કૃતિકોશ/પ્રસ્તાવના

From Ekatra Wiki
Revision as of 13:11, 12 October 2023 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પ્ર સ્તા વ ના}} {{Poem2Open}} <u>'''૧. ભૂમિકા:'''</u> ૧.૧ આ કોશ શા માટે? - પ્રયોજન, ૧.૨. ઉપયોગિતા, ૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત. <u>'''૨. આ કોશના મુખ્ય સ્રોત:'''</u> ૨.૧ સાહિત્યકોશ અને સાહિત્યકાર પરિચયકો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્ર સ્તા વ ના

૧. ભૂમિકા: ૧.૧ આ કોશ શા માટે? - પ્રયોજન, ૧.૨. ઉપયોગિતા, ૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત. ૨. આ કોશના મુખ્ય સ્રોત: ૨.૧ સાહિત્યકોશ અને સાહિત્યકાર પરિચયકોશ, ૨.૨. આ બન્ને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ, ૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો, ૨.૪ સહાયક સ્રોત, અને સંદર્ભ ગ્રંથો. ૩. આ સમયદર્શી કોશ: એનું સીમાંકન: ૩.૧ માહિતીની પસંદગી – મુખ્ય સ્રોતને આધારે, ૩.૨ બીજું સીમાંકન: ‘બહુસમાવેશ’ની નીતિ, ૩.૩. વિગત-સાચવણીનો અગ્રતાક્રમ, ૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો, ૪. આ કોશનું માળખું: ૪.૧ મુખ્ય વિભાજન: બે ખંડો, ૪.૨ ‘કર્તા-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૩ પહેલા ખંડને અંતે સૂચિ, ૪.૪ ‘કૃતિ-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૫ વિગત-ગોઠવણીની ભાત, ૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ ૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ-ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં) ૪.૮ બીજા ખંડને અંતે કૃતિ-સૂચિ, કર્તા-સૂચિ,  ઋણસ્વીકાર


૧. ભૂમિકા ૧.૧ આ કોશ શા માટે?: પ્રયોજન ગુજરાતીમાં સાહિત્યવિષયના કે સાહિત્ય વિષયને પણ સમાવતા જે કોશ થયેલા છે – પરિચયકોશ, સાહિત્યકોશ, વિશ્વકોશ – એ લેખકનામ (અટક)ના અકારાદિક્રમે માહિતી આપતા કોશો છે. કોશની એ એક પ્રચલિત પદ્ધતિ છે. આ સર્વ કોશોનું પ્રયોજન એના ઉપયોગકર્તાને લેખક અંગે, ને એની અંતર્ગત તેની કૃતિઓ અંગે, મૂળભૂત અધિકૃત માહિતી પૂરી પાડવાનું હોય છે. એથી કોશો લેખક (નામ)-કેન્દ્રી હોય છે. સાહિત્યના ઇતિહાસો સમયક્રમે લેખકોની સમગ્ર કે મુખ્ય કામગીરીનો વર્ણનાત્મક તથા પ્રદાન-મૂલ્યાંકન-પ્રધાન આલેખ આપે છે. એની અંતર્ગત યુગદર્શી પરિબળો અને લક્ષણોની સામાજિક-સાંસ્કૃતિક બાબતોને ગૂંથી લે છે. એથી, સમય-અનુક્રમી હોવા છતાં એમાં સમયરેખા સીધી લીટીની (Linier) કે ચુસ્ત રાખી શકાતી નથી. લેખકના કૃતિગત, સ્વરૂપગત તેમજ વ્યાપક પ્રદાનને આંકવા માટે સાહિત્યના ઇતિહાસકારે આનુપૂર્વીઓ બદલવી પડતી હોય છે. એકસાથે પરસ્પર-સંકલિત ને પરસ્પર-આધારિત અનેક ઘટકોનું એમાં સંયોજન થતું હોય છે. પરિણામે, એમાં સમયની ભાત સંકુલ બને છે. વળી, સાહિત્યના ઇતિહાસો કોશોની જેમ નર્યા વિગત/વસ્તુલક્ષી હોતા નથી, ઘણે અંશે વિવેચનલક્ષી હોય છે. જુદાજુદા ઇતિહાસોમાં, પ્રયોજન અને દૃષ્ટિકોણની ભિન્નતાને કારણે લેખન-ભાતો જુદી પડતી હોય છે. એટલે, ઇતિહાસોમાં બધી જ સમયદર્શી વિગતો પણ હાથવગી હોતી નથી, એમાંથી પસાર થતાંથતાં એ શોધી કે તારવી લેવાની રહે છે. એટલે થયું કે એક એવો કોશ કરવો જોઈએ કે જે સમયદર્શી(ક્રોનોલોજિકલ) રહીને, અર્થાત્ ચુસ્તપણે સમયની સમરેખ રહીને તરત સંદર્ભો હાથવગા કરી આપનાર – સદ્ય સંદર્ભ સહાયક – કોશનું કામ આપે. એ પ્રયોજનને ધ્યાનમાં રાખીને આ કોશ તૈયાર કર્યો છે.

૧.૨ ઉપયોગિતા આપણે જાણીએ છીએ કે સંકલિત કરેલી અને એથી હાથવગી બનતી વિગતો ઘણી ઉપયોગી નીવડતી હોય છે. સાહિત્યના અભ્યાસીઓ અને સંશોધકોને તેમજ સાહિત્ય/વિદ્યાની સંસ્થાઓને અવારનવાર પચીસીનાં, દાયકાનાં, વાર્ષિક-દ્વિવાર્ષિક અધ્યયનોની જરૂર પડતી હોય છે. શતાબ્દી કાર્યક્રમો, પરિસંવાદો, કાર્યશિબિરોના આયોજનમાં, ને પછી એમાં રજૂ કરવાનાં વક્તવ્યોમાં આવી સમયદર્શી સદ્યપ્રાપ્ત સામગ્રીનો – અને એમાંથી ઊભા થતા વ્યાપક ચિત્રનો ખપ પડતો હોય છે. યુગદર્શી અને લેખકદર્શી અભ્યાસોમાં પણ સમયકેન્દ્રી સંદર્ભોની જરૂર પડ્યા કરતી હોય છે. સાહિત્યના અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને, ગ્રંથપાલોને અને સંપાદકોને તેમજ સર્વસામાન્ય સાહિત્યરસિકોને પણ, કોઈ એક કે ઇચ્છિત સમયગાળામાં કયા કયા લેખકોના જન્મવર્ષ/તારીખ આવે છે એની તથા એવા જ કોઈ નિશ્ચિત સમયગાળામાં કયા સ્વરૂપમાંની કેવી, કેટલી કૃતિઓ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ હતી એના અભ્યાસની કે એની જાણકારીની જરૂર ઊભી થતી હોય છે. સાહિત્ય અંગે નિસબત ધરાવતા પત્રકારો માટે તો સમયદર્શી સદ્યસંદર્ભ, એમની ત્વરિત કામગીરી માટે, ઘણો જ ઉપયોગી બની શકે. યુનિવર્સિટીઓમાં ચાલતાં સંશોધનો (ઍકેડેમિક રિસર્ચ)ના અધ્યેતાઓને તેમજ પીએચ.ડી પછીનાં ઉચ્ચતર સંશોધનો હાથ ધરતા વરિષ્ઠ અધ્યાપકોને, કોઈ વિશેષ પ્રકલ્પનું માળખું રચવા માટે ને પછી તબક્કે તબક્કે એમાં તથ્યલક્ષી વિગતોનાં ઉપયોગ કે ચકાસણી માટે આવા સમયદર્શી સંદર્ભો મહત્ત્વના પુરવાર થઈ શકે. આ સંશોધકો, અભ્યાસીઓનો સમય બચાવવા ને એમની કાર્ય-ગતિ વધારવા આવો કોશ સહાયક અને ઉપકારક બની શકે. સાહિત્યનો ઇતિહાસના લેખકોને પણ આવા કોશની સદ્યપ્રાપ્ત સામગ્રી ઇતિહાસલેખનમાં માંડણી અને આયોજન માટે ઘણી ઉપયોગી નીવડી શકે; એટલું જ નહીં, કૃતિ આદિની કોઈ વિગત કે કોઈ સમયનિર્દેશ, એના લાંબા પરિપ્રેક્ષ્યમાં, છટકી ન જાય એની નિશ્ચિંતતા એ લેખકને રહે છે. ઇતિહાસકારો માટે, આ રીતે, આવો કોશ સ્મૃતિસહાયક સંદર્ભકોશ બની શકે. એટલે વ્યાપક રીતે આવા કોશની મહત્ત્વની ઉપાદેયતા એ છે કે એમાં સમયદર્શી એક બૃહદ નકશો દરેકને હાથવગો રહે છે. એના આનુષંગિક લાભો એ છે કે આવી બહુલક્ષી વર્ગીકૃત સામગ્રીને કારણે એના અનેકવિધ ઉપયોગ શક્ય બને છે. ટૂંકમાં એક કાળદર્શી અભિજ્ઞતા ઊભી કરવા તરફ આવો કોશ આપણને લઈ જઈ શકે.

૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત અર્વાચીન ગુજરાતી સાહિત્યના – ૧૯મી સદી પૂર્વાર્ધથી લઈને ઈ. સ. ૨૦૦૦ સુધીના સમયગાળાને આ કોશમાં આવરી લેવામાં આવ્યો છે. (એ પછીના સમયગાળાની વિગતો સંકલિત કરવાનું કામ ચાલી રહ્યું છે એ સ્વતંત્ર ‘કૃતિ-સંદર્ભકોશ’ તરીકે પ્રકાશિત કરી શકાશે.) લગભગ બે સદીના આ સમયગાળાને ‘કર્તાસંદર્ભ’ અને ‘કૃતિસંદર્ભ’ એવા બે મુખ્ય ખંડોમાં રજૂ કર્યો છે. ‘કર્તા-સંદર્ભ’માં લેખકોની વિગતને એમનાં જન્મવર્ષ/તારીખના ક્રમે, દાયકાવાર રજૂ કરી છે એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌથી જૂની જન્મતારીખ (કે વર્ષ) ધરાવતા લેખકનું નામ આ કોશમાં સૌથી પહેલું છે ને પછી સમયક્રમે બીજાં લેખકનામો એને અનુસરે છે. એટલે કે કોશક્રમ જન્મવર્ષાનુસારી છે. એ જ રીતે ‘કૃતિસંદર્ભ’માં પણ સ્વરૂપવાર કૃતિ-પ્રકાશન-સમયક્રમ રાખેલો છે. ટૂંકમાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યની ઉપર્યુક્ત સર્વ કર્તા-કૃતિ-વિગતોને અહીં સમયાનુક્રમે ફેરવીને રજૂ કરેલી છે. એમાં ૩૦૦૦ જેટલા લેખકો અને ૨૦ થી ૨૨ હજાર કૃતિઓનો સમાવેશ થયેલો છે.

