નવલકથાપરિચયકોશ/કરણ ઘેલો

From Ekatra Wiki
Revision as of 15:18, 13 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘કરણ ઘેલો’ : નંદશંકર તુળજાશંકર મહેતા
‘કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : એક વાર્તા’

– ગુણવંત વ્યાસ

ભારતમાં અંગ્રેજોની સાથે અંગ્રેજી સાહિત્ય પણ આવ્યું. આપણે ત્યાં જે સ્વરૂપો ખેડાયાં જ નહોતાં, એના સંપર્કમાં આપણા સર્જકો આવ્યા; પરિણામ-સ્વરૂપ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણને જે નવાં સ્વરૂપો મળ્યાં એમાં ‘નવલકથા’ પણ છે. ગુજરાતીમાં નવલકથાનો આરંભ થાય એ પહેલાં ઈ. સ. ૧૮૫૬માં બાબા પદમજીએ ‘યમુના પર્યટન’ નામે મરાઠી ભાષાની પ્રથમ નવલકથા આપી. એમ જ, આપણી પહેલાં પ્યારીચાંદ મિત્રએ પણ ‘આલાલેર ઘરેર દુલાર’ શીર્ષકથી ઈ. સ. ૧૮૫૭માં પ્રથમ બંગાળી નવલકથા રચી. ગુજરાતી નવલકથા-ઇતિહાસમાં અધિકારપૂર્વક પ્રથમ સ્થાને બિરાજતી ‘કરણ ઘેલો’ ઈ. સ. ૧૮૬૬માં ‘ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા’ પેટાશીર્ષકથી આવી. (જેને લેખકે ‘એક વાર્તા’ જ કહી ઓળખાવી!) પોતાના પ્રાંતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર રસેલસાહેબના સૂચનથી, વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓ જેવી ગુજરાતીમાં ‘નવલકથા’ ઉતારવાનું બીડું નંદશકર તુળજાશંકર મહેતાએ ઝીલ્યું, અને આપણને ‘ગુજરાતી’ કહી શકાય તેવી ‘નવલકથા’ મળી. ગુજરાતમાં ‘વાર્તા’ કે ‘વારતા’ નામે થોડી કૃતિઓ આ પહેલાં આવી ચૂકી હતી. ફ્રેન્ચ લેખકની કૃતિ પરથી અનુવાદિત ‘હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું’ નામે કહેવાતી નવલકથા પણ મળી ચૂકી હતી; પણ જેને ખરા અર્થમાં ‘નવલકથા’ કહી શકાય તેવી ગુજરાતી પ્રથમ રચના તો ‘કરણ ઘેલો’ જ છે. કથાવસ્તુ ઐતિહાસિક છે. અણહિલપુર પાટણની ભૂમિ પર આકારાતી, ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાની સમૃદ્ધિ, શક્તિ અને પ્રકૃતિની સાથે તેના પતનની કથાને વિષય તરીકે સ્વીકારતી આ નવલકથા પ્રથમ હોવાને કારણે આજના સમયે થોડી કચાશવાળી લાગે; પણ ભાષા હજુ પૂરી ઘડાઈ ન હતી અને ગદ્ય હજુ ખાસ વિકસ્યું ન હતું એવા આરંભિક કાળે આ પ્રકારનું સાહસ અભિનંદનને પાત્ર જ બની રહે. કથાને ખોલવાની, વસ્તુને વિકસાવવાની ને પાત્રોને લાડ લડાવવાની સાથે ટાંચા ગદ્યમાં વર્ણનકલાનો કસ કાઢવાનું કૌવત આ સર્જકમાં છે. શીર્ષક વગરનાં પ્રકરણો પ્રારંભ આપણને નવા પાત્ર, પ્રદેશ કે પ્રવેશનો અનુભવ કરાવતાં, વિષયાંતર કરતાં લાગે; પણ પ્રકરણમધ્યે તેનું અનુસંધાન આગળના કથાવસ્તુ સાથે જોડાતું પ્રકરણ-સંયોજન/ વસ્તુસંયોજનની શૃંખલા રચે; ને એમ કથા કહેવાની આવડત વાચકમાં જિજ્ઞાસા રસ જગાવતી, કુતૂહલને પોષતી ‘સ્વરૂપ’ ભોગે રસિક સામગ્રી જરૂર બની રહે! નવલકથામાં જે સમય પસંદ કરવામાં આવ્યો છે એ ઈ. સ. ૧૨૯૬થી ૧૩૧૨નો – એટલે કે, લગભગ સોળેક વર્ષનો – છે. અણહિલપુરની ભવ્યતાથી આરંભાતી કથા એના પતન સાથે વિરમે છે. એટલે કે એનો પ્રધાનરસ કરુણ કહી શકાય; પરંતુ કરુણને અતિક્રમી જતો વીર/શૌર્ય અને એ નિમિત્તે આવતા રૌદ્ર અને બિભત્સ વધુ સ્પર્શક્ષમ બન્યા છે. સહાયક એવા શૃંગાર ભાવને પોષક બનતો સંયમિત અને મર્યાદિત છે; પણ ભૂત-પ્રેત, ચમત્કારો અને આકાશવાણી જેવા પ્રસંગોમાં અદ્ભુત અસરકારક બને છે. હાસ્ય લગભગ નથી. ‘કરણ ઘેલો’ શીર્ષક પાત્રકેન્દ્રી છે. (‘સરસ્વતીચંદ્ર’ કે ‘અમૃતા’ જેવાં શીર્ષકો પણ ‘કરણ ઘેલો’ના મૂળમાં જોઈ શકાય?) આથી, કરણ વાઘેલાની વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રકૃતિ અને પતનના ઇતિહાસને મુખ્યત્વે વફાદાર રહેતા સર્જકે કથાને રસિક બનાવવા આવશ્યક એવી પૂરક કાલ્પનિક સામગ્રી જરૂર ઉમેરી છે ને એ નિમિત્તે તત્કાલીન સમય અને સમાજનું ઠીકઠીક ચિત્ર ઉપસાવ્યું છે. એ વખતે લોકોની રીતભાત કેવી હતી, તેઓના વિચાર કયા પ્રકારના હતા, ગુજરાતના રજપૂત રાજા અને દિલ્હીના મુસલમાન પાદશાહની રાજનીતિ વગેરે કેવી હતી, રાજપૂતોના પુરુષો તથા સ્ત્રીઓનું શૂરાતન તથા જાત અને કુલઅભિમાન કેટલું હતું, મુસલમાનોમાં કેટલો જુસ્સો, ધર્માંધપણું, તથા હિન્દુઓ ઉપર અને તેઓના ધર્મ ઉપર કેટલો દ્વેષ હતો, એ વગેરે બીજી કેટલીએક હકીકતોનું જેમ બને તેમ ખરેખરું ચિત્ર બતાવી આપવું એ જ આ પુસ્તકનો હેતુ છે. એવું પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં જ નોંધતા સર્જક ‘નવલકથામાં આવતી ભૂતપ્રેતની ઘટનાઓમાં લેખકનું સમર્થન નથી’ એવી સ્પષ્ટતા પણ ત્યાં જ કરી દે છે! તે વખતે તેઓ ઉપર લોકોેને ઘણો ભરોસો હતો, અને એવી મતલબની દંતકથાઓ હજી પણ આ પ્રાંતમાં ચાલે છે, તે માત્ર જણાવવી એ હેતુ’ એ પાછળનો છે! ગુજરાતી ભાષાની આ પહેલી જ નવલકથા હોવાને કારણે તેમાં ખામીઓ હોવાનું સ્વયમ્ સર્જકે જ નિખાલસતાથી સ્વીકાર્યું છે. ડિમાઈ સાઇઝનાં આશરે ૩૧૨ પાનાંમાં ફેલાતી આ કથા સોળ પ્રકરણોમાં વિભાજિત છે. મોટાભાગનાં પ્રકરણોનો આરંભ કોઈ નવી, અજાણી ઘટનાથી થતો લાગતો હોવા છતાં, એ રસિક બની રહે છે. પ્રમાણમાં લાંબાં જણાતાં પ્રકરણો તેની પૂર્વભૂમિકાને કારણે તો છે જ; વસ્તુને બહેલાવી-બહેલાવીને કહેવાની આદતને કારણે પણ છે! પાત્રગત, જાતિગત અને જ્ઞાતિગત આલેખનો પણ એમાં ભાગ ભજવે છે, છતાં, એ દ્વારા પ્રગટ થતું પાત્ર-મનોજગત અને જ્ઞાતિની વિશેષતા તત્કાલીન સમાજનું ખાસ્સું ને અચ્છું ચિત્ર ઉપસાવી આપે છે. કરણ, માધવ, કેશવ, રૂપસુંદરી, ગુણસુંદરી, ફુલારાણી, કૌલારાણી, દેવળદેવી, શંકરદેવ, અલાઉદ્દીન, અલફખાં ને કાફુર જેવાં પાત્રોની ખૂબીઓ-ખામીઓ સાથે રજપૂત, રજપૂતાણી, બ્રાહ્મણ, જૈન અને મુસલમાનોની જ્ઞાતિગત ખાસિયતો ઉપરાંત સ્ત્રીઓની લાક્ષણિકતાઓનો પણ ખાસ્સો પરિચય બહોળા અનુભવે લેખક પાસેથી મળે છે. કરણનું ચરિત્ર ઉત્તમથી અધોગતિ તરફ, સમૃદ્ધિથી બરબાદી તરફ જે રીતે ધકેલાતું દર્શાવ્યું છે એમાં ભાવકને રસ તો પડે છે, દયા પણ આવે છે. પ્રધાન માધવની પત્ની રૂપસુંદરીના રૂપથી અંજાઈને બળજબરીથી તેનું હરણ કરાવતા કરણની વાસનિત વૃત્તિ માધવની બદલો લેવાની પ્રબળ મનોકામના પ્રજ્વલિત કરે છે; તેના પરિણામસ્વરૂપ કરણનો સર્વનાશ આકારાય છે. છંછેડાયેલો માધવ દિલ્હી જઈ, ત્યાંના મુસ્લિમ પાદશાહ અલાઉદ્દીનને ગુજરાતના, ને પાટણના વૈભવથી પરિચિત કરાવી, ચડાઈ કરવા ઉશ્કેરે; ને ગુજરાતમાં મુસ્લિમ શાસકોનો પ્રવેશ થાય. લડાઈમાં પરાજિત કરણ ભાગતો, લપાતો, છુપાતો, કોઈના આશરે સમય પસાર કરતો એની શૌર્યતા ને ક્ષત્રિયપણું પ્રગટ કરતો રહે, ને અંતે મુસ્લિમ સૈન્ય સામે લડતાં મૃત્યુને ભેટે. ગુજરાતમાં મુસ્લિમ-શાસન સ્થપાય.