મેઘાણીની સમગ્ર નવલિકા 2/શેત્રુંજીને કાંઠે

From Ekatra Wiki
Revision as of 06:30, 21 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શેત્રુંજીને કાંઠે|}} {{Poem2Open}} શેત્રુંજીના કાંઠા બારેય માસ લી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શેત્રુંજીને કાંઠે

શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચું ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી, પૂંછડાં ફંગોળી ફંગોળી ઊભે કાંઠે ચારો ચરતી. પાસેની ગીરમાંથી સાવઝની ડણકો સંભળાતી. બેય કાંઠે પારેવાંના માળા જેવા આહીરોના બે નેસડા પડ્યા છે. સવાર-સાંજ ભેંસોના આંચળની શેડ્યોને ધમોડે અને છાશને વલોણે બેય નેસડા સીમ બધી ગજવી મેલે છે. અંદર સળી ઊભી રહી જાય એવાં ઘાટાં દૂધ દોણાંમાં સમાતાં નથી. વલોણાં ઘુમાવતી આહીરાણીઓ નેતરાં ઉપર આખા અંગને એવી તો છટાથી નીંડોળે છે કે જાણે શરીરમાંથી રૂપની છોળો છલકાઈ ઊઠે છે. કાયાનાં સરોવર જાણે હેલે ચડે છે. પહોર દિવસ ચડતાં બેય નેસડામાંથી ભેંસો ઘોળીને બે છોકરાં નીકળે છે: એક છોકરો ને એક છોકરી: બેયની દસબાર વરસની અવસ્થા વહી જાય છે. છોકરાને ઉઘાડે માથે વેંતવેંતનાં ઓડિયાં ઓળેલા હોય છે. ને છોકરીનો મીંડલા લઈને વાળેલ મોટો અંબોડો ભાતીગળ લૂગડાની કુચલીમાં ઢંકાયેલો હોય છે. બેયના હાથમાં લાકડી; બેય આંબલીની ઊંચી ઊંચી ડાળીએથી પાકા પાકા કાતરા ગોતી કાઢી, લાકડીને ઘાએ મનધાર્યાં નિશાન આંટીને પાડી નાખે, અને વહેંચી ખાય. વાંદરાં જેવાં રમતિયાળ બે છોકરાં ગોંદરાનાં ઝાડની ઘટામાં ઓળકોળાંબો રમે છે. પણ ઘણી વાર છોકરી એ છોકરાને ઝાલી લે છે. પણ ઘણી વાર તો છોકરો જાણીબૂઝીને જ પોતાને ઝાલવા દે છે. આણલદેને ઝાલવી તે કરતાં એના હાથે ઝલાવું એમાં દેવરાને વધુ આનંદ પડતો. ઘણી વાર તો આ જાણીજોઈને ઝલાઈ જવાની દેવરાની દાનત દેખાઈ આવતી. આણલદે ખિજાઈને કહેતી કે “તો કાંઈ નહિ, બાઈ! આવી રમતમાં શી મઝા પડે? સાચુકલો તો તું દોડતો નથી ને!” “તો તો સવારથી સાંજ સુધીય તારે માથેથી દા નહિ ઊતરે, ખબર છે?” માંહી મોતી પડ્યું હોય તોયે વીણી લેવાય, એવાં નિર્મળ શેતલનાં પાણી ખળભળ નાદે ચાલ્યાં જતાં, અને આણલદે ને દેવરો બન્ને ભેખડ ઉપર બેસીને પાણીમાં પગ બોળતાં. બેય જણાંની દસેય આંગળીએ માછલી ટોળે વળતી અને બેમાંથી કોના પગ ઊજળા તે વાતનો વાદ ચાલતો. “આમ જો, દેવરા, મારા પગ ઊજળા.” “એમાં શું? કોઢિયાંના પગ તારાથીયે ઊજળા હોય છે. ઊજળાં એટલાં કોઢિયાં!” “ના, આયરથી ઊજળાં એટલાં કોઢિયાં.” “એમ તો આપણા ગામના ગધેડાંય ધોળા હોય છે!” ઉનાળાના બપોર થતા ત્યારે આંબલી અને વડલાની છાંયડીમાં નદીની લહેરીઓથી દેવરાની આંખો મળી જતી, વાગોળતી ભેંસનાં શરીરનો તકિયો કરીને દેવરો પોઢી જતો અને આણલદે એકલી ઊભી ઊભી ડોબાંનું ધ્યાન રાખતી, કોઈ કોઈ વાર સમળીઓનાં પીંછાં લઈને દેવરાના ઓડિયાંમાં ઊભાં કરતી. કોઈ વાર દેવરાની પછેડીની ફાંટે બાંધેલ બાજરાનો લીલોછમ રોટલો માછલીઓને ખવરાવી દઈ, પછી ભૂખ્યા છોકરાને પોતાના હાથનો ઘડેલો રોટલો ખવરાવવા બેસતી. ખાતો ખાતો દેવરો બોલતો: “અરેરે, આણલદે! મારી મા બિચારી ગલઢી થઈ ગઈ; એને હાથે હવે તારા જેવા રોટલા થાતા નથી.” “તો હું તુંને દા’ડી રોટલા ઘડીને લાવી દઈશ.” “કેટલા દી? જોજે હો, બોલ્યે પળીશ ને? ખૂટલ નહિ થા?” “હાં! સમજી ગઈ! તો તો આ લે!” એમ કહીને આણલદે અંગૂઠો બતાવતી. સાંજે ખાડું ઘોળીને દેવરો પોતાને નેસડે જાતો ત્યારે જાણી-જોઈને એકાદ પાડરું હાંકવું ભૂલી જાતો. પાછળથી આણલદે પાડરું હાંકીને દેવરાને ઘેર જાતી અને હાકલ કરીને કહેતી કે “એલા દેવરા, રોજ પાડરું હાંકવું ભૂલી જાછ, તે ભાન ક્યાં બળ્યું છે? આયરનો છોકરો થઈને આવો ભૂલકણો કાં થિયો? આ લે, હવે જો ભૂલીશ તો હું મારાં ડોબાં ભેળું હાંકી જઈશ.” દેવરાની રંડવાળ મા આ કુંજના બચ્ચા જેવી છોકરીને ટીકી ટીકીને જોઈ રહેતી અને એને ઊભી રાખીને ધોળા તલનું ગૂંજું ભરાવી કહેતી: “લે, માડી આણલદે, તું રોજ પાડરું મેલવા આવછ તેનું આ મહેનતાણું.” તરત દેવરો બોલતો: “મા, દા’ડી દા’ડી તમે એને તલનાં ગૂંજાં કાં ભરાવો? ઈ તો હેવાઈ થઈ જાશે, હો! પછી નત્ય ઊઠીને ઉંબરા ટોચશે.” દાંત કાઢીને છોકરી પોતાને નેસડે ચાલી જતી. ડોશી પાડોશીના ઘરમાં જઈને વગર બોલાવી, વગર સાંભળ્યે, વેવલી બનીને કહેતી: “જો તો ખરી, બાઈ! કેવી જોડ્ય મળી જાય છે: આવી છોડી આંગણે આવે તો મારે ભવની ભૂખ ભાંગી જાય ને?” “પણ ડોશી! તમે રાજા માણસ કાં થાવ? ક્યાં હરસૂર આયરનું ખોરડું ને ક્યાં તમારો કૂબો!” “ઠીક, માડી! થિયું ત્યારે!” એમ બોલી ડોશી ડુંગર જેવડો નિસાસો મૂકતી.

