સાહિત્યચર્યા/કીટ્સની છન્દ-પ્રતિભા

From Ekatra Wiki
Revision as of 04:51, 19 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કીટ્સની છન્દ-પ્રતિભા

કવિતામાં અરધોઅરધ – ક્યારેક તો અધઝાઝેરો અર્થ અવાજ દ્વારા પ્રગટ થાય છે. કવિતામાં અર્થ જેટલો જ અવાજનો મહિમા છે. કવિતામાં અવાજનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. બલવન્તરાયે કવિતાનું પદ્ય એ પ્રવાહી પદ્ય હોવું જોઈએ, અર્થાનુસારી પદ્ય હોવું જોઈએ એમ આગ્રહ કર્યો છે. એમાં એવું સૂચન છે કે પદ્ય અર્થાનુસારી ન હોય તો અર્થને હાનિ થાય, બલકે અર્થ પ્રગટ જ ન થાય. આમ, બલવન્તરાયે કવિતામાં પ્રવાહી પદ્યનો, કવિતાના છન્દનો, લયનો, અવાજનો મહિમા કર્યો છે; અલબત્ત, ભલે અર્થને ખાતર કર્યો હોય પણ મહિમા અવશ્ય કર્યો છે. ઉમાશંકરે કહ્યું છે, ‘કાવ્યમાં તેમની (વિશ્વના સકલ માધુર્ય, કરુણા, ઉલ્લાસની) ઉપસ્થિતિ અંગે સીધાં કવિવચનોનો ન કરું તેટલો વિશ્વાસ હું લયનો કરું. લય જૂઠું બોલે નહીં. લય એ કવિની શિરાઓમાં વહેતા લોહીની વસ્તુ છે.’ આ પૂર્વે ઑડને નવોદિત કવિની કવિતાના સન્દર્ભમાં એવું વિધાન કર્યું છે કે નવોદિત કવિ શું કહે છે એનું અગત્ય નથી પણ એ છન્દમાં, લયમાં વિચારે છે કે નહિ એનું અગત્ય છે. નવોદિત કવિ એ છન્દમાં, લયમાં વિચારે તો સમજવું કે એ ભવિષ્યમાં કવિતા રચી શકશે. કવિતામાં છન્દના ધનુષ્યના અવાજની જ્યા પણછ તૂટી ન જાય ત્યાં સુધી જેટલી વધુમાં વધુ ખેંચાય એટલું શબ્દના અર્થનું શર વધુમાં વધુ દૂર જાય. આમ, કવિતામાં logos અને melosનો, meaning અને musicનો બન્નેનો એકસમાન મહિમા છે; અર્થ અને અવાજનો સંપૂર્ણ સંવાદ. એની સંપૂર્ણ એકરૂપતા, એકરસતા; એનું સંપૂર્ણ સાયુજ્ય અનિવાર્ય છે. એટલું જ નહિ પણ પ્રત્યેક કવિને એનો આગવો અવાજ હોય એ પણ એટલું જ અનિવાર્ય છે. પ્રત્યેક કવિને એનું વિરલ વ્યક્તિત્વ હોય છે, એનું વિશિષ્ટ દર્શન હોય છે, એનો આગવો અર્થ હોય છે, કંઈક બિન-વિવાદાસ્પદ અથવા તો ઓછો વિવાદાસ્પદ શબ્દ યોજીએ તો એનો આગવો અનુભવ હોય છે એથી એનો આગવો અવાજ હોય એ અનિવાર્ય છે. કવિનો પ્રત્યેક શબ્દ અર્થ અને અવાજ સમેતનો શબ્દ એના વ્યક્તિત્વની મુદ્રાથી અંકિત હોય એ અનિવાર્ય છે. કવિનો આગવો અવાજ એ જ એની ઓળખ છે. કવિનો પ્રત્યેક શબ્દ એની કવિપ્રતિભાનો સાક્ષી છે. કવિની પ્રત્યેક પંક્તિ એ કવિનો હસ્તાક્ષર છે. જે કવિને આવો આગવો અવાજ અને આગવો અર્થ નથી તે