પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૮
- ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક. તેમનો જન્મ ૧૮૯૪ની ૨૦મી જૂને જૂનાગઢમાં થયેલો. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં લીધું. ૧૯૧૦માં મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૫થી મુંબઈમાં નિવાસ કર્યો. તેમણે શાળાના આચાર્ય તેમજ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. એક અત્યંત કડક અને શિસ્તપ્રિય આચાર્ય તરીકેની તેમની ખ્યાતિ હતી. ઊંચા, ટટ્ટાર, ગોરા, દેખાવડા અને કાયમ સફેદ લૉંગ કોટ, વેસ્ટ કોટ, પાટલૂન અને પાઘડીમાં સજ્જ રહેતા રામપ્રસાદભાઈને જોઈને આદરની લાગણી થાય. મિતભાષી પણ ધારદાર સત્યના આગ્રહી. શબ્દો પ્રત્યે આદર કેવી રીતે કેળવાય તે તેમની પાસેથી શીખવા મળે.
રામપ્રસાદ બક્ષી એટલે જીવંત વિદ્યાપીઠ. જ્યારે મળે, જ્યાં મળે ત્યાં કંઈક ને કંઈક જાણવા જેવું, જીવનમાં ઉતારવા જેવું તેમની પાસેથી અનાયાસે મળતું જ રહે. રામપ્રસાદભાઈ માત્ર બી.એ. થયેલા. તેમ છતાં તેમની ક્ષમતા પીએચ.ડી.ના ગાઇડ થઈ શકે તેવી. વિદ્યાપીઠનાં સર્વોચ્ચ સ્થાન શોભાવે તેવા, સંસ્કૃતના મહામહોપાધ્યાય, અંગ્રેજીના જાણકાર, વિદ્યાપ્રેમી, નિયમિત અને હંમેશ અભ્યાસમાં રમમાણ રહેતા. તેમનામાં આટલી બધી વિદ્વત્તા હતી તેમ છતાં અભિમાન તેમને સ્પર્શ્યું નહોતું. રામપ્રસાદ બક્ષીની રચનાઓ જોતાં તેમાં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો સમન્વય થયેલો જોવા મળે છે. એમનું વિવેચન વિવરણાત્મક શૈલીથી થયેલું જોવા મળે છે. તેમાંથી તેઓ સંસ્કૃત પરિપાટીની તત્ત્વચર્ચાને ઉપસાવી શક્યા છે. રામપ્રસાદ બક્ષીએ અન્યના સહયોગમાં કરસનદાસ માણેક વિશે ‘અક્ષર-આરાધના’ (૧૯૬૨), જ્યોતીન્દ્ર દવે વિશે ‘વાઙ્મયવિહાર’ (૧૯૬૪) અને ગુલાબદાસ બ્રોકર વિશે ‘સંવાદ’ (૧૯૭૪) – એ ષષ્ટિપૂર્તિ ગ્રંથો સંપાદિત કરી આપ્યા છે. તેમનાં અન્ય સંપાદનોમાં ‘ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સ્ક્રેપબુક’ (૧૯૫૭), ‘નરસિંહરાવની રોજનીશી’ (૧૯૫૯), ‘છોટુભાઈ કોરા જીવનજ્યોતિ’ (૧૯૫૯), ‘ગોકુળભાઈ ભટ્ટ અભિનંદનગ્રંથ’ (૧૯૬૩), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ (અન્ય સાથે ૧૯૭૧)–ને ગણાવી શકાય. વિવિધ રસ અને રુચિને પોષે તેવાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે. ‘વાઙ્મયવિમર્શ’ (૧૯૬૩) સાહિત્યતત્ત્વની મીમાંસા કરતા લેખોનો સંગ્રહ છે. સંસ્કૃત નાટ્યમીમાંસાના આધારે તેમણે ‘નાટ્યરસ’ (૧૯૫૯) અને ‘કરુણરસ’ (૧૯૬૩) એ બે પુસ્તકો આપ્યાં છે. તેમાં પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનો પણ તુલનાત્મક દૃષ્ટિથી વિનિયોગ કરવામાં આવ્યો છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ – એ ગોવર્ધનરામની સાહિત્યિક વિશિષ્ટતા આલેખતો ગ્રંથ છે. રામપ્રસાદ બક્ષીનું અનુવાદ ક્ષેત્રે પ્રદાન પણ ઉલ્લેખનીય છે. ‘કથાસરિતા’ (૧૯૧૧), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ ભાગ-૧-૨ (૧૯૩૬, ૧૯૫૭), શીખધર્મસ્તોત્ર ‘સુખમની’ (૧૯૩૫) વગેરે તેમણે કરેલા અનુવાદો છે. ૧૯૬૦-૬૪નો નર્મદ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો. ૧૯૭૬-૭૭માં પોરબંદરમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમનું અવસાન ૨૨ માર્ચ, ૧૯૮૭ના રોજ મુંબઈમાં થયું હતું. વક્તવ્ય (૧) અંગત ગુજરાતી સાહિત્ય પરિષદના આ ૨૮મા અધિવેશનના પ્રમુખપદે મારી વરણી થઈ તે માટે પરિણામજોડ જેઓ એક અથવા અન્ય પ્રકારે સંકળાયેલા છે, અને જેઓના સદ્ભાવથી એ પદે મારી વરણી થઈ છે તે સહુનો માત્ર ઉપચાર રૂપે નહિ પણ અંતઃકરણથી હું આભાર માનું છું. એવી વરણી વહેલી થવી જોઈતી હતી એવું ક્યાંય ક્યાંક લખવા-કહેવામાં આવ્યું છે એ બાબતમાં અન્ય કોઈની જવાબદારી તો હોય કે ન હોય પણ મારી કાંઈક જવાબદારી છે એ વાત ન્યાય ખાતર મારે અહીં જણાવવી ઘટે. મારી જવાબદારી એ કારણે હું માનું છું કે આજ પહેલાં પરિષદના તંત્રમાં કે કાર્યમાં મેં કંઈ ગણનાપાત્ર સક્રિય ભાગ લીધો નથી. ઉપરાંત મારી પોતાની એવી નિષ્ક્રિયતા હોવા છતાં એ પદ માટે મને જ્યારે એક અથવા અન્ય પ્રકારે પૂછવામાં આવ્યું કે આગ્રહપૂર્વક કહેવામાં આવ્યું ત્યારે મેં પોતે દૃઢતાથી અને સ્પષ્ટતાથી એ માટે મારી અનિચ્છા વ્યક્ત કરી હતી. મદ્રાસમાં થનારા અધિવેશનની પૂર્વે મને મધ્યસ્થ સભામાં એક અગ્રણી અધિકારી તરફથી પૂછવામાં આવ્યું હતું કે મારી ચૂંટણી થાય તો હું સ્વીકારીશ કે નહિ. અને ત્યારે મેં મારા વયના કારણે આભાર સાથે અનિચ્છા જણાવી હતી. તે પછી વલ્લભવિદ્યાનગરમાં થનારા અધિવેશન પૂર્વે મને કેટલાક પ્રાધ્યાપકો અને લેખકોએ મારે ઘેર આવીને અનેક દલીલો સાથે મને એ પદ માટે ઉમેદવારી કરવા માટે સદ્ભાવથી આગ્રહ કર્યો હતો. પણ ત્યારે મેં તત્કાલીન અમુક પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને અનિચ્છા દર્શાવી હતી. આમ અમુક વર્ષોના વિલંબ માટે હું પોતે જવાબદાર છું એ માટે આપ સહુને જણાવવું જોઈએ. અને છેવટે આ પોરબંદરમાં થાય છે તે અધિવેશનનું પ્રમુખપદ મેં સ્વીકાર્યું. તેમાં, હા કહું કે ના કહું એવી મારી દોલાયમાન મનોદશા હતી ત્યારે હા કહેવાનો નિશ્ચય કરવાનો સ્નેહપૂર્ણ આગ્રહ મારા અનેક મિત્રોએ કર્યો હતો. એમના એ સદ્ભાવની પણ મારે અહીં નોંધ લેવી ઘટે. (૨) સ્થાનમહિમા પોરબંદર જેવા પ્રાચીન અને અનેક મહાપુરુષોએ પાવન કરેલા સ્થળમાં પરિષદના અધિવેશનને પ્રમુખપદે બેસવાનો મને લાભ મળ્યો એને હું મારું સદ્ભાગ્ય માનું છું. પોરબંદરની એ ગૌરવગાથાનો સંક્ષેપમાં હું અહીં નિર્દેશ કરીશ. કૃષ્ણસખા સુદામાનો આ સ્થળ સાથે સંબંધ દાખવતી સુદામાપુરી પ્રસિદ્ધ છે. જેમનું બાલ્ય અને કૌમાર્ય અહીં વીત્યું હતું તે ભારતના ઉદ્ધારક અને વિશ્વને અહિંસામય લડતનો મંત્ર શીખવનાર પૂજ્ય મહાત્મા ગાંધીની પવિત્ર સ્મૃતિને અમર કરનારું ગાંધી કીર્તિમંદિર અહીં બિરાજે છે. ઈશ્વરના જે અનેક અવતારો આપણા અવતારવાદમાં સ્વીકાર્યા છે તેમાંના, શત્રુને હિંસાથી નહિ પણ કરુણાથી વશ કરનારા શ્રી બુદ્ધ પ્રત્યે મને પક્ષપાત છે : એટલો જ મને પક્ષપાત છે હિંદુઓના અવતારોમાં સ્થાન-અગ્રસ્થાન આપવાને યોગ્ય એવા ભારતના મહાવીર સ્વામી પ્રત્યે, અને ભારત બહારના ઈશુ ખ્રિસ્ત પ્રત્યે. અને અંહિસાના સાચા પ્રવર્તક એવા આ ત્રણ દિવ્ય વિભૂતિમય મહાપુરુષોની પંક્તિમાં બિરાજવાના અધિકારી છે આપણા વીસમી સદીના મહાત્મા ગાંધી. આ ભૂમિ તેમની ચરણરજથી પાવન બનેલી છે. એમના કીર્તિમંદિરથી યશસ્વી બનેલી છે. અને આ પ્રદેશના ભૂતપૂર્વ નરેશો જે વંશમાંથી ઊતરી આવ્યા છે એ, અસાધારણ પ્રેમશૌર્યની ભાવનાથી અંકિત એવા, જેઠવાઓનું પણ સ્મરણ આપણે આ સ્થળે કરવું જોઈએ. કારણ કે વીર-શૃંગાર-રસના અવતાર સમા નાયકો વિરલ હોય છે. જેઠવાઓ એવા હતા, એમના શૌર્ય અને પ્રેમે એવા સાહિત્ય માટે વસ્તુ પૂરું