રા’ ગંગાજળિયો/૨૭. દોસ્તી તૂટી

From Ekatra Wiki
Revision as of 11:35, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૭. દોસ્તી તૂટી

મોણિયા ગામ ઉપર ભળકડિયો તારો ઝબૂકતો હતો, અને ચોરાઓમાં, ઉતારાઓમાં, ઘરે-ઘરનાં આંગણાંમાં કાળી, કાબરી ને સફેદ મૂછ-દાઢીઓવાળા, ડોકમાં માળાઓ ને કમરમાં કટારીઓવાળા, ચોખ્ખાફૂલ ચહેરાવાળા ને દૂધમલ દેહવાળા, વંકી ભુજાઓવાળા ને સાવજ-શી કટિવાળા પડછંદ પુરુષોનાં વૃંદેવૃંદ સૂતાં હતાં. જાગતાં હતાં ફક્ત બે જણાં : એક આઈ નાગબાઈ ને બીજો જુવાન પૌત્ર નાગાજણ. નાગાજણ ઘોડાના તંગ કસતો હતો. નાગબાઈ ઓસરીની થાંભલી ઝાલી ઊભાં હતાં. “ત્યારે આઈ, હું જઈ આવું છું.” નાગાજણે નાગબાઈને ટૂંકું વાક્ય કહ્યું. “કિસે જા છ, બાપ?” “જૂનેગઢ. રા’ને કસુંબો પાવા.” “આજ કાંઈ જવાય, દીકરા? આખી ચારણ ન્યાત તુંને પટલાઈની પાઘડી બંધાવવા ઘરને આંગણે આવેલ છે.” “પણ આઈ, રા’નો કસુંબો કાંઈ મોડો થોડો કરાય છે?” “રા’ મોટો કે નાત મોટી, હેં બાપ નાગાજણ?” આઈ જાણે મહામહેનતે શાંતિ સાચવીને બોલતાં હતાં. “આજ આમ કાં બોલો, આઈ?” “હું સમજી-વિચારીને ભણું છું, ભા! આપણે ધરતીનાં છોરું. આપણી સાચી શોભા ને રક્ષા તો આપણા જાતભાઈઓના જૂથની.” “ત્યારે શું હું રા’ને અપમાનું?” “તયેં શું તું નાતને અપમાનીને જાઈશ? સવારે પહેલે પો’રે મૂરત છે. ને મૂરત ચૂક્યે એકેય જણ તારે આંગણે ઊભો નહીં રે’.” “મને ન્યાતપટેલ કરવાની સાડી સાત વાર ખેવના હોય તો ન્યાતભાઈઓ રોકાય! રા’થી કોઈ મોટો નથી!” “સૌ પોતપોતાના ઘરનો રા’ છે. ચારણ કોઈ રાજાબાદશાહનો ચાકર નથી. ચારણ દેવ લેખે પૂજાય છે, કારણ કે એણે રાજાબાદશાહના મોહનો અંધાપો અળગો રાખેલ છે.” “તો આઈ, મને થોડાં વરસ પહેલાં કહેવું’તું ને?” “તુંને હું શું ભણું, ભા?” આઈની આંખો પૂરેપૂરી તો ત્યારે પહેલી વાર ઊઘડી : “તુંને જે ભણવાનું હૂતું તે તો હરદમ મારા હૈયામાં હૂતું, મારી આંખ્યોમાં ને કાયાના રૂંવાડે રૂંવાડામાં હૂતું. પણ તુંને મારા મનની વાણી વાંચવાની આંખો ક્યાં હૂતી? વિચાર, હજીયે વિચાર ને વિમાસ્ય, નાગાજણ! મારો નાગાજણ જૂનાના રા’નો ખવાસ નો’ય, મારો નાગાજણ તો ચારણોની ન્યાતનો સેવક હોય ઈ જ શોભે. હિંદુ-મુસલમાનનાં વરણ માતર ચારણને નમે છે તે તો એનાં તપ અને તેજને નમે છે.” “રા’ની મહેરબાની મારા ઉપર ન હોત તો શું ચારણો મને પટલાઈ બંધાવવા આવત, આઈ! રામ રામ કરો! લોકો તો સત્તાને ઓળખે છે, સત્તાને નમે છે, સત્તાની જ શેહમાં દબાય છે.” “ભૂલ્યો, ભૂલ્યો, ભૂલ્યો મારો પોતરો. અરે, આવડું બધું ભાન શે ભૂલ્યો! નાગાજણ, દેવીયુંના બાળમાં આ બુદ્ધિ પરગટી એટલે હવે આપણા તકદીરમાં રાજવળાંનાં ગોલાં થવા સરજ્યું લાગે છે.” “આઈ! મારે મોડું થાય છે. તમે મે’માનોને રોકજો ને રૂડી રસોયું જમાડજો. કસુંબામાં કચાશ રે’વા દેશો નહીં. ને આ એક વખત ક્ષમા કરો. હું હમણાં જ જઈ આવું છું.” “તારા કસુંબાની લાલચે ચારણો નહીં બેઠા રહે, ઈ તો રા’ બેઠો રે’શે. ને બાપ, આજ કટોકટનો અવસર છે. આજ અવતારભરનું ટાણું છે. આજ માણસાઈ ત્રાજવે ચડી છે.” “આવડું બધું?” નાગાજણ મશ્કરીમાં ઉડાવતો હતો. “કેવડું બધું! તું ન કલ્પી શકે એવડું બધું. આજ ગરવાના ટૂક જેવડી ખોટ બેસી જશે, નાગાજણ, મરમ પકડી લે.” “આઈ! મારો જીવ કાં ખાવ?” કહી નાગાજણ ચાલવા માંડ્યો. “નાગાજણ! સાંભળતો જા. મૂં ખદખદી રઈ છું. હરિગુણ ગાતા નરસૈંયાને જે દીથી રા’એ હનડ્યો છે તે દીથી મૂંને કિસેય ગોઠતું નસે. રાજની વિભૂતિ માતર કુંતાદે ભેળી જૂનાણાની બહાર ચાલી ગઈ છે. ને વીશળ કામદારના ઘરનો કાળો કામો…” આઈ આંખો મીંચી ગયાં. એનાં સફેદ ભવાં રૂપાનાં પતરાં સરીખાં ફરફરતાં હતાં. એની ગઢપણે લબડી પડેલ ચામડીમાં પણ લોહી ચડી ચડી ઊકળતું હતું. એણે પોતાના મોં આડે ભેળિયાનો છેડો ઢાંકી દીધો. “આઈ, નરસૈંયાની વાત તમે પૂરી જાણતાં નથી. ને શહેર આખું વીફરી ગયું તે ટાણે રાજાએ બીજું શું કરવું? કુંતાદે તો અવળે રસ્તે ચડ્યાં છે. ને વીસળ કામદાર તો મહાતરકટી નીવડ્યો છે. રા’ને દૂણો મા.” “જોગમાયા તને સમત્ય દ્યે, દીકરા! નરસૈંયાના પગુંમાં પડી જાય રા’—જો એનો દી ઘેર હોય તો. નરસૈંયો તો ગભરુ ગાય : ગાય પણ ભાંભરડા દિયે : નરસૈંયે શાપ નથી દીધો. અરેરે નાગાજણ, હું બીઉં છું. મને મારી જાતની બીક લાગે છે. નરસૈંયાને માથે થઈ તેવી મારા માથે—” “બોલો મા, આઈ! રા’ને એવડો નરાતાળ પાપી માનો મા! તમને! તમને તે રા’ સંતાપે?” એમ કહીને હસતો હસતો નાગાજણ ઘોડે ચડ્યો. આઈ એની પાછળ પાછળ જ ગયાં. એણે ઘોડાની વાઘ ઝાલી : “દીકરા, ન જા. મને બીક…” “આઈ! તમે તો…” એમ કહી નાગાજણે ઘોડો હાંક્યો. આઈ ડેલી સુધી દોડ્યાં : “ઊભો રે’.” “અબસાત પાછો આવું છું.” “એ… તયેં સાંભળતો જા, બાપ!

માયલા વચન વિસારે
જો તું જૂને જીશ!
તો રા’ને ને તોળે રીસ
નાગાજણ! નવી થિશે.

