મેઘાણીની સમગ્ર નવલિકા 2/જીવન-વાટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જીવન-વાટ
[૧]

કોણ જાણે શાથી, મારો એ પ્રેમી યુવાન કંટાળ્યો. એણે ઓરડીમાં બત્તી કરી. મને કહ્યું: “હવે તું જલદી અહીંથી નીકળી જા. મારો સાથી આવી જશે. લે, હું તને પાછલે બારણેથી પસાર કરી દઉં. કોણ કદાચ દેખે!”

ચાર મહિના ગયા. એ અલોપ થયો હતો. મારા દેહમાં કંઈક પલટો દેખાતો હતો. હું સમજી ગઈ, મુંઝાઈ. શહેરની પ્રત્યેક આંખ, ઝાડનું એકોએક પાંદ, મકાનોનો હરએક પથ્થર મારી સામે તાકતાં’તાં. મને મા સાંભરી. મારી મા મને નક્કી સંઘરશે: હું મારે ગામ ચાલી.

“શું થયું છે? ચુપ કેમ બની ગઈ? બહાર બેસવા ઊઠવા કાં નથી જતી, દીકરી?” “મા!... મા!” માને ખોળે ઢળીને મેં કહ્યું: “મારા પેટમાં... બાળક છે.” મા સળવળી. મને ખોળામાંથી ઉતારી ચાલી ગઈ. બીજા ઓરડામાંથી સંભળાવ્યું: “તને ફાવે તે કરજે, બાઈ! પણ ખબરદાર આંહીં મારી નજરે ન કરતી તારું... ...”

મને સાંભર્યું: માએ નાનાભાઈને પણ એકવાર એમ જ કહેલું: બાવળી કૂતરી વીંયાઈ તે દા’ડે: નાનોભાઈ મા કને દોડ્યો’તો: મા! મા! બાવળીને છ કુરકુરિયાં... ... મા! શેરો કરી દે. “ખબરદાર!” માએ કહેલું: “તારાં કુરકુરિયાંનું તને ફાવે તે કરજે. મારી નજરથી વેગળાં રાખજે, નીકર...” નાનો ભાઈ બાવળી કને ગયેલો. છ કુરકુરિયાંને ઢાંકીને બાવળી બેઠી’તી. બાવળીની આંખોમાં આજીજી હતી: નાનાભાઈ, હું બહુ ભૂખી છું હો! નાનાભાઈએ છયે કુરકુરિયાંને ઉપાડ્યાં, એક કોથળામાં ભર્યા. તળાવે ગયો, કોથળો પાણીમાં પધરાવ્યો. ઊભો ઊભો રડ્યો’તો. મને એ સાંભર્યું. હું માની વાત સમજી.

[૨]

ગામડામાં એ પાપ-કર્મ પતાવવું અઘરું હતું. માબાપની ફજેતી થાય! પાછી હું શહેરમાં ચાલી ગઈ. ઉનાળાની રજાના દિવસો: છાત્રાલય ખાલી: રંગરોગાન થતા હતા; ચોમેર ઉકળાટ હતો. હું વિચારતી બેઠી: મારું કલંક લલાટ પર લઈ લેવામાં મને શરમ નહોતી. પરંતુ... મારી નિરાધારી વચ્ચે હું એ અસહાય, જીવતા જીવને ક્યાં ઉતારો આપીશ? કોણ સંઘરશે? બે હથેળીઓમાં માથું ટેકવીને લાંબી વાર હું બેઠી રહી. નિશ્ચય કર્યો. ચાલી: પાપમાં સાથ પૂરે તેવું દાક્તરખાનું શોધવા. એક પછી એક નામનાં પાટિયાં વાંચતી ચાલી. દવાખાનું આવ્યું. દાખલ થઈ પાછી ફરી. વારંવાર અંદર ગઈને બહાર આવી: પાપની પળને બને તેટલી મોકુફ રાખવા માટે. એકાએક મને યાદ આવ્યું: બાવળીનાં કુરકુરિયાંને ભાઈ ડુબાવતો હતો ત્યારે બાવળી કેવી રોતી રોતી ભાઈના પગમાં આળોટતી’તી. ભાઈના હાથ ચાટતી’તી! ને કુરકુરિયાં પાણીની બહાર આવવા મથતાં’તાં એટલે ભાઈએ લાકડીના ગોદા મારે મારીને કુરકુરિયાંને ડુબાવ્યાં હતાં. બાવળીની કલ્પનાએ મને જાણે સાદ દીધો: પાછી વળ, પાછી વળ! હું પાછી વળી, અને મેં દોટ દીધી. દવાખાનામાં બારણાં જાણે મને ઝાલવા મારી પાછળ ચીસો પાડતા દોડ્યાં આવે છે. છાત્રાલયમાં હું હાંફતી બેઠી. થાક ઊતર્યો ને તે જ ઘડીએ મને કંઈક એવું થયું કે જેને હું કદી નહિ વિસરી શકું. મારા શરીરની અંદર જાણે કશુંક સળવળ્યું; કશુંક જીવન, નવું જીવન, મારાથી ભિન્ન કોઈ જીવાત્મા: અંદર લપાએલું કોઈક જાગે છે જાણે. ભિન્ન છતાંયે જાણે કોઈક મારું પોતાનું, મારાજ જીવનનો તેજ-અંશ! હું ઓરડીના ખૂણામાં દોડી ગઈ. લપાઈને બેઠી. મને પકડવા આવતી કોઈક ભૂતાવળથી બચવા જાણે હું એ મારી ભીતરમાં સળવળતા માનવીની આડશ કરીને બેઠી. એ જીવાત્માએ જાણે મને એની ગોદમાં લીધી: કહ્યું, ‘મા! મા! ડરીશ ના! હું જાગું છું.’