આણલદેના અંગ ઉપર બાળપણ ઊતરીને હવે તો જોબનના રંગ ચડતા થયા છે. માથા ઉપરથી મોશલો ઊતરીને હવે તો ચૂંદડી ઓઢાઈ ગઈ છે. હવે આણલદે ભેંસો ચારવા આવતી બંધ થઈ છે. પણ સવાર-સાંજ માથે પીત્તળની હેલ્ય મેલી નદીએ પાણી ભરવા નીકળે છે: તે વખતે જ એકબીજાની સાથે ચાર આંખોના મેળાપ થાય છે, અને એમાંય તે, આંખો હજુ મળી ન મળી હોય ત્યાં તો બેય જણાંની પાંપણો, કંજૂસ માણસના પટારાની જેવી તરત નીચી ઢળી પડે છે. બાળપણની એટલી છૂટી જીભ પણ જાણે આજ કોઈ અદીઠ કારણથી ઝલાઈ ગઈ છે ને મોંમાંથી વાચા ફૂટતી નથી. વીરડાને કાંઠે બેસીને પાણી ઉલેચતી પોતાની બાળપણની ભેરુડીની ચૂંદડીના છેડા નદીના વાયરાની અંદર ફરકતા હોય અને એમ થાતાં માથાનો સવા ગજ ચોટલો બહાર ડોકિયાં કરી જાતો હોય તે જોવામાં પણ એબ છે એવું માનનારો દેવરો આયર, નીચે ઢળેલ પોપચે, ભેખડ ઉપર સૂનમૂન બેઠો રહેતો. આણલદેનો બાપ માનશે, એ આશા હજુ દેવરે ખોઈ નથી. બરાબર એ જ વખતે હરસૂર આયરના ઘરમાં ધણી-ધણિયાણી વચ્ચે આવી વાતો ચાલી રહી છે: “ના, ના, મારી સાત ખોટ્યની એક જ દીકરીને એ ડોસલીનાં ગોલાપાં કરવા સારુ ઢોરની જેમ દોરી નથી દેવી. માવતરમાં ખાધાનું ને પહેર્યાઓઢ્યાનું અઢળક સુખ લીધું, અને હવે એને રાંકના ઘરમાં જઈ થીગડાં પેરવાં, ખરું ને?” “અરે આયરાણી, બેય જણાંને નાનપણની પ્રીત્યું છે, અને શું દીકરીને એ દખી થવા દેશે? વળી આપણને કરિયાવર કરવાની ક્યાં ત્રેવડ નથી?” “આપણે સોને મઢીએ તોયે પીટ્યાં ઉતારી લેશે. એને બે તો છોડિયું છે. આંકેલ સાંઢ જેવી ઈ બેય નણંદું બાપડી દીકરીનાં ઘરાણાં-લૂગડાં પેરી ફાડશે. મારે ઈ નથી કરવું. હું તો અછોઅછો સાયબીમાં દીકરીને દેવાની છું. અને આપણે ક્યાં ચિંતા છે? સો ઠેકાણેથી આયરો અવાયા પડે છે.” “પણ છોડીનું મન......” “ઈ તો અણસમજુ કહેવાય. બે દી આંસુડાં પાડશે. પછી વૈભવ ભાળશે ત્યાં બધુંય વિસારે પડી જાશે.” “ઠીક ત્યારે!” કહીને આણલદેનો બાપ ડેલીએ ચાલ્યો ગયો.