પાડ્યું છે. (૩) સ્થાનસંબદ્ધ વિશિષ્ટ વ્યક્તિઓ આ ભૂમિ સ્વામી શ્રી વિવેકાનંદની પદરજથી પાવન થઈ છે એ તો આપ સહુ જાણતા હશો. ૧૯મી સદીના અંતભાગની એ ઘટના છે. એ સમયે પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન, ઋગ્વેદની મહાન અંગ્રેજી સંયુક્ત ટીકા સાથેની વિરલ ગ્રંથશ્રેણીના યોજક અને લેખક, શ્રી શંકર પાંડુરંગ પંડિત પોરબંદરના ઍડમિનિસ્ટ્રેટર હતા. એ અરસામાં તરુણ સ્વામી વિવેકાનંદ ગિરનાર થઈને દ્વારિકા પધાર્યા હતા અને ત્યાંથી પોરબંદર આવીને શ્રી શંકર પાંડુરંગ પંડિતના અતિથિ બન્યા હતા. એ સ્વામીજી, અને એમને અહીં આવવા માટે આકર્ષણરૂપ બનનાર એ પંડિતજી. બંને આ ભૂમિને પાવન કરનારા વિરલ મહાત્માઓ હતા. રાજ્યના એડમિનિસ્ટ્રેટરની પદવીનો ઉલ્લેખ થયો તે મને મારા અંગત એવા એક નિર્દેશ તરફ લઈ જાય છે. ૧૯૧૧-૧૨-૧૩માં પોરબંદર રાજ્યના સરકારનિયુક્ત બે જોઇન્ટ ઍડમિનિસ્ટ્રેટરો હતા : એક રાજેન્દ્ર કવિ કલાપીના મિત્ર વાજસુરવાળા અને બીજા મારા સગા કાકા કલ્યાણરાય બક્ષી. એ કલ્યાણરાય બક્ષી ન્યાયનિપુણ, વેદાન્તજ્ઞ અને બુદ્ધિવાદી વિદ્વાન હતા. એમના દૈનિક સ્વાધ્યાયમાં સદ્ગત રામનારાયણ પાઠકના પિતા સ્વ. વિશ્વનાથ શાસ્ત્રીજી ગુરુસ્થાને હતા. અને આ સંદર્ભમાં જ જણાવી દઉં કે એ જ પ્રશ્નોરા જ્ઞાતિના પંડિત ભગવાનલાલ ઇંદ્રજી – દેશદેશાન્તરમાં પ્રસિદ્ધિ પામેલા એ પંડિત પણ પોરબંદરમાં વસ્યા હતા એવો મને ખ્યાલ છે. એ જ્ઞાતિના નહીં પણ એવા જ અભ્યાસનિષ્ઠ, બરડાની વનસ્પતિના સંશોધક અને અભ્યાસક જયકૃષ્ણ ઇન્દ્રજી પણ આ સ્થળ સાથે સંકળાયેલા હતા. (૪) સારસ્વતો અને વિભૂતિઓ આજે પણ પોરબંદર સરસ્વતીધામ રૂપે સોહે છે, એમાં સરસ્વતીની ઉપાસના પ્રેરનારી સુંદર સંસ્થાઓ પણ છે અને સ્વયં સરસ્વતીને ઉપાસનારા સારસ્વતો પણ છે. એ સંસ્થાઓમાં સ્વ. શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતાએ સ્થાપેલું અને સુશ્રી સવિતાદેવી જેનું સુંદર સંચાલન કરી રહ્યાં છે એ આર્ય કન્યા ગુરુકુલ, એની વિશિષ્ટ કાર્યપદ્ધતિને અને વિવિધ કલામય પ્રવૃત્તિને કારણે નિર્દેશપાત્ર બને છે – અને એના નિર્દેશ સાથે સંસ્કૃતિ તથા સંસ્કૃતિની સમન્વિત પ્રતિષ્ઠા જાળવી રહેતા શ્રી શંકરદેવ વિદ્યાલંકારનું સ્મરણ થાય એ સ્વાભાવિક છે. સારસ્વતોમાં અહીં અનેક પ્રશસ્ય મહાનુભાવો બિરાજે છે : અહીં છે જીવનને અને સંસારને સરલ ભાવમયી કવિદૃષ્ટિથી જોનાર કવિ ત્રિભુભાઈની પરંપરા જાળવી રહેલા – અને આજે કવિવાણી પાસેથી અપેક્ષિત એવી અપારદર્શકતાના જમાનામાં (સુધાંશુકથિત) પારદર્શકતાને જાળવી રહેલા – શ્રી કાંતિભાઈ પોટા અને કાવ્ય-વિશ્વમાં વિશેષ પ્રસિદ્ધિ પામેલા શ્રી દેવજીભાઈ મોઢા, શ્રી દામોદર ભટ્ટ – ‘સુધાંશુ’ અને શ્રી રતિલાલ છાયા – ‘પીયૂષ’. શ્રી મહેન્દ્ર ‘સમીર’ તેમજ શ્રી ચંદ્રકાંત દત્તાણી, શ્રી જયંત મોઢા અને શ્રી હિમાંશુ ભટ્ટ જેવા યુવાન કવિઓ પણ છે. વળી મુંબઈ જઈને નવલિકાના તથા વિવેચનાના પણ પ્રદેશમાં પોતાનો પ્રકાશ વિસ્તારી ચૂકેલા શ્રી ગુલાબદાસ બ્રોકર, પુરાતત્ત્વના ક્ષેત્રમાં ભારતભરમાં પોતાનું અગ્રગણ્ય સ્થાન મેળવી રહેલા શ્રી મધુસૂદન ઢાંકી તથા પ્રાદેશિક સંશોધનમાં સક્રિય રહેલા શ્રી મણિભાઈ વોરા તથા શ્રી નરોત્તમ પલાણનાં નામો પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. ચિત્રકલાગુરુ માલદેવ રાણાના શિષ્ય, મુંબઈ જઈને કલાને વિકસાવનારા પ્રખ્યાત ચિત્રકાર શ્રી જગન્નાથ અહિવાસી પણ અહીંના નિવાસી હતા. અને વિખ્યાત કલાવિવેચક ડૉ. ધરમશી વ્યાસ તો મૂળ પોરબંદરના જ. આપ સૌ જાણતા હશો કે વૈદ્ય પોપટ પ્રભુરામ અને બૅરિસ્ટર વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય પણ આ ભૂમિના હતા. અને વૈદ્યરાજનો નિર્દેશ કરતાં અહીંના તપસ્વી, શાસ્ત્રનિપુણ, સિદ્ધાન્તદૃઢ વૈદ્યરાજ સ્વ. નારાયણભાઈનો આદરપૂર્ણ નિર્દેશ કરવો જ જોઈએ. એમના પુત્રપૌત્રો આજે પણ વૈદકમાં કુશળતા દાખવી રહ્યા છે. અને એ વૈદ્ય કુટુંબના બે ભાણેજો આજે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પ્રસિદ્ધ છે : એક બહુશ્રુત શ્રી વિજયગુપ્ત મૌર્ય અને બીજા, એમના ભાઈ શ્રી વેણીભાઈ વાસુ. શ્રી વેણીભાઈનું મહાત્માજી પ્રેરિત સ્વાતંત્ર્યયુદ્ધમાં – મુંબઈમાં તેમજ પોરબંદરમાં – કેવું અગ્રણી સ્થાન હતું કેવું યશસ્વી કાર્ય હતું કેવું ઉગ્ર તપ હતું અને આજે પણ કેવું ત્યાગવ્રત છે, ભારતના અર્થતંત્રના પ્રાણભૂત ભૂમિધન અને ગોધનની રક્ષાનો મંત્ર ગજાવવામાં કેવું તપ છે, એ આપ જાણતા હશો. શ્રી બ્રોકર એના ‘સમલડતિયા’ સાક્ષી છે. (૫) કાવ્યમાં નિગૂહન પોરબંદરનિવાસી આ કવિઓનાં કાવ્યોમાંથી, કાવ્યપદાર્થની મારી આજની મીમાંસાનાં સમર્થક દૃષ્ટાંતો મળી રહે છે, અને એથી મારી એ મીમાંસા એમને અને અન્ય કાવ્યમર્મજ્ઞ વિદ્વત્સમુદાયને સ્વીકાર્ય બનશે એવી આશા હું સેવું છું. કાવ્યપદાર્થનો પર્યાપ્ત પરિચય પામવો અને પમાડવો એ સહેલું નથી. પ્રારંભમાં હું એ વિશે એમ કહીશ કે કવિ, સર્જક તરીકે, અનેરી ભાવમય સૃષ્ટિનું સર્જન કરે છે, અને નિરૂપ્યમાણ વસ્તુનું કે વિષયનું યોગદૃષ્ટિ જેવી આંતરદૃષ્ટિથી અનેરું દર્શન કરે છે. સારા કાવ્યમાં ભાવની આર્દ્રતા કે ઉત્કટતા હોય તે ઉપરાંત શબ્દની ચમત્કારજનક રચના પણ હોય. એ ચમત્કારજનક વાણીતત્ત્વ સારા કાવ્યમાં (પરંપરાગત શબ્દ યોજીને કહું તો) અપ્રસ્તુત – પ્રશંસા રૂપે પ્રકટ થાય છે અને તિરોધાન વ્યાપાર દ્વારા. સામાન્ય લૌકિક વાણી જેનો પ્રકટ કે ઉત્તાન નિર્દેશ કરી દે એ વસ્તુને કંઈક અપ્રકટ રાખે છે. એથી જ કહ્યું છે કે – अर्थो गिराम अपिहित: षिहितश्च कच्चित् सौभाग्यमेति – કાવ્યની વાણીનો અર્થ કંઈક વણઢાંક્યો હોય અને કંઈક ઢાંક્યો હોય તો ચમત્કારસાધક બને છે. કાવ્યપદાર્થમાં નિગૂહન વ્યાપારની ચમત્કારકતા અને એને સાધનારી શબ્દની શક્તિ પ્રત્યે મારું લક્ષ તો આજથી ચાળીસ વર્ષો પહેલાં ગયું હતું. અને એ તિરોધાનસાધક શબ્દશક્તિની ઉપેક્ષા કરવાથી કાવ્યની ચમત્કારકતામાં કેવી હાનિ થાય છે એની મેં – એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને કવિના હીરક મહોત્સવને અવસરે – સવિસ્તર મીમાંસા કરી હતી જે તે જ વર્ષમાં ‘વસંત’માં પ્રકટ થઈ હતી. આ તિરોધાન વ્યાપારની કાવ્યમાં ચમત્કારકતા વિશેનું મારું મંતવ્ય મને આપણા પ્રાચીન કાવ્યમીમાંસકોએ ચર્ચેલી ત્રિવિધ શબ્દશક્તિમાંથી સ્ફુર્યું હતું. (૬) શબ્દની ત્રણ શક્તિઓ શબ્દની એ ત્રણ શક્તિઓ છે – અભિધા, લક્ષણા અને વ્યંજના. શબ્દની કેવળ સાંકેતિક વાચ્ય અર્થને અર્પનારી શક્તિ તે અભિધા; શબ્દનો વાચ્યાર્થ બાધિત બને, અસંગત અને અસ્વીકાર્ય જણાય, ત્યારે એનો ગ્રાહ્ય અર્થ શબ્દની જે શક્તિમાંથી સ્ફુરે છે એ લક્ષણા; અને વાચ્યાર્થ પ્રકટ હોય, સ્વીકાર્ય હોય પણ એમાં શબ્દના અર્થસાધક ધર્મની પરિસમાપ્તિ ન થઈ જતી હોય, એ ઉત્તાન વાચ્યાર્થમાં નિગૂઢ રહેલો અન્ય અર્થ – એટલે વાચ્યનિરૂપિત વસ્તુથી