કવિ નામને ભાગ્યે જ પાત્ર હોય! અર્વાચીન ગુજરાતી કવિતાના દોઢ સદીના ઇતિહાસમાં બાલાશંકર, મણિશંકર, બલવન્તરાય અને ન્હાનાલાલ એમની છન્દ-પ્રતિભા માટે પ્રસિદ્ધ છે. એમની એક પરંપરા છે. આ પરંપરામાં પછીના અનુકાલીન કવિઓ સુન્દરમ્‌, ઉમાશંકર અને રાજેન્દ્રનું પ્રથમ પંક્તિમાં સ્થાન છે. અંગ્રેજી કવિતાના પાંચ સદીના ઇતિહાસમાં પણ કેટલાક મહાન કવિઓ એમની છન્દ-પ્રતિભા માટે પ્રસિદ્ધ છે. એમની પણ એક પરંપરા છે. આ પરંપરામાં સ્પેન્સર, મિલ્ટન, પોપ અને ટેનીસનની સાથે કીટ્સનું પણ પ્રથમ પંક્તિમાં સ્થાન છે. કીટ્સે ૧૮૦૩-૧૮૧૧ના સમયમાં એનફીલ્ડમાં ક્લાર્ક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારે સ્કૂલના હેડમાસ્ટરના પુત્ર ચાર્લ્સ કાઉડન ક્લાર્ક સાથે એની જીવનભરની મૈત્રી હતી. ૧૮૧૧-૧૮૧૫ના સમયમાં એડમણ્ટનમાં ટૉમસ હેમણ્ડના માર્ગદર્શનથી તબીબ એપોથેકરી – સર્જન તરીકે તાલીમ પ્રાપ્ત કરી હતી. પછી ૧૮૧૫માં લંડન ગ્રાઇસ અને સેન્ટ ટોમસીસ એમ બે હોસ્પિટલોમાં તબીબી શાસ્ત્રનો વધુ અભ્યાસ કર્યો હતો અને ૧૮૧૬માં આ હોસ્પિટલોમાંથી પરીક્ષા પસાર કરીને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું. આમ, એણે તબીબ તરીકેની કારકિર્દીની તૈયારી કરી હતી. પણ આ સમયમાં જ ૧૮૧૨માં એક દિવસ મિત્ર ક્લાર્કે એની સમક્ષ સ્પેન્સરના ‘Epithalamion’નું વાચન કર્યું. આ હતો કીટ્સનો કવિતા પ્રત્યેનો પ્રથમ પ્રત્યાઘાત. એની જાદુઈ અસર અનુભવીને એણે સ્પેન્સરનું ‘The Faerie Queene’ વાંચવા માટે ક્લાર્ક પાસે માગ્યું, વાંચ્યું. તરત જ ૧૮૧૩માં એણે એનું પ્રથમ કાવ્ય ‘Imitation of Spenser’ રચ્યું. ૧૮૧૭માં એણે એનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘Poems’ પ્રગટ કર્યો અને કહ્યું, ‘I find I cannot exist without poetry – without eternal poetry half the day will not do.’ (મને લાગે છે કે હું કવિતા વિના – શાશ્વત કવિતા વિના – નહિ જીવી શકું – અરધો દિવસ પણ નહિ.) આ હતી સ્પેન્સર દ્વારા કીટ્સની કાવ્યદીક્ષા. પછી ૧૮૧૮માં એણે મિલ્ટનની કવિતાની ‘મિજબાની’ (‘Feasting upon Milton’) માણી હતી. અને તરત જ ૧૮૧૮-૧૮૧૯માં એણે મિલ્ટનના ‘Paradise Lost’ની પરંપરામાં બ્લેંક વર્સમાં એનું સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી કાવ્ય ‘Hyperion’ રચ્યું હતું. આ લઘુલેખના વિષયના સંદર્ભમાં કીટ્સનો આ અનુભવ, કીટ્સના કવિજીવનની