ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૪. કૂબો
અહીંથી શરૂ થતી ગાંડા બાવળની વનરાજી ઊભા રસ્તે લંબાતી જતી હતી. કરણાસરનું પાટિયું આવ્યું ને જીપ વળાંક લેતી કાચા રસ્તે ચડી. ઉખડ બાખડ રસ્તા પર જીપ ઝોલાં ખાવા લાગી. અંદર બેઠેલાં બધાં એકબીજાં સામે હસતાં હોય એવું લાગ્યું. પછી, માથાં ઊંચાં-નીચાં કરતાં જીપની આગળ નજર નાખતાં રહ્યાં. આસપાસના ગાંડા બાવળ જીપની બંને બાજુએ ઘસાતા હતા. માવજીએ પાછળ જોયું. પાછળ ધૂળના ગોટ ઊડતા હતા. એને ધૂળના ગોટ સામે જોતો જોઈને ચેહરાજીને હસવું આવ્યું. ‘ત્યાં શું દેસી રંયા સો? આમ જુઓને!’ કહીને એણે માવજીની સાથળ પર હળવી થાપ મારી. બધાના ચહેરા મલકાઈ ઊઠ્યા. માવજી સૌના ચહેરા પર છવાયેલી એ ચમક જોતો બેસી રહ્યો. સૌની વચ્ચે પડેલાં સાઈટ વર્કનાં સાધનો વારંવાર એકબીજા સાથે અથડાયાં કરતાં હતાં. માવજીના પગ નીચે લાઇમ ભરેલી થેલીમાંથી ઊડતા પાવડરને લીધે ઢીંચણ સુધી બધે સફેદી છવાઈ ગઈ હતી. ને રસ્તાની ધૂળ ઊડી ઊડીને જીપમાં ઠલવાયા કરતી હતી. લોખંડની પાઇપને છેડે લાલ રંગની ધજા લટકી રહી હતી. સર્વે માપણીનાં લાંબાં સાધનોને લીધે જીપનું પાછલું બારણું ખુલ્લું હતું. આગળની સીટમાં બે સુપરવાઇઝર માથે ટોપી અને હાથમાં મેઝરીન ટૅપ પકડી રાખીને ડ્રાઇવરની વાતમાં ખુશ થતા હોંકારો ભર્યે જતા હતા. ડ્રાઇવર એની ટેવ મુજબ એક હાથે સ્ટીયરીંગ ફેરવતો હતો ને બીજા હાથની પહેલી અને બીજી આંગળી વચ્ચે રાખેલી બીડીનો ધુમાડો આડેધડ ફેંક્યા કરતો હતો. માવજીની સામે બેઠેલા સાઇટ કારકુન એની જોડેના ઓળખીતા સાથે ટેસથી વાતે વળ્યો હતો ને વારે ઘડીએ કશુંક પૂછી રહ્યો હતો. એની જોડેનો પેલો કદાવર લાગતો માણસ, ‘સાયેબ, તમે ચિંતા કરો મા...’ બોલીને એની મોટી મોટી મૂછો આમળ્યા કરતો હતો. આ તરફની સાઇટ હશે એની માવજીને કશી ખબર નહોતી. ઑફિસ રેકર્ડ યાદ કરી જોયો. ‘થરાદ પછી કરણાસરથી આગળ...’ કશું સમજાતું નહોતું. એણે પેલા સાઇટ કારકુન સામે જોયું. પણ એ તો પેલાની સાથે કશીક ગોઠવણમાં હોય એમ મોઢામાં મોઢું ઘાલીને મંડ્યો હતો. ને આમેય માવજીને ક્યાં સાઇટ વર્ક હતું? એ તો અમસ્તો જ ટાઇમ પસાર કરવાના ખ્યાલે આ લોકો સાથે જીપમાં બેસી ગયો હતો. એને તો – લાખણી સુધી જ કામ હતું. જીપ રીપેરીંગના બીલોનું પતી ગયું પછી એ પરત જવાનું જ કરતો હતો. પણ આ બધા સ્ટાફના માણસોએ, ‘ત્યાં ઑફિસમાં જઈને એકલા શું કરશો? એકાઉન્ટ તો કાલે થશે. શી ઉતાવળ છે... ચાલો આજે તો નવી સાઇટ જોઈ આવીએ.’ કહીને જીપમાં બેસાડી દીધો હતો. બદલી થઈને અહીં આવ્યે માંડ એકાદ મહિનો થયો હતો. એ મોટાભાગે અપડાઉન કરતો. અઠવાડિયામાં બે દિવસ રોકાવાનું થાય ત્યારે ઑફિસના મકાનમાં જ પડ્યો રહેતો. એને સાઇટ જોવા કરતાં આ બાજુનાં લોકો, એમની બોલી, એમનો પહેરવેશ, એમનાં ઘર વગેરે ગમવા માંડ્યું હતું. એક લાંબો લસરકો થયો. માવજીની પીઠ પાછળ હુડમાં લીસોટો પાડતું ગાંડા બાવળનું ડાળું ઊંચું-નીચું થતું હવામાં ઝૂલવા માંડ્યું. હવે રસ્તો થોડોક સરખો શરૂ થયો હતો. બાવળની લાઇન આછી-પાતળી થતી જતી હતી ને વગદાનાં ઝૂંડ શરૂ થયાં હતાં. ડ્રાઇવરે જીપની ગતિ ઓછી કરી. સાઇટ કારકુનની બાજુવાળો આમતેમ જોવા લાગ્યો. પછી, વગદાના ઝૂંડમાં કશુંક શોધતો હોય, એમ નજર ઝીણી કરતો રહ્યો. થોડેક આગળ ગયા પછી જીપ ઊભી રહી. વગદાના ઝૂંડમાંથી નીકળેલા ત્રણચાર પુરુષો લાંબી ડાંગ લઈને આગળ ધસી આવ્યા. આગળની સીટ પર બેઠેલા સૌએ પાછળ જોયું. એમના ચહેરા પરનો ગભરાટ જોઈ ચેહરોજી હસવા લાગ્યો. એણે હસતાં હસતાં સાઇટ કારકુનની જોડે બેઠેલા પેલા માણસ સામે જોયું. એ માણસે અંદર બેઠા બેઠા જ. ‘સાયેબ લોકો સે... આપડા ત્યાં આવે સે...’ કહ્યું. જીપ આગળ આવી ઊભેલા પુરુષો, ‘આવો... આવો સાયેબ...’ કરતા ઢીલા પડી ગયા. ને જીપની પાછળ લટકી ઊભા. પછી, ‘જાવા દ્યો સાયેબ, સીધ્ધા....’ કહી જીપની આગળ પથરાયેલા રસ્તા ભણી હાથ લંબાવ્યા. ડ્રાઇવરે જીપ સ્ટાર્ટ કરી, પવનનો સૂસવાટો જીપની આરપાર થતો, પાછળ લટકેલા પુરુષોના જાડા ધોતિયામાં આવી ભરાણો. માવજી એમનો પહેરવેશ જોઈ રહ્યો. ચેહરાજીએ કહ્યું, ‘આને અઢીવટો કે’વાય.’ એકસાથે ત્રણ-ચાર અઢીવટામાં પવન અથડાવા લાગ્યો. પછી અઢીવટામાં ભરાયેલો પવન ફડ્ ફડ્ થવા માંડ્યો. ‘આમ જુઓ આમ...’ સાઇટ કારકુને માવજીને હલાવી નાખ્યો. બધા એ તરફ જોતા ઊંચા-નીચા થઈ રહ્યા હતા. સૂકાં ભઠ્ઠ ખેતરની ખુલ્લી ધરતીમાં નાનકડું ગામ દેખાતું હતું. માવજીએ સહેજ નમીને એ તરફ જોવા માંડ્યું. સૂકા ઘાસથી છાયેલાં, ટોચવાળાં ચોટી આકારનાં ઝૂંપડાં પર એની નજર ખેંચાવા લાગી. હજી બરાબર જોઈ શકાતું નહોતું. વચ્ચે વચ્ચે ગાંડા બાવળની આડશ આવ્યા કરતી હતી. ઊંચા થોરિયાની વાડ લગોલગ ઊભેલા એકલ-દોકલ લોક જીપ સામે એ રીતે જોતાં હતાં જાણે કશું જોવા જેવું જ ના હોય! સુપરવાઇઝરો એકબીજા સાથે મલકાયા. પછી સાઇટ કારકુન સામે ડોક મરડી. સાઇટ કારકુન થોરિયાની વાડ પાસે લાલ-પીળા ઓઢણામાં ઊભેલા ચહેરા સામે ટીકી ટીકીને જોઈ રહ્યો હતો. સાઇટ કારકુનો, સુપરવાઇઝરો અને ડ્રાઇવરોનો સ્વભાવ માવજીને નવાઈ પમાડે એવો નહોતો. એમની સામે કશું ધ્યાન આપ્યા વગર એનું મન સૂકા ઘાસની ટોચવાળી ઝૂંપડીઓમાં પરોવાયું. બાવળની આડશ બંધ થઈ. એણે ચેહરાજીના ખભા પર ડોક નમાવી ને જંપ આવ્યો. ‘પકડીન્ બેસોને સાયેબ....’ બોલતો ચેહરોજી માથું પસવારવા માંડ્યો. પણ કશું સાંભળ્યું ના હોય એમ માવજી હાથ લંબાવતો બોલ્યો, ‘અરે.. ચેહરાજી આ તો.... કૂબા લાગે છે!’ ‘તે... કૂબા જ્ સીન્! એમાં શું જોવાનું?... સાઇટ પર રોજમદારી કરતો ચહેરોજી સહેજ ઊંચા અવાજે બોલ્યો હોય એમ લાગ્યું. પાછળ ધૂળ ઊડતી રહી. જીપ વધુ ઝડપથી રસ્તો કાપતી રહી... થોડેક આગળ ગયા પછી જીપ સામે છોકરાં દોડી આવતાં દેખાણાં. પાછળ લટકેલામાંથી કોઈએ ઘાંટો પાડ્યો. છોકરાં એક બાજુ હટી ગયાં. આઠેક વર્ષની છોકરીની કેડમાં બેઠેલી નાની બાળકી જીપ સામે હાથ લંબાવીને રડી રહી હતી. અડધાં ઉઘાડાં શરીર પર ધૂળની લપ્પી જામી ગઈ હતી. એવા બે-ત્રણ છોકરાં હરખાતા ચહેરે તાળીઓ પાડી રહ્યા હતા. એમની પાસે ઊભેલો કૂતરો દોડી દોડીને થાકી ગયો હોય એમ લાળ ટપકાવતો હાંફી રહ્યો હતો. જીપ પાછળ લટકેલા પુરુષો, જીપ ઊભી રહે એ પહેલાં જ કૂદી પડ્યા. સાઇટ કારકુન જોડે બેઠેલો કદાવર માણસ માથે બાંધેલું રંગીન લૂંગી જેવું કપડું છોડીને ખભે નાખતો ઊતરવા માંડ્યો. એની પાછળ સાઇટ કારકુન ઊતર્યો. ચેહરોજી માવજીની ઉતરવાની રાહ જોયા વગર જ માવજીના પગ ખૂંદતો ઊતરી પડ્યો. હજી આગલી સીટ પર સુપરવાઇઝરો એકબીજા સામે જોતા બેઠા હતા. ને ડ્રાઇવર સુ૫૨વાઇઝરને ઉતરવાનો દરવાજો ખોલીને ક્યારનોય ઊભો ઊભો બીડીના દમ લઈ રહ્યો હતો, એની નજર પેલો ઝૂંપડાં-કૂબા તરફ સ્થિર થઈ ગઈ હતી. ‘પધારો સાયેબ...’ એકસાથે ત્રણ-ચાર જણા બોલ્યા. અને આગલી સીટમાં બેઠેલા સુપરવાઇઝરો ઊતરી પડ્યા. માવજીના મનમાં, ‘આ બધા... અહીં કેમ? અહીં સાઇટ વર્ક?’નો સવાલ થયો. પણ પછી, ‘હશે... આપણે ક્યાં સાઇટ-બાઇટનું કરવાનું છે. જોવા જ આવ્યા છીએ ને!’ જેવું બબડતો એ ધીમેથી નીચે ઊતર્યો, પણ ત્યાં સુધીમાં તો બધા ચાલતા થયા હતા. વાંકી-ચૂંકી ગલીઓ વટાવતો એ પેલા બધાની જોડે જઈ ઊભો. ‘બેસો બેસો... અહીં આવતા રો’....’ પેલો કદાવર માણસ બોલતો હતો. માવજી કૂબો જોતો ઊભો રહ્યો. છાણ-માટીથી લીંપેલાં ગોળ ભીંતડાં માંડ છાતી ઢંકાય એટલાં ઊંચાં. ને ઉપરનો ટોચવાળો ભાગ સૂકા ઘાસથી છાયેલો. અંદર પ્રવેશવાનું સાંકડું બારણું – વરંડાના છીંડા જેવું. આગળ ખુલ્લું આંગણું. આંગણા ફરતે ચાર-પાંચ કૂબાનું એક નાનકડું ફળિયું. અહીં ઊભા ઊભા દરેકના કૂબાનું રાચરચીલું જોઈ શકાય. સામેની ભીંતે ગોઠવેલાં વાસણ, કૂબામાં એકબાજુ ઢાળેલો ખાટલો... વચ્ચેની થાંભલીએ લટકતો અરીસો... ડાબી તરફની વળગણીએ નાખેલાં લૂગડાં... ખાટલા નીચેના આડા-અવળા ગ્લાસ... બીડી સિગારેટનાં ઠૂંઠાં... માવજીએ ગામ તરફ જોયું. ક્યાંય દેશી નળિયાં કે પતરાંથી ઢંકાયેલું કાચું-પાકું ઘર નહોતું. બધે કૂબા જ કૂબા હતા. બે કૂબા વચ્ચેની ગલીમાં બેઠેલા પુરુષોનું ટોળું... હાથમાં બાજી પત્તાં. ફાંટમાં છરી... ટોળા આડે પડેલી કડિયાળી ડાંગ... આંખોમાં નશો... મોઢામાં લાંબી લંગર છાપ બીડી... ને આસપાસ ધુમાડાના ગોટ... બાજુના કૂબામાં સળગતા ચૂલાનો ધુમાડો ઘૂમરી લેતો માવજીની આંખોમાં આવી ભરાણો. એ આંખો મસળવા લાગ્યો. ને બળતી આંખોમાં કશુંક ખટકવા માંડ્યું. ‘બુનનું ગૉમ તો બઉ સેટું સઅ્.... તારઅ્ નહં જાવું બેટા, કાકાને એકલા જાવા દે..’ વર્ષો જૂના શબ્દો ધુમાડાના ગોટ બનીને ફૂંકાવા લાગ્યા. પરણીને સાસરે ગયેલી બહેન જ્યારે પાછી આવેલી, ત્યારે એના રડતા મોંએ પહેલવહેલો ‘કૂબો’ શબ્દ સાંભળેલો એ બધું પડઘો લેવા માંડ્યું. માવજીને એ કૂબો જોવો હતો. એટલે તો બીજા આણે ગયેલી બહેનને તેડી લાવવા જતા કાકાની સંગાથે એ હઠ કરીને ગયો હતો. પેલા કદાવર માણસનો હુકમ ટકરાયો. માવજીની આગળ ખડું થતું દૃશ્ય ક્ષણેક માટે અટકી પડ્યું. એણે પેલા માણસ સામે જોયું. એ માણસના ચહેરા પર કરડાકી વીંટળાઈ વળી હતી. એ ઘાંટો પાડતો બરાડ્યો. પછી, ‘લ્યો સાયેબો.... આ ઊભી બધી... આ... શારદાડી... આ ચંપાડી.... આ જીવલી.... રેવલી.... ને આ... લીલકી...’ માવજીની જોડે બેઠેલો સ્ટાફ ઊંચો-નીચો થયો. પછી એકબીજા સામે જોઈને, લાઇનસર ઊભેલી યુવતીઓના શરીર ફરતે એકધારું જોવા લાગ્યો. લાલ-લીલાં-પીળાં ઓઢણાં ઓઢીને ઊભેલા ચહેરા પરથી નજર હટાવતા માવજીથી છેક છેલ્લા ચહેરા સામે જોવાઈ ગયું. ને પેલા માણસે હમણાં લીધેલું ‘લીલકી’ નામ યાદ આવતાં એ આખેઆખો હલી ગયો. યુવતીના હોઠ પરની લાલ લાલ લીપસ્ટીક, આંખમાં આજેલું કાજળ અને ગાલ પર ચમકતો અબરખ... થોડેક દૂર ધૂળની ડમરી ઊઠી. માવજીની આંખો ગોળ ગોળ સરકતી ડમરી ભણી મંડાઈ ગઈ. ચહેરા પર કશુંક ભારેખમ વરતાવા માંડ્યું. આસપાસ જોયું. કોઈ નહોતું. ફક્ત પેલી યુવતી સૂકા ઘાસથી છાયેલા કૂબાની જેમ નજર ઝુકાવતી ઊભી હતી. માવજીએ બમણાવેગે આંખો બંધ કરી દીધી. ‘હવે ચેટલું સેટું સઅ્... લીલાબુનનું ઘર?’ કાકાની આગળ આગળ ચાલતાં એ બોલેલો. ‘પે...