૨. આ કોશના મુખ્ય સ્રોત ૨.૧ અર્વાચીન કાળના આરંભથી આજ સુધીનાં કર્તા અને કૃતિઓના સમય સંદર્ભો તારવી લેવાના હોવાથી મુખ્યત્વે નીચેના બે સ્રોતોમાંથી વિગત-ચયન કરેલું છે. ૧. ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીનકાળ, ૧૯૯૦ એની પૂર્વમર્યાદા: અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌથી પ્રારંભિક કાળના લેખકોની (જન્મવર્ષ/તારીખ આદિ) વિગતો, તેમજ અર્વાચીન ગુજરાતીની સૌથી પ્રારંભિક પ્રકાશિત કૃતિઓની વિગતો પણ એમાંથી સાંપડી શકે છે. એની ઉત્તરમર્યાદા: ૧૯૫૦માં જન્મેલા (ને જેની ઓછામાં ઓછી એક કૃતિ પ્રકાશિત થઈ હોય, એવા) લેખકોનાં જન્મવર્ષ/તારીખ અને મોડામાં મોડું ‘૧૯૮૯ સુધીમાં’* પ્રકાશિત થયેલા ગુજરાતી (મુખ્યત્વે સાહિત્યના) પુસ્તકનું પ્રકાશનવર્ષ એમાંથી સુલભ થઈ શકે છે. (* જુઓ: કોશની પ્રસ્તાવના) (૨) ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ, (દ્વિતીય સંવર્ધિત આવૃતિ) ૨૦૦૮ આ કોશની પૂર્વ મર્યાદા: ઈ. સ. ૨૦૦૮ પૂર્વે હયાત કોઈપણ ગુજરાતી લેખકનું જન્મવર્ષ/તારીખ અને એની વહેલામાં વહેલી પ્રકાશિત થયેલી કૃતિના પ્રકાશનવર્ષને આવરી લેવાનો પ્રયત્ન થયેલો છે. કોશની ઉત્તર મર્યાદા: ૨૦૦૮ સુધીમાં જેનું એક પુસ્તક પણ પ્રકાશિત થયેલું હોય એવા લેખકનાં જન્મવર્ષ/તારીખ અને પુસ્તક પ્રકાશનવર્ષ સમાવવાનો પ્રયત્ન થયેલો છે.* (જુઓ પ્રસ્તાવના:‘આ કોશમાં શક્ય ત્યાં ઈ.સ. ૨૦૦૮ સુધીની માહિતી અદ્યતન કરીને મૂકી છે.’) એટલે કે, આ બંને કોશો દ્વારા ૧૯મી સદી પૂર્વાર્ધથી શરૂ થતા ગુજરાતી સાહિત્યના અર્વાચીનકાળથી લગભગ ૨૦૦૮ સુધીના એના અદ્યતન સમય સુધીની વિગતો ‘કોશ’રૂપે, લેખકનામના ક્રમે, સંકલિત થયેલી હોવાથી પ્રથમદર્શી સર્વાધિક માહિતી એમાંથી સારવી શકાઈ છે. તેમ છતાં, પૂરેપૂરી માહિતી આ પર્યાપ્ત ફલક ધરાવતા કોશોમાંથી પણ સુલભ થઈ શકી નથી ને એ કારણે બીજા કેટલાક સંદર્ભગ્રંથોમાં પણ જવું પડ્યું છે.

૨.૨ આ બંને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ આ કોશોમાં પણ એના પણ મૂળ સ્રોતોની ઉણપો, આ કોશોએ સ્વીકારેલી પદ્ધતિનાં સીમાંકનો તેમજ આ કોશોમાં રહી ગયેલી કેટલીક ક્ષતિઓ – એને કારણે પૂરા સમયસંદર્ભો મેળવવા વચ્ચે વ્યવધાનો આવેલાં છે. જરાક વિગતે જોઈએ: (૧) ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીન: આ કોશે અનેક સંદર્ભો – સાહિત્યના ઇતિહાસો, ચરિત્રગ્રંથો, વિવેચનગ્રંથો, માહિતીકોશો, પરિચયકોશો, ગ્રંથસૂચિઓ, ગ્રંથાલય-સૂચિઓ, વગેરે-માંથી માહિતી સંકલિત કરેલી છે. એ પૈકી કેટલાંકમાં પુસ્તકનું સાહિત્યસ્વરૂપ કે/અને પુસ્તકનું પ્રકાશનવર્ષ નોંધેલું ન હોય એવું પણ બન્યું છે. જેમકે, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧, ડાહ્યાભાઈ દેરાસરી) ઘણી જગ્યાએ માત્ર સમયગાળો બતાવે છે પણ કૃતિનાં પ્રકાશનવર્ષ બતાવતું નથી. આ કારણે પણ, આ કોશમાં એવાં ઘણાં પુસ્તકોના નિર્દેશો (ક્યાંક તો યાદીઓ) છે જેનાં સ્વરૂપ કે/અને પ્રકાશનવર્ષ નોંધાયાં નથી. (૨) પ્રકાશિત સ્રોત-સંદર્ભો ઉપરાંત, સાહિત્યકોશે હયાત લેખકોને માહિતીપત્રક મોકલીને સીધી અધિકૃત માહિતી મેળવવાનું પણ કરેલું. પરંતુ એમાંથી થોડાક લેખકોએ પોતાનાં માહિતીપત્રકો ભરીને મોકલેલાં નહીં. [કેટલાકને માહિતીપત્રકો મળ્યાં નહીં હોય એમ બનવા પણ સંભવ છે. વિશેષ કરીને પરદેશમાં વસતાં લેખકોમાં] એ પણ, અપર્યાપ્ત માહિતીસંકલનનું એક કારણ છે. એની મોટી અસર તો એ થઈ કે ‘૧૯૫૦ સુધીમાં જન્મેલાં’ બધાં જ (નવાં) લેખકો ને એમનાં પુસ્તકો કોશમાં સમાવેશ પામી ન શક્યાં. (૩) વળી, આ કોશ અમુક અંશે પસંદગી-અભિમુખ પણ રહ્યો છે. એ કારણે, ઠીકઠીક સ્થાનોએ ‘– વગેરે’ પદ્ધતિ દ્વારા લેખકોનાં પ્રકાશિત પુસ્તકોના નિર્દેશ સંકોચવામાં/પસંદ કરવામાં આવ્યા છે. એમાં પણ અનુવાદનાં, સંપાદનનાં, બાળસાહિત્યનાં પુસ્તકો અંગે ‘–વગેરે’ પદ્ધતિથી ‘બધાંમાંથી આ થોડાં’ એવો પ્રતીકાત્મક નિર્દેશ કરવાનું વલણ વધુ દેખાય છે. ઉદા. તરીકે, સોની રમણલાલ પીતાંબરદાસના અધિકરણમાં, લેખકના ૪૦ જેટલા અનુવાદોમાંથી ૧૦-૧૨ના નિર્દેશ પછી ‘વગેરે’ મૂકી દેવામાં આવ્યું છે. આવી પદ્ધતિ પર મૂળ સ્રોતોની ઉણપોનો દાબ પણ રહ્યો હોય અને આવી પસંદગી-પદ્ધતિ કોશ-સંપાદકને જરૂરી સીમાંકનરૂપ પણ લાગી હોય. આવાં સીમાંકનો ઉપરાંત અધિકરણ-લેખનના તબક્કે પણ લેખક-નામની કે પુસ્તક-નામની, પુસ્તકના સ્વરૂપની, કે પ્રકાશનવર્ષની પૂરી ચોકસાઈ કેટલાક કિસ્સાઓમાં જળવાઈ નથી. સ્વરૂપનિર્દેશો તો ઘણા વધારે કિસ્સાઓમાં થયા નથી. પ્રથમ આવૃત્તિનાં વર્ષો અંગે -ક્યાંક એ મળ્યાં નહીં એથી ને ક્યાં ન મેળવવાના પ્રમાદથી પૂરી ચોકસાઈ નથી થઈ – એવે સ્થળે ક્યારેક પુનર્મુદ્રણોનાં કે બીજી આવૃત્તિનાં વર્ષો પણ પ્રવેશી ગયાં છે. થોડીક ભૂલો, અલબત્ત, મુદ્રણદોષોને લીધે પણ રહી ગઈ હશે. આ કોશમાં, પ્રતિ-ચકાસણી (ક્રૉસ-ચૅકિંગ) માટે એક અવરોધ આવી ગયો છે એ એની મોટી મર્યાદા છે. અગાઉ પ્રકાશિત થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૧ મધ્યકાલીન’માં પ્રત્યેક કર્તા-અધિકરણ નીચે કર્તા-કૃતિ અંગેના સ્રોતસંદર્ભો આપેલા હતા. એ આવશ્યક બાબતનો એ જ સંસ્થાના આ અનુગામી પ્રકાશનમાં પરિહાર થયો છે. એવી સ્રોત-નિર્દેશક પદ્ધતિના અભાવે, જરૂરી વિગત-ચકાસણી માટે પણ, સુધી જવાનો સેતુ રહ્યો નથી! સમયદર્શી કોશ માટે તો એ ઘણું અવરોધક બન્યું છે. (૨) સાહિત્યકાર પરિચયકોશ (૨૦૦૮): આ કોશે પદ્ધતિગત બે સીમાંકનો સ્વીકારેલાં છે: એક, હયાત હોય એટલા લેખકોની જ વિગતો પ્રકાશિત કરવી કારણ કે આ એક પ્રકારનો સંપર્કકોશ (ડિરેક્ટરી) છે [ખરો સંપર્કકોશ તો, આ કોશની સંક્ષિપ્ત આવૃત્તિરૂપ ‘ગુજરાતી સાહિત્યકારકોશ’ (૨૦૦૮) છે; જ્યારે આ બૃહદ ‘સાહિત્યકાર પરિચય કોશ’ – સંપર્ક કોશ અને સાહિત્યકોશની વચ્ચેનું રૂપ છે.] બીજું એ કે, આ કોશ કોઈ લેખકનાં બધાં જ નહીં પણ મહત્ત્વનાં કે પસંદગીનાં પુસ્તકોની વિગતો આપે છે. આ સીમાંકન આ કોશની એક ‘પરિચય’ કોશ તરીકેની જરૂરિયાત છે, એ યોેગ્ય પણ છે. પરંતુ એથી, આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ માટે લેખકોની (ખાસ કરીને ૧૯૫૦ પછી જન્મેલા લેખકોની) પર્યાપ્ત વિગતો તેમાંથી સાંપડતી નથી. આ કોશે સ્વીકારેલી એક બીજી પદ્ધતિ જરાક અટપટી છે ને એણે વિગત-તારવણી માટે ક્યારેક ગૂંચ ઊભી કરી છે. લેખકનાં પુસ્તકોની વિગતો, પહેલાં ‘એવોર્ડ’ અને ‘પારિતોષિક’ પેટા-ખંડ (હેડ) નીચે ને પછી ‘પ્રકાશનો’ એવા પેટા-ખંડ નીચે મૂકી છે. આવી વિભાજન-પદ્ધતિને લીધે ‘એવોર્ડ’ આદિમાં દર્શાવેલાં પ્રકાશનો ફરી ‘પ્રકાશન’ વિભાગમાં પુનરાવર્તિત થતાં નથી.૧ એ તો બરાબર છે પરંતુ, આ કારણે, વિગત-તારવણી કરનારની સાવચેતી (ને એથી સરતચૂકની શક્યતા) વધી જાય છે. વળી, પારિતોષિક આદિમાં નોંધેલાં પુસ્તકો સામે સામાન્ય રીતે તો પ્રકાશનવર્ષો જ દર્શાવેલાં છે પણ કેટલીક જગાએ પારિતોષિકવર્ષ અને પ્રકાશનવર્ષ વચ્ચે ગૂંચ રહી ગઈ છે. આ ઉપરાંત, ‘પ્રકાશનો’ હેઠળ નોંધેલાં પુસ્તકોમાં દરેક પુસ્તક પછી પ્રકાશનવર્ષ નોંધેલું છે પણ ક્યાંક બે કે વધુ પુસ્તકો અલ્પવિરામથી દર્શાવી એ પછી પ્રકાશનવર્ષ લખવામાં આવ્યું છે. જેમકે: [‘ચૌધરી રઘુવીર’માં] ‘કંડકટર, ગોકુળ-મથુરા-દ્વારકા, ૧૯૮૬’. એથી, પ્રકાશનવર્ષ-નિર્ધારણ કરનાર માટે બે પ્રકારના વિકલ્પોની મૂંઝવણ રહે: કાં તો સંપાદકને ‘કંડકટર’ (નવલકથા)નું પ્રકાશનવર્ષ સુલભ નથી થયું; કાંતો એ, પછીની ત્રણની જેમ જ, ૧૯૮૬માં પ્રકાશિત થયેલી નવલકથા છે. [આ કિસ્સામાં, ‘કંડકટર’નું પ્રકાશનવર્ષ ૧૯૮૦ છે.] આવી અલ્પવિરામ-પ્રયુક્તિ કોશમાં ઘણી વ્યાપક છે. પણ સંપાદકે પ્રસ્તાવનામાં એની કોઈ સ્પષ્ટતા કરી નથી, એ કરેલી હોય તો પછીનું કામ કરનારને સ્પષ્ટ રસ્તો જડે.૨ આ ‘પરિચય કોશે’ પણ લેખકો પાસેથી માહિતીપત્રકોમાં વિગતો માગેલી. પરંતુ, સંપાદક લખે છે એમ, કેટલાક લેખકોએ ‘માહિતી ન મોકલી આપી હોય અથવા અપૂર્ણ માહિતી આપી હોય’ એમ બન્યું જ છે. (ને સંપાદકે એમાંથી કેટલીકના શક્ય એટલા ઉકેલ શોધેલા છે.) આ સંજોગોમાં આવી ક્ષતિઓ – પુસ્તકની કોઈ જ વિગત ન મળવી/એનું પ્રકાશનવર્ષ ન મળવું/એનું સ્વરૂપ દર્શાવેલું ન મળવું, વગેરે – રહી જાય એ સ્વાભાવિક છે. આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ને એ ક્ષતિઓનો સામનો કરવાનો આવ્યો છે.

૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો સમયદર્શી કોશનો આ પ્રકલ્પ શરૂ કર્યો ત્યારે એમ હતું કે આ બંને સ્રોત-કોશોમાંની સામગ્રી, સ્વીકારેલા આખા સમય-ફલકને આવરી લેતી હોવાથી માહિતી-સંપાદન (ડેટા કલેક્શન) તો પૂરેપૂરું થવાનું જ. પછીથી એ માહિતીને કર્તાઓનાં જન્મવર્ષ/તારીખના ક્રમમાં તથા કૃતિઓનાં સ્વરૂપવિભાજન અને એની અંતર્ગત સમયક્રમમાં સંકલિત કરી લેવાની રહેશે. ‘કર્તાસંદર્ભ’ કઈ કઈ વિગતોથી કેવી રીતે રજૂ કરવો અને ‘કૃતિસંદર્ભ’માં સ્વરૂપવિભાજન અને સંયોજન કેવી રીતે કરવું એનાં પદ્ધતિ અને આયોજન વિચારી લીધેલાં હતાં. પરંતુ કામ કરતાં કરતાં આ પ્રાથમિક માહિતી-સંપાદન અંગે જ ઘણો ફેરવિચાર કરવાનું, ને ઘણા પ્રશ્નોનો સામનો કરવાનું આવ્યું: [૧] સૌૈથી પહેલાં તો, મુખ્ય બે કોશ-સ્રોતોની માહિતી માત્ર બે તબક્કે જ નહીં પણ અનેક તબક્કે નોંધવાની થઈ: (ક) ‘સાહિત્યકોશમાંથી’ ‘કર્તા-સંદર્ભ’ની વિગતો નોંધ્યા પછી, ‘પરિચયકોશ’માંથી ૧૯૫૦ પછી જન્મેલા લેખકોના ‘કર્તાસંદર્ભ’ નોંધવા શરૂ કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ૧૯૫૦ પહેલાં જન્મેલા કેટલાક લેખકો ને એમની વિગતો પણ સાહિત્યકોશમાં સમાવિષ્ટ નથી – ૧૯૯૦ પૂર્વે એવા લેખકોનું કોઈ પુસ્તક પ્રકાશિત ન થયું હોય એથી કે માહિતી ન મળી હોય વગેરે અન્ય કારણોથી. આ ‘કેટલાંક’ને શોધવા માટે ૧૯૪૦ થી ૧૯૫૦ વચ્ચેનાં જન્મવર્ષવાળા લેખકોની, એક આખા દાયકાની માહિતી બંને કોશોમાંથી સરખાવવી-ચકાસવી પડી. (ખ) ‘પરિચયકોશ’ તે સમયે (૨૦૦૮માં) હયાત લેખકોને જ સમાવતો હતો, દિવંગત લેખકોની (ને એમની કૃતિઓની) વિગતો એમાં ન હતી. એટલે, ૧૯૯૮થી ૨૦૦૮ સુધીમાં અવસાન પામેલાં લેખકોની વિગતો ‘સાહિત્યકાર પરિચય કોશ-૧૯૯૮’ની આવૃત્તિમાંથી, તેમજ ૧૯૮૮થી ૧૯૯૮ સુધીમાં અવસાન પામેલા લેખકોની વિગતો ‘સાહિત્યકાર પરિચયકોશ-૧૯૮૮’ની (પહેલી) આવૃત્તિમાંથી તારવવાની થઈ એ ત્રણે આવૃત્તિઓની અનુક્રમયાદીઓ ચકાસવામાં જવું પડ્યું. (ગ) ૧૯૫૦ પૂર્વે જન્મેલાં સર્વ લેખકોનાં ‘સાહિત્યકોશ:૨’માં નોંધાયેલાં પુસ્તકો મોડામાં મોડાં ૧૯૯૦ સુધી પ્રકાશિત હતાં (અને વળી, બધા જ લેખકોમાં તો ૧૯૯૦ સુધીમાં પ્રકાશિત પુસ્તકો નોંધાયાનું સંભવિત ન હતું) એથી ૧૯૯૦ (વાસ્તવિક રીતે, ૧૯૮૫) પછી પ્રકાશિત થયેલાં, ૧૯૫૦ અનેપછી એ પૂર્વે જન્મેલા બધા જ હયાત લેખકોનાં પુસ્તકો ‘પરિચયકોશ ૨૦૦૮’માંથી નોંધવાનાં થયાં. [૧](ખ)માં નોંધ્યું છે એમ ‘કર્તા-સંદર્ભો’ની સાથે જ ‘કૃતિ-સંદર્ભો’ નોંધવા માટે ‘પરિચયકોશ’ની ૧૯૯૮ની અને ૧૯૮૮ની આવૃત્તિઓમાંથી પણ, કાળજીપૂર્વક, તે તે દિવંગત લેખકોનાં પુસ્તકો પણ નોંધવાનાં થયાં. એટલે માહિતી-નોંધ પણ સીધી લીટીની (Linier) ન રહેતાં, સતત ફેર-નજર કરતા જવાની સંકુલ પદ્ધતિએ કરવાની થઈ. [૨] ખરા પ્રશ્નો તો, આ બે સ્રોત-કોશોમાં માહિતી નોંધતાં થતા ગયા. મેળવેલી માહિતી (અગાઉ દર્શાવ્યું છે તેમ) અપર્યાપ્ત તો લાગી જ હતી. પણ જે મળી હતી એમાંથી ઠીકઠીક માહિતી ઉકેલની સમસ્યાઓવાળી હતી. એવા ચકાસણી-પ્રશ્નો (ક્વેરિઝ) ઘણા હતા. જેમકે ‘સાહિત્યકોશ:૨’માં – – કોઈ કોઈ લેખકનાં પુસ્તકોની કેવળ યાદી જ નોંધાયેલી હતી, સ્વરૂપનિર્દેશ તેમજ વર્ષનિર્દેશ વિના જ – એ સામગ્રીનું શું કરવું? – કેટલાક લેખકોનાં બાળસાહિત્યનાં પુસ્તકોની વિગતોમાં ઘણી એવી હતી જેમાં સ્વરૂપનિર્દેશ (બાળ-કવિતા/વાર્તા/નાટક) ન હતા; પાંચ-છ પુસ્તકોની, પ્રકાશનવર્ષ સાથેની યાદી કરીને પછી ‘...વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે.’ એવાં વાક્યો હતાં. – એ પુસ્તકોનાં સ્વરૂપ ક્યાંથી શોધવાં? – એ જ રીતે અનૂદિત પુસ્તકો અંગેના નિર્દેશો પણ ઘણી જગ્યાએ અપૂરતી વિગતોવાળા મળતા હતા. જેમકે ‘...વગેરે એમના વાર્તા-નવલકથાના અનુવાદો છે’ કે ‘...વગેરે એમની પચીસેક અનૂદિત કૃતિઓ છે.’ [વિગતોની આ અધૂરપો પૈકી કેટલીક ‘સાહિત્યકોશ’ની પહોંચબહાર પણ હતી – પૂર્વસ્રોત સુધી પહોંચાયું ન હોય કે પૂર્વસ્રોતમાંથી પણ ફરી વિગતો ન મળી હોય]– અનૂદિત પુસ્તકની - મૂળ ભાષા, લેખક, સ્વરૂપ, શીર્ષક એ વિગતો ન મળતી હોય ત્યારે પણ અનૂદિત સાહિત્ય પુસ્તકનું સ્વરૂપ અને પ્રકાશનવર્ષ તો, ‘સમયદર્શી કોશ’ માટે અનિવાર્ય ગણાય – એ હવે ક્યાં શોધવાનાં? ‘પરિચયકોશ’માં પણ સ્વરૂપ અને પ્રકાશનવર્ષનાં ખાલી સ્થાનો (ગૅપ્સ) ઘણાં હતાં – એ શી રીતે મેળવવા?

