પ્રતિસાદ/હિંસા, મૃત્યુ, અસ્તિત્વની ભંગુરતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મનોવિશ્લેષણે તંદુરસ્ત લોકોનાં સ્વપ્નો અને વ્યવહાર ઉપરથી તથા મનોરુગ્ણતાનાં લક્ષણો ઉપરથી તારવ્યું છે કે માનવજાતના આદિમ, જંગલી અને અનિષ્ટ ભાવાવેગો કોઈ પણ વ્યક્તિમાંથી લોપ નથી પામ્યા, પણ ચાલુ રહ્યા છે, પછી ભલે એ દમન રૂપે હોય અને તક મળતાં ક્રિયાશીલ થતા હોય. એણે એ પણ આપણને શીખવ્યું છે કે આપણી બુદ્ધિ નબળી અને પરવશ છે; આપણી સાહજિક વૃત્તિઓ અને લાગણીઓનું એ ઓજાર- રમકડું છે અને આપણે બધાં આપણા આવેગમય અભિગમો અને આંતરિક પ્રતિરોધોને તાબે થઈ ચતુરાઈપૂર્વક કે બેવકૂફીભરી રીતે વર્તીએ છીએ.

તમે હવે જો આ યુદ્ધમાં (પહેલું વિશ્વયુદ્ધ) જે બની રહ્યું છે એનું નિરીક્ષણ કરશો તો તમને જોવા મળશે કે ક્રૂરતા અને અન્યાયો માટે સૌથી વધુ સુસંસ્કૃત રાષ્ટ્રો જવાબદાર છે; એ લોકો પોતાનાં અને દુશ્મનોનાં જુઠાણાંઓ અને ખોટાં કૃત્યો વચ્ચે ભેદ કરતાં નજરે પડશે; સર્વત્ર સૂક્ષ્મ દૃષ્ટિનો અભાવ પ્રવર્તતો દેખાશે; આ બધું જોયા પછી તમારે કબૂલ કરવું રહ્યું કે મનોવિશ્લેષણ પોતાના બંને પ્રતિપાદનોમાં સાચું છે.

સિગ્મંડ ફ્રૉઇડ


હિંસા, મૃત્યુ, અસ્તિત્વની ભંગુરતા

ક્યારેય નહીં એવી વાસ્તવની સન્મુખ થવાની તાતી જરૂર આજે ઊભી થઈ છે અને કદાચ ક્યારેય નહીં એવું આજે એ કામ અશક્ય નહીં તોપણ એકદમ આભાસીમય બની ગયું છે. એવા તો હિંસાત્મક તાંડવની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ— ઉપભોક્તાવાદે આપણાં જીવન ઉપર એવો તો કબજો જમાવી દીધો છે—બધું તળેઉપર થઈ રહ્યું છે, સારા સારાની મતિ પણ ફરી જતી લાગી છે ત્યારે મૂલ્યોની વાત પણ બેહૂદી-અવાસ્તવિક બની જાય છે. તો શું છે આ હિંસા, મૃત્યુ, ચીજ માત્રની ભંગુરતા? ફ્રૉઇડની આંગળી ઝાલી, જોઈશું થોડું આ બાબતમાં?

પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી લગભગ તરત જ ૧૯૧૫ની આસપાસ લખાયેલા ફ્રૉઇડના બે-એક લેખોમાંથી જોવા ધાર્યું છે. એક એમનો ઓછો જાણીતો લેખ છે – ‘On Transience’ અને બીજો છે ‘Thoughts For the Times on War and Death.’ એક વખત ફ્રૉઇડ ગ્રીષ્મ ઋતુમાં એક ઓછાબોલા મિત્ર અને એક યુવાન પણ પ્રસિદ્ધિ પામી ચૂકેલા કવિ સાથે કોઈક રમણીય ગ્રામવિસ્તારમાંથી પસાર થતા હતા. ફ્રૉઇડ લખે છે કે કવિએ ત્યાંના દેખાવની સુંદરતાની પ્રશંસા કરી, પણ એમના મિત્રને એમાંથી કંઈ આનંદ ન આવ્યો. આ બધી સુંદરતા એક દિવસ વિનાશ પામશે એ વિચારે એ ક્ષુબ્ધ થઈ ગયો હતો; શિયાળો આવશે કે આ ગ્રામવિસ્તારમાં પથરાયેલી સુંદરતા, માનવીએ જે બધી સુંદરતા અને ભવ્યતા સર્જી છે કે સર્જવાનો છે એની જેમ અદૃશ્ય થઈ જશે. આ રમણીયતા એણે આમ તો ખૂબ વખાણી હોત, એને ખૂબ ગમી હોત, પણ એની ભંગુરતાના વિચારે એને માટે એ મૂલ્ય ગુમાવી બેઠી હતી. જે કંઈ સુંદર છે, સંપૂર્ણ છે એ એક દિવસ કોહવાવાનું છે—વિનાશ પામવાનું છે એ હકીકત બે જાતના પ્રતિભાવો જગાડતા હોય છે. એક તો આપણે યુવાન કવિમાં જોયું એમ એ દર્દનાક હતાશાનો છે; અને બીજો પ્રતિભાવ વિદ્રોહ છે. ના, આ બધું પ્રકૃતિનું અને કળાનું સૌંદર્ય, આપણી સંવેદનાઓ અને બાહ્ય જગત બધું શૂન્યવત્ને પામે એ અશક્ય છે, એવું માનવું એ તો બધાને અર્થહીન બનાવી દે. ફ્રૉઇડ કહે છે કે ‘આ અમરત્વની માંગ એ બેશક આપણી ઇચ્છાઓની પેદાશ છે, એ વાસ્તવનો કોઈ દાવો કરી શકે નહીં. એ વેદનામય છે એટલે સાચું મટી જતું નથી. હું સર્વ ચીજોની ભંગુરતાની હકીકતનો કોઈ રીતે વિરોધ ન કરી શકું કે જે કંઈ સંપૂર્ણ છે—સુંદર છે એનો આ ભંગુરતામાં અપવાદ છે એમ પણ ન માની શકું. પણ આ યુવાન કવિનો નિરાશાવાદી મત કે જે સુંદર છે એ ક્ષણભંગુર છે અને એથી એ મૂલ્ય ગુમાવી દે છે એ વાતનો મને સખત વિરોધ છે. ખરેખર તો એની ભંગુરતા જ એનો આનંદ વધારે છે. આનંદ ઉપરની મર્યાદાની સંભવિતતા જ આનંદની કિંમત વધારે છે. મારી એ સમજણની બહાર છે કે સૌંદર્યની ભંગુરતાનો વિચાર આપણા આનંદની વચ્ચે આડ ખીલી કેમ બની શકે? પ્રકૃતિની સૌંદર્યની વાત છે ત્યાં સુધી તો દરેક વખતે શિયાળામાં એ નાશ પામે છે અને ફરી બીજા વર્ષે મહોરી ઊઠે છે એટલે આપણા જીવન દરમ્યાન તો એ અનંત જ ગણાય. જ્યારે માનવીય આકાર અને મુખનું સૌંદર્ય તો હંમેશ માટે આપણાં જીવનમાંથી અદૃશ્ય થઈ જાય છે, પણ એની આ ભંગુરતા જ એને મોહક તાજગી બક્ષે છે. ફૂલ જે માત્ર એક રાત માટે જ ખીલે છે એથી એ આપણને ઓછું સુંદર નથી દેખાતું. અને હું એ પણ સમજી શકતો નથી કે કળાકૃતિની પૂર્ણતા અને એનું સૌંદર્ય કે કોઈ બૌદ્ધિક સિદ્ધિ એની ઐહિક મર્યાદાને કારણે કઈ રીતે મૂલ્ય ગુમાવી બેસે. એવો સમય પણ આવે જ્યારે ચિત્રો અને પ્રતિમાઓ જેની આજે આપણે પ્રશંસા કરતા હોઈએ છીએ એ ધૂળ ભેગાં થઈ જાય કે આપણી પછી જે મનુષ્યજાતિ આવે એ આપણા કવિઓની કૃતિઓ કે ચિંતકોને સમજી ન શકે અથવા એવું પણ બને કે એવો ભૂસ્તરીકીય યુગ આવે જ્યારે પૃથ્વી ઉપરનું બધું જીવન સ્તંભી જાય. પણ આ બધી પૂર્ણતા અને સૌંદર્યનું મૂલ્ય આપણે માટે તો આપણા પોતાના ઊર્મિમય જીવનની અર્થપૂર્ણતાથી નક્કી થાય છે; આપણા પછી તે ટકે કે ન ટકે એની આપણે માટે જરૂર નથી રહેતી.’ ફ્રૉઇડને ઉપર દર્શાવેલા પોતાના વિચારો બિલકુલ વિવાદથી પર લાગ્યા હતા. પણ એમણે જોયું કે એમના મિત્ર અને કવિ ઉપર આ વિચારોની કોઈ અસર પડી નહોતી. એમની આ નિષ્ફળતાથી એમને ખ્યાલ આવ્યો કે એવું કોઈક શક્તિશાળી ઊર્મિમય તત્ત્વ છે જેથી આ બંનેની વિવેકબુદ્ધિ ક્ષુબ્ધ થઈ જાય છે. પાછળથી ફ્રોઇડને આનું કારણ હાથ લાગ્યું એમ એમને લાગ્યું. હમણાં તો સૌંદર્ય છે, પણ પછી જ્યારે એ નષ્ટ થશે ત્યારે દુઃખ લાગશે-શોક ઉત્પન્ન થશે – આ ભોગવવી પડનારી શોકની લાગણીની સામે આ લોકોનો વિદ્રોહ હતો એવી ફ્રૉઇડની માન્યતા બની. સુંદરતાની ક્ષણભંગુરતાનો વિચાર આ બંને સંવેદનશીલ મનને મૃત્યુ ઉપરના શોકનો આગોતરો ખ્યાલ આપતો હતો. મન તો જે કંઈ વેદનામય હોય એથી સહજવૃત્તિપણે દૂર ભાગતું હોય છે અને એથી આ મિત્રોને આ ભંગુરતાનો વિચાર એમના આનંદ માણવાની વૃત્તિમાં ખલેલ પહોંચાડતો હતો. ફ્રોઇડ વળી કહે છે કે સામાન્ય માણસને તો આપણે ચાહી છે એ વ્યક્તિની કે ચીજની ખોટ કે વિયોગ પાછળનો શોક ખૂબ સ્વાભાવિક અને સ્વયં-સ્પષ્ટ લાગતો હોય છે. પણ મનોવૈજ્ઞાનિક માટે તો આ શોક એક કોયડો જ છે. એમ દેખાય છે કે પ્રેમ કરવા માટે આપણી પાસે થોડીક શક્તિ હોય છે – મનોવૈજ્ઞાનિક પરિભાષામાં એને લિબિડો કહે છે. વિકાસના શરૂઆતના તબક્કાઓમાં આ લિબિડો આપણા પોતાના અહં તરફ વળેલો હોય છે. પછીથી અહંથી એ બીજી બહારની વસ્તુઓ પ્રત્યે વળે છે. હવે જો આ વસ્તુઓ નાશ પામે કે આપણે ગુમાવી દઈએ તો આપણી પ્રેમ કરવાની શક્તિ (લિબિડો) ફરી મુક્ત થાય છે અને પછી કાં તો એ લિબિડો બીજી વસ્તુઓ તરફ વળે કે કામચલાઉ ફરી અહં તરફ વળે. પણ લિબિડોની ગયેલી વસ્તુઓથી અલગ થઈ જવાની પ્રક્રિયા આટલી વેદનામય કેમ હોય છે એ મનોવૈજ્ઞાનિક માટે રહસ્ય જ છે. હજી સુધી એને સમજાવવા માટે કોઈ કલ્પિતાર્થ ઘડી શકાયો નથી. માત્ર એટલું જોઈ શકાય છે કે બીજી વસ્તુ અવેજીમાં પ્રાપ્ત હોય તોપણ ગુમાવેલી વસ્તુ કે વ્યક્તિને એ લિબિડો લાંબા વખત સુધી વળગી રહે છે. તો આ છે શોકની લાક્ષણિકતા. પછી યુદ્ધનું વિશ્લેષણ કરતા ફ્રૉઇડ કહે છે કે એ યુવાન કવિ સાથે વાતચીત ઉનાળામાં યુદ્ધ શરૂ થયા પહેલાં થઈ હતી. એક વર્ષ પછી યુદ્ધ ફાટી નીકળ્યું અને વિશ્વની સુંદરતાઓને ગ્રસી ગયું. એણે માત્ર એ જ્યાં જ્યાં ફરી વળ્યું એ ગ્રામવિસ્તારની જ રમણીયતા કે કળાકૃતિઓ કે કળાકીય રચનાઓનો વિનાશ કર્યો એમ નહીં, પણ આપણી સંસ્કૃતિની અનેક સિદ્ધિઓ માટેના આપણા ગર્વને, અનેક તત્ત્વજ્ઞો અને કળાકારો માટેના આપણા આદરને અને રાષ્ટ્રો અને જાતિઓ વચ્ચેના તફાવતો ઉપરના આપણા અંતિમ વિજયના આશાવાદને ચૂર્ણ કરી નાખ્યો. આપણા વિજ્ઞાનની નિષ્પક્ષતા ઉપર એણે બટ્ટો લગાડ્યો. આપણી સહજવૃત્તિઓ (instincts) એની પૂરી નગ્નતા સાથે ખુલ્લી પડી ગઈ અને આપણામાં રહેલાં અનિષ્ટ તત્ત્વોને છુટ્ટાં મૂકી દીધાં. આપણે એમ માનતા હતા કે સદીઓથી મળતા રહેલા ઉમદામાં ઉમદા શિક્ષણે હંમેશ માટે આપણાં આ અનિષ્ટ તત્ત્વોને નાથી લીધાં હતાં. વળી એ કહે છે કે યુદ્ધ દરમ્યાન આપણો લિબિડો જે કેટલીયે વસ્તુઓ-વિહીન થઈ ગયો હતો એ એકમાત્ર બાકી રહેલા આપણા દેશ પ્રત્યેના પ્રેમને તીવ્રતરપણે વળગી રહ્યો. પણ આપણે જે ગુમાવ્યું છે એમણે શું એ અટકાઉ-નાશવંત છે એ કારણે શું આપણે માટે મૂલ્ય ગુમાવી દીધું છે? આપણામાંનાં ઘણાંને એમ લાગે, પણ મારા મતે એ ખોટું છે. શોકાવસ્થા ગમે તેટલી દર્દભરી કેમ ન હોય, પણ સહજ રીતે એનો અંત પણ આવતો હોય છે. જે કંઈ ગુમાવ્યું છે એ બધાનો જ્યારે સંપૂર્ણપણે ત્યાગ કરવામાં આવે છે ત્યારે લિબિડો પૂરેપૂરો ખર્ચાઈ જાય છે અને એ ફરી મુક્ત થઈ બીજી વસ્તુઓ તરફ વળે છે અને એ વસ્તુઓ એટલી જ કે વધુ મૂલ્યવાન બને છે. આશા રાખીએ કે આ યુદ્ધથી જે ખોટો સહેવાનું આવશે એને આ વાત લાગુ પડે. આપણે જોઈશું કે જ્યારે આ શોકાવસ્થા પૂરી થશે ત્યારે આપણી સંસ્કૃતિની સમૃદ્ધિ માટેના આપણા ઊંચા અભિપ્રાયને એની બરડતાની આપણી શોધને લીધે આંચ નહીં આવે. યુદ્ધે જે બધાનો નાશ કર્યો છે એ બધું આપણે ફરી ઊભું કરીશું અને તે પણ વધુ મજબૂત અને