આત્માની માતૃભાષા/36
જયદેવ શુક્લ
આવે ગ્રીષ્મ ત્વરિત ગતિ, નાસે મધુ ધૂર્ત, છાનો
વેરી ચારે દિશ વિભવ ઉદ્રેક-ઘેલી કલાનો:
ઝૂમી પુષ્પે સુરભિ, તરુની ઝૂકી ઘેઘૂર છાયા,
ને આસન્નપ્રસવ સુહતી શી વનશ્રીની કાયા!
સ્વપ્નૌત્સુક્યે વિકલ ઝબકી ઊઠતી કોકિલાનો
કુંજે કુંજે સ્વર ભટકતો ચૈત્રની રાત્રિઓમાં.
વ્યોમે પૃથ્વી મૃદુ અભિસરે સૌરભોન્મત્ત મંદ,
દિક્પ્રાન્તોમાં અવિરત વહંતો મુખોચ્છ્વાસગંધ.
હૈયે એને યુગ યુગ તણી ઊછળે પ્રીતિ છાની,
લ્હેરે અંગે પરિમલભરી પામરી ચંદિરાની.
બ્રહ્માંડે એ ભ્રમણ કરતી, ગુંજતી નવ્ય છંદ,
નક્ષત્રોથી પ્રણય રચતી ચૈત્રની રાત્રિઓમાં.
ચિત્તે આવી કુહુક સહસા ક્યાંકથી થાય સાદ.
જન્મોનો શું ક્ષણ મહીં સરે-ઓસરે સૌ વિષાદ!
વિશ્વાન્તર્ના નિભૃત સભરા મૌનનું હૈયું ખોલી,
કો સંચેલું સકલ મૃદુ સંગીત દેતું શું ઢોળી!
સૂરો વ્હેતો લહર લહરીએ લચે સંપ્રસાદ,
રોમે રોમે રતિ વિરચતો ચૈત્રની રાત્રિઓમાં.
મારે હૈયે મધુર કહીંથી મોગરો મત્ત મ્હેક્યો;
મુદ્રા પામી શુચિ દલની કો શુભ્ર હૈયેથી લ્હેક્યો.
હો ધોવાતા અમૃતમય કાસારમાં કૌમુદીના
એવા સોહે ઉડુગણ નભે મોગરા મોદ-ભીના.
ને ખીલેલી તિમિર-લતિકાથીય ઉત્ફુલ્લ બ્હેક્યો
તારે હૈયે સહજ રસ જે ચૈત્રની રાત્રિઓમાં.
મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની
ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની.
શેરી ખૂણે અરણિ પમરે, ને ભરીને અરણ્ય
લ્હેરાતી સૌરભ કરમદી ને કડાની વરેણ્ય.
પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની
સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની રાત્રિઓમાં.
આ શાતામાં જગત-સરણીનાં રહસ્યો પ્રમાણું,
ધીરું ધીરું ખળળ વહતું વિશ્વનું વ્હેણ માણું;
ઉષ્માસ્પર્શે થતી ફલવતી સૃષ્ટિનું ઝીલું હાસ;
ચૈત્ર-શ્રીમાં સૃજનપ્રતિભાનો સમુલ્લાસ-રાસ.
પૃથ્વી-હૈયે થકી સરી જતું કોડીલું ગીત છાનું
કાને મારે પડી જતું કશું ચૈત્રની રાત્રિઓમાં!
