ઋણાનુબંધ/નિરંજન ભગતને
Jump to navigation
Jump to search
નિરંજન ભગતને
(પૃથ્વી)
નિરંજન તમે, કવિ કુશળ, શબ્દ, શબ્દે, લયે,
સ્વતંત્ર, પણ ના સ્વચ્છંદ, લયબદ્ધ છંદોલયે,
ઉપાસન કર્યું તમે સતત કાવ્યના મંત્રનું,
બહુશ્રુત કવિ તમે જીવન, સત્ય, સાહિત્યના.
નિરંકુશ તમે, કદી ભભૂકતા પૂરા રોષથી
પડે નજર જો વળી નકલી, દંભી, ઢોંગી કશું,
ખડા ખડક શા તમે અડગ ઉગ્ર ઊભા રહ્યા:
ન કો’થી ડરવું, સદાય મથવું, સદા જીવવું!
નિરંતર તમે મથ્યા સમજવા નવા માનવી,
નવીન રીત ભાત ને નગર, દેશ દેશે ભમી,
તમે નીરખી ભગ્ન ઉરની વ્યથા, કથા સાંભળી
કરૂણ, ક્રૂર, કલાન્ત, ક્રૌંન્ચવધની, પુરાણી, ઘણી.
નિરીક્ષક તમે, હતાં સમજતાં બધાં બંધનો,
વિવેક નીર ક્ષીરનો, ઘડીક સંગ, સંબંધનો.