તુલસી-ક્યારો/૨૧. કોણ કાવતરાખોર?
ધર્મશાળાના શિવાલયને ઓટલે એ બે જણા બેઠા હતા : દેવુના દાદા સોમેશ્વર માસ્તર અને અંધ મામો જ્યેષ્ઠારામ. બાજુમાં દેવુ ઊંઘતો હતો. એ ઊંઘતા દેહ ઉપર પાસે ઊભેલો ઊંચો તુલસી-છોડ પોતાની મંજરીઓનો વીંજણો ઢોળતો હતો. “જ્યેષ્ઠારામ!” સોમેશ્વર પોતાના સાળાને પૂછતા હતા : “કેમ લાગે છે? તને શું સૂઝે છે? આ તલમાં તે તેલ હોઈ શકે? સળી ગયા છે આ તલ તો!” “સળ્યું ધાન ફેંકી દેવાય, કેમકે એ કામ ન આવે. સળ્યાં માનવીને કાંઈ ફેંકી દેવાય, બાપા!” અંધો ડોસો બફારામાં બફાઈ ગયેલ બરડાને ઉઘાડો કરી, ચાંદનીમાં છબછબાવી, જનોઈને બે હાથે બરડા પર ઘસી ખજવાળતો ખજવાળતો કહેતો હતો. “પણ, ભાઈ!” સોમેશ્વર માસ્તર પણ ઉઘાડે શરીરે, ફક્ત એક ફાળિયાભેર, તુલસી-છોડનાં પાંદ તોડી તોડી મોંમાં મૂકતાં કહેતા હતા : “આ તો મદોન્મત્ત! ફરતી’તી કેવી ઉઘાડે માથે! ને પડખે ઓલ્યો દારૂડિયો ...” “તમે પૂરેપૂરું જોયું નથી લાગતું.” “હવે તું આંધળો મને શું કહેતો હતો!” “જે દેખતાં હોય ને, એ જરૂર હોય તેથી વધારે જોવા મંડે, એટલે મુદ્દાની વાત જોવી રહી જાય ને ન જોવાનાં જોયા કરે. અમે આંધળા, એટલે જોવાજોગું જ જોઈએ.” “શું જોયું?” “એણે આપણને દેખી અદબ કરી. ને એ ઝબકી ગઈ.” “બી ગઈ હશે?” “ના, ઓળખીને શરમાઈ ગઈ હશે. મારી વાત એક જ છે : ઉપરનું ફોતરું સળ્યું છે, દાણો હજી આબાદ છે.” “એટલે શું?” “એ આપણું માણસ છે, ને આપણે પાછું હાથ કરવું છે. ગોવાળ એક ગાડરના બચ્ચાની પણ ગોત કરવી છોડતો નથી; તો આ તો જીવતું માનવી છે.” બોલતો બોલતો એ અંધ જ્યેષ્ઠારામ જનોઈને બરડા પર વધુ ને વધુ લજ્જતથી ઘસી રહ્યો હતો. ખજવાળ આવતી હતી. જનોઈના ત્રાગડા જોરથી ઘસાતા તે મીઠું લાગતું હતું. તુલસીનો છોડ વાયુમાં હલતો હલતો દેવુના દેહ પર સૂકી મંજરીઓનો છંટકાવ કરી રહ્યો હતો. નિર્મળ જળ અને વગડાઉ ફૂલ–એ બેઉના મિશ્રણમાંથી નીપજતી જે એક અનિવાર્ય અને નિર્ભેળ ખુશબો એકલા ફક્ત શિવ-મંદિરમાંથી જ ઊઠે છે, તે આ રાત્રિ-પ્રહરની વિકટ વાતોમાં કશુંક સરળપણું પૂરતી હતી. “આપણે આ મૂર્ખાઈ શીદ કરવી, જ્યેષ્ઠારામ?” “કાં?” “તને ખબર નથી, પણ મારા ઉપર પાંચ-છ કાગળો આવી પડ્યા છે. બ્રાહ્મણોનાં ઘરમાં દીકરીઓ ઊભરાઈ રહી છે : કોઈને પોતાની ભત્રીજી તો કોઈને પોતાની ભાણેજ, તો વળી કોઈને પોતાની સાળીની છોકરી ઠેકાણે પાડવી છે. એક