— આ મૂળકથા સંગે લેખકે ક્ષત્રિયોનું શૌર્ય, બ્રાહ્મણોની સ્વાર્થવૃત્તિ, મુસ્લિમોની નિર્દય બર્બરતા અને જીવ-જંતુ સમા આમવર્ગની વિવશતા, નિઃસહાય સ્થિતિને પ્રત્યક્ષ કરાવી છે. કરણ દ્વારા અપહૃત થતી રૂપસુંદરીને બચાવવા કટિબદ્ધ દિયર કેશવનું બલિદાન, ને એ કારણે સતી થતી કેશવની પત્ની ગુણસુંદરી તત્કાલીન સમાજવ્યવસ્થા, માન્યતા ને માનસિકતાને ચીતરે છે. તો, નગરચર્યા માટે નીકળેલા કરણને રાતે જોવા મળતાં પ્રેત, કરણના માસીના દીકરા હરપાળને રાતે દેખાતી ચૂડેલ ને વંતરીઓ, ફૂલારાણીને વળગતો બાબરો ભૂત ને તેને વશમાં કરતો હરપાળ, જીવનથી કંટાળીને અંતે આપઘાત કરવા જતા કરણને સંભળાતી આકાશવાણી ને ભીમદેવ-દેવળદેવીને રાતે રડતી સંભળાતી સ્ત્રીનું વિધાતારૂપ અગોચર વિશ્વની, લોકમાનસમાં ઘર કરી ગયેલી જડ માન્યતાઓનું સમાજદર્શન છે. આ સમાજદર્શન અદ્ભુત રસને પોષતું, કથાને પ્રેરકબળ પૂરું પાડતું, ભાવકમાં જિજ્ઞાસા-કુતૂહલ જગાવતું અતાર્કિક છતાં રસિક બની શક્યું છે. પ્રારંભે કરણ ભરયુવાન છે. ત્રીસ વર્ષનો છે. કસાયેલા અંગવાળા આ નાયકને સ્વભાવે ઉતાવળો અને વાસનિક આલેખતા લેખકે તેને નિયમિત ધર્મ, નીતિ અને રાજ્યસંબંધી શાસ્ત્રોક્ત વાતો સાંભળતો પણ દર્શાવ્યો છે. દશેરાના દિવસે નીકળેલી સવારીમાં સૌ નગરજનોને માથું નમાવતો કરણ નમ્ર પણ જણાય છે. એની રાત્રિનગરચર્યામાં નગરજનોનાં સુખ ડોકાય છે. રાતે સ્મશાનમાં જોવા મળતી ડાકણો-વંતરીઓનાં ડરામણાં વિધાનો પછી પણ હિંમતથી પોતાની ઓળખ આપતો તે વીરક્ષત્રિય પણ છે. એ અતૃપ્ત સ્ત્રીઓના મોક્ષનો માર્ગ જાણી, નારાયણબલી કરાવવા વચન આપતો તે પ્રજાવત્સલ પણ છે! પણ, માધવની પત્ની રૂપસુંદરીને જોતાં સૂધબૂધ ખોઈ બેસતો, ને એના છૂંદણા માટે આખું ગુજરાત આપી દેવા (!) વિચારતો તે કામી પણ છે! બ્રાહ્મણોને મુખે હજુ ગઈકાલે જ રાજધર્મ સમજેલો, ને રાતે હજુ ભૂત-પ્રેતથી – ‘બાયડીઓથી બહુ સંભાળીને ચાલવું’-થી ચેતવાયેલો તે રૂપસુંદરીને જોતાં જ બધું ભૂલી જાય એ કરણના કર્મની કઠણાઈ છે! લેખકે બ્રાહ્મણો અને ભૂત-પ્રેત દ્વારા આવનારી આપત્તિઓની ભૂમિકા રચી છે. બળજબરીથી રૂપસુંદરીનું હરણ રોકતાં હણાયેલા કેશવ અને સતી થયેલી કેશવપત્નીથી વ્યથિત કરણને પશ્ચાત્તાપ કરતો, પ્રાયશ્ચિત્ત માટે દાન-દક્ષિણા કરતો, અને મનની શાંતિ માટે યાત્રાએ જતો દર્શાવતા લેખક માધવચીંધ્યા મુસ્લિમો સરહદે આવ્યાના સમાચાર સાંભળતાં જ તેને પ્રાણવાન બનાવે છે! ક્ષત્રિય લોહી વેગવાન બને છે. તેની ભાષામાં શૂરવીરને શોભે તેવી ચમક છે, ક્ષત્રિયને શોભે તેવી ધાર છે. મુસ્લિમ લશ્કરના સરદાર અને અલાઉદ્દીનના ભાઈ અલફખાં દ્વારા રાજા અને રાજ્ય વિશે માધવને પુછાયેલા પ્રશ્નના ઉત્તર રૂપે થતું કરણનું આલેખન પણ વીરક્ષત્રિયને શોભે તેવું છે. વેરી હોવા છતાં પણ માધવના મુખે મુકાયેલું કરણનું બલિષ્ઠ વ્યક્તિત્વ પ્રભાવક છે; તો તેની ઉતાવળી અને અહંકારી માનસિકતાની છબી ઉપસાવે એવું પણ છે! સુરક્ષા માટે પ્રતીક્ષા કરવાની વૃદ્ધ અને શાણા સરદારોની સલાહને અવગણીને એ ક્ષત્રિયોચિત જે ભાષા પ્રયોજે છે તેમાં તેના હિંમતભર્યા, પણ ઉતાવળિયા અને અવિચારી માનસનો પરિચય મળી રહે છે. સૈનિકોને યુદ્ધ માટે આહ્વાન કરતો, ઉશ્કેરતો ને યુદ્ધધર્મ સમજાવતો તે ખરો રાજવી છે, પણ એમાં ‘આપણી સ્ત્રીઓના પતિવ્રતપણાના રક્ષણને અર્થે... યુદ્ધ કરીએ’ – એમ કહે છે ત્યારે ગુણસુંદરીના અપહરણકારના મુખે એ શોભતું નથી! છતાં, આ સમયે એના મુખમાં મુકાયેલાં વિધાનો ક્ષત્રિય રાજાના યુદ્ધધર્મને શોભે તેવાં છે. નિર્દોષ પ્રજાના હિત-અહિતનો વિચાર કરતો તે દુશ્મન પાદશાહને દ્વન્દ્વયુદ્ધનો વિકલ્પ પણ સૂચવી ખરો પ્રજાવત્સલ પુરવાર થાય છે! ખરી મર્દાનગીથી યુદ્ધમાં લડતો તે અંતે તલવારોના ઘા ઝીલતો ભોંયે પડે ને બેશુદ્ધ થઈ જાય ત્યાં સુધી ઝઝૂમે છે. મોતનો ડર એને નથી જ! સૈનિકોને યુદ્ધની શિસ્ત શીખવતો તે પાળે પણ છે! ઘાયલ રાજાને ઝડપી સાંઢણી ઉપર બેસાડી, ગુજરાતની હદ બહાર મોકલી આપતા હરપાળ પછીતે કરણનું સૈન્ય કપાઈ મૂએ છે. પૂરાં નવ વર્ષ પછી દેખાતો કરણ બાગલાણ શહેરના રાજાને