zoom in zoom out toggle zoom 

< નરસિંહથી ન્હાનાલાલ

નરસિંહથી ન્હાનાલાલ/૧૫

From Ekatra Wiki
Revision as of 21:12, 12 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કલાપી | }} {{Poem2Open}} એક તો કવિ ને પાછો પ્રેમી ને વળી પાછો રાજવી....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કલાપી

એક તો કવિ ને પાછો પ્રેમી ને વળી પાછો રાજવી. આટલું ઓછું હોય તેમ ૨૬ વર્ષની વયે અવસાન. આમ, કલાપીનું બહુરંગી, બહુરૂપી વ્યક્તિત્વ હતું. કલાપી એટલે હૃદય, નર્યું હૃદય, ભર્યુંભર્યું હૃદય, પગથી માથા લગી હૃદય જ હૃદય – જાણે એમને કોઈ અન્ય અંગ જ ન હોય! આવું વ્યક્તિત્વ અને આવું હૃદય જોતજોતાંમાં ગુજરાત – સવિશેષ યુવા ગુજરાત-નું હૃદય સર કરે એમાં કોઈ આશ્ચર્ય નથી. ૧૯૦૦માં કલાપીનું અવસાન થયું હતું. ૧૯૦૩માં એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ, એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેકારવ’ પ્રગટ થયો હતો. બે-અઢી દાયકા લગી તો ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય કવિ તરીકે ન્હાનાલાલની સાથે એમનું સ્થાન હતું. ગુજરાતના અસંખ્ય શિક્ષિત યુવાનોને કલાપીની ગઝલો અને એમનાં પ્રેમકાવ્યો કંઠસ્થ – બલકે હૃદયસ્થ હતાં, જિહ્નાગ્રે, બલકે ચિત્તાગ્રે હતાં. ગુજરાતના અનેક શિક્ષિત યુવાન પ્રેમીજનો એમના પ્રેમપત્રોમાં એમનો પ્રેમ શાહીમાં નહિ, પણ કલાપીની કાવ્યપંક્તિઓમાં રેલાવતા-બહેલાવતા હતા. પણ લોકપ્રિયતા એ અવિશ્વસનીય એવી વસ છે. પછી બે-અઢી દાયકા લગી કલાપીની કવિતા એટલી લોકપ્રિય ન હતી, ગાંધીજીના નહિ, પણ ગાંધીવાદીઓના ચોખલિયા સંકુચિત નીતિવાદને કારણે. એક જ ઉદાહરણ બસ છે. ૧૯૭૪માં ઉમાશંકર લખે છે, ‘૧૯૩૨માં વિસાપુર જેલમાં કલાપીની કેટલીક કૃતિઓ મારે મોઢે સાંભળીને એક મુરબ્બીએ એકરાર કરેલો  કવિને મેં અન્યાય કર્યો છે. ગાંધીજી ‘આશ્રમ ભજનાવલિ’માં ‘આપની યાદી’ મૂકતા હતા તે મેં ન મૂકવા દીધું.’ ઉમાશંકરે મુરબ્બીનું નામ આપ્યું નહિ. નામ આપે તો ઉમાશંકર નહિ. પણ ઉમાશંકરે પોતાને વિશે પણ આવો જ એકરાર કર્યો છે. ૧૯૪૨માં ઉમાશંકરે બાલાશંકરનાં કાવ્યોનું સંપાદન – ‘ક્લાન્ત કવિ’ – કર્યું હતું ત્યારે એની પ્રસ્તાવના ‘સ્નેહાલાપનો કવિ’માં એમણે અંતે લખ્યું હતું, “ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના કવિ બે  બાલાશંકર અને મણિશંકર – ‘ક્લાન્ત’ અને ‘કાન્ત’.” પણ પછી ૧૯૭૫માં ‘ક્લાન્ત કવિ’ની બીજી આવૃત્તિમાં ફૂટનોટમાં ઉમેર્યું હતું, ‘ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના કવિ બે નહિ પણ ત્રણ એમ મને છેલ્લાં કેટલાંક વરસોથી લાગ્યા કરે છે. એક તો “પૂર્વાલાપના... કવિ કાન્ત, બીજા સ્નેહાલાપના કવિ ક્લાન્ત અને ત્રીજા... સ્નેહવિલાપના કવિ કલાપી.’ આમ, ૧૯૪૨ લગી તો ઉમાશંકરને પણ કલાપી ક્લાન્ત અને કાન્તની સાથે ત્રીજા કવિ તરીકે સ્થાનને પાત્ર લાગ્યા ન હતા.

