ભારેલો અગ્નિ/૨ : ઉઘાડી આંખ

From Ekatra Wiki
Revision as of 14:22, 8 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨ : ઉઘાડી આંખ

કલ્યાણીએ રાત્રે શિયાળને રડતાં સાંભળ્યાં. એ તો નિત્યનો પ્રસંગ કહેવાય. ગામડામાં રહેનારે સંધ્યાકાળથી શિયાળનાં રુદન સાંભળવા તૈયાર રહેવું જોઈએ. મન બીજે પરોવાયેલું ન હોય ત્યારે કુદરતના થતા સાહજિક નાદ પણ મનને ખેંચે છે.

પરંતુ શિયાળ બોલે એટલે તેને રડતું જ કલ્પવું એ કેટલી ભૂલ! કલ્યાણીએ એ કલ્પના બદલી અને શિયાળના સમૂહરુદનમાં ઉત્તેજક ભાવના વાંચવા મંથન કર્યું. માનવજાત બુદ્ધિશાળી ખરી કે નહિ તે વિષે મતભેદ તો છે જ. તેને બુદ્ધિવિહીન ગણીએ તોય તેના સમૂહમતમાં ઘણી વખતે ડહાપણ દેખાઈ આવે છે. શિયાળની વાણી માનવજાતને તો અણગમતી જ લાગે છે. કલ્યાણીને પણ તે ગમી નહિ.

કલ્યાણીને વિચાર આવ્યો : શું એ અણગમતી વાણીમાં શિયાળ જેવી ચતુર જાતની કરુણ કથા જ સમાઈ રહી હશે? એના બોલમાં બીજી ભાવનાઓ પણ કેમ ન હોય? શિકાર મળ્યાનો આનંદ પણ હોઈ શકે!

શિકારનો વિચાર આવતાં કલ્યાણી કમકમી. માનવી સુધ્ધાં સમગ્ર પ્રાણીસૃષ્ટિ અન્યનો પ્રાણ લઈ ખોરાક મેળવે છે. થોડાં જાનવરો ઘાસપાલા ઉપર ગુજારો કરે છે; પરંતુ લ્યૂસી કહેતી હતી તેમ એ જાનવરો ગુલામી સ્થિતિમાં નથી રહેતાં? ગાયને નિરામિષ આહાર જોઈએ. એ ગાયને માનવી પરાધીન બનાવી મૂકે છે. માંસાહારી સિંહનો ઉપયોગ માનવીથી થતો નથી. અને જગતમાં લગભગ આખી પ્રાણીસૃષ્ટિનો નિયમ છે કે અન્યને મારી પોતે જીવવું. એટલે શિયાળને ખોરાક મળતાં આનંદ થાય જ.

માનવીને પણ એમ જ છે. ખોરાક મળતાં તેને આનંદ થાય છે જ. દક્ષિણના, ગુજરાતના, ઉત્તરખંડના, બ્રાહ્મણવાણિયા સિવાય કોણ વનસ્પતિ આહાર કરે છે? અને વનસ્પતિઆહાર કરનાર માંસાહારીઓથી પરાજિત થાય છે જ.

કલ્યાણી હસી. એ વળી શું? રજપૂત, મુસલમાન, મરાઠા, શીખ એ બધાયને માંસ ખપે તોય તેમનાથી સફળ રાજ્યો રચી શકાયાં નહિ. યુદ્ધમાં માંસાહાર જ વિજય અપાવતો હોય તો ગૌતમથી યુદ્ધ કેમ થઈ શકત? અને ગૌતમ સરખો આચારવિશુદ્ધ બ્રાહ્મણ બીજો કયો હોય? એનું યુદ્ધકૌશલ જેવું તેવું નહોતું. ત્ર્યંબક પણ સર્વદા તેનાં વખાણ જ કરતો.

પરતું એ યુદ્ધ ગૌતમને કલ્યાણીથી દૂર જ રાખ્યા કરતું હતું. પશુને પણ યુદ્ધ, પક્ષીને પણ યુદ્ધ અને માનવીને પણ યુદ્ધ! પછી એ ત્રણમાં કાંઈ તફાવત ખરો? સ્વજનને એકાલાં મૂકવાં, રઝળાવવાં! યુદ્ધ સિવાય માનવીને બીજા કોઈ માર્ગનું દર્શન કેમ થતું નથી? દેવના દરબારમાં કાંઈ યુદ્ધ હોય?

અરે હા! દેવ અને દાનવે પણ ઘોર સંગ્રામ ક્યાં નથી રચ્યા? દેવ દાનવ અને માનવ; જળચર, ભૂચર અને ખેચર; સર્વને માટે યુદ્ધ શું ઈશ્વર પણ સંહારમૂર્તિ નથી? ત્યારે એ સર્જન કરે છે શા સારું? માનવીને સર્જી એની સામે મૃત્યું ધરવું તે શું તેની હાંસી કરવા સરખું નથી?

એકાએક ઘુવડનો અવાજ સંભળાયો! કલ્યાણીને વધારે કમકમી આવી. ગામડામાં ઘુવડનો અવાજ પણ નવાઈનો કહેવાય નહિ. તોય તે ભય પમાડે છે. કલ્યાણી પથારીમાં બેઠી થઈ ગઈ. તેણે કાને હાથી દીધા તોય તેને ઘુઘવાટ સંભળાયો. કલ્યાણીથી બોલાઈ ગયું :

‘મૂઓ આ કાળમુખો!’

‘શું છે, બહેન?’ રુદ્રદત્તે પૂછયું.

‘દાદાજી! જાગો છો?’ કલ્યાણીએ પૂછયું.

‘હા દીકરી! તને ઊંઘ નથી આવતી, ખરું?’

‘ના, કોણ જાણે કેમ, આજે જાગી જવાય છે.’

‘ઘુવડનો ભય લાગ્યો?’

‘ભય નહિ; પણ એનો બોલ ગમતો નથી.’

‘એવો વહેમ ન રાખીએ. ઘુવડ પણ પ્રભુની જ સૃષ્ટિમાં છે!’

કલ્યાણીએ કશો જવાબ આપ્યો નહિ. ઘુવડ બોલ્યા જ કરતો હતો. કલ્યાણીએ પાસે પડેલા જનોઈના દોરાને ગાંઠ વાળવા માંડી.

‘ઘૂ ઘૂ ઘૂ!’ મહાપક્ષીએ ગર્જના કરી.

કલ્યાણીએ દોરાની એક ગાંઠ વાળી. ઘુવડના પ્રત્યેક બોલે તેણે દોરો બાંધવા માંડયો. ઘુવડના સાત બોલને દોરામાં ગૂંથી લેવાય અને દોરો જેને હાથે બંધાય તેની ઘાત દૂર થાય એવી માન્યતાએ તેને પ્રેરી.

‘સાત પૂરા થાય તો ગૌતમને હાથે બાંધું.’

ચોથો બોલ થયો. પાંચમો બોલ થયો. કલ્યાણીનું હૃદય ધડક્યું.

‘સાત પૂરા થશે?’

છઠ્ઠો બોલ થયો. કલ્યાણીનો હાથ ધ્રૂજ્યો. દોરો તેના હાથમાંથી પડી ગયો.

દૂર ઝાંખો દીવો બળતો હતો. દીવાની મદદથી દોરો દેખાય એમ ન હતું. પથારીમાં હાથ ફેરવી દોરો શોધી કાઢયો. સાતમો પડઘો પડયો. કલ્યાણીએ ઝટ ગ્રંથિ બાંધી.

પણ ગ્રંથિ તો છઠ્ઠી હતી!

જે ઘુવડનો બોલ કાળ સરખો લાગતો હતો તે ઘુવડના બોલની રાહ કલ્યાણી જોઈ રહી હતી. ક્ષણો પસાર થઈ તોય પક્ષીએ શબ્દ ઉચ્ચાર્યો જ નહિ. કલ્યાણી અધીરી બની. શું એક બોલ સારુ આખોયે દોરો નિરર્થક જવાનો?

સુસવાટ ભરી પાંખ હલાવતું છતાં શાંતિ વધારતું પક્ષી પાઠશાળાના છાપરા ઉપરથી ઊડી ગયું.

કલ્યાણીએ રીસમાં દોરો નીચે ફેંક્યો ને દૂરથી ઘુવડ ફરી ગાજ્યો. પાઠશાળાના ઝાંપા ઉપર કોઈએ જોરથી ખખડાટ શરૂ કર્યો.

‘કોણ હશે?’ દૂર સૂતેલો ત્ર્યંબક બોલી ઊઠયો.

‘ખોલો.’