અમદાવાદ, ૧૭-૪-૧૯૫૨
‘વાત તો માનવભાવની જ કરવાની હોય, પણ એ નિમિત્તે નિસર્ગરંગ ગાયા વગર કવિ રહી શકતો નથી.’ (સમગ્ર કવિતા, દ્વિ. આ., પૃ. ૪૬૫)
ઉમાશંકર જોશીના ‘ચૈત્રની રાત્રિઓમાં’ કાવ્યનું સ્મરણ કરીએ તેની સાથે જ ‘મનની મ્હેકી ઊઠી મંજરી’ (મનની મ્હેકી ઊઠી મંજરી), ‘ચાંદની પીધેલો પેલો મ્હેકે શો મોગરો’ (વૈશાખી પૂર્ણિમા), ‘કરમદીનું નદીતીર ફરકે સુગંધચીર’ (ગ્રીષ્મની રાત્રિ), ‘પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી’ (લૂ, જરી તું), ‘લહરી લચકાઈ જતી પરિમલના ભારથી’ (પરાગની વેણુ) જેવી ઘણી પંક્તિઓ ચિત્તમાં જાગે છે. ‘વસંતવર્ષા'ના આરંભે મુખ્યત્વે ગીતો મળે છે. આ ગીતોની વચ્ચે મંદાક્રાન્તામાં રચાયેલું છત્રીસ પંક્તિનું કાવ્ય ‘ચૈત્રની રાત્રિઓમાં’ નોખું પડે છે. નોખું પડવાનું એક કારણ એ છંદોબદ્ધ છે એટલું જ નથી; કવિએ એમાં ચાંદનીથી રણકતી ચૈત્રી ક્ષણોમાં પૃથ્વીને બ્રહ્માંડમાં અભિસરતી કલ્પી છે, તે ઉપરાંત પંચેન્દ્રિયથી પામી શકાય એવો પ્રકૃતિનો રાત્રિ-વૈભવ પ્રગટાવ્યો છે એ પણ છે. સામાન્ય રીતે ગીત જેવો કાવ્યપ્રકાર વિચારનું વજન વેંઢારી ન શકે. પણ સૉનેટ કે છંદોબદ્ધ કૃતિમાં વિચાર અને ઊર્મિનું સાયુજ્ય શક્ય છે. અનેક ઉદાહરણો સહિત આ વાતને ચર્ચી શકાય, પણ અહીં આટલો નિર્દેશ કરી ‘ચૈત્રની રાત્રિઓમાં’ પ્રવેશીએ. S ‘ચૈત્રની રાત્રિઓમાં’નું રચનાવિધાન પ્રથમ નજરે જ જરા જુદું પડે છે. જેમ ગીતના પ્રત્યેક અંતરાને અંતે ધ્રુવપંક્તિનું આવર્તન થાય છે તેમ અહીં દરેક ખણ્ડની છેલ્લી પંક્તિને અંતે ‘ચૈત્રની રાત્રિઓમાં’ શબ્દો પુનરાવૃત્ત થતા રહે છે. અને એથી પણ ચૈત્રની ચાંદની-મઢી રાત્રિઓનો કેફ ઘૂંટાતો આવે છે. કાવ્યનો આરંભ સરવા કાનના ભાવકોને તરત જ સ્પર્શી જાય છે: આવે ગ્રીષ્મ ત્વરિત ગતિ, નાસે મધુ ધૂર્ત, છાનો ફરી ચારે દિશ વિભવ ઉદ્રેક-ઘેલી કલાનો: મંદાક્રાન્તામાં આરંભે ગાગાગાગા — ચાર ગુરુ વર્ણ હોય છે એ તો બધા જાણે છે. અહીં પહેલી નજરે તો ચોથો વર્ણ લઘુ છે. પણ ‘આવે ગ્રીષ્મ’ પછી આવતો ‘ત્વરિત’ શબ્દના ‘ત્વ'નો થડકો ‘ષ્મ'ને ગુરુ બનાવે છે. આ થડકાની સાથે જ ગ્રીષ્મની ત્વરિત ગતિના અનુભવમાં આપણે મુકાઈએ છીએ. પંક્તિનો