રા’ ગંગાજળિયો/૨૬. સુલતાનનો મનસૂબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. સુલતાનનો મનસૂબો

સાડા તેર વર્ષના સુલતાનને તખ્ત પર બેઠે સાત વર્ષ થઈ ગયાં હતાં. બેઉ બાજુ મૂછો નીકળી ચૂકી હતી. સુલતાન ‘બીઘરો’ બનતો જતો હતો. અને ઉમરાવોના ક્લેશકંકાસ તેમ જ કાવતરાંને સાફ કરી નાખી ઘોડે પલાણ્યો હતો, મુલકો ઘૂમતો હતો. “આ જાંબુડો કોણે વાવેલ છે?” એમ કહેતે જુવાન સુલતાને રસ્તા પરની એક ઝૂંપડી પાસે ઘોડો રોક્યો. ઝૂંપડીનો વાસી ગરીબ માણસ આવી ઝૂકી ઊભો રહ્યો : “મેં વાવેલ છે, ખાવંદ.” “પાણી ક્યાંથી કાઢો છો?” “દૂર નદીથી કાવડ ભરી આવું છું.” “એને આંહીં કૂવો ખોદાવી આપો, વજીર, ને વધારે ઝાડ વાવે તો ઇનામ આપો.” સુલતાનની એ વનસ્પતિ પરની પ્રીતિથી જ ગુજરાત ગુલિસ્તાં બનતું હતું. આંબા, દાડમડી, રાયણ, જાંબુ, નારિયેળ, બીલાં ને મહુડાં ગુજરાતની રસાળ ધરતીને ભાવતાં. હર કિસમનાં ફળઝાડ ઉછેરવા રૈયતમાં ઉત્સાહ પ્રગટ્યો. પાંચ કોસ લાંબો-પહોળો ફિરદોસ બાગ અમદાવાદની પૃથ્વીના લીલૂડા કમખા સરીખો પથરાઈ ગયો. કસબે કસબે જુવાન સુલતાનની સવારી નીકળી. પંથે પંથે એણે ફળફૂલનાં ઝાડનો શોખ વેર્યો, ને જ્યાં જ્યાં એણે ગામની કોઈ દુકાન કે ઘર ખાલી અથવા ઉજ્જડ પડેલું જોયું ત્યાં ત્યાં એનો ઘોડો ઊભો રહ્યો, એની આંગળી ચીંધાઈ, એણે અધિકારીઓને પહેલો પ્રશ્ન હંમેશાં એ જ પૂછ્યો, “આ ઉજ્જડ કે ખાલી બનવાનું કારણ?” “બાપ મરી ગયેલ છે; છોકરાં નાનાં છે.” “મદદ આપો. એના ઉંમરવાન સગાને એની સાથે રહી વેપાર કરવા કહો. રાજ મદદ આપે છે.” જ્યાં જ્યાં જુવાન સુલતાન વિચર્યા ત્યાં ત્યાં આવાં વેરાન પડેલાં સ્થાનોનો એણે દિવસ વાળ્યો. એણે કહ્યું : “એક પણ ખાલી મકાન મને ભયંકર ભાસે છે.” ઠેર ઠેર એણે લશ્કરની હાલત તપાસી પૂછ્યું : “સિપાહીઓ કંગાલ કેમ બન્યા છે?” “કરજવાન બની વ્યાજખાઉઓના સિતમો તળે ચગદાયા છે.” “લશ્કરીઓને ફરમાન સંભળાવો કે ખબરદાર, બહારનું કરજ કરે નહીં. ગુજરાતની મહેસૂલનો એક ભાગ અલાયદો પાડો, ને તેમાંથી લશ્કરીઓને જરૂર પડતાં ધીરો. પાછું તેની જાગીર પરથી વગર વ્યાજે વસૂલ કરો. વ્યાજખોરો તો કુત્તા છે. તેમનાથી છેટા રહે લશ્કરીઓ!” સુલતાન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સૈન્યના સિપાહીઓનાં પત્રકો તપાસ્યાં. અનેકનાં