અન્વેષણા/૪. વેદોમાં સમાજ અને રાજ્યની રક્ષા
સમાજ અને રાજ્યની ધારણા સદાચાર અને નતિક મૂલ્યો વડે થાય છે, પણ એની રક્ષા રાજનીતિ અને દંડનીતિ વડે થાય છે. અહી વૈદિક સાહિત્યને આધારે તત્કાલીન રાજનીતિ અને દંડનીતિનો ખ્યાલ આપવાનો હું પ્રયત્ન કરીશ. ઋગ્વેદ તેમ જ પછીના સાહિત્યમાં राजन् શબ્દનો અર્થ ‘રાજા’ થાય છે એ તો સ્પષ્ટ અને પ્રસિદ્ધ છે. શત્રુરાજ્યો ઉપર આક્રમણ ઉપરાંત સ્વરાજ્યનું રક્ષણ એ રાજાનું એક મુખ્ય કર્તવ્ય હતું. આથી એને गोपा जनस्य અર્થાત્ ‘લોકોનો રક્ષક’ કહ્યો છે. राष्ट्र એટલે ‘રાજ્ય’. રાજાનો પુરોહિત પોતાના મંત્રો અને વિધિવિધાનો વડે રાજા અને પ્રજાનું રક્ષણ કરતો; એથી તેને राष्ट्रगोप ‘રાજ્યનો રક્ષક’ કહેવામાં આવ્યો છે. ઋગ્વેદના વાગામ્ભૃણિ સૂક્તમાં મનુષ્યવાણી રૂપે પ્રગટ થતી વાગ્દેવીની સ્તુતિ કરતાં તેને राष्ट्री કહી છે, એ વ્યવહાર અને અધ્યાત્મચિન્તનને એકરૂપતા આપનારી દૃષ્ટિ સૂચવે છે. રાજા પોતે ‘અદંડ્ય’ હોઈ કોઈ શિક્ષાને પાત્ર નહોતો, પણ સમાજની વ્યવસ્થા માટે દંડ ધારણ કરતો એટલે કે અપરાધીઓને સજા કરતો. રાજસૂય રૂપે રાજાના મહાભિષેકનો વિધિ પૂરી વિગતો સાથે વૈદિક ગ્રન્થમાં વર્ણવેલો છે. વાજપેય યજ્ઞ કરનાર ‘સમ્રાટ’ની પદવી પ્રાપ્ત કરતો. જોકે મૌર્ય યુગમાં ભારતમાં પહેલી વાર સ્થપાયું હતું એવું વિશાળ સામ્રાજ્ય વૈદિક સમયમાં નહોતું એ વાત ઐતિહાસિક સ્પષ્ટતાની દૃષ્ટિએ ધ્યાનમાં રાખવી જોઈએ. क्षतृ અને क्षत्रिय શબ્દ ચાર વર્ણો પૈકી યુદ્ધવિદ્યા અને સમાજરક્ષણનો વ્યવસાય સ્વીકારનાર વર્ગ માટે વપરાયો છે. राजन्य તરીકે ઓળખાતી વ્યક્તિઓ પણ આ વર્ગની હોય. પરંતુ રાજન્ય એ રાજકુટુંબનો માણસ હતો, જ્યારે ક્ષત્રિય એ વિશાળ પ્રજાસમૂહનો સભ્ય હતો. ક્ષત્રિયનું મુખ્ય કર્તવ્ય ગમે તે સમયે યુદ્ધ માટે તૈયાર રહેવાનું હતું. એનું મુખ્ય હથિયાર ધનુષ્ય હતું. આથી क्षत्रविद्या (‘ક્ષત્રિયની વિદ્યા’)નો અર્થ ‘ધનુર્વેર્વેદ’ કરવામાં આવ્યો છે. धन्वन् અથવા ધનુષ્યની સાથે इषु અથવા બાણ હોય જ. એ બન્નેનો સાથે ઉલ્લેખ इषु-धन्वन् એ રીતે થયો છે. दिग्ध અથવા ઝેરી બાણોનો તથા બાણના જુદા જુદા ભાગોનો નિર્દેશ વૈદિક સાહિત્યમાં છે. ધનુષની દોરીને કાન સુધી ખેંચીને બાણ છોડતા; આથી બાણને ‘કર્ણયોનિ’ પણ કહેવામાં આવ્યું છે. ધનુષની પ્રત્યંચા અથવા દોરી માટેનો શબ્દ છે. ज्या; અને તે સાહિત્યિક સંસ્કૃતમાં પણ વ્યાપક પ્રચારમાં છે. ધનુષની દોરી તૈયાર કરવાનો એક ખાસ વ્યવસાય હતો; એ બનાવનારને ज्याकार કહેતા. પ્રત્યંચાના અવાજને ‘અથર્વવેદ’માં ज्या-घोष કહ્યો છે. ધનુષના ટંકારનાં આલંકારિક વર્ણનો પછીના કાળના સંસ્કૃત સાહિત્યનાં યુદ્ધવર્ણનોમાં સર્વત્ર છે. ક્ષત્રિયોના आयुधનો વૈદિક સાહિત્યમાં વ્યાપક અર્થ છે. અશ્વરથ, ધનુષબાણ અને વર્મન્ અથવા કવચનો સમાવેશ આયુધમાં થાય છે. પ્રત્યંચાથી થતો આઘાત ખાળવા માટે ડાબા ખભા ઉપર ચામડાનું આવરણ પહેરાતું, જેને ह्स्तघ्न કહેતા. યોદ્ધો પોતાના માથા ઉપર शिप्रा અથવા ટોપ ધારણ કરતો. ઢાલનો તેમ જ પગના રક્ષણ માટેના કોઈ સાધનનો ઉલ્લેખ નથી. બીજાં હથિયારોમાં કુહાડી માટે स्वधिति, वासी, परशु; ભાલા માટે ऋप्टि, रम्भिणी, शक्ति, शरू; અને તલવાર માટે असि, कृति એ શબ્દો છે. મુખ્ય યોદ્ધાઓ રથમાં બેસીને યુદ્ધ કરતા. રથને ઘણુંખરું બે ચક્ર અથવા પૈડાં રહેતાં. એને સામાન્યત: બે ઘોડા જોડાતા, પણ ઘણી વાર ત્રણ, ચાર અને કોઈ વાર પાંચ ઘેાડા પણ જોડાતા. ઘોડાને બદલે રથને કોઈ વાર ગધેડા અને ખચ્ચર પણ જોડવામાં આવતાં. રથમાં સારથિ જમણી બાજુએ ઊભો રહેતો અને યોદ્ધો ડાબીબી બાજુએ ઊભો રહેતો. જોકે બેઠકની વ્યવસ્થા પણ રથમાં રહેતી, રથકાર અથવા રથ બનાવનાર વર્ગનો ઉલ્લેખ મળે છે અને આપસ્તંબના શુલ્બસૂત્રમાં રથનાં વિગતવાર માપ આપવામાં આવ્યાં છે. રથયુદ્ધ માટે ‘રથસંગ’ એવો શબ્દપ્રયોગ ઋગ્વેદમાં છે. ‘રથી’ એટલે રથમાં બેસીને લડનારો યોદ્ધો તેમ ‘પત્તિ’ એટલે પાયદળનો સૈનિક. હયદળ અથવા આશ્વારોહી સૈનિકોના ખાસ ઉલ્લેખો વૈદિક સાહિત્યમાં નથી. સૈન્ય તેમ જ યુદ્ધ એ બંનેય માટે વૈદિક સાહિત્યમાં पृत् અને पृतना શબ્દો છે, વળી યુદ્ધ માટે रण, प्रधन, संग्राम અને आजि એ શબ્દો છે. સંગ્રામ શબ્દનો મૂળ અર્થ ‘મિલન-એકત્ર થવું’ એટલો જ છે. ग्राम એટલે ટોળી કે ટોળીઓ જ્યાં એકત્ર થાય, પછી તે શાન્તિમય કાર્યો માટે હોય કે યુદ્ધ માટે હોય, તે સંગ્રામ. એનો ‘યુદ્ધ’ એવો અર્થસંકોચ ઉત્તરોત્તર થતો ગયો. ‘કિલ્લા’ના અર્થમાં पुर શબ્દ વદિક સાહિત્યમાં વારંવાર આવે છે. એક સ્થળે अश्ममयी અથવા પથ્થરના કિલ્લાનો