ઉત્તરાર્ધ ‘નાસે મધુ ધૂર્ત’ વાંચતી વેળાએ મધુનો હ્રસ્વ ‘ધુ’ દીર્ઘ ઉચ્ચારવો પડે છે. એ દીર્ઘ ધૂ ‘ધૂર્ત'ની સાથે ઉચ્ચારાતાં સહેજ ભરાયેલા શ્વાસે નાસતા વસંતનું રૂપ પણ પ્રગટે છે. આ પંક્તિના નવમા અને પંદરમા અક્ષરે આવતા અલ્પવિરામો તથા છેલ્લા શબ્દ સાથે જોડાતી બીજી પંક્તિની પ્રવાહી અભિવ્યક્તિથી કાવ્યોપકારક યતિભંગ થાય છે. ગ્રીષ્મ આવતાં ચારે તરફ સૌંદર્ય પ્રસરાવીને વસંત જઈ રહ્યો છે એવું દર્શાવી કવિ ઉમાશંકર અટકી ગયા નથી. પુષ્પોની સુગંધ લચી પડી છે ને વસંતમાં નવ-પર્ણોથી સભર બનેલાં તરુઓની ઘેઘૂર છાયાઓના દ્વીપ રચાયા છે, વનશ્રી ફળ આપવા તત્પર — આસન્નપ્રસવા — છે ને વાતાવરણમાં કોકિલના ટહુકાઓ રેલાઈ રહ્યા છે. — ચૈત્રની રાત્રિઓનાં આ અને અન્ય ખણ્ડોમાં આવતાં ઘ્રાણ, શ્રવણ, દર્શન અને સ્પર્શનાં સ્પૃહણીય રૂપો આપણી ચેતનામાં ઊઘડતાં રહે છે. દ્વિતીય ખણ્ડની લાલિત્યસભર ભવ્ય કલ્પના ગુજરાતી સાહિત્યમાં અ-પૂર્વ છે. પુષ્પોની સુવાસથી (એટલે કે પોતાની સુવાસથી) ઉન્મત્ત બનેલી પૃથ્વી પ(in)દ્મની નાયિકા જેવી લાગે છે. પૃથ્વી પોતાના પ્રિયને મળવા ઠાઠથી આકાશમાં પ્ર-સરે છે, ફરે છે. દશે દિશામાં વહેતી પીમળ પૃથ્વીના મુખનો ઉચ્છ્વાસ છે. આ ઉત્સુકાના અંગ પર જે ઓઢણી લહેરાય છે તે કેવી છે? કવિએ સુવાસિત ચાંદનીના ઉપરણાને પૃથ્વીના અંગ પર ફરફરતું દર્શાવીને સ્પર્શ, દૃશ્ય ને સુગંધ-સંવેદનોને યુગપત્ રીતે વ્યંજિત કર્યાં છે: વ્યોમે પૃથ્વી મૃદુ અભિસરે સૌરભોન્મત્ત મંદ, દિક્પ્રાન્તોમાં અવિરત વહંતો મુખોચ્છ્વાસગંધ. હૈયે એને યુગ યુગ તણી ઊછળે પ્રીત છાની, લ્હેરે અંગે પરિમલભરી પામરી ચંદિરાની. અહીં મને કવિ લાભશંકર ઠાકરના ‘શ્રાવણી પૂર્ણિમા'ની પંક્તિઓ સ્મરણે આવે છે: ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું આવ્યું નીચે ફરફર થતું… (વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ.