દેવદાસ/પ્રકરણ ૫

From Ekatra Wiki
Revision as of 18:02, 14 August 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાર્વતીએ આ તેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દાદી એની એ વાત કર્યા કરે છે. આ ઉંમરે શારીરિક સૌંદર્ય અકસ્માત્ કોણ જાણે ક્યાંથી દોડતું આવી કિશોરીના સર્વાંગને છાઈ દે છે ! આત્મીય સ્વજનો એકાએક એક દિવસ ચમકી ઉઠી જુએ છે તેમની નાની બાળકી મોટી થઇ ગઈ છે. તે વખતે ઠેકાણે પાડવા માટે ભારે ધાંધલ કરી મૂકે છે. ચક્રવર્તીના ઘરમાં આજે કેટલાક દિવસ થયાં એની જ ચર્ચા ચાલે છે. મા ખૂબ ખિન્ન થઇ ગઈ છે; વાતવાતમાં સ્વામીને સંભળાવે છે. “હવે શું કરવું? પારુને હવે ક્યાં સુધી રાખશું?” તેઓ શ્રીમંત માણસ નહોતા; તો પણ એમને એટલા પૂરતી ધીરજ હતી કે છોકરી ખૂબ દેખાવડી છે ! જગતમાં રૂપનું જો માન હોય, તો પાર્વતીને માટે ચિંતા કરવી નહિ પડે. બીજી પણ એક વાત છે- એ પણ અહીં જ કહી નાખું. ચક્રવર્તીના કુટુંબમાં કન્યાના લગ્ન માટે લગીરે ચિન્તા કરવી પડતી નહિ, પુત્રના લગ્ન માટે કરવી પડતી. કન્યાનાં લગ્ન વખતે દાજ મળતી અને પુત્રનાં લગ્નમાં દાજ આપી છોકરી ઘેર આણવી પડતી. નીલકંઠના પિતાએ પણ તેમની કન્યાના લગ્ન પ્રસંગે પૈસા લીધા હતા. પરંતુ નીલકંઠે પોતે એ પ્રથાની ઘૃણા કરતા. તેમને મૂળથી જ પાર્વતીનો કન્યાવિક્રય કરી પૈસા મેળવવાની ઈચ્છા નહોતી. પાર્વતીની બા આ વાત જાણતી; તેથી જ સ્વામી આગળ કન્યાને સારું તગાદો કરતી. આજ પહેલાં પાર્વતીની બાએ મનમાં મનમાં એક દુરાશાને સ્થાન આપ્યું હતું - વિચાર્યું હતું દેવદાસની સાથે કોઈ પણ પ્રકારે કન્યાનાં લગ્ન કરી શકાશે. આ આશા છેક જ અસંભવિત હતી એમ તેને લાગતું નહિ. ધારેલું કે, દેવદાસને વિનંતી કરવાથી કોઈક સરળ માર્ગ નીકળી આવશે. તેથી જ નીલકંઠની માતાએ, વાતવાતમાં દેવદાસની મા પાસે એવી રીતની વાત કરી હતી, “અરે વહુજી, દેવદાસનો અને મારી પારુનો શો સ્નેહ ! એવો તો ક્યાં, કદી જોયો જડતો નથી.” દેવદાસની માતા બોલ્યાં, “તે કેમ ન હોય કાકી? બંને જણા ભાઈબહેનની જેમ જ એકસાથે ઊછરતાં આવ્યાં છે !” “હા, મા, હા. એટલે તો થાય છે, જો બંને જણનાં – આ જોતાં કેમ નથી, વહુજી ! દેવદાસ જ્યારે કલકત્તા ગયો, છોકરી ત્યારે આખી આઠ વરસની હતી- એ ઉંમરે જ ચિંતા કરી કરી જાણે લાકડી થઇ ગઈ. દેવદાસનો એક કાગળ આવતાં તો જાણે એ કાગળ એકદમ એને જપમાળારૂપ બની જતો, આપણે બધું જ જાણીએ છીએ તો !” દેવદાસની માતા મનમાં મનમાં બધું સમજ્યાં, જરાક હસ્યાં. આ હાસ્યમાં મશ્કરી કેટલી હતી તે જાણતો નથી, પરંતુ દુઃખ તો ખૂબ જ હતું. તેઓ પણ બધું જાણતાં, પાર્વતી