“નાગાજણ, આજ જૂનાગઢમાં તારે ને રા’ને મોટાં રૂસણાં થાશે, મ જા! મ જા!” નાગાજણનો ઘોડો ઊપડતાંની વારે જ વેગે ચડી ગયો હતો. આજનો ઘોડો નવીન હતો. ન્યાતના ભાઈઓ નાગાજણને માટે દેવાંગી વછેરો લઈ આવ્યા હતા. તે પર તીર માફક છૂટેલા નાગાજણે નાગબાઈનાં આ વેણ બરોબર સરખાં સાંભળ્યાં નહીં. જૂનાગઢના રાજમહેલમાં તે વખતે કસુંબા વગર તૂટતાં રા’નાં ગાત્રોને ચંપી કરતો હજામ વાતોએ ચડાવી રહ્યો હતો. રા’ કહેતા હતા : “ખરેખર, શું એલા એ નખ બનાવટી નહોતા?” “ના બાપુ, બાપુને પગે હાથ છે, ને કહું છું કે કાલે સૂરજના તડકામાં તમે નજરોનજર ઓગળી ગયેલા નખ જોયા તે નાગાજણ ગઢવીનાં ઘરવાળાં ચારણ્ય મીણબાઈના જ હાથ-પગના હતા. હું જ બાપુને બતાવવા એ ઉતારીને લઈ આવ્યો હતો.” “ત્યારે તો અપ્સરાને સાચવીને નાગાજણભાઈ જ બેઠા છે, એમ?” “હા બાપુ. રૂપ અને ગુણ તો એને એકને ઘેર જ ભગવાને સંઘરેલાં છે.” રૂપ અને ગુણની વાતો સાંભળતાં સાંભળતાં રા’ ઝોલે ગયા. હજામ ચંપી કરીને બહાર નીકળી ગયો ને નાગાજણ આવી પહોંચ્યો. એ રા’ના જાગવાની રાહ જોતો કસુંબાની પ્યાલીઓ તથા અપ્સરાઓની વાતો તૈયાર રાખીને જ બેઠો હતો. એકાએક રા’ ઝબકીને બેઠા થયા. બેબાકળા એણે બૂમ મારી : “ખબરદાર, ખબરદાર જો લઈ ગયો છો તો! ખબરદાર, નાગાજણ!” “અન્નદાતા! ધણી મારા! આ રહ્યો હું આંહીં હાજર જ છું. કોણ, શું લઈ ગયો?” નાગાજણે રા’ની પાસે જઈ પૂછ્યું. રા’ના મોં પરથી તે વખતે એક મચ્છરિયું ઊડતું ઊડતું દૂર ચાલ્યું જતું હતું. રા’એ ચકળવકળ આંખો ઘુમાવી. ઘૂમતી દૃષ્ટિ ગિરનારની ડોક ફરતી અધ્ધર તરતી વાદળીઓમાં ભમતી હતી. રા’ના ચહેરા ઉપરથી લોહી, ઓટવેળાના સમુદ્રની પાછી વળી જતી વેળ્યની માફક, નીચે ઊતરી જતું હતું. “કેમ લઈ ગયા, નાગાજણ?” રા’એ પૂછ્યું. “શું બાપુ? કોને લઈ ગયો હું?” “અપ્સરાને. મારી અપ્સરાને તમે કેમ ઉપાડી ગયા?” “અન્નદાતા! રા’! ઊંઘમાં છો? જાગો, કસુંબો તૈયાર છે.” રા’એ કસુંબો લીધો, પણ એની દૃષ્ટિ ઘૂરકતી હતી. “સોણું હશે?” “સોણું જ તો, બાપ!” “પણ આંહીં એ ઊતરી, બેઠી, મને એણે પંપાળ્યો, ત્યાં જ તમે એને ઉપાડીને ચાલ્યા ગયા.” “માઠી કલ્પનાઓ, મારા ધણી!” “કલ્પનાઓ—કલ્પનાઓ—કલ્પનાઓ—કલ્પનાઓ સાચી હશે, કે સંસાર જ સાચો હશે? કલ્પનાઓમાં તો ગઢવી, તમે જ મને ખૂબ રમાડ્યો. સત્ય મરી ગયું, ને કલ્પનાઓ જ સાચું જીવતર બની ગઈ. નરસૈંયો કલ્પનામાં જ જીવ્યો, વિહર્યો, માણી ગયો. ના, ના, કલ્પનાનો કીડો તો મને જ રાખી દઈને એક તો નરસૈંયો માણી શક્યો; ને બીજા તમે માણો છો, નાગાજણ ગઢવી!” “બાપા!” નાગાજણને રા’ની લવરી બિવરાવવા લાગી, “કસૂંબાને મોડું થયું ખરુંને, એટલે