સત્યના પ્રયોગો/ઐક્યની
ખેડાનું પ્રકરણ ચાલતું હતું તે વખતે યુરોપનું મહાયુદ્ધ પણ ચાલતું જ હતું. તેને અંગે વાઇસરૉયે દિલ્હીમાં આગેવાનોને નોતર્યા હતા. તેમાં હાજર રહેવાનો મને આગ્રહ કર્યો હતો. લૉર્ડ ચેમ્સફર્ડની સાથે મારો મૈત્રીનો સંબંધ હતો એ હું જણાવી ગયો છું.
મેં આમંત્રણ કબૂલ રાખ્યું ને હું દિલ્હી ગયો. પણ આ સભામાં ભાગ લેવામાં મને એક સંકોચ તો હતો જ. મુખ્ય કારણ તો એ કે તેમાં અલીભાઈઓ, લોકમાન્ય અને બીજા નેતાઓને નોતરવામાં આવ્યા નહોતા. તે વેળા અલીભાઈઓ જેલમાં હતા. તેમને હું એકબે વાર જ મળ્યો હતો. તેમને વિશે ઘણું સાંભળ્યું હતું. તેમની સેવાવૃત્તિ અને તેમની બહાદુરીની સ્તુતિ સહુ કરતા હતા. હકીમસાહેબના પ્રસંગમાં પણ હું નહોતો આવ્યો. તેમનાં વખાણ સ્વ. આચાર્ય રુદ્ર અને દીનબંધુ ઍન્ડ્રૂઝને મોઢેથી બહુ સાંભળ્યાં હતાં. કલકત્તાની મુસ્લિમ લીગની બેઠક વખતે મેં શ્વેબ કુરેશી અને બારિસ્ટર ખ્વાજાની મુલાકાત કરી હતી. દા. અનસારી તથા દા. અબદુર રહેમાનની સાથે પણ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. સારા મુસલમાનોની સોબત હું શોધતો હતો, ને જે પવિત્ર અને દેશભક્ત ગણાય તેમના સંબંધમાં આવી તેમની લાગણી જાણવાની મને તીવ્ર ઇચ્છા હતી. તેથી મને તેઓ તેમના સમાજમાં જ્યાં લઈ જાય ત્યાં કંઈ ખેંચતાણ કરાવ્યા વિના જતો.
હિંદુમુસલમાન વચ્ચે ખરી મિત્રાચારી નથી એ તો હું દક્ષિણ આફ્રિકામાં જ સમજી ગયો હતો. બંનેની વચ્ચેની ખટાશ મટે તેઓ એક પણ ઉપાય હું ત્યાં જતો ન કરતો. ખોટી ખુશામત કરી કે સ્વત્વ ગુમાવી તેમને કે કોઈને રીઝવવા એ મારા સ્વભાવમાં નહોતું. પણ ત્યાંથી જ હું સમજતો આવ્યો હતો કે, મારી અહિંસાની કસોટી ને તેનો વિશાળ પ્રયોગ આ ઐક્યને અંગે થવાનાં છે. હજુ પણ મારો એ અભિપ્રાય કાયમ છે. મારી કસોટી ઈશ્વર પ્રતિક્ષણ કરી રહેલ છે. મારો પ્રયોગ ચાલુ જ છે.
આવા વિચારો લઈને હું મુંબઈ બંદરે ઊતર્યો હતો, એટલે મને મજકૂર ભાઈઓનો મેળાપ ગમ્યો. અમારો સ્નેહ વધતો ગયો. અમારી ઓળખાણ થયા પછી તુરત અલીભાઈઓને તો સરકારે જીવતા દફન કર્યા હતા. મૌલાના મહમદઅલીને રજા મળતી ત્યારે એ મને લાંબા કાગળ બેતુલ જેલથી કે છિંદવાડાથી લખતા. તેમને મળવા જવાની મેં સરકાર પાસે માગણી કરેલી તે ન મળી શકી.
અલીભાઈઓને જપ્ત કર્યા પછી કલકત્તા મુસ્લિમ લીગની સભામાં મને મુસલમાન ભાઈઓ લઈ ગયા હતા. ત્યાં મને બોલવાનું કહેલું. હું બોલ્યો. અલીભાઈઓને છોડાવવાનો મુસલમાનોનો ધર્મ સમજાવ્યો.
આ પછી તેઓ મને અલીગઢ કૉલેજમાં પણ લઈ ગયા હતા. ત્યાં મેં દેશને સારુ ફકીરી લેવા મુસલમાનોને નોતર્યા.
