પ્રતિસાદ/પાકિસ્તાની નાટક અને પ્રશ્ન હિંસાનો

From Ekatra Wiki
Revision as of 16:46, 8 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એ ખરેખર રહસ્ય જ છે કે વ્યક્તિઓ સમૂહમાં શા માટે એકબીજા પ્રત્યે તિરસ્કાર, ધિક્કાર અને નફરત સેવે છે – દરેક રાષ્ટ્ર દરેક રાષ્ટ્રની સામે હોય છે – શાંતિના સમયમાં પણ. હું કહી શકતો નથી કે શા માટે આમ છે. પણ એ થાય છે ત્યારે જ્યારે સંખ્યાબંધ લોકો એકત્રિત થયા હોય છે — જ્યારે બધી વ્યક્તિગત નૈતિક પ્રાપ્તિ ભૂંસાઈ ગઈ હોય છે અને માત્ર સૌથી આદિમ, સૌથી જૂના, સૌથી અસંસ્કૃત માનસિક અભિગમો સિલક રહ્યા હોય છે. એમ બને કે વિકાસના પાછળના તબક્કાઓ આ ખેદજનક પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકે. પણ બધી બાજુઓની થોડી વધુ સચ્ચાઈ અને નિષ્ઠા – માણસના એકબીજાના અને એમની અને શાસનકર્તાઓ વચ્ચેના સંબંધમાં હોય તો એ પણ આ પરિવર્તનનો માર્ગ વધુ સરળ બનાવે.

સિગ્મંડ ફ્રૉઇડ



પાકિસ્તાની નાટક અને પ્રશ્ન હિંસાનો

માણસે માણસની કરેલી હત્યા આપણામાં ભયજનક પ્રશ્ન જગાડે કે આપણે પણ શું આ કરી શકીએ? આપણાં બધાંમાં જ શું આ શક્યતા પડેલી છે? સંજોગવશાત્ કે પ્રકૃતિની કોઈ અનિવાર્યતાને કારણે કોઈક ક્યાંક કરી બેસે, પણ દરેક વ્યક્તિ સંજોગવશાત્ એમ કરે જ એમ ખરું? આપણું સંપ્રજ્ઞ મન આવી ભયાનક બાબત સ્વીકારી શકતું નથી. નોર્મલ માણસ પોતે કોઈની હત્યા કરી શકે એમ માનતો નથી. માણસની હત્યા તો અંતિમ વાત થઈ, કદાચ કશું ખાતરીપૂર્વક કહી શકાય નહીં, પણ અનેક સ્તરનાં, અનેક પરિમાણીય હિંસક તત્ત્વો તો આપણાં આંતર-બાહ્ય જીવનમાં વણાયેલા છે એ આપણે જાણીએ છીએ. સૂક્ષ્મ અને સ્થૂળ વાણીની હિંસા તો ઘણી વાર શારીરિક હિંસાને પણ વટાવી જતી હોય છે. આપણે ક્યાં એના ભોગ નથી બન્યાં કે અન્યને આવાં દુઃખો નથી આપ્યાં? બાળકોને માબાપોની આવી વાણીપ્રહારનો ક્યાં અનુભવ નથી? આપણો તીવ્ર અહં ઘવાય છે કે આત્યંતિક દુષ્ટતા જોઈએ છીએ ત્યારે શું આપણે બોલી નથી નાખતા કે આવા માણસને મારી નાખવામાં પણ પાપ ન લાગે? સામાજિક કક્ષાએ તો અનેક સ્તરે નાની મોટી હિંસાઓ આચરાય છે એ આપણો રોજનો અનુભવ છે. શોષિતો, દલિતો, સ્ત્રીઓ હિંસક અસમાન સમાજનો ભોગ થતાં આવ્યાં છે. જાતીયતા, રાગ-દ્વેષ પ્રેરિત હિંસક કૃત્યો રોજિંદા બનાવો છે. સામૂહિક હત્યાઓ, હિંસક કોમી દંગલો, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેનાં યુદ્ધો, મહાન વિશ્વયુદ્ધો સભ્યતાના માનદંડો જડમૂળથી હચમચાવતા રહ્યા છે.