૨.૪ સહાયક સ્રોત/સંદર્ભ ગ્રંથો

આ બધા પ્રશ્નોના નિવારણ માટે, આ બે મુખ્ય સ્રોતો ઉપરાંત ક્રમેક્રમે બીજા ઘણા સ્રોતગ્રંથો અને સંદર્ભગ્રંથોમાં જવું પડ્યું. અલબત્ત, એક સીમાંકન એ કરી લીધું હતું કે આ ગ્રંથોનો સહાયક ગ્રંથો તરીકે જ ઉપયોગ કરવો – વિગતપૂર્તિ અને વિગતચકાસણીના જે પ્રશ્નો સામે આવ્યા હતા એના ઉકેલ પૂરતો જ. કેમકે, નહીં તો, એ ગ્રંથોની સર્વ સામગ્રી હાથ ધરવામાં તો વળી વિગતોનું જંગલ ઊભું થાય ને એમાંથી નીકળતાં બીજાં ઘણાં વર્ષો થઈ જાય. ‘કર્તા-સંદર્ભ’નાં પ્રશ્નો ભાગ્યે થોડાક જ હતા – કેટલાક લેખકોનાં અવસાનવર્ષ/તારીખ મેળવવા કેટલાક પ્રયત્નો કરવાના થયા.૩ ને ક્યાંક કર્તા-નામોની ચકાસણી કરવાની થઈ, એ જ. મોટાભાગના પ્રશ્નો ’કૃતિ-સંદર્ભ‘ અંગેના હતા. એટલે ઇતિહાસ-ગ્રંથો, ચરિત્ર-ગ્રંથો, સંશોધન નિબંધો, સ્વરૂપ-વિકાસ અધ્યયનો, સૂચિગ્રંથો, સર્વેક્ષણગ્રંથો પૈકી, જરૂર પ્રમાણે કેટલાકનો સહાયક ઉપયોગ કર્યો. ક્યાંક સામયિકોમાં પ્રકાશિત સૂચિઓ પણ ઉપયોગી નીવડી. આ બધામાંથી, પૂર્વસંચિત સામગ્રીમાં ૨૦% જેટલી વધુ સામગ્રી ઉમેરી શકાઈ અને, જેની ગણતરી કરવી શક્ય નથી, એવી અનેક કૃતિઓનાં પ્રકાશનવર્ષો મળ્યાં ને સ્વરૂપ નિશ્ચિત થઈ શક્યાં. આ સહાયક ગ્રંથોમાંથી ભલે બધા નહીં પણ મોટાભાગના પ્રશ્નોના ઉકેલ તો થઈ શક્યા. એ સહાયક્-સંદર્ભોની સૂચિ આ પ્રસ્તાવનાને અંતે મૂકી છે. ૩. આ સમયદર્શી કોશ: સીમાંકન

૩.૧ માહિતીની પસંદગી: સ્રોત-આધારે: આ કોશનું એક સીમાંકન મુખ્ય સ્રોત-ગ્રંથો દ્વારા પણ અંકાયેલું છે. ‘–વગેરે’ પદ્ધતિને કારણે, તે તે લેખકોની કેટલીક કૃતિઓ એ સ્રોત ગ્રંથોમાં ઉલ્લેખ પામી નથી એમાંથી ઘણી આ કોશમાં પણ આવી શકી નથી. – અલબત્ત એમાંથી થોડીક સહાયક-સંદર્ભોમાંથી સુલભ બની છે. વળી, ખાસ તો, જે કૃતિઓનાં સ્વરૂપના નિર્દેશો કે/અને પ્રકાશનવર્ષોના નિર્દેશોે સ્રોત-ગ્રંથોમાં થયા નથી એ કૃતિઓ પણ બહાર રાખવી પડી છે. – સિવાય કે એમાંથી થોડીકનાં સ્વરૂપો અને પ્રકાશનવર્ષો માહિતી સહાયક સંદર્ભોમાંથી મળી હોય. (પ્રકાશનવર્ષો ક્યાંયથી પણ ન મળ્યાં હોય એવી થોડીક પણ મહત્ત્વની કૃતિઓ ‘–આસપાસ’ એવા નિર્દેશવાળી પ્રયુક્તિથી સાચવી લીધી છે, એની વાત હવે પછી કરી છે.). એટલે, ગુજરાતીની (મુખ્યત્વે સાહિત્યની પણ) પ્રકાશિત થયેલી બધી જ કૃતિઓ, નિ:શેષ રીતે, આ કોશમાં – તેમ જ, અગાઉના કોઈપણ કોશમાં – ઉલ્લેખ પામી નથી. એ એક સ્વતંત્ર ચર્ચાનો મુદ્દો બને છે. ખરો મુદ્દો તો, અપર્યાપ્ત વિગતોવાળી ને સંદિગ્ધ માહિતીવાળી કૃતિઓને પણ, એક દસ્તાવેજ લેખે સાચવી લેવી કે કેમ – એના નિર્ણયનો હતો. કૃતિ વાર્તાસંગ્રહ છે કે નવલકથા છે, નાટક છે કે એકાંકીસંગ્રહ એની સ્પષ્ટતા ન થતી હોય – તો શું કરવું? પહેલે તબક્કે, પ્રશ્નાર્થ મૂકીને જુદી રાખેલી આવી કૃતિઓમાંથી થોડાકની સ્પષ્ટ વિગતો અન્યત્રથી મળી – પણ બાકીની પુષ્કળ કૃતિઓનું શું? એને ‘પ્રકીર્ણ’ એવા વિભાગમાં મૂકવી? એમ કરવાથી નાહક એક ઢગલો થતો હતો – જેની કોઈ જ ઉપયુક્તતા ન હતી. એ જ રીતે, પ્રકાશનવર્ષ ન મળતું હોય એવાં પુસ્તકોની સંખ્યા પણ, મૂળ સ્રોતોમાં, ઘણી હતી. એક વિલક્ષણ દૃષ્ટાંત, આ અંગે નોંધવા જેવું છે: સાહિત્યકોશ: ૨માં ‘પાઠક જગજીવન કાલિદાસ’ (પૃ. ૩૫૫) વિશે અધિકરણ છે. કર્તાનાં જન્મ-અવસાનનાં તારીખ-વર્ષ મળે છે. પરંતુ એમને નામે નોંધાયેલાં – નાટક, નવલકથા, બાળસાહિત્ય, ચરિત્ર, અનુવાદ, અન્ય - એમ વિવિધ સ્વરૂપોમાંનાં ૧૨-૧૩ પુસ્તકોમાંથી એકેયનું પ્રકાશનવર્ષ જ કોશમાં નોંધાયેલું નથી! વળી, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (પરિષદ-પ્રકાશિત) કે ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ (ધીરુભાઈ ઠાકર) – એના કોઈ પણ ગ્રંથ/ભાગમાં આ લેખકના નામનો પણ કોઈ ઉલ્લેખ નથી! આવી પ્રશ્નાર્થક માહિતી ક્યાંથી આવી એ પણ ‘સાહિત્યકોશ’નો કર્તાઅધિકરણ નીચેનાં સ્રોત-સંદર્ભને અભાવે, જાણી શકાયું નથી.૪ એથી, આવી કેટલીય કૃતિઓ આ સમયદર્શી કોશમાંથી, સ્વાભાવિક જ, બહાર રહી ગઈ છે. અલબત્ત, મહત્ત્વની લાગેલી કૃતિઓ અન્ય પ્રયુક્તિથી જાળવી લીધી છે. ૩.૨ બીજું સીમાંકન: ‘બહુ સમાવેશ’ની નીતિ: સંદર્ભ ઉપયોગિતા અને પૂર્ણ દસ્તાવેજીકરણ – એ બેની વચ્ચે વ્યવહારુ ઉકેલો કાઢતા જઈને આ કોશ તૈયાર કર્યો છે. કોઈપણ કોશ માટે દસ્તાવેજીકરણનું મૂલ્ય ઘણું હોય છે પરંતુ ક્યારેક અલ્પતમ (કે શૂન્ય) ઉપાદેયતાવાળી, જથ્થાના એક ભાગ તરીકે આવતી વિગતોના ખડકલાથી પણ સાચી સંદર્ભ-ઉપયોગિતા ઘટે, એક દોદળું ચિત્ર ઊભું થાય ને એ કારણે અભ્યાસીનો શોધશ્રમ એળે જાય – એ અંગેની ચિંતા-સભાનતા સતત રહ્યાં છે. એ કારણે કેટલાક હેય-ઉપાદેય-નિર્ણય લીધા છે.: ઉદા. તરીકે – – એક જ લેખકની જાસૂસી પ્રકારની, ભેદભરમવાળી નવલકથાનામી સંખ્યાબંધ કૃતિઓમાંથી નમૂનાલેખ, મહત્તમ કૃતિઓ સમાવિષ્ટ કરી છે. એટલે કે, એવા કિસ્સાઓમાં પ્રતિનિધિરૂપ કૃતિઓ સાચવી લઈને એ સિવાયની થોડીક કૃતિઓ બહાર રાખી છે. – કેવળ મધ્યકાલીન માનસનાં રૂઢ ભક્તિપદ્યોના સંગ્રહો, રાજાઓ આદિની બિરદાવળીઓ રૂપ પુસ્તકોમાંથી પણ પ્રતિનિધિરૂપ કે પ્રતીકરૂપ મહત્તમ કૃતિઓ સમાવી છે, અન્ય થોડીક બહાર રાખી છે. – સામાન્ય રૂઢ વિચારવિહારનાં, ચીલાચાલુ ઉપદેશ-પારાયણનાં, કેવળ વર્તમાનપત્રાશ્રિતમાંથી ગ્રંથ રૂપે ખડકાયેલાં – પુસ્તકોમાંથી પણ પ્રતિનિધિરૂપે પુસ્તકો (સમયાંતરે પ્રકાશિત થયેલાંના માપદંડથી) પસંદ કરીને, બાકીનાં બહાર રાખ્યાં છે. અલબત્ત, અહીં પસંદગી ચુસ્ત નહીં પણ, મોકળી ને ઉદાર જ રાખી છે. એટલે કે સર્વસમાવેશી ભલે નહીં, પણ બહુસમાવેશી વલણ રાખ્યું છે. આવા અ-સમાવેશ પાછળ અનુમાન અને યદૃચ્છાનુંં (ને રુચિનું) પ્રવર્તન થયું હશે પણ એને કેવળ સ્વૈર રાખ્યું નથી. – બે વાર વિચારીને નિર્ણયો લીધા છે. ક્યારેક તો, બહાર રાખેલાં પુસ્તકોમાંથી પણ કેટલાંક ફરી સમાવ્યાં છે.