એક સમયે જે કવિ અને એની કવિતા લોકપ્રિય હોય તે જ કવિ અને એની કવિતા અન્ય સમયે એટલી લોકપ્રિય ન પણ હોય, ક્યારેક તો વિસ્મૃત અને ઉપેક્ષિત પણ હોય. તો એનું કારણ કવિ અને એની કવિતા નથી. કવિતા તો એની એ જ છે. એમાં કોઈ પરિવર્તન – અલ્પવિરામ સુધ્ધાંનું  થયું નથી. તો એનું કારણ એ જ કે એ અન્ય સમયના સમાજમાં અને ભાવકોની રસરુચિમાં પરિવર્તન થયું છે. કલાપી અને એમની કવિતા વિશે પણ એમ જ થયું છે. સાક્ષરયુગના સાહિત્યમાં રોમૅન્ટિક પ્રેમનો મહિમા હતો. ‘સરસ્વતીચન્દ્ર’માંનો કુમુદ-કુસુમ-સરસ્વતીચન્દ્રનો પ્રણયત્રિકોણ તો કાલ્પનિક હતો. રમા-શોભના-કલાપીનો પ્રણયત્રિકોણ તો વાસ્તવિક હતો. એ અતિઅતિ લોકપ્રિય થયો એમાં કોઈ આશ્ચર્ય નથી. ગાંધીયુગમાં સામાજિક અને નૈતિક મૂલ્યોમાં જે પરિવર્તન થયું અને એને પરિણામે ભાવકોનાં રસરુચિમાં જે પરિવર્તન થયું એ કારણે જ કલાપી અને એમની કવિતાની લોકપ્રિયતામાં પૂર્વોક્ત પરિવર્તન થયું હતું. લોકપ્રિયતા અથવા એની અનુપસ્થિતિથી કોઈપણ કવિ અને એની કવિતાનું મૂલ્યાંકન કરવામાં જોખમ છે. કવિ અને એની કવિતા તથા લોકપ્રિયતા વિશે આટલું બસ છે. ઇત્યલમ્!

કલાપીનો જન્મ ૧૮૭૪ના જાન્યુઆરીની ૨૬મીએ લાઠીમાં રાજકુટુંબમાં થયો હતો. એમનું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. ‘કલાપી’ એમનું ઉપનામ હતું. ત્રણ રાજકુમારોમાં એ વચેટ રાજકુમાર હતા. એમના મોટાભાઈ ભાવસિંહજી કલાપીના જન્મ પછી થોડાક માસમાં જ અવસાન પામ્યા હતા. એથી કલાપી એમના જન્મની સાથે જ રાજ્યના વારસ તરીકે જાહેર થયા હતા. એમનું પાંચ વર્ષનું વય હતું ત્યારે ૧૮૭૯માં એમના પિતા તખ્તસિંહજીનું અવસાન થયું હતું. એમનું ચૌદ વર્ષનું વય હતું ત્યારે ૧૮૮૮માં એમનાં માતાનું અવસાન થયું હતું. આમ, ચૌદ વર્ષની વયે તેઓ અનાથ જેવા હતા.

૧૮૮૨ના જૂનની ૨૨મીએ આઠ વર્ષની વયે એમણે અભ્યાસ માટે રાજકોટમાં રાજકુમાર કૉલેજમાં પ્રવેશ કર્યો હતો. ૧૮૯૦ લગી, સોળ વર્ષની વય લગી એમણે અભ્યાસ કર્યો હતો. પણ આ સંસ્થામાં એમને અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું શિક્ષણ જ પ્રાપ્ત થયું હતું, એથી વિશેષ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત થયું ન હતું. એમને ચક્ષુરોગ હતો એ પણ અભ્યાસમાં અવરોધરૂપ હતો. વળી એ અભ્યાસના અંતિમ વર્ષમાં હતા ત્યારે ૧૮૮૯માં ડિસેમ્બરની ૧લીએ એમનું પંદર વર્ષનું વય હતું ત્યારે એક જ દિવસે બે રાજ્યમાંથી બે ખાંડાં આવ્યાં હતાં એથી એક લગ્ન કચ્છ-રોહાના એમનાથી વયમાં સાત વર્ષ મોટાં એવાં કુંવરી રાજબા સાથે અને બીજું લગ્ન કોટડા-સાંગાણીના એમનાથી વયમાં ત્રણ વર્ષ મોટાં એવા કુંવરી આનંદીબા સાથે  એમ એમનાં એકસાથે બે લગ્ન થયાં હતાં. આ લગ્ન પણ અભ્યાસમાં ‘નડતર અને અરુચિકર’ રહ્યાં હતાં. ૧૮૯૧ના ઑગસ્ટની ૧૪મીએ કૉલેજનો અભ્યાસ પૂરો થયો. પછી સત્તર વર્ષની વયે કલાપી એમના સૌ સમકાલીન સાક્ષરોની જેમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શક્યા ન હતા. પણ કલાપીએ એમના ખાનગી શિક્ષકો અને મિત્રો દ્વારા અને વિશેષ તો એમના સ્વપ્રયત્ન દ્વારા ગુજરાતી-સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યનું અસાધારણ અનૌપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ૧૮૯૨માં અઢાર વર્ષની વયે એમણે ગોવર્ધનરામને એક પત્રમાં લખ્યું હતું, ‘ગુર્જરભાષાનાં સારાં પુસ્તકોમાં એવું ભાગ્યે જ નીકળશે કે જેનું મેં મનન ન કર્યું હોય.’ છવ્વીસ વર્ષની વય લગીમાં કલાપીએ જે પુસ્તકો વાંચ્યાં હતાં એની યાદી કરવામાં આવે તો કોઈને પણ આશ્ચર્યચકિત કરે એવી છે. પછીથી એમણે રાજ્યત્યાગનો વિચાર કર્યો ત્યારે પણ રાજ્યત્યાગ કર્યા પછી એમને જે પ્રવૃત્તિઓ કરવી હતી એની યાદીમાં પ્રથમ સ્થાને છે પુસ્તકો. એમણે એક કાવ્યમાં લખ્યું હતું, ‘જીવીશ બની શકે તો એકલાં પુસ્તકોથી.’