સાચા સર્જકની કૃતિમાં કોઈક ને કોઈક રીતે આવા આવેગોનું અને આવા પરિવેશનું પ્રતિબિંબ ન પડે તો જ નવાઈ. અનેક રેખાઓ અંકિત હિંસક ચહેરો એની કલમ વડે તાદૃશ થઈને જ રહે. ૧૯૯૪ના ‘યાત્રા’ સામયિકનો ક્રમાંક રનો અંક એના સંપાદકના કોઈ સભાન યત્ન વિના અનાયાસે હિંસાના કોઈ ને કોઈ પાસાને આવરતી સાહિત્યિક કૃતિઓ કે કલાકૃતિઓનો બની રહ્યો. સંપાદક આલોક બલ્લા સર્જકોની આ વિષય પરત્વેની તીવ્ર નિસબત જોઈ શક્યા અને એમની નોંધમાં એમણે એનો સમુચિત ઉલ્લેખ કર્યો. અહીં ગુલામમોહમ્મદ શેખનું રસોડામાં વપરાતા અને બજારમાં વેચાતાં નિર્દોષ છરી-છુરાઓ કેવી રીતે ઝેરી કોમવાદનાં ચિહ્નો બની જાય છે એ રેખાંકિત કરતું ચિત્ર છે. નીલિમા શેખનાં પણ અહીં વડોદરા એમ. એસ. યુનિવર્સિટીના એક કર્મચારીની કન્યાની કરુણ કહાની તાદૃશ કરતાં બાર ચિત્રો છે. માતાપિતાને ઘેર સાઇકલ ચલાવતી, હીંચકા ખાતી કન્યાને પરણાવી દેવાય છે; સાસરે આખરે એને કેરોસીનવાળા સ્ટવ વડે સળગાવી દેવામાં આવે છે. છેલ્લું ચિત્ર છે કાળાં વસ્ત્રોમાં સજ્જ હાથો ઊંચા કરી વિલાપ કરતી સ્ત્રીઓનું એક વૃંદ; દંભ સદેહે આપણી સમક્ષ ખડો થાય છે. આ ચિત્રો પછી પ્રખ્યાત ગુજરાતી લોકગીત ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ’નો ગુલામમોહમ્મદ શેખ અને આલોક બલ્લાએ અંગ્રેજીમાં કરેલો અનુવાદ છપાયો છે. આ જ અંકમાં સૌથી શિરમોર, ક્ષુબ્ધ કરતું ઉચ્ચકક્ષીય ખાલિદ અહમદનું ઉર્દૂમાંથી અંગ્રેજીમાં અનુવાદિત થયેલું પાકિસ્તાની નાટક, ‘Come And See My City from Here’ પ્રગટ થયું છે. ખાલિદ અહમદનું આ નાટક ૧૯૪૭થી કરાંચીમાં ચાલી આવતા હિંસક તાંડવને લગતું છે. નાટકની સંરચના પણ નવી તરાહની છે. નાટક લખેલો પાઠ પણ છે અને વચ્ચે વચ્ચે થતી આવતી શીઘ્ર રચનાઓ (improvisations) પણ છે. નાટકની સામગ્રી કાં તો વર્તમાનપત્રોમાંના વૃત્તાંતોમાંથી કે ખાલિદની રંગભૂમિ-કાર્યશિબિરમાં ભાગ લેતાં નટ-નટીઓના વ્યક્તિગત અનુભવોમાંથી લેવામાં આવી છે. નાટકનું શીર્ષક ફૈઝ અહમદ ફૈઝની કવિતા, ‘If you Look At The City from Here’માંથી લેવામાં આવ્યું છે. દૂરના દીવાઓના ઓળામાં નાચતું જૂથ એ મોજમઝા માણતું જૂથ છે કે શોકાતુર છે એ કળી શકાતું નથી. દીવાલો ઉપરથી દદળતો રંગ લોહીનો છે કે ગુલાબનો એ કળી શકાતું નથી – આ ભાવાર્થ ફૈઝ અહમદ ફૈઝની કવિતાની છેલ્લી પંક્તિઓનો છે. આ નાટકનો ઉર્દૂમાંથી અંગ્રેજીમાં અનુવાદ અસિફ અસલામ ફારુખીએ કર્યો છે. આ નાટક