સત્યના પ્રયોગો/પ્રિટોરિયા

From Ekatra Wiki
Revision as of 22:52, 11 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૮. પ્રિટોરિયા જતાં | }} {{Poem2Open}} ડરબનમાં રહેતા ખ્રિસ્તી હિંદી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. પ્રિટોરિયા જતાં

ડરબનમાં રહેતા ખ્રિસ્તી હિંદીઓના સંબંધમાં પણ હું તુરત આવ્યો ત્યાંની કોર્ટના દુભાષિયા મિં. પૉલ રોમન કૅથલિક હતા. તેમની ઓળખાણ કરી તે પ્રૉટેસ્ટંટ મિશનમાંના શિક્ષક મરહૂમ મિ. સુભાન ગૉડફ્રેની પણ ઓળખાણ કરી. એમના જ પુત્ર જેમ્સ ગૉડફ્રે અહીં દક્ષિણ આફ્રિકાની હિંદી પ્રતિનિધિમંડળમાં ગયે વર્ષે આવ્યા હતા. આ જ દિવસોમાં મરહૂમ પારસી રુસ્તમજીની ઓળખાણ થઈ. અને તે જ વેળા મરહૂમ આદમજી મિયાંખાનની ઓળખાણ કરી. આ બધા ભાઈઓ કામપ્રસંગ સિવાય એકબીજાને ન મળતા તે હવે પછી મળતા થવાના છે.

આમ હું પરિચયો કરી રહ્યો હતો તેવામાં પેઢીના વકીલ તરફથી કાગળ મળ્યો કે, કેસને સારુ તૈયારી થવી જોઈએ ને અબદુલ્લા શેઠે પોતે પ્રિટોરિયા જવું જોઈએ અથવા કોઈને ત્યાં મોકલવો જોઈએ.

આ કાગળ અબદુલ્લા શેઠે મને વંચાવ્યો ને પૂછયું : ‘તમે પ્રિટોરિયા જશો?’ મેં કહ્યું, ‘મને કેસ સમજાવો તો હું કહી શકું, અત્યારે તો હું ન જાણું કે ત્યાં શું કરવાનું છે.’ તેમણે તેમના મહેતાઓને કેસ સમજાવવામાં રોક્યા.

મેં જાણ્યું કે મારે તો એકડેએકથી શરૂ કરવું પડશે. ઝાંઝીબારમાં હું ઊતર્યો ત્યારે ત્યાંની અદાલતનું કામ જોવા ગયેલો. એક પારસી વકીલ કોઈ સાક્ષીની જુબાની લઈ રહ્યા હતા ને જમેઉધારના સવાલો પૂછતા હતા. મને તો જમેઉધારની ખબર જ ન પડે. નામું નહોતો શીખ્યો નિશાળમાં કે નહોતો શીખ્યો વિલાયતમાં.

મેં જોયું કે આ કેસનો આધાર ચોપડાઓ ઉપર છે, નામાનું જ્ઞાન હોય તે જ કેસ સમજી-સમજાવી શકે. જમેઉધારની વાતો મહેતો કરે ને હું ગભરાઉં. પી. નોટ એટલે શું એ ન જાણું. શબ્દકોશમાં એ શબ્દ મળે નહીં. મારું અજ્ઞાન મેં મહેતા આગળ ઉઘાડું કર્યું ને તેની પાસેથી જાણ્યું કે પી. નોટ એટલે પ્રોમિસરી નોટ. નામાની ચોપડી ખરીદી ને વાંચી ગયો. કંઈક આત્મવિશ્વાસ આવ્યો. કેસની સમજણ પડી. મેં જોયું કે અબદુલ્લા શેઠ નામું લખી ન જાણતા, પણ વ્યાવહારિક જ્ઞાન એટલું બધું મેળવી લીધું હતું કે નામાના કોયડા ઝપાટાબંધ ઉકેલી શકે. મેં તેમને જણાવ્યું, ‘હું પ્રિટોરિયા જવા તૈયાર છું.’

‘તમે ક્યાં ઊતરશો?’ શેઠે પૂછયું.

‘તમે જ્યાં કહો ત્યાં,’ મેં જવાબ આપ્યો.