નામ પર જાગીરો રદ થયેલી જોઈ. કારણ પૂછ્યું. ખુલાસો મળ્યો : “એ સિપાહીઓ તો લડાઈમાં કામ આવી ગયા છે અથવા કુદરતી મોતને પામ્યા છે.” “તોપણ તેની જાગીર સરકારદાખલ શા માટે કરો છો?” “શું કરીએ?” “તેના છોકરાને નામે કરી આપો.” “ઘણા તો અપુત્ર મૂઆ છે.” “તો અડધો ભાગ તેની દીકરીઓને આપો.” “ઘણા સાવ વાંઝિયા મૂઆ છે, નામદાર!” “તો એનાં આશરાવાસીઓ હશે ને! એની ઓરત, ભાણેજ, ભત્રીજી વગેરે વિધવાઓ હશે. એને સૌને યોગ્ય મદદ પહોંચાડો.” જુવાન સુલતાનનાં આ ફરમાનોએ ફોજના માણસોમાં ચમક પેદા કરી. પોતાની સાત પેઢી સુધી નજર પહોંચાડનાર ખાવિંદને માટે તેઓ પોતાની ચામડી ઉતારી દેવા પણ તૈયાર થયા. અમલદાર આવીને કહેતો : “હજૂર, ફલાણો અમીર ગુજરી ગયો છે, પણ તેનો દીકરો તેની પદવીને લાયક નથી.” સુલતાન એને જવાબ વાળતા : “ફિકર નહીં, તેની પદવી જ તેને લાયક બનાવશે. તેની જાગીર કે પદવી ન ખૂંચવશો.” આવા ડહાપણથી જુવાન સુલતાને માણસોને માણસાઈ શીખવી. જાગીરદારોને, તેઓ જોરજુલમ ન આચરે ત્યાં સુધી, તેમના હકની રક્ષા બાબત નિર્ભય બનાવ્યા. વેપારીઓને ચોર-લૂંટારાથી સલામત કરી મૂક્યા અને એનો જવાબ ધરતીએ ક્યારનો વાળી દીધો હતો : સરકારના એકેએક ગામડાની ઊપજ વધીને બેવડી બની હતી. ‘બીઘરો’ બનવાની ખુમારીમાં મૂછોને બેઉ બાજુ વળ ચડાવતા જુવાન સુલતાન એક દિવસ કપડવણજ કસબામાં મુકામ નાખીને પડ્યા હતા. રાતનું ભોજન કરીને એ ઊઠ્યા છે ને બૂમો મારે છે : “અરે! મરમરા લાવ રે, જલદી મરમરા.” પાંચ શેર મરમરાની તાસકો એની સામે મુકાય છે, તેમાંથી એ ફાકડા ભરતાં બોલે છે : “યા અલ્લાહ! એક ગુજરાતી મણની રસોઈ પણ મારા જઠરનો ખાડો પૂરી શકતી નથી! અરે ભાઈ, આ પાંચ શેર મરમરા તો હમણાં ચટ થઈ જશે. મારી પથારીની બેઉ બાજુ સમૂસા મુકાવેલ છે ને? ભૂલી નથી ગયા ને એ, હેઈ ખાનસામાઓ? ન ભૂલજો, નીકર રાતનાં ઊઠીને હું તમને ખાઈ જઈશ, હાં કે.” “જનાબ, બધું જ બરાબર મૂકેલ છે.” “પલંગની બેઉ બાજુ, હાં કે! હું જે બાજુ ઊઠી જાઉં તે બાજુ મારો હાથ સમૂસાની તાસક પર જ પડવો જોઈએ, હાં કે! અને સુનો બે ખાનસામા, ચૂક મત કરો બાબા, સવારે નમાજ પછી તુરત મારે માટે મધ ને ઘી કટોરા ભરી ભરીને તૈયાર છે કે? અને સુનેરી કેળાં કેટલાં છે?” “દોઢ સો છે, હજૂર.” “બરાબર દોઢસોની લૂમ મૂકવી, હાં કે? નહીંતર