ઉપરની નોંધમાં અનુવાદક લખે છે કે ફૈઝની કવિતા ૧૯૬૫માં લખાઈ; એ પછીનાં વર્ષોમાં કરાંચીમાં લોહી અને ગુલાબના રંગ વચ્ચેનો ભેદ વધુ ધૂંધળો થતો આવ્યો છે. પચરંગી અને ઝગમગતી લાઈટોવાળા શહેર તરીકે કરાંચી માટે જે ગર્વ હતો એ થોડાં વર્ષોથી જાતીય (ethnic) હિંસાનું ધામ બની રહ્યું છે અને એ બળતામાં ડ્રગનાં નાણાંએ અને વૈશ્વિક ઉચ્ચ રાજકારણે ઘી હોમવાનું કાર્ય કર્યું છે. શહેરનાં લાખો નાગરિકો જીવનનું આ ભયાનક નાટક ભજવાતું જોઈ રહ્યાં છે અને નક્કી નથી કરી શકતાં કે આ શહેર એબ્સર્ડ થિયેટર છે કે ક્રૂરતા આચરતું રંગમંચ! આ અર્થમાં ખાલિદ અહમદની આ રચના નાટકની અંદર નાટક છે. ક્યાં સાચું જીવન અટકી જાય છે અને નાટક શરૂ થાય છે અથવા તો વહેતો રંગ ક્યારે ગુલાબનો બનતો અટકી જાય છે અને ક્યારે લોહી ઝમવા માંડે એ ભેદ પારખી શકાતો નથી. આ રચના લોકોની અંદર અને બહાર સમાજમાં ચાલતી હિંસાની એક નાટ્યાત્મક તપાસ છે. પ્રેક્ષકગણે આ નાટકને ઊભા થઈ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું એ માત્ર એટલા જ માટે નહીં કે ખાલિદ અહમદ અને એના જૂથે એક સાહસિક અને વિદ્રોહી પ્રયોગ કર્યો હતો અને અલબત્ત એ જોખમ વગરનો તો નહોતો જ. પણ એટલા માટે પણ કે રંગભૂમિના માધ્યમ દ્વારા હિંસા અને યાતના અને સમાજના બીજા સંબંધિત પ્રશ્નોની અહીં ખૂબ પ્રસ્તુત તપાસ હતી. મંચ ઉપર આવો પ્રયોગ જોવાનો આ પહેલાં પ્રસંગ આવ્યો નહોતો. છેવટે ફારુખી લખે છે કે નાટ્યકાર પ્રશ્નનો ઉકેલ લાવી શક્યા હોય કે નહીં, પણ નાટકની અપીલ બિલકુલ ઘટી નથી; મંચ ઉપર કે લિખિત પ્રતમાંથી અવાજ સ્પષ્ટ રણકી ઊઠે છે, ‘અહીંથી શહેરને જુઓ.’ નાટક નવ દૃશ્યોમાં વહેંચાયેલું છે. એની સંરચના અને વિષયસામગ્રીનો કંઈક ખ્યાલ આવે એ માટે આપણે પહેલા દૃશ્ય ઉપર એક નજર નાખીએ, પણ પછી તો જેમને રસ પડે એમણે નાટક જ વાંચવાનું રહે. નિર્દેશક કમલસાહિબ નટ-નટીઓથી વીંટળાયેલા બેઠા છે. સામે પડેલાં અખબારોના ઢગલામાંથી નટો એક પછી એક અખબાર લેતા જાય છે. શહેરમાં કોઈ હિંસા ઘટી છે કે કેમ એ જોવાનો એમનો ઉદ્યમ છે. એવી કોઈ બાતમી દેખાય તો નટ એ મોટેથી વાંચે છે. નિર્દેશક નોંધ લેતા જાય છે. નાટકનાં પાત્રો છે આસદ, સાદિયા, તારીક, સલીમ-સોહેલ, ઉર્ફિ અને ઝારા. સલીમ-સોહેલ પાછળથી પ્રવેશે છે અને ઝારાનો પ્રવેશ એમનાથી પણ પછી છે. નિર્દેશક દરેક પાત્રને પોતાનો પરિચય આપવાનું કહે છે. સાદિયા અહેસાન સામાજિક કાર્યકર છે; Women for Self