પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૦ શ્રી અનંતરાય મ. રાવળ


ત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી અનંતરાય મ. રાવળ
  • અનંતરાય રાવળનો જન્મ પહેલી જાન્યુઆરી ૧૯૧૨ના રોજ અમરેલીમાં થયેલો. તેઓ બે વર્ષના હતા, ત્યારે તેમનાં માતાનું અવસાન થયેલું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. ૧૯૨૮માં મૅટ્રિક થયા. કૉલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કૉલેજમાં કર્યો. ૧૯૩૨માં બી.એ. થયા. સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ. થયા. એમની સાહિત્યરુચિ ઘડવામાં પ્રો. રવિશંકર જોશીએ મહત્ત્વનો ફાળો આપ્યો. એમ.એ. થયા પછી મુંબઈના, ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે જોડાયેલા. તેમણે ૨૫ વર્ષ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. એમ કહેવાય કે તેમણે ગુજરાતી અધ્યાપકો અને વિવેચકોની એક પેઢીને ઘડી.

અનંતરાય રાવળ બીજા ધોરણમાં હતા ત્યારે મૂળજીભાઈ કરીને એક શિક્ષકે ‘સરસ્વતીચંદ્ર’ની વાત કરેલી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર’નું આકર્ષણ ત્યારથી થયેલું. ગોવર્ધનરામ અને ન્હાનાલાલ એમના પ્રિય લેખકો રહ્યા છે. તેમનો પહેલો લેખ કૉલેજના મૅગેઝિનમાં પ્રગટ થયેલો. એ લેખ ન્હાનાલાલ ઉપરનો હતો. તેમણે ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ અને ‘ઊર્મિ અને નવરચના’માં ઘણા લેખો લખ્યા છે. રાવળસાહેબ વિવેચનને ‘ધરમનો કાંટો’ કહે છે. રાવળસાહેબે અનુવાદ, સંપાદન અને વિવેચનનાં પુસ્તકો આપ્યાં છે. ‘સાહિત્યવિહાર’ (૧૯૪૬), ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્ય વિવેક’ (૧૯૫૮), ‘સાહિત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙ્‌મય’ (૧૯૬૭), ‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪), ‘અનુદર્શન’ (૧૯૮૮) તેમના વિવેચનસંગ્રહો છે. તેમના અભ્યાસગ્રંથ, લેખ-પ્રવચનસંગ્રહ અને ઇતિહાસગ્રંથમાં અનુક્રમે ‘કવિવર્ય ન્હાનાલાલ’ (૧૯૮૫), ‘ઉપચય’ (૧૯૭૧) અને ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ’ને ગણાવી શકાય. તેમના આ ગ્રંથોમાંથી તેમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને ઊંચી સૂઝ દેખાઈ આવે છે. તેમણે કરેલાં સંપાદનોમાં ‘બોટાદકરની કાવ્ય-સરિતા’ (૧૯૫૬), ‘ન્હાનાલાલ મધુકોશ’ (૧૯૫૯), ‘નળાખ્યાન’ (૧૯૬૦), ‘ગુજરાતીનો એકાંકીસંગ્રહ’ (૧૯૬૦), ‘સ્નેહમુદ્રા’ (૧૯૬૦), ‘ચંદ્રહાસ આખ્યાન’ (૧૯૬૧, અન્ય સાથે), ‘મદનમોહના’ (૧૯૬૬), ‘કલાપીનો કાવ્યકલાપ’ (૧૯૭૪), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તાઓ’ – વગેરે. રાવળસાહેબે યુગમૂર્તિ નવલકથાકાર ર. વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’નો સંક્ષેપ કરી આપ્યો છે. ‘ટૉલ્સ્ટૉયની નવલિકાઓ’ અને ‘પ્રેમચંદ’ એ તેમના અનુવાદનાં પુસ્તકો છે. ‘આહારવિજ્ઞાન’ ‘રામ અને રામાયણદર્શન’ જેવાં પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યાં છે. ૧૯૫૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. રાવળસાહેબે ગુજરાત કૉલોજ ઉપરાંત ૧૯૫૯-૬૦ દરમિયાન જામનગરની ડી.કે.વી. કૉલેજમાં આચાર્યપદ, દસ વર્ષ સુધી ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની કામગીરી કરી અને ૧૯૭૦માં ભાષાનિયામકના પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એક વર્ષ એ ભવનના નિયામક પણ રહેલા. રાવળસાહેબે સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાઓ આપી હતી. સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ સમિતિ, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા વગેરે સંસ્થાઓમાં તેમણે સેવાઓ આપી હતી. ૧૯૭૯માં વડોદરામાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા. તેમનું અવસાન ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ અમદાવાદમાં થયેલું. વક્તવ્ય સર્જકો, વિવેચકો અને ભાવકો તરીકે વાગીશ્વરીના ઉપાસક સહધર્મીઓ. आदिक्षान्ता, अक्षयमूर्त्या, विलसन्ती, शब्दब्रह्मानंदमयी અને तडिदाभा કહી આદિ શંકરાચાર્યે જેની સ્તુતિ કરી છે તે પરમ શક્તિના વાગીશ્વરી-સ્વરૂપનું સ્મરણવંદન કરી, જે પ્રથમ શબ્દો મારે ઉચ્ચારવાના થાય છે તે આભારની લાગણીના છે. ગોવર્ધનરામ કેશવલાલ ધ્રુવ, નરસિંહરાવ, આનંદશંકર, રમણભાઈ, ગાંધીજી, મુનશી આદિએ શોભાવેલા આ સ્થાને ઊભતાં અંતરમાં થતો ક્ષોભ-સંકોચ હું જ જાણું છું. એ માટેની મારી લાયકાત શી? સિવાય સાડાચાર દાયકાનું સાહિત્યવાચન, એનું સાડાત્રણ દાયકાનું અધ્યાપન અને એને નિમિત્તે જે થોડુંઘણું લખી શકાયું તે? એ જે લખાયું-છપાયું છે તેય વિવેચન, સંપાદન, ચયન અને સાહિત્યના ઇતિહાસલેખનનું, સર્જક અને સર્જનના આ કાળમાં કેટલાકને કહેવું ગમશે એવું પરોપજીવી પ્રકારનું. સર્જનાત્મક તો સમ ખાવા પૂરતું એક કાવ્ય, ત્રણ વાર્તાઓ અને સાતઆઠ હળવા નિબંધો સિવાય કંઈ નહિ. અભિલાષા હતી તો એ એક જ, નરસિંહરાવ જેવા દુરારાધ્ય મનાયેલા પરીક્ષકને હાથે એમ.એ. પરીક્ષામાં મળેલા જશને તથા તેના જ ફળ રૂપે મળેલા ગુજરાત કૉલેજમાંના કેશવલાલ ધ્રુપના આસનને પાત્ર ઠરવાની અને બન્યા રહેવાની. અનુષંગે થઈ શકેલ લેખન-પ્રકાશન પાછળની વૃત્તિ કે ભાવના હતી ગુજરાતના સાહિત્યમંદિરની અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતીનું ગંધાક્ષતાદિ ઉપચારથી પૂજન કરવા ઇચ્છતા ભક્ત કે પૂજારીની. એવા માણસનું થોડું કર્યું ઘણું માની તેનું જ એક નામ સૂચવાયાના અકસ્માતે અને તેને માન આપતા પરિષદના બંધારણે આપની વચ્ચેથી ઊંચકી મને અહીં આપ સૌની સામે ઉપસ્થિત કર્યો છે. ‘મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે’ એ પ્રેમાનંદના સુદામાના આભાર-ગદ્‌ગદ શબ્દોમાં જ મારો હૃદયભાવ મારે એ માટે અત્યારે વ્યક્ત કરવાનો રહે છે. જેની સ્થાપના તેની પહેલી નિમંત્રક અને આયોજક અમદાવાદની ગુજરાતી સાહિત્યસભાના ઉત્સાહભર્યા પ્રયાસથી થઈ હતી તે આપણી આ પરિષદનું ત્રીસમું અધિવેશન તે પંચોતેર વર્ષની વયે પહોંચી અમૃત મહોત્સવની અધિકારી બને છે તે વર્ષે ગુજરાતના આ બીજા મહત્ત્વના શહેર વડોદરામાં તેની પ્રેમાનંદ સાહિત્ય સભાના હોંસીલા નિમંત્રણથી મળે છે એ સુખદ યોગ ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહિ. સ્વરાજ્યપ્રાપ્તિ પછી ગુજરાત રાજ્યની સ્થાપના વેળા તેની રાજધાની કે પાટનગર માટે અમદાવાદ ભેગું વડોદરાનુંય નામ થોડો વખત ગંભીરતાથી સૂચવાયું અને વિચારાયું હતું. ભૌગોલિક દૃષ્ટિએ તે ગુજરાતની મધ્યમાં, તેમજ ગુજરાતના પ્રમુખ રાજવી ગાયકવાડોની રાજધાની રહેલી હોઈ કચેરીઓ માટે તૈયાર મકાનોની તથા વિશેષ જગ્યાની સગવડ પણ ત્યાં સુલભ, એ દૃષ્ટિ એની પાછળ હતી. રાજા સુશિક્ષિત, ભાવનાશીલ અને પ્રજાવત્સલ હોય અને તેને એવા જ ગુણો ધરાવતો દૃષ્ટિમંત પ્રધાન કે દીવાન મળ્યો હોય, તો એ બેઉનો સહયોગ પડખેની બ્રિટિશ હકૂમત કરતાં દેશી રાજ્યોને વધુ પ્રગતિ સાધતા દેખાડી શકે, એ મણિરાજ અને વિદ્યાચતુરનાં પાત્રો અને રત્નનગરીના કારભારના મૂર્ત ઉદાહરણથી તેમજ વિદ્યાચતુરના શબ્દોથી ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં સારી રીતે બતાવ્યું છે. ત્રીજા સયાજીરાવ ગાયકવાડના રાજ્ય-અમલમાં ગુજરાતને એ પ્રત્યક્ષ જોવા મળેલું છે. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, અંત્યજશાળાઓ અને પુસ્તકાલય-સેવામાં ઘણાં દેશી રજવાડાં તેમજ પડોશની બ્રિટિશ હકૂમત કરતાં વડોદરા આગળ હતું. કૉલેજ, કલાભવન, ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, સંગીત વિદ્યાલય, સંસ્કૃત વિદ્યાલય, વ્યાયામશાળાઓ — આ બધાં પણ રાજ્ય અને રાજવીની સંસ્કારપ્રિયતા અને પ્રગતિશીલતાના પુરાવા બની રહે એવાં છે. એવા વડોદરાની સાહિત્યસેવા પણ નોંધપાત્ર કોટિની છે. જૂની હસ્તપ્રતોના પાટણના જેવા ભંડારો તથા પ્રાચ્યવિદ્યા મંદિર પાસેના સંગ્રહોની વ્યવસ્થિત યાદીઓ અંગે મણિલાલ દ્વિવેદી અને ચીમનલાલ દલાલ જેવાઓ પાસે કરાવાયેલ કામ : ગુજરાતી સાહિત્યની સંશોધન-પ્રકાશન માટે ફાળવાયેલી માતબર રકમ અને તેમાંથી કેટલાંક વર્ષ ચાલેલી ‘પ્રાચીન કાવ્ય’, ‘ત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’ની પ્રવૃત્તિ : સયાજી બાલજ્ઞાનમાળા તથા સયાજીજ્ઞાન મંજૂષાનાં પુસ્તકો : આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાન પાસે રાજ્યે લખાવેલાં હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાન પરનાં પુસ્તકો : ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રગટ થયેલા શાસ્ત્રગ્રંથો : હવે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના અંગ તરીકે ચાલતા પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી પ્રગટ થયેલા વાલ્મીકિના ‘રામાયણ’ની પ્રમાણભૂત શાસ્ત્રીય શુદ્ધ વાચના અને ‘પ્રાચીન ગુર્જર ગ્રંથમાલા’નાં સંપાદનો – પ્રકાશનો – આ બધું કૃતજ્ઞ ભાવે તરત સ્મરણે ચડી આવે. ધર્મ-સંસ્કારના ક્ષેત્રે, શ્રેયઃસાધક અધિકારી વર્ગનાં ‘મહાકાલ’, ‘સદુપદેશ શ્રેણી’ અને ‘શ્રેયઃસાધક’ સામયિકોએ અને સાહિત્યક્ષેત્રે મટુભાઈ કાંટાવાળાના ‘સાહિત્ય’ માસિકે તથા ખાસ તો પ્રેમાનંદ, શામળ અને અખા પરનાં વિશેષાંકો ને પુસ્તકોથી પ્રેમાનંદ સાહિત્ય સભાએ તેના મુખપત્ર ‘સાહિત્યકાર’ દ્વારા બજાવેલી સાહિત્યસેવાનો જશ આ શહેરને જાય છે. કેટલોક સમય ‘શારદા’, ‘નવચેતન’ અને ‘સંસ્કૃતિ’ માસિકોનું તેમ ‘ક્ષિતિજ’નું પ્રકાશન અહીંથી થયેલું અને હાલ મ. સ. વિશ્વવિદ્યાલયનું ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિક, ‘વિશ્વમાનવ’ માસિક અને ‘ભૂમિપુત્ર’ દશવારિક અહીંથી જ પ્રગટ થાય છે. જેમની સાહિત્યસેવા આ શહેરમાંથી ગુજરાતને પ્રાપ્ત થઈ છે તેમનાં નામની યાદી તો ખાસી લાંબી થાય, જેમાં વર્ષો સુધી ગુજરાતનો હૃદયરાજવી રહેલ પ્રેમાનંદ, નૃસિંહાચાર્ય અને ઉપેન્દ્રાચાર્ય તથા હરગોવિંદદાસ અને મટુભાઈ એ પિતા-પુત્રોની જોડીઓ, છોટાલાલ ભટ્ટ અને છોટાલાલ શાહ – ‘વિશ્વવંદ્ય’, જયસુખલાલ જોષીપુરા, મંજુલાલ મજમુદાર, રમણલાલ દેસાઈ, હંસાબહેન મહેતા, ભોગીલાલ સાંડેસરા, કિસનસિંહ ચાવડા અને સુરેશ જોષીનાં નામો તરત હોઠે આવી જાય. આવી સંસ્કારનગરીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના સમૈયાને ત્રીજી વાર નોતરે છે તે એને છાજે જ છે. આપણી પરિષદનું આ ત્રીસમું અધિવેશન છે. આગળનાં ૨૯ અધિવેશનોની કાર્યવાહીમાં પરિષદે કરેલ પ્રગતિનો આલેખ જોઈ શકાય. આવી સાહિત્યને લગતી પરિષદ ભરવાનો વિચાર આમ તો પ્રથમ નર્મદને અને પછી મણિલાલને સ્ફુરેલો, પણ એને મૂર્ત રૂપ આપ્યું રણજિતરામ પ્રેરિત ગુજરાત સાહિત્ય સભાએ ઈ. સ. ૧૯૦૫માં. એ વર્ષે ભરાયેલી આપણી પરિષદ દેશની ભગિનીભાષાઓની એવી પરિષદો કરતાં (મરાઠી કરતાં એક, બંગાળી કરતાં બે અને હિંદી કરતાં પાંચ વર્ષ) વહેલી અને પહેલી હોવાનું અભિમાન ગુજરાત લઈ શકે. ગુજરાત સાહિત્ય સભાના ઉત્સાહી મંત્રી અને પ્રમુખ રમણભાઈએ પરિષદની સ્થાપનાનો વિચાર ગોવર્ધન, આનંદશંકર, નરસિંહરાવ આદિ મોવડીઓ આગળ રજૂ કર્યો હશે ત્યારે બતાવાઈ હશે તે શંકા કે અશ્રદ્ધા ખોટી ઠરી અને પરિષદ ભરાઈ, અને તે પછી બબ્બે (કોઈક વાર ત્રણ) વર્ષે ભરાતી રહી છે. ‘આ યુગ રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે’ એમ કહી ‘આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબદ્ધ નિયમ (Rhythmic law)ના બળથી ઊભી થઈ છે.’ એ શબ્દોમાં તેની આવશ્યકતા પહેલા પ્રમુખ ગોવર્ધનરામે બતાવી હતી. જીવનને લગતા આર્થિક, સામાજિક, રાજકીય પ્રશ્નો અને પ્રવર્તમાન સમકાલીન પરિસ્થિતિ વચ્ચે સાહિત્યની ચર્ચાના આવા સમારંભોના વાજબીપણા કે જરૂર વિશે શંકા ઉઠાવી બીજા બે પ્રમુખો નરસિંહરાવ દિવેટિયા અને રામનારાયણ પાઠકે (અને હમણાં શ્રી લાભશંકર ઠાકર ને શ્રી રઘુવીર ચૌધરીએ) તેનો ઉત્તર આપી જ દીધો છે, પરિષદને એક-બે મંત્રી, કાયમી કમિટી અને નાણાંની સગવડ કરી સ્થાયી રૂપ આપવાનું સૂચન ત્રીજા પ્રમુખ અંબાલાલ દેસાઈએ કરતાં તેમ થયું. પરિષદનું ભંડોળ થયું. તેની સમિતિ સ્થપાઈ ને તેની પ્રકાશનપ્રવૃત્તિ પણ શરૂ થઈ. એ પછી પરિષદમંડળ થયું, જેના નિયમોમાં સુધારાવધારાની જરૂર જણાતાં તેને સમાવી લેતું બંધારણ ઘડી તેને રજિસ્ટર્ડ સંસ્થા બનાવાઈ. આરંભમાં જેમ રણજિતરામે તેમ પછીના ગાળામાં બલવંતરાય ઠાકોરે અને કનૈયાલાલ મુનશીએ પોતપોતાની સૂઝ પ્રમાણે પણ ભાવના અને નિષ્ઠાપૂર્વક પરિષદ અને તેના કાર્યને સ્થિર કરવાનો તેમજ વિસ્તારવાનો જે પ્રયાસ કર્યો તેની નોંધ લીધા સિવાય ચાલે નહિ. અનુભવે જરૂરી જણાતું ગયું તેમ પરિષદના બંધારણને સુધારવાના પ્રયાસ થઈ વીસ વર્ષ ઉપર તેને વધુ વ્યવસ્થિત અને લોકશાહીને અનુરૂપ સ્વરૂપ અપાયું છે. અનુભવે જરૂરી જણાતા નાનામોટા સુધારા તેમાં હજુય થતા રહેશે. કેટલાક અત્યારે વિચારાઈ પણ રહ્યા છે. એનાં અધિવેશનોના પ્રમુખોનાં અને અમુક કાળ પછી તે સાથે તેના વિભાગીય પ્રમુખોનાં વ્યાખ્યાનો, અધિવેશનો વેળા વંચાયેલા અને પછી એના હેવાલોમાં છપાયેલા નિબંધો, થયેલા ઠરાવો, કેટલાક અનુવાદો તથા અન્ય પ્રકાશનોની તેની પ્રવૃત્તિ, છેલ્લા બંધારણ પછી દ્વિવાર્ષિક અધિવેશનો વચ્ચે યોજાતાં રહેલાં જ્ઞાનસત્રો અને એ બંનેમાં વધેલાં સાહિત્યરસિકોનાં રસ અને હાજરીએ ગુજરાતી સાહિત્ય પરિષદની ઉપયોગિતા કે સાર્થકતા સિદ્ધ કરી આપી છે. પરિષદ એકલા સાક્ષરમંડળ માટે જ નહિ, સૌ ગુજરાતીભાષીઓ માટે હોવી જોઈએ એવો અભિપ્રાય તેના એક પ્રમુખ હરગોવિંદદાસ કાંટાવાળાએ દર્શાવ્યો હતો. બીજા એક પ્રમુખ નરસિંહરાવે તેના સભ્યના અધિકારમાં વિશિષ્ટ વિદ્યાદિકની આવશ્યકતા જણાવી, એ દૃઢ મર્યાદાને થોડીક શિથિલ ભલે કરાય, પણ ‘ગમે તે વર્ગનો સંગ્રહ’ કરીને પરિષદને ‘સંકુલ મેળો બનાવવી નહિ’ એવી સલાહ આપી હતી. દ્વિવાર્ષિક અધિવેશન તથા પ્રતિવાર્ષિક જ્ઞાનસત્રની યોજનામાં અને મધ્યસ્થ સભાના સભ્ય તથા પરિષદના ડેલિગેટ બનવા માટેના ચાલુ નિયમોમાં આ બેઉ દૃષ્ટિબિંદુને સંતોષવાની જોગવાઈ થયેલી જણાશે. આપણી પરિષદના ઉદ્દેશ, કાર્યક્ષેત્ર અને કર્તવ્યો વિશે તેનાં પુરોગામી અધિવેશનોના ઘણા પ્રમુખો પોતાના વિચાર પ્રમુખીય વ્યાખ્યાનોમાં દર્શાવતા રહ્યા છે તે પરિષદ પાસે અને તેને માટે તેમણે સૌએ રાખેલી અપેક્ષા કેવી ઊંચી હતી તે બતાવે છે. સાહિત્યના કાવ્યાત્મક એટલે સર્જનાત્મક શુદ્ધ પ્રકારને નિરપેક્ષ અને શાસ્ત્રસાહિત્યને એટલે તેના બોધાત્મક લલિતેતર પ્રકારને સાપેક્ષ કહી, પહેલા પ્રમુખ ગોવર્ધનરામે ‘સાહિત્ય’ શબ્દમાં એ બેઉનો સમાવેશ કરી ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ અને વૃદ્ધિ-વિકાસને પરિષદનો ઉદ્દેશ જણાવ્યો હતો તેને અનુગામી પ્રમુખોએ અનુમોદન આપ્યું છે. પરિષદના બંધારણે એને નજરમાં રાખી પરિષદનાં કાર્યો વિગતે સ્પષ્ટ કર્યાં છે. ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા મુનશીએ પરિષદ અંગેની પોતાની ભાવના નીચેના શબ્દોમાં વ્યક્ત કરી છે. ‘રણજિતરામે સાહિત્ય પરિષધને ને ગુજરાતી સાહિત્યને સંસ્કારનું મંદિર કલ્પ્યું હતું; મને એ ગુજરાતી અસ્મિતાની પ્રયોગશાળા રૂપે દેખાઈ છે. અહીં ગુજરાતીઓ રાજકીય ને ધાર્મિક ભેદો છોડી ગુજરાતી તરીકે ભેળા મળી શકે; ગુજરાતના સાહિત્યરસિકો એમાં સરસતાની લહાણ કરી શકે; ગુજરાતી વિદ્વાનો ને કલાકારો અહીં આદર્શો અને પદ્ધતિની આપ-લે કરી શકે; ગુજરાતનું જીવન સાહિત્ય, નાટક, નૃત્ય, સંગીત ને કલા દ્વારા સર્વાંગસુંદર બનાવવાના પ્રયત્નો અહીં થઈ શકે; ગુજરાત ને મહાગુજરાતમાં વસનારાઓને એ દ્વારા સામુદાયિક અસ્મિતાની સિદ્ધિ સાંપડી શકે.’ પરિષદના ૨૦મા અધિવેશનના પ્રમુખ કાકા કાલેલકરે અપેક્ષાની સીમા વિસ્તારતાં કહ્યું છે : ‘ગુજરાતી પ્રજાનો અથવા ગુજરાતી ભાષા વાપરનાર લોકોનો સમગ્ર પુરુષાર્થ સાહિત્યના ક્ષેત્રમાં કેમ પ્રતિબિંબિત અને વિકસિત થાય એનું ચિંતન કરનારા તેમજ સક્રિય સેવા દ્વારા એને સંગઠિત કરનારા લોકોનો સમુદાય – એવી આ સંસ્થાની નવી વ્યાખ્યા આપણે કરવી જોઈએ.’ સ્વરાજ્યની હવામાં આરંભાયેલા રાષ્ટ્રોત્કર્ષના પુરુષાર્થની સમાન્તરે ગુજરાતી પ્રજાનો સર્વાંગીણ વિકાસ સાધવામાં ગુજરાતી ભાષા અને સાહિત્ય પોતાનો યોગ્ય અને સક્રિય ફાળો કઈ કાર્યસાધક રીતે આપી શકે તે વિચારવાનું અને તેને અનુવર્તવાનું કાર્ય તેમણે આમ પરિષદને ભળાવ્યું છે. તો પરિષદના ૨૫મા અધિવેશનના પ્રમુખ ‘સુંદરમે’ આપણા સર્વ સાહિત્યસર્જકો, તત્ત્વચિંતકો, જીવનદ્રષ્ટાઓ અને આપણા સૌની વચ્ચે ‘નિકટતર સંપર્કથી સૌના ઉત્તમોત્તમના વિનિમય અને ઊંડા સૌહાર્દ દ્વારા પૂર્ણ સંવાદમાં અને પૂર્ણ સત્યમાં પહોંચેલો કે પહોંચવા મથતો સાહિત્યસંઘ’ પરિષદ બની રહે તેવી અભીપ્સા સેવી છે. આનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે આપણી પરિષદ આવી અપેક્ષિત કામગીરી બજાવી શકે એવાં અનુકૂળ સાધન-સંજોગો તેને હવે પ્રાપ્ત થવામાં છે. કેટલાંક વરસથી પરિષદે ઊભા કરેલા મકાન-ભંડોળ અને રાજ્ય સરકાર તરફથી મળેલી જમીન તથા ઉદાર આર્થિક સહાયથી પરિષદ તેની વર્તમાન જરૂરત અને ભાવિ પ્રવૃત્તિઓ માટેની સગવડ ઉપલબ્ધ કરતું પરિષદભવન તૈયાર થવા માંડ્યું છે. સાહિત્યકોશ જેવો ઉપયોગી સંદર્ભગ્રંથ તૈયાર કરવા માટે પણ રાજ્ય સરકારે સારી રકમ ફાળવી છે. પરિષદ પોતાના અસ્તિત્વને સાર્થ ઠરાવી મુનશી, કાકાસાહેબ અને ‘સુંદરમ્’ની ભાવનાને મૂર્ત કે અમલી સ્વરૂપ આપવામાં પ્રધાન સાધન બનતું કેન્દ્ર બને, આપણે સૌ તેને એવી બનાવીએ, એમ કરવાનો ભાર હવે આપણા સૌને માથે આવે છે. આનંદશંકર ધ્રુવે પરિષદના નવમા અધિવેશન પ્રસંગે કહ્યું હતું – ‘હવે પરિષદનો ઊર્મિકાળ બલ્કે પાંડિત્યકાળ પણ ગયો છે અને કર્મકાળ, ઊર્મિથી નહિ પણ વિચારથી અને દૃઢતાથી કામ કરવાનો કાળ આવ્યો છે’ – તે અત્યારે બેવડું પ્રસંગોચિત બને છે. બોંતેર વર્ષ પૂર્વે પરિષદના બીજા અધિવેશનના પ્રમુખ કેશવલાલ ધ્રુવે. ‘જે વિશુદ્ધ ભાવનાવાળું અને ઉપયોગી જ્ઞાનવાળું અલ્પ મૂલ્ય૪ સાહિત્ય એકેએક ગામ જ્યાં ગુજરાતી નિશાળ હોય ત્યાં મફત છૂટથી વહેંચી સાહિત્યની ગંગા આંગણે આંગણે વહેતી કરે, જે વધારે મૂલ્યનાં પુસ્તકોની અવેતન જંગમ પુસ્તકશાળા સ્થાપી સંગીન જ્ઞાનનો પ્રચાર કરે, જે ભાષણોથી ને નિબંધોથી લોકોનાં હૃદય કેળવે અને સત્પ્રવૃત્તિનો સદુપયોગ જાગ્રત કરે, જે સ્વકાર્યરસિક પગારદાર પુરુષો દ્વારા શોધખોળ ચલાવે; ટૂંકામાં, સાહિત્યની સંગ્રાહક, સંરક્ષક, સંવર્ધક, પ્રચારક ને અધ્યાપક મંડળી નીવડે.’ એવી ‘સર્વતોમુખી ઉત્તેજન આપનારી સાધનસંપન્ન સાહિત્યપીઠ’ સ્થાપવાની જરૂર પુરસ્કારી હતી. પરિષદને એવી સાહિત્યપીઠ બનાવી તેની દ્વારા આગળ ટાંકેલ મહાનુભાવોની અપેક્ષાઓ સંતોષવાનો પુરુષાર્થ આદરવાનું પરિષદભવનની સગવડથી વિશેષ સ્થાયી અને નક્કર સ્વરૂપ પામતી પરિષદ માટે હવે તેનું પ્રધાન કર્તવ્ય બની રહેવું જોઈએ. એ ટાણે, જૂજ અપવાદો સિવાય બધા પુરોગામી પરિષદપ્રમુખોએ પરિષદને ચીંધેલાં તેણે કરવાનાં કાર્યોમાંથી શું, કેટલું, થયું છે અને કેટલામાં પ્રવૃત્તિ કરવાની કે વધારવાની રહે છે તેનું સરવૈયું કાઢવાની જરૂર ઊભી થાય છે. તેનું ગત પંચોતેર વર્ષમાં પરિષદપ્રમુખોનાં સૂચનોમાંથી બધાંનો અમલ પરિષદ પાસે વિપુલ નાણાભંડોળ, પગારદાર કાર્યકરો અને પોતાના મકાન જેવી સગવડો ન હોવાથી તેનાથી થઈ શકે તેમ હતું નહિ. તેમ છતાં થઈ શક્યો તેટલાંનો તેણે એવી પરિસ્થિતિમાં કર્યો છે, તો કેટલાંક સૂચનોનો અમલ અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ, રાજ્ય વગેરે દ્વારા યથાશક્તિ થયો છે એમ એ સરવૈયું દેખાડી શકે તેમ છે. પરિષદનાં સાત અધિવેશનો સુધી બધા પ્રમુખોની ચિંતા અને સલાહનો વિષય હતો જોડણીનો – સરકારી શિક્ષણ ખાતાના પ્રયાસ કરતાં ગાંધીજીના પ્રેરણાત્મક આદેશથી તૈયાર થયેલા ગૂજરાત વિદ્યાપીઠના ‘જોડણીકોશે’ અને એની સંવર્ધિત થતી રહેલી સાર્થ આવૃત્તિઓએ એ તકરારી કે કંટકિત પ્રશ્ન ઉકેલી આપ્યો છે. પરિણામે ‘બાર ભૌયા ને તેર ચૌકા’ જેવી એતદ્‌વિષયક પરિસ્થિતિનાં અંત આવી ગુજરાતી ભાષાની જોડણીએ સર્વમાન્ય વ્યવહારુ એકરૂપતા સિદ્ધ કરી છે. એક ભાષા અને એક લિપિનો દેશની એકતાના લાભમાં આપણી પરિષદમાં સિત્તેર વર્ષ ઉપર વિચાર થયો હતો એ ધ્યાન ખેંચે એવી વાત છે. ગુજરાતી ભાષા અને સાહિત્યનો એ ઐક્યની ભાવનાની વેદિ પર ભોગ ન અપાય એમ કહી ગુજરાતી પુસ્તકો દેવનાગરી લિપિમાં છાપવાની હિમાયત બેત્રણ પ્રમુખોએ કરી છે, જેનો અમલ ‘રણપિંગલ’, ‘કાન્હડદે પ્રબંધ’, ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’, ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’, ‘બૃહત્ પિંગલ’ જેવાં પુસ્તકોનાં દેવનાગરી મુદ્રણથી થયો છે. હાલ ‘ભૂમિપુત્ર’ પણ વિનોબાજીના એવા આગ્રહથી એ લિપિમાં છપાય છે. પરિષદના તેરમા અધિવેશનના મુનશીએ ગુજરાતી તેમ દેવનાગરી લિપિની સુધારણાનો પ્રશ્ન વિચારવા માટે સૂચવ્યો હતો. પરિષદે પોતે નહિ, પણ કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર અને વિનોબાએ તેમજ વડોદરા રાજ્યે નીમેલી એ અર્થેની એક સમિતિએ એ સંબંધી થોડો વિચાર કરી સૂચવેલા સુધારા મુજબ છાપવાનું થોડો થોડો વખત અજમાયશ દાખલ શરૂ થયું હતું, પણ એ સુધારા હજુ સર્વમાન્ય થયા નથી. દેવનાગરી લિપિનો ઉપયોગ ભાષાઓને નજીક લાવવા આગળ વધે અને ઝડપથી લખવાની અનુકૂળતા સારુ તેની શિરોરેખા છોડી દેવાય, તો કલમ અક્ષરે અક્ષરે ઊંચક્યા વિના ત્વરિત ગતિએ લખવા જતાં એના અક્ષરો નીચે વળાંકવાળા ગુજરાતી અક્ષરો જ બની જવાના. બદલામાં એવી રાષ્ટ્રીય લિપિગત એકતાના હિતમાં ગુજરાત દેવનાગરીથી જુદા પડેલા તેના પાંચ-છ અક્ષરોને દેવનાગરી બનાવવામાં આનાકાની નહિ કરે. હસ્તપ્રતો, સિક્કા, શિલાલેખો, વહી-દસ્તાવેજો વગેરેનાં સંગ્રહને જાળવણી માટે થયેલા સૂચનનો અમલ ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ ગુજરાતી સભા, પ્રાચ્યવિદ્યા મંદિર – વડોદરા, લા. દ. ભારતવિદ્યા ઇન્સ્ટિટ્યૂટ – અમદાવાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે સંસ્થાઓ અને પુણ્યવિજયજી તથા જિનવિજયજી જેવી વ્યક્તિઓ વડે ઠીક પ્રમાણમાં થયો છે. એવી સંસ્થાઓએ પોતાની પાસેની હસ્તપ્રતોની યાદીઓ પણ પુસ્તકો રૂપે છપાવી છે. લોકસાહિત્યના સંગ્રહ-સંપાદન અર્થે થયેલાં સૂચન રણજિતરામ, મેઘાણી આદિ વ્યક્તિઓ વડે થયેલાં તે સંબંધી કાર્યથી સંતોષાયું ગણાય. સૌરાષ્ટ્ર રાજ્યની લોકસાહિત્યની તાલીમસંસ્થા તથા ગુજરાત રાજ્યની લોકસાહિત્ય સમિતિનો પણ અત્રે ઉલ્લેખ કરી શકાય. કોશ પરત્વે ‘ભગવદ્‌ગોમંડલ કોશ’ અને વ્યાકરણ પરત્વે હવે કેટલાંક પુસ્તકો તથા ભાષાવિજ્ઞાન અંગે થયેલ કાર્યથી તે અંગે થયેલાં સૂચનો વેળા હતી તે સ્થિતિ સુધરી હોવાની કહી શકીએ તેમ છીએ. પદાર્થવિજ્ઞાનની ગુજરાતી પરિભાષા તૈયાર કરવાની સૂચનાથી વધુ કામ વડોદરા રાજ્ય, પોપટલાલ શાહ અને ગુજરાત યુનિવર્સિટી વડે થયું છે. સ્ત્રીઓ માટેના સાહિત્યમાં નૃસિંહાચાર્યજીના ‘ભામિનીવિલાસ’ અને અમૃતલાલ પઢિયારનાં ‘સ્વર્ગ’નાં પુસ્તકો જેવું અલગ સાહિત્ય બહુ નથી લખાયું – જોકે રસોઈ ને વાનગીઓના પાકશાસ્ત્ર સંબંધી પુસ્તકો ઠીક સંખ્યામાં બહાર પડતાં રહ્યાં છે, પણ ‘સ્ત્રીબોધ’, ‘ગુણસુંદરી’, ‘સ્ત્રીજીવન’ જેવાં માસિકો અને હવે તો ‘સ્ત્રી’, ‘શ્રી’ અને ‘સુધા’ જેવાં સાપ્તાહિકો પ્રગટ થતાં આવ્યાં છે. બાળકો માટેના સાહિત્ય અંગે થયેલ સૂચનનો અમલ વડોદરા રાજ્ય તથા ગિજુભાઈ અને અન્ય બાળસાહિત્ય-લેખકો અને પ્રકાશકો દ્વારા થયો છે, અને હરિ ૐ આશ્રમનાં દાનથી એ દિશામાં કામ ચાલી રહ્યું બતાવી શકાય તેમ છે. ગુજરાતી દ્વારા શિક્ષણની, યુનિવર્સિટીના પદવી-પરીક્ષાઓના અભ્યાસવિષયોમાં ગુજરાતીને મળવા જોઈતા સ્થાનની, ગુજરાત અને વડોદરા માટે સ્વતંત્ર યુનિવર્સિટીઓની અને યુનિવર્સિટીશિક્ષણની બોધભાષા ગુજરાતી રાખવાની તથા તેમાં બધા વિષયોનાં પાઠ્યપુસ્તકો રચાવવાની પરિષદના એકથી વધુ પ્રમુખોએ કરેલાં સૂચનો હવે અણપળાયાં રહ્યાં નથી. સરકારી વ્યવહાર અને વહીવટની ભાષા ગુજરાતી બનાવવાની પરિષદના બે પુરોગામી પ્રમુખોની હિમાયત પણ વર્તમાન પ્રજાકીય ગુજરાત સરકારે ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે અમલી બનાવી છે. ઉત્તમ ગ્રંથો ને તેના લેખકોની