Many-Splendoured Love/હું જતો રહું પછી

From Ekatra Wiki
Revision as of 02:49, 9 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હું જતો રહું પછી | }} {{Poem2Open}} સવાર ક્યારે થઈ તેની આજે જલદી ખબર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હું જતો રહું પછી

સવાર ક્યારે થઈ તેની આજે જલદી ખબર પડે તેમ હતું નહીં, કારણકે આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું હતું. ભઈ, અહીં તો આવું જ હોય, કેશવભાઈ જાણતા હતા, ને તોયે એમણે આકાશ સામે જોઈને માથું હલાવ્યું, આમ સાવ કાળું કરી મૂકવાનું? ને તે ય રવિવારની સવારે?

થોડો ગડગડાટ થયો, જાણે કે વાદળોએ જવાબ આપ્યો. ને પછી આકાશ જે તૂટી પડ્યું છે, જાણે કેશવભાઈની વાત પર ગુસ્સે ના થયું હોય. જોકે એમને તો આ આકાશી નખરાં ગમતાં હતાં. એમણે જલદી જલદી ચ્હા બનાવી. કપ લઈને એ બાલ્કનીમાં આવ્યા ત્યારે હજી વરસાદ ચાલુ જ હતો.

મૂશળધાર વરસાદનો અવાજ સાંભળતાં સાંભળતાં ગરમ ચ્હા પીવાની બહુ મઝા આવે, હોં, એ હંમેશાં વીણાબેનને કહેતા. ના, પણ ઝરમર જેવું કાંઈ નહીં, હોં, વીણાબેન સામે કહેતાં.

હવે આમ તો કેશવભાઈએ મન વાળી લીધું હતું, ને દરરોજ ચ્હા પીતાં આંખો ભીની થવા દેતા નહીં. શરૂ શરૂમાં બહુ અઘરું પડ્યું એમને. ચ્હા ઝેર જેવી લાગતી, આંસુ ઘણી વાર એમાં ભળી પણ જતાં. ટેવ પ્રમાણે માથું હલાવીને એ કહેતા, વીણી, તેં ટાઇમસર મને ચ્હા બનાવતાં શીખવાડી દીધું હતું, હોં, જાણે તને ખબર હતી કે મને જરૂર પડશે.

વીણાબેન અને કેશવભાઈ સારી એવી મોટી ઉંમરે અમેરિકા આવી વસ્યાં હતાં. એકનો એક દીકરો હેમેન ભણવાના નામે મિશિગન આવ્યો હતો. પાછો અમદાવાદ આવીશ જ, એવી ખાતરી આપતો ગયો હતો. ત્યારે તો ખરેખર એ પોતે એમ જ માનતો હતો. પણ પછી જેમ બીજા હજારો દીકરાઓ સાથે બન્યું હશે તેમ - હેમેનને સરસ જૉબ મળી ગઈ, રૂપાળી લૅટિના સાથે પ્રેમ થયો, બંને પરણ્યાં, ને પછી અમદાવાદ પાછાં જવાની વાત જ ક્યાં રહી? આટલી પ્રક્રિયા દરમ્યાન એ તો ઘસાઇ ગઈ હતી, લગભગ ભૂલાઈ ગઈ હતી.

પણ હા, એવું નહતું કે એ મા-બાપને ભૂલી ગયો હતો. એણે એમને અમેરિકા ફરવા બોલાવ્યાં, અને પછી ગ્રીન કાર્ડ પણ અપાવીને જ રહ્યો. એ દરમ્યાન એ અને મારિસૉલ જ્યાં આખું વર્ષ સારી ઋતુ મળે તેવી જગ્યા શોધીને ફ્લૉરિડા રાજ્યના મુખ્ય શહેર જૅક્સનવિલમાં રહેવા આવી ગયાં હતાં. એમની સાથે મા-બાપ રહી શકે તેમ હતાં, પણ કેશવભાઈનાં ખાસ મિત્ર ધીમંતભાઈ અને સુશીબેન જ્યાં રહેતાં હતાં ત્યાં, ટૅમ્પા શહેરમાં રહેવાનું એમણે વધારે પસંદ કર્યું. ભઇ, હવે તો દેશમાં પણ દીકરા પર વધારે પડતો હક્ક નથી કરી શકાતો, કેશવભાઈ સમજતા હતા કે થોડા દૂર રહેવામાં જ ડહાપણ છે.