અન્ય એવી વસ્તુને સૂચવનારો અર્થ સમર્પનારી શબ્દશક્તિ તે વ્યંજના. પ્રાચીનોએ કાવ્યના શબ્દની શક્તિઓમાં અભિધાના કરતાં લક્ષણા અને વ્યંજનાનું વધારે મહત્ત્વ સ્વીકાર્યું છે. કાવ્યમાં કવિચિત્તના સંવેદનનું, વિષયના સંવેદનમય દર્શનનું અને નિરૂપણનું પણ મહત્ત્વ છે પણ એ સંવેદન, અર્થાત્ ભાવ, પણ કેવળ વાચ્ય હોય તો ચમત્કારક નથી એવું, આપણા પ્રાચીન કાવ્યમીમાંસકો ભારપૂર્વક કહે છે. આ ભાવમાંથી નિષ્પન્ન થતો રસ તે જ કાવ્યનો આત્મા એનું પ્રતિપાદન કરનાર આનંદવર્ધન પણ, એ જ વાચ્યાર્થ રૂપે નહિ પણ વ્યંગ્યાર્થ રૂપે રજૂ થવો જોઈએ એવું કહે છે ત્યારે કાવ્યના શબ્દના તિરોધાન વ્યાપારનું મહત્ત્વ સ્વીકારે છે. અલબત્ત આનંદવર્ધન રસની વ્યંજનાને – ધ્વનિને – અગ્રસ્થાને સ્થાપે છે. પરંતુ એ અલંકારની વ્યંગ્યતા અને વસ્તુની વ્યંગ્યતાને પણ સ્વીકારે છે. અર્થાત્ આનંદવર્ધને કરેલા ‘વ્યંગ્યાર્થ’ના મહત્ત્વના સ્વીકાર સાથે કાવ્યના શબ્દના તિરોધાન વ્યાપારના મહત્ત્વનો – કહો કે શબ્દના મહત્ત્વનો સ્વીકાર પણ થઈ જાય છે. ધ્વનિસંપ્રદાયને આવી પ્રતિષ્ઠા અર્પનાર આનંદવર્ધનના પુરોગામીઓએ આપેલાં કાવ્યલક્ષણોમાં પણ શબ્દની પ્રતિષ્ઠા છે. ભામહે કહ્યું કે, शब्दार्थो सहितौ काव्यम्, અને એમાંના ‘સહિત’ શબ્દનો સમંજસ એવો અર્થ કરવામાં આવ્યો : આ લક્ષણમાં શબ્દ અને અર્થનું સાહિત્ય અર્થાત્ સામંજસ્ય સ્વીકારાયું છે તે ખરું, પણ એ અર્થનો સમર્પક તો શબ્દ જ છે, શબ્દ વિના અર્થની અભિવ્યક્તિ શક્ય નથી. એટલે શબ્દ સ્વયમેવ મહત્ત્વને સ્થાને આવી બેસે છે. દણ્ડીએ તો ‘ ઇષ્ટાર્થવ્યચ્છિન્ના પદાવલી’ એવું કાવ્યલક્ષણ આપીને પદાવલિને વિશિષ્ટ સ્થાને મૂકી છે. અર્થને એના વિશેષણને સ્થાને મૂક્યો છે – ઇષ્ટ અર્થ. કુન્તકે વક્રોક્તિનો. શબ્દાર્થમાં વક્ર કવિવ્યાપારનો સ્વીકાર કર્યો છે અને વામને તો રીતિને એટલે વિશિષ્ટ પદરચનાને, કાવ્યનો આત્મા કહ્યો જ છે. મમ્મટે આપેલાં લક્ષણમાં કાવ્યને અદોષ શબ્દાર્થ કહીને તરત ગુણ અને અલંકારનો નિર્દેશ કરવામાં આવ્યો છે તેથી અલંકારસાધક (અર્થાલંકારના પણ સાધક) શબ્દનું મહત્ત્વ સૂચિત થાય છે. વિશ્વનાથનાં રસાત્મક વાક્ય તે કાવ્ય, એ લક્ષણની મર્યાદા જગન્નાથે બતાવી જ છે અને જગન્નાથે પોતે તો રમણીયાર્થનો પ્રતિપાદક શબ્દ તે જ કાવ્ય એમ કહીને અને રમણીયતા એટલે ચમત્કારકતા એ સ્પષ્ટ કરીને, કાવ્યમાં ચમત્કારક અર્થ અર્પનારા શબ્દને અપૂર્વ પ્રતિષ્ઠા અર્પી છે. (૭) શબ્દાલંકારનું ગૌણ સ્થાન કવિ શબ્દની ચમત્કારકતાનો દ્વિવિધ ઉપયોગ કરે છે. એક શ્રવણરંજન મધુર, કે વસ્તુસંગત રવનું પ્રતિધ્વનન કરતી પદાવલિ દ્વારા, બીજું અર્થને ચમત્કારક રીતે સમર્પે એવા શબ્દપ્રયોગ દ્વારા. વાણીમાંનો શ્રુતિમધુર વર્ણવિન્યાસ કેવળ શ્રવણનું તર્પણ કરે એ પર્યાપ્ત નથી. શબ્દસમર્પિત જે ચમત્કારિક અર્થ છે તેને એ ઉપકારક બને તેમાં જ એ વર્ણવિન્યાસની સાર્થકતા છે. શબ્દાર્થ – વૈભવમય કાવ્યના અર્થચમત્કારમાં કવિનું ચિત્ત નિરૂપ્યમાણ વિષયના અપૂર્વ દર્શનમાં જેવું પ્રવૃત્ત બને છે તેવું કેવળ શ્રુતિરંજક પદાવલિ યોજવામાં બનતું નથી. અર્થાત્ જેને શબ્દાલંકાર નામ આપ્યું છે એ પદઘટનાનું સ્થાન ગૌણ છે, અર્થચમત્કારના વિશેષણરૂપ છે. (૮) અર્થાલંકારોની ઘટનાપ્રક્રિયા પણ અર્થાલંકારોમાં શબ્દ, આગળ કહેલી લક્ષણા અને વ્યંજનાશક્તિ દ્વારા, તિરોધાનનો ધર્મ બજાવીને ચમત્કારક બને છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ જેના અલંકારો વ્યંજનાશ્રિત છે એમાં વાચ્યાર્થગત પ્રસ્તુત વસ્તુ અપ્રસ્તુતમાં કે અપ્રસ્તુત વસ્તુ પ્રસ્તુતમાં નિગૂઢ રહેલું હોઈને વ્યંજનાના વ્યાપારથી પ્રતીત થાય છે. સાદું સમૂલક અર્થાલંકારોમાં ઉપમાથી અતિશયોક્તિ પર્યંતની અલંકારશ્રેણી શબ્દના કાવ્યોચિત તિરોધાનધર્મની ક્રમશઃ અધિકતર થતી પ્રગ્તિની પ્રતીતિ કરાવે છે. ઉપમાથી અતિશયોક્તિ સુધીના અલંકારોમાં અધિકતર બનતા જતા આ તિરોધાન વ્યાપાર વિશે કહું તે પહેલાં અલંકાર શબ્દના અર્થ વિશે થોડું કહીશ. કારણ કે જે કહીશ તેનો પ્રસ્તુત વિષય જોડે સંબંધ છે. (૯) અલંકાર શબ્દની વ્યુત્પત્તિ અલંકાર શબ્દનો અર્થ, હવે અલમ્ થયું, બસ થયું એવી પ્રતીતિ કવિને કરાવે તે અલંકાર એ રીતે આપવામાં આવે છે તે અયથાર્થ નથી. છતાં તેમાં Putting the cart before the horse જેવું ન બની જવું જોઈએ. અલંકાર પર અપર્યાપ્તિ તે અશ્વ છે અને પર્યાપ્તિ તે એનાથી ખેંચાતો રથ છે. કવિ જે અર્થ, ચમત્કારિક રીતે વ્યક્ત કરવા ઇચ્છે છે એ વ્યક્ત કરવામાં એને કેવળ વાચક શબ્દની અપર્યાપ્તિ પરખાય છે, અને એથી એ અલંકારની મદદની અર્થની પર્યાપ્તિ સુધી પહોંચે છે. આ અલંકાર શબ્દમાંના પૂર્વગ અલમ્ વિશે વાત નીકળતાં આપણા એક અગ્રણી – હવે દિવંગત – સર્જક વિવેચકે મને પૂછ્યું હતું કે આ અલમ્ શબ્દ તો દ્રાવિડ છે ને? આ પ્રશ્નથી મને આશ્ચર્ય થયું, કારણ કે એ શબ્દ – અલમ્ – તો આપણો વેદના વારાનો પુરાણો શબ્દ છે, જેવું વેદગત પૂર્વરૂપ અરમ્ હતું અને જે અપર્યાપ્તિના પર્યાપ્તીકરણના સંદર્ભમાં વપરાતો હતો. ઋ ધાતુમાંથી આવેલો આ શબ્દ મૂલમાં ગતિવાચક છે, અને અવ્યય તરીકે ‘યોગ્ય રીતે’, ‘ઉચિત રીતે’, ‘પર્યાપ્ત રીતે’ એવા અર્થમાં વપરાય છે. અર્થાત્ અલંકાર એટલે જે અપર્યાપ્તિને પર્યાપ્ત કરે તે. શબ્દની, ઇષ્ટ અર્થસમર્પણ માટેની અપર્યાપ્તિ કવિને અલંકારનો પ્રયોગ કરવા પ્રેરે છે. (૧૦) સાદૃશ્યમૂલક અલંકારમાં માનસપ્રક્રિયા હવે આપણે ઉપમા, રૂપક અને અતિશયોક્તિમાં ક્રમશઃ તિરોધાન પર્યંત પહોંચતી પ્રક્રિયાને જોઈએ . પ્રિયતમાના કે સુંદરીના વદનની આહ્લાદકતા પૂરેપૂરી વ્યક્ત કરી શકાય તે માટે કવિ એ વદનને માટે રમણીય, આહ્લાદક આદિ વિશેષણોથી સંતુષ્ટ ન થતાં, એને ચંદ્રની ઉપમા આપે છે. વદન અને ચંદ્રના આ સાદૃશ્ય દર્શનનો વ્યાપાર કવિના ચિત્તમાં ચાલે છે, એ પ્રત્યક્ષ વદનને પ્રત્યક્ષ ચંદ્રની સમક્ષ રાખીને – કાવ્યસર્જન સમયે – સરખાવે એમ નહિ પણ સુંદરીના વદનના દર્શનથી, સામ્યબળે, એના ચિત્તમાં પ્રસુપ્ત રહેલા, ચંદ્રની આકૃતિ, આહ્લાદકતા, શીતલતા વગેરેના ચિરંતન સંસ્કાર જાગ્રત થાય છે અને એમાંથી ઉપમા નીવડે છે. પ્રસ્તુત, પ્રત્યગ્ર, અનુભૂતિનો વિષય વદન અને અપ્રસ્તુત, પ્રાક્તન અનુભૂતિનો વિષય ચંદ્ર : એ ચંદ્રવિષયક પ્રાક્તન અનુભૂતિના સંસ્કાર એના ચિત્તના અસંપ્રજ્ઞાત કે ઇષત્સંપ્રજ્ઞાત પ્રદેશમાં પ્રસુપ્ત હતા તે સુંદર વદનના દર્શનથી પ્રબુદ્ધ થાય છે અને એ અનુભૂતિસંસ્કાર સુંદર વદનની અનુભૂતિની પડખે આવીને બેસે છે. કવિએ બે અનુભૂતિઓને ઇવ, યથા, જ્યમ, જેવું એવા સાદૃશ્યસંબંધવાચક શબ્દોથી જોડે છે, પણ એ બે સંસ્કારોનું ઉપમામાં એકરૂપે સંયોજન થતું નથી. રૂપકમાં આ બે અનુભૂતિઓનો અભેદ ઊપજે છે અને મુખ તે જ ચંદ્ર બની જાય છે. વદન ઉપર આવું ચંદ્રત્વનું આરોપણ થાય છે. પ્રસ્તુત વદન અને અપ્રસ્તુત ચંદ્ર વચ્ચે અભેદ કલ્પાય છે – એટલે રૂપક અલંકાર