દિવ્યચક્ષુ/૨૪. ધનસુખલાલના મકાનમાં
મંદવાડ ન હોત તો, વીરજી ! સ્નેહ અણમૂલવ્યાં રહેત.
−ન્હાનાલાલ‘શાનો કલકો છે ?’ ધનસુખલાલે બેઠાંબેઠાં સુશીલાને પૂછયું.
‘પેલું સરઘસ આવ્યું.’ નાહી અબોટિયું પહેરી બારીએ ઊભી રહેલી સુશીલાએ જવાબ આપ્યો.
‘પુષ્પા છે ને ?’ એમ પૂછી ધનસુખલાલ જોવા ઊભા થયા. સરઘસમાં પણ પોતાનું માણસ જોવની સ્વાર્થછાયા ખસતી નથી.
‘કાંઈ દેખાતી નથી…હા હા, પેલી રહી; રંજન અને સુરભિ પણ સાથે છે.’
‘આજથી હવે એને બહાર આમ ભટકવા દેવાશે નહિ. સારા ઘરની મોટી મોટી છોકરીઓ આમ ટોળાં ભેગી ધક્કા ખાતી ફરે એ કેવું ?’
બંને જણ થોડી વાર સરઘસ અને સિપાઈઓના મોરચા જોઈ રહ્યાં. જરા રહી ધનસુખલાલે કહ્યું :
‘આમ તે કાંઈ સરકાર ડરી જાય ? સિપાઈઓ હમણાં ફટકાવશે તો કોઈ ઊભું જ નહિ રહે.’
‘પણ શા માટે સિપાઈઓ મારે ? સરઘસવાળાઓએ શો ગુનો કર્યો ?’ સુશીલાએ કહ્યું.
‘સરકારની સામે થાઓ અને સિપાઈઓ જોઈ રહે, ખરું ? અને સરકારે ભૂલ કરે છે. પાંચ-પચાસ માણસોએ ધજા ફેરવી એમાં સરકારનું શું બગડયું ?’ બંને પક્ષ મહત્ત્વ વિનાની બાબતોને મોટું સ્વરૂપ આપી વગરજરૂરના ઝઘડા ઊભા કરે છે એમ માનનારે હજી પણ ઘણા છે. સરઘસ કાઢવાની જ શી જરૂર હતી ? એને કાઢયું તો તે રોકવાની પણ શી જરૂર ?
ધનસુખલાલની હવેલી સામેના ચોગનામાં જ આશ્રમવાસીઓ અને સિપાઈ વચ્ચે સાઠમારી શરૂ થઈ. શહેરના મુખ્ય ભાગમાં જવા માટે ધનસુખલાલના મકાનની પાસે થઈને જવું પડતું હતું. સરઘસને એ મથક ઉપર જ સિપાઈઓએ રોક્યું. અને બાપ-દીકરી વાતો કરતાં હતાં એટલામાં જ લાઠીમાર શરૂ થયો.
લાઠીના પ્રહારથી કંદર્પ ઢળી પડયો, અરુણ ઢળી પડયો અને બીજા નવજુવાનો પણ ઢળી પડવા લાગ્યા. લોકો ચારેપાસ નાસતા હતા. આગ્રહી આશ્રમવાસીઓ પાછું ડગલું ભરતા નહોતા; તેમને તો આ ચોગાનના આગલા ભાગમાં ધ્વજ રોપી તેને વંદન કરી આગળ વધતું હતું. પોલીસનો નિશ્ચય હતો કે તેમને ધ્વજ રોપવા દેવા નહિ અને આગળ વધવા દેવા નહિ. તેના ઉપાય તરીકે લાઠીમારનો પ્રયોગ પોલીસે આદર્યો હતો. ટોળાની માફક આશ્રમવાસીઓ પણ મારના ભયથી પાછા ફરશે એવી પોલીસે રાખેલી આશા વ્યર્થ ગઈ. તમ્મર ખાઈને જમીન ઉપર ઢળી પડતા એક યુવાનને બદલે પોલીસની લાઠી સામે બે યુવાનો આવી ખડા થતા.
સહુથી પ્રથમ પડેલા કંદર્પને સુરભિએ સાહી લીધો; અરુણને પુષ્પાએ હાથ આપ્યો; જનાર્દન અને કૃષ્ણકાંત બીજા પડેલા યુવકોની સારવારમાં ભળ્યા. ટોળામાંથી બેત્રણ યુવાન ડૉક્ટરએ નીકળી આવી સારવારમાં ભાગ લેવા માંડયો. આંમાંથી ગમે તેને ગમે ત્યારે લાઠી વાગે એવો ચોક્કસ ભય હતો; પરંતુ તેમને ભયનું ભાન રહેલું દેખાતું નહોતું. એવામાં જ અરુણના હાથમાંથી ધ્વજ લઈ આગળ ધપતી રંજન પોલીસને ચૂકવી મુકરર કરેલ સ્થળે પહોંચી ગઈ અને ‘વંદે માતરમ્’ ના જયધ્વનિ વચ્ચે ધ્વજને રોપી તેને વંદન કરતી ઊભી રહી.
