સાહિત્યચર્યા/વિદાયવચન

From Ekatra Wiki
Revision as of 09:02, 14 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિદાયવચન|}} {{Poem2Open}} વડોદરાથી વિસનગર. વચમાં બે વરસનું અંતર છે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિદાયવચન

વડોદરાથી વિસનગર. વચમાં બે વરસનું અંતર છે. શું થયું અને ના થયું – બલકે શું કર્યું અને ના કર્યું આ બે વરસમાં? આજે જ્યારે પરિષદના પ્રમુખપદેથી નિવૃત્ત થવાનું છે ત્યારે આ પ્રશ્નનો ઉત્તર આપવાની આ યોગ્ય ક્ષણ છે. સાથે સાથે બે વરસની પૂર્વેનાં વરસોમાં શું થયું અથવા શું કર્યું એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આ ક્ષણે જ આપવો જોઈએ. ૧૯૫૫થી પરિષદ સાથે મારો, ક્યારેક પ્રત્યક્ષ તો ક્યારેક પરોક્ષ પણ સતત સંબંધ રહ્યો છે. ૧૯૫૫માં જીવનમાં પ્રથમવાર પરિષદમાં ઉપસ્થિત રહ્યો હતો, ગોવર્ધનરામની જન્મશતાબ્દીના વરસમાં નડિયાદમાં પરિષદના ૧૯મા અધિવેશન પ્રસંગે. પ્રથમ દિવસે જ સવારની પ્રથમ બેઠકમાં અધિવેશનના મંડપના પ્રવેશદ્વાર પર ઉમાશંકરની બાજુમાં ઊભો રહ્યો હતો અને પરિષદમુક્તિ અંગેની પત્રિકા પરિષદ-સભ્યો તથા આમંત્રિત સાહિત્યપ્રેમીઓને વહેંચી હતી. પછીનાં તરતનાં વરસોમાં એકવાર મધ્યસ્થ સમિતિનો નિર્વાચિત સભ્ય રહ્યો હતો. ૧૯૭૬માં પોરબંદરમાં પરિષદના ૨૮મા અધિવેશન પ્રસંગે સાહિત્ય-વિવેચન વિભાગના વિભાગીય પ્રમુખ તરીકે વ્યાખ્યાન આપ્યું હતું. ૧૯૭૭માં પરિષદના ગોવર્ધનભવનનું નિર્માણ થયું ત્યારે પરિષદના ગ્રંથાલય માટે દાન પ્રાપ્ત કરવામાં નિમિત્તરૂપ રહ્યો હતો. પછી ૧૯૯૭માં ગ્રંથાલયને સુવિધાઓથી સુસજ્જ કરવામાં પણ નિમિત્તરૂપ રહ્યો હતો. એકાદ દાયકાથી પરિષદના કાર્યક્રમોમાં અવારનવાર સહભાગી રહું છું અને નિયમિત પ્રતિસપ્તાહ વિશ્વકવિતાનું આસ્વાદલક્ષી પઠન કરું છું. ૧૯૯૭-૯૮નાં વરસો દરમિયાન કવિમિત્ર લાભશંકર સાથે ‘આપણો કવિતાવારસો’ની પઠનશ્રેણીમાં અર્વાચીન યુગના સદ્ગત કવિઓનાં કાવ્યોનું પણ આસ્વાદલક્ષી પઠન કર્યું હતું. એના અનુસંધાનમાં અન્ય કવિમિત્રોના આયોજન દ્વારા નિયમિત પ્રતિમાસ વિદ્યમાન ગુજરાતી કવિઓ એમનાં કાવ્યોનું સ્વમુખે આસ્વાદલક્ષી પઠન કરે છે. ૧૯૯૩માં અંગ્રેજી, અમેરિકન, ભારતીય અને ગુજરાતી સાહિત્ય તથા ધર્મ અને વિજ્ઞાન આદિ વિષયના ગ્રંથોનો સમગ્ર અંગત ગ્રંથસંચય પરિષદના ગ્રંથાલયમાં અદેય વિભાગ માટે પરિષદને ભેટ આપ્યો હતો. આમ, સક્રિય સહકાર અને સહૃદય સંવાદ દ્વારા – તો ક્યારેક વિવાદ અને ક્વચિત્ વિરોધ દ્વારા પણ – આ મહાન સંસ્થા અલ્પાંશે પણ કંઈક વધુ સમૃદ્ધ અને સદ્ધર થાય એ માટે સતત નમ્ર પ્રયત્ન કર્યો હતો. એના અનુસંધાનમાં પરિષદ માટે એના પ્રમુખ તરીકે કંઈક વિશેષ કરી શકીશ એવી આશા-અપેક્ષાએ પ્રમુખપદનો સ્વીકાર કર્યો હતો. અનુવાદકેંદ્ર, સર્જનાત્મક સાહિત્યનાં વિવિધ સ્વરૂપો અંગે અભ્યાસક્રમ અને અધ્યાપનકેંદ્ર, પરિષદનાં ભવન, સભાગૃહ અને પ્રાંગણમાં અદ્યતન સુવિધાઓની ઉપલબ્ધિ, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગ્રંથયાત્રા – આરંભથી જ પ્રમુખ તરીકેના બે વર્ષના કાર્યકાળમાં આટલો કાર્યક્રમ સિદ્ધ થાય તો પ્રમુખપદ સાર્થક થાય એવી આશા-અપેક્ષા હતી. એમાંથી અધઝાઝેરો કાર્યક્રમ સિદ્ધ થયો છે એનો મને સંતોષ છે. આજના યુગમાં જ્યારે વૈશ્વિક મનુષ્ય, વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિનું આગમન થવામાં છે ત્યારે અનુવાદનું ક્યારેય ન હતું એટલું મહત્ત્વ છે, મૂલ્ય છે. હવે પછીના યુગોમાં પ્રત્યેક મનુષ્ય, સમાજ અને સંસ્કૃતિ માટે અન્ય સૌ મનુષ્યો, સમાજો અને સંસ્કૃતિઓનો આત્મીય પરિચય અનિવાર્ય થશે. અને આ પરિચય માત્ર સાહિત્ય દ્વારા જ પ્રાપ્ત થશે. કારણ કે કોઈપણ મનુષ્ય, સમાજ અને સંસ્કૃતિનું સત્ય, સંપૂર્ણ સત્ય એના સાહિત્ય દ્વારા અને માત્ર સાહિત્ય દ્વારા જ પ્રગટ થાય છે. એટલે પ્રત્યેક સમાજ અને સંસ્કૃતિ માટે અન્ય સૌ સમાજો અને સંસ્કૃતિઓના સાહિત્યનો અનુવાદ અનિવાર્ય હશે. વળી, અનુવાદ એ માત્ર અનુસર્જન નથી. એક વિશિષ્ટ, વિશેષ અર્થમાં સર્જન પણ છે. અનુવાદની પ્રક્રિયામાં જે ભાષામાં અનુવાદ થાય તે ભાષામાં નવા ભાવ, નવા વિચાર, નવાં સંવેદન, નવા અનુભવ, નવા લય, નવા લહેકા, નવા કાકુ, નવાં કલ્પન પ્રગટ થાય છે. એથી એ ભાષા સમૃદ્ધ થાય છે. આ વિશેષ, વિશિષ્ટ સંદર્ભમાં અનુવાદક પણ સર્જક છે. આવી સૂઝ-સમજ સાથે પરિષદમાં કાયમી અથવા દીર્ઘકાલીન ધોરણે અનુવાદકેંદ્રનો આરંભ થયો છે. એમાં ગુજરાતી ભાષામાંથી અન્ય ભાષાઓમાં અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યકૃતિઓના દ્વિમાર્ગી અનુવાદની પ્રવૃત્તિ થશે. હમણાં નરસિંહથી દયારામ સુધીના મધ્યકાલીન કવિઓની ઉત્તમ કાવ્યકૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ થાય છે. ટૂંક સમયમાં એનો દ્વિભાષી સંચય પ્રગટ થશે. દિલ્હીની સાહિત્ય અકાદમીનો પણ ભારતના વિવિધ પ્રદેશોમાં અનુવાદકેંદ્રો સ્થાપવાનો કાર્યક્રમ છે. પરિષદના અનુવાદકેંદ્રનો આરંભ થયો પછી પશ્ચિમ ભારતમાં અકાદમીએ એના કેંદ્ર તરીકે પરિષદને માન્યતા આપી છે. પરિષદને માટે આ આનંદ અને ગૌરવની ઘટના છે. પરિષદમાં સર્જનાત્મક સાહિત્યનાં