ધીમંતભાઈના બંને દીકરા- સુરેશ અને સુધીર -ની બે મોટેલો હતી. એમણે ખુશીથી કેશવકાકાને કામ પણ આપી દીધું. જરૂર હોય તે પ્રમાણે એક કે બીજી મોટેલમાં જવાનું. કેશવભાઈએ નજીકમાં ગાડી ચલાવતાં પણ શીખી લીધું, અને એમને ખાસ કશી ફરિયાદ રહી નહીં. વીણાબેનનું મન શાંત પડતાં થોડી વધારે વાર લાગી હશે. એ કહ્યા કરતાં કે મરવું તો ઇન્ડિયામાં જ છે, હોં. કેશવભાઈ પાસે એ વચન લેવડાવતા, કે જામનગરના સરસ સ્મશાનમાં જ મારે છેલ્લી ચિતા પર ચઢવું છે.

છેલ્લી ચિતા એટલે શું? તું કેટલી વાર ચિતા પર ચઢી છું?, કેશવભાઈના અવાજમાં ચીડ સંભળાતી. અરે, જિંદગીના દરેક દિવસે સ્ત્રીઓએ ચિતા પર ચઢતાં જ રહેવાનું હોય છે. ચિતા એટલે શું દેહ બળે તે જ આગ? ને રોજે રોજ જીવ બળતો રહે તે શું જુદું છે ચિતા પર ચઢવા કરતાં? ધીમંતભાઈ કહેતા, કેશવલાલ, તમે નહીં પહોંચો દલીલમાં. ને હવે તો આ અમેરિકન થઈ ગયાં, ઘણું શીખી ગયાં. આ સુશી જુઓને ---- પણ સુશીબેન એમને આગળ કાંઈ કહેવા દે તો ને.

બન્યું જે ભગવાનને ગમ્યું તેવું જ. વીણાબેન સાવ ટૂંકી માંદગીમાં જતાં રહ્યાં, અણધાર્યાં, ને તે પણ અમેરિકામાં. કેશવભાઈ વચન પાળી નહોતા શક્યા તેથી લાંબા વખત સુધી એમનો જીવ બળ્યા કર્યો હતો. વીણી, તારી ભસ્મ તો હું ઇન્ડિયા લઈ જ જઈશ, હોં, એ રટતા રહેતા. એ અને ધીમંતભાઈ સાથે ઇન્ડિયા જઈ આવવાના હતા, પણ હજી એ શક્ય બન્યું નહતું.

જાણે દિવસના કલાકો વધી ગયા હોય તેમ હવે કેશવભાઈ મોટેલના કામ પછી હૉસ્પિટલમાં વૉલન્ટિયર તરીકે પણ જવા માંડ્યા હતા - અઠવાડિયામાં બે વાર, બને ત્યારે ત્રણ વાર. ક્યારેક નર્સો સાથે, તો ક્યારેક ઇન્ડિયન ડૉક્ટરો સાથે વાત કરવાની તક મળતી. એકલાં પડી રહેલાં દરદીઓને પણ એ ક્યારેક કંપની આપવા બેસી જતા. કેટલું બધું જાણવાનું છે આ જીવનમાં, એમને થતું.