૧૮૯૧ના ઑક્ટોબરની ૧લીએ સત્તર-અઢાર વર્ષની વયે એમણે કાશ્મીરના પ્રવાસનો આરંભ કર્યો હતો. આ પ્રવાસમાં એમને પ્રકૃતિસૌંદર્યના આનંદની સાથેસાથે સમકાલીન સમાજની કરુણતાનો અનુભવ થયો હતો. એનું વિસ્તૃત આલેખન એમણે ‘કાશ્મીરનો પ્રવાસ’માં કર્યું છે. ગુજરાતી ભાષામાં પ્રવાસવર્ણનનું આ પ્રથમ પુસ્તક છે. સત્તર વર્ષની વયે કલાપીએ એમાં ક્યાંક-ક્યાંક બાણભટ્ટની ‘કાદંબરી’ની ગદ્યશૈલીની સ્પર્ધા કરી છે. એથી એમનું પ્રૌઢ ગદ્ય આશ્ચર્યચકિત કરે એવું છે. આ પ્રવાસ દરમિયાન હજુ તો રાજ્યારોહાણ કર્યું ન હતું તે પૂર્વે એમણે રાજ્યત્યાગનો વિચાર કર્યો હતો અને એમને કંઈક સન્નેપાત જેવો અનુભવ થયો હતો. એકાદ ક્ષણ તોે એમના ચિત્તમાં કોઈ અગમ્ય કારણે આત્મહત્યાનો વિચાર પણ ચમકી ગયો હતો.

૧૮૮૯માં કલાપીનાં એક જ દિવસે ખાંડાંથી એકસાથે બે કુંવરીઓ સાથે બે લગ્ન થયાં હતાં – એક રાજબા સાથે અને બીજું આનંદીબા સાથે. આનંદીબા તો જીવનભર સતત નેપથ્યમાં જ રહ્યાં હતાં. એમનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. જાણે એમનું કોઈ અસ્તિત્વ જ નથી. કલાપીએ રાજબાને ‘રમા’ એવું નવું નામ આપ્યું હતું. અભ્યાસ દરમિયાન ૧૮૮૯-૯૦માં કલાપી અને રમાએ પરસ્પર પત્રવ્યવહાર કર્યો હતો. એમાં કલાપીએ રમાને કાચી વયનાં પ્રેમકાવ્યો પણ પાઠવ્યાં હતાં. પછી કાશ્મીરના પ્રવાસ દરમિયાન પણ કલાપી અને રમાએ પરસ્પર પત્રવ્યવહાર કર્યો હતો. એમાં કલાપીએ રમાના વિરહની વ્યથા વ્યક્ત કરી હતી. રમાની માંદગીને કારણે પ્રવાસ અધૂરો રહ્યો હતો. અને કલાપી ૧૮૯૨ના મેની ૨૨મીએ પ્રવાસમાંથી પાછા આવ્યા હતા. કલાપી રોહા ગયા હતા અને પાંચેક માસ રોહા રહ્યા હતા. પછી રમા સાથે લાઠી આવ્યા હતા. પછી રમા સાથે થોડોક સમય રાજકોટ રહ્યા હતા. ૧૮૯૨માં કલાપીને બંને પત્નીઓથી બે પુત્રો થયા હતા.