નેસને પાદર પરગામની બંદૂકો વછૂટી. ઢોલત્રાંસાં ધડૂક્યાં. શરણાઈઓના મીઠા સૂર મંડાણા. પરદેશી આયરની જાન વાજતે-ગાજતે સામૈયે ગામમાં ગઈ, અને તલવારધારી મોડબંધાએ પોતાના ગોઠણ સુધી ઢળકતા લાંબા હાથે સાસરાની ઊંચી ઊંચી ડેલીએ ઊભા રહીને તોરણનું પાંદડું તોડ્યું. વરરાજાનાં તો બબ્બે મોઢે વખાણ થવા લાગ્યાં, અને આયરોની દીકરીઓએ ઓરડે જઈને આણલદેને વાત કરી: “બેન, આવો આયર કોઈ દી ગામમાં પરણવા આવ્યો નો’તો. તું તો બહુ ભાગ્યશાળી!” રાંદલમાના અખંડ બળતા બે દીવલડાની સામે બેઠેલી ડિલ ભાંગી પડે એટલાં સોનાંરૂપાંમાં શોભતી આણલદેનાં બેય નેત્રોમાંથી ડળક ડળક આંસુડાં ચાલવા લાગ્યાં; દીવાની જ્યોત એ પાણીવાળી આંખોમાં ઝળહળી ઊઠી, અને રાંદલમાની મૂર્તિ સામે બે હાથ જોડીને મનમાં મનમાં આણલદે બોલી: ‘હે મા! તું સૂરજદાદાની રાણી થઈને મારી ફજેતી થાવા દઈશ? તારા સતના દીવડા બળે છે, ને શું હું ગાય ખાટકીવાડે દોરાય તેમ દોરાઈ જઈશ?’ માંડવા નીચે ગામેગામના આયરો એકઠા મળ્યા છે. નિખારેલ પાણકોરાનાં નવાં લૂગડાં અને માથે પછેડીઓ પહેરી કૈંક જુવાનો કડિયાળી ડાંગ પછાડતા ટલ્લા મારે છે. વરલાડડો ઢોલરો દસેય આંગળીએ વેઢ પહેરીને બાજઠ ઉપર વીરભદ્ર જેવો શોભે છે. સહુ ફૂલગુલાબી થઈને ફરે છે. ફક્ત દેવરાના અંગ ઉપર જ ઊજળાં લૂગડાં નથી કે મોં ઉપર જરીકે તેજી. દેવરો ભાનભૂલ્યો થઈને ભમે છે. બારી ઉઘાડીને આણલદે પછીતે નજર કરે છે, ત્યાં દેવરાને નીચે ઢળેલે માથે ચાલ્યો જતો દેખે છે. આણલદે કહે છે કે —

આ ભાઠાળા ભમે, (ઈ) રૂપાળાસું રાચું નહિ,
(તું) ડોલરિયો થઈને, માણ ને માંડવ દેવરા! [૧]

“અરે દેવરા, આંહીં ભમનારા આયરો રૂપાળા છે, પણ એ નાદાનોનાં રૂપથી હું રાજી નથી. તું માંડવા નીચે શીદ નથી મહાલતો?” “આણલદે! હવે તો ડોલરિયા થઈને ફરવાના દી વયા ગ્યા. હવે બળતાને શીદ બાળો છો, બાઈ! હવે તો ભૂલી જાવ ને અંજળ-દાણોપાણી લખ્યાં છે તેની સાથે ફેરા ફરો, કંસાર જમો, સંસાર માંડો.” “અરે દેવરા!”

મળિયા મૂઢ ઘણાય, મનસાગર મળિયા નહિ,
(તેની) તરસ્યું રહી તનમાંય, દલ અમારે દેવરો! [૨]

“ને તું મને આજ શે દાવે ઠપકો દઈ રિયો છો? બોલ્ય! બોલી નાખ! છે તારી હિંમત? છે છાતીમાં જોર? અબઘડી જ આ મીંઢળ તોડીને ચાલી નીકળું!” દેવરાએ ડોકું ધુણાવ્યું. “હાઉં ત્યારે. તું જ ઊઠીને મને દોરી દેછ ને!”

ટોળામાંથી તારવ્યે, ઢાઢું દિયે ઢોર,
(એમ) ચિત અમારું ચોર, દોરી દીધું દેવરે! [૩]

“દેવરા, ચોર જેમ પારકા પશુના ટોળામાંથી એક ઢોરને તારવી જઈને બરાડા પાડતું કોઈકને સસ્તે ભાવે વેચી નાખે છે, તેમ તું પણ આજ મને પશુતુલ્ય ગણીને પરાયાને હવાલે કરી રહ્યો છો; રડતી-કકળતીને દોરીને દઈ રહ્યો છો.” વરઘોડિયાંને માયરે પધરાવ્યાં, ચોરીએ ચડી ચાર આંટા ફરવાનો સમય થયો પણ આણલદેની કાયા સ્થિર નથી રહેતી.

ફરતાં ચડે મું ફેર, મંગળ આંટા મન વન્યા,
(મારી) કેમ આંખ્યુંમાં અંધેર, ચિતડું ચગડોળે ચડ્યું. [૪]
વરકન્યા કંસાર જમવા બેઠાં. પણ એ કંસાર તો કન્યાને મન વિષ જેવો છે:
ચોરી આંટા ચાર, (હું) ફડફડતે દલડે ફરી,
(પણ) કેમ જમું કંસાર, દુ:ખ માને મું દેવરો. [૫]

‘શેત્રુંજી કાંઠે ઝાડવે ઝાડવાની ને જળની માછલીઓની સાખે મેં જેની સાથે એક ભાણે બેસીને રોટલા ઘડવાના મીઠા કોલ દીધા, એ પુરુષને ત્યજી હું આજ કોની સાથે કંસારના કોળિયા ભરવા બેઠી છું? અરેરે, આયરાણીના બોલનું શું આટલું જ મૂલ!’ વિચારી વિચારીને કન્યા ઝૂરે છે. કુળમરજાદનાં લંગર જેને પગે પડી ગયાં, તેનાથી નાસી છુટાતું નથી. જાન ઊઘલવાની વેળા થઈ છે. પાનેતરનો ઘૂમટો તાણીને ઓરડાની પાછલી પરસાળે થાંભલી ઝાલીને ઊભી છે. શું કરું? જીભ કરડીને મરું? કે છેડાછેડીની ગાંઠ છોડીને વનરાવનના મારગ લઉં? એવા મનસૂબા કરે છે ત્યાં દેવરો આવીને ઊભો રહ્યો. “આણલદે! બાળપણનો ભેરુબંધ આજ છેલ્લી આશિષ દેવા આવ્યો છે.”