૩.૩ વિગત-સાચવણીનો અગ્રતાક્રમ: સ્રી-લેખકોની કૃતિઓ [સ્વરૂપનિર્દેશ કે પ્રકાશનવર્ષ ન મળ્યાં હોય કે એનો છેવટે પણ ઉકેલ ન મળ્યો હોય એ સિવાયની] બધી જ સાચવવાનું વલણ રાખ્યું છે. સ્ત્રી લેખકોની સંખ્યા પ્રમાણમાં – અને અર્વાચીન યુગનાં પ્રારંભિક ૫૦-૭૫ વર્ષોમાં તો ખાસ – ઓછી છે એથી આવો નિર્ણય લીધો છે. એ જ રીતે, ૧૯મી સદીનાં એકદમ પ્રારંભિક વર્ષોનાં પ્રકાશનોને પણ, સ્વરૂપ-વર્ષની વિગતો મળી છે ત્યાં, પૂરેપૂરાં જાળવ્યાં છે. ૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો: આ સંદર્ભકોશમાં કૃતિનામો અને (પહેલી આવૃત્તિમાં) પ્રકાશનવર્ષો સ્વીકૃત સ્રોતોમાંથી લીધાં છે – એટલે કે, દ્વૈતીયીક સામગ્રીમાંથી લીધાં છે, પુસ્તકોની સીધી ચકાસણી કરીને લીધાં નથી. (એ શક્ય જ ન હતું.) એ કારણે, જ્યાં સંદેહ થયો કે કોઈ કોયડો સામે આવ્યો ત્યાં, તે સર્વ પુસ્તકોની પહેલી આવૃત્તિનું વર્ષ મેળવવાની જહેમત કરી છે તેમ છતાં, કેટલાક કિસ્સાઓમાં પ્રકાશનવર્ષ અહીં નોંધ્યા કરતાં જુદું મળવાની સંભાવના રહેલી છે. અહીં સ્વીકૃત સ્રોતોએ જેટલે અંશે મૂળમાં જઈને પ્રકાશનવર્ષો મેળવ્યાં હશે એટલે અંશે અધિકૃત માહિતી અહીં ઊતરી હશે – એટલે જુદું પ્રકાશનવર્ષ મળવાના કિસ્સા હશે, પણ તે વિરલ હોવાના. પરંતુ પુસ્તકોની પહેલી આવૃત્તિ અંગે કેટલાક પ્રશ્નો, બહુ પ્રયત્નેય, રહી જવાના. કેટલીકવાર પહેલી આવૃત્તિવાળો ગ્રંથ પુસ્તકાલયમાં પણ મળતો ન હોય એવું બનતું હોય છે! – બહુ જૂનાં પુસ્તકો અંગે આ સંભાવના વધારે હોઈ શકે, પણ પ્રમાણમાં નજીકના સમયનાં (કહો કે આજથી ૭૦-૮૦ વર્ષો પૂર્વેનાં) પુસ્તકો અંગે પણ આવું બનવાનું. આ કારણે, કૃતિઓનાં પ્રકાશનવર્ષ (પહેલી આવૃત્તિનાં) ક્યારેક જુદા જુદા સંદર્ભોમાં જુદાં જુદાં મળ્યાં હોવાના કોયડા પણ સામે આવ્યા છે! મુનશીની એક નવલકથા ‘રાજાધિરાજ’નાં તો, ચાર સંદર્ભોમાં ચાર જુદાં પ્રકાશનવર્ષો મળ્યાં – જેમાંનાં બે સંદર્ભોમાં તો અધિકરણલેખક એક જ હતા! છેવટે, પુસ્તક સીધું પુસ્તકાલયમાં જોઈને નક્કી કરવું પડ્યું. અલબત્ત, આવા કિસ્સા વિરલ ને અપવાદરૂપ જ રહેવાના. પરંતુ તકલીફ તો એ વાતની કે, કોઈ ખાસ કારણસર સંદેહ ન થયો હોય ત્યાં સુધી પ્રતિચકાસણી (ક્રોસ-ચેકિંગ)માં જવાયું ન હોય, ને ત્યારે સ્વીકૃત સ્રોતની સામગ્રી જ ઊતરી હોય. સદ્ભાગ્યે, સાહિત્યકોશનો મને અનુભવ હતો. ત્યાં બધા જ સંદર્ભોની માહિતી કાર્ડ પર નોંધાતી હતી ને એથી અધિકરણલેખકને આપોઆપ જ પ્રતિચકાસણીનો લાભ મળી જતો હતો. એટલે, એના કેટલાક પ્રશ્નો હોવા છતાં, સાહિત્યકોશ ઘણે અંશે શ્રદ્ધેય સ્રોત ગણાય. પરિચયકોશે તો, મોટેભાગે, સીધી લેખકો પાસેથી જ માહિતી મંગાવેલી એટલે, એમાંય પ્રશ્નો દાખલ થઈ ગયા હોવા છતાં, એનો ભરોસો રાખવામાં મોટી આપત્તિ ન હતી. ક્યારેક મુદ્રણદોષ કે સરતચૂકથી પણ ખોટું/જુદું વર્ષ લખાઈ ગયું હોય; કોઈ સંદર્ભમાં પ્રમાદ કે ગફલતથી પહેલી પછીની આવૃત્તિનું વર્ષ પહેલી આવૃત્તિના વર્ષ તરીકે લખાઈ ગયું હોય. એવા સંજોગોમાં એક જ પુસ્તકનાં બે જુદાં જુદાં વર્ષ મળ્યાં હોય, ને ગ્રંથાલયમાંથી પણ એનો ઉકેલ ન મળ્યો હોય. (– વળી, ગ્રંથાલયોમાં પણ વારંવાર જઈ શકાયું નથી –) ત્યારે વહેલું વર્ષ (૧૯૧૫ અને ૧૯૧૭ હોય ત્યાં ૧૯૧૫) સ્વીકારવાનો વ્યવહારુ ઉકેલ કર્યો છે ને ક્યાંક એ વર્ષ સામે ફૂદડી * મૂકી છે; ક્યારેક બે માંથી પાછલું વર્ષ વધારે સ્રોતમાંથી મળ્યું હોય ત્યાં બન્ને વર્ષ નોંધીને પ્રશ્નાર્થ મૂક્યો છે. જેમે કે ‘૧૮૮૫/૧૮૮૭?’. એની વધુ વાત માળખાની ચર્ચામાં. કોઈવાર સંલગ્ન વિગતોને આધારે નિર્ણય લેવાનો થયો છે. ઉદા.ત. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ (નાટક; મુનશી, કનૈયાલાલ)નું પ્રકાશનવર્ષ એક સ્રોતમાં ૧૯૨૪ અને બીજામાં ૧૯૩૩ નોંધાયું હતું. હવે? આ નાટક મુનશીની નવલકથા ‘સ્નેહસંભ્રમ’(૧૯૩૧)પરથી લખાયેલું છે એથી નાટકનું વર્ષ ૧૯૩૩ જ સ્વીકારવાનું થયું. આવો એક બીજો કિસ્સો પ્રતિ-ચકાસણીથી ધ્યાનમાં આવેલો: નવલરામનું શાળાપત્ર-પ્રકાશિત ‘ઇંગ્રેજલોકનો ઇતિહાસ’ પછીથી બલવંતરાયે સંપાદિત-પ્રકાશિત કરેલું. ‘સાહિત્યકોશ’માં, નવલરામના અધિકરણલેખકે એ વર્ષ ‘૧૯૨૪’ લખ્યું છે, બલવંતરાયના અધિકરણલેખકે ‘બીજી આ. ૧૯૨૨’ લખ્યું છે. આ સ્પષ્ટ વિસંગતિ હતી. ઘણી શોધખોળ પછી એનું વર્ષ ‘૧૯૧૪’ મળ્યું. કોશમાં છાપભૂલથી ૧૯૨૪ થયું હશે, એ આ પછી સ્પષ્ટ થયું. પરંતુ આવી શોધખોળમાં ઝાઝું જવાયું નથી. એવી બધી જ શોધખોળ તો ઘણાં વર્ષો લે. જે થોડાક કોયડા સામે આવ્યા એને ઉકેલવામાં પણ દિવસોના દિવસો ગયા છે ને કોશ નિર્ધારિત સમય કરતાં મોડો પડ્યો છે. નોંધ: નાટકો અંગે સમયનિર્દેશના એક વિલક્ષણ કોયડાનો સામનો કરવાનો આવ્યો છે. મૂળ સ્રોતમાં કેટલાંક નાટકોની સામે દર્શાવેલું વર્ષ મંચનનું વર્ષ છે કે પ્રકાશનનું – એ સ્પષ્ટ ન થયું હોય; કેટલાંક નાટકોનું માત્ર મંચન થયું હોય (થોડાંકનું તો વર્ષો સુધી થયું હોય) પણ એનું પ્રકાશન ન થયું તો સમયનિર્દેશ કેવી રીતે આપવો? આ ગૂંચને કારણે, કેટલાંક લેખકોના નાટકોની એવી યાદીઓ સ્રોત ગ્રંથોમાં સામે આવી જેમાં કોઈ વર્ષ નિર્દેશ ન થયો હોય. આ બધામાંથી શક્ય બન્યા એટલા કોયડા ઉકેલ્યા છે. (ક્યાંક ‘મંચનવર્ષ’ એવા નિર્દેશો પણ કર્યા છે).એવા થોડાક સંદર્ભો જોવા મળ્યા, પણ ઘણા વધારે સંદર્ભો તપાસવામાં હું જઈ શક્યો નથી; એના જાણકારોને પૂછેલું, પણ એનો સ્પષ્ટ ને સંતોષજનક ઉત્તર આપવાની સ્થિતિમાં તે ન હતા. કદાચ, નાટકો અંગે બધી જ માહિતી આપણાથી, થોડાક મહત્ત્વાકાંક્ષી પ્રયત્નો થયા હોવા છતાંય, સ્પષ્ટ રીતે સચવાઈ નથી. ૪. આ કોશનું માળખું ૪.૧ મુખ્ય વિભાજન: આ ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ને બે મુખ્ય વિભાગોમાં રજૂ કર્યો છે: [૧] લેખકોનો સમયક્રમ નિર્દેશતો ‘કર્તાસંદર્ભ’ ખંડ અને [૨] પ્રકાશિત ગ્રંથોનો સમયક્રમ નિર્દેશતો ‘કૃતિસંદર્ભ’ ખંડ. સાહિત્યકોશો અને લેખકપરિચયકોશો લેખક=કર્તાને મુખ્ય અધિકરણ-સ્થાને રાખીને એની અંતર્ગત જીવન-સંદર્ભને તથા (એમણે લખેલાં પુસ્તકોના) કૃતિ-સંદર્ભને સમાવે છે. સ્વતંત્ર કૃતિપરિચયકોશો બહુ વિરલ છે (જેમકે ‘ગુજરાતી ટૂંકીવાર્તા કોશ’, સંપા. ચંદ્રકાન્ત ટોપીવાળા, રમેશ દવે). ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૨’ કેટલીક મહત્ત્વની લાગેલી, પસંદગીની કૃતિઓના પરિચયને વિશેષ વિગત પરિચયરૂપે સામેલ કરે છે પણ પ્રધાનપણે એ કર્તા-કેન્દ્રી કોશ છે. આ સમયદર્શી સંદર્ભોનો કોશ હોવાથી એમાં લેખકોનો સમયસંદર્ભ એટલે કે એમનાં જન્મ/અવસાનના કાળાનુક્રમી નિર્દેશો તેમજ, સ્વતંત્રપણે, અર્વાચીન ગુજરાતી સાહિત્યની કૃતિઓનાં પ્રકાશનવર્ષોના કાળાનુક્રમી નિર્દેશો આપવાના હોય એથી, આવા બે વિભાગો આવશ્યક જ નહીં, અનિવાર્ય બન્યા છે.

૪.૨ કર્તાસંદર્ભ: આયોજન અને પ્રયોજન: અર્વાચીન ગુજરાતી સાહિત્યના કુલ લગભગ ૩૦૦૦ લેખકો જન્મવર્ષ/તારીખના ક્રમે અહીં સ્થાન પામ્યા છે. (ગુજરાતીના સૌથી જૂના/પહેલા લેખક મુનશી ડોસાભાઈ સોરાબજીનું જન્મવર્ષ ૧૭૮૪ છે અને, જેમનું ઓછામાં ઓછું એક પુસ્તક પ્રકાશિત થયેલું હોય એવા (અહીં નોંધાયેલા) સૌથી છેલ્લા નવોદિત લેખક ઠાકોર ભરત એસ.ની જન્મતારીખ ૨-૬-૧૯૮૩ છે.) જન્મક્રમ-અનુસારી આ કર્તાઅધિકરણોનો વિગતક્રમ આ મુજબ રાખ્યો છે: અટકથી આરંભાતું પૂરું લેખકનામ, જન્મવર્ષ/તારીખ, –/અવસાનવર્ષ/તારીખ.... કર્તા-સંદર્ભ હોવાથી લેખકનામ પહેલું હોય એમાં સંગતિ હતી. સમય સંદર્ભને વાચક-સહાયક અને ધ્યાનપાત્ર રાખવા જન્મવર્ષ/તારીખ બોલ્ડ ટાઈપમાં મૂક્યાં છે. લેખકનામ પછી, ઉપનામ/તખલ્લુસનો નિર્દેશ બહુ આવશ્યક હોય ત્યાં જ કર્યો છે. ને કોઈ લેખકનાં વધારે ઉપનામો હોય તો એમાંથી વધુમાં વધુ બે ઉપનામો સાચવ્યાં છે. જન્મ –/અવસાનની વિગત પછી, નીચે નાના ટાઈપમાં, લેખકના પ્રથમ પ્રકાશનનું નામ અને પ્રકાશનવર્ષ મૂક્યાં છે. લેખકની લેખન-કારકિર્દીનું સૌથી પહેલું પ્રકાસન કયું ને ક્યારે થયું એ એના લેખક-પરિચયનો એક સૂચક નિર્દેશ બને છે ને એ રીતે કર્તા-અધિકરણને એક વિશેષ પરિમાણ મળે છે – એ આની પાછળનું પ્રયોજન છે. આ પ્રથમ પ્રકાશન મૌલિક/અનુવાદ/સંપાદન/સહલેખન/સહસંપાદન/સાહિત્યનું/સાહિત્યેતર એમ કોઈ પણ પ્રકારનું હોઈ શકે, બીજી ભાષામાં લખેલું પણ હોઈ શકે – પણ સમયની દૃષ્ટિએ એ એના લેખનની પ્રથમ પ્રવૃત્તિના પ્રકાશનરૂપ હોય, એટલું ચિહ્નિત થાય છે. એક વાત, કોઈ કોઈ લેખકના જન્મવર્ષ સાથે ‘–આસપાસ’ એવી નોંધ કરેલી છે તે અંગે. મૂળ સ્રોતોમાં જ્યાં લેખકના જન્મવર્ષનો કોઈ નિર્દેશ થયેલો ન હોય પણ એની કોઈ એક કે વધુ કૃતિઓનાં પ્રકાશનવર્ષોનો નિર્દેશ થયેલો હોય તો ત્યાં, તે લેખકનું જન્મવર્ષ, એની સૌથી પહેલી પ્રકાશિત થયેલી કૃતિના વર્ષને આધારે, અનુમાનીને મૂક્યું છે, ને એ અનુમાનને દર્શાવવા ‘– આસપાસ’ એવી સંજ્ઞા યોજી છે. આ અનુમાન, લેખકની જીવનવિગતો વગેરેને ધ્યાનમાં રાખીને, એની પ્રથમ પ્રકાશિત કૃતિથી આશરે ૨૫ થી ૩૫ વર્ષ પહેલાં લેખકનો જન્મ થયો હોય એવી ધારણાને આધારે કરેલું છે. ઉ. ત. એવા લેખકની કૃતિનું પ્રકાશનવર્ષ ૧૯૩૦ મળતું હોય તો એનું જન્મવર્ષ ‘૧૯૦૦ આસપાસ’ એ રીતે દર્શાવ્યું છે (કે લેખકની અભ્યાસાદિ જીવનવિગતોના સંદર્ભમાં ક્યાંક ‘૧૮૯૫ આસપાસ’ કે ‘૧૯૦૫ આસપાસ’ એ રીતે દર્શાવ્યું છે.) સમયદર્શી કોશમાં, જન્મવર્ષ નિર્દેશ વિના તો કોઈ જ લેખકનું અધિકરણ મૂકી ન શકાય – એ એની તાર્કિક સંગતિ છે. આવી જ તાર્કિક સંગતિથી, જ્યાં લેખકનું જન્મવર્ષ મળતું હોય ને કોઈજ પુસ્તકનું પ્રકાશનવર્ષ ન મળતું હોય ત્યાં, ત્રીસેક વર્ષનું સમયઅંતર રાખીને, કૃતિપ્રકાશન‘—(વર્ષ) આસપાસ’ એમ કરી લીધું છે. કર્તા-સંદર્ભમાં, લેખકની પહેલી કૃતિની બાબતમાં આવા નિર્દેશ ખાસ જરૂરી ગણ્યા છે. અલબત્ત, ‘– આસપાસ’નો અર્થ ‘અનિર્ણિત’ એવો પણ ગણાય જ – ને એથી ભવિષ્ય માટે એનો વિકલ્પ ખુલ્લો જ રહે છે. એક જ વર્ષમાં જન્મેલા કર્તાઓનો ક્રમ તારીખ અનુસાર જ રાખ્યો છે; તારીખો પછી ‘– આસપાસ’ નિર્દેશવાળું વર્ષ ને છેલ્લે કેવળ વર્ષનિર્દેશ, ઉદા. ત. તારીખ દૃષ્ટિએ પહેલો ક્રમ ‘૧-૧-૧૯૨૫’, છેલ્લો ‘૩૦-૧૨-૧૯૨૫’; એ પછી ‘૧૯૨૫ આસપાસ’ ને એ પછી ‘૧૯૨૫’ – એ પ્રકારનો વિગતક્રમ રાખ્યો છે. [‘–આસપાસ’વાળો વર્ષક્રમ કેવળ-વર્ષ નિર્દેશની પહેલાં એટલા માટે છે કે ‘૧૯૨૫ આસપાસ’માં ૧૯૨૫ પછી હોવાની સંભાવના પણ રહેલી છે – ને ૧૯૨૫ પહેલાં હોવાની સંભાવના પણ રહેલી છે.] કર્તા-સંદર્ભમાં વિગતોનું દાયકાવાર વિભાજન કરેલું છે: ૧૯૦૧-૧૯૧૦, ૧૯૧૧-૧૯૨૦.... એવા પેટાખંડો મુજબ. આ વ્યવસ્થા ઉપયોગકર્તાને સમયખંડોને પામવામાં સુવિધારૂપ થઈ શકે, એવો આશય રહેલો છે. સળંગ આવતી વિગતોની પ્રલંબ હારમાળાને તોડીને એને દાયકાઓથી સાંકળતી આ પ્રયુક્તિ અર્થપૂર્ણ થવા ઉપરાંત એકાગ્રતાના સંદર્ભે રાહતરૂપ પણ થાય, એવો દૃષ્ટિકોણ એની પાછળ રાખ્યો છે. ૪.૩ સૂચિ: ‘કર્તા-સંદર્ભ’ ખંડને અંતે લેખકનામોની અટકના અકારાદિક્રમે સૂચિ આપી છે. એથી લેખકનામને આધારે પણ એની અન્ય વિગતો શોધી શકાય. આ સૂચિ લેખકનામ પછી મૂળ સામગ્રીનો પાના નંબર આપતી નથી, પણ જન્મવર્ષ જ આપે છે. (જોશી, ઉમાશંકર (પૃ.)....’ એમ નહીં પણ જોશી, ઉમાશંકર ૧૯૧૧ એથી વાચકને બેવડી સહાય મળે છે. લેખકના જન્મવર્ષનો સદ્ય સંદર્ભ (રેડી રૅફરંસ) મળી જાય છે; એ ઉપરાંત, કોશ સમયાનુક્રમી હોવાથી જન્મવર્ષને આધારે પણ મૂળ સામગ્રીમાંથી લેખકની (વધુ)વિગતો શોધી કાઢવાનું સરળ રહે છે – પેજલાઈનની વ્યવસ્થા પણ એ રીતે કરી છે.

૪.૪ ‘કૃતિ-સંદર્ભ’: આયોજન અને પ્રયોજન: કૃતિ=પુસ્તક સાથે ત્રણ વિગતો સંકળાયેલી હોય છે: કૃતિનું નામ, કૃતિનું સાહિત્યસ્વરૂપ, કૃતિનું પ્રકાશન-વર્ષ. કૃતિ-સંદર્ભ આપવાની એક પદ્ધતિ આ મુજબ હોઈ શકે, કૃતિનામ, (સ્વરૂપ), પ્રકાશનવર્ષ. અર્વાચીન ગુજરાતી સાહિત્યની – ઈ. સ. ૨૦૦૦ સુધીની – (અહીં સમાવિષ્ટ) ૨૦ થી ૨૨ હજાર કૃતિઓને સળંગ, સમયાનુક્રમે, આ રીતે પણ રજૂ કરી શકાઈ હોત. [સૂચિઓની – ખાસ કરીને પ્રકાશક/વિક્રેતા સૂચિઓની – આ પદ્ધતિ હોય છે.] પરંતુ આમ કરવાથી, કશી સ્પષ્ટ સંદર્ભ સહાય ન આપનારો નર્યો ખડકલો (લમ્પ) જ થાય – ‘સંદર્ભકોશ’ કરવાનો કશો અર્થ સર્યો ન હોત. એથી સર્વ કૃતિ-સામગ્રીને નીચે મુજબ સ્વરૂપ અનુસાર ને દરેકની અંતર્ગત સમયાનુક્રમે રજૂ કરી છે.