• • •

એક સાંજે કેશવભાઈના સેલ ફોન પર સુધીરનો ફોન આવ્યો. કાકા, તમે જલદી પપ્પાના રૂમ પર આવી જાઓ છો? બહુ જ જરૂર છે. ત્યારે કેશવભાઈ હૉસ્પિટલમાં જ હતા. ત્રીજા માળ પર. તરત લિફ્ટ લઈને એ છઠ્ઠા માળે ગયા. એમનો બાળપણનો મિત્ર ધીમંત પોતે છેલ્લા થોડા દિવસથી પ્રાઇવેટ રૂમમાં દરદી થઈને સૂતો હતો. ત્રણેક વર્ષ પર ધીમંતભાઈને એક સ્ટૅન્ટ મૂકાવેલો હતો. પછી તો સારું જ હતું, પણ હમણાંથી એમને ગભરામણ થતી રહેલી, તેથી હૉસ્પિટલમાં દાખલ કરેલા. કંઇક ટૅસ્ટ કર્યા પછી, “ઑબ્સર્વ કરીએ છીએ”, એમ ડૉક્ટર કહેતા હતા.

હવે બીજે ક્યાંય નહીં પણ ધીમંતભાઈ પાસે જ કેશવભાઈ વધારે બેઠા રહેતા. બહુ વાતો નહીં, પણ ધીમે અવાજે એમને ગમતાં ઝવેરચંદનાં ગીતો ગણગણતા. ધીમંતભાઈએ એમના અવાજને બહુ વખાણેલો. કહે, અલ્યા, તને ભગવાનની દેન છે. શું સૂર આપ્યો છે. અત્યારે પણ ધીમંતભાઈના ફીક્કા મોઢા પર સહેજ સ્મિત ફરકતું. જરાક આગળીઓ ઊંચી કરીને એ કહેતા, વાહ, કેશવલાલ.

ગયા બે દિવસથી ધીમંતભાઈને સારું હતું, અને એ પણ થોડી વાતો કરવા માંડેલા. સુશીબેનને એમનું મીઠું ચિડાવવાનું પણ પાછું ચાલુ થઈ ગયેલું. કેશવભાઈને એમણે કહેલું, હું તો હવે દરદી મટી જવાનો. તમે બીજા દરદીઓને તમારો લાભ આપો, કેશવલાલ. મને વાંધો નથી.

બે દિવસથી કેશવભાઈ હૉસ્પિટલમાં બીજે પણ પાછા થોડો સમય આપવા લાગેલા. એ સાંજે એ ત્રીજે માળ હતા ત્યાં એમને સુધીરનો ફોન મળ્યો. ઉતાવળે એ ધીમંતભાઈના રૂમ પર પહોંચ્યા તો માની ના શકાય તેવું દૃશ્ય હતું. દીકરા-વહુઓ રૂમના બારણા પાસે ચૂપચાપ ઊભાં હતાં. રૂમની અંદર યમરાજ જેવી કાળી ધબ સ્તબ્ધતા હતી. ખાટલાની પાસે સુશીબેન છતે જીવે નિર્જીવ પૂતળા જેવાં ઊભાં હતાં. ને કેશવભાઈનો સદાનો સાથે રહ્યો હતો તે મિત્ર કહ્યા વગર દૂર જતો રહ્યો હતો.

અલ્યા ધીમંત, આ શું કર્યું તેં? જિંદગી આખી ધીમો રહ્યો. અમે તને ધીમલો ને ધીમેશ કહી ચિડાવતા રહ્યા, ને તેં છેતર્યા અમને બધાને? દોસ્તીમાં આવી છેતરપીંડી? આગળ જવાની આવી ઉતાવળ? કેશવભાઈ હાથ-માથું હલાવતા હતા, મોઢામાંથી કોઈ શબ્દ નીકળતા નહતા.

એ ધીમંતભાઈના હાથ ખેંચવા લાગ્યા ત્યારે, સાથે અંદર આવેલા સુરેશે એમને પકડીને જોરથી કહ્યું, કાકા, કાકા, આ શું કરો છો? ભાનમાં આવો તો. સુધીર એમને રૂમની બહાર લઈ ગયો, ને કહ્યું, કાકા, બહુ જરૂરી વાત કરવાની છે. તમારે તો અમને ધીરજ આપવાની હોય. તમે ભાંગી પડો તે કેમ ચાલે? બંને વહુઓ સુશીબેનને પણ બહાર બીજી બાજુ લઈ ગઈ.

કેશવભાઈના ગળામાંથી હજી અવાજ નીકળતો નહતો. વીણાબેન ગયાં ત્યારે પણ કદાચ એ આટલો આઘાત નહીં પામ્યા હોય. ધીમલો તો એમના જોડિયા જીવન જેવો હતો. એના વગર પોતાનું જીવન ક્યાંથી ટકવાનું? ને ટકે એનો કશો અર્થ પણ ક્યાં હતો? સુરેશ કેશવભાઈ માટે પાણી લઈને આવેલો. બંને ભાઈઓ ઊંચાનીચા થઈ રહ્યા હતા. એમણે ફરીથી કહ્યું, કાકા, અમારે એક પ્રૉબ્લૅમ છે. તમારી સલાહ જોઈએ છે.

પરદેશોમાં રહેતા અનેક ઇન્ડિયનોની જેમ ધીમંતભાઈને પણ ઇન્ડિયામાં મરવું હતું. એમ ના બને તો મૃત દેહને ઇન્ડિયા લઈ જઈને બાળવામાં આવે, તેવી એમની ઇચ્છા હતી. એવું ફક્ત સુશીબેનને જ એમણે કહેલું. ને એ માનવા બંને ભાઈઓ તૈયાર નહતા. મમ્મી પણ તમારી જેમ શૉકમાં છે, કાકા. આ આઘાતમાં એને ખબર નથી અત્યારે, કે એ શું કહી રહી છે. સુરેશે કહ્યું, અરે, એમ તે કાંઈ ડૅડ બૉડિને પ્લેનમાં ઇન્ડિયા લઈ જવાય? કલાકોના કલાકો - અરે, લગભગ બે દિવસ થઈ જાય. કેશવભાઈને ઇલૅક્ટ્રિક આંચકો લાગ્યો હોય તેમ એ હચમચી ગયા. ગળામાંથી હવે ઘાંટો નીકળી આવ્યો. તું શું બોલે છે, સુરિયા? ડૅડ બૉડિ એટલે? એટલે એ હજી તારા પપ્પા છે, હોં.

કાકા, સૉરિ. એ પણ શૉકમાં છે, સુધીરે એમને શાંત પાડવા કહ્યું. જો, સુધીર, એમને સરખી રીતે કૉફીનમાં મૂકીને, ત્રણ સીટો ખરીદીને પ્લેનમાં લઈ ના જવાય? તેં કશી તપાસ કરી છે ખરી? શું નિયમો છે કસ્ટમના, સરકારના, તે વિષે જાણ્યું છે? ના, કાકા, હજી તપાસ તો નથી કરી. પણ આ બધું કરવામાં કેટલો ખર્ચો થાય, ખબર છે? તને તારા પપ્પા કરતાં પૈસા વધારે વહાલા છે?, ફરી કેશવભાઈનો અવાજ મોટો થવા માંડ્યો.

તો તમને પૈસા વહાલા નહોતા? વીણાકાકી ગુજરી ગયાં ત્યારે બૉડિને કેમ ઇન્ડિયા ના લઈ ગયા? ખર્ચો જ નડ્યો હશે ને. સુરેશથી બોલાઈ ગયેલું.

કેશવભાઈ મૂઢ થઈ ગયા. કોઈ અજાણ્યા આઘાતથી મન થરથરી ઊઠ્યું. વીણાની છેલ્લી ઇચ્છાની સુરેશને ખબર નહીં જ હોય, ને છતાં એ આવું બોલ્યો. હા, વીણાની ઇચ્છા પોતે પણ ક્યાં પૂરી કરી હતી? પણ તે શું ખર્ચાના જ વિચારે? ના, ના, એવું નહોતું. હેમેને પૈસા આપ્યા જ હોત, પણ વીણાના જવાથી પોતે જ મરવા જેવા થઈ ગયા હતા. કઈ રીતે લઈ જાત એ વીણાના દેહને? ઉપરાંત, એના મૃત દેહમાં મૅડિકલ પ્રૉબ્લૅમ પણ થઈ ગયા હતા. જો ચેપનો ભય હોય તો એને વિમાનમાં તો શું, બહાર ક્યાંયે લઈ ના જવાય.