૪૨) મહેકતી ચાંદનીની પામરી ઓઢી અભિસારે નીકળેલી પૃથ્વી નક્ષત્રો સાથે પ્રેમમાં તરબોળ બને ત્યારે અવનવા છંદો ન પ્રગટે કે તે કેફલ ન બને તો જ નવાઈ! પૃથ્વીના અંતરમાં પ્રણયનું ‘કુહુક’ થતાં જ તેના અનેક જન્મોનો વિષાદ ક્ષણમાં ‘સરે-ઓસરે’ છે: જન્મોનો શું ક્ષણ મહીં સરે-ઓસરે સૌ વિષાદ! આ પંક્તિનું જરા મોટેથી પઠન કરીશું તો ‘સરે-ઓસરે’નું દ્વિ-સ્તરીય સૌંદર્ય પામી શકાશે. અનેક વિશ્વોની ઉત્પત્તિ દરમિયાન પૃથ્વીના મૌનના હૈયામાં (હૈયાના મૌનમાં નહીં) સંભરેલું પ્રણયનું મૃદુ-મધુર સંગીત આ રાત્રિઓમાં રેલાય છે. હવા સુગંધને વહી લાવે તેમ સ્વરને પણ વહી લાવે છે. હવા છે તેથી જ આપણે સુગંધ અને સ્વરને માણી શકીએ છીએ. પ્રણયના આ સૂરો પૃથ્વીના રોમરોમ પર રતિ-હર્ષ પ્રગટાવે છે. કાવ્યના ઉત્તરાર્ધ(ચોથા ખણ્ડ)માં કવિનો પ્રવેશ થાય છે. પૂર્વાર્ધ (પ્રથમ ત્રણ ખણ્ડ)માં કવિ વાસંતી-ગ્રીષ્મી ક્ષણોમાં ધરણીની અંદર-બહારની ગતિવિધિ નિરૂપે છે. હવે કવિના હૈયામાં આ ચૈત્રની રાત્રિઓનો પ્રભાવ ઝિલાય છે. તે પોતાની અંદર ક્યાંકથી મોગરાને મ્હેકતો અનુભવે છે: મારે હૈયે મધુર કહીંથી મોગરો મત્ત મ્હેક્યો; આ ખણ્ડનો ‘મારે હૈયે'થી આરંભ ને એ જ ખણ્ડની અંતિમ પંક્તિની શરૂઆત ‘તારે હૈયે'થી થાય છે. કવિ પૃથ્વીને નિર્દેશી કહે છે કે અંધકારની વેલ મ્હેકી રહી છે તેનાથી અનેક ગણો તારા હૈયાનો રસ આ વાતાવરણમાં બ્હેકે છે. વસુંધરાનાં સુગંધ, શ્રવણ, સ્પર્શ ને દૃશ્ય-પર્વમાં કવિ પણ એકાકાર થાય છે. તિમિર વેલના મઘમઘવાની સાથે સાથે દૂરથી ‘આ અંધકાર શો મ્હેકે છે’ (પ્રજારામ રાવળ), ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ (પ્રહ્લાદ પારેખ) પંક્તિઓ આછી આછી સંભળાય છે. આ ખણ્ડની ત્રીજી અને ચોથી પંક્તિમાં કવિના હૈયાનો મોગરો, પૃથ્વી પરનો મોગરો ને આકાશના તારલા પરસ્પરમાં ભળી જતાં ભાવક વિલક્ષણ ભાવ-બોધમાં મુકાય છે: હો ધોવાતા અમૃતમય કાસારમાં કૌમુદીના એવા સોહે ઉડુગણ નભે મોગરા મોદ-ભીના. અમૃતમય ચાંદનીના સરોવરમાં સતત ધોવાઈને તારાઓ સોહે છે; તો એ જ ચાંદનીમાં મોજથી સ્નાન કરતા મોગરા આનંદ-ભીના છે. બીજી રીતે કહીએ તો તારા એ જ મોગરા ને મોગરા એ જ તારા! એમ પણ કહી શકાય કે ચાંદનીથી સભર સરોવરજળમાં સ્નાન કરી, ડૂબકી મારી તારાઓ વધુ ઊજળા થયા છે. તો, મોગરાના સ્પર્શે ચાંદની પણ ગંધવતી થઈ છે! પાંચમા ખણ્ડમાં કવિ ગામડાના ઘર-આંગણાની, શેરી-ખૂણાની ને અરણ્યની પ્રમાણમાં ઓછી જાણીતી વનસ્પતિઓની