સોરઠ, તારાં વહેતાં પાણી/૩૦. બ્રાહ્મતેજ
પસીને રેબઝેબ બે અસલ અરબી ઓલાદના ઘોડા તબડાટ કરતા આવી પહોંચ્યા. બે અંગ્રેજ અધિકારીઓએ છલાંગ મારી ઘોડાનાં જીન છોડ્યાં. તેઓનાં રેશમી ખમીસો રતુંબડાં શરીરો સાથે પસીને ચોંટી ગયાં હતાં, ભૂખ અને તરસની તેમના પેટમાં લાય લાગી હતી. છતાં, સૌ પહેલાં તેમણે પોતપોતાના ઘોડાઓને જિગર-જાનથી થાબડ્યા. ઘોડાના કપાળ પર, બેટાને સગો બાપ પંપાળે તેવા પ્રેમથી, તેમણે હાથ પસાર્યા; અને ઘોડાનાં નસકોરાંનો જે વધુમાં વધુ પોચો ભાગ, તે પર બેઉ જણાએ બચીઓ ભરી. બેમાંનો એક પોલિટિકલ એજન્ટ હતો, ને બીજો નવો આવેલ પોલીસ ઉપરી હતો. જૂના ખાનદાન સાહેબની લડાઈના સબબે બદલી થઈ ગઈ હતી. તે પછી બેઉ અફસરો ‘ખાના! જલદી ખાના લાવ!’ના પુકાર કરતા એ જંગલમાં બિછાવેલ રાવટીમાં મેજ પર ઢળ્યા, અને બટલર તેઓની સામે ફોજદારની તોછડાઈની કથા લઈ ઊભો રહ્યો. મોંની સીટીઓ બજાવી જંગલમાં મંગલ કરી રહેલા ગોરા સ્તબ્ધ બન્યા. બેડીગામના બંગલામાંથી ચેતાયેલા પ્રકોપનું છાણું અહીં ભડકો કરી ઊઠ્યું. સુરેન્દ્રદેવજીના તુચ્છકારને ગળી જનાર ગોરો ક્ષુધાની આગને ન સહી શક્યો. બદનને બહુ કસનારા, વિપત્તિઓ ને મુસીબતો સહેવામાં પાવરધા આ અંગ્રેજો આહારની બાબતમાં બાળકો જેવા પરવશ હોય છે. ખાણા ઉપર જ તેઓની ખરેખરી ખિલાવટ થાય છે. એટલે જ હિન્દી ઉપવાસો તેમને હેરત પમાડે છે, અને સુંદર ભાષણો તેઓ સુંદર ભોજનની સાથે જ કરી શકે છે. તેઓ બન્ને રાવસાહેબ મહીપતરામ પર ઊતરી પડ્યા. એટલી વરાળો ફૂંકવા લાગ્યા કે મહીપતરામ જો માણસ હોવાને બદલે પશુ હોત તો તેઓ એને જ શેક્યા વગર ખાઈ જાત! “અભી કે અભી ફોરન સવાર ભેજો; તુમારા થાના કે ગાંવસે મટન લેકર આવે.” સાહેબે ફરમાન આપ્યું. “ત્યાં તો ખાટકીનું કામ બંધ છે, હજૂર.” રાવસાહેબે જવાબ આપ્યો. “કાયકો? કિસકા હુકમસે?” સાહેબનો દેહ કારખાનાના ફાટ-ફાટ થતા બોઇલરની યાદ દેતો હતો. “મારા હુકમથી.” “ક્યોં?” “ખાટકીના ફળિયામાંથી સમળીઓ માંસના લોચા ઉઠાવી હિન્દુઓનાં ઘરોમાં નાખતી હતી. મેં એને તાકીદ કરી હતી કે આયંદે બદોબસ્ત કરે, પણ એણે બેપરવાઈ બતાવી. કાલે એક સમળીએ ગામના ઠાકર મંદિરમાં હાડકું પડતું મૂક્યું, એટલે મારે મનાઈ કરવી પડી.” “યુ ડેમ ગધ્ધા સુવર...” “સાહેબ બહાદુરને હું અરજ કરું છું કે જબાન સમાલો!” મહીપતરામ જેટલા ટટ્ટાર ઊભા હતા તે કરતાં પણ વધુ અક્કડ બન્યા. આ શબ્દો એ બોલ્યા ત્યારે એમની છાતી બે તસુ વધુ ખેંચાઈ. “ક્યા! યુ...” કહેતા બેઉ ગોરા ઊભા થઈ ગયા, પણ નવું વિશેષણ ઉમેરે તે પહેલાં તો મહીપતરામે પોતાની કમર પરથી કીરીચ-પટો ખોલ્યો. એ અણધારી ક્રિયાએ બોલતા સાહેબને હેબતાવ્યો, ને કીરીચ-પટો સાહેબની સન્મુખ ધરીને મહીપતરામે જવાબ આપ્યો: “સાહેબ બહાદુર એક પણ અણછાજતો બોલ ઉચ્ચારે તે પહેલાં આ સંભાળી લે ને મને ‘ડિચાર’ [ડિસ્ચાર્જ] આપે.” ખાખી કોટ, બ્રિચીઝ અને સાફામાં શોભતો આ બાવન વર્ષનો બ્રાહ્મણ સાહેબોની જીભને જાણે કે કોઈ ખીલા જડીને ખડો રહ્યો. સાહેબો ખમચ્યા. એ એક પળનો લાભ લઈને મહીપતરામે કહી નાખ્યું: “આ કીરીચ સરકારે મને બકરાં પૂરાં પાડવાની તાબેદારી ઉઠાવવા બદલ નથી બક્ષિસ કરી.” “યુ આર એ શેઈમ ટુ યોર કીરીચ [તારી એ કીરીચની તેં નામોશી કરી છે].” એટલું બોલનાર બીજા અંગ્રેજની સામે મહીપતરામે શાંતિથી કીરીચ-પટો છોડી દીધાં ને કહ્યું: “સાહેબ બહાદુરનો હવે શો હુકમ છે?” “તમારી ફોજદારી તોડી નાખવામાં આવે છે. તમને સેકન્ડ ગ્રેડ જમાદારીમાં ઉતારવામાં આવે છે.” જવાબમાં મહીપતરામે પોતાને બઢતી મળી હોય તેવી અદાથી સલામ ભરી, અને ઉપરી સાહેબે ફરમાન કર્યું: “એટેન્શન! એબાઉટ ટર્ન! ક્વિક માર્ચ!” હુકમ મુજબ હોશિયાર બની, પાછા ફરી, ઝડપી પગલે મહીપતરામ રાવટી બહાર નીકળી ગયા. આ બધો શો ગજબ થઈ ગયો તેનું હવે ભાન આવ્યું. ફોજદારી તૂટી એ એમને જિંદગી તૂટ્યા બરાબર લાગ્યું. આવી બેઈજ્જતી લઈ કેમ જીવી શકાશે? જગતને મોઢું શી રીતે બતાવી શકાશે? જૂનો જમાનો હમેશાં પોતાની ઈજ્જત વિશે જીવન-મૃત્યુની જ લાગણી અનુભવતો. મહીપતરામ થાણામાં પાછા ફર્યા ત્યારે એક સાદા પોશાકવાળો સવાર ઘોડું દોરીને ઊભો હતો. તેણે મહીપતરામના હાથમાં એક સીલ કરેલ ચિઠ્ઠી મૂકી. માણસે ધીમેથી કહ્યું: “એ ચિઠ્ઠીમાં એક મરદનું માથું છે, માટે જાળવજો.” કહીને એ ચાલ્યો ગયો. સમજુ મહીપતરામે એ ચિઠ્ઠી સંડાસમાં લઈ જઈને વાંચી. અંદર લખ્યું હતું: બહાદુર સિપાઈ, આ દેશની દુર્દશા છે કે એક બહાદુર બીજા બહાદુરનો વિનાકારણ પ્રાણ લેવા નીકળેલ છે. સહુ બહાદુરોને સાચવનારો એક દેશવીર પરદેશથી પાછો ફર્યો છે. તમે થોડા દિવસ ઠંડા રહી શકશો? તો લખમણને અહીંથી સરકાવી લઈને બહાર રવાના કરી શકાય. તમારી સેવા ફોગટ નહિ જાય. નીચે સહી આ રીતે હતી: આ ભૂમિની મર્દાઈનો પ્રેમી એક ગુર્જર. મહીપતરામના અંતરમાં ઘોડાપૂર પ્રલોભન ધસ્યાં: સુરેન્દ્રદેવજી સિવાય બીજા કોઈનો આ સંદેશો ન હોય. એજન્ટ સાહેબ બે જ ગાઉ પર છે. જઈને રોશન કરું? તૂટેલી ફોજદારી હમણાં ને હમણાં પાછી વળશે. છૂટેલી કીરીચ પાછી કમર પર બિરાજશે, કેમકે એજન્ટ વગેરે ગોરાઓને ઘેર તો આ ચિઠ્ઠી થકી ગોળનાં ગાડાં આવશે. સુરેન્દ્રદેવની તુમાખી પર સહુને હાડેહાડ દાઝ ચડી ગઈ છે. ને એમ કરવામાં ખોટું પણ શું છે? એ તો મારી એક નોકર તરીકે પણ ફરજ છે. મારી નિમકહલાલીને લાજિમ છે કે બહારવટિયાને નસાડવાની આવી છૂપી પેરવીને મારે પકડાવી દેવી. કેટલી બધી નાલાયકી કહેવાય આ સુરેન્દ્રદેવની કે એણે મારી સિપાઈગીરીમાં બાકોરું પાડવાની હામ ભીડી! મને એ બહારવટિયાના પલાયનમાં ભાગીદાર બનાવવા માગે છે! પણ આ બાપડાનો શો દોષ! એણે મારા પર વિશ્વાસ મૂક્યો. હું વિશ્વાસઘાતી કેમ બનું! નહિ, નહિ; એમાં વળી વિશ્વાસઘાત શાનો? જાલિમ બહારવટિયાના સાથીનો વળી વિશ્વાસઘાત શો? કોને ખબર — સુરેન્દ્રદેવને ઘેર બહારવટિયો લૂંટની થેલીઓ ઠાલવી આવતો નહિ હોય? આ બધા રાજા-મહારાજાઓ શું સારા ધંધા કરે છે? સુરેન્દ્રદેવ અને સુંદરપુરના ઠાકોર હજુ ગઈ કાલે જ ભેળા થયા’તા, તેનો ભેદ પણ ક્યાં નથી કલ્પી શકાતો? તેઓ બધા સરકાર વિરુદ્ધ કાવતરું પકવી રહ્યા છે. ને હું રાજાઓનો કે સરકારનો? મારું સારું કરનાર તો સરકાર જ ને! ઉપરી સાહેબને તો મારી ઉદ્ધતાઈથી ક્ષણિક રોષ ચડ્યો. બહુબહુ તો તેઓએ મારી ફોજદારી લઈ લીધી, પણ આ ઠાકોરો માયલો કોઈક હોત તો શું કરત? શું શું ન કરત? મને બદનામ તો કરત, ઉપરાંત રિબાવીને મારત. સરકાર તો આવતી કાલે મારી ફોજદારી પાછી પણ આપશે. સરકાર હજાર દરજ્જે સારી છે. પાડ એના કે અદના સિપાઈને પણ એણે ઠાકોરો-ભૂપાલોનો ડારનાર બનાવ્યો, ને વાંકી વળેલી અમારી કમ્મરોને ઝૂકવાનું વીસરાવી ટટાર છાતીએ ઊભા રહેતાં શીખવ્યું. આ કાવતરું ફોડવું જોઈએ. કંઈ નહિ; હું સુરેન્દ્રદેવનું નામ નહિ લઉં. મને ખબર જ ક્યાં છે? હું તો ચિઠ્ઠી રજૂ કરી દઉં. સંડાસમાંથી બહાર આવીને એણે ઘોડી પર ફરી સામાન નખાવ્યો. રકાબ પર એક પગ મૂકે છે તે જ ઘડીએ મહીપતરામે એક ટેલિયા બ્રાહ્મણની ટેલ સાંભળી. મોટા સાદે સવાસો રૂપિયાની ટેલ પુકારતો બ્રાહ્મણ નજીક આવ્યો. “એમ નહિ, મા’રાજ!” મહીપતરામે પૂછ્યું: “તમને જ્યોતિષ આવડે છે?” “હા, બાપુ, કેમ ન આવડે?” “હસ્તરેખા?” “એ પણ.” “આવો ત્યારે ઘરમાં.” બ્રાહ્મણને લઈ પોતે અંદર ગયા. જઈને પૂછ્યું: “કાં, જગા પગી!” બ્રાહ્મણ વેશધારીએ કહ્યું: “ફતેહ કરો. ચાલો, ઝટ ચડો.” “શું થયું?” “એક