માથે બીજી દેવા દસ જણા તૈયાર છે. મને ઘેર તેડાવે છે.” “મન થાય છે?” “મને તો આ ઊખડેલને દેખી દેખી એમ થાય છે કે –” “કે?” “એને દેખાડી દઉં કે મારા દીકરાનું ભર્યુંભાદર્યું ઘર મસાણ નહીં બની શકે.” “હં.” “કેમ ‘હં’ કહીને જ અટકી ગયો? તારી બેન પ્રેતલોકમાંથી મને શું કહેતી હશે! – કે એકના એક પુત્રનુંય ઘર ન બંધાવી શક્યા?” “સોમેશ્વરજી! મારી મરેલી બેનને યાદ કરો છો, પણ તમારા ઘરની જીવતી ‘ગાંડી’ને કેમ ભૂલી જાઓ છો? ઠેઠ સિંગાપુરથી એ રઝળતી પાછી આવી, કેમકે એના ધણીએ એક માથે બીજી આણી.” “આ ઊખડેલ ક્યાં એમ પાછી આવવાની હતી?” “પાછી આવશે. પાછી આવ્યા વગર છૂટકો નથી, સોમેશ્વરજી! મારું વેણ છે. મારી આંધળી આંખો ભવિષ્યમાં ભાળે છે કે, આ કંચન એક દી પાછી આવશે – તે દી તમારે વેઠ્યા વગર છૂટકો નથી.” “મારું પગરખે! કાઢું ખડકી બહાર!” “નહીં કાઢી શકો. ને તે દી એક નહીં પણ બેનાં આંસુ લૂછવાં પડશે!” “કેમ, ભાઈ?” “ત્યારે શું, આ બબ્બે સંસારનું સત્યાનાશ કરનારો હીજડો...” “હં... હં...” “સાચું કહું છું – હીજડો. વીરસુત મારો ભાણેજ છે, છતાં સાત વાર હીજડો. એના સંસારને તો પારકા જ માણવાના છે. ભણેલી ને સુધરેલી પોતાને કબજે ન રાખી શક્યો, એટલે હવે પાછી એને કોઈક ગામડાની ગાય ઘેર આણવી છે.” “હોય, ભાઈ જ્યેષ્ઠારામ! આપણે તો માવતર : જીવવું ત્યાં લગી છોકરાના વ્યવહાર ખેંચવા જ રહ્યા ને?” “પણ આનો વિચાર કર્યો?” જ્યેષ્ઠારામે ઊંઘતા દેવુ તરફ આંગળી ચીંધી. “કાં?” “એ તે કેટલીકને ‘બા’ ‘બા’ કહેતો ફરશે?” વાત પૂરી તો નહોતી થઈ. પણ અધૂરા મુકાયેલા ત્રાગ જેવી એ જાણે કે હવામાં ઊડતી રહી. ને બેઉ ડોસા સૂતેલા દેવુને જગાડીને અંદર પોતાના ઉતારામાં લઈ ગયા. ડોસાઓને સરત નહોતી કે ગઈ રાત્રિના વાર્તાલાપનો ઉત્તરાર્ધ જ્યારે ચાલતો હતો ત્યારે દેવુ જાગી જઈને સાંભળી ગયો હતો. જ્યેષ્ઠારામ મામાના છેલ્લા બોલ એને કાને રમતા હતા કે, “આ દેવુ તે કેટલીકને ‘બા’ ‘બા’ કહેતો ફરશે?” એ એક જ વિચારને દેવુએ ભૂખ્યા પ્રાણીની પેઠે ઝડપી લીધો. ને એણે તો આજે કંચનબાને મોઢામોઢ જઈ મળવા નિશ્ચય કર્યો. એણે નવી બા જેમાં રહેતી હતી તે ઉતારામાં એકદમ પ્રવેશવાની તો પેલા વિકરાળ માણસની હાજરીને કારણે હિંમત ન કરી. એ કલાકો સુધી નવી બાના મુકામની બહાર છુપાઈ રહ્યો. પણ એ કલાકો એળે ગયા. આજે કંચનબા પણ બહાર ન નીકળી. પેલો