વિવિધ સ્વરૂપોના અભ્યાસક્રમ સાથેનું એક અધ્યાપનકેંદ્ર – અંગ્રેજીમાં જેને Creative Writing Course કહેવાય છે તે – નું કાયમી અથવા દીર્ઘકાલીન ધોરણે આયોજન કરવાનું વિચાર્યું હતું. એની પૂર્વભૂમિકા રૂપે પરિષદમાં અવારનવાર શાળાના વિદ્યાર્થીઓના સ્વમુખે એમનાં કાવ્યોનું પઠન અને કોઈએક પ્રસિદ્ધ કવિ અથવા વિવેચક દ્વારા એનું માર્ગદર્શક વિવેચન અથવા વિશ્લેષણ થાય છે. પણ આ પ્રવૃત્તિ તો હજુ ભવિષ્યમાં થશે એવી આશા છે. પરિષદનાં ભવન, સભાગૃહ અને પ્રાંગણમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થાય અને એમ સમગ્ર સંકુલ સુસજ્જ થાય એવું વિચાર્યું હતું. કારણ કે આ સંકુલ સાબરમતી નદીના તટ પર શાંત વાતાવરણમાં સુંદર સ્થળ પર રચાયું છે. સાબરમતી નદીના તટ પર આવું વાતાવરણ અને આવું સ્થળ અન્યત્ર ક્યાંય નથી. એથી નાગરિકોના ઉપયોગ અર્થે પરિષદના સમગ્ર સંકુલને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવું એ પરિષદનું નાગરિકો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ છે. પરિષદના પ્રાંગણમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેના નિર્માણકાર્યનો આરંભ થયો છે. એકાદ વરસમાં એ કાર્ય પૂરું થશે. પણ પરિષદનાં ભવન અને સભાગૃહના પુન:નિર્માણ માટે તો મોટું આર્થિકભંડોળ હોય એ જરૂરી છે. એ ભંડોળ એકત્ર થશે ત્યારે ભવિષ્યમાં આ પુન:નિર્માણનું કાર્ય પણ થશે એવી અપેક્ષા છે. પરિષદ અથવા સાહિત્યની કોઈપણ સંસ્થા સાહિત્યકારને ઉત્પન્ન ન કરી શકે પણ સાહિત્યકાર જે ઉત્પન્ન કરે છે તે અંગે એટલે કે પુસ્તક અંગે અનેકવિધ પ્રવૃત્તિ કરી શકે. એથી ગ્રંથયાત્રાના કાર્યક્રમનું આયોજન વિચાર્યું હતું. પ્રતિવર્ષ અધિવેશન અને જ્ઞાનસત્રના પ્રસંગે પુસ્તકદર્શનનું આયોજન તો થાય જ છે. પણ ગ્રંથયાત્રાના કાર્યક્રમમાં પ્રતિમાસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં પુસ્તકપ્રદર્શન અને એમાંનાં કેટલાંક પુસ્તકો અંગે આસ્વાદલક્ષી પરિચયાત્મક વક્તવ્યોનું આયોજન કરવું એવું વિચાર્યું હતું. ભવિષ્યમાં કાયમી અથવા દીર્ઘકાલીન ધોરણે આ ગ્રંથયાત્રાના કાર્યક્રમનું આયોજન થશે એવી આશા છે. આમ, જે કંઈ થયું છે, કર્યું છે તે અલ્પ છે, જે કંઈ નથી થયું, નથી કર્યું તે અનલ્પ છે – Petty done, undone vast. ભલે અલ્પ તો અલ્પ, પણ જે કંઈ થયું છે, કર્યું છે એથી પણ સંતોષ છે. આ સંતોષ સાથે આજે નિવૃત્ત થાઉં છું અને પરિષદનું પ્રમુખપદ નવનિર્વાચિત પ્રમુખને સુપ્રત કરું છું. તેઓ વયમાં, વિદ્વત્તામાં અને અનુભવમાં મારાથી મોટા