આ ઘટનાઓ અત્યંત સૂચક છે. કીટ્સની છન્દ-પ્રતિભા વિશે આમ તો સ્વતંત્ર ગ્રંથ – બલકે ગ્રંથો રચી શકાય, Ridleyના ‘Keats’ Craftsmanship’ જેવા એકાધિક ગ્રંથો રચાયા પણ છે. કીટ્સની છન્દ-પ્રતિભાના નવનવોન્મેષોનાં જ અસંખ્ય ઉદાહરણો આપી શકાય. આ લઘુલેખમાં બે જ ઉદાહરણ બસ છે. એ પરથી પણ કીટ્સની છન્દ-પ્રતિભાનો અણસાર આવી શકે છે. ૧૮૧૭માં કીટ્સે પંચગણ યુગ્મો (five-foot-couplets)માં એનું પ્રથમ દીર્ઘ કથાકાવ્ય ‘Endymion’ રચ્યું. એની પ્રથમ પંક્તિનો અસલ પાઠ આ પ્રમાણે હતો : ‘A thing of beauty is a constant joy.’ પછી ૧૮૧૮માં કીટ્સે જ્યારે આ કાવ્યનું પ્રકાશન કર્યું ત્યારે એમાં આ પ્રમાણે પાઠાંતર, પાઠ્યપરિવર્તન કર્યું : ‘A thing of beauty is a joy for ever.’ કીટ્સે આ પાઠાંતર શા માટે કર્યું એ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી, કોઈ ખુલાસો કર્યો નથી. (અહીં નોંધવું જોઈએ કે કીટ્સે એના પત્રોમાં ‘Hyperion’નું પુનર્લેખન શા માટે કર્યું એ વિશે ઉલ્લેખો કર્યા છે, ખુલાસા કર્યા છે. હમણાં જ જોયું તેમ, ૧૮૧૮-૧૮૧૯માં એણે મિલ્ટનના ‘Paradise Lost’ની પરંપરામાં બ્લેંક વર્સમાં ‘Hyperion’ રચ્યું. પણ પછી તરત જ ૧૮૧૯માં એણે ડેન્ટિના ‘The Divine Comedy’ની પરંપરામાં બ્લેંક વર્સમાં એનું ‘The Fall of Hyperion’માં પુનર્લેખન કર્યું હતું. આ બે કાવ્યોની સરખામણી કરવાથી વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ બન્નેના સંદર્ભમાં એણે આ પુનર્લેખન કર્યું હતું એ સ્પષ્ટ થાય છે. આમ, આ પુનર્લેખન શા માટે કર્યું એનાં અનેક કારણો હશે, પણ એમાંના એક કારણ વિશે એણે એના પત્રોમાં ઉલ્લેખો કર્યા છે, ખુલાસા કર્યા છે. મિલ્ટન અંગ્રેજી ભાષામાં અંગ્રેજી ભાષા જાણે કે લૅટિન ભાષા ન હોય એમ લૅટિન ભાષાના વ્યાકરણની વ્યુત્ક્રમયુક્ત વાક્યરચના યોજે છે. લૅટિન ભાષામાં વિભક્તિના પ્રત્યયો છે. એથી એનું વિશિષ્ટ વ્યાકરણ છે, એમાં વ્યુત્ક્રમયુક્ત વાક્યરચના છે. અંગ્રેજી ભાષામાં વિભક્તિના પ્રત્યયો નથી. એથી એના વ્યાકરણમાં લૅટિન ભાષામાં હોય એવી વ્યુત્ક્રમયુક્ત વાક્યરચના યોજે છે. એને Miltonism અથવા Latinism કહેવાય છે. કીટ્સે ‘Hyperion’માં આ Miltonism અથવા Latinism વારંવાર યોજ્યા હતા. પરિણામે ‘Hyperion’માં અંગ્રેજી ભાષાના સ્વરૂપનો કંઈક હ્રાસ થયો હોય એવું એણે અનુભવ્યું હતું. એથી એને આ Miltonism અથવા Latinismનો