રમા એની સાથે રોહાથી એક દાસીને સાથે લાવ્યાં હતાં  મોંઘી. કલાપીએ મોંઘીને ‘શોભના’ એવું નવું નામ આપ્યું હતું. ૧૮૮૯માં લગ્નને બીજે જ દિવસે પોતાના મકાન નીચે ચાલી જતી છ-સાત વર્ષની આ કન્યાએ કલાપીના હૃદયમાં પ્રવેશ કર્યો હતો. આ અનુભવ વિશે કલાપીએ લખ્યું હતું, ‘હું તેની સામે જ જોઈ રહ્યો હતો. મેં કોઈ પણ બાલકમાં આવું માધુર્ય જોયું ન હતું... તે મ્હારી પુત્રી બની.’ આમ, આરંભમાં કલાપીને શોભના પ્રત્યે વાત્સલ્ય હતું. પછી તરત જ કલાપી એના ગુરુ થયા હતા. કલાપીએ એની ભાષામાંથી કચ્છી શબ્દો દૂર કર્યા હતા અને શિષ્ટ ગુજરાતી શીખવ્યું હતું. કાશ્મીરના પ્રવાસ દરમિયાન આ શિષ્યાએ એના ગુરુને પત્રો લખ્યા હતા. પછી વધુ અભ્યાસ અંગે કલાપીએ લખ્યું હતું, ‘અમે સાથે ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા’ વાંચતાં ત્યારે એ મ્હારુ પુષ્પ મ્હારે ગળે બાઝી કરુણામાં ડૂબી રડતું. આહા! આ આનંદ! આ સુખ!’ આમ, કલાપીનું વાત્સલ્ય ધીમેધીમે શોભના પ્રત્યેના પ્રેમમાં પરિવર્તન પામતું હતું. પછી એક દિવસ જ્યારે કલાપીનો પગ મરડાયો અને તાવ હતો ત્યારે એક રાત શોભના કલાપીની સારવારમાં હતાં. એ વિશે કલાપીએ લખ્યું હતું, ‘હૃદય હૃદયને તુર્ત સમજી ગયું. અમે જુદાં થયાં અને સૂઈ ગયાં’ અને ઉમેર્યું હતું, ‘હૃદયે નીતિનો ભંગ કર્યો હતો તે અગ્નિ દરેક અંગને સળગાવી રહ્યો હતો.’ આ ક્ષણે કલાપીના પ્રેમજીવનમાં નીતિનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.

કલાપી વિલાસી ન હતા, વિષયી ન હતા. એમનામાં લાલસા કે લોલુપતા ન હતી. એ પ્રેમપાલનમાં જેટલા મૃદુ અને મુલાયમ હતા, એટલા જ કર્તવ્યપાલનમાં કઠોર અને નિષ્ઠુર હતા. એ ઊર્મિશીલ હતા, ઊર્મિલ ન હતા. એમનામાં હૃદય-દૌર્બલ્ય કે મનોરુગ્ણતા ન હતાં. એમનામાં શૌર્ય અને વીર્ય હતું. એ heroic lover – વીરપ્રેમી હતા. એમનું અવિરત રુદન એ પણ એક સત્યશોધકનું, એક પ્રેમસાધકનું રુદન હતું. એ એક સજાગ, સભાન, સંવેદનશીલ આત્મા હતા. એમનામાં ન્યાય-અન્યાયનું, નીતિ-અનીતિનું, ધર્મ-અધર્મનું તીવ્ર ભાન હતું. એમણે જીવનના એકેએક પ્રશ્નનું, શું પ્રેમ હોય કે રાજ્ય હોય – વિરક્તભાવે વિશ્લેષણ કર્યું હતું. એમણે તટસ્થભાવે આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું હતું. જે ક્ષણે એમને શોભના પ્રત્યે પ્રેમ થયો તે ક્ષણે જ એમણે એ પ્રેમનો સ્વીકાર કર્યો હતો. એ સ્વીકાર ન કર્યો હોત તો એમણે પોતાનો, શોભનાનો અને શોભના પ્રત્યેના પોતાના પ્રેમનો દ્રોહ કર્યો હોત. પ્રેમ તો થાય તો થાય, પછી એનો સ્વીકાર ન થાય તો એ પોતાનો, પ્રેમપાત્રનો અને પ્રેમનો દ્રોહ છે. પણ કલાપી માત્ર શોભનાના પ્રેમી ન હતા, એ રમાના પતિ પણ હતા. એથી એ સ્વીકાર એ પોતાનો, રમાનો અને રમા પ્રત્યેના પોતાના પ્રેમનો પણ દ્રોહ હતો. એમનામાં નીતિ પ્રત્યે પૂર્ણ પ્રામાણિક નિષ્ઠા હતી. એથી એ સ્વીકારની ક્ષણે જ નીતિનો એક વિકટ અને વિષમ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, એક મહાન સંકટ ઉત્પન્ન થયું હતું, એક તીવ્ર સંઘર્ષનો જન્મ થયો હતો.

