ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીધર-૧

From Ekatra Wiki
Revision as of 05:20, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રીધર-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : ઈડરના રાવ રણમલના આશ્રિત બ્રાહ્મણ કવિ. અવટંક વ્યાસ. તેઓ ઈડરના રાવ પુરોહિત હોવાનું પણ અનુમાન થયું છે. તેમનાં કાવ્યોમાં મૂકેલા સંસ્કૃત શ્લોકો પરથી તેઓ સંસ્કૃતના જ્ઞાતા હોવાની સંભાવના છે. ‘રણમલછંદ’ના આરંભમાં મૂકેલી સંસ્કૃત આર્યામાં મળતાં તૈમૂરલંગની ચડાઈ (ઈ.૧૩૯૮)ના નિર્દેશ પરથી કવિએ એ સમય દરમ્યાન કાવ્ય રચ્યું હોવાનું લાગે છે. તો તેઓ ઈ.૧૪મી સદીના અંતભાગમાં હયાત હતા એમ કહી શકાય. ઈડરના રાવ રણમલ અને પાટણના સૂબા મીર મલિક મુફર્રહ વચ્ચ થેયલા યુદ્ધ (ઈ.૧૩૯૦ આસપાસ) અને તેમાં રણમલના થયેલા વિજ્યની કથા આલેખતી ૭૦ કડીની ‘રણમલ-છંદ’(મુ.) કવિની વીરરસવાળી અને ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વ ધરાવતી કૃતિ છે. એમાં પ્રયોજાયેલી વીરરસને પોષક અપભ્રંશની ‘અવહઠ્ઠ’ પ્રકારની ભાષા તેની વિશિષ્ટતા છે. માર્કંડેયપુરાણના દેવીચરિત્ર અથવા ચંડીઆખ્યાનને આધારે રચાયેલો ૧૨૦ કડીનો ‘ઈશ્વરી-છંદ/દેવીકવિત/ભગવતી ભાગવત/સપ્તસતી/સહસ્ત્ર-છંદ’ તથા ૧૨૭ કડીએ અધૂરો રહેલો ‘ભાગવતદશમસ્કંધ/કવિત ભાગવત’ કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : પંગુકાવ્ય. સંદર્ભ : ૧. રણમલ્લછંદ અને તેનો સમય, સૈયદ અબુઝફર નદવી, ઈ.૧૯૪૧; ૨. આકવિઓ; ૩. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૪. કવિચરિત : ૧-૨; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસારૂપરેખા : ૧; ૮. ગુસારસ્વતો; ૯. ગુલિટરેચર; ૧૦. નભોવિહાર, રા. વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘પ્રા. ગુ. કાવ્ય સાહિત્યનું વિહંગાવલોકન’; ૧૧. મસાપ્રવાહ;  ૧૨. આલિસ્ટઑઇ : ૨; ૧૩. ગૂહાયાદી ૧૪. જૈગૂકવિઓ : ૩(૨); ૧૫. ડિકૅટલૉગભાવિ; ૧૬. ફૉહનામાવલિ; ૧૭. મુપુગૂહસૂચી; ૧૮. લીંહસૂચી. [ચ.શે.]