‘અત્યારે કોણ હશે?’ કલ્યાણીએ કંપિત સ્વરે ધીમેથી પૂછયું. ઘુવડના બોલે તેને બિવરાવી હતી. ગૌતમ ગયો ત્યારથી તેનું માનસ વિકળતાભર્યું બની ગયું હતું. કંઈ અગમ્ય ગૂઢ ભય તેને ચારેપાસ દેખાયા કરતો હતો. તેના મનમાં વહેમનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. શુકન અપશુકન તે જોયા કરતી હતી. એ સઘળું ખોટું છે. વહેમ માત્ર અર્થહીન છે; એમ રુદ્રદત્ત ક્વચિત્ સમજાવતા છતાં કલ્યાણીનું મન શુકન જોઈ રાચતું અને અપશુકન નિહાળી ઘવાતું.

‘જે હશે તે. બહેન! પ્રભુનું નામ લઈ સૂઈ જા.’ રુદ્રદત્તે કહ્યું.

‘ઉઘાડો ઉઘાડો.’ બહાર બૂમ પડી.

‘ત્ર્યંબક! ઝાંપો ઉઘાડ.’ રુદ્રદત્તે કહ્યું.

ત્ર્યંબકે ઊઠીને ઝાંપો ઉઘાડયો. કોડિયા દીવાના આછા પ્રકાશમાં બે-ત્રણ શસ્ત્રસજ્જ સૈનિકો નિહાળ્યા. ત્ર્યંબકે પૂછયું :

‘કોનું કામ છે?’

‘રુદ્રદત્તનું’

‘તમારું નામ?’

‘નામ આપવાની જરૂર નથી.’

‘ઓળખાણ નહિ આપો તો તમને અંદર આવવા નહિ દઉં.’

‘અમારા મનમાં એમ હતું કે રુદ્રદત્તની પાઠશાળામાં સહુને આશ્રય મળે છે.’ એક સ્વરે કહ્યું.

ત્ર્યંબકે દીવો ઉપાડી તેની સામે જોયું. કોઈ કુમળો દેખાવડો છતાં તેજસ્વી સૈનિક તેની નજરે પડયો.

‘બેટા ત્ર્યંબક! જે હોય તેને આવવા દે.’ રુદ્રદત્તે અંદરથી કહ્યું.

‘ગુરુજી! સૈનિકો છે.’ ત્ર્યંબકે કહ્યું. ગૌતમને ખોળવા આવેલી ટુકડીના વર્તન ઉપરથી ત્ર્યંબકને સૈનિકો પ્રત્યે તિરસ્કાર રહ્યા કરતો. મહાનુભાવ ગુરુને યોગ્યતા ન સમજનાર એ જડવર્ગ તેને ભાગ્યે જ ગમતો.

‘જે હોય તે. રાતવાસો માગે તેને ના ન પડાય.’ રુદ્રદત્તે કહ્યું. કચવાતે મને ત્ર્યંબકે ઝાંપો પૂરો ઉઘાડયો.

‘એક હું જ અંદર આવું છું; બીજા બહાર રહેશે.’ પેલા સૈનિકે કહ્યું અને તેણે અંદર પ્રવેશ કર્યો.

‘રુદ્રદત્તને મારે મળવું છે.’ સૈનિકે કહ્યું.

‘સવારે મળજો. અત્યારે ગુરુજી સૂતા છે!’ ત્ર્યંબકે કહ્યું.

‘સૂતા હોય તો મારી વતી જગાડ. તું તો ત્ર્યંબક ને?’

અજાણ્યા મનુષ્યને મુખે પોતાના નામનો ઉચ્ચાર થયો જોઈ ત્ર્યંબકને નવાઈ લાગી. પાછળથી રુદ્રદત્તની ચાખડીઓનો અવાજ આવ્યો. સૈનિકે અને ત્ર્યંબકે પાછળ જોયું. રુદ્રદત્ત પાસે આવ્યા. સૈનિકે દૂરથી તેમને નમસ્કાર કર્યા. રુદ્રદત્તે ક્ષણભર સૈનિકની સામે જોયું અને કહ્યું :

‘પધારો.’

સૈનિક પણ ક્ષણભર રુદ્રદત્ત સામે જોઈ રહ્યો અને તત્કાળ નીચું જોઈ આગળ વધ્યો. ઓસરી ઓળંગતા જ સૈનિકે કહ્યું :

‘મંગળ વધેરાયો.’

‘હં.’ રુદ્રદત્તે અત્યંત શાંતિથી જવાબ આપ્યો.

ત્ર્યંબક ચમક્યો. તેનો પ્રિય ગુરુબંધુ કાળના મુખમાં અદૃશ્ય થયો એ સમાચાર તેના હૃદયને કંપાવનારા હતા.

‘આપ જાણો છો?’ રુદ્રદત્તની શાંતિથી વિસ્મય પામતાં સૈનિકે પૂછયું.

‘હા.’ રુદ્રદત્તે જવાબ આપ્યો.

‘ક્યારે ખબર પડી?’

‘એને માટે મને પ્રથમથી જ શંકા હતી.’ રુદ્રદત્તે પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ.

‘ત્યારે ગૌતમ ક્યાં છે?’ રુદ્રદત્તની પાછળ આવી ભરાઈ ગયેલી કલ્યાણીએ પૂછયું.

‘ગૌતમ પણ કેદમાં છે.’

‘કેદમાં? એ ખબર તમે જ પહેલી આપો છો.’ રુદ્રદત્તના શાંત મુખ ઉપર પહેલી જ વાર આછી વ્યગ્રતા દેખાઈ.

‘કેમ કેદમાં? કોણે પૂર્યો?’ કલ્યાણીએ ભયકંપિત અવાજે પૂછયું. તેને લાગ્યું કે હજી ઘુવડ બોલતો બંધ રહ્યો નથી.

‘કંપની સરકારે.’

‘કારણ?’ ત્ર્યંબકે પૂછયું.

‘કારણ હજી સમજાતું નથી. પરંતુ એમ સાંભળ્યું છે કે મંગળની ચિતામાંથી અસ્થિ કાઢતાં તે પકડાયો.’

‘તેમાં શું?’ કલ્યાણી બોલી.

‘એમ બળવાખોરનાં અસ્થિ ખોળનાર પણ બળવાખોર જ હોય ને?’

ક્ષણભર સહુ શાંત રહ્યાં. ત્ર્યંબકના હાથમાંથી દીવાનું કોડિયું કલ્યાણીએ લઈ લીધું હતું. પરસ્પરનાં મુખ સામે જોતાં જ વિકળતા ભરી ક્ષણે કલ્યાણીના હાથમાંથી દીવો પડી ગયો.

પ્રથમ અંધકારમાં સઘળું એક બની ગયું. સહુના હૃદયની સ્થિતિ સૂચવતો શું એ તિમિરધોધ નહોતો?

‘હરકત નહિ બેટા! ફરી દીવો કરી લાવ.’ રુદ્રદત્તે કહ્યું.

અંધકારની ટેવ પડતાં આંખને તેમાંયે અજવાળું ભાસે છે. અંધારામાં આકૃતિઓ સ્પષ્ટતા ધારણ કરવા લાગી. કલ્યાણી દીવો કરી લાવી. દીવાના પ્રકાશમાં – આછા પ્રકાશમાં પણ – તેના કુમળા મુખ ઉપર ઉગ્રતાભરી રેખાઓ પરખાઈ આવી જાણે તે કશો નિશ્ચય કરતી ન હોય!

‘મહારાણીજી! પધારો. ઝૂંપડીના સ્વાગતમાં મહેલની મોકળાશ ન હોય.’ રુદ્રદત્તે કહ્યું.

સૈનિક સુધ્ધાં સહુ કોઈ આશ્ચર્ય પામ્યું. રુદ્રદત્ત કોને મહારાણી તરીકે સંબોધતા હતા?

‘આપ મને કહો છો?’ સૈનિકે જરા રહી પૂછયું.

‘હા, જી.’

‘શું હું મહારાણી છું?’

‘અલબત્ત, પ્રથમ નજરે જ મેં આપને ઓળખ્યાં હતાં.’

‘મને ખબર નહિ કે ગુરુજી પણ મારી મશ્કરી કરશે.’ સૈનિકે કહ્યું. સૈનિકના મુખ ઉપરની કુમળાશ અને તેના કંઠમાં રહેલું માર્દવ હવે તેના સ્ત્રીત્વની સાક્ષી પૂરતાં હતાં. ત્ર્યંબક અને કલ્યાણી બંનેએ સૈનિકના વેશમાં છુપાયેલી સ્ત્રીને પારખી.

‘પરંતુ એ મહારાણી શી રીતે? ક્યાંના મહારાણી?’