વિકરાળ માણસ પણ મુકામમાંથી ન ખસ્યો. થાકેલા દેવુએ છેક સાંજે પોતાનું જિગર મજબૂત કરીને જીભને ટેરવે આણી મૂક્યું. પછી પોતે એ મુકામની અંદર ધસી ગયો. એણે કંચનબાને એક ખાટલા પર પડેલી જોઈ. પેલો પણ એની સામે ખુરસી પર બેઠો બેઠો કશુંક વાંચતો હતો. દેવુએ ઉંબરમાં ઊભા રહીને પોતાની કશી જ પિછાન આપ્યા વગર, ધ્યાન છે કે નહીં તે જોયા-તપાસ્યા વગર, એકીશ્વાસે મોટે અવાજે કહી નાખ્યું : “જ્યેષ્ઠારામ મામા જૂઠું નથી કહેતા : દેવુએ હજુ કેટલીકને ‘બા’ ‘બા’ કરતા રહેવાનું છે?” એટલા બોલને અંતે આવતાં તો દેવુનો શ્વાસ ગદ્ગદિત બની ફાટી ગયો, અને એક જ ક્ષણને માટે એની આંખો કંચનની જોડે એકનજર થઈ શકી. પેલો વિકરાળ માણસ ભાસ્કર ચોપડીમાંથી માથું ઊંચકીને પૂરું જુએ-સમજે તે પૂર્વે તો દેવુ પાછો નાસી ગયો. નાસી જતા છોકરા દેવુને પકડવા ભાસ્કર જે ચપળતાથી ઊઠ્યો ને દોડ્યો તે એના અખાડેબાજ પૂર્વજીવનનો પુરાવો હતો. નજરે જોનારને ભાસ્કર ઠંડો અને મંદગતિ લાગતો. ઉતાવળ એનાં રુંવાડાંમાં જ જાણે નહોતી. પણ એ ઠંડાશ અને મંદતાની અંદર ઝંઝાવાતના જેવો વેગ હતો, નિશ્ચય હતો. એક કંચન જ આ વાત બરાબર જાણતી હતી. એનાથી ભાસ્કરની પાછળ બૂમ પડાઈ ગઈ કે, “ન જાઓ! ન દોડો! એને મારશો નહીં, બિવરાવશો નહીં!” હાંફળીફાંફળી એ બારીએ ડોકાઈ ઊભી રહી ત્યારે લાંબે માર્ગેથી નીચે ઊતરતા દોડેલા દેવુને ભાસ્કરે દીવાલ પરથી ઊતરી જઈ ઝાલી લીધો હતો. “ચાલ, ચાલ ઉપર.” એમ એ દેવુને કહેતો હતો : “ડર ના, હું તને નહીં મારું : ખાવાનું આપીશ.” ઊંચી બારીએથી કંચને આખરે દેવુને ઓળખ્યો : પોતાનો સાવકો પુત્ર : તે દિવસ રાતે અમદાવાદમાં જેણે ‘બા’ કહી બોલાવી હતી તે જ આ. થોડી વાર થયું કે ભાસ્કર એને ન મારે – ન ડરાવે – તો ભાસ્કરનાં ચરણોમાં પડું. થોડી વારે થયું કે આ છોકરો પોતાનો કાળ હતો, શત્રુ હતો. ભાસ્કર એને ઉપર તેડી લાવતો હતો ત્યારે કંચન સામે જ ઊભી હતી. દેવુ કંચનની સામે મીટ માંડી શકતો નહોતો. એણે જાણે કે આ સ્ત્રીને ‘બા’ કહી બોલાવવાનો મહાપરાધ કર્યો હતો. એ નીચું ઘાલી ઉપર ચડતો હતો. ભાસ્કરે એનું કાંડું દેખીતી રીતે તો સાદું-સીધું ઝાલ્યું હતું, પણ એ કાંડાને મરડીને જે વળ ચડાવેલા તે અદૃશ્ય હતા. “બેસ!” ભાસ્કરે એને પોતાની પાસે બેસાડીને પૂછ્યું : “કોણ છો તું?” “દેવુ.” “કોનો દીકરો?” દેવુએ ન કહ્યું કે વીરસુતનો : ન કહ્યું કે દાદાનો. એણે તો સામે બેઠેલી કંચન તરફ બેઉ નેત્રો માંડીને બોલ્યા વગર જાણે કે પાંપણના પલકારારૂપી શબ્દો સંભળાવ્યા : ‘આનો.’ “આંહીં કોની સાથે આવેલ છો?” એ બધા પ્રશ્નોના જવાબમાં દેવુએ ડળક ડળક થતે ડોળે આખી કથા કહી દીધી : દાદાજી મારી આ બાને ઘેર લઈ જવા આવેલા છે. મારા પિતા ફરી લગ્ન કરવા માગે છે. દાદાજી કહે છે કે આ બા જો ઘેર આવે તો નહીં સતાવીએ. અમારી જોડે સાચવશું. અમદાવાદ ન રહેવું હોય તો ન રહે. આ બધું કહેતે કહેતે દેવુ કોઈની સામે જોવાની હિંમત નહોતો કરી શકતો. ફક્ત એ પીઠ ફેરવી બેઠેલી કંચન સામે તીરછી ને ભયગ્રસ્ત નજર કરી રહ્યો હતો. મોં જેનું નહોતું દેખાતું તેનો ફક્ત બરડો જ દેખી વધુ આકર્ષણ થતું હતું. સ્ત્રીના ચહેરા કરતાં સ્ત્રીનો પીઠ-ભાગ વધુ ભાવભરપૂર હોય છે તેમ દેવુની આંખો કહેતી હતી. ચહેરા-ચહેરામાં જુદાપણું હોય છે; બરડો સમાનતાનું પ્રતીક છે. નાના બાળકને લસરવાનું નિશાળમાં જે પાટિયું હોય છે તેની સૌ-પહેલી કલ્પના કોઈક બાલપ્રેમી શિક્ષણકારને જનેતાના બરડા પરથી જ સૂઝી હોવી જોઈએ. લાખો-કરોડો શિશુઓને લસરવાનું સ્થાન બરડો : માના બરડા ઉપર ચડીને ખભા પર થઈ ગલોટિયું ખાવાની નિસરણી બરડો : માનો બરડો! શહેરની એક વ્યાયામ-સંસ્થાના ઉત્સવમાં પ્રમુખપદ શોભાવવા જવાની તૈયારી કરી બેઠેલી એ કંચનના બરડા પર ઢંકાયેલો આછો સાળુ દેવુની ભયભરી તીરછી આંખોને શું શું બતાવી રહ્યો હતો? અધઢાંકી ફૂલ- વેણી : પાતળી ગરદન ફરતી સાદી હાથીદાંતના પારાની માળા : કાનની બૂટે લળક લળક ઝૂલતાં એરિંગ : આછા રંગનું પોલકું : ને પોલકા ઉપર અંબોડાની નીચેની, સીધી નિર્ઝરતી કોઈ રંગ-ત્રિવેણી સમી, પેલી હાથીદાંતની માળાની પાછલી રેશમી દોરી : દોરીને છેડેક પાછું ફૂમકું. ને ઓહ! તે પછી નજર નીચે ઊતરી... ને નિહાળી રહી સ્ત્રી-દેહનો ભર્યો ભર્યો પાછલો કટિપ્રદેશ. આવી બા જો ઘરમાં હોય! આવી ભલે ને નવી બા હોય, છતાં ‘દેવુ, તારે ખાવું છે, ભાઈ?’ એમ કહીને સૂકો રોટલો અને છાશ પણ પીરસતી હોય, તો ખાવાનું કેવું ભાવે! આવી બાને ખોળે ખેલવા જેવડો હું નથી રહ્યો, છતાં એને ખોળે રમનારું એક નાનું ભાંડું હોય તો એને ‘મોટાભાઈ! મોટાભાઈ!’ કહેતાં તો શીખવી શકાય ને? આવી બા ભલે ને નવી હોય, તો પણ મારી માંદગીને વખતે પથારી પાસે બેસવાની કાંઈ ના પાડે? – પાણીનો ઘૂંટડો ભરાવવાની કાંઈ ના પાડે? આવા ભાવો – અમે મૂકેલ છે તેટલા સ્પષ્ટ હશે કે કેમ તે અમે નથી કહી શકતા – દેવુના દિલની ડાળે ડાળે વાંદરાની જેમ કૂદાકૂદ કરતા હતા, અને દેવુની પાસેથી બધી વાત કઢાવી લઈને ભાસ્કર એને કહેતો હતો : “વારુ, છોકરા, જા હવે. ને તારા દાદાને તેડીને અત્યારે વ્યાયામ-મંદિરની સભામાં આવજો; ત્યાં તમને તમારી બાનો મેળાપ કરાવી દઈશ, હાં કે! જા.” દેવુ જવા ઊઠ્યો ત્યારે ભાસ્કરની આંખોના રંગોની ઘૂમાઘૂમ ભાસ્કરના શબ્દોની અંદર રહેલી મૃદુતાથી જુદેરા પ્રકારની જ લાગી. એ આંખો દેખી દેવુ વધુ ભયભીત બન્યો. પણ શબ્દોનું માર્દવ એને વિભ્રમ કરાવતું રહ્યું. મૂંગી મૂંગી નજરે એણે નવી બા પ્રત્યે એક વાર જોવાની કાકલૂદી કરી. પણ કંચને પીઠ ફેરવી નહીં. “જા, બાપુ, જા હવે,” એ ભાસ્કરનો બોલ ફરી સંભળાયો. દેવુના પગની પડઘીઓ વિરમી ગઈ ત્યાં સુધી એ ઓરડામાં બોલાશ બંધ રહ્યો. પહેલો ધ્વનિ એ ખંડમાં પીઠ ફેરવીને બેઠેલી કંચનના ઊંડા એક નિશ્વાસનો હતો. બીજો સૂર એ મેડીની બારી સામે જ ઊભેલા જાંબુડાના ઝાડની કૂણામાં કૂણી ડાળખીએ બેસી ઝૂલતી ટચૂકડી ફૂલચકલીના ચીંચકારાનો હતો. ને ત્રીજો સૂર ભાસ્કરનો હતો. ભાસ્કરે કહ્યું : “કેટલા બડા કાવતરાખોર લોકો!” એટલું સાંભળતાં જ કંચનનો સ્થિર બની રહેલો દેહ સળવળ્યો. કોઈએ જાણે કે એ ઊંડા વેદના-કૂપમાં પડી ગયેલીને માટે ઉપરથી સીડી સરતી મૂકી. “હા-હા-હા,” ભાસ્કર બોલતો ગયો : “પેલાને – તારાને – ફરી પરણવું છે! એને ખબર છે કે એનું ને તારું તો ‘સિવિલ મૅરેજ’ છે : એક હયાત છતાં બીજી કરી શકાય નહીં, ને કોર્ટે ચડી લગ્ન રદ કરાવી શકાય નહીં. આ મૂંઝવણમાંથી માર્ગ કાઢવા બાપને બહાર કાઢેલ છે – બાપડા બુઢ્ઢા બાપને!” “શો માર્ગ?” કંચન કુતૂહલથી તેની સામે ફરી. “તું જ વિચાર ને – કયો માર્ગ કાઢે તો ફરી પરણી શકાય તારા વીરસુતથી? તું મારું કહેવું નહોતી માનતી, ખરું? પણ મને તો ખાતરી હતી કે પાતાળમાંથી પણ તારો પીછો લેવા એ લોકો આવશે.” “પણ મને લઈ જવાથી શું મારી સંમતિ મેળવ્યે ફરી વાર પરણી શકે?” “સિવિલ મૅરેજમાં સ્ત્રીની સંમતિ પણ ન ચાલે, કંચન!” “ત્યારે?” “હમણાં નહીં કહું. હમણાં તો ચાલ. જો, આ લોકો ગાડી લઈ તેડવા પણ આવી પહોંચ્યા. ત્યાં સભામાં હું સ્ફોટ કરીશ. અત્યારે તો ચાલ, બચ્ચા!” એમ કહીને એણે ઊભા થઈ કંચનનાં મોંએ-કપાળે વહાલભર્યો પંજો ફેરવી લીધો.