યાત્રા/વહેલી સવાર
વહેલી સવાર ક્યહીં એક અજાણ સ્થાને
જાગી પડું, ઉઘડતાં દૃગની સમક્ષ
તે શુક્રની તરલ રૂપકલા સ્ફુરી રહે,
તારી સ્મિતે સભર નેત્રની માધુરી શી!
ને તારું મુખ સ્ફુરે મુજ નેત્ર સામે,
આકાશ આખું ભરી દેતું, વિરાટ ફુલ્લ,
જાણે ઝુલે કમલ કોટિક પાંદડીનું,
મ્હારા ઉરે સ્મરણને ભરતું પરાગ.
શ્યામાંગ એ ગગનકામિનીને લલાટે
સોહંત, ડેલરની શુભ્ર કલા ધરતી ૧૦
એ શુક બિંદડી સુરમ્ય, તથૈવ તારે
વ્હાલી, સુગૌર વદને, પૃથુ એ લલાટે
સોહે સુરક્ત ટપકી ઉરહેજ-ભીની.
ને બેઉની મધુર વર્ણ–વિરોધ–શોભા
જોઉં, સ્મરું, તુલવું, ને મનમાં મુંઝાઉં
કે કોણ રમ્યતર–આ નભ કે તું નારી? ૨૦
ને ત્યાં વળી વળી સુખી સ્મરણોની લ્હેરો–
તારાં સુચારુ લટકાં મટકાની માળા
આવ્યે ગઈ, જલતરંગ સમી અથંભ,
હૈયાતટે રચતી ફેનિલ રંગલાસ્ય.
ને કણ રમ્યતર-ઉત્તર ત્યાં નિમેષે
લાધ્યો : સુરૂપ તવ રમ્ય સ્મરાવનારી
શ્યામાંગ એ ગગનકામિનીને નિહાળું
એકી ટશે દૃગ ભરી, ત્યહીં હા લહું કે
તું તું જ સુંદરતરા, સખિ! એ જ સિદ્ધ!
આ બાપડી ગગનસુંદરી છે લલાટે
ધારી રૂડો ઘુતિલ શુકે, ફરે ફુલાતી,
ક્યાં કિંતુ તેની ચિબુકે જડવો અનન્ય
તે શ્યામળા તિલ છટા ગરવી ધરંત?
એ પદ્મ શા મૃદુલ ગૌર લલાટ તારે ૩૦
નિત્યે રચાતી ટિપકી, ચિબુકે વસંતો
આજન્મ શ્યામ તલે-બે વચમાં વસી હા!
મારી સમસ્ત જગરૂપ તણી સમૃદ્ધિ!
તે તીરછી ભમર, તે સુવિશાલ નેત્રો,
તે નાસિકા, સ્મિત અને વળી અટ્ટહાસ્યે
આખું ભરી વદન રાજત રમ્ય ઓષ્ઠો,
ને તે કપોલ–
બસ હાં! તવ જીત જાણી
જો ફિક્કી કેવી નભસુન્દરી આ બને, ને
રોષેથી રક્ત, કર ઉગ્ર પસારી ચાહે ૪૦
એ શુકને નિજ લલાટથી લેઈ લેવા.
ને અંતરે વળી સ્ફુરે તવ આભિજાત્ય :
તારે ઉરે નવ વસી કદી આવી ઈર્ષા.
ઊંડા ઉદાર ઉરથી સહુને સહંતી
તારા મહોત્તમ ગુણોની ગ્રહ શું દીક્ષા,
જાણે પ્રસન્ન બનતી લહું વ્યોમનારી!
એવા પ્રસન્ન નભને પટ પાછું ન્યાળું
તારું હમેશ ખિલતું મુખ, રંક ભાગ્યે
મારે સ્ફુરંત વિધિની કરુણાળુ લક્ષ્મી :
આ ભૂપટે ક્યહીં વસું, ભટકું ક્યહીંય, પ૦
તો યે સદા રચતી સાથ પદે પદે જે
સર્વે દિશાથી વરસે નિજ મંજુ હાસ્યો.
એ સખ્યના સતત સૌરભપૂર્ણ ગાઢ
આશ્વાસને શકું ભમી અટવી સમસ્ત,
હો ત્યાં સવાર, સખિ, સાંજ, ખરા બપોર!
માર્ચ, ૧૯૩૯