યાત્રા/વિશ્વ આખું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિશ્વ આખું

વિશ્વ આખું ગુલગુલાબી થૈ ગયું,
ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ,
મેં લહ્યું ત્યારે પ્રથમ,
કે ઓષ્ઠના ટુકડા વિષે બે શું વસ્યું સામર્થ્ય છે!

ને વૃક્ષની ખરતી ઉઠાવી પત્તી મેં
ફૂંકી હવામાં ઓઠથી,
એ ત્યાં ઉડી, કેવી ઉડી!
આખા જગતને વીંટતી,
જાણે વસંતિલ પામરી!

ને એક ઢેફું ધૂળનું મેં ઊંચક્યું,
મસળ્યું અને,
એની અહા તે રજ ઊડી ચોમેર ર્‌હૈ,
કો સુનેરી કમળના
મઘમઘ પરાગ સમી અહા!

આશ્ચર્યથી દિગ્મૂઢ મારા હૃદયને
શંકા થઈ કે, ચિત્ત તો ચસક્યું નથી?
ને જે ચરણથી ચાટ ખાધેલી ઘણી,
તે ચરણની રજ લાવ જોઈ લઉં જરા,
કે એય તો બદલાઈ કે તેવી જ છે?

એ ચરણની રજ શોધવા હું ઝૂકિયો ને જોયું મેં :
કો રાત આખી નીતરેલાં આંસુડાં
એ ચરણથી રજ સાવ ધોઈ હતાં ગયાં!

દિગ્મૂઢ મારાં નયન મેં ઊંચાં કર્યાં,
પરદા ત્યહીં અણચિંતવ્યા એ નયન પર ત્યાં ઊતર્યા!

દાબી રહી તું આંખ મારી,
જોરથી, કલશોરથી
કંકણ તહીં રણકી રહ્યાં,
દાબેલ હસવું ઝરણ શું
મુજ કાન કેરી સોડમાં ગુંજી રહ્યું!

ને નૂપુરે ઝંકાર ત્યાં જાગ્રત થયા,
દાબેલ આંખો માહરી એ દોરતા,
ઝંકારતા, એ ચરણ મારા ચરણને પ્રેરી રહ્યા.

પ્રેરી રહ્યા એ કઈ દિશે?
શાં શાં મિષે?
રે, આ ગુલાબી સૃષ્ટિનાં દર્શન પછી,
કાળી નિશા કેરી ફરી વળશે પીંછી?

હળવેકથી મુજ આંખ પરનો ભાર ત્યાં હળવો થયો.

જેવો ગુલાબી રંગ ખીલ્યો વિશ્વના અંગાંગમાં
તારા પ્રથમના ચુંબને,
તેવો ગુલાબી રંગ ખીલ્યો પાંપણો મુજ પૂંઠળે;
ભીતરે અંગાંગમાં,
તારા પ્રથમ આલિંગને.
જુલાઈ, ૧૯૪૫