ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભડલીવાક્ય’

From Ekatra Wiki
Revision as of 10:30, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ભડલીવાક્ય’ : પ્રકૃતિમાં થતા ચોક્કસ ફેરફારો પરથી વાતાવરણ અને વિશેષ વરસાદની સ્થિતિ સંબંધે થતાં અનુભવસિદ્ધ અનુમાનો કે વરતારાને ‘ભડલીવાક્ય’ (અંશત:મુ.) તરીકે ઓળખવામાં આવે છે. ટાઢ, તડકો, વીજળી, મેઘધનુષ્ય, તારા, નક્ષત્ર, ગ્રહ વગેરેને આધારે વરસાદ અને વર્ષની સમગ્ર સ્થિતિ વિશે અપાયેલાં આ ભડલીવાક્યો ખેડૂતને ઘણા ઉપયોગી થતાં હોવાથી એમને ખેડૂતોનું ‘પુરાણ’ પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલાં આ ભડલીવાક્યોમાંથી કેટલાંક પાછળથી કહેવતરૂપ બની ગયાં છે. જેમ કે, ‘જો વરસે આર્દરા, તો બારે પાધરા’, ‘જો વરસે મઘા, તો ધાનના ઢગા’, ‘જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો’ વગેરે. ગુજરાતીમાં આવાં ૯૩ જેટલાં ભડલીવાક્યો વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રતમાંથી ઉપલબ્ધ થાય છે. ભડલીવાક્યના કર્તા સ્ત્રી કે પુરુષ ? એમનું વતન કયું ? એ અંગે કોઈ નિશ્ચિત હકીકત પ્રાપ્ત થતી નથી. વિવિધ પ્રાંતોમાં પ્રચલિત જનશ્રુતિઓમાં કોઈ એમને સ્ત્રી અને કોઈ પુરુષ માને છે. ગુજરાતમાં પ્રચલિત જનશ્રુતિઓ પ્રમાણે મારવાડના પ્રસિદ્ધ જ્યોતિષી ઉદડ/હુદડનાં તેઓ પુત્રી હતાં. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૧; સં. ગુજરાત લોકસાહિત્યસમિતિ, ઈ.૧૯૫૭ (+સં.); ૨. ગુસાસ્વરૂપો (+સં.); ૩. લોકસાગરની લહર, જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૪૦ (+સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૫૧. [શ્ર.ત્રિ.]