ભારતીય કથાવિશ્વ૧/દિવોદાસપુત્ર પ્રતર્દન અને ઇન્દ્ર

From Ekatra Wiki
Revision as of 13:49, 26 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| દિવોદાસપુત્ર પ્રતર્દન અને ઇન્દ્ર | }} {{Poem2Open}} દેવાસુર સંગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દિવોદાસપુત્ર પ્રતર્દન અને ઇન્દ્ર

દેવાસુર સંગ્રામમાં રાજા દિવોદાસનો પુત્ર પ્રતર્દન દેવતાઓની સહાય કરવા ઇન્દ્રના સ્વર્ગલોકમાં ગયો. તેની યુદ્ધકળા અનુપમ હતી, તેનો પુરુષાર્થ ગજબનો હતો. એટલે ઇન્દ્રે તેને કહ્યું, ‘બોલો, પ્રતર્દન, તમને કયું વરદાન આપું?’ ‘જે વરદાનને તમે મનુષ્યો માટે પરમ કલ્યાણકારી માનતા હો તે વરદાન તમે જાતે જ આપો.’ ‘બધા જ જાણે છે કે કોઈ બીજા માટે વરદાન માગતું નથી.’ ‘ત્યારે તો હું વરદાન વિનાનો જ રહેવાનો. તમે જાતે વરદાન આપવાના નહીં અને શું માગવું જોઈએ તે મને ખબર નથી.’ ઇન્દ્ર વરદાન આપવાનું વચન તો આપી જ ચૂક્યા હતા, એટલે પ્રતર્દને વરદાન ન માગ્યું છતાં ઇન્દ્ર વરદાન આપવા તૈયાર થયા. ‘મારામાં શી વિશેષતા છે તે જાણો. મેં પ્રાણ બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધ્યું છે, તેથી મને કર્તાપણાનું અભિમાન નથી. મારી બુદ્ધિ ક્યાંય લોપાતી નથી. કર્મફળની ઇચ્છા મારામાં જાગતી નથી. ત્વષ્ટા પ્રજાપતિના ત્રણ મસ્તકવાળા વિશ્વરૂપનો વધ વજ્રથી કર્યો, કેટલાય મિથ્યા સંન્યાસીઓ આચારભ્રષ્ટ થઈ ગયા હતા, બ્રહ્મવિચાર ખોઈ બેઠા હતા, તેમના ટુકડા કરીને શિયાળ-કૂતરાઓને ખવડાવી દીધા. દૈત્ય રાજાઓનો વધ કર્યો. તો પણ અહંકાર અને કર્મફળની કામના ન હોવાને કારણે મારા એકે રોમને નુકસાન ન થયું. મને પાપ લાગતું જ નથી. હું પ્રજ્ઞાસ્વરૂપ પ્રાણ છું. તમે ઇન્દ્રની ઉપાસના ‘આયુ અને અમૃત’ રૂપે કરો. આયુ પ્રાણ છે, પ્રાણ વાયુ છે અને પ્રાણ જ અમૃત છે.’

કૌષીતકિ ઉપનિષદ, (અધ્યાય ૩ મંત્ર ૧-૨)