અલબત્ત, એ ધ્વજને ચિડાયલા પોલીસ-અમલદારોએ આવી ઉપાડી નાખી દીધો. રંજનથી કાંઈ બીજું થઈ શકે તેમ નહોતું તેણે પોતાનો ખાદીનો રૂમાલ બહાર કાઢયો અને તેને પોતાના હાથ ઉપર રાખી ઊંચો ફરકાવતી તે પાછી સુરભિ અને પુષ્પા નજીક આવી. આ વીરબાળા માટે લોકોના સદ્ભાવમાં ભરતી આવી અને તેના જયનાદ અને પ્રશંસાવાક્યો ઉચ્ચારતાં લોકો વેરાવા લાગ્યાં.
પોલીસના એક ગોરા ડૉક્ટર દૂર ઊભા ઊભા તમાશો જોતા હતા. લોકોના ટોળાને વિખેરતા પોલીસનો લાઠીમાર હજી પૂરો બંધ પડયો નહોતો. કૃષ્ણકાંતે જનાર્દનને કહ્યું :
‘આપણી મોટરો અટકાવી લાગે છે. નહિ તો બધા ઘાયલ થયેલાઓને આપણે ઝડપથી લઈ જઈ શક્યા હોત.’
‘હું પણ એ જ રાહ જોઉં છું.’
‘કાકાનું મકાન સામે જ છે; તેઓ ત્યાં ઊભેલા દેખાય છે, આપણે તત્કાળ બધાંને ત્યાં લઈ જઈએ તો ?’
‘જરૂર. જેમ બને તેમ જલદી સારવારની જરૂર છે.’ ટોળામાંથી નીકળી આવેલા ડૉક્ટરે કહ્યું.
‘નહિ નહિ; હું કોઈને મુશ્કેલીમાં નાખવા માગતો નથી. ધનસુખલાલ સરકાર પક્ષના ગૃહસ્થ છે. ‘જનાર્દને કહ્યું.
‘ગમે તે પક્ષના હોય ! ઘાયલની સારવાર કરવા દુશ્મન પણ બંધાયેલો છે. કાકા ના નહિ પાડે.’
‘હા, હા, એ જ ઠીક છે. ત્યાં ચાલો; બધી સગવડ થશે.’ પુષ્પા બોલી.
‘હું તો બધાંને આશ્રમમાં જ લઈ જઈશ. જુઓ, પેલી એક મોટર આવી.’ જનાર્દને કહ્યું.
ટોળાને વિખેરી પાછા ફરતાદ એક બહાદુર સિપાઈનો બળવાન હાથ બાણાસુરના હાથ માફક હજી સંતોષાયો નહોતો. તેણે જનાર્દનના માથામાં એક પ્રહાર કર્યોં. જનાર્દનના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો :
પ્રભુ તમને સદ્બુદ્ધિ…!’
વાક્ય પૂરું થાય તે પહેલાં તો જનાર્દને આંખો ઉપર હાથ દાબી દીધા. કમ્મરથી તેમનું શરીર વાકું વળ્યું અને તેઓ જમીન પર ગબડી પડયા. કૃષ્ણકાંતે જો તેમને પડતા અટકાવવા પ્રયત્ન ન કર્યો હોત તો પાસે પડેલી એક પથ્થરની છાટ ઉપર તેમનું મસ્તક જરૂર પછડાત.
‘તમે તે રાક્ષસ છો કે કોણ છો ?’ ધનસુખલાલનો ગુસ્સાભર્યો અવાજ પાછળથી સંભળાયો. ‘સાળી જરા તો માણસાઈ રાખો ! આમ હાથ બાંધી બેઠેલાઓને ઝૂડો છે તે શરમ નથી આવતી !’
ઊંચા, સ્વચ્છ કપડાં અને પાઘડીથી સહુમાં જુદા પડી આવતા ધનસુખલાલને નિહાળીને કૃષ્ણકાંતને પણ મારવા ધસતા એક-બે સિપાઈઓ જરા બાજુએ ખસી ગયા. શ્રેષ્ઠ હિંદી પણ એક કનિષ્ઠ ગોરા કરતાં ઊતરતો છે એમ માનતા સાર્જન્ટને લાગ્યું કે પોલીસને ધમકાવવાનો જગતમાં કોઈને હક્ક છે જ નહિ. તેણે દૂંડૂકો ઉગામી વૃદ્ધ ધનસુખલાલની સામે ધર્યો. અને જેવો તે વડે ધનસુખલાલને ધક્કો મારવા જાય છે. એટલામાં જ એક પ્રચંડ મુસલમાને સાર્જન્ટને બાથ ભીડી ખસેડયો અને વચ્ચે ઊભો રહી બોલ્યો :
‘એ જાનવર ! શેઠને હાથ તો લગાડી જો !’
દાઢીમૂછથી ભરાઈ ગયેલા સિંહમુખવાળા એ પઠાણને નિહાળતા સાર્જન્ટે બીજો પ્રયત્ન માંડી વાળ્યો. એકાએક ઘોડા ઉપર બેઠેલા પોલીસ અમલદાર ત્યાં ઘોડો દોડાવતા આવી પહોંચ્યા, અને પોલીસના માણસોને ત્યાંથી ખસી જવા હુકમ કર્યો.