પ્રોત્સાહક કદર પરિષદે કરવાના સૂચનના અમલ પરત્વે થઈ શકેલી પ્રવૃત્તિમાં ગળિયારા પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, મહિકા પારિતોષિક, ન્હાનાલાલ પારિતોષિક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક અને હરિ ૐ આશ્રમના દાનથી પરિષદ દ્વારા હાલ અપાતાં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક અને નિવેદિતા પારિતોષિકોને હવે ગણાવી શકાય તેમ છે. રાજ્ય સરકાર પણ પ્રતિવર્ષ ઉત્તમ પુસ્તકોને ઇનામ આપે છે. આવું ઘણું પરિષદ બહાર વ્યક્તિઓ, સંસ્થાઓ અને રાજ્ય સરકાર દ્વારા થયું છે. પરિષદપ્રમુખોનાં સૂચનો પરિષદના મંચ પરથી થયેલાં, પણ તેમાં અને પરિષદે અવારનવાર કરેલા ઠરાવોમાં સમસ્ત ગુજરાતની પ્રજાની જરૂરત અને આકાંક્ષાઓ જ વ્યક્ત થતાં હતાં, એટલે પ્રજા સમસ્તનો પુરુષાર્થ તેમાં પ્રવૃત્ત થાય એ સ્વાભાવિક હતું. પરિષદે પોતે પણ પોતાનાથી અમલ કરી શકાય તેવાં સૂચનોનો અમલ કર્યો છે. પરિષદે થોડાક અનુવાદ કરાવ્યા છે અને પ્રકાશનપ્રવૃત્તિ ભલે મર્યાદિત પ્રમાણમાં પણ કરી છે. તેના મુખપત્ર તરીકે માસિક અને અર્ધવાર્ષિક પત્રિકા કાઢવાનાં બે પ્રમુખોએ કરેલાં સૂચન થોડો સમય મુંબઈના તેના ભારતીય વિદ્યાભવન ખાતેના કાર્યાલયથી પ્રગટ થયેલા ‘પરિષદપત્રિકા’થી તથા હવે તેના અમદાવાદના કાર્યાલયથી પ્રગટ થતા ‘પરબ’થી સંતોષવાનો પ્રયાસ તેણે કર્યો છે. બૃહદ્ ગુજરાત સાથે સંપર્ક રાખવા – વધારવાના સૂચનનો પરિષદનાં અધિવેશનો કરાંચી, કલકત્તા, દિલ્હી અને મદ્રાસ ભરીને તેણે અમલ કર્યો છે. પરિષદ પારસી, મુસ્લિમ અને ખ્રિસ્તી ગુજરાતીભાષી કોમોના લેખકોના સાહિત્ય પર કુમળી નજર રાખતી રહી તેમનો સાથસહકાર સાધતી રહે તેવી સૂચના સાથે ઘણા પુરોગામી પ્રમુખોએ એમના સાહિત્યની નોંધ પણ સહૃદયતાપૂર્વક લીધી છે અને પરિષદે કવિશ્રી ખબરદારને એક અધિવેશનના પ્રમુખ તરીકે ચૂંટીને તેમની સાહિત્યસેવાની કદર કરી છે. એવી બિન-હિંદુ કોમોના લેખકોની ઉત્તમ કૃતિને પારિતોષિકથી નવાજવાની કાકા કાલેલકરપ્રેરિત યોજનાનો તે અમલ પણ કરી રહી છે. દેશની બીજી ભાષાઓની આ પ્રકારની પરિષદો સાથે સંપર્ક – સહયોગ રાખવાના એક પ્રમુખના સૂચનનો એવો ને પૂરો અમલ તેનાથી થઈ શક્યો નથી, તેમ છતાં આપણી પરિષદે પોતે ગુજરાત બહાર જાય ત્યાં એ પ્રદેશની ભાષાના સાહિત્યકારોને બોલવા નિમંત્રવાનું શરૂ કર્યું છે તેમાં પેલા સૂચન પાછળની ભાવનાનો સ્વીકાર જોઈ શકાય. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભાષાવાર રાજ્ય-રચનાની વિચારણા શરૂ થવાની હવામાં આબુ, ડુંગરપુર – વાંસવાડા, ડાંગ અને કોકણપટ્ટીના ઉત્તર વિભાગને લગતી મુંબઈ સુધીના ગુજરાતીભાષી પ્રદેશની સીમા અકબંધ રાખવાની માગણી કરવાનું સૂચન પરિષદના ૧૮મા અધિવેશન વેળા પ્રમુખીય વ્યાખ્યાનમાં થયું હતું. તેનો નિકાલ પ્રવર્તમાન રાજકારણે કરી નાખ્યો હોઈ, હવે મુંબઈ અને કલ્યાણમાં અધિવેશન ભરવા સિવાય અને ઇચ્છા થાય તો ગુજરાતની હદમાં દીવ, દમણ-દાદરા-નગર હવેલીના જૂના પોર્ટુગીઝ વિસ્તારોને ગુજરાત રાજ્યમાં સમાવી દેવાની માગણી પોતે કરવા અથવા રાજ્ય સરકાર તે કરતી હોય તો તેને સમર્થન – ટેકો આપવા સિવાય પરિષદને કાંઈ કરવાનું રહેતું નથી. હવે પરિષદ પોતાના મકાનવાળી અને પ્રજાકીય તેમ રાજ્યની સહાયથી આર્થિક રીતે સધ્ધર સંસ્થા બનવાની સ્થિતિએ પહોંચવા આવી છે ત્યારે તે સક્રિય બની ઘણાં કાર્યો હાથ ધરી પોતાનો પ્રવૃત્તિવિસ્તાર કરી શકે એમ છે. આ બાબતમાં સ્પષ્ટ રીતે સમજી લેવાની વાત નવમા અધિવેશનના પ્રમુખ આચાર્ય આનંદશંકર ધ્રુવે સુંદર ભાષામાં મૂકી આપી છે. તેમણે કહ્યું છે : ‘મનુષ્ય જીવે છે – સુંદરતાથી જીવે છે – તે માત્ર અનાજ ખાઈને જ નહિ; પણ સુંદર વૃક્ષો ઉપરથી લચતાં ફળ ખાઈને પણ… આ રીતે સાહિત્યસૃષ્ટિના બે ભાગ પડે છે : એક અનાજ અને એક ફળ, એક યાંત્રિક યોજના યાને સંસ્થાઓ દ્વારા ઉત્પન્ન થતો જ્ઞાનરાશિ, અને બીજો નૈસર્ગિક રીતે કવિપ્રતિભાના કલ્પતરુ ઉપર ફળ રૂપે જામતો રસપ્રવાહ. આ બેમાંથી રસપ્રવાહ ઉત્પન્ન કરવામાં પરિષદ બહુ ન કરી શકે, અને એ ન કરી શકે એમાં એની હીનતા પણ નથી, કારણ કે એ કાર્ય એના ઉદ્દેશમાં હોઈ જ ન શકે. એનું વિશેષ કાર્ય જ્ઞાનરાશિ ઉપજાવવાનું છે – જોકે જ્ઞાન અને રસ વચ્ચે જેટલો સંબંધ છે તેટલા પૂરતી જ્ઞાનની કરેલી સેવા રસને પણ ઉપકારક થાય છે… પરિષદ પણ કુશળ બાગવાનનું કામ કરે તો કવિપ્રતિભાનાં ફળને પણ તેવાં જ બનાવી શકે…’ ‘તેવાં જ’ એટલે એમણે આગળ વચમાં કહ્યું છે તેમ ‘વધારે રસીલાં અને સુંદર’. વાત સાચી છે. ઉત્તમ સાહિત્યકૃતિઓ કોઈની સરજાવી સરજાતી હોતી નથી. પ્રભુદત્ત પ્રતિભા જ એની જનની હોય છે. આધિદૈવિક પરિભાષામાં બોલવું હોય તો વિશ્વવ્યાપ્ત વિશ્વસંચાલક ચિતિ શક્તિના સ્ફુરણરૂપ સર્જકની ચેતનાનો એ સ્પંદ હોય છે. એને કોઈ બાહ્ય ભૌતિક સાનુકૂળતાઓ કે કોઈ સંસ્થા કે સમુદાયના અવલંબન કે પ્રોત્સાહનની જરૂર હોતી નથી. પણ પ્રતિભાનેય વ્યુત્પત્તિનો સાથ ઇષ્ટ અને જરૂરી ગણાયો છે. શબ્દકોશ, છંદશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, વ્યાકરણ, પુરોગામીઓનો વારસો, સર્જાતું સાહિત્ય, આ બધાનો ખપ એમનેય પડે. અભ્યાસીઓને માટે તો એ ઉપયોગી ઉપકરણો છે જ. પરિષદ ઉભય વર્ગને એવી સંદર્ભસામગ્રી પૂરી પાડવાની સેવા બજાવી શકે. સર્જનમાં મોટા પાયાનું આયોજન શક્ય નહિ, પણ આમાં પંચવર્ષી યોજનાઓ જેવું આયોજન અવશ્ય થઈ શકે. પરિષદ મકાન સાથે પુસ્તકાલય માટે પણ રાજ્યની મદદ મળી છે, એટલે મુંબઈ ખાતેના મરાઠી ગ્રંથ-સંગ્રહાલય જેવું સમૃદ્ધ અને ગુજરાતી ભાષામાં લખાયેલ એકેએક પુસ્તકને સંઘરતું પુસ્તકાલય ઝપાટાબંધ ઊભું કરવાનું આરંભે, એ એનું પહેલું કર્તવ્ય બનવું જોઈશે. એવી જ રાજ્ય-સહાય સાહિત્યકોશ માટે મળી હોઈ તે અંગેની કામગીરી પણ પરિષદે સત્વરે ઉપાડવી રહી છે. એ પછી શબ્દકોશ આવે. એની અગત્ય પરિષદના ઘણા પ્રમુખોએ બતાવ્યાં કરી છે. ‘સાર્થ જોડણીકોશ’ અને ‘ભગવદ્‌ગોમંડલ કોશ’ પછી પણ ગુજરાતી ભાષાના મધ્યકાલીન, વર્તમાન, શિષ્ટ, પ્રાદેશિક લોકબોલીના, જુદા જુદા ધંધાના કારીગરોની ‘પારસી’ના એમ બધા પ્રકારના એકેએક શબ્દને સમાવતા ઐતિહાસિક તેમજ વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય પદ્ધતિએ રચાયેલા અને શબ્દોનાં શુદ્ધ ઉચ્ચાર, જોડણી બની શકે ત્યાં વ્યુત્પત્તિ, અર્થ અને લાક્ષણિક પ્રયોગ બતાવતા બૃહદ્ શબ્દકોશની જરૂર ઊભી જ રહે છે. તે પૂરી કરવાનું કર્તવ્ય પણ પરિષદને શિરે રહે છે. પિંગલની આવશ્યકતા દલપતરામ, રણછોડભાઈ, કેશવલાલ ધ્રુવ અને રામનારાયણ પાઠકે સંતોષી લીધી હોઈ તત્કાળ એ સંબંધમાં કંઈ કરવા જેવું રહ્યું નથી એમ કહીએ તો ચાલે. ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો તથા કહેવતોના સંગ્રહો શોખીન અભ્યાસીઓએ અગાઉ પ્રસિદ્ધ કરાવ્યા છે. પણ તેમાં નોંધાવી રહી ગયેલ સામગ્રીના ઉમેરા સાથે એ બંનેના અદ્યયાવત્ સંપૂર્ણ સંગ્રહોનું પ્રકાશન પણ આપણી જરૂરતમાં આવે. માનવવિદ્યાઓ તથા વિજ્ઞાનની બધી શાખાઓના પારિભાષિક શબ્દોના યથાર્થ ગુજરાતી પર્યાયોના બે સંપૂર્ણ કોશ એ દિશામાં થયેલાં વ્યક્તિઓ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓનાં કામનો લાભ લઈને ઘટતા પુનર્વિચાર અને ઉમેરા સાથે તૈયાર કરી પ્રસિદ્ધ કરવાનું પણ પરિષદ માથે લઈ શકે. વિદેહ પૂ. મોટાની પ્રેરણા ને સહાયથી શરૂ થયેલું અને થોડેક સુધી આવેલું વિશ્વકોશ કે જ્ઞાનકોશનું કાર્ય ગુજરાત યુનિવર્સિટી પૂરું કરી ન શકે તો એ પરિષદે પોતે ઉપાડી લેવા જેવી એક મોટી કામગીરી ગણાય. ચરિત્રકોશ પણ ક્યારેક કરવા જેવું કામ છે. આવા સંદર્ભગ્રંથો ઉપરાંત પરિષદ કરી શકે કે તેણે કરવાં જ જોઈએ એવાં કામોની યાદી હજી લંબાવી શકાય તેમ છે. અક્ષરમેળ સંસ્કૃત વૃત્તો, માત્રામેળ છંદો, મધ્યકાલીન આખ્યાનો, પદો, ભજનો, લોકગીતો, લગ્નગીતો વગેરેનાં ગાનનાં શુદ્ધ સ્વરૂપને તેનાં અસલી ગાનારાંના કંઠથી તે પેઢી વિલુપ્ત થઈ જાય તે પહેલાં અવાજ-પટ્ટી (Tape) પર ઉતરાવી લઈ તેનો વ્યવસ્થિત સંગ્રહ કરવાનું પરિષદ કરી શકે, તેણે કરવું જોઈએ. કેટલીક પ્રશિષ્ટ કાવ્યરચનાઓના શક્ય હોય ત્યાં તેમના કવિઓને કંઠે પઠન કે ગાનનો એમાં સમાવેશ કરી શકાય. એવી જ રીતે પ્રશિષ્ટ પ્રસિદ્ધ સાહિત્યકારોના અવાજનો પણ. જોડણી અને અનુસ્વારના સાચા પ્રયોગ અંગેના વર્ગો તે ચલાવી શકે. વેપારીઓ ને કંપનીઓનાં તેમ નગરોની શેરીઓ ને માર્ગોનાં નામની સાચી જોડણી બતાવવાની કે સુધારી આપવાની સેવા તે ઉપાડી શકે. રંગભૂમિના મંચ કે ‘આકાશવાણી’ના માઇક પરથી બોલાતી ગુજરાતી ભાષાની ઉચ્ચારશુદ્ધિ તેના પર જાગ્રત ચોકી રાખીને તે કરાવી શકે. નોંધપાત્ર સાહિત્યકારોની જયન્તીઓ તે ઊજવી અને પોતાની અંગભૂત કે સહયોગી સાહિત્યસભાઓ કે મંડળો દ્વારા ઊજવાવી શકે. કવિસંમેલનો, સંગોષ્ઠિઓ કે પરિસંવાદો, વ્યાખ્યાનો, પ્રદર્શનો વગેરે પણ તે યોજતી રહે. બને તો પરિષદના એક ભૂતપૂર્વ પ્રમુખ કાકા કાલેલકરની સૂચનાને અનુસરી જાહેર પ્રકાશન મંડળ પણ તે ઊભું કરી લેખકોને તેમનાં પુસ્તક તેમને વધુ લાભ મળે એ રીતે છાપી આપવાની સુવિધા જન્માવી શકે. વરસભરનાં પુસ્તકોની સમીક્ષાનું કાર્ય ગુજરાત સાહિત્ય સભા પાસેથી તે માગી લઈ તેની વ્યવસ્થા કરી શકે. શાળા-કૉલેજોનાં ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકો ઉપર સાહિત્યદૃષ્ટિએ અને અન્ય વિષયોનાં ગુજરાતીમાં લખાતાં પાઠ્યપુસ્તકોની ઉપર ભાષાદૃષ્ટિએ તેમજ પ્રૌઢશિક્ષણ માટે પ્રયોજાતાં પુસ્તકો ઉપર ભાષાની તેમ શિક્ષણની દૃષ્ટિએ નજર રાખી રચનાત્મક સુધારા તે સૂચવી શકે. કામ કરતાં થવાયું તો આવું ઘણું સૂઝી રહેવાનું. પરિષદે તેના કાયાકલ્પ, અમૃત મહોત્સવ અને રાજ્યની સહાય, મકાન વગેરેની સગવડ પછી આવા કાર્યને મુખ્ય અને અધિવેશનો તથા જ્ઞાનસત્રો ભરવાના કાર્યને તેની પછીની અગત્યનું ગણવાનો સમય આવી ગયો છે. એ કામગીરી નાનીસૂની નથી. મોટાં કામ રાજ્યાશ્રય વિના થઈ શકે નહિ એવો આ સમય છે. જૂના કાળમાં રાજાઓ, અમીર-ઉમરાવો કે ગૃહસ્થો કવિઓ, પંડિતો કે ભાટચારણોને વ્યક્તિગત રીતે પોષતા કે બિરદાવતા. એ પછી કલા અને સાહિત્ય લોકાશ્રયી બન્યું છે. આજની રાજ્ય સરકારો એ ભલે ચૂંટણીમાં જીતેલા ગમે તે લઘુમતી પક્ષની પણ પ્રજાકીય સરકારો જ હશે. એના તરફથી મળતો રાજ્યાશ્રય તત્ત્વમાં લોકાશ્રય જ ગણાય. પ્રદેશનાં ભાષા, સાહિત્ય, કલા વગેરે ખીલવવાનું પોતાનું કર્તવ્ય જ રાજ્ય સરકાર પરિષદ જેવી સાંસ્કૃતિક સંસ્થાને આર્થિક સહાય કરીને બજાવે છે. પરિષદ એણે કરવાનું કામ પોતે કરી આપે છે એ ભાવથી ગૌરવથી પોતાની પ્રવૃત્તિ ચલાવશે. રાજ્યાશ્રયથી કશી નામના કે ઓશિયાળાપણું અનુભવવાનું છે નહિ. પરિષદ મુનશી, કાકાસાહેબ અને ‘સુંદરમ્’ની અપેક્ષાને સંતોષતું સ્વરૂપ સિદ્ધ કરી શકે તે માટે કરવાના પુરુષાર્થમાં સાહિત્યસર્જકો, વિવેચકો, ગુજરાતી ભાષા-સાહિત્યના શિક્ષકો ને અધ્યાપકો-સૌનો પૂર્ણ સહકાર અપેક્ષિત છે. કાકાસાહેબ કાલેલકરે પુસ્તકાલયો, ગ્રંથપાલો અને પોસ્ટ માસ્તરોનેય શિક્ષકો ભેગા પરિષદે પોતાની સાહિત્ય-સંસ્કાર-સેવામાં જોડવાની હિમાયત કરી હતી અને સાત દાયકા પહેલાં કેશવલાલ ધ્રુવે તો ‘જેમને અક્ષરજ્ઞાન છે તેઓ સારું સાહિત્ય વાંચે’ એમ કહી વાચકવર્ગનો સહકાર પણ માગ્યો હતો, તે પણ અત્રે યાદ આવે. સાહિત્યસર્જકો પરિષદ પોતાને કંઈ કામની નહિ એમ માની એના પ્રત્યે ઉદાસીનતા સેવી એનાથી અળગા રહી નાનકડાં જૂથ કે વાડા જમાવી તેમાં પુરાઈ ન રહે, પણ મુનશીની અપેક્ષા મુજબ ‘આદર્શો અને પદ્ધતિની આપ-લે’ તથા ‘સુંદરમ્’ની અપેક્ષા મુજબ ‘સંવાદ અને માધુર્યની, સત્ય અને સૌંદર્યની આરાધના’ અર્થે પરિષદના મંચ ઉપર એકઠા થઈ હળેમળે એ પણ એટલું જ ઇષ્ટ છે. આપણું સાહિત્યમંદિર રચવાના મહાઉદ્યોગમાં સાહિત્યના સૌ ‘સત્સંગીઓ’નો સહકાર માગતા પરિષદના બીજા અધિવેશનના પ્રમુખ કેશવલાલ ધ્રુવના પ્રમુખીય વ્યાખ્યાનનાં છેલ્લાં પાંચ પાનાં તથા અંતના પ્રેરણાદાયી અને કર્તવ્યપ્રેરક શબ્દો અત્યારે પણ એવા જ સમાયોચિત ગણાશે. ૨ આ અવસરે આ પંચોતેર વર્ષના પરિષદના આયુષ્યકાળમાં ગુજરાતી સાહિત્યે સાધેલી પ્રગતિ પર વિહંગદૃષ્ટિ નાખી જવી પ્રસ્તુત ગણાય. આપણી