અને અન્યત્ર आयसी અથવા લોખંડના કિલ્લાનો ઉલ્લેખ છે. गोमती અથવા ગાયોથી ભરેલા કિલ્લાનો પણ નિર્દેશ છે, એ બતાવે છે કે ગાયોને સુરક્ષિત રાખવા માટે પણ એ સ્થાનોનો ઉપયોગ થતો. દાસ લોકોના शारदी पुर અથવા શરદઋતુના કિલ્લાઓની વાત પણ આવે છે. શરદઋતુમાં આર્યોના આક્રમણમાંથી બચવા માટે અથવા નદીઓનાં પુરમાંથી બચવા માટે દાસ લોકો એ કિલ્લાનો ઉપયોગ કરતા હશે. शतमुखी પુર અથવા સો દ્વારવાળા કિલ્લાનો આલંકારિક ઉલ્લેખ પણ ઋગ્વેદમાં બે સ્થાને છે. જ્યાં મુશ્કેલીએ જઈ શકાય એવું દુર્ગમ સ્થાન તે દુર્ગ. એ શબ્દ ‘કિલ્લા’ના અર્થમાં પણ ઋગ્વેદમાં વપરાયો છે. પછીના સાહિત્યમાં તો ‘દુર્ગ’નો એ અર્થ જ વ્યાપક છે. મુખ્ય વૈદિક દેવો પૈકી વરુણ એ વિશ્વવ્યવસ્થાના અને નીતિના નિયમોને ધારી રાખનાર પ્રતાપી દેવ છે. અગ્નિ એ મનુષ્યને પરમાત્મા સાથે જોડનાર દિવ્ય શક્તિ છે, સ્વર્ગમાંથી મનુષ્યોને ઘેર આવેલો અતિથિ છે અને દેવોનો સંદેશવાહક દૂત છે. પરન્તુ વેદકાલીન આર્યોના રાષ્ટ્રીય દેવ ઇંદ્રને કહી શકાય. પરમાત્માની શક્તિનું એ સ્વરૂપ છે. તે ‘શક્ર’, ‘શતક્રતુ ‘ અને ‘શચીપતિ’ તરીકે ઓળખાય છે. ‘શક્ર’ એટલે શક્તિમાન, ‘શતક્રતુ’ એટલે સેંકડો ‘ક્રતુ’ અથવા શક્તિવાળો; ‘શચીપતિ’ એટલે શક્તિનો પતિ. તત્કાલીન પ્રજાની જેમ ઇંન્દ્ર પણ યુદ્ધપ્રિય દેવ છે, ઇન્દ્રની અપાર શક્તિ અને પરાક્રમનું વર્ણન વૈદિક આર્યોએ વારંવાર કર્યું છે. એ હાથમાં વજ્ર ધારણ કરે છે, અને વૃત્ર, અહિ વગેરે દાનવોનો નાશ કરી જગતને અંધકાર, અનાવૃષ્ટિ અને સંકટોમાંથી મુક્ત કરે છે. વૈદિક દેવતાસમૂહ પૈકી કોઈ પણ દેવતાના વિશિષ્ટ ગુણોનું આટલું વિસ્તૃત વર્ણન મળતું નથી. ઇન્દ્રને ઉદ્દેશીને રચાયેલાં ૨૫૦ સૂક્તો વેદમાં છે. ઇન્દ્રના બાહુ બળવાન છે. તેના હોઠ સુન્દર છે અને પોતાની શુભ્ર દાઢી તે કૌતુકપૂર્વક હલાવે છે. એની અંગકાન્તિ સુવર્ણવર્ણી છે, એની વિશાળતા એવી છે કે પૃથ્વી અને આકાશ બંને મળીને એની મેખલા બનવાને પણ પૂરતાં નથી. સામર્થ્યને કારણે ‘વૃષભ’ સંજ્ઞા એને ખૂબ આદરપૂર્વક અપાયેલી છે. ઇન્દ્રદેવ એના ઉપાસકોની મહત્ત્વાકાંક્ષી વીરતાનું પ્રતીક છે. આવી વીરતા અને વિજયની ભાવનાઓનું ઉત્તમ સામાજિક પ્રતિબિંબ ઋગ્વેદના સંગ્રામાશિષ સૂક્તમાં પડ્યું છે. ઋગ્વેદના છઠ્ઠા