Help Group સાથે સંકળાયેલી છે. તારીક સૈદ બે મહિના પહેલાં બાર વર્ષ પછી પરદેશથી આવ્યો છે. ઝારા રહેમાને અમેરિકામાં ચાર વર્ષ રહી Liberal Artsનો વિષય લઈ અભ્યાસ કર્યો છે અને ચાર મહિનાથી દેશ પાછી આવી છે. થિયેટર અને વધુ તો પ્રશિષ્ટ નૃત્યમાં એને રસ છે, પણ હવે એને ઘરેથી નૃત્ય કરવાની રજા નથી. આસદ ‘સન’ના તંત્રી ખાનસાહેબે એને અહીં આવવાનું કહ્યું એટલે એ અહીં આવ્યો છે. ઉર્ફિર્ નટ તરીકે આવ્યો નથી, પણ ખાનસાહિબના કહેવાથી નિર્દેશક કમલસાહિબ જે કંઈ કામ ચીંધે એ કરવા માટે જોડાયો છે. એ સલીમ અને સોહેલને પકડી લાવ્યો છે. નિર્દેશકે એને બેએક રખડેલને પકડી લાવવાનું કહ્યું હતું. પાત્રોની વાતચીતો દરમ્યાન વચમાં વચમાં થતાં જતાં વિધાનો શહેરમાંના હિંસક વાતાવરણને સૂચવતાં જાય છે. જેમ કે ઝારા કહે છે કે એ દિલગીર છે કે એ મોડી થઈ. ઘેરે કાર ન્હોતી અને પપ્પા ટૅક્સીમાં આવવા દેતા નહોતા. સાદિયા કહે છે, ‘બરાબર છે, આ દિવસોમાં ટૅક્સીમાં તું એકલી કેવી રીતે આવી શકે?’ ઝારા જવાબ આપે છે, ‘તમે લોકો સમજતા નથી, પપ્પાને મારી ચિંતા નહોતી. એમને એમ હતું કે મારું અપહરણ- બપહરણ થઈ જાય તો એમને રેન્સમની રકમ ચૂકવવી પડે.’ દૃશ્યના લગભગ અંતભાગમાં બારણે ટકોરા પડે છે. ઉર્ફિ ખોલે છે. એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી કિશોર હસન અને કિશોરી અદિલા સાથે પ્રવેશે છે. હસન અને અદિલા એમનાં સંતાનો છે. એ લોકો નિર્દેશકને એમને ત્યાં રહેવા દેવા માટે વીનવે છે. બહાર ગોળીબાર ચાલી રહ્યો છે એથી એમની પુત્રી ગભરાયેલી છે. વળી નિયાઝ કૉલોનીમાં જ્યાં એ પરિવાર રહે છે ત્યાં કરફ્યૂ છે. નિર્દેશક એમને ખૂણામાં જઈ બેસવાનું કહે છે. ફરી નાટ્યકાર્ય આગળ ચાલે છે. નિર્દેશક એક શીઘ્રરચનાથી શરૂઆત કરવાનું કહે છે. એ સૂચના આપે છે, ‘તમારામાંથી કેટલાકે એક હિંસક દૃશ્ય ભજવવાનું છે. કંઈક ઉગ્ર... એવું કંઈક જે બાળપણથી તમે ભૂલી શક્યા નથી.... એવું કંઈક જે તમારા મનમાં એકદમ સ્પષ્ટ છે.’ થોડાક નટો ઊભા થાય છે અને બાળકો જેવો અભિનય કરવા લાગે છે. આ બાળકો એક ઘવાયેલા કૂતરાને નિર્દયતાપૂર્વક ચીડવી રહ્યા છે, એને લાત મારે છે અને એના ઉપર પથ્થરો ફેંકે છે વગેરે. ઉર્ફિ વચ્ચે કૂદી પડે છે અને કૂતરાને બચાવવાનો પ્રયત્ન કરે છે. કૂતરો ભાગી જાય છે. હવે બાળકો કૂતરાને ભૂલી જાય છે અને એને બદલે ઉર્ફિને ચીડવવા લાગે છે. પરિસ્થિતિ વણસતી જાય છે અને વૃદ્ધ સ્ત્રી મોટેથી