‘ત્યારે હું મારા વકીલને લખીશ. તે તમારે સારુ ઉતારાનો બંદોબસ્ત કરશે. પ્રિટોરિયામાં મારા મેમણ દોસ્તો છે તેમને હું લખીશ ખરો, પણ તમે તેમને ત્યાં ઊતરો તે સારુ નહીં. ત્યાં સામાવાળાની વગ ઘણી છે. તમારી ઉપર મારા ખાનગી કાગળો વગેરે આવે તે બધું તેમનામાં કોઈ વાંચે તો આપણાં કેસને નુકસાન પહોંચે. તેમની સાથે જેમ ઓછો સંબંધ હોય તેમ સારું.’

મેં કહ્યું, ‘તમારા વકીલ જ્યાં રાખશે ત્યાં હું રહીશ. અથવા હું કોઈ નોખું ઘર શોધી લઈશ. તમે નિશ્ચિંત રહેજો, તમારી એક પણ ખાનગી વાત બહાર નહીં જાય. પણ હું મળતોહળતો તો બધાને રહીશ. મારે તો સામાવાળા સાથે પણ મિત્રાચારી સાધવી છે. મારાથી બને તો હું આ કેસ ઘરમેળે પતે એવું પણ કરું. છેવટ તો તૈયબ શેઠ તમારા સગા જ છે ના?’

પ્રતિસ્પર્ધી મરહૂમ તૈયબ હાજી ખાનમહમદ અબદુલ્લા શેઠના નજીકના સગા હતા.

અબદુલ્લા શેઠ કંઈક ચમક્યા એમ મેં જોયું. પણ આ વાત થઈ ત્યારે મને ડરબનમાં પહેંચ્યાને છસાત દિવસ થઈ ગયા હતા. અમે એકબીજાને જાણતા ને સમજતા થઈ ગયા હતા. હું ‘સફેદ હાથી’ લગભગ મટી ગયો હતો. તે બોલ્યાઃ

‘હા…. આ … આ. જો સમાધાની થાય તો એના જેવું તો કંઈ જ રૂડું નહીં. પણ અમે તો સગા છીએ, એટલે એકબીજાને બરોબર ઓળખીએ. તૈયબ શેઠ ઝટ માને એવા નથી. આપણે ભોળા થઈએ તો આપણા પેટની વાત કઢાવે ને પછી આપણને ફસાવે. માટે જે કરો તે ચેતીને કરજો.’

હું બોલ્યો, ‘તમે મુદ્દલ ફિકર ન કરજો. મારે કેસની વાત તૈયબ શેઠ કે કોઈની પાસે કરવાની જ ન હોય. હું તો એટલું જ કહું કે બંને ઘરમેળે કેસ સમજી લો તો વકીલોનાં ઘર ભરવાં ન પડે.’

સાતમે કે આઠમે દહાડે હું ડરબનથી રવાના થયો. મારે સારુ પહેલા વર્ગની ટિકિટ કઢાવી. ત્યાં સૂવાની પથારી જોઈએ તો પાંચ શિલિંગની નોખી ટિકિટ કઢાવવી પડતી હતી. અબદુલ્લા શેઠે તે કઢાવવા આગ્રહ કર્યો, પણ મેં હઠમાં, મદમાં ને પાંચ શિલિંગ બચાવવા પથારીની ટિકિટ કઢાવવાની ના પાડી.

અબદુલ્લા શેઠે મને ચેતવ્યો, ‘જોજો. આ મુલક જુદો છે, હિંદુસ્તાન નથી. ખુદાની મહેરબાની છે. તમે પૈસાની કંજૂસાઈ ન કરજો. જોઈતી સગવડ મેળવી લેજો.’

મેં આભાર માન્યો ને તેમને ચિંતા ન કરવા કહ્યું.

નાતાલની રાજધાની મૅરિત્સબર્ગની ટ્રેન નવેક વાગ્યે પહોંચી. અહીં પથારી આપવામાં આવતી હતી. કોઈ રેલવેના નોકરે આવી પૂછયું, ‘તમારે પથારી જોઈએ છે?’

મેં કહ્યું, ‘મારી પાસે મારી પથારી છે.’

