નરસિંહથી ન્હાનાલાલ/૧

From Ekatra Wiki
Revision as of 17:30, 12 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નરસિંહ | }} <poem> ‘હતાં મ્હેતો અને મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરસિંહ


‘હતાં મ્હેતો અને મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂરાં;

હમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરાં.’

૧૮૯૪માં કલાપીએ નરસિંહ અને મીરાંને આ અંજલિ અર્પી હતી. ૧૯૪૮ પછી આજે હવે એક વધુ નામ ઉમેરવું રહ્યું  ગાંધી. આ ત્રણે ઇલ્મી અને શૂરાં હતાં. પણ એ પૂરાં પણ હતાં, એ પૂરેપૂરાં સંત હતાં. એક અન્ય અર્થમાં એ જગતને પૂરાં પડે એવાં હતાં, એવાં પૂરાં સંત હતાં. જગતે આ ત્રણેને ત્રાસ આપ્યો હતો. નરસિંહને જૂનાગઢમાં નાગરોએ ધાર્મિક અને સામાજિક ત્રાસ, હત્યા કરાવવાના પ્રયત્ન સુધીનો ત્રાસ આપ્યો હતો. મીરાંને ચિતોડમાં બે રાણાઓએ રાજકીય ત્રાસ, હત્યા કરવાના અને આત્મહત્યા કરાવવાના પ્રયત્ન સુધીનો ત્રાસ આપ્યો હતો. ગાંધીજીને તો દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ રાજકીય ત્રાસ, ભારતમાં સવર્ણોએ સામાજિક ત્રાસ અને ઝનૂનીઓએ હત્યા કરવા સુધીનો ધાર્મિક ત્રાસ – એમ ત્રણે પ્રકારનો ત્રાસ આપ્યો હતો. નાગરોએ નરસિંહને ત્રાસ આપ્યો એનું શું કારણ  નરસિંહ જન્મે નાગર, શૈવધર્મી, શિવભક્ત હતા, પણ કર્મે વૈષ્ણવ, વૈષ્ણવધર્મી કૃષ્ણભક્ત હતા. પછી નાગરો જો નરસિંહને ત્રાસ ન આપે તો જ નવાઈ! નરસિંહનો તળાજામાં જન્મ. નાનપણમાં જ માતા-પિતા સદ્ગત હતાં. મોટપણમાં નરસિંહ અને એમનું કુટુંબ – પત્ની માણેકબાઈ અને પુત્ર શામળશા – એમના મોટાભાઈ અને ભાભી સાથે વસ્યાં હતાં. પત્ની સગર્ભા હતા. એક વધુ સંતાન જન્મવાનું હતું. નરસિંહને આજીવિકા માટે કોઈ વ્યવસાય ન હતો. એથી ભાભીએ મૂર્ખ કહી મહેણું માર્યું. નરસિંહ સંવેદનશીલ એથી ઘરમાંથી ચાલ્યા ગયા. પછીના સમગ્ર અનુભવનું નરસિંહે એમના પ્રથમ કાવ્ય ‘સાચું કે સ્વપ્ન’માં આલેખન કર્યું છે. એ એક અપૂજ શિવાલયમાં ગયા. હજુ શૈવધર્મી, શિવભક્ત નાગર હતા ને! સાત દિવસ શિવનું પૂજન કર્યું. શિવ પ્રસન્ન થયા. શિવે નરસિંહને વરદાન માગવાનું કહ્યું, ત્યારે નરસિંહે કહ્યું, ‘તમને જે વલ્લભ હોય કાંઈ દુર્લભ આપો.’ ત્યારે શિવે કહ્યું, ‘મને તો કૃષ્ણ વલ્લભ.’ પછી શિવે નરસિંહનો ‘હાથ સ્હાયો’ અને એમને દ્વારકામાં કૃષ્ણની સમક્ષ ઉપસ્થિત કર્યા. અહીં નરસિંહને મહારાસ એટલે કે વિશ્વની સંવાદિતાનું, ઐક્યનું, બ્રહ્મનું, અદ્વૈતનું દર્શન, પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું અને જીવનભર કૃષ્ણભક્તિ કરવાનો નિશ્ચય કર્યો. અને પછી એ માનસલોકની દ્વારિકામાંથી એટલે કે શિવાલયમાંથી ભૂતલની દ્વારિકામાં પાછા આવ્યા, એટલે કે ઘેર પાછા આવ્યા. આમ, સ્વયં શિવે જ નરસિંહને વૈષ્ણવ કર્યા હતા, નરસિંહનો વૈષ્ણવધર્મમાં, કૃષ્ણભક્તિમાં પ્રવેશ કરાવ્યો હતો. નરસિંહ વૈષ્ણવ થયા, વૈષ્ણવધર્મી થયા, કૃષ્ણભક્ત થયા એમાં શિવનું કર્તૃત્વ હતું. આમ, નાગરો નરસિંહને ત્રાસ આપે તે પૂર્વે જ નરસિંહે એમનો પક્ષ રજૂ કર્યો હતો, એમનું બચાવનામું રજૂ કર્યું હતું. છતાં નાગરોએ નરસિંહને ત્રાસ આપ્યો હતો. નરસિંહે એમના પાંચ આત્મકથાત્મક કાવ્યો – ‘પુત્રનો વિવાહ’, ‘પુત્રીનું મામેરું’, ‘હૂંડી’, ‘હાર’ અને ‘પાવન પ્રસંગ’ – માં નાગરોના ત્રાસના અનુભવનું આલેખન કર્યું છે. શિવાલયમાંથી ઘેર પાછા આવ્યા પછી માણેકબાઈએ – એક વધુ સંતાન  પુત્રી કુંવરબાઈને જન્મ આપ્યો હતો. આમ, હવે નરસિંહને ત્રણ જીવનું કુટુંબ હતું. પણ હજુ એમને આજીવિકા માટે કોઈ વ્યવસાય ન હતો. શિવાલયમાં કૃષ્ણભક્તિનો નિશ્ચય કર્યો હતો એથી હવે હરિજનોના સાન્નિધ્યમાં ભજન-કીર્તનમાં એમનો સમય જતો હતો. એથી ભાઈ-ભાભીએ અકળામણ અનુભવીને એમને – નરસિંહને – એમનાથી દૂર રહેવા કહ્યું. પછી નરસિંહ કુટુંબ સાથે તળાજામાંથી જૂનાગઢમાં નાગરોની વચમાં એક નાનકડા ઘરમાં વસ્યા હતા. અહીં ઘરમાં જ મંદિર વસાવ્યું હતું. અહીં પણ ભજન-કીર્તનમાં, ‘ગામેગામથી હરિજન આવતા, દર્શન કરવાને હાર લાગી’ – હરિજનોના સાન્નિધ્યમાં એમનો સમય જતો હતો. પરમેશ્વરની સહાયમાં શ્રદ્ધા સાથે એમણે સ્વેચ્છાએ નિર્ધનતાનો સ્વીકાર કર્યો હતો. નાગરોએ એમની આ નિર્ધનતાની હાંસી કરીને, એમનો હાસ-ઉપહાસ કરીને એમને ત્રાસ આપ્યો હતો. પુત્રનો વિવાહ અને પુત્રીનું મામેરું એ બંને સામાજિક પ્રસંગો હતા. એથી એ પ્રસંગો નરસિંહને માટે અનિવાર્ય હતા, જ્યારે હૂંડીનો પ્રસંગ નાગરોએ ઉપસ્થિત કર્યો હતો. આ ત્રણે પ્રસંગોમાં સંકટસમયે કોઈ પરિચિત-અપરિચિત ભાવિક શ્રીમંત સજ્જનની સહાયને કારણે નાગરો નરસિંહની નિર્ધનતાની હાંસી કરવામાં, એમનો હાસ-ઉપહાસ કરવામાં નિષ્ફળ ગયા હતા અને નરસિંહ સફળ થયા હતા. એક પછી એક પ્રસંગમાં નાગરો જેમજેમ વધુ ને વધુ નિષ્ફળ થયા તેમતેમ તે વધુ ને વધુ નિરાશ ને હતાશ થયા, વધુ ને વધુ ક્રૂર અને કઠોર થયા. સૌ શસ્ત્રો નિષ્ફળ ગયાં ત્યારે એમણે ચારિત્ર્યખંડન અને મૃત્યુદંડના શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. નરસિંહે સંભોગશૃંગારનાં પદો રચ્યાં હતાં. પત્નીના અવસાન પછી એ વિધુર હતા. પુત્રના અવસાન પછી એ એકાકી હતા. પુત્રી શ્વશુરગૃહે હતી. કદાચ એમની વિધવા પુત્રવધૂ એમની સાથે રહી હતી. ચતુર નાગરો આ સંજોગનો લાભ લેવાનું ચૂકે તો જ નવાઈ! નરસિંહે ‘હારસમેનાં પદ’માં આરંભે જ ઉલ્લેખ કર્યો છે: હે હરિ, લોક કહે: નરસૈંયો લંપટ/ વાધતી વાત રાજાએ જાણી/દુષ્ટને વચન મંડળિક વિહ્વળ થયો/ ‘લાવો નરસૈંયાને ઈહાં તાણી.’ આ લોક કોણ? આ દુષ્ટ કોણ? નરસિંહ લંપટ છે એવી અફવા ફેલાવવામાં જૂનાગઢમાં નાગરો સિવાય કોને રસ હોય? પછી આ અફવા રા’મંડલિક સુધી પહોંચી. રા’મંડલિકે નરસિંહને પોતાની સમક્ષ હાજર થવા હુકમ કર્યો અને સવાર સુધીમાં પરમેશ્વર પોતે નરસિંહને હાર પહેરાવીને નરસિંહ નિર્દોષ છે એમ પુરવાર નહિ કરે તો કટારીથી નરસિંહનો શિરચ્છેદ થશે એવી શિક્ષા આપવાનો નિર્ણય કર્યો. નાગરોના ત્રાસની આ પરાકાષ્ઠા હતી, નરસિંહની ભક્તિની પણ આ પરાકાષ્ઠા હતી, અગ્નિપરીક્ષા હતી. આ પ્રસંગે પણ કોઈ પરિચિત-અપરિચિત ભાવિક શ્રીમંત સજ્જનની સહાયને કારણે નાગરો નરસિંહની હત્યા કરાવવામાં નિષ્ફળ ગયા, નરસિંહ નિર્દોષ પુરવાર થવામાં સફળ થયા. પછી રા’માંડલિક નરસિંહના શિષ્ય થયા હતા. એથી નરસિંહ નાગરોના ત્રાસથી સુરક્ષિત હતા. પણ પછી રા’માંડલિકનું અવસાન થયું. હવે નરસિંહ નાગરોના ત્રાસને કારણે જૂનાગઢમાં સુરક્ષિત ન હતા. એથી નરસિંહ સદાયને માટે, જૂનાગઢમાંથી જ્યાં નવાબનું રાજ હતું અને સૂફીઓનો સંગ હતો એ માંગરોળમાં વસ્યા હતા. માંગરોળમાં એમનું અવસાન થયું હતું. જૂનાગઢમાં નરસિંહે ઘરમાં જ મંદિર વસાવ્યું હતું. ઘરમાં જ એમની ભજન-કીર્તનની દિનચર્યા હતી. અને ઘરમાંથી બહાર ગયા ત્યારે મંદિરમાં ન ગયા, હરિજનવાસમાં ગયા. ‘જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર-રાતું રે, હવે થયું છે હરિ-રસ ગાતું, ઘેરઘેર હીંડે છે ગાતું રે.’ એમણે જીવનભર વહેલી સવાર સુધી હરિજનવાસમાં ભજન-કીર્તન કર્યું હતું. નાગરોના અહમ્ પર આ આઘાત, એમની પ્રતિષ્ઠા પર આ પ્રહાર, આ અપમાન-અનાદર માટે નાગરો નરસિંહને ક્ષમા કરે તો જ નવાઈ! એથી નાગરોએ ‘આ શા રે બ્રાહ્મણના ઢંગ!... મહેતાજી! તમે એવા શું  નાત ન જાણો, જાત ન જાણો, ન જાણો કંઈ વિવેકવિચાર.’ એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે નરસિંહે બ્રહ્મખુમારીના ખમીરથી ઉત્તર આપ્યો હતો, ‘એવા રે અમો એવા એવા રે, વળી તમો કહો છો તેવા રે... હળવા કરમનો હું નરસૈંયો, મુજને વૈષ્ણવ વ્હાલા રે, હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે.’ નરસિંહના અનુભવદર્શનમાં જાતિભેદ ન હતો, ઉચ્ચાવચતાક્રમ ન હતો. ‘પાવન પ્રસંગ’ના આ પદમાં નરસિંહે ભારતના કરોડો તિરસ્કૃતો-બહિષ્કૃતોની, હરિજનોની સૈકાઓની વેદનાને વાચા આપી છે. જેમ ગાંધીજી જીવ્યા હરિજનો માટે અને મર્યા મુસ્લિમો માટે એથી હત્યા કરવામાં આવી હતી, તેમ નરસિંહને પણ હરિજનોની સેવા કરવા માટે હત્યા સમાં મ્હેણાં-ટોણાંનો ત્રાસ આપવામાં આવ્યો હતો. માંગરોળમાં નરસિંહ કાકા પરબતદાસના ઘરમાં વસ્યા હતા. ઘરમાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવપ્રસંગે નરસિંહે રાતના ભજન-કીર્તન કર્યું અને વચમાં તરસ લાગી એથી કોઈ રતનબાઈ ઝારીમાં પાણી આપવા આવી હતી. ત્યારે એ સ્ત્રીના મુખમાં એમને મોહિનીસ્વરૂપ કૃષ્ણનું દર્શન થયું હતું. ‘નરસૈંયાનો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે!’ એ અનુભવ એમણે ‘ઝારી’ના આત્મકથનાત્મક પદમાં પ્રગટ કર્યો છે. ‘દાણલીલા’ના પ્રસંગકાવ્યમાં સ્વયં કૃષ્ણને પણ રાધાના, ગોપીના, નારીના મુખમાં વિશ્વરૂપદર્શન થાય છે. છતાં આજે ૨૧મી સદીમાં પણ નારીનું મુખદર્શન ન કરવાનો જીવા ગોસાંઈના વંશજોનો સંપ્રદાય અસ્તિત્વમાં છે! ‘મામેરું’માં કુંવરબાઈના હૃદયમાંથી એક કારમી ચીસ સરી હતી, ‘સાધુ મુજ તાતને દુ:ખ દેવા ઘણું, સીમંત મારે શીદ આવ્યું ’ આજે પણ ભારતના સમાજમાં કન્યાવિક્રયના કુધારાને કારણે નિર્ધન માતા-પિતાની અસંખ્ય કન્યાઓની જે વેદના છે તેને નરસિંહે આ ચીસમાં વાચા આપી છે. આજે પણ સૌરાષ્ટ્રમાં સવર્ણ કુટુંબોમાં આવાં કારણોથી અસંખ્ય સ્ત્રીઓનાં અપમૃત્યુ થાય છે. નરસિંહના અનુભવદર્શનમાં લિંગભેદ ન હતો. એથી જ એમણે એક સુંદર પંક્તિમાં નારીપ્રતિષ્ઠાનું દર્શન કર્યું-કરાવ્યું છે, ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળભદ્ર-વીર રીઝે!’ ‘મહાભારત’માં ‘સભાપર્વ’માં દ્રૌપદીએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો ઉત્તર ભારતે હજુ આપ્યો નથી!