વિલાપ કરવા માંડે છે. નટો થંભી જાય છે અને મૂંઝવણથી એકબીજા સામે જોઈ રહે છે. વૃદ્ધ સ્ત્રી ઉર્ફિ તરફ ધસી જાય છે અને એને વહાલ કરતાં કહે છે, ‘મારા દીકરા, અરે, મારા દીકરા’. અહીં પહેલું દૃશ્ય પૂરું થાય છે. આટલા વર્ણનથી નાટકની ગતિ અને એની સંરચના કંઈક આછીપાતળી ઝાંખી થાય. સ્પષ્ટ જ છે કે નાટકના પૂર્ણ રસાસ્વાદ માટે તો નાટકને વાંચવું પડે કે ભજવાતું જોવું પડે. આ લેખમાં તો હિંસાના રૂપને અલપઝલપ થોડા જુદા જુદા ફોક્સથી નિહાળવાનો યત્ન માત્ર છે. હવે ફ્રૉઇડનાં થોડાંક નિરીક્ષણો અને તારણો લઈને પણ થોડી વાત કરીએ. અહીં ફ્રૉઇડના એક લેખનો – The Disillusionment of The War’નો આધાર લીધો છે. ફ્રૉઇડ પ્રમાણે મનોવિશ્લેષણાત્મક તપાસ એ નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે માનવીય પ્રકૃતિનું મૂળભૂત તત્ત્વ વૃત્તિજન્ય આવેગો (instinctual impluses) છે જે બધાં મનુષ્યોમાં સરખા હોય છે અને એમનું ધ્યેય કેટલીક આદિમ જરૂરિયાતોને સંતોષવાનું છે. આ આવેગો સ્વયં ઇષ્ટ કે અનિષ્ટ નથી હોતા; એમનું આવું વર્ગીકરણ સમાજની જરૂરિયાતો અને માંગોને ધ્યાનમાં રાખીને આપણે કર્યું છે. સમાજ જે આવેગોને દોષિત ઠરાવે છે, જેવા કે સ્વાર્થી અને ક્રૂર આવેગો, એ આવા આદિમ પ્રકારના આવેગો છે. ખરાબ વૃત્તિઓનું રૂપાંતર બે કારણો વડે થાય છે : બાહ્ય અને આંતરિક. ખરાબ વૃત્તિઓ (જેવી કે અહંવાદી) ઉપર જે આંતરિક તત્ત્વનો પ્રભાવ પડે છે તે શૃંગારિકતા (eroticism)નો છે – એટલે કે પ્રેમ માટેની માનવીય જરૂરિયાતનો. પ્રેમ શબ્દ અહીં ખૂબ બહોળા અર્થમાં વપરાયો છે. અહંવાદી વૃત્તિ આ જરૂરિયાતને કારણે સામાજિક વૃત્તિમાં રૂપાંતર પામે છે, અન્યથી મળતા પ્રેમનો લાભ આપણે જોઈ શકીએ છીએ અને એટલે બીજા લાભો જતા કરવાનું આપણે મુનાસિબ સમજીએ છીએ. ખરાબ વૃત્તિઓ ઉપર જે બાહ્ય પ્રભાવ પડે છે તે કૌટુંબિક ઉછેરનો છે; કુટુંબ વળી પ્રવર્તતા સાંસ્કૃતિક પરિવેશનું પ્રતિનિધિત્વ કરે છે. પાછળથી બાળક સીધું બાહ્ય પરિવેશના દબાણ નીચે આવે છે. સહજવૃત્તીય સંતોષના ત્યાગને કારણે સભ્યતા પ્રાપ્ત થઈ છે અને દરેક નવા આવનાર પાસેથી આવા ત્યાગની માંગ થાય છે. વ્યક્તિના સારા જીવન દરમ્યાન આંતરિક મજબૂરી બાહ્ય જરૂરિયાતોને સતત વશ થતી રહી છે. સભ્યતાના પ્રભાવથી અહંવાદી વલણો શૃંગારિક તત્ત્વો સાથે ભળેલાં સામાજિક અને પરમાર્થી વલણોમાં બદલાતાં જાય છે—આ માનવજાતનો ઇતિહાસ છે—માત્ર બાહ્ય ઇતિહાસ.