પરિષદ અને ઈશુનું આ વીસમું શતક સમવયસ્ક. પૂરા થયેલા ગયા શતકનો ઉત્તરાર્ધ દેશ માટે તેમ ગુજરાત માટે મધ્યકાલીનતામાંથી અર્વાચીનતામાં પ્રવેશનો કાળ હતો. આપણા ‘અચલાયતન’ના દરવાજા ઊઘડી જઈ તેમાં પુરુષાર્થધર્મી પશ્ચિમની નવી વાયુલહર ફૂંકાતાં શાળાઓ, પુસ્તકાલયો, સભા-મંડળીઓ, તાર-ટપાલ, રેલવે, રંગભૂમિ, વર્તમાનપત્રો, માસિકો, છાપખાનાં, યુનિવર્સિટી અને કૉલેજો, વેપાર-ઉદ્યોગ – એ બધાંથી વાતાવરણ ધમધમતું થઈ ગયું હતું. દેશની જાણે કાયાપલટ થઈ રહી હતી, પ્રજામાં નવો પ્રાણસંચાર થવા લાગ્યો હતો. લોકોનો ભૌતિક ઉત્કર્ષ માટેનો રસ અને પુરુષાર્થ વધ્યા હતા. શાસ્ત્ર અને લોકાચારની પકડમાંથી નીકળી ભણેલો વર્ગ ધાર્મિક અને સામાજિક આચારના શોધન અને સંસ્કરણ તરફ વળ્યો હતો. પ્રાર્થનાસમાજ, આયસમાજ, થિયોસૉફિકલ સોસાયટી, રાષ્ટ્રીય મહાસભા નવજાગૃતિનાં વાહક અને પોષક બન્યાં હતાં. આપણા સાહિત્યે જૂની પરંપરા છોડી પદ્ય તથા ગદ્યમાં પશ્ચિમી સાહિત્યસ્વરૂપો અપનાવ્યાં અને ભક્તિ-વૈરાગ્યનું વળગણ છોડી ઈશ્વરને સ્થાને માનવીને પોતાનો કવનવિષય બનાવ્યો હતો. શરૂઆતમાં તો સાહિત્ય લોકશિક્ષણનું જ વાહન બની રહ્યું, પણ યુનિવર્સિટીના પદવીધરોના ફાલનો સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ થતાં પ્રણય, પ્રકૃતિસૌંદર્ય વગેરે જેવા મનુષ્ય-સામાન્યની આનંદાનુભૂતિના વિષયોના ગાનનો તેનો સનાતન ધર્મ પણ તે પાળતું થયું. છેલ્લા બે દાયકામાં દલપત-નર્મદના સમયના મુગ્ધ ઉત્સાહને સ્થાને વિચારણામાં તેમ સાહિત્યમાં સ્વસ્થતા, પાંડિત્ય, ઊંડાણ અને શિષ્ટતાનો પ્રવેશ થયો હતો. યુનિવર્સિટી-શિક્ષણની અસર એ રીતે સાહિત્યમાં થવા માંડી કે અંગ્રેજી કવિતાએ સાહિત્યકારોમાં કૌતુકરાગી વૃત્તિ પ્રગટાવી, ફારસીના અભ્યાસે થોડીક મસ્તી શીખવી અને સંસ્કૃતના અભ્યાસે એમને સૌષ્ઠવ અને સંયમનો આદર એમની પાસે કરાવ્યો. પરિણામે કૌતુકરાગ અને સૌષ્ઠવપ્રિયતાનું પ્રમાણસરનું સંમિશ્રણ પંડિતયુગના સાહિત્યસર્જકોમાં જોવા મળે છે. ગુજરાતી ગદ્ય અંગ્રેજી તથા સંસ્કૃતની સહાયથી વિકસવા માંડ્યું હતું. દલપત-નર્મદની કવિતા પછી ભોળાનાથ, ભીમરાવ, નરસિંહરાવ, બાળાશંકર, મણિલાલ, હરિલાલ, ‘કાન્ત’, ‘કલાપી’ની કવિતા, ‘કરણઘેલો’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુલાબસિંહ’, ‘ભદ્રંભદ્ર’ જેવી નવલકથાઓ, ‘વીરમતી’ અને ‘કાન્તા’ જેવાં નાટક. નર્મદ અને નવલરામનાં અનુક્રમે નવલરામ અને ગોવર્ધનરામે લખેલાં જીવનચરિત્ર અને નર્મદ, નવલરામ, મનસુખરામ, મણિલાલ જેવાના નિબંધો : ગયા શતકના ઉત્તરાર્ધની આવી સાહિત્યકમાણી ઓછી ન હતી. આટલી સિલક સાથે નવા ચાલુ શતકના પહેલા જ વર્ષે ગુજરાતી અને ભારતીય સાહિત્યની મહાન કૃતિ ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા અને છેલ્લા ભાગ સાથે ખાતું ખોલાવ્યું. એમાં એના સ્વદેશવત્સલ કવિ-પંડિત લેખક ગોવર્ધનરામે એ કથાનાં નાયક-નાયિકાનું છેવટે શું થાય છે એ વિશે લોકોની જિજ્ઞાસાને જવાબ આપ્યો, અને સ્નેહલગ્ન તથા વિધવા-પુનર્લગ્નમાં પોતાની બૌદ્ધિક અને હૃદયગત સંમતિ બતાવવા છતાં સુધારકોને આઘાત આપી નાયક-નાયિકાના વ્યક્તિગત સુખ કરતાં દેશસેવાને મહત્ત્વની ઠરાવી પૂર્વ-પશ્ચિમના સંઘટ્ટને જન્માવેલા સંક્રાંતિકાળમાં દેશના ઉત્કર્ષ અને કલ્યાણનો માર્ગ દાખવ્યો છે. ચિંતનાત્મક ગુજરાતી વાઙ્‌મયના ભૂષણરૂપ ‘સાક્ષરજીવન’, ‘અધ્યાત્મજીવન’, ‘લીલાવતીજીવનકલા’, ‘દયારામનો અક્ષરદેહ’ અને Classical Poets of Gujarat જેવી એમની કૃતિઓ પણ એ પછી તરતમાં મળી. પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન શોભાવી તે પછી બે વર્ષમાં ગોવર્ધનરામ વિદાય થયા તે દશકામાં એમના ‘સરસ્વતીચંદ્ર’ની લોકપ્રિયતામાં ભાગ પડાવનારા બે કવિની કવિતા ગુજરાતને મળી : સ્વ. ‘કલાપી’ની અને ‘કવીશ્વર’ પ્રશસ્તિશબ્દને તેમના પિતા કરતાં વધુ પાત્ર કવિ ન્હાનાલાલની. ન્હાનાલાલનાં ‘કેટલાંક કાવ્યો’નાં બે ભાગ, ‘વસંતોત્સવ’, ‘ઇન્દુકુમાર’ અંક-૧, ‘ન્હાના ન્હાના રાસ’ ભાગ-૧ અને ‘ભગવદ્‌ગીતા’નો સમશ્લોકી અનુવાદ ૧૯૦૩-૧૦ના ગાળામાં ગુજરાતને મળ્યાં. ન્હાનાલાલ સ્વદેશવત્સલતા, આર્યસંસ્કૃતિની ભક્તિ, આસ્તિકતા અને પૂર્વ-પશ્ચિમના સમન્વયની બાબતમાં ગોવર્ધનરામના અનુજ કે વારસ કે કવિ-પ્રતિનિધિ જેવા હોઈ ગોવર્ધનરામની વિદાય પછી તેમના સંદેશને ગુજરાતમાં તેમની કવિ-વાણીમાં પડઘાવતા રહ્યા. એ પછી બીજા દસકાને ‘જયા-જયન્ત’, ‘રાઈનો પર્વત’, ‘સ્મરણસંહિતા’ અને ‘ભણકાર’ જેવી વિશિષ્ટ કૃતિઓ સાથે વાર્તાઓ તથા સામાજિક ‘વેરની વસૂલાત’ અને ઐતિહાસિક ‘પાટણની પ્રભુતા’ એમ બે નવલકથાઓ દ્વારા કનૈયાલાલ મુનશીનો ગુજરાતી સાહિત્યાકાશમાં તેજસ્વી ઉદય સાહિત્યદૃષ્ટિએ નોંધપાત્ર ઠરાવે છે. એટલું જ નોંધપાત્ર કહેવાય ગુજરાતમાં ગાંધીજીનું આગમન. મુનશી અને ઠાકોરે અર્વાચીન ગુજરાતી સાહિત્યને આધુનિકતા ભણી ડગલાં ભરાવ્યાં છે, અને ગાંધીજીએ જીવનલક્ષિતા ભણી. આગલા શતકમાં ઉદય પામેલી રાષ્ટ્રીય અસ્મિતા અને દેશભક્તિની ભાવનાને સક્રિય બનાવે એવા બંગભંગ, ક્રાંતિકારી ચળવળ અને હોમરૂલના આંદોલને ગાંધીજીની સ્વરાજ્ય-લડત માટે અનુકૂળ પૂર્વભૂમિકા તૈયાર કરી હતી. ગાંધીજીનાં વિચારો તથા કાર્યોથી જે રાષ્ટ્રવ્યાપી જુવાળ પ્રજાજીવનમાં આવ્યો તેની છોળો સાહિત્યને ભીંજવ્યા વિના રહે નહિ એ દેખીતું છે. એ અસર સાથે પછીનાં દાયકાએ જે સાહિત્યમજલ ખેડી, તેમાં ‘ધૂમકેતુ’ અને ‘દ્વિરેફ’ને હાથે ટૂંકી વાર્તા કલાસિદ્ધિ પામી સાહિત્યપ્રતિષ્ઠિત બની, મુનશી, બટુભાઈ, પ્રાણજીવન પાઠક, યશવંત પંડ્યા આદિના હાથે ગુજરાતની નાટકે થંભી ગયેલી કૂચમાં આગળ કદમ ઉપાડ્યાં, વિજયરાયને હાથે ગુજરાતી વિવેચન ગતિશીલ બન્યું અને નવા કવિઓની બળવંતરાય ઠાકોરની કવિતા તથા કાવ્યભાવના ભણી ગતિનો આરંભ થયો. એ દાયકામાં આરંભાયેલી મેઘાણી, રમણલાલ દેસાઈ અને ચંદ્રવદન મહેતાની લેખનપ્રવૃત્તિ પછીના દાયકામાં આગળ વધી, ‘સ્નેહરશ્મિ’, ‘સુંદરમ્’, ઉમાશંકર, શ્રીધરાણી આદિ ગાંધીયુગના સત્ત્વશાળી કવિઓ આગળ આવ્યા, કવિતા જેવી સ્ફૂર્તિ બધા સર્જનાત્મક સાહિત્યપ્રકારોમાં તથા હાસ્યસાહિત્ય તેમ વિવેચનમાં જણાઈ, અને સાહિત્યમાં દલિતાનુકંપા તથા જીવનવિગ્રહનું તારસ્વરી નિરૂપણ પ્રવેશ્યાં. પછીના એટલે કે ચાલુ શતકના પાંચમા દાયકામાં તો કવિતા, વાર્તા, નવલકથા, નાટક વગેરે સાહિત્યપ્રકારોને જૂના તેમ ઘણા નવા આજના જાણીતા સર્જકોની સેવા પ્રાપ્ત થઈ છે. આપણી સ્વાતંત્ર્ય-લડત, આઝાદ હિંદ સેના, બીજા વિશ્વયુદ્ધે અહીં સરજેલી અંધારપટ, રેશનિંગ, કાળા બજાર વગેરે જેવી પરિસ્થિતિ, ૧૯૪૭ની સ્વરાજ્યપ્રાપ્તિનાં વધામણાં, તે પછી તરતમાં સર્જાયેલી કોમી ખૂનરેજી, હિજરત વગેરેનો તથા ગાંધીજીની અણધારી હત્યાનો વિષાદ કવિતા, વાર્તા, નાટકાદિમાં વ્યક્ત થયા વિના રહે નહિ એ દેખીતું છે. આપણા અર્વાચીન સાહિત્ય પર પડેલી સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી એ ત્રણ સાહિત્યની અસરમાંથી સંસ્કૃતની અક્ષરમેળ વૃત્તોના આદરમાં, ભારતીય કાવ્યમીમાંસાના અભ્યાસ અને તેના વિવેચનમાં વિનિયોગમાં, ભીમરાવ ને દોલતરામે મહાકાવ્યના કરેલા પ્રયોગોમાં તથા ‘કાન્તા’, રાઈનો પર્વત’ અને ‘શર્વિલક’ જેવાં નાટકોમાં દેખાય છે. પણ હવે તે લુપ્ત થઈ ગણાય. ફારસી સાહિત્યે ગઝલ અને સૂફી પરિભાષા ગુજરાતી કવિઓને શિખવાડી, પણ હવે ગુજરાતી કવિઓ એવી કોઈ અસર વિના શુદ્ધ ગુજરાતી ગઝલો લખી રહ્યા છે. આમેય સંસ્કૃત અને ફારસી આપણે માટે પ્રાચીન ભાષાઓ ગણાય. અંગ્રેજી સાહિત્ય માફક અત્યારેય વિકસતાં રહેલાં સાહિત્ય એનાં નહિ અંગ્રેજી સાહિત્યની અસર આથી એ બઉ કરતાં વિશેષ રહી છે, અને હજુ ચાલુ છે. ગયા શતકની ગુજરાતી કવિતા તે જ શતકની અંગ્રેજી રોમૅન્ટિક કવિતાની અસર સ્પષ્ટ દેખાડે છે, અને ‘કાન્તા’ તથા ‘રાઈનો પર્વત’ જેવાં નાટકો શેક્સપિયરનાં નાટકની. ન્હાનાલાલ સુધીના આપણા સર્જકો પર અંગ્રેજી સાહિત્યની અસર ૧૯૦૦ સુધીના વિક્ટોરિયન સાહિત્યની જ હતી. પણ ગુજરાતી સાહિત્યે એ પછી વિકસતા રહેલા અંગ્રેજી અને તેની દ્વારા પાશ્ચાત્ય સાહિત્યની પાછળ પાછળ ચાલવાનું રાખી વિકાસશીલ રહ્યું છે. મુનશી વડે આધુનિકતા ભણી પગલાં મંડાયાંનું આગળ કહ્યું તે કલાની આનંદલક્ષિતા અને નિરપેક્ષતાના આગ્રહે નીતિને કલાની વિષકન્યા કહી ‘કલા ખાતર કલા’ના વાદને ટેકો આપતા તેમના વલણથી, અને કલાકારના સ્વાતંત્ર અને પ્રણાલિકાભંજનની તેમની હિમાયતથી. પાત્રોનાં માનવસહજ નબળાઈ-સબળાઈ સાથેનાં જીવંત વાસ્તવિક આલેખન પાછળ ‘રોમૅન્ટિસિઝમ’ પછી તેના પ્રત્યાઘાત રૂપે પુરસ્કારાયેલા સ્વાભાવિકતાવાદ (Naturalism)ની અસર જોઈ શકાય. ‘કલા ખાતર કલા’નો વાદ ગયા શતકનાં અંતિમ વર્ષોમાં ફ્રાન્સમાંથી ઇંગ્લૅન્ડમાં પેઠેલો. આમ આપણા સાહિત્યે ચાલુ શતકથી આધુનિકતા ભણી ગતિ આરંભી કહેવાય. બળવંતરાય ઠાકોરની ‘ભણકાર’ની કવિતા નથી મૂર્તતાગ્રહી, વિચારપ્રધાન, રચનાકૌશલ અને સુશ્લિષ્ટતાની ઉપાસક. કવિતા માટેની હિમાયત એમના જ્યોર્જિયન કવિઓની કવિતાના તથા ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓની ‘ઇમેજિસ્ટ મેનિફેસ્ટો’માં વ્યક્ત થતી કાવ્યભાવનાના એમના વાચન-પરિચયનું પરિણામ લેખી શકાય તેમ છે. ‘ધૂમકેતુ’ અને પછીના વાર્તાકારોમાં પાશ્ચાત્ય ટૂંકી વાર્તાના પ્રસિદ્ધ સર્જકોની વાર્તાઓના તેમજ બટુભાઈ, પ્રાણજીવન પાઠક આદિનાં નાટકોમાં ઇબ્સનનાં ને યશવંત પંડ્યાના સંવાદોમાં ઓસ્કર વાઇલ્ડનાં નાટકોમાં વાચનની અસર વરતાય. એકાંકી નાટક તો પાશ્ચાત્ય એકાંકીનું જ અનુસરણ છે. વિવેચનમાં વિજયરાય, વિષ્ણુપ્રસાદ અને વિશ્વનાથ પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરિત થયા હોવાનું બતાવી શકાય તેમ છે. પશ્ચિમમાં સ્વાભાવિકતા-વાદ પછી તેની જ નીપજ રૂપે પ્રથમ તો નાટક અને રંગભૂમિ માટે પુરસ્કારાયેલો પણ પછી વધુ વ્યાપક બનેલો વાસ્તવવાદ (Realism) પણ ગુજરાતમાં પહોંચ્યો છે એ ઉપરનું જોયા પછી સ્વાભાવિક જ લાગશે. ઔદ્યોગિક ક્રાંતિની અસરે, જીવનવિગ્રહે, માનસશાસ્ત્રે અજવાળેલા મનુષ્યના આંતરવ્યાપારોએ, રોમૅન્ટિસિઝમ, સામેના પ્રત્યાઘાતે – આ બધાંએ પશ્ચિમમાં સાહિત્યને વાસ્તવદર્શી, જીવનલક્ષી ને માનવચિત્તવ્યાપારલક્ષી બનાવવામાં ફાળો આપ્યો છે. એવા વાસ્તવદર્શી પાશ્ચાત્ય સાહિત્યના વાચનથી, જીવનવિગ્રહની ભીંસ વેઠીને સમાજના નીચલા ને મધ્યમ વર્ગોમાંથી તેમ ગામડાંમાંથી આવતા સાહિત્યકારોના જીવનના પ્રત્યક્ષ અનુભવથી આપણું સાહિત્ય પણ એ પંથે વળ્યું. માર્ક્‌સની વિચારસરણીએ, તેણે પ્રેરેલી રશિયન ક્રાંતિએ, મૂડીવાદી સમાજવ્યવસ્થાએ ઊભી કરેલી આર્થિક અસમાનતાના સામાજિક અન્યાયના ભાને, અને વર્ગવિહીન સમાજવ્યવસ્થાની મોહક ભાવનાએ સામ્યવાદ ભણી દુનિયાના વેદનશીલ વિચારવંતોને વાળ્યા તેમ ભારતનાને પણ વાળ્યા. એને પરિણામે દલિતગાન અને ક્રાન્તિગાન જેમ બહાર તેમ આપણે ત્યાં પણ ૧૯૩૦ પછીના દશકામાં સાહિત્યમાં ધ્યાન ખેંચે એવું સ્થાન પામ્યું છે. એવા સાહિત્યને જ પ્રગતિશીલ માનવાનું પણ એ કાળે શરૂ થઈ સાહિત્યક્ષેત્રે એ માટેનું આંદોલન પણ ઊભું થયું હતું એ આપણે જાણીએ છીએ. ‘ત્યારે હાય રે હાય કવિ તને સંધ્યા ને સાગરનાં ગીત શેણે ગમે?’ જેવી કાવ્યરચના સાહિત્યસર્જકોને તેમના સમાજધર્મ પ્રત્યે ચીમકી આપીને સભાન અને સક્રિય બનવા પ્રેરતી હતી એ કાળે. એમાં સહાયભૂત થયા ગાંધીજી. એમણે ‘નવજીવન’ના લેખોમાં પ્રયોજેલી સર્વસુગમ મિતાક્ષરી સાદી છતાં ચોટદાર ભાષાએ, કોશિયા સુધી પહોંચી શકે તેવા સાહિત્ય માટેની તેમની માગણીએ, તેમજ ગ્રામોદ્ધાર, અસ્પૃશ્યતાનિવારણ અને દરિદ્રનારાયણની સેવાની તેમની શીખે કે હાકલે સાહિત્યકારોની સહાયભૂતિનો પ્રદેશ વિસ્તારી કવિતા, વાર્તા, નાટક ને નવલકથામાં અત્યારસુધી સાહિત્યનાં ઉપેક્ષિત રહેલાં માનવીઓ અને તેમના પ્રશ્નોને પ્રવેશ કરાવ્યો. ગાંધીજીએ ગુજરાતી સાહિત્યને લોકાભિમુખ અને જીવનલક્ષી બનાવવામાં આપેલો ફાળો આગળ વર્ણવેલી બહારની અસરોને પોષક-પૂરક હતો. ૧૯૧૭માં ગોધરા મુકામે તેમની જ પ્રેરણાથી મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખસ્થાનેથી બોલતાં ‘દેશસેવામાં આ કાળે ધર્મની પરિસીમા છે’ એ ભાવનાનો પ્રસાર ઇચ્છી તેમણે જણાવ્યું હતું : ‘વસંતની બહાર ખીલે છે ત્યારે દરેક ઝાડમાં તેની છાયા પડે છે, નવયૌવન આખી ભૂમિને વિશે જોવામાં આવે છે, તેમજ જ્યારે આપણે સ્વરાજરૂપી વસંત ઋતુમાં પ્રવેશ કરતા હોઈશું ત્યારે કોઈ આવી ચડેલો મુસાફર દરેક સ્થળે નવયૌવન ભાળશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવકો પોતાની શક્તિ અનુસાર અનેક કાર્યોમાં રોકાયેલા જોવામાં આવશે.’ સ્વરાજ્યની વસંત તો એ કહ્યા પછી ત્રીસ વર્ષે બેઠી પણ પ્રજામાં નવજીવનની વસંત ગાંધીજીના આગમનની સાથે જ અને એમના ‘નવજીવન’ના તંત્રીપદની સાથે જ એવી શરૂ થઈ ગઈ કે તેણે સાહિત્ય ઉપર બતાવી તેવી અસર કરી. લોકસાહિત્યના સંશોધન-પ્રકાશનને વેગ આપ્યો. રાષ્ટ્રીય કેળવણી તેમ બાળકેળવણીને લગતી વિચારણા જન્માવી અને એમના આશ્રમમાંથી તેમજ ગૂજરાત વિદ્યાપીઠમાંથી લેખકો ગુજરાતને સંપડાવ્યા. અનેકો ખાદી-ઉત્પાદન તથા હરિજનસેવાના મૂંગા નિષ્ઠાવંત કાર્યકરો બન્યા અને સમસ્ત પ્રજા બળવાન બ્રિટિશ સત્તાની સામે આત્મબળના શસ્ત્રથી અહિંસક લડત આપતી થઈ એ પણ એ વસંતને આભારી હતું. એણેય સાહિત્યને સારી ભાવસામગ્રી આપી. ગાંધીજીના સેનાનીપણા નીચે દેશે ૧૯૨૦થી ૧૯૪૨ સુધી ખેલેલા મુક્તિ-સંગ્રામે ગાંધીજી વિશે તેમજ યુયુત્સા, સ્વાતંત્ર્ય, બલિદાન ને એ સંગ્રામ વિશે રાષ્ટ્રપ્રેમ અને જુસ્સાથી ઊભરાતી કવિતા કવિઓ પાસે અને વાર્તા-નાટિકાદિ તેના સર્જકો પાસે લખાવ્યાં છે. જેલજીવનનું તથા જુદી જુદી સત્યાગ્રહ-લડતોના તેમજ અન્ય દેશોની મુક્તિલડતના ઇતિહાસ જેવું સાહિત્ય પણ એની જ નીપજ. ગાંધીજીના વિચારો અને તેમના કાર્યનું અનુમોદક, વાહક કે પ્રચારક તો સ્વરાજ્યપ્રાપ્તિ પહેલાંના ત્રણ દાયકામાં આપણું સાહિત્ય ઘણું બન્યું છે. ગયા શતકના ઉત્તરાર્ધના નવજાગૃતિકાળ જેવો પણ તીવ્રતામાં તેનાથી ચડી જાય એવો નવજુવાળ ચાલુ શતકના પૂર્વાર્ધમાં ગુજરાતે અનુભવ્યો છે. ૧૯૨૦થી ૧૯૫૦ સુધીના ગાળાને ગાંધીયુગ કે સ્વરાજલડત-યુગ નામ આથી ખુશીથી આપી શકાય. એ ગાંધીયુગના સાહિત્ય માટે આનંદશંકર ધ્રુવે પરિષદ-પ્રમુખીય વ્યાખ્યાનમાં ઉચ્ચારેલો અભિપ્રાય કે, તે આગલા પંડિતયુગની ઉન્નતિને પહોંચ્યો નથી. અને સ્થિતિ અવનતિની છે, એ તો ૧૯૨૮ સુધીની સ્થિતિ પૂરતો જ સાચો હતો. ત્યારપછીની ગાંધીયુગની સમગ્ર સાહિત્યસિદ્ધિ પૂરતી સંતોષજનક છે, એટલું જ નહિ પણ ગુજરાતી સાહિત્ય સ્ફૂર્તિવંતી રીતે પ્રગતિશીલ રહી દુનિયાની સાહિત્યકૂચ સાથે તાલ પુરાવતું રહ્યું હોવાનું સિદ્ધ કરે એવી છે. સાચું જોઈ શકનારા એ વિદ્વાને તે સ્થિતિમાં જોયેલાં ‘ઉન્નતિનાં બીજ’ તથા ‘શુભસૂચક ચિહ્‌નો’ ફળ્યાં છે. ગાંધીયુગ પણ એના પંડિતો વિના રહ્યો નથી અને સર્જનાત્મક તેમ શાસ્ત્રીય કે લલિતેતર વાઙ્‌મયમાં સારી રિદ્ધિ તેણે દેખાડી છે, એ આપણી સૌની જાણમાં છે. સ્વાતંત્રપ્રાપ્તિ સુધીના સાહિત્યે આવી સ્ફૂર્તિ અને ગતિ તે માટેના પ્રજાકીય પુરુષાર્થની વચ્ચે કે સાથે દાખવી છે તો સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તો તે બમણો ઉત્સાહ ને ઉલ્લાસ દાખવી રાષ્ટ્રના નવોત્થાનના પુરુષાર્થને પોષક બને એવી અપેક્ષા સહેજે રહે. એવું સ્વરાજ્ય-સ્થાપન પછી એકાદ દશકા સુધી બન્યું પણ છે. આપણા એક કવિએ સ્વતંત્ર ભારતે આદરેલા નવોત્થાનના રચનાત્મક આયોજિત પુરુષાર્થને બિરદાવતાં પોતે હવે વધુ જીવવા માગે છે એમ ગાયું. એ પુરુષાર્થે સાહિત્યમાં થોડો વખત પડઘોય પાડ્યો. વિનોબાએ સર્વોદયને તાકતી અહિંસક ક્રાંતિની ભૂદાનપ્રવૃત્તિ ઉપાડી ગાંધીકાર્યને આગળ લંબાવવાનું કાર્ય ત્યારે પણ કવિઓ ને અન્ય લેખકોનું અનુમોદન એને મળી રહ્યું. પણ થોડા જ સમયમાં આપણે ત્યાં જ નહિ, સમગ્ર ભારતમાં સાહિત્ય સમાજાભિમુખતા છોડી વિશેષ ને વિશેષ અંતર્મુખ, સાહિત્યકલાભિમુખ તથા પ્રયોગશૂર બનતું ચાલ્યું છે. એનું કારણ જગતના સાહિત્યના પ્રવર્તમાન પ્રવાહોના એના વધેલા પરિચય અને અનુસરણમાં રહ્યું છે એ સ્પષ્ટ છે. ઉપનિષદના ઋષિએ વાપરેલી ‘મનીષી’ શબ્દ હવે સસ્તો બની ગયો છે પણ ઔપનિષદિક અર્થમાં એને પાત્ર એક જ ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધનરામને આર્ષ દૃષ્ટિથી કરેલી દેશી રાજ્યોના ભાવિ અને સમૂહતંત્ર વિશેની ભારત માટેની કલ્પના સાચી પડી છે, પરંતુ જગત માટેની જેમાં ‘સર્વ પ્રજામાં, સર્વ દેશોમાં, બ્રાહ્મણત્વ હશે ને મનુષ્યોનાં શસ્ત્રાસ્ત્ર કેવળ ભૂષણરૂપ થઈ જશે’ અને ‘મનુષ્યમાત્ર ચાતુર્વર્ણ્ય પાળશે; શરીરમાં, ધૈર્યમાં અને શૌર્યમાં ક્ષત્રિય થશે, દક્ષતામાં અને વ્યવહારમાં વૈશ્ય થશે; લોકસેવામાં શૂદ્ર થશે; અને મનોવૃત્તિમાં, વિકારહીનતામાં, નિરહંકારમાં, વિદ્યામાં, બુદ્ધિમાં, તપમાં, આર્યતામાં અને તેજમાં બ્રાહ્મણ થશે’ એવા ‘અશસ્ત્ર બ્રાહ્મયુગની એમણે કરેલી ભવ્ય આગાહી૭ કમભાગ્યે સાચી પડી નથી. ત્રીસ વર્ષમાં બે બે વિશ્વયુદ્ધો સરજી પશ્ચિમે એને દૂર ઠેલી એક રૂપાળું અસિદ્ધ સ્વપ્ન જ બનાવી દીધી છે. પરિણામે, ‘એ નવા યુગની વ્યવસ્થાના મહાયજ્ઞમાં’ ભારતે ભજવવાના અધ્વર્યુ-કાર્યની ‘પાંચાલી, એ યુગમાં ત્હારું બહુ કામ છે! ત્હારું જ કામ છે.’ એ શબ્દોમાં એ ગુજરાતી મનીષીએ કરેલી સોંપણ સંભાળવાને બદલે એ વિશ્વયુદ્ધોએ સરજેલી મનોદશા અને તેણે પ્રેરેલા સાહિત્યને ચીલે પગ માંડવાની વેળા આ દેશને આવી છે. પહેલા વિશ્વયુદ્ધે માનવ-પ્રગતિ અંગેની આગલા જમાનાના વિજ્ઞાનવિકાસે તથા ભાવનાવાદે જન્માવેલી આશાવાદી શ્રદ્ધાને ફટકો લગાવ્યો. ભણેલા સંવેદનશીલ લોકોએ માનસિક અવસાદ અનુભવ્યો. અક્ષત માનેલી પાશ્ચાત્ય સંસ્કૃતિની ભેખડો તૂટી જતી તેમને દેખાઈ. એ મનોદશામાં ઇંગ્લૅન્ડમાં જે કવિતા સરજાવા લાગી તે આગલા શતકના બળવાખોર કવિ હોપકિન્સ અને ચાલુ શતકના ઓવેન ને એલિયટની કવિતાની કેડીએ ચાલી. ફ્રેન્ચ પ્રતીકવાદ, વૉલ્ટ વ્હિટમેનની કવિતા, ડન જેવા જૂના કવિઓની દાર્શનિક (metaphysical) કવિતાની તરફ રોમૅન્ટિક કવિતા પ્રત્યેના અણગમાને પરિણામે વળેલી દૃષ્ટિ, ગદ્યમાં જેમ્સ જોઇસ અને ડી.એચ. લોરેન્સ જેવાને હાથે થયેલ કાર્ય — આ બધાંની પણ અસર એણે ઝીલી. એવી યુદ્ધોત્તર કવિતાની અસર આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર કાળમાં પહોંચી. એવો પાશ્ચાત્ય સાહિત્ય અને સાહિત્ય-પ્રવાહોનો અભ્યાસ વધતાં એઝરા પાઉન્ડ, એલિયટ, બૉદલેર, મલાર્મ, વાલેરી, રિલ્કે આદિ યુરોપીય કવિઓએ કવિકર્મ કે કવિના સાધના પરત્વે કરેલ વક્તવ્યની, કૃતિને જ સ્વયંસંપૂર્ણ કલારચના-વિશેષ ગણી તેમાંના કવિના ભાષાકીય કવિકર્મની ઝીણી તપાસને પુરસ્કારતા ‘અભિનય કહેવાયેલા વિવેચન’ (New Criticism)ની કાવ્યવિવેચનમાં મનોવિજ્ઞાન અને નૃવંશવિદ્યાની અસરે પુરાકલ્પન (myth), metaphor, પ્રતીકાદિને મળેલા મહત્ત્વની, પશ્ચિમમાં વિકસતા ગયેલા શૈલી-વિજ્ઞાનની, સંરચનાવાદી, એમ વિવિધ જાણકારી પણ આપણને છેલ્લા બે દાયકામાં સ્પર્શી ગઈ છે. ‘કહ્યું કથે તે શાનો કવિ?’ એ વૃત્તિ તો સૌ તેજસ્વી સર્જકને હોય જ. પોતાની મૌલિકતા અને નોખાપણું દેખાડી પરંપરાથી ઉફરા ચાલવાની કૌતુકપ્રિય સાહસિકતા પણ એને પ્રેરતી હોય. તેથી આમ તો આગળની ‘રોમૅન્ટિક’ કવિતાના પ્રત્યાઘાત રૂપે ને તેનાથી જુદા પડવા, છતાં વાસ્તવમાં એવા જ નવા રોમૅન્ટિસિઝમથી પ્રેરાઈને ગુજરાતના છેલ્લા બે-અઢી દાયકાના કવિઓ કંઈક નવું કરવા માગતાં બેઉ વિશ્વયુદ્ધો પછીની પાશ્ચાત્ય કવિતા પાસેથી તેને માર્ગ મળી ગયો. એને પરિણામે કવિતાનું બાહ્યાન્તર સ્વરૂપ સાવ ફરી ગયું. પરંપરાવિચ્છેદ પહેલો છંદમુક્તિમાં દેખાયો. અછાંદસમાંય કવિતાને આવશ્યક લય લાવવા એક કે વધુ છંદના ટુકડા આવે, પણ કવિતાની ભાષાને સામાન્ય ભાષાની નજીક લાવવા વચમાં ગદ્યની પંક્તિઓ પણ મુકાવા લાગી. ‘કવિતા શબ્દથી બને છે, વિચારથી નહીં’, ‘કવિતાએ કંઈક કહેવું જોઈએ નહિ, પણ થવું કે બનવું જોઈએ’, કવિતાને વધારાના બિનજરૂરી શબ્દોના વાગ્વિલાસથી મુક્ત કરવી જોઈએ, ‘કવિ શબ્દ દ્વારા સ્વ-રૂપ શોધે છે’, ‘નૃત્યની પેઠે કલામાં પણ શરીર એ જ આત્મા હોય’ — એવા વિચારોએ આધુનિક કવિઓને કવિતામાં ભાષાકર્મ ઉપર સવિશેષ ધ્યાન આપતા કરી કવિતાને અર્થમુક્ત બનાવવા મથતા કર્યા. અર્થ સાવ તો ફિટાડી શકાતો ન હોવાથી તેને સદ્યસુગમને બદલે વિલંબ-પ્રકાશ્ય બનાવી ધ્વનિનેય સુરેખ સ્પષ્ટતા આપવાને બદલે ભાવકોના સહ-સર્જન કે અનુસર્જન માટે તરતો રાખવાનું વલણ વધ્યું. કલ્પનનો મહિમા અને તેની સાધના વધતાં મનોવિજ્ઞાનના મુક્ત સાહચર્ય (free association)ની તેમજ સિનેમા-ચિત્રની પદ્ધતિએ પ્રથમ નજરે એકબીજાં સાથે સંબદ્ધ કે સંગત ન વરતાય એવાં કલ્પનોની ભરમાર ભાવ કે ઊર્મિગત સ્ફુરણક્રમ (emotional sequence)ને કાવ્યમાં શબ્દદેહ આપવા પ્રયોજાવા લાગી. એમાં ભળ્યો કવિનો પલટાયેલો મિજાજ. પ્રથમ વિશ્વયુદ્ધે જન્માવેલ શ્રદ્ધાનાશ અને હતાશાપ્રેરક સંશયગ્રસ્તતાએ કવિને સીધા આક્રોશ અને વ્યંગનો આશ્રય લેતો કર્યો હતો. એથી જ કવિતામાં આધ્યાત્મિકતાની સાથોસાથ ભૌતિકને, ગાંભીર્ય ને આવેશની સાથે વ્યંગ-વક્રોક્તિને અને ભવ્ય ને કાવ્યમયની પડખોપડખ ક્ષુદ્ર સાધારણતા અને શુષ્કતાને મૂલવવાનું વલણ યુદ્ધોત્તર આધુનિક પાશ્ચાત્ય કવિતાએ દેખાડ્યું હતું, જે આપણે ત્યાંય અનુસરાયું છે. બીજા વિશ્વયુદ્ધે નિર્વેદ ને હતાશા વધારવાની સાથે કવિની સંવેદનાને અંદરના ખાલીપા, જીવનની અર્થશૂન્યતા, પોતાની અકિંચિત્કરતા, વિચ્છિન્નતા, તથા પરાયાપણાનો અનુભવ કરાવી જુનવાણી પ્રચલિત જીવનપ્રણાલી તથા સમાજવ્યવસ્થા સામે વિદ્રોહ પોકારતી કરી છે. એ મનોભાવ(mood)ને યંત્રોદ્યોગ સંસ્કૃતિની સરજતરૂપ શહેરોના મહાનગરીકરણ, માનવોના યંત્રીકરણ અને બરાકીકરણે તથા તેણે જન્માવેલા કંટાળાએ, અને સાર્ત્ર તથા કામ્યૂ છાપના અસ્તિત્વવાદે તીવ્ર બનાવ્યો છે. આ મનોભાવ પણ આધુનિક પ્રયોગશીલ ગુજરાતી લેખકના સાહિત્યસર્જનનો પ્રધાન સૂર બની બેઠો છે. રૂઢ સાહિત્યસ્વરૂપો અને તેમના કલાવિધાનની બંધાયેલી પ્રણાલી સામેના વિદ્રોહે તેમજ રોમૅન્ટિક પ્રકૃતિની સાહસપ્રિયતાએ… અ-કવિતા, અ-નવલકથા, ઍબ્સર્ડ રંગભૂમિ, અ-નાયક એમ સાહિત્યસ્વરૂપોના બહિરંગ ઉપર અસર કર્યાનું પણ જોઈ શકાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રધાન સૂર મુનશીએ જીવનના ઉલ્લાસનો ગણાવ્યો હતો. આધુનિક એટલે સાંપ્રત કે ચાલુ સમકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રધાન સૂર નિર્વેદ અને ખાલીપાનો કહેવો પડે એવી સ્થિતિ હાલ પ્રવર્તે છે. ઉપર બતાવી તેવી લખાવટ કે કલાવિધાન અને તેવો મનોભાવ (mood) બતાવે તે સાહિત્ય આધુનિક, એમ ‘આધુનિકતા’ શબ્દ સમયવાચક સાથે લક્ષણવાચક પણ બની બેઠો છે. સાહિત્યના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ ક્રાન્તિકારી પરિવર્તન આને ગણાય, એ માટે કે સાહિત્યનું કાર્ય (function) કે પ્રયોજન અને તેનો રચનાવિધિ કે શિલ્પવિધાન (technique) ફરી ગયાં છે. નવા સૌંદર્યશાસ્ત્રે સર્જન, સર્જનપ્રક્રિયા અને શબ્દોનો મહિમા વધારી આપતાં ‘સંક્રમણ કે અવગમન-ક્ષમતા નહિ તો સાહિત્ય નહિ’ જેવાં એક કાળે સન્માનપાત્ર મનાયેલાં સમજ-સૂત્રોને હત-પ્રભાવ બનાવી દીધાં છે, અને કલા તો અંગત બાબત છે એમ કહી એ સદ્યસુગમ બને તો એને પત્રકારી નીપજ ઠરાવવાની૮ ખુમારી એણે સર્જકોને વળગાડી છે, આ પરિસ્થિતિએ કવિઓની વાણીને ખાનગી મિત્રમંડળની વાણી બનાવી દઈ તેમના વાચક કે શ્રોતાવર્ગને સીમિત કરી નાખ્યો છે. પણ એનો એમને રંજ નથી. એ બહુજનસમાજ (masses) માટે છે જ નહિ, અધિકારી કે સમાનધર્મા ભાવકોના વર્ગ (classes) માટે છે એમ કહી એ સાહિત્યની લોકાભિમુખતાનો છેદ ઉડાડી નાખે છે. ઉપર વર્ણવી તેવી પિંગળ, વ્યાકરણ, કોશસંકેતિત અર્થ, વાક્યાન્વય અને આકાંક્ષા યોગ્યતા ને સંનિધિ જેવી અગાઉ અનિવાર્ય મનાયેલી આવશ્યકતાઓને ઉદ્દંડ પ્રયોગશીલ સાહસિકતાથી અવગણી સભાન ભાષાકર્મમાં સમાય તો સર્જનવ્યાપાર, સુગમતાને ભોગે કલ્પન અને ધ્વનિની પૂજા અને અત્રત્ય વાચકોને પોતાનાં બહુ ન લાગે એવો પેલો નિર્વેદાદિનો મનોભાવ તથા તેમાં પ્રગટ થતું જગત અને જીવન પ્રત્યેનું દૃષ્ટિબિન્દુ આધુનિક કવિતાને દુર્બોધ બનાવી રૂઢ રુચિને આઘાત પહોંચાડે એ સ્વાભાવિક છે. પ્રયોગશીલતાને નસીબે એ તો લખાયેલું જ હોય છે. પણ આઘાત પછી સ્વીકારની ભૂમિકા સરજાય છે. એનો સ્વાદ કેળવાતો જાય છે. આપણે ત્યાંય એ ભૂમિકાએ પહોંચાઈ ગયું છે. એણે અનેક સ્ફૂર્તિમતી નવી કલમોને ચાલના આપી છે. કવિતામાં ઘળકો નહિ, પૂર આવ્યું છે એમ કહીએ તો ચાલે એવું છે. વાર્તા અને નવલકથામાં એને શુદ્ધ કલાનું રૂપ સાધી આપવાનો અને એમાંય ગદ્યના સભાન સર્જનાત્મક ઉપયોગને પ્રાધાન્ય આપવાનો પુરુષાર્થ વધતો ચાલી, એ બે સાહિત્યસ્વરૂપોની સાધનામાં ઘટનાતિરોધાન અને મનોવ્યાપાર-પ્રકાશનથી સૂક્ષ્મતા આણવાની હોંશ પ્રમાણમાં કામ કરતી દેખાઈ રહી છે. નાટક અને એકાંકીને ‘ઍબ્સર્ડિટી’ના નવદર્શનના વાહક-પ્રકાશક બનાવવાનો ઉદ્યમ પણ સ્વીકાર પામતો થઈ ગયો છે. આગલી પ્રણાલિકાના સિદ્ધહસ્ત કવિઓ પણ નવી કાવ્યશૈલીને અને અછાંદસને અપનાવવા લાગ્યા છે. સાહિત્યમાં આવેલી આ નવી સ્ફૂર્તિ અને ગતિને સ્વીકાર્યા – વધાવ્યા વિના ચાલે તેમ નથી. એણે સાહિત્યમાં બંધિયારપણું જામવા જાય ત્યાં નવી ચેતના લહેરાવી છે. આપણે ત્યાં હવે સ્થિરપદ બનવા લાગેલી આધુનિકતાએ ખરી વાસ્તવિકતા હવે સાહિત્યમાં આવે છે, ખરી કવિતા ને વાર્તા ને નવલકથા હવે જ શરૂ થાય છે, એવા ઉદ્‌ગાર ખાનગીમાં અને જાહેરમાં કાઢી આગલા સાહિત્યવારસાને માટે ઉપહાસ કે તિરસ્કારનાં વચન ઉચ્ચાર્યાં હોય, ભાવનાવાદ અને સૌંદર્ય સામે બળવો પોકારતી હોય તેવી ઉદ્દંડતા દાખવી હોય, કે સારી વાતનો અતિરેક કર્યો હોય, તો તેને આત્મમુગ્ધતા કે ડંફાશ માનવાને બદલે ધ્યાન ખેંચવાના અને આત્મસ્થાપનના ક્ષમ્ય પ્રયાસ તરીકે જોવું યોગ્ય થશે. સાહિત્ય-કલા અને શિષ્ટતાના પરંપરાગત ખ્યાલો અને ધોરણોથી એ થોડી વંકાઈને ચાલતી દેખાય તેનાથી ન દુભાતાં કે ન છેડાતાં તેના કંઈક નવું સાધવાના અને આપણા સાહિત્યને શુદ્ધ કલાધર્મના અનુષ્ઠાનને માર્ગે વાળવાના એના શુભનિષ્ઠ પુરુષાર્થ પ્રત્યે મૈત્રી અને મુદિતાનો ભાવ સેવવો ઘટે, ઉપેક્ષાનો તો નહિ જ. એ પુરુષાર્થને પરિણામે કાળાન્તરેયે ટકી રહી પછીની પેઢીઓને માટે એકસરખી આસ્વાદ્ય અને વિવેચનક્ષમ રહે એવી આધુનિકતાની ચિરંજીવ પ્રશિષ્ટ કૃતિઓની હવે રાહ જોવી આરંભીએ. વસ્તુતઃ આ સાહિત્યિક આધુનિકતાની હલચલને આ કે તે કોઈ વાદનું પરિણામ માનવાને બદલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, પ્રેય અને શ્રેય, ભૌતિકતા અને આધ્યાત્મિકતાના માનવજાતની આજસુધીની પ્રગતિને ઉપકારક બનેલાં નિયતિક્રમનાં દ્વંદ્વો જેવા પ્રયોગ અને પરંપરાના દ્વંદ્વ કે પ્રવૃત્તિ-હેતુદ્વયની સાહિત્ય અને કલાના ક્ષેત્રની શાશ્વત લીલાની નીપજ તરીકે ઘટાવવી જોઈએ. સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં એની જનક વૃત્તિઓને ‘રોમૅન્ટિસિઝમ’ અને ‘ક્લાસિસિઝમ’ નામથી ઓળખાવાય છે. પ્રથમ ઉત્તમ કલાકૃતિનું સર્જન, પછી તેનું અનુકરણ-અનુસરણ અને તેના શાસ્ત્રનિયમોથી બંધાતી પરંપરા, એ ક્રમમાં એ પરંપરાના ચીલાને ચાતરીને પ્રાણવાન પ્રતિભા નવા ઉન્મેષ ચમકાવતાં સાહસપ્રયોગ કરે. એ પ્રયોગનું અનુસરણ થતાં પાછી તેની પરંપરા બંધાય, જેનું દાસત્વ તોડનારા નવસાહસિકો અમુક કાળે ઊભા થાય – આમ પરંપરા અને પ્રયોગની સાંકળ ચાલ્યા કરતી હોય છે. એ નવસાહસ પ્રેરતી સાહિત્યમાં પ્રણાલિકા સામે વ્યક્તિસ્વાતંત્ર્ય અને નવોન્મેષનો વાવટો ફરકાવતી વૃત્તિ તે ‘રોમૅન્ટિસિઝમ’ની. સાહિત્યમાં આધુનિકતા આમ તો પ્રવેશી છે ગઈ સદીના ‘રોમૅન્ટિસિઝમ’ના પ્રત્યાઘાતમાંથી. તેને પ્રેરનાર હતો પલટાયેલો વીસમા શતકનો બે વિશ્વયુદ્ધો અને વિજ્ઞાન તથા યંત્રોદ્યોગ સંસ્કૃતિએ સરજેલો જીવનસંદર્ભ અને તેણે ઉપજાવેલ મનોદશા. પણ તેનાથી પ્રેરાયેલા સાહિત્યસર્જનમાં તો પેલી રોમૅન્ટિક વૃત્તિ જ કામ કરી રહેલી દેખાય છે, આકારસિદ્ધિ અને સભાન ભાષાકર્મની બાબતમાં ક્લાસિકલ – અભિનવ ક્લાસિકલ – વૃત્તિ પ્રવર્તતી હોય છે તે છતાં. નવ્ય વિવેચનમાં પણ રોમૅન્ટિક વૃત્તિના સંસ્કારગ્રાહી (Impressionistic) વિવેચનના આત્મલક્ષી સ્વૈરવિહારને રોકવા સર્વસામાન્ય નિરપેક્ષ વસ્તુલક્ષી ધોરણ શોધવાની અને કૃતિમાંના સર્જનકર્મની એટલે ભાષાકર્મની ભાષા-વિજ્ઞાનપુરસ્કૃત શૈલીવિજ્ઞાનની પદ્ધતિએ ઝીણવટભરી તપાસ કરવાની બાબતમાં અભિનવ-ક્લાસિકલ વૃત્તિ કામ કરતાં સર્જનમાં રોમૅન્ટિક અને વિવેચનમાં ક્લાસિકલ એમ બેઉ વૃત્તિઓ નજીક આવી પ્રવૃત્ત થતી જણાય છે. સાહિત્ય આમ ચક્રસીડીની રીતે એના એ વાદ કે વૃત્તિઓને પણ, એક ડગલું ઊંચે લઈ જતી ગતિએ પ્રગતિ કરતું હોય છે. ગુજરાતી સાહિત્યના આ આધુનિક સ્વરૂપાન્તર સમયની દૃષ્ટિએ આઠસો વર્ષના સમયમાં ફક્ત છેલ્લા અઢી દાયકાનું સર્જન છે. વર્તમાન દૃષ્ટિફલકને એ ભરી દેતું હોય તેથી આગલાં પોણા આઠસો વર્ષના ગુજરાતી સાહિત્યની કમાણીને એ નિષેધી કે અળપાવી નાખતું નથી. એ તો તેની આગલી રિદ્ધિસિદ્ધિની પૂર્તિ કરે છે અને ગુજરાતના વાઙ્‌મય-પુરુષાર્થ પાસે પ્રવર્તમાન જીવનસંદર્ભ તથા સમયસંદર્ભમાં દેશના ને દુનિયાના એવા પુરુષાર્થ સાથે કદમ મિલાવડાવે છે એટલું જ. આગળના સાહિત્યે દેશકાળની જરૂરતમાંથી ઊભાં થતાં સાહિત્યસ્વરૂપો સિદ્ધ કરી તે દ્વારા ગુજરાતની આજ સુધીની અનેક પેઢીઓનો હૃદયરસ પોષી તેમનું સંસ્કારઘડતર કરી સાર્થકતા રળી લીધી છે. આજની સર્જક પેઢીએ નમ્ર બની તેમનું ઋણ સ્વીકારી એ વારસાની અભિજ્ઞતા પોતાના હિતમાં સાધવી અને તેમાં ખપ લાગે તેવાં તત્ત્વોનો પોતાના સર્જનમાં વિનિયોગ કરવો રહ્યો. પરંપરાવિચ્છેદને રવાડે સર્જકો ચડી જાય તો ભલે, તેઓ પોતાની બહાર કદાચ નીકળી ન શકે, તેઓ સ્વાનુભવરસિક બનવા ચાહે તો ચાલે, પણ ભાવક અને વિવેચક વર્ગોને માટે તો સર્વાનુભવરસિક બનવું જ રહ્યું. સીધા બોધને આપણે સર્જનાત્મક સાહિત્યમાં વર્જ્ય ગણતા થયા છીએ. પણ બોધક કવિતાનો પણ હૃદ્ય પ્રકાર હોઈ શકે છે એ નરસિંહ મહેતાનાં ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ અને ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ જેવાં પદો, બાળાશંકરની ‘ગુજારે જે શિરે તારે’વાળી ગઝલ, અને અમેરિકી કવિ લોંગફેલોના Psalm of Life અને અંગ્રેજ કવિના Say not Struggle naught availeth જેવાં કાવ્યો બતાવી આપે છે. આ તો માત્ર એક દાખલો છે. ભાવક અને વિવેચક માટે બધાં સાહિત્યસ્વરૂપો – જૂનાં ને નવાં અને બધી શૈલીઓ સાહિત્યના આસ્વાદન માટે કામનાં. ઈશુ ખ્રિસ્તે કહ્યું હતું કે મારા પિતાની હવેલીને અનેક ખંડ છે. સાહિત્યમાંય બધી પદ્ધતિઓ અને પ્રકારોને અવકાશ છે ને તેમનો સમાજને ઉપયોગેય છે. કોઈ એક જ દૃષ્ટિ, કે વલણ કે પદ્ધતિ કે પ્રયોજનની એકાંગી તરફદારી કે જિકર સહૃદય ભાવક કે વિવેચક ન હોય. એ હેમચંદ્રના દુહા, નરસિંહ-મીરાંનાં પદો, અખાના છપ્પા, પ્રેમાનંદનાં આખ્યાનો, દયારામની ગરબીઓ, દલપતરામ ને નર્મદાશંકરની કવિતા, બાળાશંકર-મણિલાલની ગઝલો, ગોવર્ધનરામનાં ‘સરસ્વતીચંદ્ર’ ને ‘સ્નેહમુદ્રા’, નરસિંહરાવ ‘કાન્ત’ ‘કલાપી’ની કવિતા, મણિલાલ – આનંદશંકરના ધર્મવિચારણાના લેખો, રમણભાઈનાં ‘ભદ્રંભદ્ર’ ને ‘રાઈનો પર્વત’, ન્હાનાલાલનાં નાટકો, મુનશી, રમણલાલ, મેઘાણી, પન્નાલાલ, મડિયાની નવલકથાઓ, ‘ધૂમકેતુ’ ‘દ્વિરેફ’ ઉમાશંકર આદિની વાર્તાઓ, ગાંધીજી, કાલેલકર, મશરૂવાળા આદિનાં પુસ્તકો, બટુભાઈ, ચંદ્રવદન, દલાલ આદિનાં નાટકો, રામનારાયણ, વિજયરાય, વિષ્ણુપ્રસાદ ને વિશ્વનાથ જેવાનું સાહિત્યવિવેચન, સુંદરમ્, ઉમાશંકર, શ્રીધરાણી, રાજેન્દ્ર, નિરંજન, લાભશંકર આદિની કવિતા, આજના ‘એબ્સર્ડ’ શૈલીનાં નાટકો – એમ બધું જ એ ઉદાર રસજ્ઞતાથી પોતાના આસ્વાદની આશ્લેષસીમામાં સાનંદ સમાવી શકે. એટલી જ સહૃદયતાથી એ સાહિત્યકલાની સર્જનસાધનામાં અવનવાં પ્રયોગસાહસો ખેડી નવી કેડીઓ પાડવાની મથામણ કરનાર ‘આવાં ગાર્દ’ નવસર્જકોના સાહિત્યપુરુષાર્થને સમજવા-સમજાવવા તત્પર કે સજ્જ હોય. એ સમાજલક્ષી ઉદ્દેશપ્રધાન અને જીવનધર્મી સાહિત્યની કદર કરી આપતો હોય તેટલી જ સરલતાથી કલૈકલક્ષી કૃતિઓને માણી તેને ન્યાય આપી શકતો હોય. એને છંદોબદ્ધ અને અછાંદસ બંને પ્રકારની કવિતા ખપે. એને જૂના-નવાનો ભેદ મૂંઝવે નહીં, કે બેમાંથી એકનો જ મમતીલો આગ્રહી બનાવે નહિ. કોઈ પણ સમયમાં, કોઈ પણ સાહિત્યસ્વરૂપમાં, કોઈ પણ પ્રકારની સર્જનપદ્ધતિથી, શેલીના શબ્દોમાં વરિષ્ઠ મેધાવીઓની ઉત્તમ આનંદાનુભૂતિની ક્ષણો (‘The best and the happiest moments of the happiest and best minds’) શબ્દમૂર્તિ બની હોય તેની સાથે અભિનવગુપ્તના કહ્યા મુજબ તન્મયીભવનથી હૃદયસંવાદ તે અનુભવ શકતો હોય. નાનામોટા સૌએ પોતપોતાની રીતે ભાષા દ્વારા કરેલી પ્રત્યક્ષ આત્માભિવ્યક્તિ અને પરોક્ષ માનવહૃદયસેવા માટે તે આભારનો ભાવ જ તેણે અનુભવવાનો હોય. પશ્ચિમના સાહિત્યિક બૌદ્ધિક પુરુષાર્થના ફળરૂપ જે કેટલાંક આંદોલનો કે સાહિત્યવાદો ચાલુ શતકના બીજા વિશ્વયુદ્ધની પહેલાંના દાયકાઓમાં યુરોપીય સાહિત્ય પર વધતીઓછી અસર કરી ગયા છે તેમાં ફ્રાન્સના પ્રતીકવાદ (symbolism), તેની અસર બતાવતો ઇંગ્લૅન્ડના એઝરા પાઉન્ડે પ્રતિષ્ઠિત કરેલો કલ્પનવાદ (Imagism), જર્મનીનો અભિવ્યક્તિવાદ (Expressionism), ફ્રાંસનો દાદાવાદ કે શૂન્યવાદ (Dadaism) અને અતિવાસ્તવવાદ (Surrealism)નાં નામ ગણાવી શકાય. કલાના ક્ષેત્રમાં અમૂર્ત કે નિરપેક્ષ કલા (Abstract Art), અને ભાવિવાદ (Futurism) જેવાં આંદોલનો કે નવા પ્રગલ્ભ વિચારોના ઉદ્‌ભવ ને પ્રસારનો સમય પણ લગભગ એ જ. એ કલાવિષયક નવ-વિચારોની પણ અસર પેલાં સાહિત્યિક આંદોલનો પર થાય એ સ્વાભાવિક હતું. આ બધાંની અસરે થયેલ પાશ્ચાત્ય કાવ્યસર્જનની અસર ગુજરાતી સાહિત્ય ઉપર એમાંથી કેટલાક વાદ કે આંદોલન યુરોપમાં શમી પણ ગયા પછી અઢીએક દાયકા બાદ આપણા સ્વાતંત્ર્યોતર કાળમાં થવા લાગી છે : કેમ જાણે તે પહેલાં આપણું લક્ષ દેશના સ્વાતંત્ર્યસંગ્રામ પર જ કેન્દ્રિત હોય અને સ્વતંત્ર થયા પછી જગતની સાથે થઈ જવાનો ઉદ્યમ આપણે સાહિત્ય અને કલાના ક્ષેત્રે આરંભી દીધો હોય. એ વાદોની અસર આપણે ત્યાં ફર્સ્ટ હૅન્ડ સીધી રીતે નહિ, પણ સેકન્ડહૅન્ડ એટલે એનાથી પ્રેરિત સાહિત્યના વાચનથી અને પછી તો એવા રચાતા આપણા જ સાહિત્યના ફૅશન બનતા અનુકરણથી થઈ છે. આમ હોતાં એ બધા વાદો વિશે પણ પોતાનો સાહિત્યજ્ઞાનકોશ વધારવા આપણા ભાવકો અને વિવેચકોએ પોતાની જાણકારી કેળવી કે મેળવી લેવી આજની પરિસ્થિતિમાં આવશ્યક બને છે. આપણી આધુનિક કવિતા, વાર્તા ઇત્યાદિને કે સહાનુભૂતિપૂર્વક સમજવાની ચાવી એમાંથી મળે તેમ છે. છેલ્લા અઢી દાયકામાં આપણે ત્યાં ઝડપથી થયેલ સાહિત્યના સ્વરૂપપરિવર્તનનું પગેરું ત્યાં સુધી જાય છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે વિજ્ઞાનમાં જેમ જૂની કલ્પના કે અનુમાનો(hypothesis)ને નવાં સદંતર નષ્ટ કે લુપ્ત કરી દે છે, તેમ સાહિત્ય અને કલાની બાબતમાં બનતું નથી. પ્રાચીન ઉત્તમ કલાકૃતિઓ માનવીની કલાસિદ્ધિ તરીકે બધા દેશકાળની સનાતન કે ચિરાયુષી સહિયારી સંપત્તિ બને છે, નવી કૃતિઓ આવતાં એ નિઃસાર કે વ્યર્થ ઠરતી નથી. એ જ રીતે કોઈ એક કાલ-ખંડની માનવ-ચેતનાએ સ્ફુરાવેલી સાહિત્ય, કલા અને તત્ત્વજ્ઞાન સંબંધી વિચારણા આગળનીનો સદંતર છેદ ઉડાડી નાખી શકતી નથી. એમાં પૂર્તિ જ કરતી હોય છે. આથી, પ્લેટો-એરિસ્ટોટલથી મેથ્યુ આર્નોલ્ડ ને વૉલ્ટર પેટર સુધીની કે ભરતથી જગન્નાથ સુધીની સાહિત્યતત્ત્વમીમાંસા અને કવિતા એટલે સમગ્ર રચનાત્મક સાહિત્યસર્જન પાસે રખાયેલી અપેક્ષાઓ તેમની ઉપર ચોકડી મૂકી દેવા જેવી નિરર્થક આ બધા આધુનિક વાદો-આંદોલનથી બની જતી નથી. માત્ર દૃષ્ટિકોણ અને ભાર બદલાતો હોય છે, જે સાહિત્યપ્રવાહ પર લીલ જામવા દેતો નથી અને તેને સમયે સમયે નવી ગતિ-સ્ફૂર્તિ આપ્યાં કરતો હોય છે. આટલું સમજી લેવાય તો જૂના અને નવાનો એકમેક પ્રત્નો નફરતી વિરોધભાવ અનિર્વાહ્ય જ ઠરે. ‘By despising all that has preceded us, we teach others to despise ourselves’ એ હેઝલિટનું કથન અત્રે સંભારવા જેવું છે. સાહિત્યે જીવનનું અનુકરણ કે પ્રતિબિંબ હોવાની કે બનવાની, જીવનને ઊર્ધ્વગામી બનાવે એવા ધર્મ, નીતિ, સનાતન મૂલ્યો વગેરેના સંદેશના વાહક બની આનંદની સાથે (અલબત્ત કાન્તાસંમિત) ઉપદેશ આપવાની, તેણે બજાવવાના