‘આર્યાવર્તમાં સઘળી જનવાણી મશ્કરીરૂપ બનતી જાય છે.’ ગુરુ રુદ્રદત્તે કહ્યું.

‘એ મશ્કરી ટાળવા ગુરુમુખેથી આશીર્વાદ લેવા આવી છું.’ સૈનિકવેશધારી મહારાણીએ કહ્યું.

ત્ર્યંબક અને કલ્યાણીએ કલ્પના કરવા માંડી. ગુરુ પાસે ઘણુંખરું ઝાંસીનાં મહારાણીનું નામોચ્ચારણ થતું. આ સુપ્રસિદ્ધ લક્ષ્મી બાઈ તો ન હોય?

‘મારી ખાતરી હતી કે એક દિવસ તમે આવશો.’

‘બધાય થાક્યા એટલે મેં હિંમત કરી.’

‘તમે મળ્યાં એ સારું થયું. મારાથી તો વિહારની બહાર નીકળાતું નથી.’

‘ગુરુજી! મંગળ ગયો; ગૌતમ જવા બેઠો છે. તમારા બધાંય બાળકો દાવાલનમાં ધસે છે! હવે વિહાર નહિ છોડો તો ક્યારે છોડશો?’

‘મહારાણી! આકળાં ન થાઓ…!’ રુદ્રદત્તે કહ્યું.

વચમાંથી જ એ સ્ત્રીસૈનિકે રુદ્રદત્તને અટકાવી કહ્યું :

‘ગુરુજી! હું તો ક્યારની મહારાણી મટી ગઈ છું. એ નામે મને ન બોલાવશો.’

‘વીજળી સરખી તીખી તેજસ્વી ધારદાર વીરાંગનાના ઉચ્ચાર તેના હૈયામાં બળતાં અગ્નિને પ્રત્યક્ષ કરતા હતા.

‘બેટા! કેમ ભૂલી જાઓ છો કે મહારાણીપણું માત્ર ગાદીએ બેઠાથી જ આવતું નથી? નવા જગતની મહારાણીઓ ઝૂંપડીમાં વસતી હશે અને પગપાળી ફરતી હશે.’ રુદ્રદત્તે કહ્યું.

‘મેં તેની શરૂઆત કરી દીધી છે.’ ફિક્કું હસી મહારાણીએ કહ્યું.

‘બેટા! હું જાણું છું. હું જોઉં છું કે એમાંથી ઘેરઘેર મહારાણીઓ પ્રગટશે.’

‘પણ તે હું કે તમે જોઈશું નહિ.’

‘આપ થાક્યાં છો; સૂઈ જાઓ.’

‘ગુરુજીને નિદ્રા આવતી હોય તો કોણ જાણે! ગુરુજીએ છબીલીને માથે મૂકેલો હાથ ઊઠી ગયો એટલે એની આંખ તો નિદ્રાને ઓળખતી જ નથી.’

કલ્યાણી અને ત્ર્યંબકને ખાતરી થઈ કે એ સૈનિક સ્ત્રીતેમના ધારવા પ્રમાણે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ જ હતી.

‘છબીલી! બેટા! મારો હાથ સદાય તારા મસ્તક ઉપર છે. તારું નામ ચિંરજીવ છે. અને એટલી પણ ખાતરી રાખજે કે અલ્પતાને તમે બધાંએ ગુરુસ્થાન આપી દીધું છે તેની આંખ પણ નિદ્રાને ઓળખતી નથી.’

અને ખરેખર, લક્ષ્મીબાઈની તેમ જ રુદ્રદત્તની આંખો તે રાત્રે ખુલ્લી જ રહી. ખરું જોતાં વધારે રાત્રિ બાકી રહી જ નહી, તોય છબીલી સરખી કોમલાંગીને આરામ આપવાની તો જરૂર હતી જ. કલ્યાણીએ એક સરસ પથારી પોતાની પાસે તૈયાર કરી, અને હિંદભરમાં પ્રખ્યાત થવા સર્જાયલી રાજરમણીને તેમાં સૂવા વિનંતી કરી. લક્ષ્મીબાઈ પોતાને માટે તૈયાર થયેલી પથારીમાં ન સૂતાં. કલ્યાણીની કડક અને સ્વચ્છ પથારીમાં કલ્યાણીના ભેગી જ સૂતી. સ્ત્રીદેહ સંકડાશમાં પણ સમાઈ જાય છે. પુષ્પને બહેલાવી એકલું ખુલ્લું મૂકો. અગર તેને બીજા પુષ્પની સાથે માળામાં ગોઠવો. બંને સ્થિતિમાં તે સુંદર છે. લક્ષ્મીબાઈએ કલ્યાણીના દેહ ઉપર હાથ મૂક્યો; દેહને આછો આછો પંપાળ્યો. એકલી રહેલી કલ્યાણી કંપ અનુભવતી વગર બોલ્યે સૂતી.