તે તાવની રાતે કલાપી શોભના સાથે દેહસંબંધ બાંધી શક્યા હોત! એ દેહસંબંધ તો પાપ! એવું પાપ કરે એ કલાપી નહિ! એ જીવનભર શોભના સાથે પ્રચ્છન્ન પ્રેમસંબંધ બાંધી શક્યા હોત! પ્રચ્છન્ન પ્રેમસંબંધ બાંધે, કશું પણ પ્રચ્છન્ન કરે તો કલાપી નહિ! લગ્ન વિના શોભના સાથે સહવાસ કરી શક્યા હોત. પણ એમાં રમાની સંમતિ હોત  અને સંમતિ હોત તોપણ એ સહવાસ ઇષ્ટ હતો  એમાં શોભનાની સંમતિ હોત  શોભનાને તો પૂછ્યું પણ હતું. પણ પોતે પોતાની માતા સમી રમાનો દ્રોહ નહિ કરે અને લોકોમાં અપકીર્તિ સહન નહિ કરે એવો ઉત્તર આપ્યો જ હતો. આ સ્વીકાર પછી રમા પ્રત્યે પણ પ્રેમ હતો. પતિ તરીકે એની પ્રત્યે એમનું કર્તવ્ય પણ હતું. એથી એ રમાનો ત્યાગ કરી શક્યા ન હતા. શોભનાનો ત્યાગ કરવાનો તો પ્રશ્ન જ ન હતો. આ સ્વીકારને કારણે એમણે દારુણ યાતનાનો અનુભવ કર્યો હતો. ‘રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું.’ ૧૮૯૬ના એપ્રિલની ૭મીએ એમણે આ અનુભવનું કાવ્ય ‘હૃદયત્રિપુટી’ પૂરું કર્યું હતું. એમાં એમણે વિગતે વિસ્તારથી આ અનુભવનું નીતિદેવી અને પ્રીતિદેવીના આદેશોને કારણે તીવ્ર સંઘર્ષના અનુભવનું આલેખન કર્યું છે. એમણે આત્મસંબોધ-રૂપે પોતાનો ઉપાલંભ પણ કર્યો હતો  ‘જા, ચોર તું!’ એમાં એમણે રમા પ્રત્યેના અપરાધભાવનો અનુભવ કર્યો હતો.

આ પ્રશ્નનો કોઈ ઉત્તર ન હતો, આ સંકટનું કોઈ નિવારણ ન હતું, આ સંઘર્ષનું કોઈ સમાધાન ન હતું. એથી કલાપીની, શોભનાની અને પોતાની યાતનાનો અંત આવે એ માટે ૧૮૯૭ના એપ્રિલમાં કલાપી જ્યારે આત્માની શાંતિ અર્થે મહાબળેશ્વર ગયા હતા ત્યારે રમાએ એક ખવાસ સાથે શોભનાનાં લગ્ન કરાવ્યાં હતાં. પણ એથી તો કલાપીને વધુ દારુણ યાતનાનો અનુભવ થયો હતો. હવે શોભના કોઈની હતી. એ ક્યારેય પોતાની થશે નહિ. એની સાથે એમનું કોઈ ભવિષ્ય ન હતું. હવે એની સાથે લગ્નની કોઈ આશા ન હતી. એ શોભનાનું વિસ્મરણ કરી શક્યા ન હતા. શોભનાનું વિસ્મરણ એટલે મરણ. આ વિસ્મરણ માટે એમણે પ્રબળ પ્રયત્નો કર્યા હતા. એમાં એમને મણિલાલ અને કાન્તની સહાય મળી હતી. એમણે કલાપીનું મન ધર્મમાં, સ્થૂળ જીવનમાંથી સૂક્ષ્મ જીવનમાં, રાજ્યધર્મમાં દૃઢ થાય એ માટેના પત્રો દ્વારા પ્રયત્નો કર્યા હતા. કલાપીએ એમને અનુસરવાનો સંનિષ્ઠ પ્રયત્ન પણ કર્યો હતો. સૌના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. પણ એ શોભના વિનાનું જીવન કલ્પી શક્યા ન હતા. શોભના વિનાનું જીવન એ તો મૃત્યુ, મૃત્યુથીયે વધુ કરુણ મૃત્યુ. એથી કલાપીના ચિત્તમાં આત્મહત્યાનો વિચાર ચમકી ગયો હતો. હવે રમાને કલાપીની કરુણતાનો પૂર્ણ અનુભવ થયો હતો. રમાએ કલાપી પરના એક પત્રમાં આ અનુભવ પ્રગટ કર્યો હતો. એમણે લખ્યું હતું, ‘તેના વિના તમે દુ:ખી થાઓ છો... હું તમારી ઇચ્છા પૂરી કરીશ.... હાલ આપણને બંનેને પીડા છે... હું તમને દુ:ખ આપનારી થઈ છું.’ સમગ્ર પત્ર આત્મસૂઝ અને આત્મસમર્પણનો એક સુંદર નમૂનો છે. અને રમા સક્રિય થાય છે. પોતે દુ:ખી છે; કલાપી દુ:ખી છે; શોભના પણ દુ:ખી હશે. અંતે શોભનાને એનાં લગ્નમાંથી મુક્ત કરાવવામાં આવે છે. ૧૮૯૮ના જુલાઈની ૧૧મીએ કલાપીનાં શોભના સાથે લગ્ન થાય છે. આમ, કલાપી અંતે ૬ વર્ષની નરકયાત્રા – નરકયાતના પછી એમના અંત:કરણની પ્રવૃત્તિના પ્રમાણ સાથે જીવન જીવી શકે એવી ક્ષણ એમના જીવનમાં પ્રાપ્ત થાય છે. પણ...