‘હું દિલગીર છું, ધનસુખલાલ ! જો તમારા કોઈ સગાંવહાલાંને વાગ્યું હોય તો.’ તેણે કહ્યું.
‘તેમ તો દિલગીર થઈને બેઠા, પણ આ જેમને વાગ્યું છે તેમનું શું રંધાયું ?’ ધનસુખલાલે કહ્યું.
‘હું તેમને હૉસ્પિટલમાં મોકલાવું છું.’ પોલીસ-અમલદારે કહ્યું. ધનસુખલાલ જૂના વિચારના, ક્લબજીવનમાં ન ભળનાર, અને બધામાં આગળ પડવાની જરા પણ લલુતા વગરના હતા. તેમ છતાં ધનાઢયોને ખર્ચે વર્ષોવર્ષ થતા રમતગમતના અને બીજા જાહેર મેળાવડાઓમાં આગેવાનીભર્યો ભાગ ભજવતા અમલદારો ધનસુખલાલની સહાય લેવા સદાય આતુર રહેતા. તેમનું તે સિવાય પણ એક સદ્ગૃહસ્થ તરીકે ભારે વજન હતું. એટલે પોલીસ-અમલદાર સલૂકાઈથી વાત કરતો હતો.
‘કાકા ! અમે તો આ બધાને તમારે ત્યાં લાવતા હતા. હૉસ્પિટલમાં મોકલતાં મોકલતાં તો કેટલાક મરી જશે. એમને તાત્કાલિક સારવાર જોઈએ.’ કૃષ્ણકાંતે કહ્યું.
‘તે તને લાવતાં કોણ વાર્યો હતો ? ઘરમાં જગા તો આટલી બધી છે; પછી વિચાર શાનો કરે છે ?’ ધનસુખલાલ બોલ્યા.
કૃષ્ણકાંત હસ્યો. રંજને કહ્યું :
‘થોડાકને આપણે ઘેર લઈએ છીએ.’
‘આ એક પાછી અક્કલવાળી ! પાસે ઘર છે તે મૂકીને આ બધાને દૂર ઢસડી જવા છે ? ચાલો, લેવા લાગો. અબ્દુલ ! તારા ગોઠિયાઓ હોય તો બધાને જાળવીને લઈ આવ. ઘરમાંથી ખાટલા ઉપાડી લાવ.’
‘જી શેઠસા’બ !’ કહી પેલા સિંહમુખા મુસ્લિમે ઝડપથી થોડા માણસો ભેગા કર્યા, અને ધનસુખલાલના મકાનમાંથી ખાટલા ઉપાડી લાવી, બીજા માણસોની સહાય વડે એક એક કરીને ઘવાયેલા અને બેભાન મનુષ્યોને ધનસુખલાલના મકાનમાં લાવવા માંડયાં.
અરુણ હજી બેભાન જ હતો. તે પુષ્પાના હાથ ઉપર જ રહ્યો હતો. એક વખત રંજને કહ્યું :
‘તારો હાથ દુઃખશે; લાવ હું સુવાડું.’
‘તું આ બીજા પડયા છે તેમને સંભાળ.’ પુષ્પાએ જવાબ આપ્યો.
અરુણને ઘરમાં લઈ જવાનો વારો છેલ્લો આવ્યો. રંજને પોતાના ભાઈને કહ્યું :
‘અરુણભાઈને મોટરમાં સીધા આપણે ઘેર લઈ જઈએ તો ?’
‘હા, તું અને સુરભિ લઈ જાઓ. રસ્તામાંથી ડૉક્ટરસાહેબને બોલાવતાં જજો.’ કૃષ્ણકાંતે કહ્યું.
‘અમારે ઘેર એમને હરકત પડવા દઈશું ?’ પુષ્પાએ જરા રિસાળ સ્વરે કહ્યું.
‘હમણાં તો પાસે જ લઈ ચાલો, એમને વધારે વાગ્યું છે. હું તપાસી જોઉ, પછી લઈ જાઓ.’ એક ડૉક્ટરે કહ્યું.
ડૉક્ટરનું વાક્ય તે વર્તમાન સમયનું વેદવાક્ય છે. તેના વિરુદ્ધ કોઈથી બોલાય એમ નહોતું. અરુણને પણ ધનસુખલાલના મકાનમાં લઈ જવા માંડયો.
રંજન અને પુષ્પાએ પરસ્પરની સામે જોયું; એક ક્ષણ મીટ માંડી પરસ્પરને નિહાળી, તેમણે પોતપોતાની નજર ખસેડી લીધી. રંજને પુષ્પાને ખભે હાથ નાખ્યો, અને બંને બહેનપણીઓ ઝડપથી અરુણના ખાટલાની આગળ થઈ
ઘરમાં ચાલી ગઈ.
ધનસુખલાલના મકાનમાં તાત્કાલિક દવાખાનું સ્થપાયું.