મંડળનું એ ૭૫મું સૂક્ત છે. એના ઋષિ પાયુ ભારદ્રાજ છે. એ ઋષિએ અભ્યાવર્તિન્ ચાયમાન અને પ્રસ્તોક સાર્જંયનાં આયુધોને મંત્રપૂત કર્યાં હોવાનો ઉલ્લેખ ‘બૃહદદેવતા’માં છે. સંગ્રામાશિષ સૂક્તમાં કુલ ૧૯ ઋચાઓ છે. એ વીરરસપૂર્ણ કવિત્વમય સૂક્તનું સારગ્રાહી ભાષાંતર અહીં રજૂ કરું છું. એમાં પાયુ ભારદ્વાજ ગાય છે—
‘સંગ્રામને મોખરે જતા કવચધારી યોદ્ધાનું સ્વરૂપ ગર્જના કરતા મેઘ જેવું છે. અક્ષત શરીર સાથે તું જય પામ ! તારા કવચનો મહિમા તારું રક્ષણ કરો. (૧) ધનુષ વડે અમે ગાયો મેળવીએ, ધનુષ વડે યુદ્ધમાં જય મેળવીએ, ધનુષ વડે તીવ્ર સંગ્રામોમાં વિજયી બનીએ. ધનુષ શત્રુને શોકાતુર બનાવે છે; ધનુષ વડે સર્વ દિશાઓમાં અમે વિજય કરીએ. (૨) ધનુષની આ પ્રત્યંચા જે સમરભૂમિમાં અમારું રક્ષણ કરે છે તે એના પ્રિય સખા બાણને આલિંગન કરતી, એના કાનમાં મુખી રાખી વાત કરતી હોય તેમ, યુવતીની જેમ ઝીણો ગણગણાટ કરે છે. (૩) आर्त्नी અથવા ધનુષના બે છેડા, સ્ત્રી અને પુરુષની જેમ એકબીજા પ્રત્યે આકર્ષાઈને, પોતાના બાળક બાણને અંકમાં ધારણ કરે છે. બાણ ફેંકફેંકતી વખતે પરસ્પરથી એકાએક અલગ થતા, ધનુષ્યના બે છેડા અમારા દ્વેષી શત્રુઓને વેરવિખેર કરી નાખો. (૪) યોદ્ધાની પીઠ ઉપર રહેલો ભાથો બાણરૂપી અનેક પુત્રો અને પુત્રીઓનો પિતા છે; યુદ્ધભૂમિ ઉપર જતાં એનું તેજ પ્રકાશે છે; સર્વ વિરોધી સેનાઓ અને બળો ઉપર પોતાની સંતતિરૂપ બાણો વડે તે વિજય મેળવે છે. (૫) રથમાં ઊભેલો નિપુણ સારથિ ઇચ્છે તેની સામે પોતાના ઘોડાઓને દોરી જાય છે. અશ્વોને કાબૂમાં રાખનાર લગામ પાછળનું સામર્થ્ય જુઓ અને તેની પ્રશંસા કરો ! એમાં રહેલી ઇચ્છાશક્તિનો મહિમા પ્રગટ થાય છે. (૬) રથ સાથે જોડાયેલા અશ્વો, પોતાનું સામર્થ્ય બતાવતા અને ખરીઓ વડે ધૂળની ડમરી ઉરાડતા, જોરથી હણહણાટ કરે છે. પોતાના આગલા પગ વડે શત્રુઓ ઉપર તૂટી પડતા તે અશ્વો, જરાયે કંપ્યા વિના, તેમને કચડી નાખે છે. (૭) આ યોદ્ધાના હવિનું નામ રથવાહન છે, ત્યાં એક કવચ અને આયુધ મૂકવામાં આવે છે. આનંદપૂર્ણ હૃદયવાળા અને પ્રતિદિન અમારા સહાયકારી રથનું સન્માન કરીએ. (૮) વિજય વડે મેળવેલી લક્ષ્મીથી આનંદ પામતા, અન્ન વહેંચતા, સંકટમાં આશ્રય આપતા, શક્તિ અર્થાત્ ભાલો ધારણ કરનારા, ગંભીર, આકર્ષક રીતે