હું ભૂખે મરી જઈશ. ઓ મારા માલિક! ઓ ખુદા! અમ્મા સાચું જ કહેતી કે ફતિયા, ખાઉધરા, તારું શું થશે? ખુદાતાલાએ મહમૂદને ગુજરાતનો સુલતાન ન બનાવ્યો હોત તો એનું પેટ કોણ ભરત?” મરમરા બુકડાવતા બુકડાવતા એ જુવાન સુલતાન આમ બોલ્યે જતા હતા ને રાજી રાજી થતા હતા. “જહાંપના!” મંત્રીએ વરધી દીધી : “પેલો શખ્સ સોરઠથી આવેલ છે.” “એને આંહીં લઈ આવો.” આવનાર આદમીએ બે હાથ નીચે સુધી નમાવીને કુરનિસ કરી. એનો લેબાસ અસલ કાઠિયાવાડી હતો : માથે ગુલખારી આંટિયાળી પાઘડી, અંગ પર લાંબો અંગરખો, ઉપર હીરકોરી પિછોડી, લીલી ખૂલતી સુરવાળ, હાથની આંગળીઓમાં હેમનો વેઢ : વૃદ્ધ હોવા છતાં ટાપટીપ કમાલ હતી. “ક્યાંથી આવો છો?” વાતચીત કરનાર એ બે જ જણ રહ્યા એટલે સુલતાને પૂછ્યું. “જૂનાગઢથી, જહાંપના.” “નામ?” “વીશળ કામદાર : રા’ માંડળિકનો કારભારી છું.” “શી છૂપી વાત કહેવી છે તમારે?” “પાદશાહ સલામત! સોરઠની વસ્તીને રક્ષા આપો, હવે જલદી રક્ષા આપો! અમારો રા’ ભયંકર બન્યો છે. ન કરવાનાં કાર્યો આદરેલ છે એણે.” “તમે કેમ નિમકહરામ થવા આવ્યા છો? જાણો છો, બનિયા! સુલતાન એક મુસ્લિમ છે. કાફિરોનો કાળ છે મહમૂદશા. ને હિંદુઓની મક્કા-મદીના સરખી સોરઠ માથે જ્યારે એની સમશેર ઊતરશે ત્યારે એકેય દેરું સલામત નહીં રહે, મંદિરે મંદિરે મસ્જિદો બંધાશે. પિછાનો છો મને કાળને?” સુલતાને આંખો ફાડીને ચકળવકળ ડોળા ઘુમાવ્યા. “હે પાદશાહ! જે કરવું હોય તે કરજો. સોરઠની વસ્તી એ બધું સહી લેશે. નથી સહેવાતા આ અમારા હિંદુ રાજાના અનાચાર!” “તમને શું નડ્યો રા’ માંડળિક, હેં શેઠિયા?” સુલતાન મોં મલકાવતો હતો. “મારે માથે તો ખુદાવંદ—” એ રડવા જેવો બન્યો, “અવધિ કરી છે. મારી શાદી થઈ—” “તારી? બુઢ્ઢાની?” સુલતાનના મોંમાં મરમરાનો બૂકડો અટકી રહ્યો. “હા નામદાર, ત્રીજી વારની શાદી; છોરુની ખોટે કરવી પડી. મેં મારા ધણીને મારે ઘેર આદરસત્કાર કરવા તેડાવ્યા. તેણે મારી સ્ત્રીને નજરમાં લીધી, ને એક વાર મને ગામતરે મોકલી મારા ઘરમાં રાતે ઘૂસી જઈ, મારી નવીની—મારી મોહિનીની—લાજ લૂંટી; ઓ બાપ!” રડી પડ્યો. “અબે બેવકૂફ બનિયા!” સુલતાને કહ્યું, “મારામાં પણ હવસનું જોર ક્યાં કમ છે? હું સોરઠ ઉપર ત્રાટકીશ ત્યારે—” “આપ માવતર, ઠીક પડે તેમ કરજો. આ તો હિંદુ દેવસ્થાનોના રાજા થઈને