ઋણાનુબંધ/સુરેશ જોષીને

From Ekatra Wiki
Revision as of 11:04, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુરેશ જોષીને


તમે ન્હોતા ત્યારે કવિ કવન ને શબ્દ સર્જન
હતાં સુષ્ઠુ સુષ્ઠુ, શુભ અશુભનું આર્ષ દર્શન,
અમે દીક્ષા લેતા અભિરુચિ તણા મંગલ પથે,
બજાવી વાજીન્ત્રો ગીત સુગમ સંગીત જલસા
જમાવી જાણ્યું કે જીવનભર આનંદ રસ છે.
અને જ્યારે જ્યારે દુ:ખ દરદની વાત કરવી
હતી ત્યારે રોયા હૃદય દ્રવીને આર્દ્ર નયને.

તમે આવ્યા, લાવ્યા પ્રલય પૂર, લાવા પ્રજળતો
તણાયું જે કૈં ના ભડ ભડ બળ્યું ભસ્મ થઈને.
તમે આજે છો ના, અવશ ઉભરે એ જ સઘળું.
કરે કાલું કાલું કવન કવિ નિર્વીર્ય નબળું.
મનીષા મોટી જે ક્ષિતિજ જઈને આભ અડવું,
ઉષા સંગે ઉગ્યા હર દિવસને સાર્થ કરવો
નવોન્મેષે, એ તો વનરુદન છે ભગ્ન કવિનું.