બને છે. એમાં મુખ ગૌણ બને છે, વિશેષણરૂપ બને છે. ચંદ્ર મુખ્ય બને છે. વાક્યમાં જે વિશેષણો કે ક્રિયાપદો પ્રયોજાય તેનો મુખ્ય અન્વય ચંદ્ર જોડે થાય છે. આ પ્રક્રિયા અતિશયોક્તિ અલંકારમાં વદન અને ચંદ્રના અભેદથી આગળ વધીને વદનના નિગરણમાં પરિણમે છે – વદનનું તિરોધાન થાય છે અને ચંદ્રની જ વાત થાય છે. અર્થાત્ અતિશયોક્તિ અલંકાર કાવ્યમાં તિરોધાનનો જે વ્યાપાર છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. પ્રાસાદતલ ઉપર વદન હસે છે એમ કહેવાને બદલે કવિ કહે છે પ્રાસાદતલ ઉપર ચંદ્ર હસે છે. આપ જોઈ શકશો કે હસવાની ક્રિયા ચંદ્ર સાથે સંગત નથી તેથી તે વાચ્યાર્થ અસંત બને છે, બાધિત થાય છે, અને લક્ષણાના વ્યાપારથી એ હસવાના વ્યાપારનો વદન જોડે સંબંધ સમજાય છે. અગાઉ મેં કહ્યું છે તેમ કાવ્યમાં જે ચમત્કારસાધક તિરોધાનવ્યાપાર છે તેમાં શબ્દની લક્ષણાશક્તિ ઉપયોગી બને છે. (૧૧) વ્યંજનાશ્રિત અલંકારો અપ્રસ્તુતપ્રશંસામાં અને સમાસોક્તિમાં પ્રવર્તતો ચમત્કારસાધક વ્યાપાર વ્યંજના છે. અપ્રસ્તુતપ્રશંસા તો બહુ જાણીતી છે : रे रे चातक सावधानमनसा मित्र क्षणं श्रूयताम् એ સર્વપરિચિત શ્લોકમાં બોધ છે પ્રસ્તુત ચાતકને. પણ વ્યંજનાથી એ બોધ અપ્રસ્તુત યાચકને લાગુ પડે છે. સમાસોક્તિ અલંકાર વિશેષ ચમત્કારિક છે. ઉદાહરણ તરીકે એક જ શ્લોક આપું છુંઃ अनुरागमयी संध्या दिवसस्तत्पुरःसरः । अहो दैवगतिश्चित्रा तथापि न समागमः ।। આ શ્લોકનું વિવેચન સરલ, સુબોધ બને એ માટે એનો ગુજરાતી અનુવાદ આપીને એનું જ હું ટૂંકું વિવેચન કરીશ. અનુરાગભરી સંધ્યા અગ્રે દિવસ ચાલતો તોય સંગમ ના થાયે – વિચિત્રા દૈવની ગતિ. અહીં પ્રસ્તુત છે સંધ્યા અને દિવસ તથા એનું વર્ણન : સંધ્યા રાતી છે, રક્ત છે, અનુરાગભરી છે : દિવસ એનો પુરઃસર છે અને છતાં એ બેનો સમાગમ થતો નથી. પણ સંધ્યા સ્ત્રીલિંગ છે, દિવસ પુંલ્લિંગ છે. તેથી અનુરાગભરી અને પુરઃસર એ શબ્દોના સંધ્યા અને દિવસને લાગુ પડતા અર્થ ઉપરાંત, શ્લેષબળે, પ્રિયતમા-પ્રિયતમને લાગુ પડે એ અર્થ સ્ફુરે છે. અહીં વાચ્યાર્થ અસંગત નથી, પણ એવા વાચ્યાર્થમાં છુપાવીને કવિ અપ્રસ્તુત વ્યંગ્યાર્થ પણ સૂચવી દે છે. આ છે વ્યંજનાશક્તિ વડે સાધેલા તિરોધાનનું ઉદાહરણ. (૧૨) પશ્યંતી વાણી – આંતરસર્જન કવિના ચિત્તમાં પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેનો આ તિરોધાન વ્યાપાર શી રીતે ચાલે છે એનું મને ઋગ્વેદની આ ઋચામાં સૂચન થતું લાગે છે: चत्वारि वाक्-परिमिता पदानि तानि बिदुर्ब्राह्मणा ये मनीषिणः । गुहा त्रीणि निहिता नेंगयन्नि । तुरीयं वाचो मनुष्या वदन्ति ।। ऋग्वेद १-१६४-४५ વાણીનાં પરિમિત પદ ચાર છે, જેને મનીષી બ્રાહ્મણો જ જાણે છે. એમાંનાં ત્રણ પદો ગુહામાં – અંતઃકરણની ગુહામાં રહ્યાં છે. એ કંઈ ચેષ્ટા કરતાં નથી. માનવના વ્યવહારમાં આવે છે તે વાણીનું ચોથું પદ છે. વાણીનું આ ચોથું પદ તે વૈખરી – એ પહેલાંનાં ત્રણ પદો તે મૂલાધારમાં રહેલી નિર્વિકલ્પક એટલે જ્ઞાતા-જ્ઞેયના ભેદ વિનાના, જ્ઞાનનો વિષય પરા, પછી નાભિમાં રહેલી સવિકલ્પક જ્ઞાનનો વિષય તે પશ્યંતી છે જેનાં જ્ઞાતાજ્ઞેયના, વિષયી તથા વિષયના ભેદનું ભાન હોય છે એ જ પશ્યંતી વાણી બુદ્ધિનો વિષય બને અને ઉદ્ગારની ઇચ્છાની અથવા વિવક્ષાની કક્ષાએ પહોંચે ત્યારે મધ્યમા બને છે, જેમાં તે તે વિષયોનું – વસ્તુઓનું – અને શબ્દોનું ભાન થાય છે, પણ જે સૂક્ષ્મ હોય છે, પણ જેમાં હજી લોક સાંભળી શકે એવા ધ્વનિનો પ્રવેશ થયો હોતો નથી. એ સૂક્ષ્મ, શ્રવ્યનાદ-રહિત વાણી વદનમાં પહોંચે અને વાચાનાં કંઠ, મૂર્ધા, તાલ, દન્ત, ઓષ્ઠ વગેરે અંગોમાંથી સર્વજનશ્રાવ્ય ધ્વનિયુક્ત બને ત્યારે વૈખરી કહેવાય છે. આ ક્રમોમાં માનવના અંતઃકરણમાં ચાલતા પશ્યંતી અને મધ્યમા ક્રમો મહત્ત્વના છે. જેને કવિનું દર્શન કહેવામાં આવે છે એ પશ્યંતી ક્રમે થાય છે અને એ દર્શનના વાઙ્મય આવિષ્કારની પૂર્વભૂમિકા મધ્યમા ક્રમે રચાય છે. એ પશ્યંતીક્રમે થતું દર્શન માનવાના ભૂતપૂર્વ તથા તત્કાલીન જાગ્રત અવસ્થાના, અર્ધજાગ્રત અવસ્થાના, અને સ્વપ્નાવસ્થાના અનેક અનુભૂતિસંસ્કારોમાંથી નિષ્પન્ન થાય છે. માનવનું જે તત્કાલીન ઇન્દ્રિય વિષય સંસર્ગથી અર્થગ્રહણ થાય છે તે. એની સર્વ સાંપ્રત અનુભૂતિ થાય છે, તે ચિત્તમાં સંસ્કાર રૂપે સંક્રાન્ત થાય છે અને વિવિધ ‘ઇમેજ’ રૂપે, ચિત્તગત છવિ રૂપે સ્થિર થાય છે. આવી અનેક ઇમેજીઝ, ચિત્ત ઉપર પડેલી છાપ, માનવના જન્મથી આજ સુધીના અનુભવોની સંપ્રજ્ઞાત, અર્ધસંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત અનુભૂતિઓની તેમજ સ્વપ્નગત અનુભૂતિઓની છાપ ચિત્ત ઉપર પડેલી હોય છે, ચિત્તમાં સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત રૂપે સંભૂત બની હોય છે. આ છાપ, પ્રાક્તન અને અદ્યતન છાપ, માનવચિત્તમાં થતા ચિંતનનું કે સંવેદનનું કે કલ્પનાવિલાસનું અવલંબન છે. (૧૪) IMAGES, IMAGINATION આ imagesમાંથી imaginationનો વ્યાપાર પરિણમે છે. Imagination એટલે the mental faculty of forming images of external objects not present to the senses. અર્થાત્ ઇન્દ્રિપ્રત્યક્ષ ન હો એવા વિષયોની મનોગત ચિત્રમુદ્રા સર્જનારી માનસિક શક્તિ : એ જ છે creative faculty of the mind, ચિત્તની સર્જનશક્તિ. આમ આ પશ્યંતીક્રમે, ચિત્તસંગૃહીત અનુભૂતિમુદ્રાઓમાંથી, કવિકૃત સર્જન થાય છે. એ સર્જનવ્યાપારમાં જૂની અને નવી મુદ્રાઓનું સાહચર્ય થાય છે, સંયોજન થાય છે અને નવી અનુભૂતિમુદ્રા જૂની અનુભૂતિમુદ્રાનો આકાર પ્રાપ્ત કરે છે. કલાસર્જન એ આકારની નિર્મિતિ છે તે આ રીતે ચિત્તગત અવબોધમય કે સંવેદનમય, અનુભૂતિ તે કાવ્યકૃતિનું અંતસ્તત્ત્વ છે અને એ આ રીતે આકાર પ્રાપ્ત કરે છે. અંતસ્તત્ત્વ અને એનો આકાર એ બંનેને લગતા વ્યાપારો આ રીતે સર્જકના ચિત્તમાં અવિભાજ્ય રૂપે પ્રવર્તે છે. અંતસ્તત્વ અને આકાર વિશે ચાલતો મતભેદ કે વિસંવાદ આ કારણે નિરવિકાશ બની જાય છે. આમ વાણીનો આ પશ્યંતી નામનો ક્રમ એ કલાકૃતિના સર્જનની ભૂમિકા છે. (૧૫) મનોગત સંસ્કારમુદ્રા : આકારનિર્માણ માનવચિત્તમાં રહેલી મુદ્રાઓ concept રૂપે હોય છે, પણ કોઈ પણ મનોગત સંસ્કારમુદ્રા કે concept એના શબ્દરૂપ સંકેત વિનાની હોતી નથી એટલે પશ્યંતીની આ આકૃતિનિર્માણની પ્રક્રિયા શબ્દરૂપ સંકેતના આશ્રયે પ્રવર્તે છે – આંતરઆકૃતિ-નિર્માણની પ્રક્રિયાની સાથોસાથ સગવડ ખાતર કહીએ કે તદન્તર, એનો શબ્દમય દેહ સર્જાય છે. આ શબ્દમ દેહ એનો પૂર્વક્રમે, શ્રાવ્યધ્વનિથી અસંયુક્ત એવો, ચિત્તગત વ્યાપાર છે, જે મધ્યમા વાણીને ક્રમે પ્રવર્તે છે. પશ્યંતી ક્રમે થયેલા દર્શનને અને એમાંથી નિષ્પન્ન થતા આકારનિર્માણને, ઉચિત શબ્દોમાં વ્યક્ત કરવાની પ્રથમ પ્રવૃત્તિ આ મધ્યમા ક્રમે થાય છે – એથી જ મધ્યમાને વિવક્ષાનો ક્રમ કહ્યો છે. અને પછી એ જ વિવક્ષિત વાણી, એ વિવક્ષિત વાણીમાંનાં