સાહિત્યચર્યા/બાયરનનું સાહસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાયરનનું સાહસ

રોમેન્ટિક યુગ એ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં રાણી એલિઝાબેથ પ્રથમના યુગ પછીનો બીજો સુવર્ણ યુગ છે. એમાં પાંચ મુખ્ય કવિઓ હતા : બે મોટેરા રોમેન્ટિક કવિઓ વર્ડ્ઝવર્થ અને કોલરિજ તથા ત્રણ નાનેરા રોમેન્ટિક કવિઓ બાયરન, શેલી અને કીટ્સ. ત્રણ નાનેરા રોમેન્ટિક કવિઓમાં બાયરન સૌથી મોટા. એમનો જન્મ ૧૭૮૮માં લંડનમાં થયો હતો. પિતા ‘મેડ જેક’ મિજાજી અને ઝનૂની ઉમરાવ એટલે કે લોર્ડ અને માતા કેથેરિન ગોર્ડન, અણઘડ અને કજિયાળી સ્કોટિશ અમીર સ્ત્રી. પિતાએ પૈસાને ખાતર માતા સાથે લગ્ન કર્યું હતું. બાયરનને એક પગમાં જન્મજાત ખોડ એથી એમની લંગડાતી ચાલ હતી. બાયરન ત્રણ વર્ષની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. એથી એ માતાને પનારે પડ્યા હતા. માતા સાથે સતત કજિયા થાય ત્યારે માતા એમને ‘બેસ, બેસ લંગડા છોકરડા’ કહીને મહેણું મારે. એમણે ૧૮૦૧માં હેરોમાં અને પછી ૧૮૦૫માં કેમ્બ્રિજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે ૧૮૦૭માં એક અને ૧૮૦૯માં એક એમ ૨૧ વર્ષની વય સુધીમાં બે કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. ૧૮૦૯માં એ લોર્ડ તરીકે હાઉસ ઑફ લોર્ડ્ઝમાં સભ્ય થયા હતા. ૧૮૦૯ થી ૧૮૧૧ એમ બે વર્ષ એ એમના મિત્ર હોબહાઉસ સાથે સમુદ્ર માર્ગે સ્પેન, પોર્ટુગલ, ગ્રીસ અને તર્કીના પ્રવાસે ગયા હતા. એમણે ૧૮૧૨માં આ પ્રવાસના અનુભવમાંથી એક દીર્ઘ કાવ્ય ‘ચાઇલ્ડ હેરલ્ડ્ઝ પિલગ્રિમેજ’ પ્રગટ કર્યું. આ સમયમાં યુરોપમાં નેપોલિયનનાં યુદ્ધોને કારણે અંગ્રેજો એમની પરંપરા પ્રમાણેનો યુરોપનો પ્રવાસ કરી શક્યા ન હતા, ત્યારે આ સાહસિક કવિએ પ્રવાસ કર્યો હતો અને એ અંગે કાવ્ય પણ કર્યું હતું. આ કાવ્યથી અંગ્રેજોની પ્રવાસ માટેની અતૃપ્ત ઝંખના એવી તો સંતોષ પામી કે એ પ્રગટ થયું કે તરત એક જ દિવસમાં એની બધી જ નકલોનું વેચાણ થયું હતું. બીજે દિવસે સવારે બાયરનના ઘરની સામે એક મોટું વાચકવૃન્દ અભિનંદન માટે ઊભું હતું. બાયરને બારી ખોલીને એને જોઈને પરમ તૃપ્તિનો ઉદ્ગાર કર્યો હતો : ‘I woke up one moming and found myself famous.’ આમ, બાયરન ૨૪ વર્ષની વયે લંડનના ભદ્રસમાજમાં રાતોરાત અતિપ્રસિદ્ધ થયા હતા. બોલરૂમમાં એમની ઉપસ્થિતિમાં એમના અહંપ્રેરિત રોષથી ભયગ્રસ્ત એવા જે સજ્જનોએ એમના લંગડાતા પગ પર નજર સુધ્ધાં નાખવાનું સાહસ કર્યું ન હતું એમણે બાયરન બોલરૂમમાંથી વિદાય થાય પછી એમની અનુપસ્થિતિમાં એમની જેમ એક પગે લંગડાતા ચાલવાથી એમની જેમ સ્ત્રીઓનું હૃદય જીતી શકાય એવા ખ્યાલથી એક પગે લંગડાતા ચાલવાનું દુ:સાહસ કર્યું હતું. બાયરન એમની ખોડથી અત્યંત સભાન હતા, એ અંગે અહમ્ને કારણે આળા હતા. એટલું જ નહિ પણ પોતે બેડોળ છે એવો એમને ખ્યાલ હતો એથી એમણે ઘોડેસવારી કરવાના, કુસ્તી કરવાના અને તરવાના વ્યાયામ દ્વારા સુડોળ થવાનો સતત પ્રયત્ન કર્યો હતો. પણ અન્ય સૌને એ સુન્દર અને સોહામણા છે એવી ખાતરી હતી, વળી અત્યંત મોહક અને આકર્ષક એવું એમનું વ્યક્તિત્વ હતું. એથી લેડી ઑક્સફર્ડ, લેડી કેરલિન લેમ્બ આદિ ભિન્ન ભિન્ન પ્રકારની અનેક સ્ત્રીઓએ એમની પ્રત્યે ભિન્ન ભિન્ન કક્ષાનો પ્રેમ અનુભવ્યો હતો. બાયરને એના પ્રતિભાવરૂપે એમની પ્રત્યે કોઈપણ કક્ષાનો પ્રેમ અનુભવ્યો હતો કે નહિ એ એક મોટું પ્રશ્નાર્થચિહ્ન છે. આ સ્ત્રીઓના પ્રેમથી સચેત અને સુરક્ષિત રહેવા માટેના આશ્રયરૂપે એમણે ૧૮૧૫માં એન મિલબેન્ક સાથે લગ્ન કર્યું હતું. આ લગ્નથી એમને એક સંતાન – પુત્રી ઑગસ્ટા એડા – પ્રાપ્ત થયું હતું. એક તો બન્નેના સ્વભાવમાં ઉત્તર-દક્ષિણ ધ્રુવનું અંતર હતું અને બાયરનને એમની પરિણીત ઓરમાન બહેન ઓગસ્ટા લે સાથે પ્રેમસંબંધ હતો એથી એક જ વર્ષ પછી ૧૮૧૬માં એમનો લગ્નવિચ્છેદ થયો હતો. આમ, ૧૮૧૧થી ૧૮૧૬ લગી સતત છ વર્ષ લગી બાયરનના પ્રેમસંબંધો અને લગ્નસંબંધ લંડનના ભદ્ર સમાજમાં ભારે ચકચારનો વિષય રહ્યા હતા. ૧૮૧૬માં આ ચકચાર એની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો એથી અંતે એમણે ઇંગ્લેંડનો સદાયને માટે ત્યાગ કર્યો હતો. ૧૮૧૭માં બાયરને બેલ્જિયમ, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડનો પ્રવાસ કર્યો. જીનીવામાં એમને શેલી સાથે મિલન થયું. આ મિલન ૧૮૨૪માં શેલીનું અવસાન થયું ત્યાં લગી જીવનભરની મૈત્રીમાં પરિણમ્યું હતું. જીનીવામાં એમને શેલીની ઓરમાન બહેન ક્લેર ક્લેરમોન્ટ સાથે પ્રેમસંબંધ થયો હતો. આ પ્રેમસંબંધથી એમને એક સંતાન-પુત્રી એલેગ્રા – પ્રાપ્ત થયું હતું. ૧૮૧૭થી ૧૮૧૯ લગી બે વર્ષ માટે એ વેનિસમાં વસ્યા હતા. વેનિસમાં એમણે ભિન્ન ભિન્ન પ્રકારની અસંખ્ય સ્ત્રીઓ પ્રત્યે ભિન્ન ભિન્ન કક્ષાનો પ્રેમ અનુભવ્યો હતો. ૧૮૧૯થી ૧૮૨૨ લગી ત્રણ વર્ષ માટે એ રાવેના, પિસા અને જીનોઆમાં વસ્યા હતા. આ સમયમાં એમને કાઉન્ટેસ ગીસિઓલી સાથે પ્રગલ્ભ પ્રેમસંબંધ થયો હતો. એથી અંતે એમણે એમની સાથે પિસામાં સ્થાયી નિવાસ કર્યો હતો. ૧૮૨૨માં પુત્રી એલેગ્રાનું અવસાન થયું હતું. ૧૮૨૩માં બાયરન તુર્કી વિરુદ્ધ ગ્રીસના સ્વાતંત્ર્યયુદ્ધમાં સક્રિય થવા ગ્રીસ ગયા હતા. ગ્રીક પ્રજાના સ્વાતંત્ર્ય માટે એમણે તનમન અને ધનથી સહાય કરી હતી. ગ્રીસે એમને ગ્રીક ક્રાન્તિકારી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારે ગ્રીક નેતાઓ વચ્ચે પરસ્પર સંઘર્ષ હતો. એમણે એમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ૧૮૨૪માં મિસોલોન્ધીમાં હ્રુમેટિક ફીવરથી ૩૬ વર્ષની અતિકાચી વયે અચાનક એમનું અવસાન થયું હતું. એમના પાર્થિવ દેહને એક યુદ્ધ નૌકામાં ઇંગ્લંડ લાવવામાં આવ્યો હતો. ગ્રીક પ્રજાના હૃદયમાં બાયરન સદાયને માટે એક સ્વાતંત્ર્યપ્રિય નેતા અને સાહસપ્રિય નાયક તરીકેનું સ્થાન પામ્યા છે. બાયરને એમના ઉત્તરજીવનમાં સ્વૈચ્છિક નિર્વાસનના સમયમાં એમની શ્રેષ્ઠ કવિતા – કટાક્ષ કાવ્યો ‘ડોન જોન’, ‘ધ વિઝન ઑફ જજમેન્ટ’ તથા ઉત્તમ ઊર્મિકાવ્યો અને કથાકાવ્યોનું સર્જન કર્યું હતું. કવિતામાં એ રોમેન્ટિક હતા, પણ જીવનમાં એ અન્-રોમેન્ટિક હતા. એમની મૈત્રી, પ્રેમ, કવિતા સુધ્ધાંની સૌ પ્રવૃત્તિઓ કટાક્ષ, વક્રતા, વિતૃષ્ણા, સંશય, આત્મનિંદા, આત્મનિર્ભર્ત્સના આદિ વૃત્તિઓથી પ્રેરિત હતી. એમનું મૃત્યુ પણ સમગ્ર જીવન પ્રત્યેના એમના નિર્વેદમાંથી નીપજ્યું હતું. બાયરનનું સાહસપ્રિય વ્યક્તિત્વ એમના જીવનના એક અનન્ય પ્રસંગમાં પૂર્ણપણે વ્યક્ત થાય છે. ૧૮૦૯-૧૮૧૧ના એમના યુરોપના પ્રવાસ સમયની સમુદ્રયાત્રામાં એક વાર જહાજ જ્યારે મધદરિયે હતું ત્યારે જ જહાજના કપ્તાને જાહેર કર્યું કે એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે અને જહાજને બચાવવાની કે બચવાની કોઈ આશા નથી. ત્યારે જહાજ પરના સૌ મુસાફરોએ કારમું કલ્પાંત કર્યું – રડારોડ અને ચીસાચીસ મચાવી. કોઈએ ધનદોલત અને માલમિલકત યાદ કર્યાં, કોઈએ બૈરાં-છોકરાં યાદ કર્યાં, કોઈએ પાપ પોકાર્યું, કોઈ બેભાન થયાં. બાયરને શું કર્યું? એ પોતાની કેબિનમાં ગયા અને બ્લેંકેટ ઓઢીને ઊંઘી ગયા. જાન્યુઆરી ૨૦૦૦