ટકાઉ પાયા ઉપર. ૧૯૧૫ના વર્ષમાં ફ્રૉઇડે દાખવેલો આ આશાવાદ, આજે જ્યારે બધું અનેકગણું સંકુલ બની ગયું છે અને ટેક્નોલૉજીના હરણફાળ વિકાસ સાથે આપણા જીવનમાં જે ગુણાત્મક ફેરફાર આવતો જાય છે, માણસ જ્યારે વધુ ને વધુ ભીંસ અને એકલતા અનુભવતો જાય છે ત્યારે રાખવો મુશ્કેલ બની ગયું છે. અને છતાં ફ્રૉઇડની અસ્તિત્વની સંકલ્પના સાથે એમનો આ આશાવાદ એકદમ બંધબેસતો છે. અસ્તિત્વમાં તો સતત બધું નાશ પામતું રહે છે અને ફરી રચાતું રહે છે. જો આ વાત આપણા મનમાં ઠોસ બેસી જાય તો યુદ્ધે તમામે તમામ વસ્તુઓનો—આપણી ભાવનાઓ સુધ્ધાંનો વિનાશ કેમ ન કર્યો હોય, કાળ જતાં આપણી શોકાવસ્થા પૂરી થશે અને આપણો લિબિડો મુક્ત થશે કે ફરી ભવ્ય રચનાકાર્યમાં લાગી જઈશું. આ છે માનવીનું મન અને આ છે અસ્તિત્વનું દેખીતું સ્વરૂપ. પણ ફ્રૉઇડને કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની માણસની આસક્તિ સમજાય છે— એ માટે એમને પ્રશ્ન ઊઠતો નથી; જ્યારે માણસ કોઈ વ્યક્તિ કે વસ્તુ ગુમાવી બેસે ત્યારે એને થતા તત્કાળ શોકને પણ એ કદાચ સમજે છે; પણ એ શોકમાંથી બહાર આવવાની લાંબી વેદનામય પ્રક્રિયાથી એમને જે આશ્ચર્ય થાય છે એથી આપણને જરૂર નવાઈ લાગે. જો પેલી આસક્તિ સ્વીકારાતી હોય તો શોકની આ લાંબી પ્રક્રિયા કેમ સ્વાભાવિક મનાતી નથી? એનું કારણ શું એ હોઈ શકે કે ફ્રૉઇડની આ પાયાની માન્યતા કે માણસ વેદનાથી દૂર ભાગતો હોય છે અને એટલે આ શોકાવસ્થાના લાંબા કાળ માટે કારણ શોધવાનું રહે? એક વખત સજ્જડ ગૃહીત ધરાય કે બધું એ ચોકઠામાં બેસાડવું પડે. એમ લાગે છે કે ફ્રૉઇડમાં પ્રકૃતિગત જ સતત પરિવર્તન પામતા અસ્તિત્વની ભંગુરતા પ્રત્યે એક સ્વસ્થ-તંદુરસ્ત વલણ છે; એમના અભિગમમાં આ ભંગુરતાની પૂર્ણ સ્વીકૃતિ છે. એટલે બીજાં એ રીતે નથી જોતાં એનું એમને આશ્ચર્ય છે. આથી એનું કારણ શોધવા એ પ્રેરાય છે. છતાં એ જે કારણ આપે છે એ દૂરગામી લાગ્યા વગર રહેતું નથી. ફ્રૉઇડ કહે છે કે આ મિત્રો એમની સમક્ષ આવેલું સૌંદર્ય માણી શકતા નથી કારણ કે એ ક્ષણભંગુર છે એ વિચાર એમાં ખલેલ પાડે છે. ફ્રૉઇડને હિસાબે એ ખલેલ શા માટે પાડે છે? કારણ કે જ્યારે એ સુંદરતા ગુમાવવાનો અવસર આવશે ત્યારે એમને શોક-દુઃખ લાગશે અને એ વાત એમને માટે અસહ્ય છે. પણ પોતાનું નાશવંત જીવન, પોતે એક દિવસ નહીં હોય એ વિચાર અને સ્વયં સારા અસ્તિત્વની ક્ષણભંગુરતા જ એને શોકગ્રસ્ત બનાવવા માટે પૂરતું