પરિહાર કરવો હતો. આ કારણે એણે ‘The Fall of Hyperion’માં ‘Hyperion’નું પુનર્લેખન કર્યું હતું. એક પત્રમાં એણે લખ્યું છે, ‘I have given up ‘Hyperion’ – there were too many Miltonic inversions in it – Miltonic verse cannot be written but in an artful, or rather artist’s humour. I wish to give myself up to other sensations. English ought to be kept up.’ (મ્હેં ‘હાઇપેરિઅન’ ત્યજી દીધું છે – એમાં ઘણા બધા મિલ્ટનશાઈ વ્યુત્ક્રમો હતા. કલાત્મક-કલાકારની વિનોદવૃત્તિ વિના મિલ્ટનશાઈ પદ્ય રચી ન શકાય. મને અન્ય પ્રકારનાં સંવેદનોનો અનુભવ કરવાની ઇચ્છા છે. અંગ્રેજી ભાષાનું સ્વરૂપ સચવાવું જોઈએ.) પછીથી એક પત્રમાં તો એ ચીખી ઊઠ્યો છે, ‘There is death in Milton’ (મિલ્ટનમાં મૃત્યુ છે.) આપણા યુગમાં પાઉન્ડ અને એલિયટે પણ નોંધ્યું છે કે મિલ્ટને અંગ્રેજી ભાષા લખી નથી. તો ભલે કીટ્સે આ પાઠાંતર શા માટે કર્યું એ વિશે કોઈ ઉલ્લેખ ન કર્યો હોય, કોઈ ખુલાસો ન કર્યો હોય, પણ એણે આ પાઠાંતર કર્યું એનું કોઈ કારણ તો અવશ્ય હોવું જ જોઈએ નહિ તો એણે આ પાઠાંતર કર્યું જ ન હોત. પાઠાંતર કર્યું એનો અર્થ જ એ કે એને અસલ પાઠથી સંતોષ નહિ થયો હોય, એને અસલ પાઠ અપર્યાપ્ત લાગ્યો હશે, અસફળ લાગ્યો હશે. કીટ્સે અસલ પાઠમાં જે પંક્તિ છે એના પૂર્વાર્ધમાં કોઈ પાઠાંતર કર્યું નથી. પણ એના ઉત્તરાર્ધમાં ‘constant joy’નું ‘joy for ever’ એવું પાઠાંતર કર્યું છે. અસલ પાઠમાં અને પાઠાંતરમાં બન્નેમાં શબ્દોનો અર્થ, વાચ્યાર્થ, શબ્દકોશના અર્થ પ્રમાણેનો અર્થ, logos, logical meaning તો એકસમાન છે. તો પછી કીટ્સે આ પાઠાંતર શા માટે કર્યું હશે! કાવ્યનું ઉપાદાન શબ્દ અને શબ્દના બે ગુણ અર્થ અને અવાજ. અસલ પાઠમાં અને પાઠાંતરમાં શબ્દોનો અર્થ ભલે એકસમાન છે પણ અવાજ એકસમાન નથી. એથી હમણાં જ જોઈશું તેમ અસલ પાઠમાં અને પાઠાંતરમાં શબ્દોના અર્થ, અવાજના સંદર્ભમાં શબ્દોનો અર્થ, ધ્વન્યાર્થ, અવાજમાં જે અર્થ છે તે અર્થ, melos, musical meaning એકસમાન નથી. અન્ય શબ્દોમાં કહેવું હોય તો અસલ પાઠના શબ્દોમાં અર્થ અને અવાજ એકરૂપ એકરસ નથી, એમનો સંપૂર્ણ સંવાદ નથી, એમનું સંપૂર્ણ સાયુજ્ય નથી. જ્યારે પાઠાંતરના શબ્દોમાં અર્થ અને અવાજ એકરૂપ એકરસ છે, એમનો સંપૂર્ણ સંવાદ છે, એમનું સંપૂર્ણ સાયુજ્ય છે. અસલ પાઠમાં શબ્દોના અવાજ દ્વારા શબ્દોમાં જે અર્થ છે તે