સિધાવો ભલે સજણાં, લિયો લાખેણા લાવ,
દેવરા કેરા દાવ, અમ કરમે અવળા પડ્યા. [૬]
અંતર વલોવાઈ જતું હતું તેને દબાવીને દેવરો કોઈ પ્રેત હસે તેમ હસ્યો.
“હાં! હાં! દેવરા, જાળવી જા!”
દેવરા, દાંત મ કાઢ્ય, દોખી તારા દેખશે,
હસવું ને બીજી હાણ્ય, વાતું બેયની વંઠશે. [૭]
“આણલદે! હવે વળી વાત વંઠીને શી થવાની હતી? હવે હતું એટલું તો બધુંય હારી ગયાં. મારાં નાનપણથી સાચવેલાં રતન આજ રોળાઈ ગયાં. હવે શેની બીક છે? સિધાવો, આણલદે! અને હવે ભૂલી જજો.”
“થયું. હવે તો દેવરા!”
કોથળ કાંધ કરે વાલમ થાજે વૈદ,
આવજે તું આહીર, દેશ અમારે દેવરા. [૮]

“કોઈ દિવસ મારી માંદગી તપાસવા વૈદને વેશે ઓસડિયાંની કોથળી ખંભે નાખીને અમારે દેશ આવજે, દેવરા!” સામવિયું સગા, (કે’ તો) પાલખિયું પુગાડિયે, આવ્યે આષાઢા, ડમ્મર કરીને દેવરા! [૯] “હે સ્વજન, તું કહે તો તને લેવા માટે હું સામી પાલખી પહોંચાડીશ. આષાઢીલા મેઘ સમ પિયુ, તારો મેઘાડમ્બર કરીને પ્રીતનાં નીર વરસાવવા આવજે!” આણલદે વેલ્યમાં બેઠી. પૈડાં સિંચાણાં; નાળિયેર વધેરાયાં અને જોતજોતાંમાં તો વેલડું શેત્રુંજી-કાંઠાનાં ઝાડવાં વળોટી ગયું. ઘૂઘરમાળના રણકાર, આઘે આઘેના વગડામાં આણલદે રોતી હોય તેના રુદનસ્વર જેવા, પાદર ઊભેલો દેવરો સાંભળતો રહ્યો.

સાજણ હાલ્યાં સાસરે, આંસુડાં ઝેરી,
પાડોશી હાલ્યાં વોળામણે, માવતર થ્યાં વેરી.
માવતર થ્યાં વેરી તે કિયો,
સુખદુ:ખ મનમાં સમજી લિયો,
કે, તમાચી સુમરો ગિયાં સાજણને તજીએ શેરી,
સાજણ હાલ્યાં સાસરે, આંસુડાં ઝેરી.

નદીને તીરે ઝાડ ઊભાં છે. વેલ્યમાં બેઠેલી આણલદે એ ઘટામાં પણ પોતાના વાલમનાં સંભારણાં ભાળે છે. આહાહા! આંહીં આવીને દેવરો રોજ દાતણ કરતો. હું એને તાજાં દોહીને ફીણાળાં દૂધ પાતી:

(આ) તરવેણીને તીર, (અમે) સાગવનેય સરજ્યાં નહિ,
(નીકર) આવતડો આહીર, દાતણ કરવા દેવરો.

“અરેરે! હું માનવીનો અવતાર પામી, તે કરતાં આ નદીને કાંઠે વનનું ઝાડવું સરજાઈ હોત તો કેવું સુખ થાત! રોજ મારો પ્રીતમ દેવરો મારી ડાળખી તોડીને દાતણ કરત. હું મૂંગૂં મૂંગું ઝાડવું થઈને એનાં દર્શન તો કરત! મારી ડાળીઓ ઝુલાવીને એને વીંઝણો તો ઢોળત! મારી છાંયડી કરીને એનો તડકો તો ખાળત! પણ કર્મની કઠણાઈએ હું તો સ્ત્રીનો અવતાર પામી.” બપોરના તડકા થયા. વૈશાખની લૂ વરસવા લાગી. જાનૈયા ભૂખ્યા થયા. નદીકાંઠો આવ્યો એટલે ટીમણ કરવા માટે ગાડાં છોડવામાં આવ્યાં. સહુએ ખાધું. તે પછી નદીને વીરડે જાનડીઓએ વીરડો ઉલેચ્યો, પણ પાણી આછરે નહિ. જાનડીઓએ અરસપરસ હોડ વદી: “એલી બાઈયું, જેને પોતાનો વર વા’લો હશે, એને હાથે પાણી આછરશે.” રૂપાળાં છૂંદણાંવાળા હાથની સુંવાળી થપાટો વીરડાનાં ડોળાં પાણીને વાગવા લાગી, પણ પાણી તો એકેય આહીરાણીના અંતરની વહાલપની સાક્ષી પૂરતું નથી. થાકીને જાનડીઓ સામસામી તાળીઓ દેવા લાગી. ત્યાં બે-ચાર જણી બોલી: “એલી એય, ઓલી વહુ લાડડીને ઉતારો વેલ્યમાંથી હાથ ઝાલીને હેઠી. જોઈએ તો ખરાં, ઈ નવી પરણીને આવે છે તે વર ઉપર કેવું હેત છે?” મનની વરાળને પાણી કરીને પાંપણે ટપકાવતી આણલદે વીરડાને કાંઠે આવી. આવીને મંત્ર બોલે તે રીતે મનમાં બોલી:

(આ) વેળુમાં વીરડો, ખૂંદ્યો ન ખમે વીર,
(પણ) આછાં આવજો નીર, જે દશ્ય ઊભો દેવરો.

