યાત્રા/રાધવનું હૃદય
મને આપો આપ હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.
અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના
પ્રહર્તાને હા પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ,
વળી જેને કાજે વનવન મહીં મંગળ રચ્યાં,
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા;
હરાતાં જે, આંખે ભરી ભરી કશાં આંસુ બહવ્યાં,
અને નાથ્યો અબ્ધિ, દશશિર શું સંગ્રામ રચિયા,
અને જેને પાછી નિજ હૃદય સેડે ગ્રહી સુખે
વિમાને આરોહી, પુનિત અભિષેકે નિજ કરી
સુભાગી સામ્રાજ્ઞી, વિપુલ વિભાની સહચરી.
અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહદ કશા
પુછ્યા પ્રીછવા મીઠા અમૃત વચને, ને અવનવા
જગાવ્યા ઉત્સાહી સહચરણ ઉલ્લાસ રસના.
ક્ષણુમાં તેને રે નિજ અનુજની સંગ વનમાં
વિદા કીધી, રે રે સુખ નિરખવા એ નવ ચહ્યું,
હતી જે પોતાનું અવર ઉર, જે અમૃત સમી
હતી અંગે અંગે, નયનદ્રયની કૌમુદી હતી –
અરે તેને જેવા ચિરવિરહ-આરંભ સમયે
– જરા જોઈ લેવા મન નવ કર્યું, માત્ર ઉરને
કર્યું એવું, જેવો કઠિન પણ ગાવા નવ બને.
અને જે જેતાએ દશશિરની સામે કપિદલો
લિધાં સંગે, તેણે અવ ન નિજ સંગે જન ગ્રહ્યું,
અને એકાકીએ પ્રિયવિરહને અગ્નિ જિરવ્યો,
પચાવ્યો ને ભાર્યો હૃદયપુટ જે માંહિ, અહ તે
કશું કૂણું ને હા, કશું કઠિન તે વજ્જર સમું!
મને કોઈ આપે હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં.
ઓગસ્ટ, ૧૯૪૦