ઉપર પ્રેમ પણ રાખતાં. પણ એ કન્યાવિક્રય કરનારાની છોકરી ! ઉપરાંત વળી ઘરની જ પાસે “વેવાઈ” આવે ! છી ! છી ! તે બોલી, “કાકી ! એમને બિલકુલ ગમતું નથી કે આ બચપણના – ખાસ ભણવા-ગણવાના સમયે દેવદાસનું લગ્ન થાય. તેથી જ તો હજીય એ મને કહે છે, મોટા છોકરા દ્વિજ્દાસનું નાનપણમાં લગ્ન કરી નાખીને તેનું કેવું સત્યાનાશ વાળી દીધું ! ભણવાગણવાનું બિલકુલ જ બન્યું નહિ. પાર્વતીના દાદી એકદમ ચોભાં પડી ગયાં, તોપણ બોલ્યાં : “એ તો બધું જાણું છું, વહુ. પણ તમને શું ખબર છે, પારુ - છોકરી મોટી થઇ ગઈ છે અને કાઠું પણ જુઓને કેટલું વધી ગયું છે, એટલે જ તો – એટલે જ તો – નારાયણની અસંમતિ-” દેવદાસની માતા વચ્ચે બોલી ઉઠ્યાં, “ના, કાકી, એ વાત મારાથી એમને થાય નહિ. દેવદાસની આ ઉંમરે લગનની વાત કાઢું તો તેઓ શું મારું મોઢુંય જુએ કે?” વાત એટલેથી જ અટકી. પણ બૈરાંના પેટમાં વાત તકે નહિ. દેવદાસની માતાએ તેઓ જમવા બેઠા ત્યારે વાત કાઢી, “પારુનાં દાદી આજ તેના લગનની વાત કરતાં હતાં.” દેવદાસના પિતાએ મોઢું ઊંચું કર્યું, બોલ્યા, “હા, પારુની ઉંમર તો થઇ ગઈ છે; જલદી પરણાવી દેવી જોઈએ.” “એટલે જ તો આજે વાત નીકળી હતી. કહેતા હતાં કે દેવદાસની સાથે જો-” સ્વામીએ ભવાં ચડાવ્યાં, “તેં શું કહ્યું?” “હું વળી બીજું શું કહેવાની હતી? બંનેનો ખૂબ સ્નેહભાવ છે, પરંતુ એટલા માટે શું કન્યાવિક્રય કરનારા ચક્રવર્તીના ઘરની છોકરી લવાતી હશે? એમાં વળી પડોશમાં જ “વેવાઈ” આવે ! –છી છી !” સ્વામીને સંતોષ થયો; કહ્યું, “બરાબર એમ જ ! કુળની શું હાંસી કરાવવી છે? એ બધી વાત કાને ધરતી નહિ.” ગૃહિણીએ ફિક્કું હસીને કહ્યું, “ના રે, હું તો કંઈ સાંભળું એમ નથી; પણ તમેય જોજો, ભૂલી જતા નહિ.” સ્વામીએ ગંભીર ચહેરે ભાતનો કોળિયો લેતાં કહ્યું, “તો તો આવડી મોટી જમીનદારી ક્યારની ઊડી ગઈ હોત !” જમીનદારી એમની ચિરદિન રહે, કોઈને એમાં વાંધો નથી. પણ પાર્વતીના દુઃખની વાત કરું. જ્યારે આ ઠરાવ છેક ઊડી ગયા પછી નીલકંઠને કાને ગયો ત્યારે તેમણે માને બોલાવીને ઠપકો આપતાં કહ્યું, “મા, શા માટે તમે એવી વાત કરવા ગયાં હતાં?” મા ચૂપ રહ્યાં. નીલકંઠ કહેવા લાગ્યો, “છોકરીના વિવાહ માટે આપણે કંઈ લોકોને પગે પડવા જવાની જરૂર નથી, ઊલટા કેટલાય આપણા પગ પકડતા આવશે. છોકરી મારી કંઈ કદરૂપી નથી. જુઓ, તમને કહી મૂકું છું- એક અઠવાડિયામાં જ લગન નક્કી કરી નાખું છું. લગનની વળી ચિંતા શી?” પરંતુ જેને માટે પિતા આટલું બધું બોલતા હતા તેને પોતાને તો જાણે માથા ઉપર વજ્ર તૂટી પડ્યા જેવું થયું ! નાનપણથી તેની એક ધારણા હતી કે દેવદાદા ઉપર તેનો