બીજાંના સહજવૃત્તીય આવેગો અલબત્ત આપણાથી છુપાયેલા રહે છે, આપણે એનું નિરીક્ષણ કરી શકતા નથી. આપણે એમના કાર્ય અને વર્તન ઉપરથી એમના હેતુઓ(motives)નું અનુમાન કરતા હોઈએ છીએ. આવું અનુમાન ઘણાંની બાબતમાં બેશક ભૂલભર્યું સાબિત થાય. નૈતિક સિદ્ધાંતકારો એમને જ ઇષ્ટ કૃત્યો ગણે છે જે ઇષ્ટ આવેગોનાં પરિણામ હોય; એમ ન હોય તો એ લોકો માન્યતા આપતા નથી. પણ સમાજ જે પોતાના ઉદ્દેશોની બાબતમાં વ્યવહારુ છે એને આવો ભેદ વ્યગ્ર નથી કરતો. વ્યક્તિ જો પોતાનું વર્તન અને કાર્ય સભ્યતાના નિયમાનુસાર નિયંત્રિત કરે તો એને સંતોષ છે; એને વ્યક્તિના હેતુઓ સાથે ભાગ્યે જ કોઈ નિસબત હોય છે. એક માણસ એની સહજવૃત્તીય અભિરુચિ હોવાને કારણે હંમેશાં સારી રીતે વર્તે છે. અને બીજો જ્યાં સુધી એની સંસ્કૃત વર્તણૂક એના સ્વાર્થી હેતુઓ માટે લાભદાયક છે ત્યાં સુધી જ એ સારો હોય છે. આપણે સારી વર્તણૂક જોઈને ગેરમાર્ગે દોરવાઈ જઈએ છીએ કે ઘણી મોટી સંખ્યામાં માણસોનું સાંસ્કૃતિક અર્થમાં રૂપાંતર થઈ ગયું છે.

આપણે જોયું કે સમાજ સારું આચરણ માંગે છે. એ આચરણ પાછળ રહેલી સહજવૃત્તિની એને પડી નથી, અને આ રીતે એ ઘણાં બધાં લોકોને આજ્ઞાધારી બનાવી દે છે જે પોતાની મૂળ પ્રકૃતિને અનુસરતા નથી. કોઈને પણ જ્યારે સતત નિયમો અનુસાર વર્તવાની ફરજ પડે જે એની સહજવૃત્તીય અભિરુચિને વ્યક્ત ન કરતા હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એ એની તાકાત બહાર જીવે છે અને નિરપેક્ષ રીતે એને દંભી કહી શકાય, પછી ભલે એ એને માટે સભાન ન હોય. એ હકીકત છે કે આપણી સમકાલીન સભ્યતા આ પ્રકારનો દંભ બહુ મોટા પાયા ઉપર ઉત્તેજે છે. એટલે સાચા સંસ્કૃત માણસો કરતાં ઘણાં બધાં વધારે સંસ્કૃત દંભીઓ છે. બીજી બાજુ સભ્યતાનું ધોરણ આવા સંદિગ્ધ પાયા ઉપર હોવા છતાં દરેક નવી પેઢીએ સહજવૃત્તિનું ઘણું વ્યાપક પ્રમાણમાં રૂપાંતર થતું જશે એવી સંભાવના ઊભી કરે છે જે વધુ ઇષ્ટ સભ્યતાનું વાહન બની શકે. આ વિચારણામાંથી આપણને એક આશ્વાસન મળી શકે. આ યુદ્ધ (૧૯૧૪) દરમ્યાન દુનિયાના આપણા સહનાગરિકોની અસંસ્કૃત વર્તણૂકને કારણે આપણને જે સંતાપ અને ભ્રમનિરસન થયું એ તર્કસંગત નહોતું, એ ભ્રમ આધારિત આપણો પ્રત્યાઘાત હતો. હકીકતમાં આપણને જેટલો ભય હતો એટલા નીચા આપણા સહનાગરિકો ઊતર્યા નહોતા કારણ કે આપણે માનતા હતા એટલી ઊંચાઈએ એ લોકો ક્યારેય