રચનાવલી/૧૪૧
કાવ્યને સમજાવતું શાસ્ત્ર સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્ર કહેવાય છે; અને એના સમજાવનારને આચાર્ય અથવા આલંકારિક કહે છે. કાવ્ય શું છે, કાવ્ય શેમાંથી જન્મ્યું, કાવ્ય શા માટે બન્યું, કાવ્યના પ્રકાર કયા છે, કાવ્યમાં અલંકાર કયા પ્રકારનું કામ સંભાળે છે – એવા એવા પ્રશ્નોને સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ હાથ ધરીને દરેકે પોતપોતાની રીતે કાવ્યને-સાહિત્યને-સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભામહથી આવા કાવ્યશાસ્ત્રની શરૂઆત થઈ અને સત્તરમી સદીમાં આપણને જગન્નાથ નામના છેલ્લા આચાર્ય મળ્યા. જગન્નાથ અકબરના દરબારમાં મોજુદ હતા એવું કહેવાય છે. મુસલમાન રાજાથી થયેલી રજપૂત રાજકન્યા લવંગિકાને જગન્નાથ પરણ્યા હતા. ગંગાના પરમ ભક્ત. તેથી સમાજમાં મુસલમાન સાથેના લગ્નથી ઊહાપોહ થયા છતાં ગંગાએ બંનેને આશીર્વાદ આપ્યા હતા એવી એવી લોકવાયકાઓ જગન્નાથ વિશે વહેતી થઈ છે. પણ જગન્નાથે છેલ્લું કાવ્યશાસ્ત્ર ‘રસગંગાધર' રચ્યું એ આપણે ત્યાં મહત્ત્વનું છે. એમાં અન્ય આચાર્યોની જેમ જગન્નાથે કવિતા સમજાવવા બીજા કવિઓની કવિતાનાં ઉદાહરણ ન લીધાં પણ પોતાના રચેલાં શ્લોકો કે મુક્તકોનો ઉપયોગ કર્યો. વળી ચોરટિયા કવિઓ એમનાં લખેલાં મુક્તકોને પોતાને નામે ન ચઢાવી દે એવી શંકાથી એમણે પોતાનાં ‘પઘરત્નોને’ સાચવવા ‘ભામિની વિલાસ' નામની સંપુટ બનાવી, એટલે કે એ નામનું પુસ્તક કર્યું. આજે પણ જગન્નાથના રચેલા સંસ્કૃત ગ્રંથ ‘ભામિની વિલાસ'માં એમનાં પાણીદાર મુક્તકો સચવાયાં છે. એવું કહેવાય છે કે પોતાની પત્ની ભામિનીના નામ પરથી આ ગ્રંથનું નામ પાડ્યું છે. ભામિની માટે કરેલો કાવ્યવિલાસ એવો એનો અર્થ થાય. ‘ભામિની વિલાસ’ના જગન્નાથે ચાર વિભાગ કર્યા છે અને દરેક વિભાગને ‘વિલાસ’થી ઓળખાવ્યો છે. પ્રાસ્તાવિક વિલાસ, શૃંગારવિલાસ, કણવિલાસ અને શાંતવિલાસમાં વર્ગીકરણ પામેલા શ્લોકો જળવાયા છે. નામ પ્રમાણે પ્રાસ્તાવિક વિલાસમાં સામાન્ય વિષયો લીધા છે. એમાં ભ્રમર, ચન્દ્ર, સૂર્ય, સમુદ્ર, કોયલ, દેડકા, હાથી, સિંહ એમ જુદાં જુદાં પ્રાણીઓ પર શ્લોકો છે. પણ પ્રાણીઓ માટે કહેલી વસ્તુ લાગુ પડે માણસોને. કોઈની વાત કરવામાં આવે અને અન્ય કોઈની વાત સૂચવાય એવી શ્લોકરચનાને ‘અન્યોક્તિ’ કહે છે. જગન્નાથે પ્રાસ્તાવિક વિલાસમાં આવી ઘણી અન્યોક્તિઓ કરી છે. શૃંગારવિલાસમાં સ્ત્રીની સુન્દરતા અને એની ચેષ્ટાઓનાં વર્ણનો છે. કરુણવિલાસમાં કદાચ મૃત્યુ પામેલી ભામિનીને યાદ કરીને પોતાનો શોક પ્રગટ કરતા શ્લોકો છે; તો શાંતવિલાસમાં જગન્નાથે સંસારની નાશવંતતા અને કૃષ્ણભક્તિનો મહિમા આગળ ધર્યો છે. અહીં એક પણ શ્લોક બીજા શ્લોક સાથે સીધો સંબંધ ધરાવતો નથી. બધા શ્લોકો છૂટા છે. સળંગ અહીં કોઈ વાત થઈ નથી. પણ આમાંના ઘણા શ્લોકો આપણા હૃદયમાં ઘર કરી જાય એવા રચાયા છે. ‘પ્રાસ્તાવિક વિલાસ'માંથી ત્રણચાર શ્લોક જોઈએ. કવિ હંસને લક્ષમાં રાખીને કહે છેઃ ‘ખીલેલા કમલોની હારની હાર હોય, એમાંથી સુગંધ વેરાતી જતી હોય એવા માનસરોવરમાં પહેલાં યુવાવસ્થા ગાળી હોય તે હંસલો આજે વૃદ્ધાવસ્થામાં અનેક દેડકાઓથી ભરપૂર આ નાનકડા જલાશયમાં કયા કારણથી આવી પડ્યો?’ આમ તો અહીં વાત હંસની છે પણ કોઈ ઉત્તમ રીતે જીવન જીવ્યો હોય એવો માણસ પાછલી વયે ખરાબ રીતે જીવવા માંડે એનો એમાંથી અણસાર આવે છે. બીજી જગ્યાએ સમુદ્રને જોઈને કવિ કહે છે : ‘હે સાગર, તારા તીર પર સૂર્યના બિમ્બ જેવા તેજસ્વી મણિઓ ખડકોના પથ્થરો વચ્ચે પડી રહે છે અને તારા પાણીમાં જલતંતુઓની વચ્ચે ભગવાન નારાયણ શયન કરે છે. એક બાજુ તારો આવો અવિવેક છે અને બીજી બાજુ તારો આવો વૈભવ છે. હું તારી નિંદા કરું કે પ્રશંસા?’ જગતમાં સારાં કામોની સાથે ખરાબ કામો સંકળાય જ છે એનું સત્ય કવિએ સમુદ્રની વાતમાંથી આપણને પકડાવી દીધું છે. આ જ સમુદ્રને કવિએ ક્યાંક ઠપકો પણ આપ્યો છે. કહે છે : ‘હે સમુદ્ર તું રોષ ન કરે તો એક વાત તને કરું? તું મહાન છે તો પણ તારામાંથી જલ ભરી જનારો યાચક મેઘ જ્યારે જલને વહાવે છે ત્યારે એ જલને પણ તું છોડતો નથી?' એકવાર યાચકને વસ્તુ આપી હોય એને સારા માણસો ફરી પાછી લેતા નથી – એનો સંદર્ભ કવિએ મેઘ અને સમુદ્ર સાથે જોડ્યો છે. એક બાજુ કવિ જો સમુદ્રને ઠપકો આપે છે, તો બીજી બાજુ એ મેઘને પણ છોડતો નથી, કોઈની પાસે માગવું એના જેવી નીચ વસ્તુ બીજી એકે નથી એ વાતને અનુસરીને કવિ કહે છે : ‘પોતાના સ્વાર્થ માટે યાચનાપૂર્વક કોઈની પાસેથી ધન લેનારના મોં પર એક પ્રકારની કાલિમા છવાઈ જાય છે. જુઓ, બીજા માટે પણ સમુદ્રમાંથી જલ લેનાર મેઘ પર કેવી કાલિમા ફરી વળી છે. વર્ષાઋતુનાં શ્યામ વાદળો માટેની કવિની આ મનોહર કલ્પના છે. એક શ્લોકમાં કવિએ જીવનનો સાર મૂક્યો છે : ‘મરેલા માણસની લાલસા, કંજૂસની દાનવૃત્તિ, વ્યભિચારી સ્ત્રીનો પોતાના પતિમાં પ્રેમ, સાપની શાંતિ, કુટિલ મનુષ્યોની મૈત્રી – આ બધાનું વિધાતાએ રચેલી સૃષ્ટિમાં હોવું અસંભવિત છે. ‘શૃંગારવિલાસ’માં સુન્દરીના દેહનું સરોવર રૂપે વર્ણન મજાનું છે : ‘બે નેત્રોને કારણે અહીં મત્સ્ય છે, હસ્ત અને ચરણને કારણે અહીં પ્રફુલ્લિત કમળ છે અને કેશરાશિને કારણે જલવેલીઓ છે – આ સુન્દરી ખરેખર સરોવર છે.’ કયાંક કવિએ શૃંગારના એક શ્લોકમાં એક સાથે ત્રણ રંગની અસર બતાવી છે : મેઘ દેખાયો કે આકાશ શ્યામ બની ગયું, પ્રવાસીનું હૃદય રક્ત (લાલ અને અનુરાગવાળું બંને) બની ગયું અને નાયિકાનો પતિ પરદેશ હોવાને કારણે મેઘદર્શને વિરહ વધવાથી એના ગાલ પાંડુવર્ણ (ફિક્કા) બની ગયાં. ‘કરણવિલાસ’માં પણ એક વેધક શ્લોક છે : ‘હે વિલાસિની આપણા નવા નવા લગ્ન હતા, ફરવા ગયા હતાં, ત્યારે પગ લપસી ન પડે એ ભયથી મારો હાથ પકડીને તેં ખડકનું આરોહણ કરેલું ત્યારે આજે આમ મને છોડીને તું સ્વર્ગારોહણ કેવી રીતે કરી ગઈ?’ ‘શાંતવિલાસ’ તો એક જ શ્લોક જોવા જેવો છે. સાદો પણ વેધક છે. એમાં વૈરાગ્યનો સાર ધરી દીધો છે : ‘આખું જગત નાશવંત છે અને એમાં ય શરીર તો અત્યંત ક્ષણભંગુર છે. હાય! એને માટે મનુષ્ય કેટલો પરિશ્રમ કરે છે?’ આમ ઊંચા કાવ્યગુણને કારણે સંસ્કૃતસાહિત્યમાં ‘ભામિની વિલાસ'નું પોતાનું સ્થાન છે.