લું, ઊંચાડા ટેંબા પર ર’યું એ બુનનું ઘર...’ કાકાએ દૂરથી હાથ લંબાવેલો. એની નજર ખૂબ ઝડપથી ટીંબો ચડી ગયેલી. ‘આવું ઘર? આ તો... છાપરું સઅ્?’ બોલતાં જ માવજીને બહેનના શબ્દો ‘કૂબો સઅ્ માડી!’ ઘેરી વળેલા. એણે દૂરથી બહેનને પાણીનો લોટો લઈને આ તરફ આવતી જોયેલી. એ દોડતો ટીંબો ચડીને બહેનના ખોળામાં ભરાઈ ગયેલો. માથા પર ટપ્ ટપ્ થતાં એણે ઊંચું જોયેલું. એની સામે પાણીનો લોટો ધરી ઊભેલી બહેનની આંખોમાં આંસું જોઈને એ ટીંબા પરના ગોળ છાપરા જેવા કૂબા સામે જોવા માંડેલો. ‘સાયેબ....’ માવજીની સામે ઊભેલી યુવતીએ પહેલીવાર જ મોં ખોલ્યું. પણ માવજીએ આંખો ખોલી નહીં. ‘આ તો બઈ... જબરી છોડી સઅ્... જેવું તેવું તો આંનઅ્ ગમતું જ નથી!’ ખાવા-પીવા કે પહેરવા-ઓઢવાથી લઈને કોઈપણ વાતે બહેનને ખોટું લાગતું ને રિસાઈ જતી, ત્યારે મા કંટાળતાં બોલતી એ બધું માવજીને યાદ આવતું રહ્યું. – ‘મૂઈ બઉ ચબાકલી’તી. પણ હાહરીમઅ્ જ્યા પસઅ શીખ’ર... ચેવું હશઅ્ બોલવું કમ્ હહવું...’ – ‘હાડિયો હાટકુંય ના લાવઅ્ એવી નાંશી સઅ...’ – ‘એય ઠીક મારી બઈ... પણ’લી કૂબો? મૂઈ બંગલામઅ્ ઓપઅ એવી’તી....’ માવજીની આસપાસ ધૂળિયા પવન જેવું કંઈક રહી રહીને સૂસવાટા કરતું રહ્યું. ‘મું નઈ જઉં મા...’ ‘જાવું પડસ્... દીકરી. ભાયગમઅ્ લશ્યું હોય એ વેઠે જ સૂટકો.’ રિસાઈને આવેલી બહેનને મા સમજાવી રહી હતી. ‘એ બધુંય હાચું માડી, પણ પિટયો નંબરિયો થઈ જ્યો સઅ્...’ બોલતી બહેનના ગળામાં ડૂસકું ભરાઈ ગયેલું. બાપાની બીમારી, કાકાની નાનમ અને ગરીબીમાં અટવાયેલું કુટુંબ ભીની પાંપણે ઝોલાં ખાવા લાગ્યું. એ બધાંયની વચ્ચે રડતી-કકળતી જઈ રહેલી પોતાની બહેન લીલા કાયમ માટે કૂબામાં ઢબુરાઈ જતી દેખાવા લાગી. ઘડી પહેલાં પેલા કૂબામાંથી નીકળેલો ધુમાડો હવે માવજીની છાતી આગળ ડમરી બનીને ચકરાવે ચડ્યો હતો. ઊંચે ઊઠતી અગનઝાળમાં સૂકા ઘાસથી છવાયેલી ટોચવાળો કૂબો જાણે કે તડ્ તડ્ થઈ રહ્યો હતો. માવજીને અણું અણુંએથી કારમી ચિચિયારીઓ ઊઠતી હોય એવું લાગ્યું. એનાથી બે હાથ લાંબા થઈ ગયા... એ કશુંક બચાવી લેવા મથતો હોય એમ હાથ આઘા-પાછા કરવા ગયો ને એના કાને કશુંક સંભળાયું. ‘સાયેબ...’ એણે આંખો ખોલી નાખી. પણ...સામે તો, ‘કેમ સાયેબ..... કેવું ર’યું?’ કહીને ચેહરોજી ઊભો ઊભો હસી રહ્યો હતો. માવજી આમતેમ જોવા માંડ્યો. પછી ઊભો થઈ ગયો. ‘બેસોન્ સાયેબ, હજી તો બીજા સાયેબો અંદર જ સી.’ ચેહરોજી આગળ બોલે એ પહેલાં માવજી ઝડપથી ચાલી નીકળ્યો.