ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પરિષદ

From Ekatra Wiki
Revision as of 10:50, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગુજરાતી સાહિત્ય પરિષદ: સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય શી રીતે ઉપજાવવું, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકાય, આપણી પ્રજાનો ઉત્કર્ષ શાથી થાય, એ પ્રશ્નના ઉત્તર અને નિરાકરણ માટે ‘રણજિતરામ વાવાભાઈ મહેતાએ ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરેલી. આજ સુધી એમાં ૫૦ સંમેલનો અને ૩૧ જ્ઞાનસત્રો યોજાઈ ગયાં છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ થયા બાદ અનેક મૂર્ધન્ય સાહિત્યકારો તેમજ ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખપદે રહી ચૂક્યા છે. ૧૯૫૫માં પરિષદનો પુનર્જન્મ થયો અને એને લોકશાસનની પ્રણાલિકાનું બંધારણ પ્રાપ્ત થયું. તેમાં પરિષદના આ હેતુઓ જણાવાયા છે. ૧, ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કારની સર્વ શાખાઓ અને પ્રવૃત્તિઓને સંરક્ષવી અને વિકસાવવી. ૨, ગુજરાતી ભાષામાં કે ગુજરાતી ભાષાસાહિત્ય વિશે લખાયેલાં પુસ્તકો સંરક્ષવાં, તૈયાર કરાવવાં, છાપવાં કે પ્રસિદ્ધ કરવાં કરાવવાં. ૩, ગુજરાતી ભાષા બોલનારાઓનું સાંસ્કૃતિક ઐક્ય સર્વત્ર જળવાય તે માટેના સર્વ પ્રયાસો કરવા. ૪, શિક્ષણમાં ગુજરાતી ભાષા સરળ અને પ્રાણવાન બને એ માટે સર્વ પ્રયત્નો કરવા. ૫, જૂના ગુજરાતી ઢાળો અને લોકસાહિત્યનું રેકર્ડિંગ કરાવવું તેમજ અન્ય પ્રકારે સાહિત્યને સંરક્ષવા પ્રયાસો કરવા. પરિષદના આ હેતુઓને પાર પાડવા કે આગળ વધારવામાં સહાયરૂપ થઈ પડે તેવાં ટ્રસ્ટફંડો કે દાનો સ્વીકારવાં અને બંધારણ અનુસાર તેનો વહીવટ કરવો. ગુજરાતી સાહિત્ય અને સંસ્કારની અભિવૃદ્ધિ તેમજ વિસ્તારને પોષવાનું પરિષદનું ધ્યેય સંસ્કૃતિના વિકાસને પણ વેગ આપી રહ્યું છે. મુંબઈથી અમદાવાદમાં પરિષદનું કાર્યાલય આવ્યા બાદ ૧૯૮૦માં એની આધુનિક અને વિશાળ મકાનની યોજના મૂર્તિમંત થઈ. જે ‘ગોવર્ધનભવન’ તરીકે ઓળખાય છે. આ અદ્યતન મકાન આશ્રમમાર્ગ ઉપર સાબરમતી નદીને પશ્ચિમ કિનારે આવેલું છે. પરિષદનું માસિક મુખપત્ર ‘પરબ’ ૧૯૬૦થી પ્રકાશન પ્રવૃત્તિનું મુખ્ય અંગ બનવા પામ્યું છે. ૧૯૭૮થી ૧૯૮૯ સુધી ભાષાવિવેચનનું ત્રૈમાસિક ‘ભાષાવિમર્શ’ પણ પ્રકટ થતું રહેલું. સર્જનાત્મક કૃતિઓનું વાચન, પરિસંવાદ, પરીક્ષાઓ, ગોષ્ઠિઓ, કાર્યશિબિરો અને વ્યાખ્યાનો પરિષદપ્રવૃત્તિમાં કેન્દ્રસ્થાને છે. ગોવર્ધનભવનમાં ૩૦૦ બેઠકોવાળું અદ્યતન સભાગૃહ, સીમિત પ્રેક્ષકો માટેના પરિસંવાદખંડો છે. બહારગામથી અમદાવાદમાં આવતા કલાપ્રેમીઓ તથા સંશોધકોને એમની કામગીરીમાં સહાયરૂપ થવાના હેતુથી પરિષદનું અતિથિગૃહ ઓછા ખર્ચે ઊતરવાની વ્યવસ્થા આપે છે. તેમજ ગોવર્ધનભવનના વિશાળ પ્રાંગણની પણ સગવડ છે. પરિષદની છ સ્વાધ્યાયપીઠો છે. ૧, ભારતીય વિદ્યાભવન પ્રેરિત ક.