રાત્રિએ પાછી પોતાની સ્વાભાવિક શાંતિ ધારણ કરી. પાછલી રાત વળી વધારે નઃશબ્દતાભરી લાગે છે. આખી પાઠશાળા જાણે ધારણમાં પડી હોય એમ લાગતું હતું. ચોકમાંથી દેખાતાં નક્ષત્રો પણ આંખ મીંચામણી કરી કરી થાકી ગયેલાં લાગતાં હતાં. ઘડી બે ઘડી આમ શાંતિ ફેલાયેલી રહી. રખેને કલ્યાણી જાગે એ વિચારે લક્ષ્મીબાઈએ પથારીની કઠણાશ હાલ્યાચાલ્યા વગર વેઠી લીધી. રખે ને મહારાણી જાગી જાય એ વિચારે કલ્યાણીએ ગૌતમના સમાચારથી ઉત્પન્ન થતી વિકળતા હાલ્યાચાલ્યા વગર સહી લીધી.

પરંતુ બે માનવીઓ પોતાની જાગૃતિ લાંબો વખત પરસ્પરથી છુપાવી શકતાં નથી. અંધકારની ઓથે છુપાતી જાગૃતિ સર્વદા પરખાઈ જાય છે – જો તે પારખનાર જાગૃત હોય તો.

‘કલ્યાણી! ઊંઘ નથી આવતી?’ લક્ષ્મીબાઈએ ધીમેથી પૂછયું.

‘ના, જી અને આપ પણ ક્યાં સૂતાં છો?’ કલ્યાણીએ જવાબ આપ્યો.

‘હું પથારીમાંથી ખસી જાઉં?’

‘આપને મારી સાથે ફાવતું ન હોય તો તેમ કરો.’

‘હું તારા ફાવતાનો વિચાર કરું છું.’

‘મને તો ફાવે છે. વિકળતામાં ધારણ મળે છે.’

‘શેની વિકળતા?’

‘ગૌતમ પકડાયો છે ને?’

‘ગૌતમ અને તારે શું?’

કલ્યાણીએ જવાબ ન આપ્યો. પરંતુ લક્ષ્મીબાઈએ જાણ્યું કે કલ્યાણીના હાથ ઉપર રોમાંચ થયો હતો.

સહજ દૂર પાવડી ખખડી.

‘કોણ હશે?’ ધીમે ઉચ્ચારે લક્ષ્મીબાઈએ પૂછયું.

‘એ તો હું છું. મારી આંખ મીંચાતી નથી.’ રુદ્રદત્ત બોલ્યા.

‘હજી કૂકડાં બોલ્યાં નથી. સવારને વાર છે.’ દાદા ન ઊઠે એ માટે કલ્યાણીએ કહ્યું.

‘જો બહેન! પૃથ્વી ઉપરનાં પ્રાણીઓ ભૂલ કરે; પૃથ્વી પાર રહેલા તારાગણો એવી ભૂલ કરતા નથી. પ્રભાતની તૈયારી છે. તમે સૂઈ રહો, હું નદીસ્નાન કરતો આવું!’ કહી રુદ્રદત્ત પાવડી ખખડાવતા આગળ વધ્યા.

તેમની પાછળ બીજી પાવડીઓ ખખડી.

‘કોણ?’ રુદ્રદત્તે પૂછયું.

‘હું ત્ર્યંબક.’ ગુરુની સાથે રોજ સ્નાન કરવા અને સેવા કરવા તત્પર શિષ્યે કહ્યું.

‘તુંયે સૂતો નથી કે શું?’

‘ના, જી.’

‘આપણે બધાંય જાગીએ છીએ? ત્યારે આંખો મીંચી કોણે?’ લક્ષ્મીબાઈથી બોલાઈ ગયું. પરંતુ એ પ્રશ્ન નિરુત્તર રહ્યો.

આજે સહુની આંખો ખુલ્લી હતી.