વસુંધરાનાં વહાલાં-દવલાં/૩. બાજરી ખૂટી

From Ekatra Wiki
Revision as of 09:30, 3 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. બાજરી ખૂટી|}} {{Poem2Open}} આઠ-દસ મહિને બુઢ્ઢાએ એક દિવસ મોતનું બિછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. બાજરી ખૂટી

આઠ-દસ મહિને બુઢ્ઢાએ એક દિવસ મોતનું બિછાનું કર્યું. બુઢ્ઢાએ કોઈને કહ્યું નહિ, પણ તેજબા કળી ગઈ. બુઢ્ઢાને આખે શરીરે મૂઢ માર પડ્યો હતો. કણબીનાં ખેતરોમાં કાલાની ચોરી કરવાનો એ બદલો હતો. આઠેક દિવસ સુધી ખોરડા પરનાં નળિયાંમાં ઠણકાર થયો નહિ તેમ કોઈ બીડી લેવા પણ ફરક્યું નહિ ત્યારે તે દિવસે અમરચંદ શેઠે ફરી એક વાર ખીજડા-તળાવડીની પાળ્યે આંટો માર્યો. નાનકડી તંબુડીની અંદર બુઢ્ઢાનું માથું હતું. આકાશ ને ધરતીનો ઘરબારહીન એ બાળક આકાશનાં આંસુએ ભીંજાતો હતો કે ધરતીનાં આંસુએ, એ તો ખબર નથી, પણ માનવી-દુનિયાનો તો એ બહિષ્કૃત બેટો હતો તે વાત નક્કી હતી; કેમકે અમરચંદ શેઠની ને એની વચ્ચે આવી જાતનો વાર્તાલાપ થયો: “કાં બુઢ્ઢા, કાળી રાતે દૂધે ઝબોળેલા રૂપિયા કાઢી આપ્યા એટલે હવે ગરજ પતી ગઈ કે? કોઈ બીજો વાણિયો-લુવાણો પડખે ચડી ગયો કે શું?” “હવે તો રજા માગું છું, શેઠ! માવતરનું તેડું આવી ગયું છે.” “શું થયું?” “આ જુઓને.” બુઢ્ઢે શરીર પરના સોળા બતાવ્યા. “ક્યાં કજિયો કરી આવ્યા? દારૂબારૂ પીવો છો કે શું?” “ના શેઠ, રોજને કામે જ ગયો’તો.” “જરા ધ્યાન રાખીએ ને? મેં ક્યાં ગફલત કરવાનું કહ્યું’તું?” “ના શેઠ, તમારો વાંક હું નથી કાઢતો.” “તમારાં ઓસડિયાંએ કાંઈ કાર ન કર્યો આ વખતે?” “અમારી બાજરી ખૂટી ગયા પછી ધરતી અમને અણહક્કનું ખાવા રાખતી નથી.” “પણ અમારું અણહક્કનું ખાઈ ગયા ઈ? એનું શું? અમારે તો રાતોની રાતો ફડકે શ્વાસ ગયા છે. પોલીસનો ડોળો અમારી વાંસે ફરે છે. તમને સાચવીને તો ઊલટા અમે સલવાઈ ગયા.” “હશે, બાપા!” બુઢ્ઢાએ ધરતી પરથી ચપટી ધૂળ લઈને, હોઠે અડાડી નાખી દીધી. તેજબા બુઢ્ઢાનાં ઓસડિયાં વાટતી હતી. તેની બંગડીઓ રૂમઝૂમતી હતી. એ રૂમઝુમાટની અંદર તેજબાનાં એકાદ-બે ડૂસકાં ડૂબી ગયાં. અમરચંદ શેઠે બુઢ્ઢાની પથારી પર ટોણો માર્યો: “અમારો તો છોકરોય અમારે હાથથી ગયો ને?” બુઢ્ઢો કાંઈ બોલી ન શક્યો. “એણેય આવી આવીને તમારું ઘર ભર્યું ને?” “મારેય, બાપા,” બુઢ્ઢાએ કહ્યું: “ફુલેસ-પટેલને ચૂપ રાખવા પડ્યા છે. મારેય આખા ગામના ચોકિયાતોનાં મોંમાં તમારા આપેલ રૂપિયાના જ રૂમાલ દેવા પડ્યા છે. મારી કને કાંઈ જ નથી રિયું.” “પણ અમારો છોકરો બગડ્યો ઇ?” તેજબાને સર્પ દંશતા હતા. હમણાં જાણે ઊઠીને વાણિયાના મોમાં ધૂળનો ખોબો ધરબી આવું! પણ એ સમસમીને બેસી રહી. પથ્થરની શિલા પર એના હાથ દવા લઢતા રહ્યા. બંગડીઓ બોલતી રહી. શેઠથી ન રહેવાયું: “આ રૂમઝુમાટ બધા કેની કેડ્ય માથે હોય? બીજો કોણ હૈયાફૂટો હોય? ખેર, હવે ભલો થઈને, બુઢ્ઢા, થોડા દી જીભ સીવેલી રાખજે. તમારી તો ઠીક પણ અમારી ખાનદાની સામે જોઈને મૂંગા રે’જો. વધુ કહેવું મારા મોંમાં શોભતું નથી. વાણિયાનો અવતાર તો