મા.મુનશી સ્વાધ્યાયપીઠ. ૨, લલ્લુભાઈ મ. પટેલ પ્રેરિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય સ્વાધ્યાયપીઠ. ૩, વાડીલાલ પરિવાર પ્રેરિત નરસિંહ મહેતા સ્વાધ્યાય પીઠ ૪, ચીમનલાલ ચકુભાઈ શાહના સ્મરણાર્થે મુંબઈ જૈન યુવક સંઘ પ્રેરિત આચાર્ય હેમચંદ્ર સ્વાધ્યાયપીઠ. ૫. ભોગીલાલ સાંડેસરા સ્વાધ્યાયપીઠઃ સાંડેસરા પરિવાર. ૬. ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠઃ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન પી. ડી. લાઇટ ઇન્ડસ્ટ્રીઝ, મુંબઈ. પ્રકાશનપ્રવૃત્તિમાં બાળકો માટેની નીલકંઠશ્રેણી, લેખકના પ્રથમ પુસ્તકનું પ્રકાશન કરતી બી. કે. મજૂમદારશ્રેણી, લેખિકાનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કરતી એનીબહેન સરૈયાશ્રેણી, મોહનલાલ મહેતા-સોપાનશ્રેણી ભગિની નિવેદિતાશ્રેણી, કાંટાવાળાશ્રેણી, રણછોડભાઈ મોદીશ્રેણી, કાન્ત-બળવંતરાય શતાબ્દીશ્રેણી, ડાહ્યાભાઈ કવિ કાવ્ય પ્રકાશનશ્રેણી, હ. ગ. બરફીવાળાશ્રેણી, ઉપરાંત દરેક અધિવેશન વખતે સંદર્ભગ્રન્થની ગરજ સારે તેવા તેના અહેવાલો પ્રકાશિત થાય છે. પરિષદ તરફથી યોજાતી વ્યાખ્યાનમાળાઓમાં પરિષદ વ્યાખ્યાનમાળા, યશવંત પંડ્યા સ્મારક વ્યાખ્યાનમાળા, પ્ર. ત્રિવેદી વ્યાખ્યાનમાળા, ભક્તિપ્રસાદ મો. ત્રિવેદી (પત્રકારત્વ) વ્યાખ્યાનમાળા, વ્રજલાલ દવે (શૈક્ષણિક) વ્યાખ્યાનમાળા, ચંદ્રકાન્ત શેઠ પ્રેરિત બાલમિત્ર વ્યાખ્યાનમાળા, સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા, કે. બી. વ્યાસ વ્યાખ્યાનમાળા, રવિશંકર રાવળ વ્યાખ્યાનમાળા, તારાબહેન મંગળદાસ મહેતા વ્યાખ્યાનમાળા, વાર્તાકાર જનક ત્રિવેદી વ્યાખ્યાનમાળા, હરિનારાયણ આચાર્ય વ્યાખ્યાનમાળા અને કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાનમાળા, પી. જે. ઉદાણી વ્યાખ્યાનમાળા, બટુભાઈ ઉમરવાડિયા વ્યાખ્યાનમાળા, ‘ઉશનસ્’ વ્યાખ્યાનમાળા, વિશ્વનાથ ભટ્ટ વ્યાખ્યાનમાળા, જયંતિલાલ દલાલ સ્મૃતિસંધ્યા અને ગની દહીંવાલા સ્મારક કાર્યક્રમ પણ દર વર્ષે યોજાય છે. પરિષદની સ્થાપનાને ૭૫ વર્ષ થયાં તે નિમિત્તે ૧૯૭૯-૮૦નું વર્ષ અમૃતપર્વનું હોઈ એ નિમિત્તે કાવ્યસંચયો અને ગદ્યસંચયો પ્રકટ થયા છે. પરિષદને ૨૦૦૫માં સો વર્ષ પુરા થયા ત્યારે પરિષદે શતાબ્દી ગ્રંથ શ્રેણીનું આયોજન કર્યું હતું. બુધ કવિસભાની પ્રવૃત્તિ અને દર મંગળવારે નિરંજન ભગતની વાર્તાલાપશ્રેણી પણ નિયમિત ચાલતી હતી. દર બે વર્ષે શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકોને અપાતાં પારિતોષિકો અને વિષયો આ પ્રમાણે છે: ૧. અરવિંદ સુવર્ણચંદ્ર (ભક્તિવિષયક). ૨. ઉમા-સ્નેહરશ્મિ (સાહિત્યિક), ૩. જ્યોતીન્દ્ર દવે (હાસ્ય-વિનોદ-કટાક્ષ). ૪. રામપ્રસાદ પ્રે. બક્ષી (સાહિત્યશાસ્ત્ર અથવા વિવેચન), ૫. પરમાનંદ કુંવરજી કાપડિયા (સમાજશિક્ષણ-ચિંતનવિષયક). ૬. શ્રી દિનકર શાહ ‘કવિ જય’ (પ્રથમ સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને) ૭. બટુભાઈ ઉમરવાડિયા (એકાંકીઓ). ૮. પ્ર. ત્રિવેદી (શિક્ષણવિષયક). ૯. હરિલાલ મા. દેસાઈ (વિવેચન, સામાજિક તત્ત્વજ્ઞાન વિષયક). ૧૦. નટવરલાલ માલવી (બાળસાહિત્ય), ૧૧. તખ્તસિંહ પરમાર (પ્રથમ સર્જનાત્મક) ૧૨. મહેન્દ્ર ભગત (કાવ્યસંગ્રહ), ૧૩. એનીબહેન સરૈયા (સંસ્મરણો). ૧૪. ભગિની નિવેદિતા (લેખિકા). ૧૫. ઉશનસ્ (દીર્ઘકાવ્યો). ૧૬. રમણલાલ પાઠક (નવલિકાસંગ્રહ). ૧૭. સદ્વિચાર પરિવાર (માનવતાલક્ષી). ૧૮. ડૉ. દિલીપ મહેતા (ગઝલસંગ્રહ) ૧૯. ગોપાલરાવ વિદ્વાંસ (અનુવાદિત). ૨૦. ભાસ્કરાવ વિદ્વાંસ (સમાજશાસ્ત્ર) ૨૧. રમણલાલ સોની (બાળ-કિશોર). ૨૨. સુરેશા મજમુદાર (પ્રશિષ્ટકૃતિનાં અનુવાદિકા અથવા કવયિત્રી). ૨૩. રમણલાલ જોશી (વિવેચન). ૨૪. ઉપેન્દ્ર પંડ્યા (પીએચ.ડી.ની થીસિસ). ૨૫. ઉપેન્દ્ર પંડ્યા (લલિત નિબંધો). ૨૬. ગુજરાત દર્પણ પારિતોષિક (દરિયાપારના સાહિત્યકારો માટે). ૨૭. પંડિત બેચરદાસ જીવરાજ દોશી (સંસ્કૃતપ્રાકૃત ગુજરાતી વ્યાકરણ). ૨૮. પ્રિયકાન્ત પરીખ (નવલકથા). ૨૯. રામુ પંડિત (અર્થશાસ્ત્ર-વાણિજ્યપ્રબંધવિષયક મૌલિક). ૩૦. શ્રી કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, (જીવનચરિત્ર, નિબંધ પ્રવાસના શ્રેષ્ઠ પુ્સતકને), ૩૧. શ્રી બી. એન. માંકડ પારિતોષિક (લોકભોગ્ય વિજ્ઞાનવિષયક શ્રેષ્ઠ પુસ્તકને). ૩૨. શ્રી પ્રભાશંકર તેરૈયા પારિતોષિક (ભાષાવિજ્ઞાન-વ્યાકરણ વિષયક શ્રેષ્ઠ પુસ્તકને). ૩૩. શ્રી દોલત ભટ્ટ પારિતોષિક ગ્રામજીવન પર લખાયેલી ઉત્તમ નવલકથા અથવા (લોકસાહિત્ય વિષયક શ્રેષ્ઠ પુસ્તકને) ૩૪. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પારિતોષિકઃ (શ્રેષ્ઠ ચિંતનાત્મક પુસ્તકને). ૩૫. શ્રી ભાનુપ્રસાદ પંડ્યા પારિતોષિક (શ્રેષ્ઠ મૌલિક ગીતસંગ્રહને). ૩૬. સ્વામીશ્રી સચ્ચિદાનંદ સન્માન પારિતોષિક. ૩૭. સર્વોદય આશ્રમ સણાલી ‘કરુણામૂર્તિ ભગવાન મહાવીર ફાઉન્ડેશન’ (લોકસાહિત્યવિષયક શ્રેષ્ઠ પુસ્તકને), ૩૮. ડૉ. બી. ટી. ત્રિવેદી (ચર્ચાપત્રી) પારિતોષિક, ૩૯. ધનરાજ કોઠારી પારિતોષિક (પ્રથમ સર્જનાત્મક પુસ્તક માટે) ‘પરબ’ પ્રકાશન પારિતોષિક. શ્રી ચિમનલાલ ત્રિવેદી પ્રેરિત નાનાલાલ પારિતોષિક અને રા. વિ. પાઠક કવિતા પારિતોષિક, શ્રી ચંદ્રકાન્ત ન. પંડ્યા ગદ્યલેખન પારિતોષિક, તથા નાનુભાઈ સૂરતી ફાઉન્ડેશન ટૂંકીવાર્તા અને નિબંધ પારિતોષિક. લેખકોને પ્રોત્સાહન મળવા સાથે ઉચ્ચ કોટિના ગુજરાતી સાહિત્યનું સર્જન થાય તે હેતુથી. દર બે વરસે યોજાતા જ્ઞાનસત્રમાં પરિષદ તરફથી આ પારિતોષિકો અપાય છે. આ ઉપરાંત દર વર્ષે ગુજરાતી વિષયમાં બી.