[૩]

“મા! મા! ભય નથી. હું જાગું છું.” મારા મનના ઊંડાણમાંથી કોઈનો અવાજ આવતો હતો. પણ મારાં કલ્પના-ચક્ષુઓ સામે એક ટોળું ઊભું હતું. ટોળાના હાથમાં રસી હતી, લાકડીઓ હતી, છૂરીઓ હતી, ઝેરની પડીકીઓ હતી. ટોળું બોલતું હતું; ઈજ્જત જશે! કલંક લાગશે! ખલ્લાસ કર. ટોળામાં કોણ કોણ હતાં? મારાં કુટુંબીઓ, મારી ન્યાત, મારા ધર્મગુરુ... ઘણા ઘણા વિકરાળ ચહેરા. અને ઓહ!... મારી બા પણ. પણ તે સહુની પાછળ અમારી બાવળી કૂતરી ઊભેલી: બાવળી મને કહેતી’તી જાણે: ‘નહિ! બહુ ભયાનક છે એ...’ હું ઝબકી ઊઠી. કોઈક મને ઢંઢોળી રહ્યું હતું: “...બહેન! ઓ...બહેન! આ તે શું થયું છે તમને? આમ બાઘા જેવાં કેમ બની ગયાં છો?” એ હતી મારી સહવિદ્યાર્થીની. મેં એને મારા ગર્ભની વાત કરી. “અરે વાહ રે વાહ!” એ તો દંગ બની ગઈ: “બાળક! ઓહો, કેવું સરસ! કેવી મોટી વાત! એમાં તમે રડો છો શીદ પણ?” હર્ષાવેશમાં એ તો દોડી. ધબધબ મેડીનાં પગથિયાં પર કૂદતી ગઈ: “ઓ ...બહેન! બહાર આવો જલદી. એક સરસ નવી વાત કરું.” “શી સરસ વાત?” બીજી સહવિદ્યાર્થીની બહાર આવી. “...બહેનને તો બાળક છે!” “બાળક! ક્યાં છે? સાચે જ? પણ ક્યાં છે? હેં... બહેન! સાચેસાચ? ક્યાં છે? બતાવો તો!” કહેતી એ બીજી પણ મારી કને દોડી આવી. “હવે ભૈ!” પહેલી સખીએ એ બીજીને રોકી: “એ તો છે, પણ હજુ તો એ આવવાનું છે. તમે તો સમજો નહિ ને!” બેઉ જણીઓ મને વીંટળાઈ વળી.

[૪]

મને નવું કુટુંબ મળ્યું. જૂનું કુટુંબ, જૂનો સમાજ ઊડી ગયાં. નવું કુટુંબ, નવું જગત, નવો અવતાર. ચાર મહિના વહી ગયા. પણ મારી સામે ન એક અપશબ્દ, ન તિરસ્કાર, ન દુષ્ટ કટાક્ષ. ખિલખિલ હાસ્યવિનોદ કરતી છોકરીઓ મને આવતી ભાળે એટલે ચુપાચુપ: જાણે પોતાની મા આવે છે. એટલી મારી અદબ. હું ઈસ્પિતાલે સૂતી. જુવાન દાક્તરો, મેડીકલ કૉલેજના વિદ્યાર્થીઓ, સઘળા મને ઘેરી વળ્યા. મારી સારવારમાં ગર્વ અનુભવ્યો. કેટલી બધી દિલસોજી! કારણ — હું પતિવિહોણી હતી. રઝળી પડેલી હતી. એટલે મારી જવાબદારીને એ સહુએ પોતાની સહિયારી કરી લીધી. એવી માનવ-હૂંફ વચ્ચે મારા ઉદરનો અતિથિ આવી પહોંચ્યો.

તે પછી ત્રણ-ચાર મહિને: બાબાને બાબાગાડીમાં સુવાડી હું બગીચે લઈ ગઈ હતી. બાંકડા પર બેસી હું મારો પાઠ વાંચતી હતી. બાબો સૂર્યનાં કૂણાં કારણોને ઢાલવા સુંવાળી હથેળીઓ ઉઘાડતો ને બીડતો હતો. વસંતનું પ્રભાત હતું. ઓચિંતાનું મેં ઊંચું જોયું. દૂરથી મેં એને દીઠો — ઓળખી પાડ્યો — બાબાના...ને. અમારી આંખો મળી. એ ઝંખવાઈ ગયો. લાગ્યું કે એ સરીને ચાલ્યો જશે. ચાલ્યો, પણ અટક્યો, મને વંદન કર્યાં. મેં વાર વાર નમી વંદન ઝીલ્યાં. “કેમ છો? ઘણા દાડે મળ્યાં! રોજ આવો છો?” ઉપરાઉપરી પ્રશ્નો છૂટ્યા. પોતાની શરમને સંતાડવા મથતો’તો એ. મેંય સીધા જવાબ દીધા. એને ભોંઠામણ થવા જેવો શબ્દ સરખો ન બોલી. જાણે કશું બન્યું જ નથી. એ મારા માથાથી પગ સુધી ધીરી ધીરી જોતો હતો. એને શું એની જવાબદારી સમજાતી હતી? કોણ જાણે, પણ મેં તો મારા પગ બાંકડી નીચે છુપાવી દીધા. મારી ચંપલ ફાટી ગઈ હતી. “ઠીક, કાલે મળશું. અત્યારે તો ઉતાવળમાં છું.” કહીને એ ગયો. મેં મારા અંતરમાં સુખ અનુભવ્યું — એને ભોંઠો ન પાડ્યો તે વાતનું. જાણે કંઈ બન્યું જ નથી!