શબ્દપ્રતીકો, સર્વજનશ્રાવ્ય ધ્વનિથી યુક્ત થતાં વૈખરી રૂપે ઉદ્ગાર પામે છે. પશ્યંતી ક્રમે થતા આ આકારનિર્માણ પરત્વે એક મહત્ત્વની વાત લક્ષમાં રાખવાની છે : તે એ કે અદ્યતન અનુભૂતિસંસ્કારોની રૂપરચના પૂર્વના અનુભૂતિસંસ્કારોના સહચાર, સંયોજન કે આક્રમણ દ્વારા થાય છે એમાં કલાના તિરોધાન ધર્મની પ્રવૃત્તિ રહેલી છે. (૧૬) ભાવની અભિવ્યક્તિનું આદિમ સાધન : લય કવિ પશ્યંતી વાણીને ક્રમે કરેલા વિષયના દર્શનનો અને સર્જનનો એના ચિત્તમાં ઘડાયેલો આકાર, મધ્યમા વાણીના અશ્રાવ્યશબ્દમય દેહ દ્વારા, શ્રાવ્ય વૈખરી વાણી રૂપે ઉદ્ગાર પામે છે. એ પ્રક્રિયાને અંગે એક વિશિષ્ટ વાત એ છે કે એ ઉદ્ગાર – કાવ્યનો એ ઉદ્ગાર – પ્રાચીન યુગમાં સર્વપ્રથમ પદ્ય રૂપે થયો હતો, અને એ પ્રાચીન પદ્યરચના લયપ્રધાન હતી. એમ શા કારણે બન્યું હશે એનો ઉત્તર મને આવો વર્ષો પહેલાં સૂઝ્યો હતો જે મેં મારા એક લેખમાં પ્રકટ કર્યો હતો. એ ઉત્તર – મને સૂઝેલું આ પ્રશ્નનું સમાધાન – સંક્ષેપમાં કહું તો એ છે કે આદિમાનવની અભિવ્યક્તિ માગતી પ્રથમ અનુભૂતિ બે પ્રકારની હતી : એક, ઇન્દ્રિયોએ જેનું ગ્રહણ કર્યું છે એવા, વિશેષત: દૃશ્ય, પ્રાણીઓ અને પદાર્થો વિશેની અનુભૂતિ, જેની એ આદિમાનવ, એને અન્વયવતી અર્થવતી વાણી સાંપડી તે અગાઉ, જોયેલા પ્રાણીદેહ વિશેની કે પદાર્થ-આકાર વિશેની નિજ અનુભૂતિને એને સૂચવતાં (બહુધા દૃશ્ય) પ્રતીકો વડે, વ્યક્ત કરતો. આમ પ્રતીકનો અભિવ્યક્તિના સાધન તરીકે ઉપયોગ વાણીના ઉદ્ભવ પહેલાં શરૂ થયો હતો. પ્રતીક શબ્દનો ઉપયોગ ‘Symbol’ના પર્યાય તરીકે આજે થાય છે, અને એ ભલે થાય; પણ પ્રતીકનો મૂળ અર્થ હતો પ્રાણીદેહનો એક અવયવ, પદાર્થના આકારનો એક અંશ. આ વાત થઈ, વાણી જેને હજી સાંપડી નહોતી એવા પ્રાચીન માનવના દૃશ્યવસ્તુની અનુભૂતિના અભિવ્યક્તિ પ્રકારની વાત. એની બીજી અનુભૂતિ હતી ભાવાત્મક : આદિમાનવને હર્ષ, શોક, સુખ, દુઃખ વગેરે જે ભાવોની અંતર્ગત અનુભૂતિ થતી તેની અભિવ્યક્તિ એ શા પ્રકારે કરતો હશે? વાણી તો હજી ઉદ્ભવી નહોતી. આ પ્રશ્નનો મેં આપેલો ઉત્તર છે. વાણીનો અજાણ્યો પુરાણો માનવ પોતાના હૃદયગત ભાવોની અનુભૂતિ મુખાકૃતિ ઉપરાંત લય દ્વારા વ્યક્ત કરતો હોવો જોઈએ. મુખાકૃતિ જે વ્યક્ત કરે તેમાં એ લયની સહાયતા લેતો હશે. એ માનવીની ગતિનો, એના અંગચલનનો, એના હજી વ્યક્તવાણી પર્યંત ન પહોંચેલા અવ્યક્ત ધ્વનિનો, એ લય ભાવ પ્રમાણે મંદ કે ત્વરિત બનતો હશે અને એના વિવિધ ગતિ-લય દ્વારા એ વિવિધ ભાવોને પ્રકટ કરતો હશે, અન્ય માનવને જણાવતો હશે. ‘લય’ શબ્દના અર્થ પરત્વે પણ થોડીક સ્પષ્ટતા આવશ્યક છે. ‘લય’ શબ્દ ગતિના ભેદનો, ઓછા-વધતા વેગનો વાચક છે – જેના મંદ, મધ્ય અને દ્રુત એવા ભેદ સ્વીકારાયા છે. મંદ લય શોક, ગ્લાનિ કે દુઃખ પ્રદર્શિત કરે, દ્રુત લય ઉત્સાહ-ઉત્તેજના કે હર્ષ જેવા ભાવોને વ્યક્ત કરે. માનવીની પ્રથમ વાઙ્મયી રચના પદ્ય રૂપે થઈ તે જાણીતી વાત છે, અને એવી પદ્યની પ્રથમતાના મૂળમાં રહ્યો છે આ લય, વાણીરહિત માનવનું ભાવઅભિવ્યક્તિનું આદ્ય સાધન. વ્યક્ત અર્થવતી વાણીને પણ ભાવની અભિવ્યક્તિ મારે આ લયની, અને એ પ્રમાણે થતા સ્વરના આરોહઅવરોહની મદદ લેવી પડે છે. આ કારણે પ્રથમ વાઙ્મય સર્જન પદ્યદેહે થયું, અને એ પદ્યમાં લયનું તત્ત્વ મુખ્ય રહ્યું. પદ્યપંક્તિના એ લયને અનુષંગે ભાષામાં accentનું ઉચ્ચારણભારનું (ઋગ્વેદની ભાષામાં આરોહાવરોહાત્મક સ્વરનું) તત્ત્વ પ્રવેશ્યું. આમ વાણીના ઉદ્ભવ પહેલાંનું ભાવાભિવ્યક્તિનું લય રૂપે સાધન પદ્યાત્મક વાઙ્મય નિર્માણનું નિમિત્ત બન્યું. (૧૭) પદ્યરચનામાં વિવિધ વિકાસ : વૃત્તો અને છંદો માત્ર નિયત અક્ષરો માગતાં લયપ્રધાન વૈદિક વૃત્તોમાંથી કાલક્રમે ઉત્તરકાલીન સંસ્કૃતનાં ગણબદ્ધ કે રૂપબંધયુક્ત વૃત્તોનો વિકાસ થયો. એની શક્યતાનાં કારણો છે સંસ્કૃત ભાષામાં રહેલ સંધિકાર્યથી અને સમાસઘટનાથી થતી અનુકૂળતા અને એ વૃત્તના રૂપબન્ધ જાળવવાની આવશ્યકતામાંથી ઉદ્ભવેલા એક અર્થવાચક શબ્દ માટેના અનેક, લઘુગુરુવર્ણનો યથાપેક્ષ વિનિયોગ કરતા, પર્યાયો. એક શબ્દ માટે, દા.ત. સૂર્ય માટે, ચંદ્ર માટે કે દિન-રજની માટે. અનેક પર્યાયોની ઉત્પત્તિ આ વૃત્તોએ ઉપજાવેલી અનિવાર્યતામાંથી થઈ છે. પદ્યરચનાના પ્રકારનું એક અને મુખ્ય નિર્ણાક તત્ત્વ છે ભાષાની સ્વકીય વિશિષ્ટ પ્રકૃતિ, સંસ્કૃત ભાષાની પ્રકૃતિના કરતાં પ્રાકૃતની અને તે પછીની પ્રાન્તીય ભાષાઓની પ્રકૃતિ જુદી હતી. એ ભાષાઓની પ્રકૃતને દૃઢ રૂપબંધ અન્ય રચનાઓમાં – સંસ્કૃત વૃત્તોમાં યથેચ્છ વિહાર માટે અનુકૂળતા નહોતી એટલે એમાં માત્રામેળ કે કેવળ અક્ષર સંખ્યા માગતા છંદોનો ઉપયોગ થયો અને વધ્યો. ભાવવ્યંજક ગેયતાનું તત્ત્વ પણ એની આંગળી પકડીને આવી શક્યું. મધ્યુગની કાવ્યરચના એવા માત્રામેળ છંદોમાં થતી હતી. યુનિવર્સિટીશિક્ષણે વ્યાપક બનાવેલા સંસ્કૃતના અભ્યાસે ગુજરાતી કવિઓને વૃત્તરચના પ્રત્યે દોર્યા – એમાં સંસ્કૃત જેટલા પર્યાયો ગુજરાતીમાં નહોતા તેથી લઘુગુરુ ઉચ્ચારની અપેક્ષા થવા લાગી અને સંસ્કૃત શબ્દોનો વધારે અને વધારે ઉપોગ થવા લાગ્યો. માત્રામેળ છંદો, ગેયરચનાઓ વગેરેમાં બલવંતરાય ઠાકોરે, ‘જંજીરો’ જોયાં અને એ ગુજરાતી કવિતાને એ જંજીરમાંથી મુક્ત કરવા મથતા ‘મફત ગુલામ’ બન્યા. (૧૮) પદ્યરચનાનો અનાદર બળવંતરાયના આ પાછોતરા – પશ્ચાદ્ગામી કે પ્રત્યાઘાતી – ઉદ્યમને અનુસરનારા તત્કાળ તો સાંપડ્યા, પણ ક્રમશઃ ઓછા થતા ગયા. એમ તો કાવ્યક્ષેત્રમાં બ.ક.ઠા.ના પુરોગામી ન્હાનાલાલે પણ કવિતાને જડ પદ્યસ્વરૂપના બંધનમાંથી મુક્ત કરનારો અપદ્યાગદ્ય રચનાનો, ડોલનશૈલીનો ઉપયોગ કર્યો હતો અને છતાં સ્વસંવેદનાત્મક ભાવમય કાવ્યોમાં એમણે ગેય રચનાઓનો પ્રશસ્ય ઉપયોગ કર્યો હતો. અત્યારે પદ્યરચનાનો ત્યાગ થયો છે, અદ્યતન કવિઓ ગદ્યાત્મક રચનાઓ કરે છે, અને એમના અનેક પુરોગામીઓ – આરંભમાં પદ્યદેહનો આગ્રહ રાખનારા પુરોગામીઓ પણ – એ ગદ્યપંથે પળ્યા છે. કાવ્યપદાર્થનો યથાર્થ પરિચય કરાવવા મથતી જે મીમાંસા હું અત્રે કરી ગયો છું તેથી એ વાત સ્પષ્ટ થઈ હશે કે એમાં અમુક પ્રકારની પદ્યરચના અનિવાર્ય નથી. કાવ્યનાં જે લક્ષણો પ્રાચીનકાળથી અપાયાં છે તેમાં કાવ્યપદાર્થનાં ઘટક તત્ત્વોમાં ક્યાંય પદ્યનો નિર્દેશ નથી. કવિતા પદ્યમાં ન હોય અને ગદ્યમાં હો તેટલાથી જ એના કાવ્યતત્ત્વને બાધ આવતો નથી. કાવ્યતત્ત્વ આ બહિરંગથી સ્વતંત્ર એવું સ્વાયત્ત તત્ત્વ છે. એટલે માત્ર ગદ્યસ્વરૂપને જોઈને સાચી કવિતાને અકવિતા કહેવી એ યોગ્ય નથી. કાવ્યના પદ્યસ્વરૂપનો અનાદર એ સ્વયમ્ કાવ્યતત્ત્વનો અનાદર નથી. ઉપરાંત કાવ્યમાં ભાવવ્યંજક લયની જે અપેક્ષા રહે એ અપેક્ષાને અદ્યતન ગદ્યકવિઓ પણ આવશ્યક હોય ત્યાં અવગણતા નથી એનાં અનેક દૃષ્ટાંતો અનેક અદ્યતન ગદ્યકવિની કાવ્ય-કૃતિઓમાંથી મળી આવશે. (૧૯) પ્રતીક : તિરોધાનધર્મનો અતિયોગ परोक्षप्रिया: देवा: એવું એક ઉપનિષદવાક્ય છે. અને પ્રત્યક્ષ અનુભૂતિને પરોક્ષનો શાબ્દિક સ્વાંગ સજાવવાની રીત કાવ્યમાં પણ જૂના જમાનાથી થોડીઘણી ચાલતી આવી છે. આપણી કહેવતોમાં અને આપણાં લોકગીતોમાં એ જોવામાં આવે છે, અને ઉપર કહ્યું તેમ અપ્રસ્તુતપ્રશંસામાં વ્યંજના વડે અને અતિશયોક્તિમાં લક્ષણા વડે પ્રસ્તુતનું ગ્રહણ અપ્રસ્તુત દ્વારા કરાવવામાં આવે છે. પ્રતીક યોજનામાં લક્ષણાનો વ્યાપાર પ્રવર્તે છે. કવિતામાં Symbolismનો મહિમા ભલે વ્યાપક રીતે ફ્રાન્સમાં સ્થાપવામાં આવ્યો અને પ્રતિષ્ઠા પામ્યો પણ પ્રતીકનો નામથી નિર્દેશ કર્યા વિના ઉપયોગ થોડેઘણે અંશે પુરાણો છે. અને કાવ્યમાં તિરોધાનના તત્ત્વનો જે સ્વીકાર અહીં કર્યો – જેનો અહીં આગળ ઉપર નિર્દેશ કરી ગયો છું, તેને સાધવાનું કાર્ય પ્રતીક કરે છે – અલબત્ત, આ પ્રતીક શબ્દનો પ્રયોગ આધુનિક છે અને એણે અલંકાર શબ્દના પ્રયોગને પાછળ પાડી દીધો છે. છતાં પ્રતીક-ઘટના અને અલંકાર-ઘટનામાં રહેલા મનોવ્યાપારની દિશા એક છે. વ્યંગ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે જે ભેદ છે તે લક્ષમાં રાખવા જેવો છે. વ્યંજનાનો જે કાવ્યમાં તિરોધાનસાધક આશ્રય લેવામાં આવ્યો હોય ત્યાં વાચ્યાર્થ સ્પષ્ટ હોય છે, અબાધિત હોય છે, જોકે કાવ્યના તાત્પર્યનું પર્યવસાન એ વાચ્યાર્થમાં થતું નથી, જ્યારે લક્ષણાવ્યાપારમાં વાચ્યાર્થ અસંગત હોઈને બાધિત બને છે, અને લક્ષ્યાર્થ જ સ્વીકાર્ય બને છે. ‘હું તો દરિયાની માછલી. મને કાઢવી’તી તો ભલે કાઢી પણ ટોપલે નાખવી નહોતી.’ એ લોકગીતની પંક્તિમાં – અને આખા એ ગીતમાં – જે વાચ્યાર્થ છે તે માછલીને લાગુ પડે છે, પણ એ ગીતના તાત્પર્યનું પર્યવસાન એ માછલીવિષયક અર્થમાં નથી થતું : વ્યંજનાથી એ કાવ્ય કન્યાને લાગુ પડે છે – એ એનો વ્યંગ્યાર્થ છે. જ્યારે ‘આજ સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા રે’ એ લોકગીતમાં ડુંગરો ડોલતા હોય એ વચન બાધિત બને છે, અને એ પ્રતીક (ડુંગરા) લક્ષણાવ્યાપારથી ‘સસરા’નું સૂચન કરે છે. અલબત્ત એ ગીતમાં એનો રચનારો નિજ કંઠોક્તિથી કહી દે છે કે ‘ડોલતા ડુંગર એ તો અમારા સસરા રે’ અને એમ કરવામાં એ લોકકવિ. પ્રતીકનું અભિપ્રેત અર્થનું સમર્પણ કરવાના સામર્થ્યમાં કંઈક અશ્રદ્ધા દર્શાવતો જણાય છે, અને પ્રતીકથી થતા, પોતાના વક્તવ્યના, તિરોધાન વ્યાપારને શિથિલ બનાવે છે. આજનો પ્રતીકપ્રેમી કવિ એવું કરતો નથી – પોતે યોજેલાં પ્રતીકો દ્વારા પોતાનો (વિવક્ષિત નહિ પણ) અભિપ્રેત અર્થ વાચકને સમજાશે કે નહિ એ વિશે એ ચિંતા કરતો નથી. પ્રતીકના પ્રયોગમાં લક્ષણાનો વ્યાપાર હોવાથી વાચ્યાર્થ અસંગત અને અસ્વીકાર્ય બની જાય, ત્યારે એ અસંગતિનું પર્યાપ્ત નિરાકરણ થાય, અને અભિપ્રેત તાત્પર્ય પ્રકટ થાય એવી અભીપ્સા અદ્યતન પ્રતીકપરાયણ કવિ કરતો નથી. આને પરિણામે પ્રતીકાત્મક કાવ્યમાં દુર્બોધતા આવે એ સહજ છે. પણ આજનો કવિ એ દુર્બોધતાને પોતાના કાવ્યનું ભૂષણ માને છે. દૂષણ નહિ, અને એમાં એનું લક્ષ અલબત્ત કાવ્યના તિરોધાનધર્મની પૂરી ઉપાસના પ્રત્યે હોય છે અને કવિ તથા ભાવક વચ્ચે કાવ્યાર્થગ્રહણનો સેતુ રચાતો નથી. કાવ્યનો ધર્મ ‘communicate’ કરવાનો નથી એ મત વ્યાપક-સ્વીકાર પામ્યો છે. અહીંયાં કવિ સાથે જે ‘ભાવક’ શબ્દનો પ્રયોગ કર્યો એમાં ‘ભાવક’ એટલે કાવ્યગત ભાવનો અનુભવ કરનારો એ અર્થનું સૂચન થઈ જાય છે. ‘સહૃદય’ શબ્દ પણ કાવ્યના ભાવની અનુભૂતિના વાચકધર્મનો સૂચક છે. મને લાગે છે કે આજની કવિતાના ભોક્તા માટે, આસ્વાદક માટે, આ સહૃદય શબ્દ પર્યાપ્ત નથી. ઘણાં વર્ષો પહેલાં અદ્યતન કવિઓના વડોદરામાં યોજાયેલા સંમેલનના સંચાલકપદેથી મેં કહ્યું હતું કે આજે આપણે અભિનવ સહૃદયતા કેળવવાની આવશ્યકતા છે. આજે મને વિચાર આવે છે કે એ સહૃદય શબ્દ જ પૂરો ઉપયોગી નથી, કારણ કે એ આજે ચરિતાર્થ નથી. તો એને બદલે આજે કયો શબ્દ સ્વીકારવો? કદાચ કોઈ અન્ય શબ્દ ઘડવા – વાપરવાનો આજે અવકાશ નથી. કારણ કે કવિની કાવ્યમાં પરોવાયેલી પ્રાક્તન અનુભૂતિ અને એના માટે યોજેલાં પ્રતીક એ બે વચ્ચે ઘણો મોટો અવકાશ રહે છે – એ બે વચ્ચે સેતુ રચવો મુશ્કેલ બને છે. રાવજી પટેલની ‘કંકુના સૂરજ આથમ્યા’ એ પદ્યાવલિમાં ‘કંકુના સૂરજ’ શબ્દોથી કવિને શું અભિપ્રેત હશે એ વિશે બે ભિન્ન ભિન્ન અર્થઘટન થતાં જાણ્યાં છે. અદ્યતન પ્રતીકના પ્રવાહમાં વહેતા એક કવિએ મને પોતાની એક કાવ્યકૃતિ વાંચી સંભળાવી – અને એમાં યોજાયેલાં પ્રતીકોએ મારી કંઈ કંઈ પૂર્વ અનુભૂતિઓને – સ્વાનુભૂત કે અન્ય શાસ્ત્રવાચને પ્રેરેલી અનુભૂતિઓને – જગાડી, પણ કવિએ કહ્યું કે એવો અનુભૂતિસંભાર એ પ્રતીક યોજ્યું ત્યારે એમના ચિત્તમાં નહોતો, જોકે મારું ‘દર્શન’ એમણે સ્વીકાર્યું – આનંદપૂર્વક સ્વીકાર્યું. કાવ્યની અર્થસંપત્તિ વધારનારું માનીને સ્વીકાર્યું. અહીં હું ‘મારું દર્શન’ એ શબ્દો સાભિપ્રાય વાપરું છું. કારણ કે મારે મતે કાવ્ય કેવળ સાંભળવાનું નથી, જોવાનું છે, એમાં રહેલી images – અનુભૂતિસંસ્કારની મુદ્રાઓ જોવાની છે. આથી જ ઋગ્વેદના એક સૂક્તમાં उतत्वः पश्यन् ददर्शवाचम् એવી ફરિયાદ છે – વાણીને જોતો છતાં ન જોનારો કોઈક હોય એની સામે ફરિયાદ છે. અહીં દૃશ્ય છે તે કાવ્યની વાણી નહિ પણ એમાં પ્રસ્તુત થયેલી સંસ્કારમુદ્રાઓ. મુંબઈના એક ઉપનગરમાં એક સભા, અમુક અદ્યતન કાવ્યને તાત્પર્યને બીજા અમુક અદ્યતન કવિઓ અને કાવ્યરસિકો સમજાવે એ માટે યોજવામાં આવી હતી. અનેક વક્તાઓ હતા. પ્રત્યેક અન્ય કવિઓની એક એક કાવ્યકૃતિનો મર્મ પ્રકટ કરવાના સારા પ્રયાસો કર્યા. પણ એ પ્રયાસોમાંના કેટલાક જેટલા સારા હતા તેટલા સફળ નહોતા – પ્રસ્તુત કાવ્યના મર્મના ગ્રહણ અને સમર્પણની બાબતમાં પર્યાપ્ત નહોતા – એવું કેટલાકને લાગ્યું હતું. એટલે હું, કાવ્યના તિરોધાનધર્મ પરત્વે થયેલા પ્રતીકના ઉપયોગમાં થતા તિરોધાનના અતિયોગ વિશે વિચારમાં પડ્યો હતો. પ્રતીકોના ઉપયોગમાંથી દુર્બોધતા પરિણમવાનું અન્ય પણ એક કારણ છે. એ છે એક જ કાવ્યમાં અનેક પ્રતીકોની સંકુલતા. એક કાવ્યમાંનાં વિવિધ પ્રતીકો એક જ વિષયનાં અંગોને લગતાં ન હોય, જુદાં જુદાં પ્રતીકોમાંથી ઉદ્ભવતાં જુદાં જુદાં માનસ-ચિત્રો એકત્વસાધક બનતાં ન હોય, તેથી કાવ્યની unity ખંડિત થાય છે એવું કહેવામાં આવ્યું છે. પણ એ unity વિશે તો હું એમ કહું કે કાવ્યની Unity એમાંથી ઊઠતા એક સળંગ ચિત્રના રૂપની જ હોવી જોઈએ એવું નથી; કાવ્યમાં એક પછી એક આવતાં પ્રતીકો – અને એથી ઉદ્ભવતાં, મન ઉપર મુદ્રિત થતાં, ચિત્રો – જે ભાવસંસ્કારો પ્રકટાવે એ બધા ભાવસંસ્કારો, પરસ્પર પૂરક બનીને, એક જ ભાવના પોષક બનતા હોય તો એમાં ભાવાત્મક unity પ્રતીત થાય છે અને એ પ્રકારની unityને પ્રતીકવૈવિધ્યવાળા કાવ્યની unity તરીકે સ્વીકારી શકાય. (૨૦) કલામાં તિરોધાનધર્મનો અનાદાર : ‘અશ્લીલ’નો પ્રશ્ન કાવ્યમાં, અહીં ભારતમાં, દૂર પશ્ચિમમાં અને અન્ય દેશોમાં, કામવૃત્તિનાં તથા કામપ્રેરિત