“આ મારો વીર વીરડો, બીજી સ્ત્રીઓનાં ખૂંદણ ખમી શક્યો નહિ, એનાં પાણીને ચોખ્ખા કરવાનું કોઈથી ન બન્યું. અને હવે એને કટલોક ખૂંદવો! હવે તો હે તો, વિધાતા, જે દિશામાં મારો પ્રિયતમ દેવરો ઊભો હોય તે દિશામાંથી આછાં નીરની સરવાણીઓ ચાલી આવજો.” એટલું કહીને જ્યાં આણલદેએ એક જ છાપવું ભરીને વીરડો ઉલેચ્યો, ત્યાં તો પોતાના પિયરની દિશામાંથી વીરડામાં આછી સેર્યો આવવા લાગી. દેવરાનો સંદેશો દેતી હોય તેમ સરવાણીઓ બડબડિયાં બોલાવી દેવરાના અંતર સરીખા ચોખ્ખા પરપોટા પાણી ઉપર ચડાવવા લાગી. ઘડીક વારમાં તો વીરડો જાણે મોતીએ ભર્યો હોય તેવી કાળી, વાદળી, લીલી, પીળી ને ધોળી કાંકરીઓ પાણીને તળિયે ચળકી રહી. આખી જાને આછું પાણી પીધું. જાનડીઓમાં વાતો ચાલી કે ‘વાહ રે વહુવારુનાં હેત! ઢોલરો કેવો નસીબદાર!’

વરઘોડિયાંનાં સામૈયાં થાય છે. ઢોલરાનું કળશી કુટુંબ કુળવહુવારુનાં પગલાં થયા જાણીને કોડે ઊભરાય છે, પણ વહુને તો એ હેતપ્રીતમાં ક્યાંય જંપ નથી:

સામૈયાના સૂર, ફૂલ-દડો ફાવે નહિ,
દેવરો મારે દૂર, ઢોલરે મન ઢળે નહિ.

વરઘોડિયાંને ફૂલદડે રમાડો: ગલાલની કોથળીઓ ભરાવો: ઢોલરાને લગનનો પૂરેપૂરો લહાવો લેવરાવો: કોડભરી લાડકીને ઓછું ન આવવા દેજો: પણ — મૂઠી ભરીને માર, ગલાલનો ગોઠે નહિ, અંતરમાં અંગાર, દેવરા વણ દાઊયું પડે. આણલદેનું શરીર ઢોલરાના હાથના ગલાલના માર શી રીતે ખમી શકે! એને તો એ ગલાલની મૂઠીઓ સળગતા અંગારા સરખી લાગતી હતી. દેવરા વિના બીજાના હાથનો ગલાલ શે સહેવાય?

થંભ થડકે, મેડી હસે, ખેલણ લગ્ગી ખાટ, સો સજણાં ભલે આવિયાં, જેની જોતાં વાટ.