વિશ્વાસઘાત કરે છે. ને મારી શેઠાણી મોહિનીનો અવતાર બગાડ્યો, તેને વળતે જ દિવસે એણે અમારા એક દરવેશ નરસૈંયા ઉપર અકેકાર ગુજાર્યો. એ વીફરી ગયો છે. એ હવે શું નહીં કરે તેનું ઠેકાણું નથી. એને કોઈનો ડર નથી રહ્યો. આપને તો એ છોકરું જ માને છે. ને આપની વિરુદ્ધ પ્રજાને ઉશ્કેરી બેઠો છે.” “તે તો મેં પણ સાંભળ્યું છે, કામદાર.” “અન્નદાતા! સોરઠ દેશ તો આજે આપ જેવા સુલતાનની કલગીમાં જ શોભે. આજ એને એક અફીણી, એદી, અભિમાની, લૂંટારો, જારકર્મી જ ભોગવે છે.” “હા, મેં પણ સુણ્યું છે કે ખુદાએ માળવા, ખાનદેશ ને ગુજરાત એ ત્રણનો અર્ક નિચોવીને સોરઠને સરજેલ છે. કુદરતના હાથમાં સોરઠ તો એ ત્રણેય દેશોને કસવાના પથ્થર સમાન છે. સોરઠનાં બંદરો મારી આંખની કીકીઓમાં દિનરાત રમે છે. પણ સાચું કહું છું, બનિયા! મારા પંજા વધુમાં વધુ તો તલસે છે એનાં દેરાં તોડવા માટે. પણ શું કરું? તારા રા’ની કુમકે કુદરતે પહાડો ને જંગલો ખડાં રાખેલ છે. આકાશ સુધી પહોંચતો તમારો ગિરનાર કિલ્લો, સિકંદરના કિલ્લા જેવી જેના કોટની દીવાલો છે તે તમારો અભેદ્ય આસમાની ઉપરકોટ, અને તમારા આંગણામાં જ છુપાયેલી મહબીલાની ખો જેવી બેશુમાર ખોપો—એમાં હું ફોજ કેમ કરી લઈ જાઉં?” “આપને માર્ગ દેખાડવા તો હું આવેલ છું.” “બનિયા! તું રખે જાસૂસ હો—હું તને હવે આંહીંથી જવા નહીં દઉં. હવે તો હું ચડાઈ લઈ જાઉં ત્યારે જ તું સાથે આવજે.” “ઘણી ખુશીથી ખુદાવંદ! મારે હવે ત્યાં જઈને પણ શું કરવું છે? ઓ મારી મોહિની… ઓહ!” એ રડી પડ્યો; ને સુલતાન હસ્યા. “બેવકૂફ! જોતો નથી? હું ખાઉં છું, તો હજમ કરવાની પણ તાકાત ધરાવું છું. તું બુઢ્ઢો ત્રીજી વાર શા માટે તાકાત વગર શાદી કરી આવ્યો? તારી શેઠાણીએ પોતાના ઉપર હુમલો કરનારને ખંજર હુલાવી દેવાનું યા તો પોતે જીભ કરડીને મરી જવાનું કેમ પસંદ ન કર્યું?” “સાચું કહો છો, માવતર!” વળતા દિવસના પ્રભાતે મેદાનમાં સુલતાને પોતાની ગંજાવર ફોજની મોખરે ઊભા રહી નમાજ પઢી અને નમાજ પૂરી થયે એણે ઉદ્ગારો કાઢ્યા : “સિપાહીઓ! ખુદાની મહેરબાની હશે તો આવતા વર્ષે આ ખુદાનો સેવક એક નવું નગર વસાવશે.” આ બોલ બોલાતા હતા ત્યારે એનું મોં સોરઠની દિશામાં હતું. ચતુર સાથીઓ સમજી ગયા કે સુલતાનની નજરમાં ગિરનાર રમે છે. તે પછી પોતે દરબારમાં