગોઠવી પોત્તાનો આસ્વાદ વ્યક્ત કરું છું.

કાવ્યારમ્ભે જહાજોનું વર્ણન, જીર્ણ દશા દર્શાવે છે:

‘જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં’

રચનાના અન્તે જહાજોને સંબોધી કાવ્યનાયક–સર્જક યુટર્ન લઈ વિધાયક ટોનમાં સંવર્તે છે:

‘તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છે.’

આ જ પદ્ધતિએ બીજા સ્તબકોમાં જહાજોની જાહોજલાલી માણીએ:

‘જહાજો સંભારે સભર દરિયે પ્હેલવ્હેલા વહેલા વિલાસોને’

ત્રીજા સ્તબકમાં ‘ટાયટેનિક’ ફિલ્મની જલસમાધિના કરુણ અધઃપતનની યાદ ઝણઝણાવતી પંક્તિ ઊભરી છે:

‘જહાજો સ્વપ્રોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી‘

વિલાસો-વૈભવો ધરાવતી અનેક સભ્યતાઓના પતનની આર્નોલ્ડ ટૉયન્બીના ઇતિહાસસંકેતતી આ પંક્તિની સ્મૃતિ મને તો સ્વપ્નમાલાના મણકા તૂટવાનો અહેસાસ કરાવી ગઈ!

ચોથા સ્તબકમાં, જહાજોની હયાતી-હસ્તીની અસ્મિતાનો જ સંશયપ્રશ્ન સર્જકે કંડાર્યો છે.

જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?’

અન્તિમ સ્તબકમાં ‘જહાજો’ના સંબોધનમાં કવિ પ્રવાસો જેવા શબ્દ પ્રયોજતા નથી, ‘યાત્રાઓ’ આલેખે છે, ‘હજારો યાત્રીઓ’ સંદર્ભે છે, એનું તાત્પર્ય–વ્યવહારની લૌકિક કક્ષાને કૃતિ અતિક્રમી શકી:

‘જહાજો! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની હજારો યાત્રીને, નિત નિત નવાં બંદરો દાખવ્યાં છે!’

સ્હેલગાહો જાણે તીર્થ બની રહી અને નિત નિત નવાં બંદરોતીર્થસંગમો! અહીં મિસ્ટરી છે, સહજ વિસ્મયસજ્જ રહસ્યની લક્ષણા છે:

‘અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય’

દૃશ્યો જે અજ્ઞાત હતાં, અજાણ્યાં હતાં તેને જાણે દર્પણ ધરી સાદૃશ્ય અને તાદૃશ કર્યાં, જહાજોએ. ‘દૂર કરી દીધાં અદૃશ્ય’ કડીમાં કર્તાનું વાઇપરપીંછું સુજ્ઞને અનુભવાય. રહસ્ય કેવું? કયું? અજ્ઞાતને સંજ્ઞાત સિદ્ધ કર્યું તે.

‘ચક ચક’ શબ્દનાં આવર્તનો ચકમકના ક્ષણિક ભંગુર ચળકાટ જેવા નથી, તેવી પંક્તિઓને પ્રમાણીએ:

‘નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ ધજાઓ લહેરાતી અરુપરુ ઊભી કેબિનોની કતારો’

‘અરુપરુ’ જેવા અલ્પ પ્રચલિત શબ્દનો કેટલો સરચૂ વિનિયોગ ફરી ‘ટાયટેનિક’ યાદ આવીને ગઈ…

ચોથા સ્તબકમાં ‘ચક ચક’:

‘નવી તાજે તાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ–પ્લેટો!’

લોહપ્લેટોની ચમકતી ધારથી કોઈ કોઈ અંજાઈ જાય ને…

કૃતિની પૂર્ણાહુતિમાં પણ ‘ચક ચક’ નવા બંદરના વિશેષ વિશેષણ રૂપે ચળકે છે:

‘વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો.’

જહાજવાડામાં જહાજો ભેળો ભંગારોનો મહિમા મ્યુઝિયમની આઇટમ જેવો અનિવાર્ય છે. કેવો?

‘અહીં ભંગારોના ઢગ ઢગ ઊભા થાય ધીમેક ખાલી.’

શરૂમાં, ભંગારોની પ્રકૃતની વાસ્તવિક છબીઓ નો ક્લોઝઅપ કેટલો કાઇનેટિક છે:

‘ધ્રૂજે વાંકીચૂંકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધવાશે હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો ફિક્કાં… …ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!’

રેતીકણોને ક્ષણો સાથે સંયોજી ‘કાળને હાથ ચૂર્ણ’ લખવામાં સર્જકે ઉપમાનાવીન્યનું વિશિષ્ટ પરિમાણ સિદ્ધ કર્યું છે.

‘ધમધમત થિયેટરો’, ‘ધસમસ ધસી આવતો ક્રેઇનફાંસો’ ‘ધડધૂડસ કૈં પાટની પાટ’, ‘ઢગે ભઠ્ઠા’ જેવા ‘ધ’કારના ધક્કાધૂબાકા પરિવેશની અધિકૃતતા અક્ષરાંકિત કરે છે.

કવિશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાલાનો ‘અલંગ જહાજવાડો’ એક ટૉપિકલ સ્થાનિક દસ્તાવેજી કૃતિ ન બનતાં ગુજરાતી ગિરાની એવી રિદ્ધિ છે – જે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ના સર્જક-સમ્પાદક બ. ક. ઠાકોર હયાત હોત તો અભિનંદથી નવાજ્યા વિના રહેત? ચન્દ્રકાન્તના જહાજો કે જહાજવાડામાં ક્યાંય ચન્દ્ર નથી. એક સર્જક જે. ઇ. ફલેકરના જહાજમાં ચન્દ્ર છે:

‘આ શીપ, ઍન આઇલ, અ સિકલ મૂન / વિથ ફયુ બટ વિથ હાઉ સ્પ્લેન્ડિડ સ્ટાર્સ / ધ મિરર્સ ઑવ ધ સી આ સ્ટ્રૂન / બિટ્‌વીન ઘેર સિલ્વર બાર્સ‘.

સર્જક ચન્દ્રકાન્ત સામ્યવાદી નથી એટલે દાતરડાધારક ચન્દ્ર (અ સિકલ મૂન) એમના જહાજવાડામાં ક્યાંથી હોય? હા સભર ‘સી’ દરિયો છે. (રચનાને રસ્તે)