એવા ઉછાળા મારતા અંતરે ઢોલરો અધરાતે દાયરામાંથી છૂટો પડીને પોતાના ઓરડા તરફ ચાલ્યો આવે છે. ચારેય ભીંતે ચોડેલ ચાકળા-ચંદરવાનાં આભલાં ઉપર દીવાનું તેજ ચળકારા કરતું હોવાથી ઓરડામાં કેમ જાણે નાનકડું આભામંડળ ગોઠવાઈ ગયું હોય તેવું દેખાય છે. મારાં પગલાંના અવાજ ઉપર કાન માંડીને આયરાણી ક્યારની આતુર હૈયે ઓરડાને બારણે ટોડલા ઝાલીને ઊભી હશે, એવું ચિંતવતો ચિંતવતો ઢોલરો જ્યાં ઓશરીએ ચડે, ત્યાં તો ઊલટું પોતાની નવી વહુ મશ-ઢળેલા મોઢે ઓરડામાં બેઠેલી દેખીને એના ઉતાવળે ડગલાં દેતા પગ ઢીલા પડી ગયા. માતાએ ઉલટથી શણગારેલ ઓરડામાં આણલદેને શું કાંઈ ઊણપ લાગી હશે? હસીને સામાં ડગલાં માંડવાને બદલે સૂનકાર હૈયે બેઠી કેમ રહી છે? માવતરની લાડકવાયી દીકરીને મહિયર સાંભરતું હશે? કે હું એને મનગમતો નહિ હોઉં? એવી ચિંતાએ ચડીને, સ્ત્રી જેમ પોતાના સ્વામીને મનાવવા કોમળ ઇલાજો કરે તેમ, પુરુષ પોતાની પરણેતરને રીઝવવા માટે મહેનત કરવા મંડ્યો: “ચાલ આણલદે! તારો ચોટલો ગૂંથી દઉં. તારા માથામાં ફૂલેલ તેલનાં કચોળાં ઠલવું. ચાલ, મન ઉપરથી ભાર ઉતારી નાખ.” એમ કહીને ઢોલરો અડકવા આવ્યો, ત્યાં તો હરણી પારધીને દેખી ફાળ ભરે તે રીતે આયરાણી ખસીને આઘે જઈ બેઠી. “કાં?” “કાં શું? ચોટો ચાર જ હાથ, ગૂંથ્યો ગોરે માણસે, (એના) ગુણની વાળેલ ગાંઠ, દોરો છોડે દેવરો. “આયર, આ ચોટલામાં તો બીજા હાથનો દોરો ગૂંથાઈ ગયો અને ક્યારની એ ગાંઠ વળી ગઈ. હવે તું આઘેરો રે’જે. સંસારને સંબંધે હું તારી પરણેતર ઠરી છું ખરી, ને મરીશ ત્યાં સુધી તારા ઘરમાં રહી તારાં ગોલાપાં કરીશ, પણ તારો ને મારો છેડોય અડવાના રામરામ જાણજે.” ઢોલરો સમજી ગયો, ઘૂંટડો ગળી ગયો, પણ માન્યું કે થોડી પંપાળીશ ત્યાં જૂની પ્રીત ભૂલીને નવા નેહ બાંધશે. એવું ચિંતવીને ફરી વાર ફોસલામણાં આદર્યાં: “આણલદે! મૂંઝા મા, ઉતાવળી થા મા. એમ કાંઈ આખો ભવ નીકળવાનો છે? આપણો તો આયર વરણ: જૂની વાતો ભૂલી જાવામાં આપણને એબ નથી. આવ, આપણે ચોપાટ રમીએ.” “ઢોલરા! તું જેવો ખાનદાન આયર આજ શીદ ચીંથરા ફાડી રહ્યો છે? તુંને ખબર નથી, આયર, પણ—” સાવ સોનાને સોગઠે, પરથમ રમિયલ પાટ, (તે દી) હૈયું ને જમણો હાથ, દા’માં જીતેલ દેવરો. “કાંઈ નહિ. આણલદે, તારું ચિત્ત ચકડોળે ચડ્યું છે. આજની રાત તું નીંદર કરી જા. મનના ઉકળાટ હેઠા બેસી જશે. લે, તને ઢોલિયો ઢાળી દઉં. સુખેથી સૂઈ જા. બીશ મા, હું મરજાદ નહિ લોપું.” એમ કહીને ઢોલરાએ ઢોલિયો ઢાળીને તે પર મશરૂની તળાઈ બિછાવી. પણ આણલદેને તો એ ગોખરુની પથારી બરાબર છે: કિમ સોઉં સજણા, મું સૂતેય સખ નહિ, પાંપણનાં પરિયાણ, ભાળ્યાં પણ ભાંગે નહિ. “મારે શી રીતે સૂવું? મારી બે પાંપણો નોખી પડી ગઈ છે, એ દેવરાનાં દર્શન કર્યા વિના તો ભેળી જ થાય તેમ નથી. પોપચાં બિડાવાની જ ના પાડે છે. જે દી એને જોશું તે દી જ હવે તો જંપીને સૂશું, નીકર જીવતર આખુંય જાગવાનું છે.” મનાવી મનાવીને ઢોલરાની જીભના કૂચા વળી ગયા, મનોરથ જેના મનનાં માતા નથી એવો ફાટતી જુવાનીવાળો આહીર આજ પરણ્યાની પહેલી રાતે પોતાની પરણેતરના આવા આચાર દેખીને અંતરમાં વલોવાઈ ગયો. એનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં. એના શરીરમાં થરેરાટી છૂટી અને હોઠ કંપવા લાગ્યાં. ધીરેધીરે ક્રોધ ઊપડવા લાગ્યો, આંખો તાંબાવરણી થઈ ગઈ. ‘અરરર! એક સ્ત્રીની જાત ઊઠીને આટલી હદ સુધી મને તરછોડે? પરણ્યા પછી પારકા પુરુષનું નામ ન છોડે? એમ હતું તો મને પ્રથમથી કાં ન ચેતવ્યો? મારી ફજેતી શીદ બોલાવી? મને ટળવળતો કાં કરી મેલ્યો? બળાત્કાર કરું? ચોટલે ઝાલીને બહાર કાઢું? કે આંહીં કટકા કરું?’ થર! થર થર! થર! આખું અંગ ધ્રૂજી ઊઠ્યું. ધગધગતા શબ્દો હોઠે આવીને પાછા વળી ગયા. ‘ના, ના, જીતવા! એમાં એનો શો ગુનો? જન્મનો જે સંગાથી હતો એના પરથી સ્ત્રીનું હેત શી રીતે ખસે? આખો ભવ બાળીને પણ આંહીં કુળમરજાદને કાજે મારાં વાસીદાં વાળવા જે તૈયાર થઈ રહી છે એ શું મારવા લાયક, કે પૂજવા લાયક? હું ભૂલ્યો. મારા સ્વાર્થે મને ભાન ભુલાવ્યું. આવી જોગમાયાને મેં દૂભવી!’ અંતરમાં ઊછળેલું બધુંય વિષ પી જઈને ઢોલરો બહાર નીકળ્યો, ઓશરીમાં પથારી નાખીને ઊંઘી ગયો. આણલદેએ આખી રાતનું જાગરણ કર્યું. ભળકડું થાતાં તો આણલદે ઘરના કામકાજમાં સહુની સાથે વળગી પડી. છાણના સૂંડા ભરીભરીને ભેળા કરવા માંડી, વાળવા લાગી અને તેવતેવડી નણંદોની સાથે છાશનું વલોણું ઘુમાવવા લાગી. સાસુજીએ ઊઠીને નવી વહુને ધૂળરાખમાં રોળાતી દેખી. “અરે દીકરા, આવીને તરત તે કાંઈ વાસીદાં હોય? મેલી દે સાવરણી. હમણાં તો, બેટા, તારે ખાવાપીવાના ને હરવાફરવાના દી કે’વાય.” “ના ફુઈ, મને કામ વગર ગોઠે નહિ. પાંચ દી વે’લું કે મોડું કરવું તો છે જ ને?” વહુના હાથ અડ્યા ત્યાં ત્યાં જાણે મોતીડાં વરસ્યાં, સાસુ ને નણંદો તો હોઠે આંગળાં મેલીને ટગર ટગર જોઈ જ રહી કે કેવી ચતુર વહુ આવી છે! પણ વચ્ચે વચ્ચે વહુના હાથમાં સાવરણી ને નેતરાં થંભી જાય છે. વહુને કોઈ બોલાવે તો એ સાંભળતી નથી. આંખો જાણે ક્યાં ફાટી રહે છે. એ વાતનું ધ્યાન કોઈને નથી રહ્યું. જમવાનું ટાણું થયું છે. સાસુએ હોંશેહોંશે જૂઈના ફૂલ જેવા ચોખા રાંધ્યા છે. “વહુ, દીકરા, થાકી ગઈ હઈશ, માટે બેસી જા ફળફળતા ચોખા ખાવા.” ચોખામાં તપેલી ભરીને ઘી રેડ્યું. દળેલી સાકર છાંટી, પણ કોણ જમે! વહુ તો બેઠી બેઠી લવે છે કે: ઊનાં ફળફળતાંય, ભોજનિયાં ભાવે નહિ, હેતુ હૈયામાંય, દાઝે સૂતલ દેવરો. “અરેરે, ઊનાં ભોજન તો હું શી રીતે જમું? મારા અંતરમાં દેવરો સૂતો છે, તેની કોમળ કાયા એ ઊના કોળિયાથી દાઝી જાય તો?” એવી વહાલાની વિજોગણ એક બાજુથી ખાતીપીતી નથી, ને બીજી બાજુ કુળધર્મનું જતન કરવાનું ક્યાંયે ચૂકતી નથી. પણ દિવસ પછી દિવસ વીતતા ગયા. અંતરના ઉત્પાત સંતાડવા આણલદે બહુ બહુ મથી, તોયે એનો ચિત્તભ્રમ ઉઘાડો પડવા લાગ્યો. મોતીની ઇંઢોણી ઉપર ત્રાંબાની હેલ્ય મેલી સૈયરોના સાથમાં પાદરને કૂવે પાણી ભરવા જાય છે. તોયે આણલદેની એક પણ હેલ્ય હજી ભરાતી નથી. પાણીમાં જાણે દેવરાનો પડછાયો પડ્યો હોય, એવી કલ્પના કરતી કરતી આણલદે ઊભી રહે છે. સીંચણ હાથમાં થંભી રહે છે. એમ ને એમ દિવસ આથમે છે. કૂવામાં પડછાયો દેખાતો બંધ થાય છે, પારેવાં ઘુઘવાટા છોડીને માળામાં લપાય છે, વાદળાં વીખરાય છે, ને દિશાઓ ઉપર અંધારાના પડદા ઊતરે છે, ત્યારે આણલદે ઠાલે બેડે ઘેર આવે છે અને સાસુના ઠપકાને સાંભળીને લવે છે: સીંચણ ચાળીસ હાથ, પાણીમાં પૂગ્યું નહિ, વાલ્યમની જોતાં વાટ, દી આથમાવ્યો દેવરા. “હે બાઈજી, સીંચણ તો ઘણુંય ચાળીસ હાથ લાંબું હતું, પણ પાણીને પહોંચ્યું જ નહિ. મારો દિવસ તો દેવરાની વાટ જોવામાં જ આથમી ગયો.” નિસાસો નાખીને સાસુ બોલ્યાં કે “અરેરે! આ હરાયું ઢોર આંહીં ક્યાંથી આવ્યું? આનું તો ફટકી ગયું લાગે છે! આ તો મારું કુળ બોળવાની થઈ!”