સુધીર કહેતો હતો, કાકા, મોટેલો છોડીને જવું પણ ક્યાં શક્ય છે, તમે જાણો છો ને? હા, ભાઈ, બરાબર છે, કહી આશિર્વાદની જેમ બે હાથ ઊંચા કરીને કેશવભાઈ ત્યાંથી નીકળી ગયા.

પછી એમણે તપાસ કરી હતી - જાણ તો હોવી જોઇએ ને, એમ સમજીને. ઘણાં સર્ટિફિકેટ લેવાં પડે, ઘણાં ફૉર્મ ભરવાં પડે, ભારત સરકારની પરમિશન, અમેરિકી સરકારની પરમિશન, એ મળે કે ના મળે, અને ખર્ચો પણ ઘણો થાય જ. આ બધું કર્યા પછી પણ, ના, કૉફીનને કે મૃત દેહને સીટો પર રાખીને તો લઈ જ ના જવાય. એને ઍમ્બાલ્મ કર્યા પછી પણ મૂકવાનો તો કાર્ગો-હોલ્ડમાં જ, બીજા સામાનની સાથે.

આ બાબત સમજી શકાય તેવી હતી, તોયે કેશવભાઈને મૃત સ્વજનના અપમાન જેવી લાગી. ને કોણ એને ચઢાવે, ને કોણ ઉતારે. એને કદાચ પછાડે કે ફેંકે પણ ખરા. સારું જ થયું વીણીને એ રીતે નહોતી મોકલી. ને હવે ધીમલો. જીગરી મિત્રના અથડાતા-પછડાતા દેહના વિચારે કેશવભાઈનો શ્વાસ રુંધાઈ આવ્યો.

• • •

ધીમંતકાકાની પાછળ ગોઠવેલી ભજન-સંધ્યા માટે હેમેન અને મારિસૉલ જૅકસિનવિલથી ખાસ આવ્યાં હતાં. ત્યારે બંનેએ કેશવભાઈને બહુ સમજાવેલા, પપ્પા, તમારી તબિયત જરાયે સારી નથી લાગતી. તમે હવે અહીં ટૅમ્પામાં એકલા પડી ગયા. હવે તમે જૅક્સનવિલ આવી જાઓ. પણ કેશવભાઈ માન્યા નહીં. હું ઠીક થઈ જઈશ, બેટા. તમે ચિંતા ના કરતાં. મને જરૂર લાગશે ત્યારે હું જ તમને બંનેને જણાવીશ, હોં.

વીણાબેનની ગેરહાજરીને પચાવવા જેમ એમણે માનસિક મહેનત કરી હતી તેમ હવે ધીમંતભાઈની ખોટને સહ્ય બનાવવા કરવા માંડી. પણ ઝવેરચંદનાં ગીતો એમના ગળામાં આવીને અટકતાં હતાં, સતત ઉચાટ અનુભવાતો રહેતો હતો. અને મગજમાં કશુંક ગોળ ગોળ ઘુમરાતું રહેતું હતું. દિવસોના દિવસો સુધી જ્યારે કારણ જ નહોતું સમજાયું ત્યારે ઉપાય તો ક્યાંથી જ મળે?

હમણાં તો મોટેલમાં કામે જવાનું કેશવભાઈએ ચાલુ જ રાખ્યું હતું. ધીમંતભાઈના દીકરાઓને અને સુશીબેનને એ અત્યારે વધારે દુઃખ પહોંચાડવા માગતા નહોતા. ને હૉસ્પિટલમાં તો હવે એ લગભગ રોજ જવા માંડેલા. ઇન્ડિયન દરદીઓને એ બહુ મદદરૂપ થતા, તો અન્યભાષી દરદીઓને પણ એ સહૃદયી મિત્ર જેવા લાગતા. દરેકના જીવનની જુદી જુદી સ્થિતિ-પરિસ્થિતિ જોઈને એમને લાગવા માંડ્યું હતું, કે વીણીનું કહેવું સાવ સાચું જ હતું, હોં. ખરેખર, માણસમાત્રને રોજેરોજ ચિતા પર ચઢવું જ પડતું હોય છે.