૧. કવિતા (સર્વ પદ્યગ્રંથો અને પુસ્તિકાઓ) ૨. વાર્તા (કથા, વાર્તા, ટૂંકીવાર્તા) ૩. નવલકથા (દીર્ઘકથા, રંજનકથા, નવલકથા) ૪ અ. નાટક (દીર્ઘ નાટક, અનેકાંકી) આ. એકાંકી (એકાંકીસંગ્રહ) ૫ અ. આત્મકથા (સળંગ આત્મકથા, સંસ્મરણ-સંગ્રહ, ડાયરી, પત્રસંચય) આ. ચરિત્ર (સળંગ જીવન ચરિત્ર, રેખાચિત્રસંગ્રહ) ૬. નિબંધ (મુખ્યત્વે લલિતનિબંધ-સંગ્રહ, દીર્ઘ સળંગનિબંધ (પ્રબંધ), હાસ્યનિબંધ-સંગ્રહ*) ૭. પ્રવાસ (સળંગ પ્રવાસકથાનક, પ્રવાસ નિબંધ-સંગ્રહ) ૮. હાસ્યસાહિત્ય (હાસ્યકવિતા, હાસ્ય-લેખ-સંગ્રહ, હાસ્યકથા, હાસ્યનાટક, હાસ્યનિબંધસંગ્રહ*, આદિ) ૯. બાળસાહિત્ય (બાળકાવ્યસંગ્રહ, બાળવાર્તાસંગ્રહ.... એ રીતે વિવિધ સ્વરૂપોનું બાળ સાહિત્ય, પ્રત્યેકમાં સમયાનુક્રમે) ૧૦ અ. લોકસાહિત્ય: સર્જન (સર્જનાત્મક કૃતિઓ–સંપાદિત સંગ્રહો) આ. લોકસાહિત્ય: વિવેચન (લોકવિદ્યા, લોકસાહિત્ય સિદ્ધાંત, સમીક્ષા, વિવેચન, સંપાદનકેફિયત) ૧૧ અ. સાહિત્યવિવેચન આ. સાહિત્ય સંશોધન ૧૨ અ. સંદર્ભ: વ્યાપક આ. સંદર્ભ: ઇતિહાસ (સાહિત્યના અને અન્ય ઇતિહાસો) ૧૩. ભાષાવિજ્ઞાન(સિદ્ધાંતવિચાર, વ્યાકરણ આદિ) ૧૪ અ. કોશ(વિવિધ પ્રકારના કોશ) આ. સૂચિ (વિવિધ પ્રકારની સૂચિઓ) ૧૫ અ. સંપાદન: મધ્યકાલીન(પ્રાચીન/મધ્યકાલીન કૃતિસંપાદનો, એ વિષયક લેખ-સંપાદનો આદિ) આ. સંપાદન: અર્વાચીન (કૃતિ સંપાદન/ચયન, લેખ-સંપાદન, સ્મરણ/શતાબ્દીગ્રંથ) ૧૬. અનુવાદ સાહિત્ય (કાવ્યાનુવાદ, વાર્તાનુવાદ.... એમ વિવિધ સ્વરૂપવાર અનુવાદ ગ્રંથો, પ્રત્યેકમાં સમયાનુક્રમે) ૧૭. અન્ય વ્યાપક(પત્રકારત્વ, તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાનો, મિશ્રસ્વરૂપી સાહિત્યસંચયો, અન્ય અવ્યાખ્યેય પણ નોંધપાત્ર)

[સ્વરૂપ-ક્રમ ઉપર મુજબ, પરંપરાગત રીતનો રાખ્યો છે – સ્વરૂપ નામના અકારાદિક્રમે ગોઠવણી કરી નથી. વાચક પ્રચલિત ક્રમથી જ ટેવાયેલો હોવાથી એ પદ્ધતિ જાળવી છે એ તો ખરું જ, પણ એ ઉપરાંત આ ક્રમ પાછળ એક બીજો તર્ક પણ પડ્યો છે એની વાત આગળ કરી છે.] ૪.૫ વિગત ગોઠવણીની ભાત: ‘કૃતિ-સંદર્ભ’માં સ્વરૂપવાર પેટાશીર્ષકો હેઠળ મૂકેલી વિગતોનો ક્રમ આ મુજબ છે – પ્રકાશનવર્ષ, કૃતિ(ગ્રંથ)નામ – લેખકનામ (કર્તા/અનુવાદ/સંપાદક) લેખકનામો અટકથી આરંભાય – એ જાણીતી કોશપદ્ધતિને અહીં પણ સ્વીકારી છે. પરંતુ અહીં, જ્યાં જરૂર પડી ત્યાં, એક ફેરફાર કર્યો છે: ‘કર્તાસંદર્ભ’માં તો કર્તાનું પૂરું નામ – અટક, પ્રથમ નામ, પિતા/પતિનું નામ; એ પછી ઉપનામ – મૂક્યું છે પણ અહીં કર્તાનું પ્રચલિત નામ, ટૂંકુ નામ[અટક, પ્રથમ નામ] મૂક્યું છે. જેમકે, ‘વિભાકર નૃસિંહપ્રસાદ’ને બદલે માત્ર ‘વિભાકર નૃસિંહ’ કે ‘વેદ નરેશચંદ્ર’ને બદલે ‘વેદ નરેશ’. આમ કરવાનું કારણ એ કે, અહીં લેખકનામો એના પૂરા કર્તા ‘સંદર્ભ’થી જુદાં/અલગ પડી ગયાં હોવાથી પ્રચલિત નામ હોય તો એ તરત સ્મરણ-અંકિત થાય ને કશી ગૂંચ કે અસ્પષ્ટતાને અવકાશ ન રહે. અલબત્ત, જ્યાં નામ પાછળનાં આ અનુલગ્ન પદો (– પ્રસાદ, – ચંદ્ર, – લાલ, વગેરે) પ્રચલિત નામનો ભાગ – ને ખાસ તો, એક વ્યાપક અંશ હોય ત્યાં એવા સંક્ષેપ કર્યા નથી જ. જેમકે ‘સોની રમણ ~ સોની રમણલાલ; શાહ પ્રવીણકાન્ત ~ શાહ પ્રવીણચંદ્ર, વળી નામને લીધે કૃતિત્વની ભેળસેળ ન થાય એ માટે, એવા સંજોગોમાં પૂરું નામ પણ જાળવ્યું છે. જેમકે, ‘પટેલ મણિલાલ નરસિંહદાસ ~ પટેલ મણિલાલ હરિદાસ.’ ઉપનામો અનિવાર્ય/પ્રચલિત હોય એટલાં જ અહીં ‘કૃતિસંદર્ભ’માં જાળવ્યાં છે, તેમ છતાં કૃતિત્વ-સંદિગ્ધતા ટાળવા કેટલીક જગાએ, અપવાદરૂપે એવાં અલ્પપ્રચલિત ઉપનામના નિર્દેશ પણ કર્યા છે. જેમકે – ‘પટેલ રમેશભાઈ રણછોડદાસ’ ‘ગાનાકર’ ~ પટેલ રમેશભાઈ રણછોડદાસ ‘ચુણેલિયા’. પ્રત્યેક સ્વરૂપ હેઠળના કૃતિસંદર્ભો (‘કર્તાસંદર્ભ’ની જેમ જ) દાયકાઓમાં વિભકત કર્યા છે. કૃતિઓની સંખ્યાબહુલતાને કારણે આવું દાયકા-વિભાજન વધુ સુવિધાજનક ને રાહતરૂપ બની શક્યું છે. વળી, કોઈ એક સ્વરૂપની કોઈ એક દાયકાની કૃતિઓના અભ્યાસ માટે આવી ભેદકતા (ડિમાર્કેશન) વિશેષ ઉપયોગી બની શકે. આ દાયકાકેન્દ્રી ઉપ-વિભાગોને વધુ વાચકસહાયક બનાવવા એક બીજી પ્રયુક્તિ (બલકે સુવિધા) પણ દાખલ કરી છે: કોઈ એક પુસ્તક એકથી વધારે ભાગો/ખંડોમાં, વર્ષોના લાંબા અંતરે, પ્રગટ થયેલું હોય ત્યારે એમાં પહેલા ખંડના પ્રકાશનવર્ષની સાથે જ અન્ય ખંડોનાં પ્રકાશનવર્ષ તો નોંધ્યાં જ છે પણ દાયકો બદલાય ત્યારે પણ જે-તે ખંડ (કે ખંડો)નાં પ્રકાશનવર્ષ ફરી નિર્દેશ્યાં છે. એક ‘સરસ્વતીચંદ્ર’ના ઉદાહરણથી પણ આ વાત સ્પષ્ટ થશે: - ૧૮૮૧-૧૮૯૦ [ના દાયકા હેઠળ] ૧૮૮૭, ૯૨, ૯૬, ૧૯૦૧ સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ - ૧૮૯૧-૧૯૦૦ ૧૮૯૨, ૯૩ સરસ્વતીચંદ્ર ભાગ ૨, ૩ – ત્રિપાઠી ગોવર્ધનરામ - ૧૯૦૧-૧૯૧૦ ૧૯૦૧ સરસ્વતીચંદ્ર ભાગ ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ જ્યાં પુસ્તક ઘણા વધારે ખંડોવાળું હોય ત્યાં છેલ્લા ખંડ વખતે પહેલા ખંડનું પ્રકાશનવર્ષ પણ નોંધ્યું છે. ઉ.ત ૧૯૯૭, મહાદેવભાઈની ડાયરી ભાગ: ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ [ભાગ ૧: ૧૯૪૮]

૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ: સાહિત્યકોશ કે સાહિત્યનો ઇતિહાસ કર્તાકેન્દ્રી રહેતા હોવાથી કૃતિના અને કૃતિ-આસપાસના સર્વ સંદર્ભો એમાં સુલભ રહેતા હોય છે. અહીં કૃતિ-કેન્દ્રિતતાને કારણે, સંદર્ભો વિખૂટા પડી ગયેલા હોય. એથી, કેટલાંક ચિહ્નો/સંકેતો પ્રયોજતી પ્રયુક્તિઓ દાખલ કરીને કૃતિને જરૂરી/વિશેષ સંદર્ભો – અલબત્ત, અનિવાર્ય બન્યું ત્યાં જ – આપવાનું કર્યું છે. જેમકે – (૧) પ્રશ્ન-ચિહ્ન: પ્રકાશનવર્ષ પછી મૂકેલું (?) એ પ્રકાશનવર્ષ અંગે સંદેહ સૂચવે છે, વૈકલ્પિક રીતે બે પ્રકાશવર્ષો ‘જેમકે ‘૧૮૬૪/૧૮૬૭?’ એ રીતે બતાવ્યાં હોય ત્યાં પાછળનું વર્ષ પ્રકાશનવર્ષ હોવાની વધારે સંભાવના છે એમ દર્શાવે છે. (સામાન્ય રીતે તો, એકાધિક વર્ષો મળ્યાં હોય ત્યાં આગલું વર્ષ સ્વીકારવાનું વલણ રાખ્યું છે.) (૨) ફૂદડી *: નાટ્યકૃતિઓમાં, પ્રકાશનવર્ષ પછીની ‘*’ એ ભજવણીનું વર્ષ છે કે પુસ્તકરૂપ પ્રકાશનનું – એ અંગેનો સંદેહ દર્શાવે છે; કૃતિનામ આગળ મૂકેલી ‘*’ આ કૃતિ પ્રકાશિત થઈ હોવા વિશે સંદેહ છે પણ દર્શાવેલું વર્ષ એની ભજવણીનું વર્ષ છે એમ સૂચવવા મૂકેલી છે. અન્યત્ર ફૂદડી સંદેહાસ્પદ વિગતનો નિર્દેશ કરે છે. (૩) પાદ-નોંધ (ફૂટનોટ): કોશ સાથે ફૂટનોટ-પ્રયુક્તિ સંકળાતી નથી હોતી પરંતુ અહીં, જ્યાં અનિવાર્ય બન્યું એવાં વિરલ સ્થાનોએ કેટલીક ફૂટનોટ મૂકી છે. ક્યાંક પૂર્તિ-નિર્દેશ-સંદર્ભો સ્પષ્ટ કરવા માટે, વિશેષ વિગત આપવા માટે, કાળક્રમ અંગેની અસ્પષ્ટતા દૂર કરવા માટે, કોઈ એક કર્તાની કૃતિઓના સમૂહની ખાસિયત નિર્દેશવા માટે, કોઈ ગૂંચ ઉકેલ સૂચવવા માટે, એમ વિવિધ પ્રયોજનોથી આ કર્યું છે. – તે ફૂટનોટ્સ જોવાથી સ્પષ્ટ થશે. જો કે કેટલીક વિગતો, ફૂટનોટ રૂપે જરૂરી ન લાગી હોય તે, કૃતિનામ પછી ચોરસ કૌંસ [–] વચ્ચે મૂકી છે. કૃતિનામ પછી ‘[મ.]’ એવો નિર્દેશ કૃતિ મરણોત્તર પ્રકાશિત થયેલી છે એમ સૂચવે છે.

૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં): કેટલીક કૃતિઓ એવી હોવાની કે એમને કયા સ્વરૂપ હેઠળ સમાવવી એ ઝટે નક્કી ન થઈ શકે, એટલે આવા સ્વરૂપ-ઓળખ-નિર્દેશો માટે સ્વરૂપનું ફલક જરાક વિસ્તારી લઈને કૃતિ-સમાવેશના પ્રશ્નોને હલ કરવા પડે. આવા પ્રશ્નોના નિર્દેશો કરતી ને કેટલાંક માર્ગદર્શક સ્પષ્ટીકરણો આપતી ટૂંકી ભૂમિકાઓ દરેક સ્વરૂપખંડની શરૂઆતમાં કરી છે. તે ત્યાં જોઈ શકાશે – અહી એની વિશેષ વિગતો આપી નથી. આમ છતાં, કેટલાક નિર્દેશો અહીં કોશ-આયોજનના એક ભાગરૂપે કરવા જરૂરી છે. જેમકે – ‘[.....]નાટકનાં ગાયનોની ચોપડી’ એવાં પુસ્તકોને ક્યાં સમાવવાં? એની સામે કર્તાનામ મળતાં હોવાથી એમને ‘કવિતા’ (= પદ્ય સ્વરૂપ ખંડ)માં સમાવ્યાં છે; કિશોરકથાઓ આદિ કિશોરભોગ્ય સાહિત્યને પણ ‘બાળસાહિત્ય’માં સમાવી છે; પાલી-પ્રાકૃત-અપભ્રંશ આદિ કૃતિઓનાં સંપાદનો (ને એ વિશેના લેખસંચયોનાં સંપાદનો) ને ‘મધ્યકાલીન સંપાદન’ હેઠળ સમાવી લીધાં છે, ‘ચરિત્ર’ હેઠળ સમાવેલાં પુસ્તકોમાં બે પ્રકારનાં લખાણો હોવાની શક્યતા હતી: કાં તો એમાં વ્યક્તિનું કેવળ જીવન-આલેખન હોય કાં તો એમાં જીવન-અને-લેખનનો પરિચય હોય. એટલે જે સ્પષ્ટપણે કર્તાના લેખન (કૃતિત્વ)ને પ્રાધાન્ય આપતાં – લઘુગ્રંથ (મોનોગ્રાફ) પ્રકારનાં પુસ્તકો હોય તેને જ ‘વિવેચન’માં મૂક્યાં છે. બાકીની સર્વ સામગ્રી ‘ચરિત્ર’ હેઠળ રાખવી જ યોગ્ય લાગી છે; અનુવાદો ઉપરાંત રૂપાંતરો, અનુસર્જનોને પણ ‘અનુવાદ સાહિત્ય’માં (વિવિધ સ્વરૂપો હેઠળ) સમાવ્યાં છે.... વગેરે, વગેરે. ઉપયોગકર્તા અભ્યાસીને સહાયક બનવા એક પુનરાવર્તન, કેટલીક ખ્યાત અને પરિચિત કૃતિઓ પરત્વે જ કર્યું છે. એટલે કે એક જ કૃતિને બે સ્વરૂપખંડોમાં મૂકી છે. ગુજરાતીના કેટલાક હાસ્ય-લેખ-સંગ્રહો ‘નિબંધ’ સ્વરૂપના પણ ગણાયા છે ને ‘હાસ્યસાહિત્ય’ તરીકે એનું સ્વતંત્ર પરંપરા-મૂલ્ય પણ છે. એટલે એવી કૃતિઓને એ બે પૈકી કોઈ એક જ સ્વરૂપમાં મૂકવાથી પેલા બીજા સ્વરૂપનો અભ્યાસ કરનારને એ કૃતિઓ ત્યાં જડવાની નહીં! – એવા વિચારથી એને બંને સ્વરૂપખંડોમાં મૂકી છે. [નિબંધો ઉપરાંત કેટલાંક કાવ્ય પુસ્તકો, નવલકથાઓ અને નાટકો પણ તે તે સ્વરૂપ ઉપરાંત ‘હાસ્ય સાહિત્ય’માં મુકાયાં છે. ‘હાસ્યસાહિત્ય’માં કેવળ હાસ્ય-પ્રયુક્ત હોય એવાં પુસ્તકો પણ છે જ.] એ જ રીતે કેટલીક કૃતિઓ અનુવાદ પણ હોય ને એ સાથે સંપાદન પણ હોય (જેમકે ‘જાતકકથા’) તો એ પણ બંને સ્વરૂપોમાં મૂકી છે: કેટલીક કૃતિઓ ‘સંદર્ભ’માં અને ‘વિવેચન’માં, કેટલીક ‘ભાષાવિજ્ઞાન’માં અને ‘લોકસાહિત્ય(વિવેચન)’માં – એમ બંને જગાએ જડશે. આવી કૃતિઓનું પ્રમાણ બહુ જ ઓછું રહ્યું છે, પણ સહજ રીતે બે સ્વરૂપવિભાગોમાં જતી જ હોય એવી કૃતિઓને એવા વિભાગોમાં મૂકી છે. (છતાં એમ લાગે છે કે હજુ કેટલીક કૃતિઓને આ ‘લાભ’ કદાચ નહીં પણ મળ્યો હોય!)

૪.૮ સૂચિ: ‘કૃતિ-સંદર્ભ’ને અંતે અકારાદિક્રમે કૃતિ-સૂચિ તેમજ કર્તા-સૂચિ એમ બે સૂચિઓ મૂકી છે. આટલી મોટી સામગ્રીને અકારાદિક્રમમાં ઢાળવા માટે એક તાલીમી જૂથ (ટીમ)ની મદદ લેવાની થઈ છે. એમનોે આભારી છું.

આ કોશ-રચનામાં, વિવિધ ઘટકો અંગે અને જુદેજુદે મોરચે બની એટલી કાળજી ને ચોકસાઈ સેવ્યાં હોવા છતાં આ કોશ સંપૂર્ણપણે ક્ષતિરહિત હોવાનો તો કોઈ જ દાવો થઈ શકે એમ નથી. આટલી મોટી સામગ્રી સાથે બાથ ભીડવાની આવી હોવાથી ક્યાંક ક્યાંક સરતચૂકથી, કે કોઈપણ કારણે, વિગતો છૂટી જવાની, વિગતદોષો દાખલ થઈ ગયાની, ક્યાંક કોઈ ખોટી વિગત ધ્યાનબહાર પ્રવેશી ગયાની શક્યતા રહે જ છે. એ અંગે મારું ધ્યાન કોઈ દોરશે તો આભારી થઈશ.

ઋણસ્વીકાર: આ કામમાં ઘણાની મદદ મળી છે. જરૂરી વિગતો ને પુસ્તકો મેળવી આપવામાં જયંત મેઘાણી; રેણુકા સોની, ઈશ્વર પરમાર અને રસીલા કડિયાએ ઉમળકાપૂર્વક મદદ કરી છે. કેટલાક સ્વરૂપ વિભાગોની સામગ્રીના, અંતિમ રૂપ આપ્યા પૂર્વેના મુસદ્દા મેં એના અભ્યાસી મિત્રોને જોવા મોકલ્યા હતા: એ મારી વિનંતીથી રાજેશ પંડ્યા (‘કવિતા’), રતિલાલ બોરીસાગર (‘સંપાદન:મધ્યકાલીન’), હસુ યાજ્ઞિક (‘લોકસાહિત્ય’ સંપાદન, વિવેચન), જયંત મેઘાણી (‘કોશ’ અને ‘સૂચિ’) તથા દીપક મહેતા (૧૯મી સદીની બધાં સ્વરૂપોની કૃતિસામગ્રી) – એ સૌ મિત્રોએ ઘણો સમય આપી સૂઝપૂર્વક એમાં જરૂરી સંમાર્જન-સંર્વધન કરી આપ્યાં હતાં. હસુભાઈએ તો સળંગ ૮ કલાક બેસીને, સામગ્રી ખંતપૂર્વક ઝીણવટથી તપાસીને મદદ કરી હતી. અને દીપકભાઈએ, આ ઉપરાંત, ફોન અને ઈ-મેલ દ્વારા પણ મારા ઘણા ચકાસણી-પ્રશ્નોના ઉકેલ આપ્યા છે. (અરુણાબહેન જાડેજાએ ૨૦૦૧-૨૦૧૦ના દાયકાના અનુવાદગ્રંથોની દીર્ઘ યાદી મોકલી છે એ મને હવે પછીના ‘કૃતિસંદર્ભ કોશ’માં ઉપયોગી થવાની છે.) મને થતું હતું જાણે મારા વતી આ સૌ મિત્રો આ કોશકાર્યના, થોડેવત્તે અંશે સહધર્મી બની રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કલાસ્વાધ્યાયમંદિરનાં પારુલ દેસાઈ, ઈતુભાઈ કુરકુટિયા તેમજ ત્યાંના ગ્રંથાલયનાં મિત્રોએ પણ જ્યારે જરૂર પડી ત્યારે પુસ્તકો ને વિગતો સુલભ કરી આપ્યાં છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથાલયની પણ, ૧૯મી સદીનાં પુસ્તકો અંગે, ઠીકઠીક મદદ રહી છે. ભાઈ મહેશ ચાવડા જેવા ચોકસાઈવાળા સંદર્ભ સહાયકને કારણે મારો સંકલન-ભાર હળવો થયો છે. લગભગ બે વર્ષ આ કામમાં હું સતત દટાયેલો રહ્યો એ દરમ્યાન ઘરની ઘણી અગવડો વેઠીને શારદાએ ખરો સહ-યોગ કર્યો છે. આ સૌનું ઋણ એ સ્નેહઋણ છે એટલે એનો ભાર નહીં, એ સ્નેહ જ અનુભવું છું. સુખદ કાર્યસમાપ્તિ એ પોતે જ એક પુસ્તકની ઉજવણી હોય છે – એ ઉજવણીને રાહતપૂર્વક માણું છું. – રમણ સોની