અર્થ પ્રગટ થતો નથી – બલકે એથી વિરોધી અર્થ પ્રગટ થાય છે. પાઠાંતરમાં શબ્દોના અવાજ દ્વારા શબ્દોમાં જે અર્થ છે તે અર્થ પ્રગટ થાય છે. અસલ પાઠમાં જે પંક્તિ છે અને પાઠાંતરમાં જે પંક્તિ છે એ બન્ને પંક્તિમાં એકનો એક છંદ છે. iambic pentameter – પાંચ આયમ્બ (x/) ગણનો છંદ. અસલ પાઠમાં જે પંક્તિ છે એનું છંદવિશ્લેષણ (scansion), એનો પદવિન્યાસ આ પ્રમાણે થાય : x /   x  /    x x x /    x / A thing of beau ty is a con stant joy પાઠાંતરમાં જે પંક્તિ છે એનું છંદવિશ્લેષણ આ પ્રમાણે થાય : x  /   x  /    x x x ૰/   x  / x A thing of beau ty is a joy for ever અસલ પાઠની પંક્તિમાં ‘constant’ શબ્દ છે. પાઠાંતરની પંક્તિમાં એને સ્થાને એ જ અર્થમાં ‘for ever’ શબ્દો છે, અસલ પાઠની પંક્તિ ‘joy’ની પહેલાં ‘constant’ શબ્દ છે, પાઠાંતરમાં પછી ‘for ever’ શબ્દો છે. આમ, કીટ્સે પાઠાંતરમાં શબ્દપરિવર્તન અને શબ્દક્રમનું પરિવર્તન કર્યું છે. પરિણામે પૂર્વોક્ત છંદવિશ્લેષણથી સ્પષ્ટ થાય છે તેમ પાઠાંતરની પંક્તિમાં ગણવિકલ્પ (modulation) છે. (અંગ્રેજી ભાષાના પિંગળમાં આ ગણવિકલ્પને અવકાશ છે. અહીં માત્ર એટલું જ નોંધવું પ્રસ્તુત છે. એથી વિશેષ નોંધવું હોય તો ગણવિકલ્પ એ ભાષાના પિંગળનો આત્મા છે, એથી એ પિંગળના સમગ્ર ઇતિહાસનું આલેખન કરવાનું થાય.) અસલ પાઠની પંક્તિને અંતે, છંદને અંતે આયમ્બ ગણ છે. એમાં બે શ્રુતિ (syllable) હોય છે. એમાં પહેલી શ્રુતિ પર ભાર (accent, stress) હોતો નથી અને બીજી શ્રુતિ પર ભાર હોય છે. એથી અસલ પાઠની પંક્તિના પઠનમાં પંક્તિને અંતે, છંદને અંતે શ્રુતિ પર ભાર છે એને કારણે અવાજનો જાણે કે અંત આવે છે, અવાજ જાણે કે સાન્ત છે, અનંત નથી, શાશ્વત નથી એવો અનુભવ થાય છે. આમ, અસલ પાઠની પંક્તિના શબ્દોમાં જે અર્થ છે કે સુંદર વસ્તુ એ અનંત આનંદ છે. શાશ્વત આનંદ છે, એ અર્થ અવાજ દ્વારા પ્રગટ થતો નથી. ઊલટાનું સુંદર વસ્તુ એ સાન્ત આનંદ છે, ક્ષણિક આનંદ છે. એવો વિરોધી અર્થ અવાજ દ્વારા પ્રગટ થાય છે. પાઠાંતરની પંક્તિમાં પંક્તિને અંતે, છંદને અંતે એમ્ફિબ્રાક (amphibrach) ગણ છે. એમાં ત્રણ શ્રુતિ હોય છે. એમાં પહેલી અને ત્રીજી શ્રુતિ પર ભાર હોતો નથી. બીજી શ્રુતિ પર ભાર હોય છે, એથી પાઠાંતરની પંક્તિના પઠનમાં પંક્તિને અંતે, છંદને અંતે શ્રુતિ પર ભાર નથી એને કારણે અવાજ fade out થાય છે. અવાજ જાણે કે, કાળમાં, અનંત