સમરાંગણ/૨૨ ભીડમાં ભેરુ
{SetTitle}}
આજે જ્યાં ગોંડળ શહેર છે, તે સ્થાને સાડાત્રણસો વર્ષ પર વેરાન હતું. વેરાન પર એક જીર્ણ કિલ્લો ઊભો હતો. એ બાદશાહી કિલ્લો ગોંડળના ગઢ નામે ઓળખાતો. તેના પર માલિકી જૂનાગઢના સુલતાની જમાદારની હતી. જૂનાગઢ તે વખતે ખેંગાર અને માંડળિકનો ‘ગઢ જૂનો’ મટી જઈને મુહમ્મદ બેગડાનું ‘મુસ્તફાબાદ’ બન્યું હતું. મુસ્તફાબાદની જમાદારી ટુકડીઓ કોઈકોઈ વાર આ ગોંડળના ગઢમાં પડાવ નાખી ચોમેરની ચોકી રાખતી. આજુબાજુનાં ગ્રામલોકોએ માન્યું હતું કે અત્યારે પણ ગઢમાં કોઈક ફોજદારીનો મુકામ પડ્યો છે. પડાવમાં પચીસેક સવારોથી વધુ નહોતા લાગતા. કિલ્લા ઉપર આખી રાત ચીબરીઓ બોલતી. ઘુવડોના ઘૂઘવાટ થતા. ચામાચીડિયાંનાં થરેથર અંદર ગંધાતાં હતાં. થોડાક દિવસે એ અવાજોમાં એક અવાજ ઉમેરાયો. એક બાળકનું પહેલવહેલું રુદન માલિકને આ ઉજ્જડ ગઢમાં સંભળાયું. એના રાજમાં તો તમામ વાણી મંગળ છે. રડતું બાળક ચીબરીઓના રાત્રિ-સ્વરોને કે માતાના આર્ત-સ્વરોને, બેમાંથી એકેયને સાંભળી શકતું નહોતું. એના ફરતી એક મશરૂની ઇજાર પહેરનારી માતાની ગોદ હતી. મશરૂની ઇજાર, મલમલનો સદરો અને મખમલનો કબજો એ માતાના દેહ પર મેલાં થયાં હતાં. એક પુરુષ એના ઓશીકા પાસે બેસીને લલાટ તેમ જ વાળની લટો પંપાળી જતો. વળી પાછો બહાર ચાલ્યો જતો. સુવાવડી ઓરત પાસે એને કશોક સંદેશો કહેવો હતો. એ સંદેશો જેટલો મોડો દેવાય તેટલું વધુ મુનાસબ ધારીને યુવાન મોકૂફ રાખતો હતો. રાત વેગબંધ ભાગતી હતી. બહાર નીકળી નીકળીને પૂછતો : “કાસદ આવી ગયો?” આખરે કાસદ આવ્યો. એણે ખબર આપ્યા : “નીકળી ગયા સિવાય ઇલાજ નથી. ઓચિંતા ઘેરાઈ પડશું. રાણપોરના કિલ્લા સુધી ચોપાનિયાં ચોડાઈ ગયાં છે, આપના માથા માટે તેમ જ ગિરફતારી માટે મોટું ઇનામ જાહેર કરેલ છે. ખાનખાનાન નીકળી ચૂક્યો છે.” ‘ખાનખાનાન’ : મુઝફ્ફર પર વિજય મેળવનાર નવાબ મિરઝાખાનને માટે એ આગ્રાથી નવો આવેલો એ શહેનશાહી ઇલકાબ હતો. અકબરશાહે પોતાના પરાક્રમી દૂધભાઈને ગુજરાતની કડક કબ્જેદારીની કદરદાનીમાં ચારહજારીનો ઉપરી બનાવ્યો હતો. ચારહજારી એટલે ચાર હજાર ઘોડેસવારોની ફોજ. “જૂનાગઢથી અમીનખાન શું કહે છે!” યુવાને કાસદને