કારણ નથી? એ જ શું સ્વયં સ્પષ્ટ નથી? એવું લાગવું સાચું કે ખોટું એ બીજી વાત છે. તો હવે જોવા યત્ન કરીએ હિંસા અને મૃત્યુના સ્વરૂપને. આજે આપણી ચારે બાજુ વ્યક્તિગત અને સામૂહિક ભીષણ હિંસાનાં કૃત્યો જોવાનો સમય આવ્યો છે. પ્રશ્ન થાય કે આપણે શું આજે જ આટલા હિંસક બની ગયા છીએ કે આદિમ કાળથી એ ચાલ્યું આવે છે? ફ્રૉઇડ પ્રમાણે આ મારવાની વૃત્તિ આપણામાં પહેલેથી રહી છે. એ કહે છે, ‘Primaeval man was no doubt a very Passionate creature and more cruel and more malignant than other animals. He liked to kill and killed as a matter of course.’ માણસમાં પહેલેથી મારવાની વાસના lust to kill રહી છે. જેમ જેમ માણસ સંસ્કૃત થતો ગયો તેમ એ દબાતી આવી, પણ તક મળતાં એ બહાર નીકળી આવી, અને આદિમ વ્યક્તિ કરતાં આપણી સંવેદના વધુ બુઠ્ઠી થતી પણ ક્યારેક લાગી. પહેલાંના યુદ્ધમાં અને હમણાંના યુદ્ધમાં ફ્રોઇડે ફેર બતાવ્યો છે. આજે વિજયી યોદ્ધાઓ જ્યારે ઘરે આનંદપૂર્વક પોતાની પત્ની અને બાળકો પાસે પાછા ફરે છે ત્યારે પાસેથી કે દૂરથી પોતાના દુશ્મનોને એમણે હણી નાખ્યા છે એ વાતથી એ લોકો બિલકુલ ક્ષુબ્ધ થતા નથી હોતા. આ બાબતમાં આદિમ માણસો જુદી રીતે વર્તતા એ આજની આદિવાસી જાતિઓનો અભ્યાસ કરતાં ખબર પડે છે. એ લોકો નિર્દય ખૂનીઓ નહોતા. જ્યારે એ યુદ્ધમાંથી વિજયી થઈને પાછા ફરતા ત્યારે પોતે જે ખૂન કર્યાં હોય એનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર ગામમાં પગ મૂકતા નહીં કે પોતાની પત્નીને અડતા નહીં, અલબત્ત આપણે કહી શકીએ કે એ એમના વહેમનું પરિણામ હતું. હણાયેલાનાં પ્રેતો એમના ઉપર વેર વાળશે એવી એમને બીક રહેતી. પણ આ પ્રેતોની કલ્પના એ એમનો અંતરાત્મા ડંખતો હતો એ વાતને અને લોહી અંગેના એમના ગુનાહિત ભાવને જ અભિવ્યક્ત કરતી હતી. એમના વહેમની પાછળ એક પ્રકારની નૈતિક સંવેદનશીલતા રહી હતી જે આપણે સુસંસ્કૃત લોકોએ ગુમાવી દીધી છે. મૃત્યુ એ આપણા સમસ્ત જીવનને આવરી લેતી ન ખાળી શકાય એવી સર્વોપરી ઘટના છે. ફ્રૉઇડ કહે છે કે મૃત્યુ પ્રત્યેનું આપણું વલણ સીધું સરળ નથી. જાહેરમાં અલબત્ત આપણે કહેતા હોઈએ છીએ કે, મૃત્યુ એ તો જીવનનું ખૂબ જ સ્વાભાવિક પરિણામ છે વગેરે, પણ વાસ્તવમાં આપણે એ રીતે વર્તીએ છીએ કે જાણે આપણે કદી મરવાના નથી. આપણે આપણા મૃત્યુની હકીકતને ઢાંકી દેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા પોતાના મૃત્યુની કલ્પના કરવી આપણે માટે અશક્ય છે. અને જ્યારે એવો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ આપણા મૃત્યુના પ્રેક્ષક તો છેવટે રહીએ જ છીએ. એટલે મનોવિશ્લેષણ તો કહે છે કે અંતરતમમાં તો કોઈ પોતાના મૃત્યુમાં માનતું નથી, બીજી રીતે કહેવું હોય તો દરેકને પોતાના અમરત્વની ખાતરી છે ત્યારે બીજી બાજુ, આપણે ત્રાહિત માણસના કે દુશ્મનના મૃત્યુને માન્ય રાખીએ છીએ અને આદિમ માણસની જેમ જ તત્પરતાથી એમને મૃત્યુને હવાલે કરી દઈએ છીએ. એ સાચું કે એની જેમ વાસ્તવમાં એમને મારી નાખતા નથી, પણ એમના મૃત્યુ માટે જરૂર વિચારીએ છીએ અને ઇચ્છા રાખીએ છીએ. ભલે, આ માત્ર માનસિક વાસ્તવ હોય, પણ યથાર્થ કરતાં એને છેક જ ઓછું આંકવું બરાબર નથી, આપણા અચેતન આવેગોમાં આપણે રોજ કલાકે કલાકે જે કોઈ આપણી વચમાં આવ્યું હોય કે આપણી લાગણી દૂભવી હોય કે આપણને ખોટું લગાડ્યું હોય એમને ખતમ કરતા હોઈએ છીએ. કારણ કે આપણો સર્વસત્તાધીશ અને આપખુદ અહં ક્યાંક ને ક્યાંક એ લોકોથી ઘવાયો હોય છે. આદિમ જાતિમાં હતું એમ આપણા અચેતનમાં મૃત્યુ પ્રત્યેના આ બંને અભિગમો—પોતાના મૃત્યુની અવાસ્તવિકતા અને દુશ્મનના મૃત્યુની માન્યતા ટકરાય છે અને સંઘર્ષમાં આવે છે. આ બંને અભિગમોનો સંઘર્ષ આપણા પ્રિય પાત્રના મૃત્યુની બાબતમાં જોવા મળે છે. જેમ કે માબાપનું, પતિ-પત્નીનું, ભાઈ કે બહેનનું કે સંતાન કે પ્રિય મિત્રનું મૃત્યુ — જે આમ તો આપણા અહંના જ અંશો છે – તો બીજી બાજુ એ થોડા ત્રાહિત પરાયા પણ હોય છે. આ એકદમ નિકટના અને લાગણીમય પ્રેમસંબંધમાં એક નાનો અંશ દુશ્મનાવટનો પણ રહ્યો હોય છે જે આપણામાં એમને માટે અભાન મૃત્યુ ઇચ્છાને જગાડે છે. આ દ્વિર્ભાવને લીધે જાગતો સંઘર્ષ મનોરુગ્ણતા તરફ પણ લઈ જાય : ‘To sum up our unconscious is just as inaccessible to the idea of our own death, just as muderously inclined towards strangers, just as divided (that is, ambivalent) towards those we love, as was Primaeval man.’ પણ મૃત્યુ તરફના આપણા સાંસ્કૃતિક અને રૂઢિગ્રસ્ત અભિગમમાં આપણે આ આદિકાળની અવસ્થાથી દૂર નીકળી ગયા છીએ. છતાં યુદ્ધ આપણી બધી સાંસ્કૃતિક સિદ્ધિઓને ઉતરડી નાખે છે અને આપણા દરેકમાં રહેલા આદિમ માનવીને છતો કરે છે. પણ હવે સમય પાકી ગયો છે કે મૃત્યુનું આપણા વાસ્તવમાં અને આપણા વિચારોમાં જે ખરું સ્થાન છે તે સ્વીકારીએ અને મૃત્યુ પ્રત્યેના આપણા અભાન વલણને જે આપણે અત્યાર સુધી ખૂબ સાવધતાથી દબાવી દીધું છે એને થોડું વધુ મહત્ત્વ આપીએ. આ કોઈને ઉચ્ચતર સિદ્ધિ પ્રત્યેની આપણી પ્રગતિ ન જ લાગે, અને કેટલીક રીતે તો આ પારોઠનાં પગલાં છે, પણ સત્યને વધુ સ્વીકાર્ય બનાવવાનો એમાં લાભ છે, અને એ રીતે આપણે જીવનને વધુ સહ્ય બનાવી શકીએ. આપણા બધા માટે – બધી જીવતી વ્યક્તિ માટે – જીવનને સહ્ય બનાવવું એ પહેલી ફરજ છે. ભ્રમણાનું કશું મૂલ્ય નથી, જો એ આપણું જીવવાનું વધુ મુશ્કેલ બનાવતી હોય તો. તમારે જીવનને સહ્ય બનાવવું હોય તો મૃત્યુ માટે તમને તૈયાર કરો. અહીં ફ્રૉઇડને three cheers કહેવાનું મન થઈ આવે અને સાથે સાથે બુદ્ધ યાદ આવે. બુદ્ધે કહ્યું છે કે, ‘એક ક્ષણભર પણ તમને સર્વ વસ્તુઓ ક્ષણભંગુર-વિનાશી છે એમ બેસી જાય તો ઘણી મોટી વસ્તુ બને. જે ઉદ્ભવે છે એનો વિલય છે... ..ક્ષણભંગુરતાની સમજણ એ જ આપણી સલામતી છે.’ એક વાર્તા ઝાંખી ઝાંખી યાદ આવે છે. કોણે લખી હતી એ કશું યાદ આવતું નથી, પણ એક બુઢ્ઢી મા ગુમાયેલી પુત્રી પાછી આવશે એ આશા સેવતી તીવ્રપણે એને ઝંખ્યા કરે છે, સંતપ્ત રહ્યા કરે છે અને રોજ રોજ રાહ જોતી તાણ અનુભવતી હોય છે. પછી એક દિવસ કોઈ હિંમત કરીને એને કહી દે છે કે એ તો મૃત્યુ પામી છે. બધાને એમ હતું કે એ આ સાંભળીને ભાંગી પડશે. પણ એથી ઊલટું, એ એકદમ શાંત થઈ ગઈ. એક વખત વાસ્તવ જેવું છે એ સ્વીકારો કે મન વલખાં મારતું અટકી જાય અને શાંત થઈ જાય. ફ્રૉઇડ કહે છે કે આપણામાં રહેલા અનિષ્ટ આવેગો જેવા કે ક્રૂરતા, સ્વાર્થ, મારી નાખવાની વાસના વગેરેનું રૂપાંતર કરવામાં બે તત્ત્વોએ ભાગ ભજવ્યો છે. એક તો માણસની પ્રેમ (erotism એના ખૂબ વિશાળ અર્થમાં) માટેની જરૂરિયાત એની અહંવૃત્તિનું સામાજિકતામાં રૂપાંતર કરે છે અને બીજું તત્ત્વ તે આપણા અમુક સાંસ્કૃતિક પરિવેશમાંનો આપણો ઉછેર. આપણી સંસ્કૃતિની પ્રાપ્તિ આપણને સહજવૃત્તીય તૃપ્તિના થતા રહેતા ત્યાગથી થઈ છે. સંસ્કૃતિના પ્રભાવને કારણે અને આપણી પ્રેમની જરૂરિયાતને કારણે આપણાં અહંવાદી વલણોનું સતત પરોપકારી અને સામાજિક વલણોમાં રૂપાંતર થતું રહ્યું છે. માનવીય મનની અચેતન-ચેતન પ્રક્રિયાઓ જે રીતે ફ્રૉઇડનાં લખાણોમાં સૂક્ષ્મતાને પામે છે અને ઉદ્ઘાટિત થતી આવે છે એનું યથાતથ દર્શન આપણે માટે અત્યંત રોમાંચકારી સાબિત થાય છે. ફ્રૉઇડને આપણી સલામ.

તા. ૨૦-૬-૯૩