ઉપચારનાં નિરૂપણો, નિરૂપણો નહિ તો નિર્દેશો, સમયે સમયે થતાં રહ્યાં છે અને સાથોસાથ એમાં પ્રવેશી જતી અશ્લીલતાનો પ્રશ્ન પણ ચર્ચાતો રહ્યો છે. અશ્લીલતાના આક્ષેપોને આજની કવિતામાં પણ, બે પ્રકારની પરિસ્થિતિ અવકાશ આપે છે. એક છે આ વિષય પરત્વે સેવાતી દાંભિકતાનો વિરોધ કરવાની કવિની વૃત્તિ : અન્ય છે એ કારણે કવિએ કરેલો કલાના તિરોધાનધર્મનો અનાદર. પ્રકૃતિજનનીની સર્જકલીલાનો, એણે સર્જેલી પ્રાણીસૃષ્ટિનું સાતત્ય અવિચ્છિન્ન રાખવાની એણે કરેલી યોજનાનો, પ્રભાવ પ્રાણીમાત્રમાં કામવૃત્તિ રૂપે વ્યક્ત થાય છે. આ કામવૃત્તિ પ્રકૃતિપ્રેરિત છે, સર્વ પ્રાણીમાં સહજ છે, અને પ્રકૃતિના આદેશને અનુવર્તનારી છે : એ વિશ્વવ્યાપક છે અને સ્વતઃ નિંદ્ય નથી. માનવ જે વિવિધ પ્રકારે લૌકિક આનંદ અનુભવે છે તેનાં કારણોમાં આ કામવૃત્તિનો સમાવેશ છે. એ લૌકિક આનંદનો આ પ્રકાર ક્વચિત્ ઉપનિષદ ગ્રંથમાં પણ ઉલ્લેખ પામ્યો છે. અને કામવૃત્તિ-સંબદ્ધ રતિભાવને અને એમાંથી નિષ્પન્ન થતા શૃંગારરસને રસમીમાંસામાં ભાવોની અને રસોની ગણનામાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બીજી બાજુ સમાજની શ્રેયસ્કર સુવ્યવસ્થાની ખાતર આ કામવૃત્તિથી પ્રેરાઈને યથેચ્છ વિહાર થાય તેના ઉપર લગ્નરૂપી અંકુશ મૂકવામાં આવ્યો છે. પરિણીત દંપતીના અન્યોન્ય પ્રતિ અનન્યપરાયણ પ્રેમની પવિત્રતાનું ગૌરવ કરવામાં આવ્યું છે. Chastityની – પત્નીના પતિવ્રતાધર્મની (તથા બહુપત્નીત્વ પ્રવર્તતું હતું ત્યારે પણ અને એ નિયંત્રિત થયું ત્યાર પછી વિશેષ, પતિના પત્નીવ્રત ધર્મની) ભાવનાનો પ્રબળ પુરસ્કાર, વ્યાપક સ્વીકાર અને સતત પ્રચાર કરવામાં આવ્યો છે. અને સમાજસ્વાસ્થ્ય ખાતર કરાયેલા આ નિયમનની અને ભાવના-વિકાસની સાથોસાથ, પતિપત્નીના કામવ્યવહારના ગૌરવ અને પાવિત્ર્યના આદરની સાથોસાથ એ વ્યવહારની રહસ્યમયતા અને ગોપનીયતા સ્વીકારવામાં આવી છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન – એ ચાર વૃત્તિઓને પશુઓમાં અને માનવમાં સમાન રીતે, સમાન પ્રભાવે, પ્રવર્તતી ગણવામાં આવી છે. એમાંની આહાર અને નિદ્રા એ સહજવૃત્તિઓ વ્યક્તિનિષ્ઠ છે, અને સ્વરક્ષણાર્થ છે. ભય એ વૃત્તિ, ભયના સ્વથી પર એવા નિમિત્તે ઉપજાવેલી છતાં, વ્યક્તિ પોતે પોતામાં અનુભવે છે. પણ મૈથુનરૂપ સહજવૃત્તિના વ્યાપારમાં ભિન્ન લિંગની બે વ્યક્તિઓ આવશ્યક બને છે અને એ વ્યાપાર પશુઓમાં નિર્દોષપણે પ્રકટ રૂપે પ્રવર્તે છે પણ માનવમાં એની એવી પ્રકટ પ્રવૃત્તિ થાય તો માનવનું પશુની નિમ્ન કોટિએ પતન થયું ગણાય. માનવ સંસ્કૃત માનવ મટીને પ્રાકૃત પશુતામાં સરી પડે એ ભય કામવૃત્તિના વિષયમાં વિશેષ રહી છે, અને જે મર્યાદા એ કારણે સર્વમાન્ય બની હોય તેનું પાલન વ્યવહારમાં જેટલું નિરપવાદ રીતે થતું આવ્યું છે તેટલું કાવ્યમાં અને કથામાં બન્યું નથી. એનું કારણ એ હોય કે એ સાહિત્યનું સર્જન વ્યક્તિનિષ્ઠ છે, એનું વાચનપરિશીલન પણ સાધારણતઃ વ્યક્તિનિષ્ઠ હોય છે. જનસમૂહની સમક્ષ એવા રતિક્રીડાના પ્રસંગોના નિરૂપણનું વાચન થતું નથી, અને કદાચ કરવું અનિવાર્ય બને તો તે સંકોચજનક બને છે. અગાઉનાં કાવ્યોમાં અને કથાઓમાં રતિક્રીડાના કે કામવૃત્તિએ પ્રેરેલા પાશવી આક્રમણના પ્રસંગોનું વર્ણન કરવામાં થોડીક તો મર્યાદા પાળવામાં આવી છે – કાં તો એ પ્રસંગોના વર્ણન માટે વપરાયેલી વાણીમાં, અથવા બાહ્યોપચારના વર્ણનથી આગળ ન વધવું એવી વર્ણનમર્યાદામાં. ‘અશ્લીલ’ને સ્થાને કેટલાક લોકો ભૂલથી ‘બીભત્સ’ શબ્દ વાપરે છે. ‘અશ્લીલ’ અને ‘બીભત્સ’ વચ્ચેનો ભેદ તજ્જ્ઞો જાણે છે. ‘અશ્લીલતા’નો પ્રશ્ન રતિક્રીડાના વર્ણન પરત્વે જ ઊપજે છે, અને એને રતિભાવના શૃંગારરસના નિરૂપણમાં દોષ માનવામાં આવે છે. પરંતુ ‘બીભત્સ’ તો રસસંપ્રદાયે સ્વીકારેલા મુખ્ય આઠ – કે નવ – રસોમાંનો એક છે. માનવના કે પ્રાણીના દેહને કટકે કટકે કાપવાની ક્રિયા, મલવિસર્જનાદિ ક્રિયા એવી અનેક ક્રિયાઓનું દર્શન કે વર્ણન અરુચિ ઉપજાવે છે, ‘ચીતરી’ કે સૂગ ઉપજાવે છે. આ આ જુગુપ્સાનામક ભાવમાંથી નિષ્પન્ન થતો – અને આસ્વાદવિષય બનતો – રસ તે બીભત્સ રસ. આ બીભત્સ રસને રજૂ કરતા કવિનો, કથાલેખકનો કે નાટ્યકારનો કલાધર્મ એ છે કે એણે જુગુપ્સાર્હ વિષયનું પર્યાપ્ત જુગુપ્સાજનક નિરૂપણ કરવું, વાચકને કે પ્રેક્ષકને – કહો કે ભાવકને – એ ભાવની અનુભૂતિ કરાવવી અને એ દ્વારા બીભત્સ રસનો અનુભવ કે આસ્વાદ કરાવવો. પણ જ્યાં સર્જકનો ઉદ્દેશ કે એનો ધર્મ ભાવકને જુગુપ્સાના ભાવનો અને બીભત્સરસનો આસ્વાદ કરાવવાનો નથી એવા રતિભાવના તથા શૃંગારરસના સમર્પણના પ્રસંગે એણે કરેલું વર્ણન – નિરૂપણ જુગુપ્સાજનક બને, બીભત્સની પ્રતીતિ ઉપજાવનારું નીવડે, તો તે અક્ષમ્ય દોષ છે. આવાં વર્ણન – નિરૂપણોની ચર્ચા કરવામાં ‘ અશ્લીલ’ શબ્દના કરતાં જુગુપ્સિત કે બીભત્સ શબ્દ વધારે યથાર્થ છે. વાચકના ચિત્તને આવાં ઉત્કટપ્રકટ વર્ણન – નિરૂપણ પ્રત્યે જે અરુચિ ઊપજે છે તેનું કારણ આ જુગુપ્સા છે, બીભત્સતા છે. નિરૂપણમાં આ કલાધર્મના અનાદરથી વાચકને જુગુપ્સા ઊપજે તો તેનાં મુખ્ય કારણો મને આ લાગે છે: (૧) ઉત્તાન, ઉત્કટ, વાચ્યાર્થનો જ ઉપયોગ. (૨) રતિક્રીડાના વ્યવહારનું કોઈ પણ અન્ય માનવવ્યવહારના એવા નિરૂપણથી જુગુપ્સાજનક બને એવું, આરંભથી અંત સુધી થતા વ્યાપારનું અનેક અંશભૂત ક્રમોમાં પૃથક્કરણ. (૩) નર્તિકા સુંદરીની કરચરણ ગતિના અતિમંદગતિ (slow motion) સમર્પણમાં જેવી જુગુપ્સા ઊપજે એવી જુગુપ્સા ઉપજાવતું રતિવ્યવહારનું મંદગતિ સમર્પણ અને દર્શન. (૪) વસ્તુનું કેન્દ્રસ્થ – અતિપ્રમાણ – નિરૂપણ કરવાની close up જેવી રીત. આ ક્ષેત્ર પરત્વે કવિ કલાકારને ધાર્મિક કે સામાજિક પરંપરામાં દાંભિકતા ભાસે, કાયદાના નિર્ણયમાં સંકુચિત દૃષ્ટિ જણાય તે ભલે પણ કલાના કલાસાધક ધર્મની અવગણના ઇષ્ટ નથી. (૨૧) કાવ્યવિષયભૂત અનુભૂતિ કવિનો વિષય માત્ર બાહ્ય જગત નથી પણ એની એના ચિત્તને થયેલી અનુભૂતિ. એ અનુભૂતિ વર્તમાન પ્રત્યક્ષ કે પરોક્ષ જગતની અને ઘટનાઓની હોય, ભૂતપૂર્વ પરોક્ષ; પણ કલ્પનાબળે પ્રત્યક્ષીકૃત, જગતની ઘટનાઓની અનુભૂતિ હોય; એ કપોલકલ્પિત નહિ, પણ વાસ્તવિક મનાતા જગતના બીબામાં ઢાળેલા, કલ્પનાના ઢાળની અનુભૂતિ હોય : પણ સર્જન ક્ષણે કવિનો જે વિષય બને છે તે એની આંતરઅનુભૂતિ છે. એ આંતરઅનુભૂતિમાં એના જૂના-નવા અનુભૂતિ સંસ્કારોના સાહચર્યથી, સંયોજનથી, તાદાત્મ્યથી કે એણે કરેલા અન્યના નિગરણથી, અભિનવ આકૃતિનું સર્જન થાય છે. અને એ સર્જન વિશ્વના પ્રતિરૂપનું સર્જન હોય છે – ભાવ – સંકલિત સર્જન હોય છે – કારણ કે એની અનુભૂતિ જગત પ્રત્યેના એના પ્રતિભાવરૂપ હોય છે. આંતરઅનુભૂતિનો સ્વપ્નાનુભૂતિરૂપ પ્રકાર પણ એના પ્રતિભાવનો, એના અભિનવ આકાર-સર્જનનો વિષય અવશ્ય બની શકે. આવી સ્વપ્નગત આંતર અનુભૂતિનાં વિરલ કાવ્યો – ‘ભગવાન’ની લૌકિક સ્થળકાળના પરિમાણોનું અતિવર્તન, અન્યથાઘટન કરતી લીલાને