આપનો જીવ ચકડોળે ચડી ગયો.” “ના, ચકડોળ તો કેદુનો ફરે છે. હવે તો ચકડોળ પરથી પડવાનો કાળ આવે છે. એવો પડું, એવો પડું કે ફોદા જ વેરાઈ જાય. એવું કાંઈક કરોને, ભાઈ! ચકડોળ જરા જોરથી ફેરવોને, ગઢવી! આ તો હજી ધીમો ફરે છે. હવે કાંઈક હળવે ફરે તે ગમે ખરું કે?” એવું એવું તો રા’ ઘણું બોલી ગયા. વાસ્તવની ધરતી પરથી એના પગ લસરી ગયા. એણે વારે વારે કહ્યું : “કુંતાદે અપ્સરા નથી, તમે અપ્સરા કહીને નવી પરણાવેલ ભીમરાજની દીકરી પણ અપ્સરા નથી. અપ્સરા વીશળ કામદારની વહુ પણ નથી. મને તો એકેય ન મળી, મને મળું મળું થઈ ત્યાં બસ, તમે ઝૂંટવી ગયા!” “આ શું કહો છો, રા’ ગંગાજળિયા?” “ગંગાજળિયો ગંગાજળિયો કહી મને કાં કૂટી માર્યો? મને તમે સૌએ બસ જોરાવરીથી ગંગાજળિયો બનાવ્યો. મને એકલાને કાં આદર્શોનું પોટકું ઉપડાવો છો? તમે બધા હળવાફૂલ થઈને માણો છો, ને વેઠ મારી પાસે કરાવો છો. આમ નહીં ચાલે.” “પણ શું નહીં ચાલે, બાપ? સમજાવો તો ખરા!” “મારે જોઈએ જ—એ પાછી જોઈએ જ—એ તમે છુપાવીને બેઠા છો તે હું નહીં ચાલવા દઉં, હું તમને કહી રાખું છું.” ઘૂમાઘૂમ કરતા રા’ના ડોળાનો એકેય તાંતણો નાગાજણ ઉકેલી ન શક્યો. પોતે વાળેલા સત્યાનાશની કેડી એને પોતાને જ ન દેખાઈ. “મને તો જમિયલશા સાંઈએ પણ ત્યજ્યો છે. કાંઈ ફિકર નહીં. મેં એને અપ્સરાઓનું પૂછ્યું તેમાં તો એ બુઢ્ઢો છેડાઈ પડ્યો. તો શું થઈ ગયું? તો હવે મને કંઈક નાનકડા રૂપકડા ફકીરોનો સમાગમ થઈ ચૂક્યો છે, એમણે મને કહ્યું છે—” “શું કહ્યું છે, ધણી?” “એ હું તમને શા સારુ કહું? ત્યાંય પાછા તમે ઝૂંટવવા તૈયાર રહો, કાં ને! એ નહીં કહું. એમના ધરમમાં શું શું આશાઓ ને દિલાસાઓ છે, તે હું કોઈને નહીં કહું.” કહેતે કહેતે રા’નાં નેત્રો ચમકારા કરવા લાગ્યાં. રા’ના મોંમાં અમી છૂટવા માંડ્યું. રા’એ હોઠ ઉપર જીભ ફેરવીને હોઠ પલાળ્યા. રા’ પોતાને જડેલું કાંઈક અણમોલું રહસ્ય પોતાના અંતરને વિશે પંપાળવા લાગ્યા. વેળા ઘણી વીતી ગઈ. પોતાને ઘેર ન્યાત મહેમાન છે એમ કહી નાગાજણે રા’ની રજા લીધી. નીચે જઈને નાગાજણ જ્યારે ઘોડે ચડ્યો ત્યારે રા’ ગોખમાં ઊભા ઊભા જોતા હતા. નાગાજણે રાંગ વાળી કે તુરત જ ઘોડો કંઈક એવા રુમઝુમાટ કરવા લાગ્યો કે રા’એ ઉપરથી હાક મારી : “એ દેવ, જરી ઊભા રે’જો,” એમ કહેતા પોતે બે-બે ને ત્રણ-ત્રણ પગથિયાં ઠેકતા નીચે ચોગાનમાં આવ્યા ને ઘોડાની માણેકલટ પંપાળવા લાગ્યા; પૂછ્યું : “આ રૂપ ક્યાંથી, હેં દેવ?” “બાપ, મને ન્યાતે દીધો.” “આના ઉપર તો મારું દિલ ઠરે છે.” “દિલ ઠરે એવો જ છે, બાપા. પગે હાલતો નથી પણ પાંખે ઊડે છે એવી એની હાલ્ય છે. આજ જો આ ઘોડો રાંગમાં ન હોત તો આપની પાસે હું આટલો વહેલો પોગત નહીં.” “પણ હૈયું બહુ ઠરે એવો છે, હો દેવ!” નાગાજણને હજુય સમજણ ન પડી. એણે કહ્યું, “ત્યારે બાપા, હવે રજા છે ને?” “થોડીક વાર ઘોડાને પંપાળી લઉં.” “ખમા! પણ ઘેરે ન્યાત ખોટી થાતી હશે.” “તો દેવ! મારા દોસ્ત!” રા’એ નાગાજણનો હાથ ઝાલીને કહ્યું, “આપણી અશ્વશાળામાંથી તમને મરજી પડે તેટલાં ઘોડાં છોડી જાઓ, ને—” “ને શું, બાપા?” “આ એક જ વછેરો મને આપો.” નાગાજણ ખસિયાણો પડ્યો. રા’ની માગવાની રીત એને તુચ્છ લાગી. એણે કહ્યું : “બાપા! જૂનાના ધણીને જાતવંત ઘોડાની ક્યાં ખોટ છે? મારે ઘરધણીને ચડવાના કોડ પૂરે એવો તો આ માંડ માંડ મળ્યો છે.” “એટલે કે તમારે એકને જ બધી વાતે માણવું છે, ને મને કલ્પનાઓમાં જ રમતો રાખવો છે, એમ ને? ઠીક, રામ રામ!” “રામ રામ, બાપા!” નાગાજણ ચાલી નીકળ્યો. રસ્તે એને વિમાસણ થતી જતી હતી— ‘આ તે આવો ભાવઠ કેમ બની ગયો? મેં શું એને જીવતરમાંથી ખેડવી નાખ્યો? મને કેમ સરત જ ન રહી? હું અપ્સરા લઈ ગયો, ને ફકીરો એને કાંઈક આશા-દિલાસા દે છે, તે બધું શું હશે?’ વિચારતો વિચારતો એ એક સૂકા નેરાની તપતી રેતીમાં ઊતર્યો. ત્યારે એને આઘે નેરડામાં એક આદમી બેઠેલો દેખાયો. જબ્બર પુરુષ હતો. ને એની બાજુમાં શું પડ્યું છે? ઘોડી પડી છે : પહાડ જેવડી ઘોડી આમ સૂતી છે કેમ? નાગાજણે નજીક જતાં જ ઓળખ્યો એ પુરુષને. આ તો રા’ની સામે બહારવટે નીકળેલા સરવા ચોવીશીવાળા વિકાજી સરવૈયા! “જે સોમનાથ, વિકાજીકાકા!” નાગાજણે શુદ્ધ ભાવે કહ્યું. “જે સોમનાથ, દેવ!” વિકાજી સરવૈયાના બુઢ્ઢા મોંમાંથી ક્ષીણ પડઘો નીકળ્યો, એને બીક પણ લાગી. “કેમ આમ અંતરિયાળ, કાકા?” “બસ દેવ, બા’રવટું આથમી ગયું.” “પણ શું થયું?” “ચડવા એક જ ઘોડી હતી. એની પીઠ માથે જ મારા બા’રવટાનો ભાર હતો. એના પ્રતાપે કોક દી પણ રા’ મારું પાર પાડશે એવી આશા હતી. આજ એ મરી ગઈ.” “હવે?” “હવે બસ, તમે રા’ને બાતમી પોગાડો ત્યાં લગી આંહીં જ બેઠો છું. મને ને ઘોડીને હારે જ દેન પાડજો, બાપા! એટલું રા’ને કહેજો.” “નાગાજણ નીચે ઊતર્યો ને બોલ્યો, “ઊઠો, વિકાજીકાકા!” “કાં બાપ?” “જોગમાયા તમને ઘોડીને સાટે ઘોડો દિયે છે.” બહારવટિયાએ નાગાજણની સામે જોયું : “રા’ના ભાઈબંધ! બુઢ્ઢાની ઠેકડી કરો છો! આખરે તો તમે સૌ રજપૂતોના સરખા પૂજનીય છો એ ન ભૂલશો.” “માટે જ કહું છું, સરવૈયાજી! કે ઊઠો, ને જૂનોગઢ ભાંગો આ ઘોડાની પીઠ પર બેસીને.” “સાચું કહો છો?” બહારવટિયાની વૃદ્ધ આંખો સહેજ સજળ બની. “રા’ની સાથે તમારે વેર થાય…” “મારી ફિકર કરો મા, ને ઊઠો. માતાજીએ ઘોડો આપી વાળ્યો.”