પૂછ્યું. “અમીનખાન તો મોતબિછાને છે. એમના પુત્ર જમાદાર દૌલતખાન લાચારી બતાવીને કહેવરાવે છે, કે થોડા રોજ ખસી જાઓ; ખાનખાનાન આંટો મારીને ચાલ્યા ગયા પછી હું બંદોબસ્ત કરીશ.” “આ સુવાવડી ઓરત અને બચ્ચાને સમાલવાની તો એણે હા કહી ને?” કાસદે દુઃખભર્યે મોંયે ડોકું ધુણાવ્યું. “ના પાડી? સાચું કહો છો?” યુવાન આભો બન્યો. “બોલ્યો કે મારા મુસ્તફાબાદ પર આફત ઊતરશે. એ તો ખેર, પણ એ માબચ્ચાની સલામતીની જુમ્મેદારી લેતાં ય અમારાં કલેજાં કંપે છે.” “ક્યાં રાખશું? અલ્લાહ!” ઘણાં વર્ષો પછી યુવાને આવી આહ પોકારી. “લોમાભાઈએ પણ આવીને હાથ જોડ્યા. કહે કે મારું ખેરડી, મારું કાઠીનું વાટકડીનું શિરામણ રઝળી પડશે. કૃપા કરીને દૂર રહેજો, થોડાક દિવસ અમને મોકળા રેવા દેશો તો અમે તમારા બચાવની જબરદસ્ત સજાવટ કરી દેશું. આ વંટોળો ઊતરી જવા દો. આમ બધા જ દોસ્તો-તાબેદારો આજે મને ના પાડે છે.” “નગરથી કાંઈ જવાબ?” કાસદે પૂછ્યું. “હવે આશા નથી. લોમા ખુમાણ અને દૌલતખાન જમાદારથી જુદા પડીને કામ આવું ગુનાહિત પગલું ભરવાની હિંમત ન કરે. આપણે તો ભાગી નીકળીએ, પણ આ બચ્ચાની માને ક્યાં સુવાડશું?” “એમને સાથે લઈને જ રાતોરાત આપણે નીકળી જવું જોઈએ.” “બસ ત્યારે, યા પરવરદિગાર! હું જનાનાને જાણ કરી દઉં છું.” કિલ્લાની બહાર બરાબર એ જ વખતે બે-ત્રણ ઘોડાંની પડઘી વાગી. કિલ્લેદારે આવીને ખબર આપ્યા : “અસવારો આવ્યા છે. મુલાકાત માગે છે.” જુવાને જાળિયામાંથી જોયું. મશાલના પ્રકાશમાં બે મુસાફરો ઊભા હતા. એક ચહેરો પિછાનવાળો લાગ્યો. જૂની ઓળખાણના અસ્પષ્ટ ભણકારા ઊઠ્યા. પણ સ્પષ્ટ યાદ ન જન્મી. કહ્યું : “તેડી લાવો.” બેમાંથી એક આદમી અંદર આવ્યો. શિર ઝૂકાવ્યું. અદબ કરીને સન્મુખ ઊભો રહ્યો. માથા પર પાઘ હતી. શરીરે સફેદ સુરવાલ પર ઢળતો અંગરખો હતો. કમરમાં તલવાર હતી. ભેટમાં કટારી હતી. એની સામે નીરખતે નીરખતે યુવાને હાથ મિલાવ્યા. “તમે – તમે – તમે –તો...” બાકીનું વાક્ય બોલતાં બોલતાં તૂટી ગયું કે તરત જ આ પરોણાના પંજાને છેડે એક કપાયેલી આંગળીનું ઠૂંઠૂં પરખાયું. “તમે કોણ? જમના-તીરના જોગી તો નહિ?” પરોણો જવાબમાં ફરી શિર ઝુકાવી, જુવાનના હાથ પર