કંઇક અધિકાર છે. અધિકાર કોઈએ તેના હાથમાં મૂક્યો હતો, એમ નહિ. પહેલાં તો તેને પોતાને જ બરાબર કંઈ સમજાયું નહિ- અજ્ઞાતપણે, તેના અશાંત મને દિવસે દિવસે એ અધિકાર એવી ચુપચાપ રીતે અને છતાં એટલી દઢ રીતે સ્થાપી દીધો હતો કે ભલેને આટલા દિવસ તેની એક રેખા પણ ભાર આંખે દેખાઈ ન હોય, પરંતુ આજ એ ભુલાઈ ગયેલી વાત યાદ આવતાં જ તેનું સમસ્ત હૃદય ભરીને એક ભયાનક તોફાન જાગી ઊઠ્યું. પણ દેવદાસને આ વાત લાગુ પડતી નહોતી. નાનપણમાં જયારે તેણે પાર્વતી ઉપર અધિકાર પ્રાપ્ત કર્યો હતો ત્યારે તેનો તેણે પૂરેપૂરીરીતે ભોગવટો પણ કર્યો હતો. પરંતુ કલકત્તા જઈને કામના ઉત્સાહમાં અને બીજા ત્રીજા આંનદ ઉલ્લાસમાં પાર્વતીને તેણે છેક જ છોડી દીધી હતી. પણ તેને ખબર નહોતી કે પાર્વતી એકધારું ગ્રામજીવન જીવતી રાતદિવસ તેનું જ ધ્યાન ધરી રહી છે. માત્ર એટલું જ નહિ, તેને એમ થતું કે બચપણથી જેને સંપૂર્ણપણે પોતાની જ જાણી હતી, યોગ્યઅયોગ્ય બધી જોહુકમી આટલા દિવસ જેની ઉપર ચલાવ્યે રાખી હતી, તેના સંબંધમાંથી યૌવનને પહેલે પગથિયે પગ મૂકતાં જ આમ અકસ્માત્ છટકી જાઉં એ નહિ ચાલે. પણ એ વખતે લગનનો વિચાર જ કોને આવતો? કોણ જાણતું હતું કે એ જ કિશોરબંધન લગ્ન સિવાય કોઈ પ્રકારે ચિરસ્થાયી થઇ શકે નહિ? એટલે જ તો, ‘લગ્ન થઇ શકશે નહિ’ એ સમાચાર પાર્વતીના હૃદયની સમસ્ત આશા-આકાંક્ષાને તેના હૃદયમાંથી ઉખેડી નાખવા માટે મથવા લાગ્યા. પરંતુ સવારને વખતે તો દેવદાસને અભ્યાસ કરવાનો હોય, બપોરે ખૂબ ગરમી હોય, ઘરની બહાર નીકળાય નહિ, માત્ર સાંજને વખતે જ ધારે તો જરાક બહાર નીકળી શકાય, એ વખતે જ કોક દિવસ તે પહેરણ પહેરી, સરસ જોડા પગમાં લગાવી, હાથમાં સોટી લઇ મેદાનમાં ફરવા નીકળતો. જતી વખતે ચક્રવર્તીના ઘર આગળ થઈને જતો- પાર્વતી મેડાની બારીમાંથી આંખ લૂછતી લૂછતી તેને જોતી. કેટલી વાત યાદ આવતી ! યાદ આવતું કે બંને હવે મોટા થયાં છે- લાંબા પ્રવાસને અંતે, પારકાની જેમ હવે એકબીજાથી ખૂબ શરમાય છે. દેવદાસ પેલે દિવસે આમ જ ચાલ્યો ગયો હતો; શરમ આવતી હતી, એટલે સારી પેઠે વાત કરી શકી નહોતી એ સમજાવું પાર્વતીને બાકી રહ્યું નહોતું. દેવદાસ પણ કદાચ એમ જ વિચાર કરતો હશે. વચ્ચે વચ્ચે તેની સાથે વાત કરવાની, તેને સારી પેઠે મળવાની ઈચ્છા થતી પરંતુ તરત જ મનમાં થતું, શું એ સારું દેખાશે? અહીં કલકત્તાનો પેલો કોલાહલ નથી, આંનદ ઉલ્લાસ, થિયેટર, ગાનતાન નથી- એટલે જ તો માત્ર તેની બચપણની વાત યાદ આવે છે. યાદ આવે છે તે દિવસની પારુ આજે કેવી પાર્વતી થઇ ગઈ છે ! પાર્વતીને થતું, પેલો દેવદાસ- આજે કેવા દેવદાસબાબુ થઇ ગયા છે ! દેવદાસ હમણાં