પહોંચ્યા નહોતા. સમૂહમાં લોકો અને રાજ્યોએ પરસ્પર નૈતિક નિયંત્રણો રદબાતલ કર્યા હોવાને કારણે સ્વાભાવિક રીતે જ આવા નાગરિકો સભ્યતાના સતત દબાણમાંથી બહાર નીકળી પોતાની સહજવૃત્તિઓને કામચલાઉ સંતોષ આપવા માટે ઉત્તેજાયા હતા. આપણે એમને અન્યાય નહીં કરીએ. પણ આખી વસ્તુ સમજવાનો યત્ન કરીએ. મનના વિકાસની વિલક્ષણતા બીજી કોઈ વિકાસની પ્રક્રિયામાં દેખાતી નથી. ગામ જ્યારે શહેરમાં પરિવર્તિત થાય છે કે બાળક જ્યારે પુખ્ત વ્યક્તિ બને છે ત્યારે ગામ શહેરમાં અને બાળક પુખ્ત વ્યક્તિમાં ખોવાઈ જાય છે. મનના વિકાસની વાત જુદી છે. અહીં વિકાસનો અગાઉનો દરેક તબક્કો પાછળના તબક્કા (જે સ્વયં પહેલામાંથી ઊભો થયો છે) સાથે રહેતો હોય છે. એવું પણ બને છે કે પહેલાંની માનસિક અવસ્થા વર્ષો સુધી દેખા દે નહીં, પણ છતાં એ બરાબર ત્યાં હોય છે અને ક્યારેક પણ મનમાં રહેલાં પરિબળો ફરી કોઈ ને કોઈ રીતે અભિવ્યક્ત થાય છે; આ પરિબળો એટલો તો કબજો જમાવી બેસી ગયાં હોય છે કે જાણે કે અત્યાર સુધી પ્રાપ્ત થયેલા તમામ વિકાસને મિટાવી દે છે કે ખતમ કરી નાખે છે. આદિમ મન એના પૂર્ણ અર્થમાં અવિનાશી છે. અગાઉના ભાવાત્મક અને ક્રિયાશીલ જીવનના તબક્કાઓ તરફ પાછા વળવામાં માનસિક રોગનાં મૂળ પડેલાં છે. આપણા સહનાગરિકોની નૈતિક ગિરાવટથી આપણને જેટલું દુઃખ થાય એટલું જ એમના એક બીજા લક્ષણથી આશ્ચર્ય થાય અને આઘાત લાગે. આ હું કહું છું ત્યારે મારા મનમાં શ્રેષ્ઠતમ બુદ્ધિજીવીઓએ દાખવેલો અંતર્દ્રષ્ટિનો અભાવ, એમનો દુરાગ્રહ, સશક્ત દલીલોની પ્રતીતિકરતાનો અસ્વીકાર અને વિવાદાસ્પદ દાવાઓ પ્રત્યેની એમની વિવેકશૂન્ય સહાનુભૂતિ છે. માનવીય પ્રકૃતિના અભ્યાસીઓ અને તત્ત્વવેત્તાઓએ આપણને શીખવ્યું છે કે આપણી બુદ્ધિ એક સ્વતંત્ર પરિબળ છે એમ માનવું ભૂલભરેલું છે; સંવેગમય જીવનને એ અધીન છે એ વાતની ઉપેક્ષા ન થઈ શકે. મનોવિશ્લેષણાત્મક અનુભવ કહે છે કે હોશિયારમાં હોશિયાર લોકો કોઈ સંવેગમય પ્રતિરોધ આવી પડે છે ત્યારે બેવકૂફોની જેમ તદ્દન ઇનસાઇટ વગર વર્તવા માંડે છે અને સંવેગમાંથી પાર ઊતરતાં ફરી એનામાં પૂરી સમજ આવી જાય છે. આ રીતે જો આપણે આપણા સહનાગરિકોને સમજી શકીએ તો રાષ્ટ્રો એટલે કે સામૂહિક વ્યક્તિઓથી આપણને જે નિરાશા થાય છે એ વધારે આસાનીથી સહી શકીએ, અને આપણી એમને માટેની માંગો પણ વધુ વિનમ્ર બને. આપણે જોયું કે સભ્યતાનું