વર્ણવતી કૃતિઓ – આપણે ત્યાં વિગતયુગમાં કોઈક કોઈક રચાયેલી છે. આ સ્વપ્નગત અનુભૂતિને અવાસ્તવિક કે મિથ્યા માની લેવી ઉચિત નથી. પ્લેટોને મતે વિશ્વનાં કોઈ પણ પ્રાણી કે પદાર્થ આદર્શભૂત મૂળ વસ્તુની પ્રતિકૃતિ છે – અર્થાત્, યથાર્થતઃ વાસ્તવિક આકારનો નથી. આપણો દૃષ્ટિ-સૃષ્ટિ ન્યાય સાચું જ કહે છે કે આપણે જગતગત પદાર્થનું જે રૂપે જે રંગે કે જે પરિમાણે દર્શન થાય છે એ આપણી દૃષ્ટિનું સર્જન છે – આનું સમર્થન આધુનિક વિજ્ઞાનમાં પણ સાંપડે છે. આમ હોઈને વાસ્તવિક કહેવાતા જગતની વાસ્તવિકતા, પારમાર્થિક વાસ્તવિકતાની અપેક્ષાએ અવાસ્તવિક છે. પરંતુ સ્વપ્નના પ્રાતિભાસિક જગતની અપેક્ષાએ વાસ્તવિક છે અને સ્વપ્નની અનુભૂતિનો વિષય એ જગત પૂરો પાડે છે. પણ એમાં દૃશ્યવસ્તુના આકાર, પરિમાણ, સ્થળકાળનિયમ વગેરે વાસ્તવિકવત્ નથી એટલે એ વાસ્તવિક જગતની અપેક્ષાએ ‘મિથ્યા’ છે – છતાં એ સ્વપ્નદૃષ્ટ વસ્તુઓએ કરાવેલી ભય, હર્ષ આદિ અનુભૂતિઓ, વાસ્તવિક જગતના પ્રદેશમાં (નિદ્રામાંથી જાગ્યા પછી) સંક્રાંત થાય છે એથી, એ વાસ્તવિક છે. (૨૨) કાવ્યની ફલશ્રુતિ – લોકોત્તર આહ્લાદ કે આનંદ કાવ્યની સૃષ્ટિને અને તેના આસ્વાદમાંથી અનુભવાતા આનંદને અલૌકિક કહે છે એ યથાર્થ છે, પણ એની એ અલૌકિકતા શામાં રહેલી છે? લૌકિક વ્યવહાર ઇન્દ્રિયજન્ય અવરોધ રૂપે પ્રવર્તે થે. અનુકૂળ કે પ્રતિકૂળ, હર્ષજનક કે શોકજનક, સુખમય કે દુઃખમય, રુચિકર કે અરુચિકર, ઉપાદેય કે દેય એવી અનેક ઘટનાઓનો (પદાર્થ પણ ઘટના છે) અવબોધ માનવ પોતાની ઇન્દ્રિયો વડે કરે છે. ઇન્દ્રિયો અંતર્મુખ સંવેદનતંતુઓ કે સંવેદનતંત્ર દ્વારા એ અવબોધોને મસ્તિષ્કમાં પહોંચાડે છે. મસ્તિષ્કમાં એના અનુકૂલ કે પ્રતિકૂલ, ગ્રાહ્ય કે ત્યાજ્ય દૃષ્ટિથી નિર્ણય ઘડાય છે અને મસ્તિષ્ક બહિર્મુખ અને કાર્યધર્મી તંતુઓ કે તંત્ર દ્વારા યથાયોગ્ય પ્રતિભાવનો અને ક્રિયાનો આદેશ આપે છે અને માનવનાં કાર્યધર્મીકરણો કે અવયવો એ આદેશ અનુસાર કાર્ય કરે છે. આવું છે લૌકિક વ્યવહારમાં પ્રવર્તતું આઘાત-પ્રત્યાઘાતનું કે ભાવ-પ્રતિભાવનું ચક્ર. પણ ભાવક કાવ્યનિરૂપિત વિષયનો કે ઘટનાઓનો અવબોધ કરે, એનો સંદેશ મસ્તિષ્ક પર્યંત પહોંચે, ત્યારે મસ્તિષ્ક પ્રતિક્રિયારૂપ કરણ-વ્યાપારનો આદેશ આપતું નથી. લૌકિક જગતમાં માણસ આગ લાગેલી જુએ, હિંસા થતી જાણે ત્યારે એનો પ્રતિકાર કરવાને એ પ્રવૃત્ત થાય એ સંભાવ્ય છે. પણ કાવ્યનાટકના જગતમાં એવી ઘટનાઓ થતી જાણનારો કે જોનારો ભાવક કે પ્રેક્ષક એવી પ્રતિક્રિયા કરવાને તત્પર થતો નથી, કારણ કે જાણે છે કે ઘટનાઓ લૌકિક નથી. આ કારણે, લૌકિક જગતમાં ઇન્દ્રિયોએ મોકલેલા સંદેશા મેળવીને મસ્તિષ્ક એની પ્રતિક્રિયા માટે ગતિશીલ થાય. પણ કાવ્યજગતમાં મસ્તિષ્ક-આદેશમાં અને તદનુરૂપ પ્રતિક્રિયામાં જે energy, જે શક્તિ, જે ઊર્જા વપરાય છે તે કાવ્યજગતમાં વપરાતી નથી. એ શક્તિનો કાવ્યજગતના અનુભવ દરમ્યાન નિરુદ્દેશ-અકાર્યસાધક વિમોક્ષ થાય છે, અને એ વિમોક્ષભાવકને વ્યવહાર-બંધનમાંથી મુક્ત હોવાના આનંદનો સહચારી એવા કાવ્યાનંદનો આસ્વાદ કરાવે છે. આ રીતે કાવ્યનું જગત, અને એના પ્રત્યેનો ભાવકનો પ્રતિભાવ, અલૌકિક છે. હર્ષશોક, સુખદુઃખ આદિ વૃત્તિઓથી પર હોઈને એને (સવિકલ્પ હોવાથી નિર્વિકલ્પ બ્રહ્માનંદ નહિ પણ) બ્રહ્માનંદસહોદર કહેવામાં આવ્યો છે. મમ્મટે કહેલી ‘સદ્યઃપર નિવૃત્તિ’ના મૂળમાં નિવૃત્તિ એટલે સુખના મૂળમાં, પણ નિવૃત્તિ રહેલી છે. ‘સદ્યઃ પર નિવૃત્તિ’ની – અર્થાત્ કાવ્યજન્ય લોકોત્તર આનંદની – કાવ્યનાં ‘પ્રયોજન’માં ગણના કરવામાં આવી છે તેથી કાવ્યના પ્રયોજનનો વિચાર પણ અહીં કરીએ. અલબત્ત, યશ, અર્થપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન જેવાં કાવ્યોનાં જે પ્રયોજનો કહ્યાં છે તે તો એનાં આનુષંગિક પરિણામો જ છે – જેમાંનાં બે તો કવિને સાંપડે, ત્રીજું વ્યવહારજ્ઞાન, કાવ્યનિર્માતા કવિને પોતાને મળે અને યથાર્થ અને પર્યાપ્ત હોય તો કદાચ ભાવકને તેનો લાભ મળે, પણ એ લાભ પણ આનુષંગિક ફળ છે. કવિ જીવે છે અમુક વ્યવહારનીતિવિષયક કે રાજ્યનીતિવિષયક તંત્રને આદેશતા અને પળાવતા સમાજમાં કે રાજ્યમાં, પરિણામે એ એ તંત્રનું યથાશક્ય, પોતાના કવિધર્મને અવિરોધી હોય એવું, અનુવર્તન કરતો રહે એ સંભાવ્ય છે. પણ એ તંત્રનો, સ્વીકાર્ય હોય તો સ્વીકાર કરવો અને વિરોધ્ય હોય તો વિરોધ કરવો એ કવિનો માનવ તરીકે માનવધર્મ ભલે હોય પણ કવિ તરીકે એના પર જવાબદારી નાખતો કવિધર્મ ખરો? આ પ્રશ્નનો ઉત્તર પ્રત્યેક કવિ પોતાને માટે, પોતાપૂરતો, આપી શકે અને એ અજાણ્યું નથી કે કોઈ કોઈ કવિની કે સાહિત્યકારની કૃતિ, કાવ્યના કે સાહિત્યના કલાધર્મને અનુસરતી અને વશવર્તતી છતાં, કંઈ કંઈ પ્રભાવ કે પરિણામો સામાજિક કે રાજકીય ક્ષેત્રમાં દર્શાવી ગઈ છે. ફ્રેન્ચ રેવૉલ્યુશનના પુરોગામી રૂસો જેવા ફ્રેન્ચ સાહિત્ય-સર્જકો Uncle Tom’s Cabinની સર્જક શ્રીમતી સ્ટો, અને નવલકથાકાર ડિકન્સ આનાં નિદર્શનો છે. કોઈ કવિ આવા સામાજિક કે રાજકીય પરિવર્તન પ્રેરવાના સાભિપ્રાય સ્વીકૃત ઉદ્દેશથી કાવ્ય-સર્જનમાં પ્રવૃત્ત થયો હોય અને છતાં કાવ્યના કલાધર્મને પાળી રહ્યો હોય, તો કોઈ કવિનો એવો સ્વીકૃત ઉદ્દેશ ન હોય પણ એ ઉદ્દેશ એની કૃતિના આનુષંગિક ફલ તરીકે સધાયો હોય. એ ગમે તે હોય, કાવ્યકૃતિની મુલવણી આવા કલાજગતથી બાહ્ય એવા ઉદ્દેશોની સિદ્ધિથી નહિ પણ એની કલાધર્મની સિદ્ધિથી કરવી ઘટે. કોઈ પણ મન્તવ્યનો કલાધર્મ વિરોધી પ્રચાર કે ઉપદેશ એ કલાધર્મ નથી અને કલાધર્મ પર્યાપ્ત સિદ્ધ થયો હોય તો એનાં સમાજ, પ્રભાવક કે રાજકારણપ્રભાવક પરિણામો ઊપજે તો તેટલાથી જ કલાધર્મની ઉપેક્ષા થતી નથી. કવિ, લોકવ્યવહારનિરપેક્ષ, અલૌકિક આનંદનો અનુભવ કરાવનારી, કલાકૃતિ સર્જે એ એનો કલાધર્મ છે. એ કલાધર્મ દ્વારા કંઈ ઉપદેશરૂપ ફલ ઊપજે તો ‘કાન્તસમ્મિતતયા’ થતો ઉપદેશ છે. (૨૩) પરિષદનું પ્રવૃત્તિક્ષેત્ર પરિષદનું પ્રવૃત્તિક્ષેત્ર ગુજરાતી સાહિત્ય છે અને એ ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિ કરતી આવી છે. એની એ પ્રવૃત્તિઓનો વિકાસ કઈ દિશામાં કયા પ્રકારનો થવો જોઈએ એ માટે અનેક મુખેથી અનેક વાર અનેકવિધ સૂચનાઓ પરિષદના કર્ણધારોને અને એના બે વર્ષ માટેના પ્રમુખને પણ મળ્યા કરી છે, મળ્યા કરે છે. હું પરિષદની એ કાર્યસરણીમાં કદી સક્રિય ભાગ લઈ શક્યો નથી, અને લઈ શકીશ એવો સંભવ બહુ જોઈ શકતો નથી. ઉપરાંત પરિષદના એ ક્ષેત્રમાંના કાર્યકરો અન્ય જેવા સુજ્ઞ છે, વિચારશીલ છે, દૃષ્ટિસંપન્ન છે, કર્તવ્યપરાયણ અને શક્યાશક્યતાથી પરિચિત છે, એથી હું સ્વતઃ મારા તરફથી કે પ્રવૃત્તિવિકાસ વાંછતા અન્ય વિચારકોની સૂચનાને આધારે કોઈ વિશિષ્ટ સૂચના કરવાની ધૃષ્ટતા નહિ કરું. મને શ્રદ્ધા છે કે પરિષદની કાર્યવાહીનો ભાર પોતાને શિરે વહી રહેલા એ સુજ્ઞ જનોના પ્રયાસોથી પરિષદ એના પ્રવૃત્તિક્ષેત્રમાં અધિકાધિક પ્રગતિ કરતી જ રહેશે.