એક દિવસ, જેના બચવાની આશા જ નહોતી તેવા એક દરદી અને એના કુટુંબ પાસેથી એમણે “ ડોનેટ ફૉર સાયન્સ” જેવા શબ્દો સાંભળ્યા, અને એનો અર્થ જાણ્યો કે તરત જાણે મનમાંનાં વમળ ત્યાંનાં ત્યાં જ સ્થિર થઈ ગયાં. ઉચાટ હતો ત્યાં ઉઘાડ થઈ આવ્યો. આટલા દિવસોની મુંઝવણનું કારણ સમજાયું, અને ઉપાય મળી ગયો.

કારણ તો એ હતું કે પોતાના મૃત્યુ પછી કેશવભાઈ એકના એક દીકરા હેમેનને કોઈ પણ રીતે હેરાન કરવા માગતા નહોતા. ઇન્ડિયામાં જઈને મરવાની કે બળવાની તો વાત જ નહોતી, છતાં એ દ્વિધા કોઈના પણ મનને ખૂણે ના રહે તે જ એ ઇચ્છતા હતા. તો ઉપાય આ રહ્યો, હાથવગો. પછી તો “ દેહ-દાન ” જેવો સરસ શબ્દ એમને જાણવા મળ્યો. સરસ?, એમ કહીને એ હસ્યા. ઘણા દિવસે મન પરથી ભાર ઊતરતો લાગ્યો. ઘણા દિવસે કેશવભાઈને ઝવેરચંદનાં ગીતો ગણગણવાનું મન થઈ આવ્યું.

ઉપરાંત, વીણીની ભસ્મ પણ હજી અહીં જ હતી. એને માટે પણ એમને એક એવો આઇડિયા સુઝી આવ્યો, કે એ ફરી બોલી ઊઠ્યા, અરે વાહ, આ તો બહુ જ સરસ. એમને હ્દયપૂર્વકની ખાતરી હતી, કે એ આઇડિયા વીણીને ઇન્ડિયા ભસ્મ લઈ જવા કરતાં પણ વધારે ગમશે.

મૃત દેહને દરિયા પારને દેશ મોકલવો જેટલું કઠિન હતું તેટલું જ આ દેશમાં દાન કરવાનું સહેલું હતું. જરૂરી માહિતી એમણે સહેજ વારમાં મેળવી લીધી. ને બસ, પછી આ બાબતનાં બધાં કામો પતાવવા માંડ્યાં. હૉસ્પિટલ માટેનાં ફૉર્મ ભર્યાં, ત્યાં મૃત્યુ પછીના દેહ-દાન માટેની નોંધણી પણ કરાવી દીધી.

પછી ધીરજથી એમણે એક વિલ લખ્યું, એની ચારેક કૉપી કરી, અને દરેક પર નોટરીની સહીઓ લઈ લીધી. હેમેનને હમણાં એ આપવાનું નહોતું, પણ સમય આવે ત્યારે એને તરત મળી જાય એ રીતે વિલની કૉપીઓ ઘરમાં મૂકી રાખવાની હતી.

વિલમાં મુખ્ય બે વાત હતી. બંને શક્ય હતી તેની ખાતરી એમણે કરી લીધેલી. “એક વાત એ કે, હું જતો રહું પછી મારો દેહ હૉસ્પિટલમાં વિગ્નાનના લાભ માટે દાન કરવામાં આવે. અને બીજી વાત એ કે, હું જતો રહું પછી, હૉસ્પિટલમાંથી અગ્નિદાહ કર્યા પછી મેળવીને, મારી રાખને વીણાની રાખ સાથે ભેળવી દેવામાં આવે. પછી જો એને ધરતી પર ઝરમરાવી દઈ શકાય (જો, વીણી, તને ગમતી હતી તેવી ઝરમર તું જ થઈ જવાની) તો તેમ કરવું, નહીં તો દરિયામાં વહેવડાવી દેવી (વરસાદનો અવાજ નહીં તો મોજાંનો ઘુઘવાટ તો હશે સાથે)”.