સાજણ ચાલ્યાં સાસરે, આડાં દઈને વન,
રાતે ન આવે નીંદરા, દીનાં ન ભાવે અન્ન.
દીનાં ન ભાવે અન્ન તે કોને કહીએં?
વાલાં સજણાંને વેણે વળગ્યાં રહીએં.

સાંજનું ટાણું છે. દેવરો પોતાના ઘરની ઓશરીએ બેઠો છે. ડોશી આવીને પૂછે છે કે “ગગા, આજ તો તારા સારુ જારનો ખીચડો મેલું છું, ભાવશે ને?” “માડી, મને ભૂખ નથી લાગી.” “ભૂખ કેમ ન લાગે, બેટા? ફડશ રોટલો લઈને સીમમાં ગ્યો’તો, એમાં શું પેટ ભરાઈ ગ્યું?” “પણ, માડી, હમણાં મને પેટમાં ઠીક નથી રે’તું.” “બાપુ! ગઈ વાતને પછેં ભવ બધો સંભાર્યા જ કરાય? હવે તથ્યા મેલી દે ને એ વાતની!” “ના, મા, એવું કાંઈ નથી.” એટલું બોલતાં દેવરાને ગળે ડૂમો ભરાઈ આવ્યો. દેવરાની બે જુવાન બહેનો ઓશરીના ખારણિયામાં ખીચડો ખાંડતી હતી; તેમની આંખમાં પણ ભાઈનું ગળેલું શરીર જોઈ જોઈને ઝળઝળિયાં આવી ગયાં. “ઠીક, માડી, ખીચડો કરજો, સહુ ભેળાં બેસીને આજ તો ખાશું.” “બસ, મારા બાપ!” ડોશીને તો જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા. બરાબર એ ટાણે એક બાવો ને બાવણ એકતારો વગાડતાં ચાલ્યાં આવે છે, ને ભજનનાં વેણ સાંભળીને દૃવરાના કાન ચમકે છે:

પે’લા પે’લા જુગમાં, રાણી, તું હતી પોપટી ને
અમે રે પોપટ રાય, રાજા રામના.
ઓતરા તે ખંડમાં આંબલો પાક્યો ત્યારે,
સૂડલે મારી મને ચાંચ, રાણી પીંગલા!
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,
તોય નો હાલી તું મોરી સાથ, પીંગલા!
દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.
દેવરાને ભજન બહુ પ્યારું લાગ્યું. એણે બાવા-બાવણને બોલાવી પોતાની ઓશરીએ બેસાડ્યા, ભજન આગળ ચાલ્યું:
બીજા બીજા જુગમાં રે તું હતી મૃગલી ને,
અમે મૃગેશર રાય, રાજા રામના.
વનરા રે વનમાં સાંધ્યો પારાધીડે ફાંસલો ને,
પડતાં છાંડ્યા મેં મારા પ્રાણ, રાણી પીંગલા!
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,
તોય નો આવી તું મોરી પાસ, પીંગલા!
દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.
સાંભળી સાંભળીને દેવરાની છાતી વીંધાવા લાગી:
ત્રીજા ત્રીજા જુગમાં રે તું રાણી, બામણી ને,
અમે હતા તપેસર રાય, રાજા રામના.
કંડળિક વનમાં રે ફૂલ વીણવા ગ્યા’તાં મુને,
ડસિયલ કાળુડો નાગ, રાણી પીંગલા!
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,
તોય નો આવી તું મોરી પાસ, પીંગલા!
દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.
ચોથા ચોથા જુગમાં રે તું રાણી પીંગલા ને,
અમે ભરથરી રાય રે,
ચાર ચાર જુગનો ઘરવાસ હતો જી રે
તોય નો હાલી તું મોરી સાથ, રાણી પીંગલા!
દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.