કલાપીને શોભના સાથેના બે વરસના ગૃહજીવનમાં આરંભમાં તો પરમ આનંદનો અનુભવ થાય છે. જાણે સ્વર્ગનો આનંદ! એટલો એ આનંદમાં ઉલ્લાસ અને ઉદ્રેક હતો. પણ પાંચ-સાત માસમાં જ પોતે વૃદ્ધ છે અને શોભના બાલક છે એવો અનુભવ થાય છે. શોભનાને પણ કલાપીમાં શિથિલતાનો અને કલાપીના પ્રેમ વિશે શંકાનો અનુભવ થાય છે. હવે એ પરસ્પરને આશ્વાસન આપે છે. હવે શેષજીવનમાં પરસ્પરને આશ્વાસન આપવા સિવાય કશું રહ્યું જ ન હતું. અંતે કલાપીને પ્રેમનિર્ભ્રાન્તિ અને નિર્વેદનો અનુભવ થાય છે  ‘સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં; સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારનેય ચડ્યો નહીં.’ આમ, અંતે કલાપી પ્રેમમાં નિષ્ફળ ગયા હતા. પ્રેમમાં કોણ ‘સફળ’ થયું છે  છતાં પ્રેમમાં હજારો સફળ થયા હોય તોપણ એ હજારોના પ્રેમની સફળતાથી કલાપીના પ્રેમની નિષ્ફળતાનું હજારગણું મૂલ્ય છે.

કદાચ મનુષ્ય માટે પ્રેમની સફળતાનું ગન્તવ્ય અન્યત્ર હશે!

કલાપીનો જન્મ ૧૮૭૪ના જાન્યુઆરીની ૨૬મીએ. એમના જન્મના થોડાક જ માસ પછી એમના મોટાભાઈ ભાવસિંહજીનું અવસાન થયું હતું. ૧૮૮૮માં એમની ચૌદ વર્ષની વયે એમના પિતા તખ્તસિંહજીનું અવસાન થયું હતું. કલાપી ત્રણ ભાઈઓમાં વચેટ ભાઈ હતા. એથી એમના મોટા ભાઈ અને એમના પિતાના અવસાન પછી ૧૮૮૮માં ૧૪ વર્ષની વયે એ લાઠીના રાજવી જાહેર થયા હતા, પણ એમનું સગીર વય હતું એથી એમનું હજુ રાજ્યારોહણ થયું ન હતું. ૧૮૯૧ના ઑક્ટોબરની ૧લીએ ૧૭-૧૮ વર્ષની વયે એમણે આઠેક માસ માટે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન હજુ તો રાજ્યારોહણ થયું ન હતું એ પૂર્વે એમણે રાજ્યત્યાગનો વિચાર કર્યો હતો અને એમને કાંઈક સન્નેપાત જેવો અનુભવ થયો હતો. એકાદ ક્ષણ તો કોઈ અન્ય કારણે એમના ચિત્તમાં આત્મહત્યાનો વિચાર પણ ચમકી ગયો હતો.

૧૮૮૯ના ડિસેમ્બરની ૧લીએ રમા સાથે ૧૫ વર્ષની વયે કલાપીનું લગ્ન થયું. તેના બીજા જ દિવસથી તે ૧૮૯૮ના જુલાઈની ૧૧મીએ શોભના સાથે ૨૪ વર્ષની વયે કલાપીનું લગ્ન થયું એ ૯ વર્ષ દરમિયાન રમા અને શોભના સાથેના પ્રેમસંબંધમાં કલાપીને દારુણ યાતનાનો અનુભવ થયો હતો. શોભના સાથે લગ્ન પછી થોડાક જ માસમાં એ શોભના અંગે નિર્ભ્રાંત થયા હતા. એમને હવે પ્રેમ વિશે નિર્વેદ થયો હતો. પ્રેમમાં એ નિષ્ફળ ગયા હતા. ૧૮૯૫ના જાન્યુઆરીની ૨૬મીએ કલાપી સગીર મટીને પુખ્ત વયના  ૨૧ વર્ષના થયા કે તરત જ રમા અને શોભના સાથેના પ્રેમસંબંધમાં દારુણ યાતનાની પરાકાષ્ઠાના સમયે એમનું રાજ્યારોહણ થયું હતું.