તે ચાલ્યો ગયો. દરમિયાન એક ઉતારુ આવ્યો. તેણે મારી સામે જોયું. મને ભાતીગર જોઈ મૂંઝાયો. બહાર નીકળ્યો. એકબે અમલદારોને લઈ આવ્યો. કોઈએ મને કંઈ ન કહ્યું. છેવટે એક અમલદાર આવ્યો. તેણે કહ્યું, ‘આમ આવો. તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’

મેં કહ્યું, ‘મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે.’

પેલે જવાબ આપ્યો, ‘તેની ફિકર નહીં. હું તમને કહું છું કે તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’

‘હું કહું છું કે, મને આ ડબામાં ડરબનથી બેસાડવામાં આવ્યો છે ને હું તેમાં જ જવા ધારું છું.’

અમલદાર બોલ્યો, ‘એમ નહીં બને. તમારે ઊતરવું પડશે, ને નહીં ઊતરો તો સિપાઈ ઉતારશે.’

મેં કહ્યુ, ‘ત્યારે ભલે સિપાઈ ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું.’

સિપાઈ આવ્યો. તેણે હાથ પકડયો ને મને ધક્કો મારીને નીચે ઉતાર્યો. મારા સામાન ઉતારી લીધો. મેં બીજા ડબામાં જવાની ના પાડી. ટ્રેન રવાના થઈ. હું વેટિંગ રૂમમાં બેઠો. મારું હાથપાકીટ સાથે રાખ્યું. બાકી સામાનને હું ન અડક્યો. રેલવેવાળાએ સામાન ક્યાંક મૂક્યો.

આ મોસમ શિયાળાની હતી. દક્ષિણ આફ્રિકાનો શિયાળો ઊંચાણના ભાગોમાં બહુ સખત હોય છે. મૅરિત્સબર્ગ ઊંચા પ્રદેશમાં હતું તેથી ટાઢ ખૂબ લાગી. મારો ઓવરકોટ મારા સામાનમાં હતો. સામાન માગવાની હિંમત ન ચાલી. ફરી અપમાન થાય તો? ટાઢે થથર્યો. કોટડીમાં દીવો નહોતો. મધરાતને સુમારે એક ઉતારુ આવેલો. તે કંઈ વાત કરવા માગતો હોય એમ લાગ્યું, પણ હું વાત કરવાની મનોદશામાં નહોતો.

મેં મારો ધર્મ વિચાર્યો : ‘કાંતો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડયું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એ મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ કરવા પૂરતો જ કરવો.’

આવો નિશ્ચય કરી બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.

સવારના પહોરમાં મેં જનરલ મૅનેજરને ફરિયાદનો લાંબો તાર કર્યો. દાદા અબદુલ્લાને પણ ખબર આપ્યા. અબદુલ્લા શેઠ તુરત જનરલ મૅનેજરને મળ્યા. જનરલ મૅનેજરે પોતાના માણસોના વર્તનનો બચાવ કર્યો, પણ જણાવ્યું કે મને વગર હરકતે મારે સ્થળે પહોંચાડવા સ્ટેશન-માસ્તરને ભલામણ કરી છે. અબદુલ્લા શેઠે મૅરિત્સબર્ગના હિંદુ વેપારીઓને પણ મને મળવા ને મારી બરદાસ કરવા તાર કર્યો ને બીજાં સ્ટેશનોએ પણ તેવા તારો મોકલ્યા. તેથી વેપારીઓ મને સ્ટેશન ઉપર મળવા આવ્યા. તેમણે પોતાની ઉપર પડતા દુઃખોનું વર્ણન મારી પાસે કર્યું અને મને કહ્યું કે તમારા ઉપર વીત્યું તે કંઈ નવાઈની વાત નથી. પહેલા-બીજા વર્ગમાં હિંદીઓ મુસાફરી કરે તેને અમલદારો તેમ જ મુસાફર તરફથી અડચણ તો પહોંચે જ. આવી વાતો સાંભળવામાં દિવસ ગયો. રાત પડી. ટ્રેન આવી. મારે સારુ જગ્યા તૈયાર જ હતી. જે પથારીની ટિકિટ લેવા મેં ડરબનમાં ના પાડી હતી તે મૅરિત્સબર્ગમાં લીધી. ટ્રેન મને ચાર્લ્સટાઉન લઈ ચાલી.