આડોશીપાડોશી તમામ ભજન ઉપર થંભી ગયા છે. દેવરા જેવો વજ્રની છાતીવાળો જુવાન પણ આંસુડાં વહાવી રહ્યો છે, ઘરમાં ઘરડી મા રડે છે, ઓશરીમાં જુવાન બે બહેનો રુએ છે. પાલવડે આંસુડાં લૂછતાં જાય છે, ‘તોય નો આવી તું મોરી પાસ —’ના પડઘા ગાજી રહ્યા છે, તે વખતે વેલ્યની ઘૂઘરમાળ રણકી, અને ડેલીએ જાણે કોઈએ પૂછ્યું કે “દેવરા આયરનું ઘર આ કે?” પોતાનું નામ બોલાતાં તરત દેવરો ડેલીએ દોડ્યો અને કોઈ પરદેશી પરોણાને દેખીને, ઓળખાણ નહોતી છતાં, વહાલું સગું આવ્યું હોય તેવે અવાજે કહ્યું: “આવો, બા, આવો, આ ઘર રામધણીનું. ઊતરો.” ઠેકડો મારીને ગાડાખેડુ નીચે ઊતર્યો. બેય જણા ખભે હાથ દઈને ભેટ્યા. બળદનાં જોતર છોડી નાખ્યાં. મહાદેવના પોઠિયા જેવા રૂડા, ગરુડના ઈંડા જેવા ધોળા અને હરણ જેવા થનગનતા બે બળદોને અમુલખ ભરત ભરેલી ઝૂલ્યો ઉતારી લઈને દેવરે ગમાણમાં બાંધી દીધાં. નાગરવેલ જેવું અષાઢ મહિનાનું લીલું ઘાસ નીર્યું. ગળે ઘૂઘરમાળ બાંધેલી તે બજાવતા બેય બળદ ખડ બટકાવવા મંડ્યા. અને પછી હિંગળોકિયા માફાનો પડદો ઊંચો કરીને કંકુની ઢગલીઓ થાતી આવે તેવી પાનીઓવાળી એક જોબનવંતી સ્ત્રી નીચે ઊતરી. વેલ્યનો ગાડાખેડુ મોખરે ચાલ્યો, સ્ત્રીએ પાછળ પગલાં દીધાં. અજાણ્યો ગાડાખેડુ ઓશરીએ ચડ્યો અને ડોશીને ટૌકો કર્યો: “આઈ, આ અમારી બે’નને પૉંખી લ્યો.” ચકિત થતાં ડોશી બહાર આવ્યાં. આ બે’ન કોણ? પૉંખણાં શાનાં? આ ગાડાખેડુ ક્યાંનો? કાંઈ સમજાતું નથી. ગાડાખેડુએ પોતાની સાથેની સ્ત્રીને કહ્યું: “બોન, બાપ, સાસુને પગે પડ.” યુવતીએ ડોશીના પગમાં માથું ઢાળી દીધું. વગર ઓળખ્યે ડોશીએ વારણાં લીધાં. દેવરાની બન્ને બહેનો મહેમાનને ઘરમાં લઈ ગઈ, અને દેવરો તો ઓશરીએ આવીને ઢોલરા સામે ચકળવકળ તાકી જ રહ્યો. “ઓળખાણ પડે છે?” ઢોલરાએ પૂછ્યું. “થોડી થોડી! તાજા જ જોયા હોય એવી અણસાર છે.” “હું ઢોલરો, દેવરા! તારું હતું તેને હું ચોરી ગયેલો, તે આજ પાછું દેવા આવ્યો છું.” “શું, ભાઈ?” “તારું જીવતર: તારી પરણેતર.” “મારી પરણેતર?” “હા, બાપ, તારી પરણેતર. હૈયાના હેતથી તને વરેલી ઈ તારી પરણેતર, મેં ભૂલથી વેચાણ લીધેલી. વહેવારને હાટડે માનવી વેચાતાં મળે છે; પણ માનવીએ માનવીએ ફેર છે, એની મને જાણ નહોતી, દેવરા!” “આયર! ભાઈ!” એટલું જ બોલાયું. દેવરાની છાતી ફાટવા લાગી. “દેવરા, જરાય અચકાઈશ મા, હું પરણ્યો ત્યારથી જ એ તો મા-જણી બોન રહી છે.” કપાળ ઉપર પરસેવાનાં ટીપાં બાઊયાં હતાં તેને લૂછતો લૂછતો દેવરો કંઈક વિચારે ચડી ગયો. પછી મનમાં નક્કી કર્યું હોય એવો અવાજે પોતાની માને સાદ પાડ્યો: “માડી! બેય બોનુંને પાનેતર પહેરાવો અને કટંબને બોલાવો; ઝટ કરો, સમો જાય છે.” ઢોલરો ચેત્યો. “અરે, ભાઈ, આ તું શું કરછ? હું આટલા સારુ આવ્યો’તો?” “ઢોલરા, તેં તો એવી કરી છે કે મારું ચામડું ઊતરડી તારી સગતળિયું નખાવું તોય તારો ગણ ન જાય! અને તારા જેવા આયરને મારી બોનું ન દઉં તો હું કોને દઈશ?” “પણ, ભાઈ બે—” “બોલ મા!” દીકરિયું દેવાય, વઉવું દેવાય નહિ, એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો. “ઢોલરા, ભાઈ, દીકરીઓ તો દેવાય, પણ પોતાની પરણેતરને પાછી આણીને સોંપી દેવી, એ તો મોટા જોગીજતિથીયે નથી બન્યું. હું બે આપું છું, તોપણ તારી ઢાલ (તારું લેણું) તો મારા ઉપર બાકી જ રહેલી જાણજે.” ઘડિયાં લગન લેવાયાં. થડોથડ બે માંડવા નખાયા. એકમાં દેવરા અને આણલદેની જોડ બેઠી. બીજામાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપુટી બેઠી. જોડાજોડ વિવાહ થયા. અને પછી તો પાંચ છોકરાં ને છઠ્ઠી ડોશી છયે માનવીની છાતીઓમાં સુખ ક્યાંય સમાયાં નહિ, છલકાઈ ગયાં. સહુએ સાથે બેસીને જુવારનો ખીચડો ખાધો.

‘વેરાનમાં’માંથી