પોતાની આંખો ચાંપી જરીક હસ્યો, એણે એક જ શબ્દ ઉચ્ચાર્યો : “ધન્ય!” “તમે અહીં? આ વેશે? સાથે કોણ છે?” મુસ્લિમ યુવાને એક જ શ્વાસે પ્રશ્નો પૂછી લીધા. “નગરથી કુંવર અજોજી જામ છે.” “આખરે શું આવી પહોંચ્યા, દોસ્ત અજોજી! મારા અણદીઠ્યા જાની આવી પહોંચ્યા!" આ જુવાન પોતે જ પરાજિત સુલતાન મુઝફ્ફર હતો. એણે હર્ષભેર ખડકી તરફ પગલાં ભર્યાં. “આપ રહો, હું એમને તેડી લાવું છું.” અતિથિએ કહ્યું. “નહિ, હું લેવા આવીશ.” બહાર આવતાં જ એ પહેલા આવનાર અતિથિ નાગડા વજીરે અજા જામને ફક્ત એક જ શબ્દથી મુઝફ્ફરની ઓળખાણ કરાવી : “પોતે જ.” ‘શાબાશ. આજે તો નામનિશાન વગરની જ પિછાન શોભશે.” એમ કહેતા મુઝફ્ફરે કુંવર અજાજીના ઝૂકતા શિરને ઊંચું કરી લઈ બાથ લેવા હાથ પહોળાવ્યા. ત્રણેય જુવાનોએ સામસામા જોયે જ રાખ્યું, નાગડો યમુના-તીરના સહેજ દયામણા મોંના કરતાં જુદું જ મોં જોતો હતો. રતાશને બદલે સહેજ શામળી ને સૂર્યના તાપમાં તપ્ત થયેલી ત્રંબકવરણી ઝાંય એ ચહેરાએ ધારણ કરી હતી. અપમાનની વેદના તો આંખોમાંથી એકદમ ઊડી ગઈ હતી. નજ૨ પાણીદાર ખંજરો જેવી ચળકચળક થતી હતી. અજો જામ તો આ જુવાન સુલતાનના દીદારમાં, વર્તાવમાં, ઉદ્ગારમાં પરાજયની કે આફતોની કશી વ્યાકુળતા ન જોઈને નવાઈ પામ્યો. હસીને એણે કુંવર પ્રત્યે એટલું જ કહ્યું : “આપને મૂંઝવણમાં મૂકવાનું દિલ નથી. લોમા ખુમાણે મને આપની હાલતનો પૂરો ખ્યાલ આપ્યો છે.” “સુલતાન,” કુંવરના બોલવા વખતે મોં પર કચવાટ હતો : “અમારી હાલત આપ પાસે રજૂ કરવા અમે કોઈને કહ્યું નથી. હાલત રજૂ કરવી હોત તો હું શા માટે આવત? લાંબી ચર્ચાનો વખત નથી રહ્યો. આપના રસ્તા રૂંધાતા આવે છે. સવાર સુધી પણ અહીં રહેવામાં સલામતી નથી.” “બીબી ને બચ્ચું...” “જાણું છું. એ મારી બોન છે. હું એને અત્યારે જ નગર તેડી જવા આવેલ છું. આપ પધારો, ઉપલેટું ઢૂંકડું જ છે. ત્યાંથી બરડાના પહાડગાળામાં પહોંચી જવાના પાધરા મારગ છે. રહેવું હોય ત્યાં સુધી કોતરોમાં રે’જો. જ્યાં હશો ત્યાં રોટલા પહોંચતા થશે. આ જુવાન દફેદાર આપને મારગ ચીંધવા આવે છે. દિલ ચાય તો મુલક પાર થઈ જજો.” “મુલક પાર! સામે પાર કોઈ બીજો મુલક છે શું, શાહજાદા?” મુઝફ્ફર