સમાજધર્મ, રાષ્ટ્રધર્મની, તેણે ઉપસાવવાની high seriousnessની, તેની સુખાસ્વાદ્યતા કે અવગમનક્ષમતાની વગેરે જે શીખ ગત શતકોના ભારતીય તેમ પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રીઓએ આપી સાહિત્ય પાસે રાખવાની જે અપેક્ષાઓ માનવજાતને ગાંઠે બંધાવી છે તે જૂઠી કે વ્યર્થ ન હતી. એણે સરજાવેલા સાહિત્યનેય ઊભા રહેવા અને ટકી રહેવાનો એટલો જ અધિકાર છે. જેટલો નવા વાદોએ પ્રેરેલા સાહિત્યને. બંનેની એકત્ર ઉપસ્થિતિ શક્ય છે, વસ્તુતઃ હોય પણ છે. દરેક જમાનાની સાહિત્યકૂચની નવી કેડીઓ કોરતી અગ્રયાયી ટુકડી હોય છે તેમ પરંપરાનુયાયી લેખકોય હોય છે. અને તે આગલા કરતાં વધારે. આપણા અર્વાચીન સાહિત્યના યુગમાંય મધ્યકાલીન પ્રકારની ભક્તિ-વૈરાગ્યાદિની કવિતા જેમ ભલે નાનકડા પાતળા પ્રવાહ રૂપે પણ વહેતી રહી છે, તેમ અદ્યતન પ્રયોગશીલ નવસાહિત્ય સાથે આગલા દાયકાઓની પરંપરાનું અનુસરણ પણ ચાલતું રહ્યું છે. બધા પ્રકારને તેના વાચકો મળી રહેતા હોય છે. વાર્તા-નવલકથાનું સાહિત્ય આ વિશેષ બતાવે છે. અભિનિવેશ, પરંપરાનો તેમ આધુનિકતાનો, ખોટો. એ ભાવકને જેને કશું નજરમાં વસે જ નહિ તેવા અરોચકી કે જે બધામાં દોષ જ દેખે તેવા મત્સરી બનાવી દે. બીજી બાજુ જેને બધું ઘાસપણ ખપે અને ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજાં’ જેવો પારખદંડ હોય એવા સતૃણાભ્યવહારી પણ બનવાનું ભાવક માટે ઇષ્ટ નથી. એણે, આ ત્રણે પ્રકારનો ભાવકો કરતાં કાવ્યમીમાંસાકાર રાજશેખરે ચડિયાતા ગણેલ જે સારાસારવિવેકથી તત્ત્વનું ગ્રહણ કરે એવા તત્ત્વાભિનિવેશી બનવું એના તેમજ સાહિત્યનાં શ્રેય અને તેજના હિતમાં જરૂરી કહેવાય. કૃતિનું સત્ત્વ જ મહત્ત્વનું. એની સામે જ જોવાનું હોય. વિવેચન પણ હવે તો અનેક જુદા જુદા દૃષ્ટિકોણ કે અભિગમથી વિવિધ પદ્ધતિઓને પુરસ્કારતું થયું છે. એ પરત્વે પણ આવું જ ઉદાર વલણ ઇષ્ટ ગણાય. શબ્દાર્થવિજ્ઞાનીઓ (semanticists), અસ્તિત્વવાદીઓ, ફિનોમિનોલૉજિસ્ટો, ફ્રોઇડિયનો, ઝેન બુદ્ધિસ્ટો, મરમીઓ અને અબ્રાહમ મેસ્લો જેવા માનવતાવાદી માનવશાસ્ત્રીઓ જે કાળે ભાષાની મર્યાદાનો ખ્યાલ આપતાં જાય છે, તે વખતે એવી શબ્દની મર્યાદા પોતેય અનુભવતો અને તેને સતત વગોવતો અને મૌનનો મહિમા કરતો છતાં શબ્દની સાધના અને લીલામાં જ મસ્ત રહેતો અને ગાંધીયુગની સમાજલક્ષિતાની ઠેકડી ઉડાવતો આજનો આપણો કવિ અહંકેન્દ્રી અને લોકવિમુખ બની ગયો પ્રથમ નજરે લાગે. પણ ઊંડે જોતાં એ પોતે પોતાને ખોઈ નાખ્યાની ને પોતાને શોધવા જવાની કે પોતાની છિન્નભિન્નતાની વાત કરતો દેખાય ત્યાં એ પોતાની નહિ, પણ બે વિશ્વયુદ્ધોના આઘાત ને પરિણામરૂપ ભ્રમનાશ, શ્રદ્ધાલોપ, હતાશા ઇત્યાદિ અને ઝડપથી આગળ વધતી આજની યંત્રદ્યોગ-સંસ્કૃતિના ફળરૂપ ખાલીપો, પરાયાપણું, કંટાળો, નિર્વેદ વગેરે અનુભવતા માનવીની જ સંવેદના આજના વિશ્વસંદર્ભમાં ઉદ્‌ગારતો દેખાય છે. એના ધર્મ, નીતિ, સૌંદર્ય, શિષ્યતા વગેરેની પૂર્વપરંપરા કે વ્યવસ્થા સામેના વિદ્રોહમાં તેમજ વ્યંગ(irony)ના એના અતિવપરાશમાં વસ્તુતઃ એની ભીતરી ભાવનાશીલતા અને માનવપ્રીતિનું શીર્ષાસન જ જોઈ શકાય. ‘ઍબ્સર્ડ’નું વધી પડેલું ગાન-માન પણ એવું જ. જગત અને જીવન વિશે આવો નિરાશાવાદ હાર્ડી અને આપણે ત્યાં ધર્મપરિવર્તન પહેલાંના કાન્ત જેવાએ નથી અનુભવ્યો એમ નહિ. ‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં’ અને ‘જીવન સઘળું એક્કાની અસાર મુસાફરી’ ગાતા ‘કલાપી’નું એવું સંવેદન એ જ પ્રકારનું હતું. આપણો કવિ ગુજરાતનો તેટલો વિશ્વનો વાસી છે, એટલે આવા નિર્વેદ-નૈરાશ્ય અત્રત્ય પરિસ્થિતિમાંથી નહિ તો આધુનિક પરદેશી સાહિત્યમાંથી કવિસહજ સંવેદનપટુતાથી એ અનુભવે ને ગાય તેની સામે બહુ વાંધો લઈ શકાય એમ રહ્યું નથી. આમ એણે સમાજ ને દેશની નજીકની પરિસ્થિતિ અને પ્રશ્નોના કરતાં મોટા ફલક પર માનવનિયતિના મોટા પ્રશ્નને સ્પર્શ્યો છે. કવિની આ અંતર્મુખતા અને ખોજનું શુભ હકારવાચક પરિણામ આવવું જ જોઈએ. કુદરતને ખાલીપે કે શૂન્યાવકાશ ગમતો નથી. ‘ગીતા’ના અર્જુનનો વિષાદ અને ‘યોગવાશિષ્ઠ’ના રામનો નિર્વેદ તો આપણા તત્ત્વજ્ઞાને પ્રાપ્ત કે ‘કાર્ય’ કર્મ ‘સુખદુઃખે સમે કૃત્વા’ અને ‘વિગતજવર’ બનીને સમાચરવાનો પુરુષાર્થ-સંદેશ સંભળાવવા માટે યોજાયેલાં કલ્પિત નિમિત્ત કે myth છે. કાર્લાઇલે એની Sartor Resartus કથામાં તેના નાયકને વિષાદ ને નિર્વેદના Everlasting Netની મનોયાતના વેઠાવી અંતે તો Everlasting Yeaમાં, હકારના જીવન અને કર્મયોગની મનોભૂમિકા – Work is Worship – નો મંત્ર આપીને લાવી મૂક્યો છે. તેના પ્રેરણાગુરુ ગ્યોઇથેનો સંદેશ પણ ‘ફાઉસ્ટ’ની તેની અમર કૃતિમાં અંતમાં એવો જ ગુંજે છે. એથી જ નિરાશા ને વૈકલ્યને હઠાવવા કાર્લાઈલે ગર્જના કરી હતી : Close the Byron, open thy Goethe. આધુનિક સાહિત્યને ઘેરી વળેલું આ નિર્વેદ – વિષાદ – અર્થશૂન્યતાનું ધુમ્મસ પણ એક વચલી મનઃસ્થિતિ જ હોવી ઘટે, મંજિલ નહિ. ઉષાના ઉદય પહેલાંનો અંધકાર સૌથી વધુ ઘેરો કે ઘોર હોય છે, પણ તેની પછી ઉષાના પ્રકાશનું અચૂક આગમન થાય છે. ‘If Winter comes, Can spring be fat behind?’ એમ આ ધુમ્મસે એક ડાળે વિખેરાઈ જવું જ પડવાનું. મનોવિજ્ઞાનમાં તો ‘Close thy Freud, open thy Maslow’ એમ કહેવાવારો આવી ગયો છે. ફ્રૉઇડે અજ્ઞાત કે અવચેતન મનને અનિચ્છનીય અશુભ માન્યું તેને ભૂલ ગણાવતા. અબ્રાહમ મેસ્લો જેવા માનવશ્રેયોવાદી (humanistic) મનોવૈજ્ઞાનિકો અજ્ઞાત મનના સર્જકતાનાં આનંદનાં, ભદ્ર કે શિવનાં, ને માનવીય નીતિશાસ્ત્ર અને મૂલ્યોનાં પણ મૂળ હોય છે, અને રુગ્ણ અજ્ઞાત મન જેવું નીરોગી અજ્ઞાત મન પણ હોય છે, એમ કહે છે. વ્યક્તિની જરૂરતો અને સમાજ તથા સંસ્કૃતિની જરૂરતો વચ્ચે અવાર્ય અંતર્ઘટિત (Built-in) વિરોધ હોય છે. એ ફ્રૉઇડી માન્યતાને એ લોકો ખોટી ગણે છે. માનવીની કાયિક અને માનસિક જરૂરતો (Basic needs) કરતાં ચડિયાતી તેની ત્રીજી જરૂરતોને મેસ્લો (Being-needs કે Meta-needs) એટલે આત્મિક જરૂરતો કહે છે, સત્ય, સૌંદર્ય, પ્રેમ, ન્યાય, પૂર્ણતા એવી જરૂરતો છે, જે માનવીની ઉન્નતિસાધક હોય છે અને મૂલ્યાત્મક હોય છે. જેમાં ક્ષણિક ને શાશ્વતનું, સ્થાનિક કે સીમિત અને અનહદનું, હકીકત અને મૂલ્યનું, એકત્વ અનુભવાય એવા વિશ્વાત્મૈક્યનો પરાનુભવ, જેને તે self-actualization કે Self-transcendence કહે છે. તે શક્ય છે એમ નહિ, તે જ મનુષ્યની ઉજ્જ્વળ નિયતિ હોવી ઘટે એવું મેસ્લોનું પ્રતિપાદન, ‘उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्’ એ ગીતાનું ભગવદ્‌વાક્ય તથા આપણું ઔપનિષદિક દર્શન સાર્ત્ર, કામ્યૂ, આદિના માર્ગેથી આપણા આધુનિકોની નવી પેઢીને વિવેકાનંદ, ગાંધીજી અને કૃષ્ણમૂર્તિને માર્ગે વાળીએ એવી આશા કેમ ન રાખીએ? એમ થશે ત્યારે એરિક ફ્રૉમને મતે આજના યુગની સમસ્યારૂપ પરાયાપણાની લાગણી તથા માનવચિત્ત અને હૃદય વચ્ચે પડી ગયેલું અંતર તથા આજના ઍબ્સર્ડવાદીઓને હેતુશૂન્યતા કે અર્થશૂન્યતાનો અનુભવ કરાવતી માણસ અને ભૌતિક જગત વચ્ચેની ખાઈ પુરાઈ ગઈ હશે, અને સાહિત્ય ઉદ્‌ગારનું થયું હશે, ‘I am, I love, I see, I act, I will’ એ શ્રી અરવિંદની સાવિત્રીના તેજતણખા ઝરતા વાક્યમાંનો સ્ફૂર્તિદાયક માનવકલ્યાણક નવસંદેશ, ત્યારે વોલ્ટર પેટરે અને ટી. એસ. એલિયટે દર્શાવેલો સારી કલા અને મહાન કલા વચ્ચેનો ભેદ૯ સમજીને સાહિત્યકલાના ધોરણે સંતર્પક બનવા સાથે મહાન પણ બનવાની મહેચ્છા સેવતું થશે. મહાન કૃતિઓ નિપજાવવા તેણે પેટરના બતાવ્યા મુજબ પોતાના વિષય-વસ્તુના ગૌરવ, વિસ્તાર ને વૈવિધ્ય પર, જીવનના હેતુ કે મહાપુરુષાર્થ સાથેના એના સંબંધ પર, એના આશા-આશ્વાસનના કે ક્રાંતિના સંદેશાની ઉદાત્તતા તથા વેધકતા પર નજર ઠેરવવાની રહેશે. ફ્રૉઇડ-યુંગ-એડલર પછીના એક મોટા મનોવિજ્ઞાની અબ્રાહમ મેસ્લોની નીચેની ચીમકી પણ તેને માટે અવધાર્ય ગણાય. I point out that professional science and professional philosophy are dedicated to the proposition of forgetting about the values, excluding them. This, therefore, must lead to Eichmanns, to atom bombs, and to who knows what! I am afraid that the tendency to separate good style or talent from content and ends can lead to this kind of danger.૧૦ ત્યારે પ્લેટોથી માંડી ન્હાનાલાલ ને કાકા કાલેલકર સુધીના સેંકડો વર્ષોના ગાળામાં તો ખરી જ પણ આધુનિકોમાંથીય ઘણાએ૧૧ પુરસ્કારેલી કલાની નૈતિક જવાબદારી પણ ફરી સમજાઈ હશે. અને ત્યારે સંભવતઃ ‘Close thy Baudlarie open thy Tolstoi’ એમ ન લલકારાય, તોય કલાત્મક અભિવ્યક્તિની નવી નવી તરકીબોની શોધમાં થતા પ્રયોગાતિરેકનું સ્થાન નવાં સાદાઈ-સરળતા સિદ્ધ કરવાની અને બહોળા વાચકસમુદાયને આકર્ષવાની અને તેમના હૃદય સુધી પહોંચવાની નવી રીતો કે ઉપાયોની શોધમાં પ્રયોજાતી પ્રયોગશીલતાએ લીધું હશે. ગુજરાતી સાહિત્યકારોની આજની તથા આવતી કાલની ચેતનવંતી પેઢીઓના આ દિશાના પ્રસ્થાનની આશા રાખીએ. ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના ત્રણ દાયકાના ગુજરાતી સાહિત્ય ઉપર દૃષ્ટિપાત કર્યો તો ગુજરાતી ભાષા સાથે નિસબત ધરાવતી કેટલીક એ ગાળાની પ્રવૃત્તિઓની નોંધ પણ સંક્ષેપમાં લેવી જરૂરી અને ઉચિત માનું છું. એમાં પહેલી છે રાજવહીવટમાં ગુજરાતી ભાષાના વપરાશની. ૧૯૪૭ પછી એ સમયના મુંબઈ રાજ્યે તેની સીમાની ત્રણેય પ્રદેશભાષા – મરાઠી, ગુજરાતી, કન્નડ – માં લખાયેલાં પ્રજાજજોનાં લખાણનો જવાબ તે ભાષામાં આપવાની અધિકારીઓને પ્રથમ ગ્રામકક્ષાએ પછી જિલ્લાકક્ષાએ પ્રદેશભાષામાં વહીવટી વ્યવહાર કરવાની ને વધારતા રહેવાની સૂચનાઓ વખતોવખત આપ્યા કરી હતી. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે તેની વિધાનસભાનો પહેલો અધિનિયમ રાજ્યવહીવટની ભાષા ગુજરાતી અને હિંદીને ઠરાવવાનો થયો હતો. એ હેતુની સિદ્ધિ માટે સચિવાલયકક્ષાએ એ અંગેની કામગીરી માટે નિમાયેલી ભાષાકચેરીએ હજારો સરકારી ઠરાવો, પરિપત્રો, જાહેરનામાં, નિયમો, જુદાં જુદાં અનેક ખાતાંઓના નિત્યવ્યવહારનાં ફૉર્મ, બજેટ-પ્રકાશનો વગેરેનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરી આપી ‘વહીવટી શબ્દકોશ’ અને સરકારી કામકાજમાં ગુજરાતીના ઉપયોગ અંગે ‘માર્ગદર્શિકા’ તથા ‘સરકારી લેખનપદ્ધતિ’ જેવાં પુસ્તકો તૈયાર કરી પ્રસિદ્ધ કર્યાં છે. અંગ્રેજી હકૂમત વેળા રાજવહીવટની ભાષા અંગ્રેજી હોવાથી અને વહીવટીતંત્ર અકબંધ આગલું જ સ્વરાજ-સરકારે અપનાવ્યું હોવાથી ખાતાંઓ ને અધિકારીઓનાં નામ, ફાઈલો અને દફતરોનાં શીર્ષકો, કેટલીક તુમારી ભાષાની લઢણો, પત્રવહેવારની પદ્ધતિ વગેરેમાં આગળ વપરાતી અંગ્રેજી ભાષાના શબ્દોના યથાર્થ ગુજરાતી પર્યાયો શોધી ઘડી આપવામાં દૃષ્ટિ-યથાર્થતા અને સુગમતા ઉપરાંત એનાં ખાસિયતો, રૂઢિપ્રયોગો, સ્વરૂપ, બંધારણ અને રૂઢ વ્યવહાર (usage) સાથે ભાષાના ગુજરાતીપણાની જાળવણી અને ખિલવણીની રહી હોવાનું આગળ ઉલ્લેખેલાં ત્રણ પુસ્તકો તેમજ આગલાં બેની પુરવણીનાં બહાર પાડેલાં બે પુસ્તકોનાં વાચનથી સ્પષ્ટ થશે. લોકો માટે, લોકો વડે ચાલતા લોકોના રાજ્યની પહેલી શરત તે લોકોની ભાષામાં ચાલે એ છે. એમ ન થાય ત્યાં સુધી પ્રજાને સ્વરાજ્ય આવ્યાની પ્રતીતિ થાય નહિ. સ્વતંત્ર ભારતના રાજબંધારણની ૩૪૫મી કલમથી રાજ્યોમાં સરકારી કામકાજ માટે પ્રાદેશિક ભાષાઓનો ઉપોગ કરવાની છૂટ અપાઈ છે તેનો અમલ ગુજરાત ખાતે સંતોષકારક પ્રમાણમાં થયો કહી શકાય તેમ છે, તેનું શ્રેય તેની પ્રજાકીય સરકારને ઘટે છે. મંત્રીઓ અને સચિવો આને બીજા અનેક લોકોપયોગી કાર્યક્રમો જેટલું જ એક Must જેવું કામ માની અને વિશે વધુ આગ્રહી અને જાગ્રત રહે, તો આ બાબતમાં થયેલી પ્રગતિ કરતાં વિશેષ પ્રગતિ સાધી શકાય તેમ છે. ભાષા તરજૂમિયા, કૃત્રિમ કે ભદ્રંભદ્રી ન લાગે એની સાવધાની જેમ અત્યારસુધી રખાઈ છે તેમ કાયમ રાખવી જરૂરી છે. ગુજરાત રાજ્યે ‘કાયદાના પારિભાષિક શબ્દોનો કોશ’ પ્રગટ કરી કેન્દ્રીય અધિનિયમોના ગુજરાતી અનુવાદનું કામ પણ એક હિંદી સિવાય બીજી પ્રદેશભાષાઓમાં થયેલા તે કામ કરતાં ઘણું વધારે