છે. વિવેચક, સંપાદક, અધ્યાપક અને આચાર્ય તરીકેની એમની સિદ્ધિઓ સૌને સુપરિચિત છે. તેઓ આજીવન સાહિત્યસેવી છે. તેઓ સાચા અર્થમાં સારસ્વત છે. મણિલાલ નભુભાઈના સાહિત્યની સેવા તથા જે માત્ર યુનિવર્સિટી જ કરી શકે, જે યુનિવર્સિટીએ કરવું જોઈએ પણ કર્યું નથી એવું ગુજરાતી વિશ્વકોશનું મહત્ત્વાકાંક્ષી કાર્ય એમણે એકલે હાથે સિદ્ધ કર્યું છે એ સમગ્ર ગુજરાતી પ્રજાની સેવા – આ દ્વિવિધ સેવા માટે ગુજરાત એમનું સદાયનું ઋણી રહેશે. આવી વ્યક્તિના પ્રમુખપદે પરિષદ વધુ સમૃદ્ધ અને સધ્ધર થશે એની મને શ્રદ્ધા છે. અંતમાં, પરિષદ એક બંધારણયુક્ત લોકશાહી સંસ્થા છે. આ બે વરસમાં પ્રમુખ તરીકે મને એ હકીકતનો પ્રતીતિજનક અનુભવ થયો છે. પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર મતો, વિચારો, અભિપ્રાયો, પ્રતિપાદનો હોય જ. સાહિત્યકાર જેવી કલ્પનાશીલ અને સંવેદનશીલ વ્યક્તિને તો સવિશેષ હોય. એથી પરિષદની કાર્યવાહક સમિતિ તથા મધ્યસ્થ સમિતિની બેઠકોમાં સભ્યો વચ્ચે મુક્ત મને ભય, શંકા કે સંકોચ વિના ચર્ચાવિચારણા થાય, ક્યારેક વિવાદ કે વિરોધ થાય – એ જ તો લોકશાહીનો આત્મા છે – પણ તે સૌહાર્દ અને સૌજન્યપૂર્ણ વાતાવરણમાં થાય, અને અંતે સર્વાનુમતિથી અથવા સર્વાનુમતથી નિર્ણય થાય એવો અનુભવ મને સતત થયો છે. હું ઇચ્છું કે ગુજરાતમાં અને ભારતમાં સાહિત્ય, શિક્ષણ, રાજકારણ આદિ સૌ સામાજિક પ્રવૃત્તિઓની લોકશાહી સંસ્થાઓમાં આવું વાતાવરણ હોય! પરિષદ લોકશાહી સંસ્થા છે, આપણા સૌની, સૌ ગુજરાતીભાષીઓની સંસ્થા છે. ગુજરાતી ભાષા બોલનાર, વાંચનાર અને લખનાર એકે એક વ્યક્તિ આ સંસ્થાની પ્રત્યક્ષ કે પરોક્ષ ઋણી છે. ગોવર્ધનરામ અને ગાંધીજી આદિ અનેક મહાનુભાવોએ એમના આશીર્વાદથી આ સંસ્થાને ધન્ય કરી છે. આવી સંસ્થામાં સહૃદય સર્જકમિત્રો સાથે બે વરસ કાર્ય કરવાનો મને અવકાશ પ્રાપ્ત થયો એને મારું સદ્ભાગ્ય સમજું છું. એથી હું આનંદ અને ગૌરવ અનુભવું છું. પરિષદના સામાન્ય સભ્યો, મધ્યસ્થ સમિતિના સભ્યો, કાર્યવાહક સમિતિના સભ્યો તથા ટ્રસ્ટીમંડળના સભ્યોનો જે સ્નેહ અને સદ્ભાવ મને પ્રાપ્ત થયો છે એ મારા જીવનનું એક અત્યંત મધુર અને સુખદ સંભારણું છે. નિવૃત્તિની ક્ષણે સૌની પ્રત્યે હૃદયપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક આભાર સાથે તથા ગુજરાતની આ મહાન સાહિત્યસંસ્થાને વંદન સાથે વિરમું છું. (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૦મું અધિવેશન વિસનગરમાં યોજાયું તે પ્રસંગે પરિષદપ્રમુખ તરીકે નિવૃત્તિ પ્રસંગે વ્યાખ્યાન. ૨૫ ડિસેમ્બર ૧૯૯૯)