અલીભાઈઓને છોડાવવાને સારુ મેં સરકારની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેને અંગે બે ભાઈઓની ખિલાફત વિશેની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો. મુસલમાનો જોડે ચર્ચા કરી. મને લાગ્યું કે, જો હું મુસલમાનોનો સાચો મિત્ર થવા માગું તો મારે અલીભાઈઓને છોડાવવામાં ને ખિલાફતનો પ્રશ્ન ન્યાયપુરઃસર ઉકેલાય તેમાં પૂરી મદદ દેવી જોઈએ. ખિલાફતનો પ્રશ્ન મારે સારુ સહેલો હતો. તેના સ્વતંત્ર ગુણદોષ મારે જોવાપણું નહોતું. મુસલમાનોની તેને વિશેની માગણી જો નીતિ વિરુદ્ધ ન હોય તો મારે મદદ દેવી જોઈએ એમ મને લાગ્યું. ધર્મના પ્રશ્નમાં શ્રદ્ધા સર્વોપરી હોય છે. સૌની શ્રદ્ધા એક જ વસ્તુને વિશે એકસરખી હોય તો જગતમાં એક જ ધર્મ હોય. ખિલાફત વિશેની માગણી મને નીતિ વિરુદ્ધ ન જણાઈ, એટલું જ નહીં પણ, એ જ માગણીનો સ્વીકાર બ્રિટિશ પ્રધાન લૉઇડ જ્યૉર્જે કર્યો હતો, એટલે મારે તો તેમના વચનનું પાલન કરાવવા પૂરતો જ પ્રયત્ન કરવાનું રહ્યું હતું. વચન એવા સ્પષ્ટ શબ્દોમાં હતું કે મર્યાદિત ગુણદોષ તપાસવાનું કામ કેવળ મારા અંતરાત્માને પ્રસન્ન કરવા ખાતર કરવાનું હતું.
ખિલાફતના પ્રશ્નમાં મેં મુસલમાનોને સાથ દીધો તે વિશે મિત્રોએ અને ટીકાકારોએ મને ઠીક ઠીક ટીકાઓ સંભળાવી છે. એ બધાનો વિચાર કરતાં છતાં, જે અભિપ્રાયો મેં બાંધ્યા ને જે મદદ દીધી-દેવડાવી તેને વિશે મને પશ્ચાત્તાપ નથી, તેમાં મારે કશું સુધારવાપણું નથી. આજે પણ એવો પ્રશ્ન ઊઠે તો મારી વર્તણૂક એવા જ પ્રકારની હોય એમ મને ભાસે છે.
આવી જાતના વિચારોભર્યો હું દિલ્હી ગયો. મુસલમાનોનાં દુઃખ વિશેની ચર્ચા મારી વાઇસરૉય સાથે કરવાની જ હતી. ખિલાફતના પ્રશ્ને હજુ પોતાનું પૂર્ણ સ્વરૂપ પકડયું નહોતું.
દિલ્હી પહોંચતાં દીનબંધુ ઍન્ડ્રૂઝે એક નૈતિક પ્રશ્ન ઊભો કર્યો. એ જ અરસામાં ઇટાલી ને ઇંગ્લંડ વચ્ચેના છૂપા કરારો વિશેની ચર્ચા અંગ્રેજી અખબારોમાં થયેલી તેની દીનબંધુએ મને વાત કરી ને કહ્યું: ‘જો આમ છૂપા કરારો ઇંગ્લંડે કોઈ સત્તાની સાથે કર્યા હોય તો તમારાથી આ સભામાં કેમ મદદગાર ભાગ લેવાય?’ હું આ કરારો વિશે કંઈ જાણતો નહોતો. દીનબંધુનો શબ્દ મારે સારુ બસ હતો. આવા કારણને અંગે સભામાં ભાગ લેવાની આનાકાની કરનારો પત્ર મેં લૉર્ડ ચેમ્સફર્ડને લખ્યો. તેમણે મને ચર્ચા કરવા બોલાવ્યો. તેમની સાથે ને પછી મિ. મેફીની સાથે મને લાંબી ચર્ચા થઈ. તેનો અંત એ આવ્યો કે મેં સભામાં ભાગ લેવાનું સ્વીકાર્યું. વાઇસરૉયની દલીલ ટૂંકામાં આ હતીઃ ‘તમે એમ તો નથી માનતા કે બ્રિટિશ કૅબિનેટ જે કંઈ કરે તેની વાઇસરૉયને જાણ હોવી જોઈએ? બ્રિટિશ સરકાર કોઈ દિવસ ભૂલ ન જ કરે એવો દાવો હું નથી કરતો, કોઈ કરતું નથી. પણ જો તેની હસ્તી જગતને કલ્યાણકારી છે એમ તમે કબૂલ કરો, જો તેની પ્રવૃત્તિથી આ દેશને એકંદરે લાભ થયો છે એમ તમે માનો, તો દરેક શહેરીનો તેની આપત્તિને સમયે તેને મદદ દેવાનો ધર્મ છે એમ તમે કબૂલ નહીં કરો? છૂપા કરારને વિશે જે તમે છાપામાં જોયું છે તે મેં પણ જોયું છે. એથી વિશેષ હું નથી જાણતો એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું. છાપામાં કેવી ગપો આવે છે એ તો તમે જાણો જ છો. શું છાપામાં આવેલી એક નિંદક વાતથી તમે સલ્તનતનો આવે સમયે ત્યાગ કરી શકો છો? લડાઈ પૂરી થઈ ગયા પછી તમારે જેટલા નીતિના પ્રશ્ન ઉઠાવવા હોય એટલા ઉઠાવી શકો છો, ને જેટલી વઢવાડ કરવી હોય એટલી કરી શકો છો.’
આ દલીલ નવી નહોતી. જે અવસરે ને જેવી રીતે તે મુકાઈ તેથી મને નવી જેવી જણાઈ ને મેં સભામાં જવાનું કબૂલ કર્યું. ખિલાફત બાબત મારે વાઇસરૉયને કાગળ લખી મોકલવો એમ ઠર્યું.