ચક્રવર્તીને ઘરે ખાસ જતો નથી. કોક દિવસ સાંજને વખતે આંગણામાં ઊભો ઊભો બૂમ મારતો, “કાકી, શું ચાલે છે?” કાકી બોલતાં, “આવ, ભાઈ, બેસ.” દેવદાસ તરત જ કહેતો, “ના, રહો, કાકી, જરા ફરી આવું?” એ વખતે પાર્વતી કોક દિવસ મેડે હોય તો કોક દિવસ સામે આવી પહોંચે. દેવદાસ કાકીની સાથે વાત કરતો, પાર્વતી ધીરે ધીરે ખસી જતી. રાતે દેવદાસના ખંડમાં દીવો બળતો. ઉનાળાની ઉઘાડી બારીમાંથી પાર્વતી એની ભણી લાંબા વખત સુધી જોઈ રહેતી, પણ કંઈ દેખાતું નહિ. પાર્વતી મૂળથી જ અભિમાનિની હતી. તે પોતે કેટલું દુઃખ વેઠી રહી હતી, એ વાત કોઈ સમજી શકે એમ નહોતું. પણ પાર્વતીને મન તો એ જીવલેણ હતું. વળી, કોઈને જણાવીને પણ ફાયદો શો ? કોઈ સહાનુભૂતિ બતાવે તે એનાથી ખમાતું નહોતું. પછી તિરસ્કાર ને લાંછનાની તો વાત જ શી? તેનાં કરતાં તો મરણ સારું. મનોરમાનું લગ્ન ગયે વરસે થઇ ગયું છે. હજુ એ સાસરે ગઈ નથી. એટલે કોક કોક દિવસ ફરવા આવે છે. પહેલાં તો બંને બહેનપણીઓ મળતી અને કદીક કદીક આ બધી વાતો કરતી, હજુ પણ કરતી, પરંતુ પાર્વતી હવે સાથે આવતી નહિ. એ કાં તો ચૂપ રહેતી, કે વાત ઉલટાવી નાખતી. * પાર્વતીના પિતા કાલે રાતે પાછા આવ્યા હતા. આ કેટલાક દિવસ તેઓ વર શોધવા બહારગામ ગયા હતા. લગ્નનું બધું નક્કી કરીને હવે ઘેર પાછા આવ્યા હતા. આશરે વીશપચીસ કોશ દૂર આવેલા વર્ધમાન જિલ્લાના હાતીપોતા ગામના જમીનદારની પસંદગી થઇ હતી. તેમની સ્થિતિ સારી હતી. ઉંમર ચાળીસથી ઓછી હતી. ગયે વરસે જ પત્ની મારી ગઈ હતી. એટલે બીજીવાર પરણવાના હતા. આ સમાચારે ઘરનાં બધાંને આંનદ થયો હતો એમ નહિ, ઉલટું દુઃખનું કારણ થયું હતું. તોપણ એક હકીકત એ હતી, કે ભુવન ચૌધરી પાસેથી બધું મળીને લગભગ બેત્રણ હજાર રૂપિયા ઘરમાં આવે એમ હતા. એટલે સ્ત્રીવર્ગ બધો ચૂપ રહેતો હતો. એક દિવસે બપોરે દેવદાસ જમવા બેઠો હતો. માએ પાસે બેસી કહ્યું, “પારુનાં તો લગ્ન લેવાયાં.” દેવદાસે મોઢું ઊંચુ કરી પૂછ્યું, “ક્યારે?” “આ મહિનામાં જ. કાલે છોકરી જોઈ ગયા છે. વર જાતે જ આવ્યો હતો.” દેવદાસ જરા આશ્ચર્ય પામ્યો, “ક્યાં ? હું તો કશું જાણતો નથી, બા !” “તને વળી ક્યાંથી ખબર હોય? વર બીજવર છે- ઉંમર થઇ છે, તોપણ પૈસોટકો ખાસો છે, પારુ સુખસંપત્તિમાં રહેશે.” દેવદાસ મુખ નીચું કરીને ખાવા લાગ્યો. તેની મા ફરીથી કહેવા લાગ્યાં, “એ લોકોની તો મરજી હતી કે આપણા ઘરમાં જ છોકરી આપવી.” દેવદાસે મુખ ઊંચુ કર્યું, “પછી ?” મા હસ્યાં, “છી, એ તે બને ? એક તો કન્યાવિક્રય કરનારનું હલકું ઘર, એમાં વળી ઘરની પાડોશમાં , છી છી-” બોલીને માએ ઓઠ સંકોચ્યા. દેવદાસે તે જોયું. થોડીવાર મૂંગા રહી મા ફરીથી બોલ્યાં, “તારા બાપુને મેં પૂછ્યું હતું.” દેવદાસે મોં ઊંચું કરી પૂછ્યું, “બાપુ શું બોલ્યા ?” “બીજું શું કહે ? આવડા મોટા કુળની હાંસી થવા દેવાય નહિ. એમ મને સંભળાવી દીધું.” *