બેઠા, પહેલી મુલાકાત એણે એક સૈનિકને આપી. સાધારણ દરજ્જાના એ સિપાહીએ સુલતાનની પાસે એક ટોપલી ભેટ ધરી. ટોપલી ઉપર લાલ કપડાનો રૂમાલ ઢાંક્યો હતો. રૂમાલ ખોલતાં સુલતાને મીઠું હાસ્ય કરી કહ્યું, “આ શી ચીજ છે, સૈનિક?” “સુલતાન, એ તો મઠની સીંગો છે. તારી રજા લઈને હું મારે વતન ગયો હતો. ત્યાં અમારું ખેતર છે. એમાં આ મઠ ઊગે છે. એ હું તારા ઘોડા માટે લાવેલ છું, કેમ કે એ સરસ છે, દાણાથી ભરપૂર છે. તારો ઘોડો એ ખાઈને તારા જેવો જ તાકાતવાન બનશે. મઠ ખવરાવ્યા વગર તારો ઘોડો તારા જેવા તોતિંગ પહાડી આદમીને ઉપાડી ગિરનાર સુધી પહોંચી નહીં શકે, હો સુલતાન!” “તારી સોગાદ હું હીરામોતી બરોબર માનીને સ્વીકારું છું, સિપાહી!” એમ કહીને સુલતાન પ્રસન્ન ચિત્તે હસ્યા. પછી એણે ખજાનચીને તેડાવ્યો ને હુકમ કર્યો— “આજથી જ ગિરનારની ચડાઈને માટે પાંચ કરોડ અવેજના ફક્ત સોનાના જ સિક્કા તૈયાર રાખો.” શસ્ત્રાધિકારીને બોલાવીને ફરમાન દીધું : “કુરબેગ, ગિરનારની ચડાઈ માટે તૈયાર રાખો—સત્તરસેં મિસરી, મલતાની, મઘરેબી અને ખોરાસાની તલવારો. એ દરેકની મૂઠ ચારથી છ શેર વજન સુધીની શુદ્ધ સોનાની હોવી જોઈએ; તેત્રીસસો અમદાવાદી તલવારો, જે દરેકની મૂઠ રૂપાની, પાંચથી છ શેર વજનની હોવી જોઈએ. સત્તરસેં ખંજરો ને જમૈયા, જેના દરેકના હાથાનું વજન ગુજરાતી અઢીથી ત્રણ શેર નરદમ સોનાનું હોય.” અશ્વપાળને બોલાવી આજ્ઞા આપી કે, “બે હજાર અરબ્બી અને તુર્કી ઓલાદના સોનેરી સાજવાળા ઘોડા તૈયાર કરો.” બાવીસ વર્ષના જુવાન સુલતાનની આ આજ્ઞાઓ અફર હતી. ફોજમાં આ તૈયારીના ખબર ફેલાયા કે તુરત સિપાહીઓ સોરઠની ધરતી ખૂંદી નાખવા તલસી ઊઠ્યા. તેમની કલ્પના સામે આ ઇનામો હતાં, ને હિંદુ દેવસ્થાનાંના બેહિસ્તે લઈ જનારા વિનાશની તલબ હતી. કેળાંની લૂમો ઉડાવતા સુલતાનને પણ ઉનાળો બેઠો એટલે તલબ લાગી—સાબરમતીની રેતમાં પાકતાં રાતાંચોળ તરબૂચોની. ‘ખરબૂજની મોસમ નથી ચૂકવી’ એમ કહીને એણે અમદાવાદ તરફ પડાવ ઉપડાવી મૂક્યો. જૂનાગઢના વીશળ કામદારે પણ તરબૂચો ખાતાં ખાતાં, એના જેવા જ ગુલાબી રંગની વૈરવાસનાને પોતાના અંતરમાં પકવ્યે રાખી. એણે સુલતાન સાથેની મુલાકાતોમાં ગિરનારનાં ગુપ્ત રહેઠાણો અને ઉપરકોટ ફરતાં અભેદ્ય જંગલોમાંથી સર્પ-શી ચાલી જતી છૂપી કેડીઓની વિગતવાર બાતમી આપ્યા કરી.