ગોઠવાયેલા, બાણરૂપી બળવાળા, અસત્ય નહિ બોલનારા, વીર, પ્રચંડ તથા અનેક યુદ્ધોમાં વિજય મેળવનારા એવા રથના રક્ષકો છે. (૯) બ્રાહ્મણો અને પિતૃઓ, સોમપાન માટે એકત્ર થાઓ! અતુલ એવાં દ્યાવાપૃથિવી અમારું કલ્યાણ કરો ! હે પૂષન્, દુરિતમાંથી અમારું રક્ષણ કરો ! ઋતનું પાલન કરનાર તત્ત્વો અમારું સંગોપન કરો ! અનિષ્ટ આચરનારનું અમારા ઉપર વર્ચસ્ન થાઓ. (૧૦) મૃગ એ બાણના દાંત છે (કેમ કે બાણની અણી મૃગના શિંગડાની બનેલી છે), ગરુડનાં પીછાંનો એનો વેશ છે: ગાયના ચામડાથી બંધાયેલ બાણ ધનુષમાંથી ઊડે છે. વીર પુરુષો જ્યાં આમતેમ દોડે છે એ રણક્ષેત્રમાં એ બાણ અમને આશ્રય અને રક્ષણ આપો. (૧૧) સામોસામ ઊડતાં એ બાણના સપાટામાં અમે ન આવીએ ! અમારાં શરીર શિલા જેવાં દૃઢ થાઓ ! સોમ કૃપા કરીને અમારી સાથે સંવાદ કરો ! અદિતિ અમને સુખ આપો! (૧૨) સારથિ અશ્વોની પીઠ ઉપર ચાબુક મારે છે, એમની જંઘા ઉપર ચાબુક લગાવે છે. અશ્વોને દોડાવનાર ચાબુક, તું અમારા પાણીદાર અશ્વોને સમરભૂમિમાં પ્રેર. (૧૩) પ્રત્યંચાનો આઘાત ખાળવા માટે ડાબા ખભા અને બાહુ ઉપર પહેરેલો હસ્તઘ્ન સાપના ભરડાની જેમ હાથને વીંટાઈ વળે છે, પોતાનાં સર્વ કર્તવ્યને જાણનાર તે પરાક્રમી હસ્તઘ્ન, આ પુરુષનું ચારે કોરથી રક્ષણ કરો. (૧૪) અણી ઉપર વિષથી લેપાયેલાં, મૃગના શિંગડાની અણીવાળાં, લોઢાની અણીવાળાં, પર્જન્યના તેજથી ઉત્પન્ન થયેલાં (અર્થાત્ વર્ષાઋતુમાં ઊગેલા નેતરનાં બનેલા), દિવ્ય બાણને બૃહત્ નમસ્કાર. (૧૫) અમારી પ્રાર્થનાથી તીવ્રતર બનેલ હે બાણ, પ્રત્યંચામાંથી છૂટીને તારા નિશાન તરફ ઊડ! અમારા શત્રુઓ ઉપર જા, તેમના ઉપર બરાબર ઘા કર, એમનામાંથી એક પણ ન બચે. (૧૬) જેમના માથાના વાળ હજી ઉતાર્યાં નથી એવા કુમારોની જેમ બાણો જ્યાં ઊડે છે એવી રણભૂમિમાં બ્રહ્મણસ્પતિ અને અદિતિ અમારું રક્ષણ કરો! સર્વદા અમને આશ્રય આપો! (૧૭) તારા મર્મ ભાગોને હું કવચથી ઢાંકું છું; રાજા સોમ તારા ઉપર અમૃતનું આવરણ કરો; વરુણ દેવ તને મહાન પુરુષોમાં પણ મહાન કરો; તારા વિજયમાં દેવો પણ આનંદ પામો. (૧૮) અમારા વધ કરવા ઇચ્છે-પછી તે અજાણ્યા શત્રુ હોય કે અમારામાંનો જ કોઈ હોય-તે સર્વનો દેવો પરાભવ કરો ! મારું આંતરિક કવચ એ મારી પ્રાર્થના છે. (૧૯)’
[‘નવચેતન’, નવેમ્બર ૧૯૬૬]