પોતે ને બીજા નવ — દસેય જણા બેફામ પડ્યા છે ચંદરવાની ખોપમાં.” “બેફામ કેમ?” “કેમ શું, પેટમાં લાડવા પડ્યા.” “શેના લાડવા?” “અમૃતના તો ન જ હોય ને!” “એટલે?” “કાંઈક ઝેરની ભૂકી મળી’તી.” “કોના તરફથી?” “હવે ઈ તમારે શું કામ? મેં મારા હાથે જ લાડવા ખવરાવી, લથડિયાં લેતા જોઈ-કરીને ઘોડી આંહીં દોટાવી છે.” “જગુડા!” મહીપતરામનું મોં ઊતરી ગયું. “ઝેર દીધું?” “નીકર શું ઝાટકે ને ગોળીએ મારવો’તો તમારે લખમણને?” “હા, જગુ.” “રામરામ કરો! ને હવે તમારે વાતું કરવી છે કે ઝટ પહોંચવું છે?” “શું કરવા?” “બહારવટિયા ઉપર શૂરાતન કરવા.” “જગુ પગી, તેં નામરદાઈ કરી.” “સાત વાર. પણ હવે હાલો છો? કોઈ બીજો પોગી જાશે તો તમે રહેશો હાથ ઘસતા.” “જગુ પગી, મારે એ પરાક્રમ નથી જોતું.” “શું બોલો છો, સા’બ?” “લખમણને ઝેર? બહાદુર લખમણને ઝેર? મારે તો એને પડકારીને પડમાં ઉતારવો’તો. હા! હા! શિવ શિવ!” જગુ પગીને આ બ્રાહ્મણ પર કંટાળો છૂટ્યો. એણે એ કંટાળાની એંધાણીરૂપે પૃથ્વી પર થૂંક નાખ્યું ને પૂછ્યું: “ત્યારે મને નાહકનો દાખડો કરાવ્યો ને, સા’બ?” “ના, ના, જગુ, જા તું ઘાંઘલીને ઘૂને. ત્યાં સાહેબો પોતે જ બેઠા છે, એને સમાચાર દે. ઝેર દીધેલા બહારવટિયાને જીતવાનો જશ ભલે એમને જાતો. મને ખબર આપ્યા છે એવું કહેતો જ નહિ.” ‘બામણું કેવું ઘેલસાગરું! આ મોકો જાવા દીધો!’ એમ વિચારતો એ ટેલિયો વેશધારી જગુ પગી ઘાંઘલી-ઘૂના તરફ દોડ્યો. મહીપતરામે ઘોડી પરથી જીન ઉતરાવ્યું. સાંજનો સમય થયો. સવારની બાકી રહેલી સંધ્યા-પૂજા માટે એણે સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં એણે શાંતિના શ્લોકો રટ્યા. કોઈક મરતા આદમીની સદ્ગતિ માટે એણે આ શાંતિપાઠ કર્યો, ને પાટલા પર ઘીની ઝીણી દીવી બળતી હતી તેની જ્યોતિમાં એણે પેલી સુરેન્દ્રદેવવાળી ચિઠ્ઠી ઝબોળી. સળગી ગયેલા કાગળ પર અક્ષરો ઉકેલી શકાય તેવા ને તેવા રહે છે એ વાત પોલીસ-અમલદાર જાણતો હતો. કાગળને એણે ચોળી રાખ કરી નાખ્યો. એનો અંતરાત્મા વકીલોની દલીલબાજીમાંથી મોકળા થયેલા દેહાંત-સજાના કેદી જેવી દશા પામ્યો. આ સારું કે તે સારું? આ કર્તવ્ય કે બીજું? — એ પ્રશ્નો જ ન રહ્યા. પૂજાના બાજોઠ પર જ બ્રાહ્મણનું બ્રાહ્મતેજ, સાહેબોના ખાણાના મેજની સામે પ્રકાશેલ બ્રાહ્મતેજથી જુદી તરેહે દેદીપ્યમાન થઈ રહ્યું. પોતાનાં અંબાજીમાએ આજે એને એક મહાપાપમાંથી બચાવ્યો. સાચા બ્રાહ્મણની એ પરમ કમાઈ!