આશ્રયે બદલાની ભાવનાથી પુત્રી દેવળદેવી સાથે સમય વીતાવે છે. હજુએ જ્ઞાતિગૌરવ તો એટલું છે કે આશ્રિત હોવા છતાં દેવગઢના રાજા ભીમદેવના પુત્ર શંકરદેવ માટે દેવળદેવીને વરાવવાનું આવેલું માગું – માત્ર મરાઠા હોવાને કારણે જ – ઠુકરાવે છે! ત્યારે પણ તેનામાં ઊકળતું રજપૂતનું લોહી તેના સામર્થ્યનું પરિચાયક બને છે. તેનો હુંકાર તેની ભાષામાં પ્રગટે છે. બધું જ લુંટાઈ ગયાનાં નવ વર્ષ પછી પણ તેનું ક્ષાત્રતેજ ઝાંખું નથી પડ્યું. પુત્રીને અનહદ ચાહતો, તેને અમૂલ્ય રતન માનતો; છતાં મરાઠા કે મુસલનાનના હાથમાં જતાં પહેલાં તેને મારી નાખવાનો પણ વિચાર કરતો તે તત્કાલીન સમાજનો પ્રતિનિધિ છે! રાણી કૌળાદેવી હાલ પાદશાહના ઝનાનખાનામાં છે; પાદશાહની પ્રિય બેગમ છે! એની અરજે પાદશાહે મલેક કાફુરને દેવળદેવીને જીવતી દિલ્હી લઈ આવવા મોકલ્યો છે. કરણને તેનું અસામર્થ્ય, રાજ્ય પાછું મળવાની લાલચ ને પુત્રીની અસુરક્ષા જેવી બાબતોનું સ્મરણ કરાવી પ્રેમથી દેવળદેવી આપવાનો પ્રસ્તાવ મૂકતો કાફુર જરૂર પડ્યે બળાત્કારે ઉપાડી જવાની પણ ધમકી બતાવે છે. ત્યારે પણ એને સ્પષ્ટ ‘ના’ કહેતો, મ્લેચ્છ બાદશાહને ‘દુષ્ટ ચંડાળ’ કહેતો, પોતાનો પ્રાણ અર્પણ કરવા તૈયાર થતો ને પુત્રીનો પ્રાણ લેવા પણ તૈયારી દાખવતો તે ક્ષત્રિયવટ જાળવી સ્પષ્ટ ‘ના’ ભણે છે! પુત્રીને બચાવવા જ સ્તો, કેટલાક રાજાઓને પત્ર લખી, પાદશાહ સામેના યુદ્ધમાં મદદે બોલાવતો ને અંતે મુસ્લિમોના હાથમાં જતી પુત્રીને બચાવવા જ તે શંકરદેવને પરણાવવાનો નિર્ણય કરે છે. યુદ્ધમાં પરાજિત થવાની પૂરી શક્યતા પછી દેહત્યાગનો નિર્ણય લેતો તે આકાશવાણીથી અટકે તો છે, પણ અંતે મુસ્લિમોથી પરાજિત થતાં, પુત્રીનું હરણ થઈ પાદશાહના પુત્રને વરતાં તે દુઃખી દુઃખી થઈ સંસારને દગલબાજ, સ્વજનોને સ્વાર્થી અને પ્રેમને ફોગટ ગણતો મોઢેરાના કુંડમાં મરવાને ઝંપલાવે છે! એક યાત્રી-બ્રાહ્મણ દ્વારા તેને બચાવી તો લેવાય છે; પણ બૈરાં છોકરાંને જૂઠાં ને સુખને ક્ષણભંગુર માનતો થયેલો તે અંતે પરમશક્તિનું સામર્થ્ય સ્વીકારી, દેવગઢના રાજા શંકરદેવના સૈન્યમાં અજાણ્યા રજપૂત તરીકે ભળી, મુસ્લિમ સૈન્ય સામે લડતાં-લડતાં વીરમૃત્યુને વરે છે! નવલકથાનો અંત કરુણ બને છે. સમગ્ર નવલકથામાં માધવપત્નીનું બળાત્કારે હરણ જેવી અપવાદરૂપ એક ઘટનાને બાદ કરતાં નાયકને છાજે એવું કરણનું પાત્રાલેખન ‘ચરિત્ર’ને બંધ બેસે તેવું છે. સંસ્કૃત નાટકોના નાયકની વિભાવના અહીં કરણના પાત્રને ઠીક ઠીક બંધ બેસતી આવે છે. એ વીર છે, પણ ધીર નથી. પ્રજાવત્સલ એનું પાસું ક્ષત્રિય રાજાની ઓળખને ચિરંજીવ રાખે છે. લેખકે કરણ અને હરપાળ દ્વારા રજપૂત ક્ષત્રિયોની હિંમત, નિર્ભિકતા, અડગતા, શૌર્યતા અને વીરતાને આકારી છે; તો, અલાઉદ્દીન, અલફખાં, કાફુર દ્વારા હિન્દુવિરોધી કટ્ટર માનસિકતા ચીતરી છે! માધવ અને તેની પત્ની રૂપસુંદરી દ્વારા નાગરોમાં રહેલા ગુણ-રૂપનો મહિમા ગાયો છે. કેશવ નાગર હોવા છતાં, ક્ષત્રિયની જેમ વર્તી ભાભી રૂપસુંદરીને અપહૃત થતી બચાવવા શહીદ થાય એ ઘટના કરુણ છે. દિલ્હીના પાદશાહ જલાલુદ્દીન ફિરોઝને મારી ગાદી પર આવેલો અલાઉદ્દીનનો દગલબાજ, ક્રૂર અને હઠીલો સ્વભાવ નિરપરાધી હિન્દુઓ પર અત્યાચાર તો કરે જ છે, કાકા જલાલુદ્દીનના શાહજાદા કદરખાં અને અરકલીખાંની આંખો ફોડી, હત્યા પણ કરે છે! મુસ્લિમો તરફનો એનો પક્ષપાત અને હિન્દુઓ તરફનો પૂર્વગ્રહ પ્રારંભે જ હિન્દુ-મુસ્લિમના એક સામાન્ય ઝઘડાના ન્યાયાન્યાયની ઘટનામાં દેખા દે છે! નિરપરાધી હિન્દુઓને અડધા જમીનમાં દાટી, એ પર મુસ્લિમો દ્વારા પથ્થર-ઈંટો મરાવી મૃત્યુને ઘાટ ઉતારતી ઘટના રૂંવાડાં બેઠાં કરી દે તેવી ક્રૂરતાથી રજૂ થઈ છે! અણહિલપુરમાં કરણના સૈન્ય સામે લડતું અલાઉદ્દીનનું સૈન્ય પરાજિત થવાને આરે વિરામ માગે, ને રાત્રિવિરામનો ભંગ કરી સૂતા હિન્દુ સૈન્ય પર બર્બરતાથી તૂટી પડે એ ઘટનામાં; કે પછી પાટણ હસ્તગત કર્યા પછી રૈયત પાસેથી રૂપિયા લૂંટતા, દહેરાંઓ ભાંગીને મસ્જિદો બનાવતા ને જોરજુલમથી હિંદુઓના મોંમાં થૂકીને તથા બિસ્મિલ્લા બોલાવીને બળાત્કારે મુસલમાન બનાવતા મુસ્લિમ સૈનિકોની ક્રૂરતા અને કટ્ટરતાને પણ લેખકે આલેખી છે, ને એ દ્વારા તત્કાલીન સમાજનું ચિત્ર ઉપસાવી, હિન્દુઓની અવદશાનો પણ પરિચય કરાવ્યો છે. ‘કરણ ઘેલો’ નવલકથા તો છે જ; પણ ઇતિહાસની અનેક તવારિખો, સાલવારીઓ, પાત્રો ને પ્રસંગોનો આધાર તેને ઐતિહાસિક નવલકથા પણ બનાવે છે. ગુજરાતમાં મુસ્લિમોનું આગમન અને આધિપત્ય જેના કારણે શક્ય બન્યું એના મૂળમાં કરણની રૂપલોલુપતા અને માધવની વેરભાવના હોવાથી અહીં યુદ્ધવર્ણનો ઘણાં મળી આવે છે. સર્જકની વર્ણનશક્તિનાં દૃષ્ટાંતો બની શકે તેવાં પ્રત્યક્ષ જણાતાં યુદ્ધવર્ણનો આ નવલકથામાં ખાસ્સી જગ્યા રોકે છે. ઐતિહાસિક એવાં આ વર્ણનોમાં યુદ્ધનું જે ભયાવહ ચિત્ર ઊપસે છે અને માનવઇતિહાસની લોહીપ્યાસી બર્બરતા જે પ્રકારે આલેખાઈ છે તે પ્રભાવક છે! પાંચેક નાનાં-મોટાં યુદ્ધમાં ચાર તો હિન્દુ-મુસ્લિમ વચ્ચે છે! એક, રૂપસુંદરીના અપહરણ સમયે કેશવ અને કરણના સૈન્ય વચ્ચેનું છે! –મુસ્લિમો નહોતા ત્યારે પણ યુદ્ધ તો હતાં જ એ આ ઘટનાથી સૂચવાયું છે! મુખ્યત્વે માધવપ્રેર્યું અલાઉદ્દીન ખીલજીનું લશ્કર કરણના અણહિલપુરમાં ચડાઈ કરે ત્યારનું એ બાગલાણમાં કરણની પુત્રી દેવળદેવીને લઈ જવા આવેલા કાફુર સૈન્ય સામે નિઃસ્વાર્થ રજપૂત સૈનિકોનું યુદ્ધ યુદ્ધની ભયાવહતાને, તેની જાનહાનિને, અને તેની પશ્ચાદ્ અસરને વેધકતાથી આલેખે છે. ‘હર હર મહાદેવ’ અને ‘અલ્લાહ અકબર’ના નારા વચ્ચે મારો-કાપોની ચીસાચીસ વાતાવરણને ક્લુષિત કરતી ક્રૂરતાની મર્યાદા ઓળંગે છે. મરી ગયેલા માણસોની સડી ગયેલી લાશોમાંથી ઊઠતી પ્રાણઘાતક દુર્ગંધ, મરકીની ફાટી નીકળેલી બીમારી, મડદાં પીંખતાં કાગડાં, ગીધ, કૂતરાં. વચ્ચે ધૂળ-મટોડું-ઘાસ ખાતા ને કંઈ ન મળે ત્યારે ચામડાં કરડતાં ભૂખ્યા માનવી અરેરાટી જન્માવે છે. હોલવાઈ ગયેલાં સગપણોએ ધણી-ધણિયાણી વચ્ચે જ નહીં, માબાપ-સંતાનો વચ્ચે પણ અંતર ઊભું કરી દીધું છે! – યુદ્ધ ક્યારેય લાભદાયી કે શુભદાયી હોતું નથી એ વાત લેખકે આ વર્ણનોથી સૂચવી આપી છે. યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ કહી સંભળાવતાં આ વર્ણનો ભાવ અને રસને પોષક બનતાં સર્જકની વર્ણનકલાનાં કેટલાંક ઉમદા ઉદાહરણો પૂરાં પાડે છે. સર્જકે બ્રાહ્મણો વિશે, રાજા વિશે, રાજધર્મ વિશે, ક્ષત્રિય વિશે, યુદ્ધસૈનિક વિશે, એમ સ્ત્રી વિશે પણ કેટલાંક સત્યો, કેટલાંક આદર્શો ને કેટલાક ખ્યાલો અવકાશે ટાંક્યાં છે! ‘રાજા કરતાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે’ કે ‘બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કર્યો હોય તોપણ રાજાએ તેના પ્રાણનો ઘાત કરવો નહીં.’ એવું બ્રાહ્મણમુખે જ બોલાવતા સર્જક એ જ બ્રાહ્મણોને દક્ષિણા માટે બબડતા, ગાળાગાળી કરતા ને જરૂર પડ્યે મારામારી પર પણ આવી જતા દર્શાવ્યા છે! સહસ્રલિંગ તળાવ ઉપર નાહ્યા વગર બેસી રહેલા બ્રાહ્મણો અન્યને નાહવાનો પુણ્યબોધ કરતા, રૂપસુંદરીને થયેલાં અપશુકનોથી બચવા એ સમયે પહેરેલાં વસ્ત્રો અને અલંકારોના દાનનો મહિમા સમજાવતા કે કેશવની હત્યા અને ગુણસુંદરીના અગ્નિપ્રવેશથી દુઃખી કરણ પાસેથી પ્રાયશ્ચિત્ત માટે પૈસા કઢાવતા બ્રાહ્મણોનાં આલેખનો થોડી હળવાશ જરૂર લાવે છે; વાસ્તવ પણ ચીતરે છે. વણિકો અને જૈનોને પણ લેખકે છોડ્યા નથી! બ્રાહ્મણો સાથે વાદ-વિવાદ કરતા અને શૈવધર્મ કરતાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ હોવાનાં કારણો ને પ્રસંગો રજૂ કરતા જૈનોને નિમિત્તે પણ લેખક હળવો વ્યંગ કરે છે! સ્ત્રીવિષયક થોડી વાતો, થોડાં નિરીક્ષણો, થોડી માન્યતાઓ અને એ માટે પ્રયોજાતી ભાષા કદાચ આજના સમયમાં બંધબેસતી ન હોવા છતાં દોઢસો વર્ષ પૂર્વેની હોઈ, લોકમાનસની છબી રજૂ કરે છે. અનેક જગ્યાએ ‘બાયડીઓ’ શબ્દ પ્રયોજતા લેખક (જોકે, પુરુષો માટે ક્યાંક ‘ભાયડાઓ’ શબ્દ પણ પ્રયોજાયો છે!) ‘રાજા કરણ એવી (ભૂતપ્રેત જેવી) રાંડોથી બીએ એવો ન હતો.’ ‘બાયડીઓથી જગતમાં ઘણી ઊથલપાથલ થઈ છે.’ જેવી ભાષા એકાધિક જગ્યાએ પ્રયોજે છે. છતાં ગુણસુંદરી, રૂપસુંદરી જેવી નાગર સ્ત્રીઓ અને ફુલારાણી, કૌબારાણી કે દેવળદેવી રજપૂતાણીનાં ચરિત્રોની ઊજળી બાજુ પણ આલેખી છે. સતી થતી ગુણસુંદરીનું સત, પતિવ્રત અને ઝનૂનનો ત્રિવિધ પરચો લેખકે એ ઘટનાથી કરાવ્યો છે. રાજા કરણ અને અણહિલપુર પાટણને શાપ આપતી ગુણસુંદરીના શબ્દોની વેધકતા-તીક્ષ્ણતા ભાવકને પણ સ્પર્શી જાય છે. સતીપ્રથા કોઈપણ સમય કે સંજોગોમાં માન્ય કે વાજબી ન હોવા છતાં, કે લેખક એ સાથે સહમત ન હોવા છતાં એ સમયને કાગળ પર ઉતારવા વાસ્તવદર્શન કરાવ્યું છે. જોકે, ગુણસુંદરીના મનમાં સતી થવાનો વિચાર રોપતી ને થોપતી વ્યક્તિ બીજું કોઈ નહીં, સગી તેની મા જ છે! ‘છોકરી રંડાય તેના કરતાં મરે તે સારું’ એવી માનસિકતા ધરાવતી એની મા આખા મલકમાં એનું નામ કીર્તિવંત કરવા, ન્યાતને શોભા અપાવવા ને કુટુંબની પ્રતિષ્ઠા વધારવા જ ગુણસુંદરીને સતી થવા ઉશ્કેરે છે! અહીં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન પુરવાર થાય છે. ઇન્દ્રપુરીની અપ્સરા સમી રૂપવાન રૂપસુંદરી પણ પતિવ્રતા છે. દિયર કેશવની હત્યાથી પોતાના રૂપને કોસતી તે અપહૃત અવસ્થામાં અનિચ્છાએ રાજમહેલમાં દિવસો પસાર કરે છે; પણ મુસ્લિમોના આક્રમણ અને કરણના પરાજયથી તે રાજી થાય છે! પોતે હવે માધવને પાછો મેળવી શકશે એનો એને આનંદ છે. રાજાની અન્ય રાણીઓ જ્યારે વિષાદગ્રસ્ત છે ત્યારે તેનું પ્રસન્ન હોવું સ્વાભાવિક છે. હા, નારીવાદી વિચારકોને દુઃખ થાય એવું એક આલેખન રૂપસુંદરીના દોષનું નિવારણ અને પ્રાયશ્ચિત્તની વિધિ છે! રજપૂત સાથે બળાત્કારથી થયેલો બ્રાહ્મણ સ્ત્રીનો સંસર્ગ, ને એના દોષ-નિવારણ માટે થતી વિધિ સીતાની અગ્નિપરીક્ષાથી સ્હેજેય ઊતરતી નથી. કરણ યુદ્ધમાં પડતાં, ને અણહિલપુર મુસ્લિમોના હાથમાં આવતાં કરણની રાણીઓ સામૂહિક સતી થવા મહેલમાં જ આગ લગાવે છે; પણ એ જ સમયે મુસ્લિમ-લશ્કર આવી જઈ, આગ ઑલવી નાખે ત્યારે દુશ્મનોથી બચવા જાત છુપાવી છૂપા માર્ગે ભાગી નીકળતી કરણની પટરાણી કૌળા પ્રારંભે પતિવ્રતા છે, એટલી અંતે નથી! અલાઉદ્દીનના ઝનાનખાનામાં તે પાદશાહની પ્રિય પત્ની બની બેઠી છે! એવું જ દેવળદેવીનું પણ છે! શંકરદેવને જોયા પછી જન્મેલો પ્રેમ તેને પતિ બનાવવા કૃતનિશ્ચયી છે,; પણ મુસ્લિમો દ્વારા તેનું થતું હરણ તેને પાદશાહના શાહજાદાની બેગમ બનાવી દે છે! કરણ આથી સ્તો તેને ‘કૃતઘ્ન છોકરી’ ને ‘સ્વાર્થી’ કહે છે! સીમિત ગદ્યમાં અસીમિત વર્ણનો આ નવલકથાનો વિશેષ છે. યુદ્ધકથા કહી શકો એટલાં યુદ્ધવર્ણનો ઉપરાંત અહીં મહેલોનાં, પ્રકૃતિનાં, ઋતુઓ અને તહેવારોનાં, સ્ત્રીઓ અને દેવોનાં વર્ણનો નવલકથાનો વિસ્તાર સાથે વૈભવ પણ બને છે. બીજા જ પ્રકરણમાં આવતું કરણના રાજમહેલનું વર્ણન સર્જકની સ્થાપત્યકલાની સમજનું પરિચાયક છે. રૂપસુંદરીના કરણ અને કેશવની હત્યા પૂર્વેની સવારનું વર્ણન કેટલું આહ્લાદક અને આસ્વાદ્ય છે! બાલગાણમાં પ્રવેશતાં જ કરણને પ્રભાવિત કરતી પ્રકૃતિ ભાવકને પણ પ્રસન્ન કરે છે. રૂપસુંદરીનું વર્ણન તો અલૌકિક અપ્સરાથી પણ ચડિયાતું છે! મોઢેરાના કુંડનું વર્ણન હોય કે હોળી નિમિત્તે વસંત અને બાલગાણના શ્રવણ નિમિત્તે વર્ષાનાં વર્ણનો હોય, પ્રભાવક છે. ભૂત-પ્રેત, ચૂડેલ-વંતરી, બાબરો ભૂત કે વિધાતારૂપે રહેલી અજાણી સ્ત્રીનાં વર્ણનો જેટલાં રસિક એટલાં જ રોમાંચક, જેટલાં ભયાવહ એટલાં જ અગોચર આલેખાયાં છે. રાત્રિનું વર્ણન ડરામણું છે. લેખકની વર્ણનકલાનો ક્યાસ કાઢી હિસાબ આપનારાં આ વર્ણનો સર્જકના ભાષાસામર્થ્યના પણ નમૂના છે. ભાષા અને ખાસ તો શૈલીને હું અરૂઢ એટલા માટે કહું કે આ પૂર્વે નવલકથાશૈલીનો કોઈ આદર્શ રચાયો ન હતો. પરિણામે ક્યાંક નાટ્યાત્મકતા કે ક્યાંક કૃત્રિમતા પ્રવેશી જતી હોવા છતાં એ સ્પર્શક્ષમ બન્યા છે. સંસ્કૃત નાટકોનો પ્રભાવ તમને ક્યાંક વર્તાય, છતાં એ મૌલિક છે! રૂપસુંદરીને મનાવતા કરણની ભાષામાં વ્યક્ત પુરુષની પ્રેમઘેલી વાતોની કામુકતા અને મુસ્લિમોનાં ઉલ્લેખો/વર્ણનો/ સંવાદોમાં આવતી કાફર, દીન, કલામ, આબરૂ, દોલત જેવી ફારસી જબાન એના દૃષ્ટાંતરૂપ છે. ઈ. સ. ૧૮૬૬માં પ્રગટ ‘કરણ ઘેલો’ની ભાષા, ઉચ્ચારણ અને જોડણી આજના સંદર્ભે ઘણી જુદી હોઈ, આવશ્યક એવા સુધારા નવી આવૃત્તિમાં થયા છે; પરિણામે ભાષાભેદ ખાસ નથી; છતાં ‘માલૂમ પડે છે’, ‘દીઠામાં આવે છે’, ‘કહેવાની મતલબ એટલી કે’ જેવા આરંભિક કાળના શબ્દસમૂહો કે દુઃખ, પીડા, મુસીબત માટે વારંવાર આવતો શબ્દ ‘મહાભારત’ તત્કાલીન સમય સાથે અનુસંધાન સાધી આપે છે. ‘શું’, ‘જેમ’, ‘હજી’, ‘જે’, ‘અરે’ જેવા પ્રશ્ન કે આશ્ચર્યસૂચક શબ્દનાં આવર્તનોથી રચાતાં વાક્યોની પ્રવાહી સાતત્ય નાટ્યાત્મકતા રચે છે; જેમકે, ‘શું શૂરા ક્ષત્રિયોને વરનારી સ્વર્ગમાંથી અપ્સરા ઊતરીને આવી? શું જગદંબા પોતે જાતે માનવરૂપ ધારણ કરી દર્શન આપી ગયાં?’, ‘જેમ વાડીમાંથી નકામા છોડવા નીંદાઈ જાય; જેમ કીડો ભોંય પર ઘસડાતો પગ તળે કચડાઈ જાય; જેમ એક પશુ જંગલમાં મરી જઈ સડ્યા કરે; તેમ....’, ‘હજી મેં કાંચળી પહેરી નથી, હજી રજપૂત લોકોએ તેઓનું શૂરાતન ખોયું નથી, હજી દેશમાં હિમ્મતવાન માણસો છે...’, ‘જે મહેલ પાટણ શહેર વસાવતી વખતે વનરાજે બાંધેલો; જે મહેલમાં મૂળરાજ, સિદ્ધરાજ... જન્મ્યા, તથા મૂઆ; જે મહેલમાં જયના આનંદકર શબ્દ સંભળાયેલા...’ ‘અરે! આસમાન-જમીન જેટલો તફાવત. અરે! અંધારા-અજવાળા જેટલું અંતર. અરે! શેતાન અને ફિરસ્તા જેટલી જુદાઈ...’ વગેરે. દેવ અને દૈવ સાથે સંબોધન શૈલીના એકપક્ષીય સંવાદો પણ એટલા જ પ્રભાવક છે. જુઓ : ‘અરે રામ! આ શું થયું? અરે દુષ્ટ દૈવ! આ તારો શો કોપ? અરે ભગવાન! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરા ઉપરી આવી પડી?’, ‘અરે! ક્રોધપુત્ર વેર, તું મારી છાતીમાં જાગ્રત થા. હવે તારું કામ છે.’, ‘અરે ઇંદ્રરાજા! તું લોહીનો વરસાદ શા માટે વરસાવતો નથી?’ ...‘રે શેષનાગ! તું ધ્રૂજીને ધરતીકંપ શા માટે કરતો નથી? ... પર્વતો તથા સઘળી નિર્જીવ વસ્તુઓ! તમે શા માટે રડતાં નથી?’ વગેરે. કહેવતો ને રૂઢિપ્રયોગોથી પણ ભાષાને બળ મળ્યું છે. નવલકથામાં અન્ય એક સ્પર્શતું પાસું ચિંતનનું છે. પ્રસંગને અનરૂપ, પ્રેમ, સત્ય,લગ્ન, દામ્પત્યજીવન, સતીપ્રથા, મૃત્યુ આદિ જેવા વિષયોને સ્પર્શતું ચિંતન સર્જકની સમજને વધુ સ્પષ્ટ, વિશદ અને ગહન બનાવે છે. આ ચિંતન ક્યાંક બે-ચાર પંકિતનું, તો ક્યાંક પાના-દોઢ-બે પાનાં સુધીનું ય છે! નવલકથામાં આવતી આઠ-દસ આડકથાઓ સ્વતંત્ર કથા તરીકે ટકી શકે એટલી લાંબી છે! કથાને રસિક બનાવવા, ને ક્યાંક નાયક/ઉપનાયકને પરાક્રમી, નિર્ભિક દર્શાવવા આવતી આ ઉપકથાઓ નવલકથામાં વિસ્તારથી વિશેષ ઉમેરી શકતી નથી. લોભી ડોશી ને લાલચુ ભત્રીજાની, બે વેદાંતી લૂંટારુ ભાઈઓની, બિહારીલાલની લોભી પ્રકૃતિની કે લોભી ને ઘાતકી ભટાણીની કથાઓની બાદબાકી કરીને વાંચવાથી નવલકથાને ખાસ કશું ગુમાવવાનું આવતું નથી. તત્કાલીન સમાજ અનેક રીતે ઝિલાયો છે; તો સામાજિક માન્યતા, લોકમાનસ પણ ખાસ્સું ઝિલાયું છે – જે એ સમયનું અસરદાર ચિત્ર ઉપસાવે છે. ભવાઈ વેળાએ નિર્લજ્જ શબ્દો બોલતા જાત્રાળુઓ, નિષેધ હોવા છતાં મદ્યપાન કરતા દેવીભક્તો, હિંસાને પાપ માનતા હોવા છતાં માતાને પશુબલિ ચડાવતા ભક્તો, જૈન-શૈવ-માર્ગી વચ્ચેનો આંતરકલહ, સમયાંતરે હિંદુઓમાં ઘર કરી રહેલા ઢોંગ, લુચ્ચાઈ, હલકાઈ, નબળાઈ ને જૂઠ બોલવાની આદત જેવા ઉલ્લેખોથી પ્રત્યક્ષ થતો સમય અને પુત્ર વિશે, છોકરી વિશે, બ્રહ્મહત્યા વિશે, અપશુકન વિશે, સ્વર્ગ વિશે ને સતીના આશીર્વાદ-શાપ વિશેનાં વિધાનો લોકમાન્યતાની છબી ઉપસાવે છે. આ નવલકથાનો લોકમાનસ પર પ્રબળ પ્રભાવ પડેલો. કરણના જીવનને લોકનાટકો, ભવાઈવેશોમાં વણી લઈને એને જીવંત રાખ્યો. ઉત્તર ગુજરાતમાં આજે પણ શેરી નાટકો અને ભવાઈવેશોમાં એ રજૂ થાય છે. યાદ રહે, પુસ્તક પ્રકાશનનાં બે વર્ષ બાદ મુંબઈના પારસી થિયેટર ઑફ બોમ્બેએ તે પરથી ‘ગુજરાતનો છેલ્લો રાજા કરણ ઘેલો’ નામે નાટક રજૂ કર્યું હતું. રસિક વાત એ પણ છે કે ઈ. સ. ૧૯૨૪માં આ જ નવલકથા પરથી શ્રીનાથ પાટણકરે ‘કરણ ઘેલો’ નામે જ મૂંગી ફિલ્મ પણ બનાવી હતી! કથાવસ્તુની રસિકતા અને પ્રભાવકતાએ જ અનુવાદકોને પણ આકર્ષ્યા હતા. મરાઠી ભાષાના સામયિક ‘વિવિધ જણાંન વિસ્તાર’માં એ ધારાવાહિક રૂપે પ્રગટ થઈ; તો અંગ્રેજી ભાષામાં તુલસી વત્સલ અને અબાન મુખર્જીએ તેનો અનુવાદ ‘Gujarat’s Last Rajput King - KARAN GHELO’ નામે કર્યો. યાદ રહે, ગુજરાતી સાહિત્યમાં કરણ વાઘેલાના જીવન અને સમયને લઈને ‘કરણ ઘેલો’ પછી ધૂમકેતુ પાસેથી ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨) અને કનૈયાલાલ મુનશી પાસેથી ‘ભગ્નપાદુકા’ (૧૯૫૬) જેવી નવલકથાઓ પણ સર્જાઈ છે! લગભગ પ્રકરણે-પ્રકરણે લેખકનો થતો પ્રવેશ, બિનજરૂરી કથાવ્યાપ, અનાવશ્યક આડ/ઉપકથાઓ, દીર્ઘસૂત્રી વાક્યો/સંવાદો, કોઈ કોઈ જગ્યાએ વર્ણનોની અતિશયોક્તિ, ક્યાંક આડંબરી અને કૃત્રિમ ભાષા જેવી મર્યાદાઓ પ્રથમ નવલકથા હોવાને કારણે સ્વાભાવિક છે. ‘કરણ ઘેલો’ની મોટી સિદ્ધિ એ છે કે એણે ગુજરાતી સાહિત્યમાં ‘નવલકથા’ સ્વરૂપની દિશા ઉઘાડી. ટાંચા ગદ્યથી વર્ણનસામર્થ્ય સિદ્ધ કર્યું, કથામાં રસિકતા ગૂંથી અને ભાવકની જિજ્ઞાસાને જીવંત રાખી, કૂતુહલતા પોષી; કથારસ ખીલવવાની આવડત પછીની પેઢીને શીખવી. ‘કરણ ઘેલો’ ગુજરાતી નવલકથાનું આરંભબિંદુ છે, જે ગુજરાતના છેલ્લા રજપૂત રાજાનો ઇતિહાસ તો સાચવે જ છે; ‘નવલકથા’ સ્વરૂપની દિશા પણ ઉઘાડે છે – માટે અવિસ્મરણીય છે.

ગુણવંત વ્યાસ
ગુજરાતીના અધ્યાપક,
આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ
વિવેચક, વાર્તાકાર, સંશોધક, સંપાદક, સાહિત્ય-કથાકાર-
ગુજરાતીનો અધ્યાપક સંઘના વર્તમાન પ્રમુખ (વર્ષ : ૨૦૨૩-૨૪)