કાળમાં શાશ્વત કાળમાં વહ્યે જાય છે, અવાજ જાણે કે અનંત છે, શાશ્વત છે એવો અનુભવ થાય છે. આમ, પાઠાંતરની પંક્તિના શબ્દોમાં જે અર્થ છે કે સુંદર વસ્તુ એ અનંત આનંદ છે, શાશ્વત આનંદ છે એ અવાજ દ્વારા પ્રગટ થાય છે. અસલ પાઠની પંક્તિ રચ્યા પછી કીટ્સને એ પંક્તિમાં અર્થ અને અવાજમાં જે વિસંવાદ છે, વિસંગતિ છે એથી અસંતોષ થયો હશે અને પાઠાંતર કર્યું હશે. પાઠાંતરની પંક્તિમાં અર્થ અને અવાજ એકરૂપ એકરસ છે, એમનો સંપૂર્ણ સંવાદ છે એમનું સંપૂર્ણ સાયુજ્ય છે. આ પાઠાંતર એ કીટ્સની છંદ-પ્રતિભાનું દ્યોતક છે, આ પાઠાંતરમાં કીટ્સની છંદ-પ્રતિભાની પ્રતીતિ થાય છે. ૧૮૧૯માં કીટ્સે બેલડ છંદ (ballad meter)માં એનું એકમાત્ર સાહિત્યિક બેલડ (lirerary ballad) ‘La Belle Dame Sans Mercie’ રચ્યું (અંગ્રેજી ભાષાની કવિતામાં બેલડ એ મધ્યકાલીન લોકવૃત્તની પરંપરાનું કાવ્યસ્વરૂપ છે. બેલડ એ કોઈ એક અનામી કવિની કૃતિ હોય અથવા સમગ્ર સમાજની સામૂહિક કૃતિ હોય. પણ કોઈ કવિવિશેષ બેલડ રચે ત્યારે એને Literary ballad – સાહિત્યિક બેલડ કહેવાય છે.) એમાં જે છંદ છે તે પરંપરાગત બેલડનો છંદ – ballad meter છે. બેલડ છંદનું સ્વરૂપ આ પ્રમાણે છે : એમાં ચાર પંક્તિનો શ્લોક હોય છે. એમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં ચાર આયંબ ગણ (iambic tetrameter) હોય છે; બીજી અને ચોથી પંક્તિમાં ત્રણ આયંબ ગણ (iambic trimeter) હોય છે. આમ, એમાં કુલ ચૌદ આયંબ ગણ હોય છે. એમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ હોતો નથી. બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ હોય છે. ગણ માટે આંકડા અને પ્રાસ માટે અક્ષરની સંજ્ઞામાં એનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૪A, ૩B, ૪C, ૩B ‘લા બેલ દામ સાં મેર્સિ’માં કીટ્સે બેલડ છંદના પરંપરાગત સ્વરૂપમાં પરિવર્તન કર્યું છે, બેલડ છંદની પુન:રચના કરી છે. કીટ્સે આ પરિવર્તન શા માટે કર્યું, આ પુન:રચના શા માટે કરી એ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી, કોઈ ખુલાસો કર્યો નથી. પણ એણે આ પરિવર્તન કર્યું, આ પુન:રચના કરી એનું કોઈ કારણ તો હોવું જ જોઈએ. નહિ તો એણે આ પરિવર્તન કર્યું જ ન હોત! આ પુન:રચના કરી જ ન હોત! ‘લા બેલ દામ સાં મેર્સિ’નો પ્રથમ શ્લોક આ પ્રમાણે છે : ‘O what can ail thee, knight-at-arms,

Alone and palely loitering?