ઠાકર કોઈ મહાપાપીને જ આપતો હોય છે. તમારે છે કાંઈ? આગળ હાથ, પાછળ હાથ—” “બાપા, છોકરીને સાચવતા રે’જો.” બુઢ્ઢો વચ્ચે બોલ્યો. “હવે બધો ઢેઢવાડો ગામમાં કાયમ જ મેલી જવો છે કે શું? ભાઈ, આમાં કોકનું મોત-કમોત કરાવશો તમે તો. કિરપા કરીને થોડા દી જીભ મોઢામાં રાખજો.” “ન બોલું, બાપા, હું બે બુંદનો નથી. મને જતરડામાં ખેંચે તોય ન બોલું. મારે કાંઈ આ નવી નવાઈની વાત નથી. મેંય મારી જુવાનીમાં ત્રણ-ત્રણ વરસની જેલ ભોગવી છે. મને રામણગઢમાં ઊંચે લટકાવીને હેઠ બળતું કર્યું’તું ફુલેસે, તોય મેં મારા અન્નદાતા વાણિયાનું નામ નો’તું પાડ્યું.” “ત્યારે તો તમે આગળ પણ પરાક્રમ કર્યાં છે, એમ ને?” “ધરમ તો સૌને માથે એક છે, બાપા! અનંતી ધરતીને અમે ધાવનારાં. અમારે બીજો કયો ઓથ છે? ભીંત નથી, નથી ભીંતડું.” શેઠને હસવું આવ્યું. આ પેઢાનપેઢીથી ચોરી કરનારો આડોડિયો ધરમની વાત કરે છે! “એ વાત સાચી છે, ભાઈ!” શેઠ એકાએક કૂણા પડ્યા. એ કૂણપનું કારણ હતું. એ કારણ તેમના આ પ્રશ્નમાંથી જડે છે: “આંહીં ભો જેવું લાગે તો લાવો આપણે ઘેરે પટારામાં તમારી થાપણ મૂકી દઉં?” “એવડું કાંઈ છે જ નહિ ને જે છે તેને તો સંઘરનારી ધરતી જ પડી છે. ધરતી જ અમારો પટારો—અમારા ધનનો ને અમારા દેહનો.” “તો ભલે, બાકી મૂંઝાશો નહિ. આ બાળકીને મૂંઝાવા દેશો નહિ. એય ને અમારે પણ તમારી માફક જ માથે ધરમ છે. અમારા દાદાએ તો, ભાઈ, ખબર છે તમને, પંદર વરસ સુધી કોઈ ધણી નો’તું થાતું એવી થાપણ ચોપડે હર વરસના વ્યાજ સીખે ખેંચ્યા જ કરી’તી. પંદરમે વરસે એક રાંડીરાંડ આવી. ફોરન નાણાં કાઢી આપ્યાં અમારે દાદે. અમારું ય અમારાં સત માથે નભે છે ને, ભાઈ!” “સાચું, કાકા! આભને કાંઈ થાંભલા થોડા છે? સતને ટેકે આભ થોભાઈ રિયો છે. તમારા થાંભલા, તો અમારી પરોણિયું. તમામના ટેકા છે, શેઠ. હાંઉ, હવે મને લાગે છે કે મારે ઝાઝી વાર નથી. દીકરી, તેજુ, મને પગે ઝાલીને જરા બહાર ઢસડી લે. મારે આભને જોતાં જોતાં જ વિદાય થાવું છે.” “હા રે ગાંડિયા હા!” શેઠે મશ્કરી કરી: “એમ તે કાંઈ મોત રેઢું પડ્યું છે? ટાંટિયા ઢસરડીને તો મોટા મોટા સંત માત્મ્યાઓને પણ મરવું પડ્યું છે.” “ના ના, શેઠ.” બુઢ્ઢાનો અવાજ દૂર દૂર ચાલી ગયેલી આગગાડીના જેવો ઊંડો ઊતરતો હતો: “અમારી જનેતાઓએ અમને ઊભે વગડે જણ્યા’તા, જણીને અમને દરિયે-ખાબોચિયે ધોઈ કરી પાછી ચાલી નીકળી હતી અમારી જણનારિયું. અમારાં મોત પણ એવાં જ સહેલાં છે. અમારો જીવ ખાંપણના ટુકડા વાસ્તેય નથી ટૂંપાતો. બેટા તેજબા, હાલો મા, ટાણું થઈ ગયું. ધરણીની જીવાત ભૂખી થઈ છે. મને આભનાં દર્શન કરી લેવા દે.” તેજબા ઊઠી. એણે પિતાના પગ પકડ્યા. એ શરીર સગા સંતાનના હાથે ભંગી શ્વાનનું શબ ઘસડે તેમ ઢસરડાયું. બુઢ્ઢાનો દેહ પૂરેપૂરો બહાર આવ્યો. ‘મારાં સાળાં નિરદયાળુ!’ એવા શબ્દોના ગોટા વાળતા અમરચંદ શેઠ છેવટે ‘ઝાંપડાંના આચાર’ એટલો બોલ ઉમેરીને ત્યાંથી પાછા વળ્યા. અને ખીજડા-તળાવડીની પાળે બેઠેલી સમળીઓના કારમા કિળેળાટ સાંભળતે સાંભળતે ડોસાએ પ્રાણ-પંખીને પાંજરામાંથી છૂટું મૂકી દીધું.