હમણાં જ જોયું તેમ કાશ્મીરના પ્રવાસ દરમિયાન હજુ તો આ રાજ્યારોહણ થયું ન હતું એ સમયે એમણે રાજ્યત્યાગનો વિચાર કર્યો હતો. એથી રાજ્યારોહણનો સમય નિકટ આવતો હતો ત્યારે એમના મનમાં એક ભારે દ્વિધા હતી – રાજ્યપદનો સ્વીકાર કરવો કે નહિ. એમાં એમના ગુરુ સમા મણિલાલે રાજ્યપદનો સ્વીકાર કરવા માટે કલાપીને આગ્રહ કર્યો હતો. અંતે આ દ્વિધાપ્રશ્નનો ઉત્તર રાજ્યપદનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ૧૮૯૫થી ૧૮૯૯ના આરંભ લગી લગભગ ૪ વર્ષ લગી કલાપીએ એક આદર્શ રાજવી તરીકે રાજ્યનું સંચાલન કર્યું હતું. એમણે નિષ્ઠાપૂર્વક પ્રજાને ન્યાય કરવાનું, પ્રજાનું કલ્યાણ કરવાનું કર્તવ્યપાલન કર્યું હતું. પ્રજા પ્રત્યેનું એમનું ઉત્તરદાયિત્વ સંપૂર્ણપણે અદા કર્યું હતું. પણ રાજપદ અને એની ફલશ્રુતિ- રૂપે જે અનેક પ્રવૃત્તિઓ હોય એમાં કલાપીનું હૃદય ન હતું. ધન, સત્તા અને કીર્તિનું એમને આકર્ષણ ન હતું. રાજ્ય એટલે પ્રપંચો, ષડ્યંત્રો. એથી રાજ્યપદ એમના સ્વભાવને અનુકૂળ ન હતું. રાજવીનું જીવન એટલે સંકુચિત, પરતંત્રતાનું જીવન એમને સ્વેચ્છાનું, સ્વતંત્રતાનું જીવન જીવવું હતું. રાજવીનું જીવન એટલે ‘આત્માનો વ્યબિચાર’ એવી એમની માન્યતા હતી. એમને વાંચવું, લખવું અને પ્રભુનું ધ્યાન કરવું – એને માટે જેમાં સંપૂર્ણ અવકાશ હોય એવું જીવન જીવવું હતું. એથી ૧૮૯૯માં એણે રાજત્યાગ કરવાનો લગભગ અંતિમતાપૂર્વકનો વિચાર કર્યો હતો. ગોવર્ધનરામે રાજ્યત્યાગ ન કરવા માટે કલાપીને આગ્રહ કર્યો હતો પણ ગોવર્ધનરામ નિષ્ફળ ગયા હતા. અંતે જેમ પ્રેમપ્રકરણમાં કર્યું હતું તેમ રાજ્યપ્રકરણમાં પણ કલાપીએ અંત:કરણની પ્રવૃત્તિના પ્રમાણ સાથે રાજ્યત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. પણ રાજ્યનો ત્યાગ કરવાનું થાય તે પૂર્વે એમને જગતનો ત્યાગ કરવાનું થયું હતું. ૧૯૦૦ના જૂનની ૧૦મીએ (જો એ રાજ્યના પ્રપંચ અને ષડ્યંત્રથી ન થયું હોય તો) કૉલેરાથી કલાપીનું અવસાન થયું હતું. એક રાજવી તરીકે કલાપી નિષ્ફળ ગયા હતા. કલાપીના જીવનનું ગંતવ્ય હતું પરમેશ્વર. એમના જીવનનું આ સત્ય ‘આપની યાદી’માં સંપૂર્ણપણે પ્રગટ થયું છે.

‘કેકારવ’ એ કલાપીનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. ક્લાન્ત અને કાન્તની જેમ કલાપી ગ્રંથૈક કવિ છે. કલાપીએ ૧૮૯૦ના સપ્ટેમ્બરની ૧લીએ ૧૬ વર્ષની વયે કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન એમણે રમાને પત્રો સાથે કેટલાંક કાવ્યો પણ પાઠવ્યાં હતાં. ત્યાર પછી પણ એમણે કાચી વયનાં ત્રીસેક કાવ્યો રચ્યાં હતાં. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે કલાપીનું અવસાન થયું ત્યાં લગી એમનું કાવ્યસર્જન સતત થતું રહ્યું હતું. આમ કલાપીનું એક દાયકાનું – ૧૬થી ૨૬ વર્ષની વય લગીનું – કવિજીવન. ‘ફકીરી હાલ’ એ એમનું પ્રથમ પ્રૌઢ અને પ્રસિદ્ધ કાવ્ય છે. ૧૮૯૨ના ઑક્ટોબરની ૧૫મીએ એમણે આ કાવ્ય રચ્યું હતું. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે એમના અવસાનના થોડાક જ સમય પૂર્વે એમણે એમનું અંતિમ કાવ્ય ‘આપની યાદી’ રચ્યું હતું.