દેવદાસ કાંઇ બોલ્યો નહિ. એ દિવસે બપોરે મનોરમા અને પાર્વતી વચ્ચે વાતો ચાલી. પાર્વતીના આંખમાં પાણી હતાં – મનોરમાએ જ લૂછી નાખ્યાં. મનોરમા બોલી, “તો કંઈ ઉપાય બહેન?” પાર્વતીએ આંખો લૂછી કહ્યું, “ઉપાય બીજો શો ? તારો વર તું પસંદ કરી પરણી હતી ?” “મારી વાત જુદી છે. મેં પસંદેય નહોતો કર્યો, નાપસંદ પણ નથી પડ્યો. એટલે મારે દુઃખ ભોગવવાનું નહોતું, પણ તેં તો જાતે પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે, બહેન !” પાર્વતીએ જવાબ આપ્યો નહિ- વિચારમાં પડી. મનોરમાએ કંઇક વિચાર કરી સહેજ હસીને પૂછ્યું, “પારુ, વરની ઉંમર કેટલી છે?” “કોના વરની  ?” “તારા.” પાર્વતી થોડોક હિસાબ ગણી બોલી, “ઓગણીસેક હશે.” મનોરમાને અતિશય આશ્ચર્ય થયું, કહ્યું :”એ શું ? હમણાં મેં સાંભળ્યું કે આશરે ચાળીસેક છે.” આ વખતે પાર્વતી પણ જરાક હસીને બોલી, “મનોદીદી, દુનિયામાં કેટલા માણસોની ઉંમર ચાળીસ છે, એનો શું હું હિસાબ રાખું છું ? મારા વરની ઉંમર ઓગણીસવીસ છે એટલું જાણું છું.” તેના મોઢા તરફ જોઇને મનોરમાએ પૂછ્યું, “એનું નામ, અલી ?” પાર્વતી પાછી હસી પડી, “આટલા દિવસ થયાં એટલુંય જાણતી નથી ?” “શી રીતે જાણું ?” “જાણતી નથી ? ઠીક, કહું છું.” જરાક હસીને જરાક ગંભીર થઇ જઈને, પાર્વતી તેના કાનની પાસે મોઢું લઇ જઈ બોલી, “જાણતી નથી ? શ્રી દેવદાસ-” મનોરમા તો પહેલાં ચમકી ઉઠી. પછી ધક્કો મારી બોલી, “હવે મશ્કરી જવા દે. નામ શું છે એ હમણાં જ કહે, પછી નામ ઓછું જ લેવાવાનું છે?” “આ કહ્યું તો ખરું !” મનોરમા ગુસ્સો કરી બોલી, “જો દેવદાસ જ નામ હોય –તો રોકકળ કરી મરે છે શાની ?” પાર્વતીનું મોં એકદમ ઉતરી ગયું. કંઇક વિચાર કરી બોલી, “તે ખરું. હવે નહિ રડું.” “પારુ ?” “કેમ ?” “બધી વાત ખુલ્લેખુલ્લી કહેને, બહેન ! હું તો કશું સમજી શકી નહિ.” પાર્વતીએ કહ્યું, “જે કહેવાનું હતું તે તો બધું કહી નાખ્યું.” “પણ કશું સમજાયું તો નહિ !” “સમજાશે પણ નહિ.” બોલીને પાર્વતીએ બીજી દિશમાં મોઢું ફેરવી દીધું. મનોરમાને થયું, પાર્વતી વાત છુપાવે છે- તેને દિલની વાત કહેવાની મરજી નથી. ખૂબ રીસ ચડી, દુઃખી થઇ કહ્યું, “પારુ, જે વાતમાં તને દુઃખ થાય, તેમાં મને પણ એમ જ થાય, બહેન, તું સુખી થા એ જ મારી આંતરિક પ્રાથના છે. જો કશી છુપાવા જેવી વાત હોય, મને કહેવા ઈચ્છતી હોય, તો ન કહેતી- પરંતુ આમ મને