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવનારને પણ પારિતોષિક અપાય છે. પરિષદ ૧૯૮૧થી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર નામની એક સંશોધન સંસ્થાનું સંચાલન કરે છે. એને ગુજરાત યુનિવર્સિટીની માન્યતા મળેલી છે અને અન્ય મુખ્ય સંસ્થાઓની જેમ ગુજરાત સરકાર તરફથી એને અનુદાન પણ મળે છે. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’, ‘વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞાકોશ’, ‘ટૂંકી વાર્તાકોશ’ ‘ભીલી ગુજરાતી શબ્દકોશ’ જેવા નાના કોશ ઉપરાંત આ સંશોધનની સંસ્થાએ ‘ગુજરાતી સાહિત્યકોશ’ના ભાગ-૧ અને ૨ અને ૩ તૈયાર કર્યા છે, જેમાં મધ્યકાળથી ૧૯૫૦ સુધીમાં જન્મેલા ગુજરાતી સાહિત્યકારો અને મહત્ત્વની કૃતિઓને વર્ણાનુક્રમે આવરી લેવામાં આવ્યાં છે. કોશનો ત્રીજો ભાગ સાહિત્યિક પ્રકીર્ણ સામગ્રીનો છે. દાયકાનાં સર્વેક્ષણ અને સરવૈયું કરતા ગ્રંથોમાં ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો, નવમો દાયકો અને દસમો દાયકો વિશેનાં, વિવિધ સાહિત્યસ્વરૂપવિષયક સર્વેક્ષણો કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પરિષદ સર્જન, વિવેચન ને સંશોધનનાં કેટલાંક મહત્ત્વનાં પ્રકાશનો પણ કરતી રહી છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ આઠ ભાગોમાં વિસ્તારપૂર્વક પ્રકાશિત થયો છે. ને સમયેસમયે એની શોધિત-વર્ધિત બીજી આવૃત્તિઓ પણ પ્રકાશિત થતી રહી છે. જ્યારે ગુજરાતી સાહિત્યકોશ ભાગ ૧ અને ૩ની સંશોધિત-સંવર્ધિત આવૃત્તિઓ ૨૦૨૧માં પ્રકાશિત થઈ છે. શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના આશ્રયે વખતોવખત વિવેચન સંશોધનમાં મહત્ત્વના કહી શકાય તેવા પરિસંવાદોનું સંચાલન થાય છે. પુસ્તક-મૂલ્યાંકનની પ્રવૃત્તિ પણ ક્યારેક હાથ ધરાય છે. નાટ્યશિબિરો, શતાબ્દી મહોત્સવો, વિવેચનના વિવિધ અભિગમો, સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાન, સમીક્ષાત્મક વક્તવ્યો તેમજ ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા મહાનિબંધોની ટાઇપસ્ક્રિપ્ટને સાચવવાની વ્યવસ્થા પણ છે. ‘પત્રકારત્વનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ’ અનુવાદનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ, પ્રૂફવાચન પ્રમાણપત્ર અભ્યાસક્રમ તેમજ ભાષાસજ્જતા પ્રમાણપત્ર અભ્યાસક્રમ જેવા અભ્યાસક્રમોનું શિક્ષણકાર્ય કર્યું છે. અપ્રકાશિત અને પીએચ.ડી. ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા મહાનિબંધની એક નકલ સંસ્થામાં રહે છે. જેથી નવા મહાનિબંધના વિષયોમાં પુનરાવર્તનો ન થાય અને તે માટે કેન્દ્રવર્તી માર્ગદર્શન મળી રહે. ઉપરાંત સાહિત્યિક સામગ્રીભંડાર તરીકે શ્રુતિ-દૃશ્ય કેન્દ્ર પણ કામગીરી કરી રહ્યું છે. તેમાં ગુજરાતી ભાષાનાં કવિતા, વાર્તા, નિબંધ, નાટિકા કે નવલકથા ગુજરાતીભાષી માટે ટેપ કરવાની સગવડ છે. ઉપરાંત આ સંસ્થા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી વિષયમાં માર્ગદર્શન અને સંશોધનનું કાર્ય કરે છે. તેના વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધનમાં સહાયરૂપ થવા શિષ્યવૃત્તિ પણ અપાય છે. આ માટે અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનું જુદું સંદર્ભગ્રન્થાલય છે જેમાં વિવેચન અને ભાષાસાહિત્યનાં પુસ્તકો તેમજ સંદર્ભગ્રન્થોનો સમાવેશ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી. મં. જાહેર ગ્રન્થાલય છે. જેને ગુજરાત સરકારે માન્યતા આપેલી છે. ગુજરાતી ભાષાસાહિત્યનાં સર્વે પુસ્તકો એકત્ર થઈ રહ્યાં છે. દરેક લેખક પોતાનું નવું પ્રકાશન આ ગ્રન્થાલયને ભેટ મોકલાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ ગ્રન્થાલયમાં કેટલીક હસ્તપ્રતો અને ૧૯૦૦ પહેલાંના ગ્રન્થો તેમજ દુર્લભ સાહિત્યિક સામયિકો, સંદર્ભગ્રન્થો અનેક સાહિત્યકારોના ગ્રન્થસંગ્રહો તેમજ અગ્રગણ્ય સાહિત્યકારોના ફોટોગ્રાફનો સંગ્રહ પણ સચવાય છે. ચી. મં. ગ્રંથાલય સંશોધકો માટે ઉત્તમ ગ્રંથાલય તરીકે સેવા આપે છે. આ ગ્રંથાલયમાં બાળવિભાગ અંતર્ગત બાળકોને નિઃશુક્લ સેવાઓ આપવામાં આવે છે. બાળકો માટે રમતનાં સાધનો, ઉપરાંત કેટલાંક ચિત્રોની સીડી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગ્રંથાલયનાં એંસી હજાર પુસ્તકોનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આજીવન સભ્યો પાસવર્ડ દ્વારા ઘેર બેઠાં પુસ્તકોની યાદી જોઈ શકે છે. સવાસો વર્ષ જૂના સંદર્ભપુસ્તકો અને સવાસો વર્ષ જૂનાં અલભ્ય સામયિકોની સેવા ઉપલબ્ધ છે. સંવર્ધક, દાતા અને આજીવન સભ્યો મળીને લગભગ ત્રણ હજાર કરતાં વધુ સાહિત્યક સભ્યો ધરાવતી ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૧૬ વર્ષના વિકાસમાં કોઈ ને કોઈ ભૂમિકાએ અનેક સાહિત્યકારોનો સહકાર સાંપડ્યો છે. સાહિત્ય પ્રત્યેનો પરિષદનો અભિગમ પણ ખુલ્લો છે. પરિષદનું મુખપત્ર ‘પરબ’ પરિષદના બધા સભ્યોને ભેટ તરીકે મોકલાય છે. પરિષદમાં પ્રશિષ્ટ સાહિત્ય, લોકપ્રિય સાહિત્ય, લોકસાહિત્ય, સાહિત્યિક પત્રકારત્વ સહુને સ્થાન છે. માનદ્ સેવા આપનાર હોદ્દેદારોના પુરુષાર્થને કારણે ગુજરાતથી ઘણે દૂર આવેલાં સ્થળો પર પણ અધિવેશનો ભરાયાં છે, જેને કારણે લોકાભિમુખ થવાનો પરિષદનો સંકલ્પ પાર પડી રહ્યો છે. પરિષદની વેબસાઈટ www.gujaratisahityaparishad.com પરિષદના ભૂતકાળથી વર્તમાન સુધીનું હાથવગું સંપૂર્ણ ચિત્ર આપે છે. જ.પ., ઇ.કુ.