શાહજહાં/પાંચમો પ્રવેશ

From Ekatra Wiki
Revision as of 06:10, 17 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંચમો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ. [ઔરંગજેબ એકલો] ઔરંગજેબ : ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાંચમો પ્રવેશ

અંક પહેલો


સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ. [ઔરંગજેબ એકલો] ઔરંગજેબ : ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેતી ને મોજાં મચાવતી. એટલો પહોળો પટ કે સામો કિનારો જ નથી દેખાતો. છતાં પાર તો ઊતરવું જ પડશે. આ જ હોડીમાં. [મુરાદ આવે છે.] ઔરંગજેબ : કેમ મુરાદ, શા નવીન? મુરાદ : દારાની સાથે એક લાખ ઘોડેસવાર છે ને એકસો તોપો. ઓરંગજેબ : સાચા સમાચાર? મુરાદ : બરાબર સાચા. એકેએક જાસૂસની એ જ ગણતરી. ઔરંગજેબ : [ટેલતો ટેલતો] હં — ના — એમ! મુરાદ : દારાએ આ પહાડની પેલી બાજુ પડાવ નાખ્યો છે. ઔરંગજેબ : આ પહાડ? મુરાદ : હા, ભાઈ. ઔરંગજેબ : એમ! એક લાખ અસવારો અને — મુરાદ : આપણે પણ કાલ સવારે જ ઔરંગજેબ : ચૂપ, બોલ ના, મને વિચાર કરવા દે. આટલી ફોજ દારાને મળી ક્યાંથી? અને એકલો! સારું, તું હમણાં જા — મુરાદ, મને વિચાર કરવા દે. [મુરાદ જાય છે.] ઔરંગજેબ : ત્યારે હવે તો પાછા ફર્યેયે સત્યનાશ, અને હુમલો કરવામાંયે પાયમાલી. એકસો તોપો! જો — ના — પણ એમ બને જ શી રીતે? — હં — [ઊંડો નિસાસો નાખીને] ઔરંગજેબ! અત્યારે કાં તો તારો સિતારો ચડે છે, કાં પડે છે. પડે? કદી નહિ. ચડવાનો. પણ ઇલાજ શો? કાંઈ ગમ પડતી નથી. [મુરાદ આવે છે.] ઔરંગજેબ : પાછો કેમ આવ્યો? મુરાદ : ભાઈ, દુશ્મનોની છાવણીમાંથી શાયસ્તખાં તમને મળવા આવેલ છે. ઔરંગજેબ : આવ્યો? ઠીક થયું. દબદબા સાથે તેડી લાવો. ના, હું પોતે જ જઈશ. [ઔરંગજેબ જાય છે.] મુરાદ : આ શું? શાયસ્તખાં અમારી છાવણીમાં શા માટે આવે! — ભાઈ ભીતરથી શી પેરવી કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. શાયસ્તખાં શું ભાઈના હાથમાં ભોળવાઈ વિશ્વાસઘાતી બનશે? જોઈએ. [મુરાદ ટેલે છે. ઔરંગજેબ આવે છે.] ઔરંગજેબ : ભાઈ મુરાદ, આ જ ઘડીએ ફોજ લઈને આગ્રા જવા રવાના થવું પડશે. તૈયાર થઈ જા. મુરાદ : એ શું! આજ રાતે જ? ઔરંગજેબ : હા, આજ રાતે, છાવણી ભલે જેમ છે તેમ પડી. આપણે દારાની ફોજ પર હલ્લો નથી કરવો. આ પહાડની બીજી બાજુ થઈને આગ્રા જવાનો એક રસ્તો છે. ત્યાં થઈને ચાલ્યા જશું, એટલે દારાને કાંઈ શક નહિ આવે. આપણે એના પહેલાં આગ્રા પહોંચવું પડશે. તૈયાર થઈ જા. મુરાદ : આજ રાતે જ? ઔરંગજેબ : દલીલનો વખત જ નથી. જો તખ્ત જોઈતું હોય તો પૂછાપૂછ ન કર, નહિતર સત્યાનાશ જશે. નક્કી સમજજે! [બન્ને જાય છે.]