ઉડાવ નહિ.” પાર્વતીને પણ દુઃખ થયું. બોલી, “ઉડાવતી નથી, દીદી. જાતે જેટલું જાણું છું, તેટલું તને કહ્યું છે. હું જાણું છું કે મારા સ્વામીનું નામ દેવદાસ છે. ઉંમર ઓગણીસ-વીસ છે. એ વાત તો તને કહી !” “પણ મેં તો હમણાં સાંભળ્યું કે તારો વિવાહ ક્યાંક બીજે નક્કી થઇ ગયો છે?” “થઇ ગયો છે ! દાદીનાં તો લગન થવાનાં નથી, થવાનાં હશે તો મારાં જ થશે; મને તો કશી જ ખબર નથી !” મનોરમાએ જે સાંભળ્યું હતું તે હવે કહેવા લાગી. પાર્વતી તેને અટકાવી બોલી, “એ બધું સાંભળ્યું છે-” “તો પછી ? દેવદાસ તને-” “શું મને ?” મનોરમા હસવું દબાવી બોલી, “સ્વયંવર કરવાની હોઈશ ? છાનોમાનો પાકો બંદોબસ્ત થઇ ગયો હશે !” “કાચો કે પાકો –હજુ કશો થયો નથી.” મનોરમાએ વ્યથાપૂર્ણ સ્વરે કહ્યું, “તું શું બોલે છે પારુ ?કશું જ સમજાતું નથી ?” પાર્વતીએ કહ્યું, “તો પછી દેવદાસને પૂછી કરીને તને જણાવીશ.” “શું પૂછી જોઇશ ? એ પરણશે કે નહિ, એમ?” પાર્વતી માથું ધુણાવી બોલી, “હા, એમ જ.” મનોરમા ભારે નવાઈ પામી બોલી, “કહે છે શું, પારુ ? તું પોતે એ વાત પૂછીશ ?” “એમાં ખોટું શું છે, દીદી ?” મનોરમા એકદમ અવાક્ થઇ ગઈ, “શું કહે છે ? તું જાતે પૂછશે?” “જાતે જ, નહિ તો મારા વતી બીજું કોણ પૂછે, દીદી ?” “શરમ આવશે નહિ ?” “શરમ શી ?તારી આગળ કહેતાં શું શરમાઈ?” “હું બાઈ માણસ- તારી બહેનપણી –પણ એ તો પુરુષ રહ્યા, પારુ !” આ વેળા પાર્વતી હસી પડી. બોલી. “તું સખી- તું પોતાનું માણસ ત્યારે તે શું પારકા ? જે વાત તને કહી શકું એ વાત શું તેમને કહેવાય નહિ?” મનોરમા અવાક્ થઈને તેના મોઢા તરફ જોઈ રહી. પાર્વતી હસતે મોઢે બોલી, “મનોદીદી, તું અમસ્તી માથામાં સિંદૂર પૂરે છે. કોને સ્વામી કહેવાય તેય જાણતી નથી ! તેઓ મારા સ્વામી ન હોત, મારી બધી લજ્જાશરમથી પર ન હોત તો હું આમ મરવા બેસત નહિ. તે સિવાય, દીદી માણસ જ્યારે મરવા બેસે ત્યારે તે વિચારી જુએ છે કે ઝેર કડવું છે કે ગળ્યું ? એમની આગળ મારે કશી લજ્જાશરમ નથી.” મનોરમા તેના મુખ તરફ જોઈ રહી. થોડીવાર પછી બોલી : “તેમને શું કહીશ ? એમ કહીશ, કે ચરણે સ્થાન આપો ?” પાર્વતીએ માથું હલાવી કહ્યું, “બરાબર એમ જ કહીશ, દીદી !” “અને પછી જો એ સ્થાન ન આપે તો ?” આ વેળા પાર્વતી બહુવાર લગી ચૂપ રહી. પછી બોલી, “ત્યારની વાત જાણતી નથી, દીદી !”

*

ઘેર પાછાં ફરતાં મનોરમાએ વિચાર્યું, “ધન્ય સાહસ ! ધન્ય હૃદયની હિંમત ! હું મરી જાઉં તોપણ મારાથી આવી વાત મોઢે લવાય નહિ !” વાત સાચી ! એટલે તો પાર્વતીએ કહ્યું હતું, કે ‘એ લોકો નિરર્થક માથામાં સિંદૂર પૂરે છે. હાથમાં ચૂડી પહેરે છે !’