વિવિધ સુગંધને માણવા ભાવકને લઈ જાય છે. સુગંધનાં વિવિધ પોત આપણી ચેતનાને સભર બનાવે છે. આંગણાનો લીમડો સહેજ કડવી(‘કટુક’ શબ્દનો પ્રયોગ ઔચિત્યસભર)-મીઠી, પણ ગાઢી છાયા ફેલાવી છાની રીતે પુષ્પોની વિશ્રંભકથા સાંભળે છે. અથવા તો એમ પણ વાંચી શકાય કે લીમડાની મંજરીઓ ને અન્ય પુષ્પોની સુવાસથી આખું આંગણું રણઝણે છે! અહીં સંદર્ભ થોડો જુદો હોવા છતાં ‘વાતો’ (પ્રહ્લાદ પારેખ) સૉનેટની કેટલીક પંક્તિઓનું સ્મરણ કરી શકાય. કવિ આંગણેથી હવે શેરી-ખૂણે લઈ જઈ અરણિના પમરાટ (સુગંધ શબ્દ જરા વજનદાર લાગે) અને અરણ્યમાં ખીલતી કરમદી ને કડાની વાચાળ સુવાસ વચ્ચે આપણને મૂકી દે છે. સુગંધથી રણકતી ને ચાંદનીથી છલકતી રાત્રિઓનો આવો કેફલ અનુભવ ઉમાશંકર જોશીની બહુ જ ઓછી કૃતિઓમાં મળે છે: મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની. શેરી ખૂણે અરણિ પમરે, ને ભરીને અરણ્ય લ્હેરાતી સૌરભ કરમદી ને કડાની વરેણ્ય. પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની રાત્રિઓમાં. અહીં કવિએ ચૈત્રની સુગંધ-વહી લાવતા પવનને પૃથ્વી પારથી મોરની છટામાં ઢળકતો તાદૃશ કર્યો છે. કાવ્યના અંતિમ-ખણ્ડમાં અચાનક ગાંધીયુગનો કવિ પ્રગટે છે. અદ્ભુત ચૈત્રી સૌંદર્ય પ્રગટાવનાર કવિ વાચાળ બની કહે છે: આ શાતામાં જગત-સરણીનાં રહસ્યો પ્રમાણું, વગેરે વગેરે… પાંચ ખણ્ડોમાં ઇન્દ્રિયસન્તર્પક વિશ્વમાં વિહાર કરાવનાર કવિ સમાપનમાં સીધેસીધા વિધાન કરે છે એટલે અંશે કાવ્યને હાનિ પહોંચે છે. પ્રથમ ખણ્ડને અંતે સર્વત્ર રેલાતા ટહુકા માટે ‘ભટકતો’ શબ્દ પ્રયોજ્યો છે તે કઠે છે. ‘ચૈત્રની રાત્રિઓમાં’ કાવ્યમાં પ્રયોજાયેલા મંદાક્રાન્તાને કવિએ અન્યત્ર યોજેલા મંદાક્રાન્તા સાથે સરખાવવા જેવો છે. આ કાવ્યનો તત્સમ પદાવલિથી સભર મંદાક્રાન્તા જરા ગરવો લાગે છે. એમાં શબ્દોના નાદસૌંદર્યનું મહત્ત્વ પણ ખાસ્સું છે. કવિએ કાવ્યમાં કરેલા કેટલાક યતિ-ભંગ કાર્યસાધક બન્યા છે. અંતે પુન: કહેવું ગમશે કે કાવ્યમાં સુગંધનો જેવો મહિમન્ રચાયો છે તેવો ઉમાશંકર જોશીનાં અન્ય કાવ્યોમાં મળતો નથી. ઉમાશંકર જોશીના પ્રમાણમાં ઓછા ધ્યાનમાં લેવાયેલાં કાવ્યોમાંનું આ એક નોંધપાત્ર કાવ્ય છે.