ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રભાવનો ઉદ્વેગ

From Ekatra Wiki
Revision as of 08:09, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રભાવનો ઉદ્વેગ(Anxiety of Influence) : હેરોલ્ડ બ્લૂમની કાવ્યમીમાંસામાં મહત્ત્વનો ભાગ એના કાવ્યપરક પ્રભાવના વિચારનો છે. કાવ્યની શક્તિ જગત સાથેના સંઘર્ષમાંથી નહિ પરંતુ પુરોગામી કાવ્યો સાથેના પ્રેમભર્યા સંઘર્ષમાંથી જન્મે છે. એટલેકે કાવ્યનો અર્થ જો કાવ્ય જ હોય તો તે અન્ય કાવ્ય છે, કાવ્ય પોતે નહિ, એવો બ્લૂમનો દાવો છે. આ રીતે સાહિત્યની ઉત્ક્રાંતિના અને આંતરકૃતિત્વના મનોવૈજ્ઞાનિક અર્થઘટન પર ભાર મૂકનાર બ્લૂમે નવાગન્તુક કવિના એના પુરાગામીઓ સાથેના સંબંધને લક્ષમાં રાખી પ્રભાવ અંગે છ પ્રકારો વર્ણવ્યા છે : વિકસન(Clinamen)કવિ પુરોગામીના કાર્યને જ્યાં સુધી પહોંચવું જોઈતું હતું ત્યાં સુધી આગળ પહોંચાડે છે; પરિષ્કરણ (Tessora)કવિ પુરોગામીના શબ્દોને જાળવે છે ખરો, પણ જુદી રીતે એને અભિવ્યક્તિ આપી એના અધૂરા કાર્યને પૂરું કરે છે; રિક્તીકરણ(Kenosis)કવિ પુરોગામીથી પોતાનો વિચ્છેદ કરી પુરોગામીના વારસાનો ત્યાગ કરી પોતાની કાવ્યાત્મક જાતને ઉલેચવાનો પ્રયત્ન કરે છે; અનુશોધન(Daemonization) કવિ પુરોગામીને પોતાની રચનામાં ખબર ન હોય એવું તત્ત્વ શોધી કાઢી એને ખપમાં લે છે; વિશોધન(Askesis)કવિ પુરોગામીથી પોતાને અળગો કરે છે અને પોતાનું એકાંતસ્થાન રચી લે છે; પરિણમન(Apophrades)કવિ પુરોગામીની રચનાની સંમુખ થાય છે અને આપણને લાગે છે કે જાણે પુરોગામી પાછો ફર્યો છે પરંતુ વધુ પરિણત સ્થિતિમાં. ચં.ટો.