બાહ્ય દબાણ વ્યક્તિઓની નૈતિકતા ઘડવાનું એક પ્રભાવક શૈક્ષણિક તત્ત્વ બની રહ્યું, પણ હજી સંગઠનાત્મક સ્તર આદિમ તબક્કામાં છે. બનવાજોગ છે કે આ પછીના તબક્કાઓમાં કંઈક બદલાવ આવે. આ સાથે બધી બાજુઓની થોડી વધુ સચ્ચાઈ અને નિષ્ઠા માણસના એકબીજાના અને એમની અને શાસનકર્તાઓ વચ્ચેના સંબંધમાં હોય તો એ પણ પરિવર્તનનો માર્ગ વધુ સરલ બનાવે. આપણે આ લેખમાં સાહિત્ય અને કલામાં મૂર્ત થતા હિંસક તત્ત્વની કંઈક વાત કરી. હિંસા એટલે માત્ર શારીરિક દર્દ અને રેડાયેલું લોહી નહીં. ખાલિદ અહમદના નાટકમાં આસદ કહે છે, ‘I have Suffered violence every minute of my life. That neighbourhood of oppressive, congested houses where I live... And then the bus ride... herded inside like cattle, the stink of human sweat becomes one with the stink of the gutter. And then a job interview... in some air-conditioned office, before a smung, complacent boss, who makes fun of your English with a smile on his face... ..isn’t that violence?’ આની સાથે ફ્રૉઇડની આ વિષય પરત્વેની પાયાની વાતનો પણ થોડો મનોવિશ્લેષીય પરિચય મેળવ્યો. ફ્રૉઇડે આ લેખ પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪)ની શરૂઆતમાં લખેલો છે. આજે પણ યંત્રવિજ્ઞાનના પૂરઝડપ વિકાસને કારણે અત્યંત સંકુલ બનેલા અને ગુણાત્મક ફેરફારવાળા આપણા જગતમાં ફ્રૉઇડની વાત એટલી જ પ્રસ્તુત છે. વ્યક્તિગત સ્તરે સભ્યતા જેટલું નૈતિક પરિવર્તન લાવી શકી છે એટલું સંગઠનાત્મક, સામૂહિક સ્તરે એ કરી શકી નથી — હજી એ બાજુ આદિમ અવસ્થામાં જ છે, પણ ફ્રૉઇડને આશા છે કે ધીરે ધીરે રાષ્ટ્રો વચ્ચે – સામૂહિક સ્તરે પણ આપણો વ્યવહાર વધુ સંસ્કૃત બનવાની સંભાવના છે, અને સાથે એમણે બધી બાજુની થોડી વધુ સચ્ચાઈ અને નિષ્ઠાની પણ વાત કરી છે જેથી પરિવર્તન ઝડપી બને. તો શું આપણામાં પડેલાં હિંસાનાં તત્ત્વોને બીજો સભ્યસમાજ એની આગેકૂચમાં બદલાવી શકશે? કે પછી એવો સુસંસ્કૃત સમાજ બની રહે કે આપણા આદિમ આવેગોને વ્યક્ત થવાનો મોકો જ ઓછો રહે કે ન મળે? – આટલું સ્વપ્ન આપણે સેવી શકીએ.’

[આની પહેલાંના લેખની ‘હિંસા, મૃત્યુ, અસ્તિત્વની ભંગુરતા’ની થોડીક વાતો આ લેખમાં બેવડાતી લાગે, પણ સંદર્ભ દૃષ્ટિએ પ્રસ્તુત લાગવાથી લીધી છે.]


તા. ૨૦-૧૧-૯૭