એકત્ર સામયિક-સૂચિ શ્રેણી
મિત્રો,
પ્રાચીન સમયમાં જ્ઞાનને કંઠોપકંઠ સાચવવામાં આવતું હતું એ સુવિદિત છે. સમયાંતરે આ સાહિત્ય હસ્તપ્રતોમાં સાચવવાની પરંપરા ઊભી થઈ. એ પછી મુદ્રણયંત્રો અસ્તિત્વમાં આવતાં મુદ્રિત સાહિત્ય વિશાળ જનસમૂહ સુધી પહોંચતું થયું. મુદ્રિત સાહિત્યનો સંગ્રહ કરવા માટે ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યાં. 20મી સદીથી ગ્રંથાલયોમાં પણ ક્રમશ: આમૂલ પરિવર્તનો આવવા લાગ્યાં. અને હવે આ સફર કમ્પ્યુટર સુધી વિસ્તરતી વિકસતી ગઈ છે. જે હવે ઈ-ગ્રન્થાલયો સુધી પહોંચી છે. આજે મુદ્રિત સાહિત્ય ઈબુક અને ઑડિયો બુકમાં રૂપાંતરિત થઈ એકત્રિત થઈ રહ્યું છે.
ગ્રંથાલયોએ જ્ઞાન-માહિતીના સંગ્રહની સાથે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા એ માહિતીને રસપ્રદ અને ઝડપથી સુલભ થાય એ રીતે વાચકો સુધી પહોંચાડવાનું આયોજન કરવું હવે જરૂરી છે. ગ્રંથસૂચિઓ તૈયાર કરવી એ વિશાળ વાચન-સામગ્રીને ઉપભોકતાઓ સુધી પહોંચાડવાની અનેક રીતોમાંની એક માન્ય રીત છે. વાચકો-સંશોધકોને જરૂરી માહિતી ત્વરિત પહોંચાડવા માટે હવે કમ્યુટર ટેક્નોલોજીનો ઉપયોગ પણ શરૂ થયો છે. લાંબી મુદ્રિત સૂચિઓને કમ્યુટર સૉફ્ટવેર દ્વારા સરળતાથી જોવી હવે શક્ય બન્યું છે.
એકત્ર હવે આ દિશામાં થોડું કામ કરવા માંગે છે. ગુજરાતી ભાષાનું વિપુલ સાહિત્ય તેના સામયિકોમાં પડેલું છે. અને સાહિત્યના ઘણાં અગત્યનાં સામયિકો સમયનાં ભારથી ગ્રંથાલયોમાં દટાતાં જાય છે. એ સામગ્રીને ડિજિટાઇઝ કરવાનો આયામ પણ થઈ રહ્યો છે. આ સંઘરાયેલાં મબલખ મુદ્રિત પાનાંઓ સાહિત્ય ઉપરાંત ઇતિહાસ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ઘણાં મૂલ્યવાન છે. આમાંના ઘણાં ગ્રંથસ્થ પણ થયાં છે. પણ આ બધાં સામયિકો જ્યાં સુધી સ્કેન કરીને ડિજિટાઇઝ નહીં થાય અને એની અભ્યાસઉપયોગી સૂચિ નહીં બને ત્યાં સુધી એ સામગ્રીથી નવી સાહિત્યરસિક પેઢી વંચિત રહેશે. અગાઉ શ્રી ધીરુભાઈ ઠાકર, જયંત કોઠારી, પ્રકાશ વેગડ, રમણ સોની, કીર્તિદા શાહ, કિશોર વ્યાસ, તોરલ પટેલે સૂચિઓ બનાવવાનું ગંજાવર કામ કર્યું છે. એકત્ર હવે આ સૂચિઓને કમ્પ્યુટરની મદદથી આપણી આંગળીઓના ટેરવે એ હાથવગી થાય તેવા પ્રકલ્પમાં જોડાયું છે.
શ્રી રમણ સોની પાસેથી 1995 થી 2000 સુધીની અને શ્રી કિશોર વ્યાસ પાસેથી 2000 થી 2020 સુધીની, એમ કુલ 25 વર્ષની ગુજરાતી સામયિક લેખ સૂચિ આપણી પાસે પાંચ અલગ અલગ પુસ્તકોમાં પથરાયેલી મુદ્રિત સ્વરૂપમાં છે. એને હવે અહીં એકસાથે મૂકી આપી તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મેળવી આપવાનો પ્રયાસ કરીએ છીએ. 25 વર્ષના સાહિત્યિક સમયિકોની સામગ્રીને નવેસરથી યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરી તેને અહીં રિલેશનલ ડેટાબેઝની મદદથી ગોઠવી છે. અભ્યાસીઓ તેને એકસાથે, કૃતિ, કર્તા, સમીક્ષક અને તેના વિભાગવાર જોઈ શકશે. અહીં 25 વર્ષના 15 હજાર ઉપરાંત લેખો, 2500 જેટલાં લેખકો અને 2700 જેટલાં સમીક્ષકોની યાદી એકસાથે જોઈ શકાશે. 1995થી 2020 સુધીના 25 વર્ષના ગુજરાતી સાહિત્યનાં સામયિકોની આ સંકલિત સૂચિ વાચકો અને અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે.
આ ઉપરાંત ક્ષિતિજ (સૂચિકર્તા: રાઘવ ભરવાડ), પ્રત્યક્ષ (સૂચિકર્તા : પ્રવીણ કુકડિયા), અને સંચયનની સૂચિ પણ આવી જ રીતે ઉપલબ્ધ કરીએ છીએ. હવે જ્ઞાનસુધા, સંસ્કૃતિ, ગ્રંથ, બુદ્ધિપ્રકાશ, દસમો દાયકો અને પરબ સામયિકની સૂચિઓને આવી રીતે ઢાળવાનું કામ ચાલી રહ્યું છે. આ 'સૂચિઓની સૂચિ'ના પ્રકલ્પમાં હસિત મહેતા, હેમન્ત દવે, તોરલ પટેલ, અજયસિંહ ચૌહાણનો સક્રિય સહયોગ સાંપડી રહ્યો છે. અહીં આ ગુજરાતી સામયિક લેખ સૂચિ અને અન્ય સામયિકોની સૂચિઓની દરેકની અલગ મોબાઈલ ઉપર પણ જોઈ શકાય તેવી એપ્લિકેશન બનાવી છે. અહીં એમાં સદ્ય-નિર્દેશ—Navigationની વ્યવસ્થા હોવાથી, સૂચિની અસંખ્ય વિગતોમાંથી પોતાને ઇચ્છિત ને જરૂરી વિગત સુધી તરત પહોંચી શકાશે. આ પ્રકારની સૂચિઓથી સાહિત્ય અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે કામ કરનાર અનેક અભ્યાસીઓ–સંશોધકો–વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે તેવી આશા છે. આ પ્રકારનાં સંદર્ભગ્રંથો અને સૂચિઓને તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મળવાની જે ખોટ હતી તે હવે આવી સૂચિઓથી પુરાશે. સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવી સૂચિઓ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે.
– અતુલ રાવલ
સૂચિકર્તા - ૧૯૯૫ થી ૨૦૦૦ - રમણ સોની, ૨૦૦૧ થી ૨૦૨૦ - કિશોર વ્યાસ
સૂચિકર્તા - રાઘવ ભરવાડ
સૂચિકર્તા - પ્રવીણ કુકડિયા
સૂચિકર્તા - અતુલ રાવલ