The sedge has withered from the lake,

And no birds sing.’

આ શ્લોકમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં ચાર આયમ્બ ગણ છે. પણ બીજી પંક્તિમાં પણ ચાર ગણ છે અને ચોથી પંક્તિમાં બે ગણ છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ નથી, બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ છે. આમ, આ શ્લોકમાં કીટ્સે પ્રાસરચનામાં કોઈ પરિવર્તન કર્યું નથી. પહેલી અને ત્રીજી પંક્તિમાં પણ કોઈ પરિવર્તન કર્યું નથી. પણ બીજી અને ચોથી પંક્તિમાં પરિવર્તન કર્યું છે. બીજી અને ચોથી પંક્તિનું છંદવિશ્લેષણ આ પ્રમાણે છે : x /   x   /   x  /  x x Alone and pale ly loi tering x   / /     / And no birds sing બીજી પંક્તિમાં ચાર ગણ (tetrameter) છે અને ચોથી પંક્તિમાં બે ગણ છે (dimeter) છે. ગણ માટે આંકડા અને પ્રાસ માટે અક્ષરની સંજ્ઞામાં આ શ્લોકનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૪A, ૪B, ૪C, ૨B એનો અર્થ એ કે કીટ્સે બીજી અને ચોથી પંક્તિમાં પરિવર્તન કર્યું છે. બીજી પંક્તિમાં એક ગણની વૃદ્ધિ છે અને ચોથી પંક્તિમાં એક ગણની અપવૃદ્ધિ છે. શ્લોકમાં કુલ ચાર પંક્તિ અને ચૌદ ગણ છે. આમ, કીટ્સે પંક્તિસંખ્યા અને ગણસંખ્યામાં કોઈ પરિવર્તન કર્યું નથી. સમગ્ર શ્લોકની સંવાદિતામાં કોઈ પરિવર્તન કર્યું નથી. કીટ્સે શ્લોક સમગ્રની સંવાદિતા તો સિદ્ધ કરી જ છે. માત્ર બીજી અને ચોથી પંક્તિની ગણસંખ્યામાં પરિવર્તન કર્યું છે, શ્લોકમાં આંતરિક પરિવર્તન કર્યું છે. એટલે કે ચોથી પંક્તિમાંથી એક ગણનું બીજી પંક્તિમાં સ્થળાંતર કર્યું છે. આ શ્લોકના પઠનમાં ચોથી પંક્તિમાં ત્રણ ગણને સ્થાને બે ગણ છે એથી ત્રીજા ગણની અપેક્ષા રહે છે. પણ ત્રીજા ગણનું અનસ્તિત્વ છે, એની અનુપસ્થિતિ છે, એથી એમાં અવાજના અભાવનો અનુભવ થાય છે. ચોથી પંક્તિના શબ્દોમાં જે અર્થ છે કે કોઈ પંખી ગાતાં નથી એટલે કે અરવતા, નીરવતા, મૌન, શાંતિ છે એ આ અવાજના અભાવ દ્વારા પ્રગટ થાય છે. આમ, ચોથી પંક્તિમાં શબ્દોનો અર્થ અવાજ દ્વારા – અવાજના અભાવ દ્વારા પ્રગટ થાય છે. આમ, શ્લોકના આ પરિવર્તન, છંદની આ પુન:રચનાને કારણે શ્લોકની ચોથી પંક્તિમાં અર્થ અને અવાજ એકરૂપ, એકરસ છે, એમનો સંપૂર્ણ સંવાદ છે, એમનું સંપૂર્ણ સાયુજ્ય છે. આ પરિવર્તન એ કીટ્સની છંદ-પ્રતિભાનું દ્યોતક છે, આ પરિવર્તનમાં કીટ્સની છંદ-પ્રતિભાની પ્રતીતિ થાય છે. આમ, આ પાઠાંતર અને આ પરિવર્તન એ કીટ્સની છંદ-પ્રતિભાનો ચમત્કાર છે! ઑક્ટોબર ૧૯૯૬