તે દિવસની સાંજે ગોધૂલિ વેળાએ જૂનાગઢની ઊભી બજાર ચીરતો એક ઘોડેસવાર કોઈને ભાલે પરોવતો, કોઈને ઝબોઝબ મારતો, દુકાનો ખેદાનમેદાન કરતો આરપાર નીકળી ગયો અને રાતના મશાલ ટાણે રા’ને સમાચાર પહોંચ્યા કે એ બહારવટિયા વિકાજીકાકાની રાંગમાં નાગાજણ ગઢવીનો એ જ ઘોડો હતો, કે જે રા’ને આપવાની નાગાજણે તે દિવસે સવારે જ ના પાડી હતી. નાગાજણ ઘેર પહોંચ્યો ત્યારે ચારણદાયરો પોતપોતાને ગામ ચાલી નીકળ્યો હતો. સમાચાર મળ્યા કે ન્યાતભાઈઓ પોતાને તરછોડી જનાર નાગાજણ પ્રત્યે ઊંડું મનદુ:ખ લઈને જતા રહ્યા હતા. એ કાંઈ બોલ્યાચાલ્યા વગર ઘરમાં પેસી ગયો. નાગબાઈએ પણ જીભને સીવી લીધી હતી. રાતે નાગાજણની વહુ મીણબાઈએ, મૃત્યુલોકની એ વિરલ અપ્સરાએ, નાગાજણને કહ્યું કે, “કોઈક મોટું અનિષ્ટ થવા બેઠું છે. આઈનો જીવ અંદરથી વલોવાઈ રહ્યો છે. આઈ એકાંતે વારંવાર બોલ્યા કરે છે કે, નરસૈં મે’તા! હરિના હેતાળુ! આટલી આટલી સતાવણી તુંથી શે સંખાઈ! તારા મોંમાંથી શરાપ, અરેરાટી કે હાયકારો, કાંઈ કરતાં કાંઈ કેમ ન નીકળ્યું? નરસૈંયા, મેંથી આવું કાંઈ થાશે તો શે સે’વાશે? મારી મતિ કેમ કરીને ઠેકાણે રે’શે? તું હરિનો ભગત, ને હું તો મેખાસૂરનાં રોડ (રુધિર) પીનાર નવ લાખ વિકરાળ લોબડિયાળીયુંનું છોરુ, મારાં તો ખાનપાનમાં ને શ્વાસેશ્વાસમાં રજોગુણ. તારી સાત્ત્વિક વૃત્તિ મેંથી શે સાચવી જશે? અરે, મને મલક દેવ્ય (દેવી) ભાખે છે. પણ મેંથી ક્યાંઈક ડાકણ થઈ બેસાશે તો કેવો બટ્ટો બેસશે? ને આ રાજા બદલી ગયો, ઊખડેલ થયો, એ કોને નહીં સંતાપે? પણ શું કરું? મારું ઘર જ આ ગોરખધંધાને ન અટકાવી શક્યું!… આવું આવું લવતાં આઈ મારીયે આડાં ઊતરતાં નથી. કોઈ મળવા આવે તો મળતાંય નથી. ચારણ! તમે જાળવજો, હો! મલકનું નખોદ ન નીકળી જાય.” નાગાજણ પાસે આશ્વાસનનો એકેય શબ્દ રહ્યો નહોતો.