પ્રમાણમાં દેખાડ્યું છે. સ્વરાજ્ય પહેલાં પણ વડોદરા અને બીજાં બધાં દેશી રાજ્યોમાં વહીવટ ગુજરાતીમાં જ ચાલેલો હોઈ રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણમાં આપણને ખાસ મુશ્કેલી નડી નથી અને વડોદરા રાજ્યે બહાર પાડેલી ‘શાસનકલ્પતરુ’ જેવી સામગ્રીનો યથાયોગ્ય ઉપયોગ એમાં થયો પણ છે. રાજકારભારના ભાષાવ્યવહારમાં ગુજરાતીના ઉપયોગ વિશેના પરિષદના એક દૂરદર્શી ભૂતપૂર્વ પ્રમુખની સૂચનાના ભાષાવાર રાજ્યરચનાએ અનુકૂળ બનાવેલી સ્વાતંત્ર્યોત્તર પરિસ્થિતિમાં થઈ રહેલા અમલના પહેલા દશકાની પાયાની કામગીરીમાં સક્રિય ભાગીદારી થવાનું સદ્‌ભાગ્ય આ બોલનારને સાંપડ્યું હતું. ગુજરાત માટે સ્વતંત્ર યુનિવર્સિટીની માગણી આપણી પરિષદના એકથી વધુ પ્રમુખોએ કરી હતી તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના આ ત્રણ દાયકામાં માગ્યા કરતાં ઘણા વધુ પ્રમાણમાં સંતોષાઈ છે, અને તે સાથે શિક્ષણ-પરીક્ષણમાં ગુજરાતી ભાષાના ઉપયોગની પણ. ગુજરાત પાસે અત્યારે ગાંધીજી-સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ઉપરાંત મહારાજા સયાજીરાવ, ગુજરાત, સરદાર પટેલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, આયુર્વેદ અને કૃષિ યુનિવર્સિટીઓ છે, ભાવનગર યુનિવર્સિટીએ તાજેતરમાં જ જન્મ લીધો છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પણ થયા વિના નહિ રહે. કૃષિ અને આયુર્વેદની જેવી વિશિષ્ટ વિદ્યાશાખાઓને સુવાંગ વરેલી યુનિવર્સિટીઓ સિવાય જરૂર તો ગુજરાતને કોઈ એકબીજીની વિદ્યાશાખાઓને બેવડાવે નહિ એની અને યુગની જરૂરતોને સંતોષતી ફક્ત ત્રણ યુનિવર્સિટીની હતી, જે પંચવર્ષી યોજનાઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને રાજ્ય સરકારની ઉત્તરોત્તર વધતી જતી આર્થિક સહાયનો સૂઝભર્યો અને પર્યાપ્ત ઉપયોગ કરીને સ્વતેજ ખીલવતી વિકસી રહી હોત. પ્રદેશના ધુરીણોએ શાંતિથી બેસી આવો નકશો પહેલેથી વિચારી ગોઠવી લીધો હોત તો સારું થાત. પણ દેશમાં અન્યત્ર બધે તેમ અહીં પણ સ્થાનિક અને પ્રાદેશિક મમત્વે તથા રાજકારણે સંખ્યા વધારી આપી છે, તો થયું તેનો આનંદ છે. પણ એવો આનંદ યુનિવર્સિટીઓથી આપણી ભાષા અને આપણા સાહિત્યને મળવા અપેક્ષિત ધક્કા પરત્વે બહુ થતો નથી. શિક્ષણ અને પરીક્ષણનું માધ્યમ ગુજરાતી થયા છતાં વિદ્યાર્થીઓ ભાષાશુદ્ધિ અને અભિવ્યક્તિની બાબતમાં કશી પ્રગતિ દેખાડતા થયા નથી, ઊલટું એ પરત્વે એમની ઉદાસીનતા વધતી જતી હોવાનું જાણકારો કહે છે. ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય લઈ બી.એ. અને એમ.એ. થનારા વિદ્યાર્થીઓ પાસે તો એવી પ્રગતિની અપેક્ષા રખાય, પણ તે સંતોષાઈ નથી. પાઠ્યપુસ્તક તરીકે મુકરર થયેલી શિષ્ટ કૃતિઓનો સાંગોપાંગ અભ્યાસ તો શું, સામાન્ય પરિચય પણ ધરાવ્યા વિના એ પદવીઓ કેટલીક વાર તો બીજા વર્ગમાં મેળવી જનારાં સાહિત્યના શિક્ષક અથવા અધ્યાપક બની કેવુંક ઉજાળશે એની ફિકર થાય. આપણા સાહિત્યનો વિશાળ તેમ ઊંડો અભ્યાસ, સાચી સાહિત્યસમજ, વિવેચનશક્તિ અને ભાષાબળ બતાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી જૂજ હોય છે. યુનિવર્સિટીઓ સાહિત્યના અધ્યયન, ઊહાપોહ, ઉત્તેજના આદિથી તેમ નવાં સાહિત્યિક સંચલનો અને પોતાના સંપ્રદાય (school) ઊભા કરે એવા સાહિત્યસર્જનથી ધમધમતાં એક કાળે ઑક્સફર્ડ કે કેમ્બ્રિજ હતાં તેવાં સાહિત્યનાં ડાયનેમો-કેન્દ્રો બની જવાની આશા નાપાસ થવાનું અઘરું બનાવી દેનારી અને સાહિત્યની બી.એ., એમ.એ. પદવીઓનું અવમૂલ્યન કરી નાખનારી સ્વાતંત્ર્યોતર પરિસ્થિતિમાં શી રાખવી? કેટલાક તેજસ્વી કવિઓ, વાર્તા-નવલિકા આદિના સર્જકો ને અભ્યાસીઓ યુનિવર્સિટીઓમાંથી નીકળ્યા છે. પણ તે આવી પરિસ્થિતિ છતાં, અને સ્વકીય પ્રતિભાબળે ને અભ્યાસે, અવમૂલ્યન તો હવે યુનિવર્સિટીઓની ઉચ્ચતમ ગણાય તેવી પીએચ.ડી. પદવીનું પણ થવા લાગ્યું છે. એ પદવી માટેની પાત્રતા ધરાવે એવા તોલદાર, અધ્યયનસંશોધન-ક્ષમ અને કશીક નવી હકીકત, નવા પ્રતિપાદન કે વિવેચનને કે કંઈ નહિ તો સત્ત્વશાળી અને વેધક પુનર્મૂલ્યાંકનને અવકાશ આપે એવા વિષયોની પસંદગી પણ કરતાં ન આવડે એવી પરિસ્થિતિમાં પરિષદના કલકત્તા-અધિવેશનના પ્રમુખને એ માટે સૂચન કરવું પડ્યું હતું એ યાદ હશે. અધ્યાપન-માર્ગદર્શક વર્ગ પણ પોતાની સજ્જતા, દૃષ્ટિ, જવાબદારીનું ભાન અને નિષ્ઠા વધારવાં રહે છે. ગુજરાતીને માધ્યમની પ્રતિષ્ઠા મળતાં જુદા જુદા વિષયોના પારિભાષિક શબ્દોના ગુજરાતી પર્યાયોની પુસ્તિકાઓ ગુજરાત યુનિવર્સિટી તરફથી મળી, અને અનેક યુનિવર્સિટી-વિષયોના અભ્યાસક્રમને અનુલક્ષતાં વિદ્યાર્થીભોગ્ય પુસ્તકો ખાનગી પ્રકાશકોએ અને યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે ઉત્સાહી અધ્યાપકો પાસે લખાવી મોટી સંખ્યામાં પ્રગટ કર્યાં, તે આપણા શાસ્ત્રીય વાઙ્‌મયને થયેલો લાભ ગણાય. પણ એમાં લેખકોની ભાષા દ્વારા ગુજરાતી ભાષાએ કોઈ નવું ગજું કાઢી દેખાડ્યાની પ્રતીતિ થતી નથી, અને ગુણવત્તા સંખ્યાને તાળી આપતી નથી. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડની પુસ્તકપસંદગી, લેખકો, પરામર્શકો વગેરે બાબતમાં ગુજરાતની યુનિવર્સિટીઓના ઉપ-કુલપતિઓએ વિશેષ સક્રિય રસ લીધો હોત, તો એક જ ઉત્સાહી વ્યક્તિને વહેવાના આવેલા ભારથી આવેલ પરિણામ સહેજ વધુ સારું આવત. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પ્રજાકીય સરકારોએ બધાં રાજ્યોમાં કલ્યાણરાજ્ય બનવાના ઉત્સાહમાં આગલા પરદેશી શાસનમાં ન થઈ શકેલાં પ્રજાનાં ઘણાં કામ ઉપાડ્યાં છે તેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની જેમ સાહિત્યના ઉત્તેજનનું પણ છે. ગુજરાત રાજ્ય પ્રતિવર્ષ બધા સાહિત્યપ્રકારોમાં પ્રગટ થયેલાં ગુજરાતી પુસ્તકોમાંથી ઉત્તમને પારિતોષિકો આપતું આવ્યું છે, કેટલાક સમયથી લેખકોને પુસ્તકપ્રકાશનમાં સહાય કરતું થયું છે, અને શાળાઓનાં પુસ્તકાલયો માટે ઉત્તેજનાર્થે પુસ્તકો ખરીદે છે. પણ સરકારી કામ એની રીતે જ થતું હોય. જે તે હેતુઓ માટે એની રીતે નીમેલી સમિતિઓ પાછી ફરતી રહેતી હોઈ પારિતોષિકો માટે કે ઉત્તેજનાર્થે ખરીદવા માટેનાં પુસ્તકો માટે પસંદગીનું ધોરણ એકસરખું ન રહેતું હોવાનું ઘણી વાર દેખાય. છતાં રાજ્ય સાહિત્ય માટે આટલું કરે છે તે હકીકત સંતોષજનક તો ખરી. પરિષદને મકાન, પુસ્તકાલય, સાહિત્યકોશ વગેરેમાં મદદ કરવાનું તેનું તાજેતરનું પગલું તો સવિશેષ અભિનંદનીય છે. સ્વેચ્છામૃત્યુથી વિદેહ થયાને જેમને બહુ ઝાઝો સમય થયો નથી એવા શ્રી મોટાના સંસ્કારવર્ધક અને સાહિત્યપોષક કાર્યની પણ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધા વિના ચાલે નહિ. ગાંધીવાદી કર્મયોગી હરિજનસેવક તરીકે બાહ્ય જીવન જીવતાં લગનીથી કઠોર ભક્તિસાધના કરતા રહીને ઈશ્વરસાક્ષાત્કાર સુધી પહોંચનાર અને મુમુક્ષુ સાધકોને પ્રેરણા ને માર્ગદર્શન આપતાં ગદ્ય અ પદ્યનાં નાનાંમોટાં મળી પોણોસો પુસ્તકો આપી જનાર એ ગુજરાતી સંતપુરુષે સ્વરાજ્યપ્રાપ્તિ પછીના રાષ્ટ્રોત્કર્ષના આરંભાયેલા પુરુષાર્થ સાથે તાલ મિલાવે એવો સમાજનું આંતરતેજ વધારવાનો પુણ્યસંકલ્પ કરી જે પ્રવૃત્તિ ઉપાડી, તેમાં ગુજરાતી સાહિત્યના અનેકદેશી વિકાસ-વૃદ્ધિ માટે હરિઃ ૐ આશ્રમ – નડિયાદ દ્વારા એમણે પરિષદને, ગુજરાત યુનિવર્સિટીઓને તથા સંસ્થાઓને આપેલાં મોટી રકમનાં દાનો પણ છે. એ રકમોના વ્યાજમાંથી કરવાનાં આશ્રમે સૂચવેલાં પ્રકાશનોમાં બાળકો ને કિશોરો માટેનું સાહિત્ય, તરુણ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે ‘જ્ઞાનગંગોત્રી’નાં પુસ્તકો, અંગ્રેજી-ગુજરાતી બૃહદ્ શબ્દકોશ, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના નમૂનાનો ગુજરાતી જ્ઞાનકોશ, વ્યુત્પત્તિશાસ્ત્ર, ગુજરાતી ભાષાનું શાસ્ત્રીય વ્યાકરણ, વેદસાહિત્ય, જીવનચરિત્રો, બધા ધર્મોના તત્ત્વજ્ઞાનને લગતાં ગ્રંથો, મૌલિક ભક્તિ-સાહિત્ય, વિજ્ઞાનકોશ, વિજ્ઞાનવિષયક પુસ્તકો, રામાયણ-મહાભારત-ભાગવત આદિની ત્રિરંગી સચિત્ર કથાઓ, શૌર્ય-સાહસકથાઓ વગેરેનો સમાવેશ થાય છે. શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક, ભગિની નિવેદિતા પારિતોષિક જેવાં પારિતોષિકો અને વ્યાખ્યાનમાળાઓ તથા ગ્રંથમાળાઓની પણ એ દાનોમાં યોજના છે. સમાજ પાસેથી આવા ઉચ્ચ હેતુ માટે નાણાં મેળવી, તેમાંથી ખાનગી કે આશ્રમના ખર્ચ પેટે એક પાઈ પણ ન વાપરતાં, અને પોતાના નામને પાછળ રાખી અન્ય સ્મરણીય વિભૂતિઓનાં નામ સાથે તે પુસ્તકશ્રેણી કે વ્યાખ્યાનમાળાઓ કે પારિતોષિકોને જોડીને શ્રી મોટાએ તથા ‘હરિઃ ૐ આશ્રમના મૅનેજિંગ ટ્રસ્ટી’ અને તેમના શિષ્ય-સાથી શ્રી નંદુભાઈ શાહે જે નિઃસ્વાર્થ સમાજધર્મ અને સાહિત્ય-સંસ્કાર-પ્રીતિનું સદા-અનુકરણીય ઉજ્જ્વળ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે તે અત્યાર સુધી તો અજોડ છે. જૂના સમયમાં અભ્યાસ, શ્રમ ને નિષ્ઠાવાળાં માણસો હતાં ત્યારે તેમને આર્થિક ચિંતામાંથી મુક્ત રાખે એવાં આવાં સાધનો ને સંજોગો ન હતાં, અને અત્યારે જ્યારે પ્રજાકીય સરકારો, સંસ્થાઓ અને આવી વ્યક્તિઓ દ્વારા એ બધું સુલભ છે ત્યારે એવી વ્યક્તિઓની તંગી વરતાય છે એ કરુણ છે. આપણી પરિષદ પાસે હરિઃ ૐ આશ્રમના દાનના જે પારિતોષિક ને ચંદ્રક છે તેની દાતાવિહિત શરતોને સંતોષે એવી કૃતિઓ દર વર્ષે મળી શકતી નથી એ પરિસ્થિતિ પુરુષ અને સ્ત્રી સાહિત્યકારોને માટે પડકારરૂપ ગણાવી જોઈએ. પડકારરૂપ તો સાહિત્યકારો માટે આજની મારાં ચશ્માંમાથી મને દેખાતી સાંસ્કૃતિક અને નૈતિક કે ચારિત્ર્યની કટોકટી કે અંધેર પણ છે. મેથ્યુ આર્નોલ્ડે ‘Cultural and Anarchy’માં ગયા શતકમાં વર્ણવી છે, એથી ક્યાંયે ચડી જાય એવી પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. પાછળનાં પુરાણોએ ને મધ્યકાળના ગુજરાતી કવિઓએ વર્ણવેલાં કવિલક્ષણોને સારાં કહેવરાવે એવી પૈસા પાછળની દોટ, એકલપેટું સુખાળવાપણું, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એમ વિનોબા જેવા સંત પાસેથી ઉદ્‌ગાર કઢાવે એવી પરિસ્થિતિ, મૂલ્યહ્રાસ, ગંભીર ને શિષ્ટ સાહિત્ય પ્રત્યે અરુચિ, હળવાં છાપાંશાઈ સામયિકોનાં વાચનનો વધારો, ભજવાતાં નાટકોનાં શીર્ષકો, દ્વિઅર્થી સંવાદો ને તેને અનુવર્તતા અભિનયમાં કોઈને, અરે જેમનું એમાં હીણું આલેખન થતું હોય છે તે સ્ત્રીઓને પણ અજુગતું ન લાગતાં તે જોવા જવા માટે થતી પડાપડી, રાજકારણમાં સ્વાર્થ, પ્રપંચ, દંભ, જૂઠ, સત્તાલોભ, વાચિક હિંસા વગેરે દૂષણોનો થતો નિહાળાય છે તેવો વધારો, બુદ્ધિજીવી, વર્ગનુંય અર્થદાસત્વ : યાદી તો બહુ લાંબી થાય તેમ છે. સાહિત્ય જ એક એવી શક્તિ છે જે લોકોનાં હૈયાંને ઢંઢોળી ચાલુ અનર્થ કે અનિષ્ટનું ભાન કરાવી તેમને સાચે માર્ગે વાળી શકે. કલમનું શસ્ત્ર એ રીતે અનર્થનિવારણનું એક કાતિલ શસ્ત્ર છે. ગોવર્ધનરામ આપણને શીખવી ગયા છે કે ધર્મનું સનાતન સ્વરૂપ હર જમાનામાં ચાલુ કે અક્ષત રહે છે, પણ દેશકાળની પ્રાપ્ત પરિસ્થિતિ કેટલોક વિશેષ ધર્મ ઊભો કરે છે. આપણા સાહિત્યકારો પણ સૌંદર્યની સાધના ને તેના ગાનનો પોતાનો સનાતન ધર્મ થોડો વખત કોરે મૂકી, પોતાની આંતરખોજ અને માનવનિયતિની ફિકરમાંથી બહાર આવી, પોતાને નજીકથી ચોમેરથી ઘેરી વળેલી અને નજરે પ્રતિક્ષણ અથડાતી આ અભદ્ર પરિસ્થિતિને વિદારવા વ્યંગ (Irony)ને કટાક્ષ (Satire)ના તેમના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે, એ એમને પ્રાપ્ત થતો આજના દેશ-કાળે જરૂરી બનાવેલો એમને માટેનો વિશેષ ધર્મ નહિ? આટલા પ્રસ્તુત પ્રગટ ચિંતન પછી, સમુદાય રૂપે આપણે મળ્યા જ છીએ ત્યારે, વૈદિક ઋષિઓના નીચેના પ્રાર્થના-શબ્દોથી આપણી સર્વ પ્રવૃત્તિઓની પ્રેરક અને નિયામક પરમ શક્તિ પાસેથી સત્ય અને પ્રકાશ યાચીએ, એ જ સમુચિત થશે : ૧.          विश्वानि देव सवितर् दुरितानि परासुव ।           यद्‌भद्रं तन्न आसुव ।। ૨.          हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।           तत्त्वं पूषनपावृणु सत्यधर्माय दृष्टये ।। ૩.          असतो मा सद्‌गमय । तमसो मा ज्योतिर्गमय ।           मृत्योर्मा अमृतं गमय ।