ઊભો થઈને પોતાનાં હથિયાર સજતો સજતો પ્રસન્ન ચહેરે બોલ્યો : “મૂલક તો હવે બેમાંથી એક જ છે. ફરી પાછું કાં તો એહમદાબાદ ને કાં પછી જન્નતાબાદ. બીજે ક્યાંય મારે ભાગી છૂટવું નથી.” ઝીણાં-મોટાં તમામ અસ્ત્રશસ્ત્રો યોગ્ય સ્થાને સજવામાં ચાતુરી અને ખામોશ દાખવતો દાખવતો મુઝફ્ફર ‘એહમદાબાદ’ બોલ્યો ત્યારે કુંવર વધુ વિસ્મય પામ્યો. “હજુ ફરીથી એહમદાબાદ પર?” “બેશક, ભાઈ! ફરીફરીથી, જીવું છું ત્યાં સુધી તો ફરીફરીથી. હવે કાંઈ જંપીને બેસી શકાશે? અણહક્કની રોટી તો ખુદાની ખલક પર બહુ દિનો ખાધી. લાચારીના ટુકડા પણ હજુ દાંતની પોલમાંથી છેક નીકળી નથી ગયા. હવે કાંઈ માલિક અણહક્કનું ખાવા દેશે? તાકાત બક્ષ્યા પછી એ કાંઈ ટુકડા વીણવા દેશે? ઇન્સાનનાં માનપમાનને એ તો પોતાનાં જ માને છે ને! જંપીને બેસાય હવે. હું જઈ આવું છું બીબી પાસે. આપ બેસો. પલકમાં આવ્યો.” મોટી મોટી ડાંફો ભરતો મુઝફ્ફર અંદર ચાલ્યો ગયો ત્યારે એની પહોળી પીઠનો બાજઠ દેખાયો. મોંની સિસોટી બજાવતો બજાવતો એ ગયો. નાગડા વજીરે એ સિસોટીના પરિચિત સૂર પારખ્યા. યમુના-તીરે બંસીમાં ઠાલવતો હતો તે જ માયલી કોઈ તર્જ બંસી વગરના એ જુવાને બે હોઠ વચ્ચેથી રમતી મૂકી હતી. કોઠામાં એ સુરાવળ ઢૂંઢા રાક્ષસની રૂપાળી કન્યા જેવી લાગી. થોડીક વારમાં એ સિસોટીનું ગાન પાછું આવતું સંભળાયું. જબરદસ્ત ડાંફો ભરતો એ નવહથો જોધ આવતો હતો ત્યારે મશાલોને ઝાંખે અજવાળે એનાં હથિયારને જડેલાં રત્નો ચમકતાં હતાં. “ઘણા દિવસની પ્યારી ઉમેદ આજે ઓચિંતી પૂરી થઈ.” મુઝફ્ફરે ફરીથી કુંવરના ખભા પર પંજા ધરીને કહ્યું : “જાણે સ્વપ્નમાં જ મળ્યા છીએ. જિંદગીની પણ નાનું યા મોટું એક સ્વપ્ન જ છે ના, ભાઈ! સાથે નિરાંતે રહેવું હતું. હવે તો...” મુઝફ્ફર હસ્યો, “બાળબચ્ચાં તમારે આશરે છે. ઘણો મોડો સંસાર માંડ્યો એટલે પ્યાર – જરા – વિશેષ – સતાવે – છે.” એને ગળે કાંચકી પડતી ગઈ : “પણ હું પાછો વહેલો આવી પહોંચીશ. બીબીને પણ આખરે સોરઠી ઈમાનદારીનો જ ખોળો મળ્યો. કેટલી નસીબદાર!” જોશથી પંજા મિલાવી એ બહાર નીકળી ગયો. ઘોડો અને મુગલ સવારો તૈયાર હતા. એણે અજા કુંવરને એકાંતે લઈ જઈને હાથમાં કાંઈક