કલાપીના જીવનકાળમાં એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો ન હતો. જોકે એમનો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાના ત્રણેક પ્રયત્નો થયા હતા. ૧૮૯૨થી કલાપીએ એમનાં કાવ્યો S.T.G. નામે ‘સુદર્શન’ અને ‘ચન્દ્ર’ સામયિકોમાં પ્રગટ કરવાનો આરંભ કર્યો હતો. ૧૮૯૩ના જાન્યુઆરીની ૮મીએ કલાપીને મિત્રો માટે એક લઘુ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. એ માટે એમણે પ્રસ્તાવના પણ લખી હતી. પણ આ લઘુ કાવ્યસંગ્રહ વિશેષ તો નોટબૂક હતો. ૧૮૯૬માં કલાપીને ‘આપ્તજનો’ માટે ‘મધુકર’ને નામે ‘મધુકરનો ગુંજારવ’ નામથી કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. મણિલાલ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા, પણ ૧૮૯૮માં એના મુદ્રણનો પ્રારંભ થાય તે પૂર્વે જ મણિલાલનું અવસાન થયું હતું. ત્યાર પછી ‘જટિલ’ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા. એમણે ‘કલાપી’ને નામે ‘કેકારવ’ નામથી આ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું સૂચન કર્યું હતું. પણ આ કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે પૂર્વે ૧૯૦૦માં કલાપીનું અવસાન થયું હતું અને કલાપીના અવસાનના દસેક માસ પછી ‘જટિલ’નું અવસાન થયું હતું. અંતે ૧૯૦૩માં કાન્તે ‘કેકારવ’નું મરણોત્તર પ્રકાશન કર્યું હતું. ‘કેકારવ’ કાવ્યસંગ્રહનું પ્રકાશન થયું કે તરત જ એ ગુજરાતનાં અનેક શિક્ષિત કુટુંબોનાં ઘરોમાં સ્થાન પામ્યો હતો અને ગુજરાતના અસંખ્ય શિક્ષિત યુવાનોનાં હૃદયમાં વસી ગયો હતો. આ યુવાનોના પ્રેમપત્રોમાં ‘કેકારવ’નાં અનેક કાવ્યોની પંક્તિઓનું અવતરણ થયું હતું.

પ્રકૃતિનો પ્રેમ, પ્રકૃતિનું સૌંદર્ય – આ હતો કલાપીનો પ્રથમ અનુભવ. ‘કાશ્મીરનો પ્રવાસ’માં ભવ્યસુંદર ગદ્યકાવ્ય સમા કેટલાક પરિચ્છેદમાં તો એ પ્રગટ થયો છે, પણ ‘કેકારવ’નાં કેટલાંક કાવ્યોમાં પણ એ વ્યક્ત થયો છે.

‘ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી.’

(‘ગ્રામ્યમાતા’)

‘હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી’

(‘ઉત્સુક હૃદય’)

‘તારાનાં ઝુમખાં વતી રજનીનો અંધાર દેખાય છે.’

(‘મહાત્મા મૂલદાસ’)

‘માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને 
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની’
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો દુશ્મનો ખંજર બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!

(‘આપની યાદી’)

પ્રકૃતિપ્રેમ જેવો જ એમને પ્રકૃતિમાં જે મનુષ્યેતર પશુ-પંખી-જંતુની જીવસૃષ્ટિ છે એના પ્રત્યેના પ્રેમનો અનુભવ છે 

‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’

(‘એક ઘા’)

‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’

(‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’)

‘રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું,
ઘટે ના ક્રૂરતા આવી, વિશ્વ આશ્રમ સંતનું.’

‘સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.’

(‘શિકારીને’)

કરુણ પ્રેમનો અનુભવ એ તો કલાપીના સમગ્ર જીવનના કેન્દ્રમાં છે 

‘પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ’

(‘સનમની શોધ’)

‘યારી ગુલામી શું કરું ત્હારી  સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને, સનમ!’

(‘સનમને’)

‘હિનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું,
ઝૂકીને બાલમાં તેના ફૂલોને ગૂંથતો’તો હું!’

(‘એક ફેરફાર’)

‘રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું.’

(‘ભરત’)

‘ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બંદો હશે!’

(‘ઇશ્કનો બંદો’)

‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’

(‘સારસી’)

‘મ્હેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ.’

(‘જન્મદિવસ’)

‘સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં,
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં.’

(‘સાકીને ઠપકો’)

‘કઠિન બનજો નહીં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ!’

(‘એક ઇચ્છા’)

આ ફકીર રાજાને, ‘ગૃહસ્થ સંન્યાસી’ને રાજવીઓના વૈભવ અને વિલાસ પ્રત્યે તિરસ્કાર હતો 

ત્હમારા રાજ્યદ્વારોના ખૂની ભભકા નથી ગમતા,
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!

(‘હમારા રાહ’)

કલાપીને આ વિશ્વની રચનાનો, આ વિશ્વક્રમનો જે અનુભવ થયો હતો તે એમનાં કેટલાંક સૂત્રો અને સુભાષિતો જેવાં કાવ્યોમાં પ્રગટ થાય છે 

‘જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ’

(‘એક આગિયાને’)

‘હા! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’

(‘પશ્ચાત્તાપ’)

‘વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું!’

(‘વિધવા બહેન બાબાંને’)

‘પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિ હાથ છે.’

(‘બિલ્વમંગલ’)

હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશે કોઈ નહિ!’

(‘ત્યાગ’)

‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!’

(‘વૈરાગ્ય’)

કલાપી પ્રેમી તરીકે નિષ્ફળ ગયા હતા, રાજવી તરીકે પણ નિષ્ફળ ગયા હતા. કલાપી કવિ તરીકે સંપૂર્ણ સફળ રહ્યા હતા. કલાપીનું જીવન અને કવન એટલે સચ્ચાઈ – નરી સચ્ચાઈ!