સેરવ્યું ને કહ્યું : “આ રાખો. બીબીની ખરચી આપું છું. દરગુજર કરજો, દોસ્ત. આથી વધુ બચત રહી નથી” “સારું, લાવો.” કુંવરે એ ઝવેરાતની દાબડી લઈ લીધી. “હવે તો ખાતરી રાખશો ને, કે બીબીસાહેબાને ખરચી વગર અમે તકલીફ નહિ કરીએ.” “મારી વેળા હતી ત્યારે તો હું લોમાભાઈને ઘેર તેમનાં બીબીને ઘણું આપી શક્યો છું. આજે તો ઓચિંતો ખલ્લાસ થઈ ગયો ત્યારે જ આપણે મળ્યા, ભાઈ! તમે વેળાસર તો આવ્યા જ નહિ ને?” અંધકારમાં અજાજીનું લજ્જિત મોં કોઈ જોઈ શક્યું નહિ. જવાબ વાળતાં એને આવડ્યું નહિ. એણે તારણ ફક્ત એક જ કર્યું, કે સુલતાનને સૌએ ભેગા મળીને ફોલી ખાધો છે. સામે ઘોડવેલ પણ ઊભી હતી. એમાંથી એક તાજા જન્મેલ બાળકનો વિદાય-સૂર ઊઠતો હતો. “અલાબેલી, હોંશિયાર રહેનાં. મિલેંગે, યકીન રખનાં.” એટલું બચ્ચાની માતાને સંબોધીને કહેતો જ મુઝફ્ફર પંથે પડ્યો. પાછળ વીસ સવારો ચાલ્યા. આગળ એકલ નાગડો વજીર ઘોડો હંકારીને કેડી બતાવતો ગયો. કુંવર અજાજીએ ઘોડવેલને બીજી જ દિશામાં હંકારી. અને ગોંડળનો ખાલી કોઠો સંપૂર્ણ અંધકારમાં ઘુવડનું સ્વાધીન રાજસ્થાન બન્યો. થોડે દૂર ગયા પછી તુરત જ કુંવરે મુઝફ્ફરનાં બીબી પાસે બેઠેલી ચાકર બાઈને બહાર તેડાવીને પેલી જવાહિરની દાબડી સોંપી કહ્યું : “સુલતાન બીબીસાહેબાને આ આપવી ભૂલી ગયેલા તે તેમણે મારી સંગાથે દઈ મોકલી છે.” ઘોડવેલમાં સૂતેલી એ મુસ્લિમ સ્ત્રી દંગ થઈ ગઈ. દાબડીની એને ખરી ખબર હતી. મુઝફ્ફરશાહે એને કહ્યું હતું. આટલી મોટી દોલત આ રાજા પાછી કરી આપે છે? એને ઇતબાર બેઠો કે પોતે કોઈક સલામત સ્થાન પર જઈ રહી છે. ગોંડળ-કોઠાથી નજીકમાં નજીકનું નગરનું ગામડું પાંચ-સાત દિવસનું નિવાસસ્થાન બન્યું. સુવાવડી સ્ત્રીને ઓછામાં ઓછો જરૂરી આરામ આપી દીધો. અને પછી ધીરી ધીરી મજલે નગર લઈ આવ્યા ત્યારે કુંવરને એકંદરે ગેરહાજર રહ્યાં બારેક દિવસ થઈ ગયા હતા. ને એ કાળના નગરમાં તો એકેએક દિનમાં ઐતિહાસિક ઊથલપાથલો થઈ જતી. પહેલેથી સંતલસ થઈ ચૂક્યા પ્રમાણે મુઝફ્ફરનાં બાલ-બચ્ચાંનો મુકામ વજીર-ઘરમાં તૈયાર હતો. એક સંધ્યાનાં અંધારાં-અજવાળાં વચ્ચે ઘોડવેલ શહેરમાં પેસી. ગઈ. કુંવર તદ્દન ઊલટે જ દરવાજેથી શહેરમાં દાખલ થયા.